દરિયાપારથી.../સાહસ, સહિષ્ણુતા અને સહસ્રાબ્દી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાહસ, સહિષ્ણુતા અને સહસ્રાબ્દી

ઘણી વાર લોકો કહી બેસતા હોય છે કે, “ઓહો, દુનિયા કેટલી નાની છે.” શું ખરેખર નાની છે દુનિયા? કઈ રીતે? એમ કહેનારા લોકોએ ક્યારેય એ બાબતે કશો વિચાર કર્યો હશે ખરો? નહીં કર્યો હોય – નહીં તો એવી ઉક્તિ કરે નહીં, કારણકે ખરેખર તો, જેવો નિરવધિ કાળ છે, તેવી જ વિપુલા પૃથ્વી છે. એને પૂરેપૂરી નિહાળવી તો કદાચ અશક્ય છે. એનાં સમગ્ર રૂપ, એના સમસ્ત અંશ, એની ઉપરનાં સર્વ જીવન ઇત્યાદિની ભિન્નતા અને વિવિધતાનો તાગ કદાચ ક્યારેય પામી ના શકાય. કોઈ પણ એક જણથી તો નહીં જ. મનને ગમે તેટલું તૈયાર રાખો, હૃદયને ગમે તેટલું ખુલ્લું રાખો – પણ દુનિયા નવાઈ પમાડતી જ રહેવાની. ગમે તેટલું વાંચો કે વિચારો, પણ માહિતી ખૂટવાની જ નહીં. આ જ છે દુનિયાનું સૌથી મોટું આકર્ષણ- એની અખૂટતા. થોડાં વર્ષો પહેલાં જ્યારે આખી સહસ્રાબ્દી બદલાઈ, ત્યારે વિચારકો આજ-કાલ કે સદીઓના જ નહીં, પણ હજાર વર્ષના પરિપ્રેક્શ્યમાં દુનિયા વિષેના ઉલ્લેખ કરવા લાગ્યા. માણસની સમજણની પણ મર્યાદા હોય છે. અત્યારે સામાન્ય રીતે, માણસ માટે દુનિયા અંગેની સ્મૃતિઓની શરૂઆત વીસમી સદીથી, ને કદાચ પ્રથમ વિશ્વ યુદ્ધના અરસાથી થતી હશે. તો આટલાં વર્ષોની પણ કેટલી વિગતો યાદ રાખી શકાય? આ પ્રશ્નનું વજૂદ એવું છે, કે એને આધારે – વિગતો યાદ નથી રાખી શકાતી, તેથી – ઇતિહાસ પણ ફરીથી, નવેસરથી લખી શકાય છે. સામ્યવાદી અને સરમુખત્યારશાહી દેશોમાં એમ કરવામાં આવ્યું પણ છે. તો પછી સાચું શું? ને ખોટું શું? વળી, અગત્યનું શું? ને નકામું શું? સમયના સીમા-ચિહ્ન જેવા એક સહસ્રાબ્દીના અંત અને બીજી સહસ્રાબ્દીના આરંભની નવી મજલમાં અનેક નવા પ્રશ્નો ઊભા થવાના, તથા વિચારકો આગલાં તેમજ આવનારાં હજાર વર્ષો માટે, અનેકવિધ રીતે પરામર્શ કરતા રહેવાના. એક પ્રશ્ન એવો પણ છે, કે પૂર્વના વિશ્વ પર પશ્ચિમના વિશ્વે વિજય કઈ રીતે- શાને લીધે -મેળવ્યો? પૂર્વમાંના બે મોટા દેશ, તે ચીન અને ભારત. બંને ચાર-પાંચ હજાર વર્ષો પહેલાં સુવિકસિત સંસ્કૃતિ ધરાવતા હતા. યુરોપના દેશો ત્યારે