દરિયાપારના બહારવટિયા/૪. કામરૂનો પ્યાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪. કામરૂનો પ્યાર

પોલીસ અધિકારી બીજી કથા કહે છે: બુલંદ વંકા કાર્પેથિયન પહાડની મૂછોને એક છેડે, વિનગા નામના નાનકડા ગામડામાં થાકીને લોથ થયેલા મારા શરીરે એક દિવસનો વિસામો માંગ્યો, એ હંગેરી દેશના નાજૂક મુસાફરખાનામાં મેં મારો ઘોડો બાંધ્યો. મને આપવામાં આવેલા એ સૂવાના ઓરડામાં પોપટિયા રંગના પડદાથી અને લંબગોળ આકારની નાની નાની બારીઓથી મારા અંત:કરણને ટાઢાશ વળી ગઈ. સોનલ ધાન્યથી લચકતાં ખેતર ઉપર સંધ્યા રમતી હતી. નીલાં ગૌચરો ઉપર આથમતો સૂરજ કંકુ ઢોળતો હતો. તેની પછવાડે, પરીઓના દેશની આડે પડેલી હોય તેવી પાઈન ઝાડોની ઊંચી ઊંચી કાળી અટવી જાણે કે એ ભૂરા કાર્પેથિયનના અપ્સરાલોકમાં કોઈ માટીનું માનવી ન પેસી જાય તે સારુ રસ્તા રૂંધીને ઊભી હતી. ઈંડા-આકારની મારી બારીમાંથી હું નીરખી રહ્યો હતો: ત્યાં - ત્યાં, એ અભેદ્ય પહાડોના અંતરમાં પુરાતન ઝીંગારી જાતનાં કામરૂ લોકો વસતાં હશે. ઝીંગારીઓની રાણી એક નામીચી બહારવટિયણ હતી, એને વિશેની કંઈ કંઈ ચમત્કારઘેરી વાતો મારે કાને આવી હતી. મારો પ્રાણ એ ઝીંગારીઓને મળવા પહાડો પર ફાળ ભરી રહ્યો હતો. મુસાફરખાનાની એ મધુરમૂર્તિ માલિકણને મેં પૂછ્યું: “કાલે તો રવિવાર છે એટલે આંહીં લોકોના રંગરાગ અને નાચગાન જામશે, ખરું?” “ખરું, ખરું.” એણે પોતાની જૂઈના ફૂલ જેવી દંતાવળ ચળકાવતો મીઠો મલકાટ કરતાં કહ્યું: “તમે ઠીક વખતસર આવ્યો છો. કાલ તો અહીં અમારા એક સંતના માનમાં ત્રણ દિવસનો મેળો ભરાશે. તમને અમારી મેગ્યર જાતના રીતરિવાજ, લેબાસ - પોશાક અને માણસતૂણસ જોવાનું મળશે.” “કોઈ ઝીંગારી આવશે?” કામરૂ લોકોને મળવાની આશાએ મેં પૂછ્યું. એ બાઈએ ખભા હલાવ્યા: “જિપ્સીઓ? કામરૂ લોકો? – હા, રોયાં એ પણ ભેગાં થશે. હજી ઘણાં બાકી રહ્યાં છે. એ રોયાના સંતાપ હજી ટળ્યા નહિ, ઓલ્યો મદારી, જોસફ ભાભો એનું રીંછડું લઈને આવવાનો, જોસફ મદારી તો પેલાની જોડે - " એકાએક બાઈ ચૂપ બની. “કામરૂ બહારવટિયા માઈકલની ટોળી માયલો જોસફ ને?” મારાથી બોલાઈ ગયું. બાઈના મોં પરથી હાસ્ય ઊડી ગયું. કરડાઈ છવાઈ: “શું! તમે વળી માઈકલ અને નાઈઝીની બાબત શું જાણો છો? હં! સરકારના જાસૂસ લાગો છો.”