હજી પછાત હતા; અમેરિકા અને ઑસ્ટ્રેલિયા તો માંડ હમણાં વસ્યા. દુનિયા પર ખરેખર જ, બે પૂર્વીય દેશોનું આધિપત્ય હોવું જોઈતું હતું. પૂર્વ પાછળ કેમ પડી ગયું હશે, એનાં ઘણાં કારણો અને અનુમાનો હોઈ શકે છે. અમુક જગ-જાહેર હોય, અમુકનો ખ્યાલ પણ ના હોય. જેનો સ્પષ્ટ ખ્યાલ નહતો, એમાંનાં એક અનુમાનમાં મને ખાસ રસ પડ્યો. એ અનુમાનનો સંબંધ સાહસ સાથે છે, હિંમત અને કુતૂહલ સાથે છે, વિશ્વનાં નવાં નવાં સ્થાનોની શોધ સાથે છે. પંદરમી સદી આ પ્રકારનાં તત્ત્વોથી યુક્ત એવો “શોધખોળનો યુગ” કહેવાય છે. એ જ સદીમાં કોલમ્બસ જેવો સાહસ-વીર પાક્યો. વાસ્કો-દ-ગામા થોડા પાછળથી થયા, તો માર્કો પોલોનું મહાપ્રયાણ આગલી સદીમાં થયેલું. આ બધાંથી આગળ – કોલમ્બસથી પણ પંચાશી-નેવું વર્ષ પહેલાં – ચીનના એક સાહસ-વીર થયા હતા. એમનું નામ છે જન્ગ હ (Zheng He). એ એક બળવાખોર ચીની મુસ્લિમ કુટુંબમાં જન્મેલા – ચૌદમી સદીના અંતનાં વર્ષો દરમ્યાન. ચીની સૈન્ય દ્વારા કેદખાનામાં ધકેલાયેલા, ઘણી હેરાનગતિ પામેલા. પછી સદ્ભાગ્યે એક બાહોશ રાજપુત્રના ઘરમાં ચાકર તરીકે એમની નિમણૂક થઈ. ધીરે ધીરે બંને વચ્ચે મૈત્રી પાંગરી, રાજપુત્રે એમને સેનાપતિ બનાવ્યા, અને એમની સહાય-સલાહથી ચીનનું રાજ્ય ઊથલાવીને એ રાજપુત્ર પોતે ચીનના યૉન્ગલ મહાધિપતિ બન્યા. જન્ગ હના આ કાર્યને નવાજવા માટે નવ-સ્થાપિત મહારાજાએ એમને મોટું નૌકાદળ આપ્યું, અમને એના કપ્તાન નીમ્યા, અને બહારના વિશ્વમાં ચીનનું ગૌરવ સ્થાપવા માટે દરિયાઈ માર્ગે મોકલી આપ્યા. ૧૪૦૫થી ૧૪૩૩ દરમ્યાન જન્ગ હએ સાત લાંબી સાગર-સફર ખેડી. એ નૌકાદળ એવું તો વિપુલ હતું કે પછીનાં પાંચસો વર્ષમાં દુનિયામાં બીજું એવું જોવા નહતું મળ્યું. એ પછી છેક પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પશ્ચિમે સરખામણી કરાય એવું નૌકાદળ ભેગું કર્યું. જન્ગ હ પાસે, એ જમાનામાં ૨૮,૦૦૦ ખલાસીઓથી યુક્ત ત્રણસો વહાણ હતાં, જેમાં લાંબાંમાં લાંબાં વહાણ ચારસો ફીટનાં હતાં. આની સામે યુરોપનો ક્રિસ્ટોફર કોલમ્બસ તો સાવ ‘ગરીબ’ લાગે – નેવું જેટલા જ ખલાસીઓ, ને ફક્ત ત્રણ જ વહાણ, જેમાંનું મોટામાં મોટું ફક્ત પંચ્યાશી ફીટ લાંબું હતું. ચીન સંસ્કૃતિ, સંપત્તિ તેમજ વિદ્યાભ્યાસમાં બહુસંખ્ય સદીઓથી અગ્રગામી હતું. વળી, છેક સાતમી સદીથી એ અન્ય પૂર્વીય દેશોની સાથે સંપર્કમાં હતું. ગ્વાન્ગ્જો (કૅન્ટૉન) જેવા શહેરમાં તો બબ્બે લાખ પરદેશીઓ – અરબી, ફારસી, મલે, ઇન્ડિયન, આફ્રિકન, તુર્કી વગેરે – વસવાટ કરતા. જન્ગ હ પણ યુરોપ વિષે અરબી વેપારીઓ પાસેથી જાણવા પામેલા. એ પોતે અને ચીની સત્તાધારીઓ ઇચ્છત તો યુરોપ સાથે સીધો વેપાર સ્થાપી શકત, પણ એમના મતે યુરોપ સાવ પછાત પ્રદેશ હતો. વળી, ઊન, કાચના મણકા, મદિરા વગેરે જેવી યુરોપી ચીજોમાં ચીનને રસ નહતો. એમને જોઈતું હતું તે બધું – હાથીદાંત, ઔષધીય વનસ્પતિ, વિશિષ્ટ કાષ્ટ, તેજાના, અવનવાં પ્રાણીઓ સુદ્ધાં – આફ્રિકામાં હતું, ને તેથી ત્યાં જ ચીની જહાજો પહોંચતાં રહ્યાં. જન્ગ હના જમાનામાં ચીન અને ભારતના હાથમાં દુનિયાની આર્થિક સમૃદ્ધિનો દોર હતો, તેમજ બંને વચ્ચે પણ વેપાર-વણજની ઘનિષ્ટતા હતી. કાળક્રમે આ પરિસ્થિતિ બદલાતી ગઈ. પંદરમી સદીના ચીની સત્તાધારીઓ -એ ઈચ્છ્યું હોત તો પશ્ચિમની દુનિયામાં પણ એમનું સામ્રાજ્ય વસ્યું હોત. જન્ગ હની આગેવાની હેઠળ આખા વિશ્વમાં વિસ્તરવાને બદલે ચીને દ્વાર બંધ કરીને, વિયુક્ત રહેવાનું પસંદ કર્યું. ઇન્ડોનેશિયામાં આજે પણ જન્ગ હનાં સ્થાનક જોવા મળે છે. માંદે-સાજે ત્યાંના લોકો એમના આશીર્વાદ માગવા જાય છે. પણ એમના પોતાના દેશમાં જન્ગ હ લગભગ ભૂલાયેલા છે. એમના પહેલાં પણ ચીની જહાજો દૂર દૂર પહોંચેલાં – છેક મેક્સિકો અને મધ્ય-અમેરિકા સુધી. આ જ કારણે એ પ્રદેશોમાંનાં પ્રાચીન શિલ્પોમાં ચીની મુખાકૃતિનાં ચિહ્ન જોઈ શકાય છે. જન્ગ હએ કરેલી સફરો અસામાન્ય હતી. કદાચ તેથી જ, એમના સમકાલીન ચીનના શ્રીમંતો અને વિદ્વાનો એમને સંદેહની નજરથી જોતા, અને એ બધાએ જ જન્ગ હની સફરોના લેખિત પુરાવાનો નાશ પણ કરી નાખ્યો. એ કરુણતા જ છે કે અદ્વિતીય અભિયાનોની શાશ્વત સ્મૃતિ અન્યોની ઈચ્છા-અનિચ્છા પર આધાર રાખતી હોય છે. પંદરમી સદીમાં જન્ગ હનાં વહાણ કાલિકટના બંદરે પણ વારંવાર નાંગરતાં હતાં. તે સમયની દુનિયાની બે સૌથી શક્તિમાન સત્તાની સમૃદ્ધિનું એ સ્પષ્ટ ચિહ્ન હતું. કાળક્રમે એ ઘસાતું ગયું. દેશ-દેશાવરનાં વહાણોની અવરજવર ઓછી થતી ગઈ, ને પછી બંધ થતી ગઈ. કાલિકટ જાણે કોઈ ખોવાયેલી તકનું પ્રતીક બની ગયું. પછીની સદીઓમાં, ચીનમાં, વિભિન્ન રાજાઓ અને રાજવંશો વચ્ચેનો, અંદર અંદરનાં ઘાતકી યુદ્ધોનો કાળ ચાલ્યો; નૌકાદળનો નાશ કરવામાં આવ્યો, અને ચીન પડતીને રસ્તે પડ્યું. પૂર્વના આગેવાન દેશોના દુનિયા પરના પ્રભાવનું વિસર્જન શાથી થયું હશે, તે માટે ઇતિહાસવિદો અમુક અનુમાન કરે છે. એમાંનાં ત્રણેક આ પ્રમાણે છે : એક, તે કાળે પૂર્વના દેશો લોભી નહતા. પ્રાચીન ચીન અને ભારતમાં સ્વમાન, સંસ્કાર, કળા, ગ્નાન, ધર્મ, નીતિ, પૂર્વજો, કુટુંબ ઇત્યાદિ પર ઘણો વધારે ભાર મૂકાતો. જરૂરથી વધારે ધન કે નફા પાછળ ખાસ ધ્યાન અપાતું નહીં. રાજા-મહારાજા મૂલ્યવાન ભેટ-સોગાદો આપવામાં ઘણો આનંદ પામતા, પણ આવકની વૃદ્ધિની ચિંતા કરતા નહીં. આની સામે, ત્યારના યુરોપનો અભિગમ જોવા જેવો છે. બીજું, ચીન અને ભારતની સંસ્કૃતિ આત્મતુષ્ટ હતી. બંનેની દૃષ્ટિ પોતાની અંદર તરફ રહેતી, ભૂતકાળના ગૌરવ પ્રતિ આદર અને નવા તર્ક-વિતર્કો પ્રતિ સંદેહ રહેતો. એને એક પ્રકારનું ‘બૌદ્ધિક એકાકીપણું’ અને ‘સ્થગિત પ્રકૃતિ (સ્વભાવ)’ કહેવાયાં છે. બંને દેશોની નજરમાં અન્ય દેશો પછાત હતા, અને અન્ય પ્રજાઓ અશિષ્ટ હતી. બહારથી કશું શીખવાનું હતું નહીં, એવી બંનેની માન્યતા હતી. છેલ્લું અનુમાન એ કે ચીન અને ભારત- બંને ખૂબ મોટા એક એક દેશ હતા, જ્યારે યુરોપ ઘણા નાના નાના દેશો-પ્રદેશોનો બનેલો ખંડ હતો. ચીન ને ભારતની સરકારોના નિયમનની અસર સમગ્ર દેશ પર પડતી, જ્યારે યુરોપના દેશો-પ્રદેશો પોતપોતાની રીતે વિચારવા તથા વિકસવા મુક્ત હતા. જો ચીન-ભારતનાં વલણ આનાથી જુદાં હોત તો શું ખરેખર પૂર્વનું આધિપત્ય આજે પણ આખી દુનિયા પર હોત? પણ આખી એટલે કેટલી? શું પૃથ્વીની વિપુલતાને સર્વાંગે આવરી શકાય? હા, કદાચ – પણ તે સામર્થ્યની વાસનાથી નહીં, પણ સહિષ્ણુતાના યત્નોથી જ શક્ય બને. આ નવી સહસ્રાબ્દીમાં જો આવી ઈચ્છા વહેતી થાય તો? શું એ શક્ય બને ખરી? આજે?, આ અનેક નવાં ઉપકરણોની લાલચ-લાલસામાં બદ્ધ થયેલી દુનિયામાં? દુનિયા નાની તો ક્યારેય થવાની નથી, પણ એ નિકટ અને નિજી બની શકે એવી પણ શક્યતા, ને સંભાવના છે ખરી?