“ના રે બહેન હું તો અંગ્રેજ છે. હું આંહીંનો નથી, પણ એ કામરૂ વર-વહુ માઇકલ-નાઈઝની વાતો તો ક્યાંની ક્યાં જાતી પહોંચી છે. ને તો કળાકાર રહ્યો તેથી મને એમાં રસ પડ્યો છે.” “તમે કળાકાર છો?” ચકોર નજરે એણે મને નખશિખ નિહાળ્યો, “તમે ચિતર કાઢતા તો લાગતા નથી!” “ચિતર નથી કાઢતો, પણ બહેન! કળાકાર તો જાતજાતના હોય છે ને! મારે તો એ કામરૂ બહારવટિયાની વાત જાણવાની ભારી તલપ છે.” “તો કાલ જોસફ મદારીને પૂછજો. એક સોનામહોર એના હાથમાં સરકાવી દેજો. માઈકલ - નાઈઝીની વાતોના ઢગલે ઢગલા કરી દેશે. અરેરે! શી એ જોડલી હતી! પરી જેવાં રૂપ: શૂરવીર પણ એવાં: નાચવે ગાવે ગાંધર્વ જેવાં ને લોહીનાંય એવાં જ તરસ્યાં! પણ ગરીબને ન લૂટતાં હો!” “તો શું એ મૂએલાં છે?” “મૂએલાં!” બાઈના મોં ઉપર ગેબી ભાવ પથરાયો: “કોને ખબર, ભાઈ! મૂએલાં હોય તોયે હજુ ધરતી માથે હીંડે છે. અમને દેખા દિયે છે.” એટલું બોલીને એણે છાતી પર હાથનો સાથિયો કર્યો: “જોસફ ભાભાને પુછજો, મારા હોઠ તો સિવાઈ ગયેલા છે. ને જો અંગ્રેજ ભાઈ! તું આંહીં કોઈની પાસે માઈકલનું નામ પણ ન લેતો. હો! નીકર. છાતીમાં છૂરી હુલાવી દેશે કોક!” મેં એ ચેતવણી સમજી લીધી. કદાચ બહારવટિયા-બેલડી આંહીં ક્યાંક આસપાસ છુપાઈ હશે. રાતે વાળુ કરી, હંગેરી દેશની હેમવરણી મદિરાનો કટોરો ગટાવીને હું સૂતો. રાતે જાણે કે એ નિર્જનતાની અંદર કોઈ ભટકતાં કામરૂ લોકોનાં દર્દભરપૂર ગીતોના હિલ્લોલ હું સાંભળતો હતો: અજબ જાતની જૂજવી ખુશબો વહેતો પવન મારા નાના ઓરડાની આસપાસ સિસોટી ફૂંકતો હતો. દૂરદૂર કુત્તાં ભસે છે અને ઘોડલાં હણહણે છે જાણે, કોઈ વરુ જાણે વિલાપ કરતું હતું. મારી નસો ત્રમ-ત્રમ થતી હતી. કામરૂ લોકોની જે જે ગેબી કથાઓ મારે કાને આવી હતી, તેને માટે કેવું યોગ્ય રમ્ય-ભયાનક વાતાવરણ આ પહાડી નિર્જનતામાં વ્યાપી રહ્યું છે! આવા આવા વિચારોથી ભરપૂર હૈયે હું સૂતો, આખી રાત એ ભણકાર ચાલુ રહ્યા, સવારે મોડી મોડી મારી નીંદ ઊડી.


[૨]


હરિયાળા મેદાન ઉપર હારબંધ રાવટીઓ ખેંચાઈ ગઈ છે. મેળો મંડાઈ ગયો છે. ભમતો ભમતો. હું જોસફ મદારીને શોધતો હતો. ખેડૂતોના એક કિલ્લોલતા ગાંડાતૂર ટોળાની વચ્ચે એ પોતાના તોતિંગ રીંછને રમાડી રહ્યો હતો. હાથમાં સાંકળ હતી. રંગે કાળો, પડછંદ, કુસ્તીબાજ અને લાંબા કેશવાળો એ મદારી ત્રીસ વરસનો હશે કે સાઠનો તે કહેવું કઠિન હતું. એના ચહેરા ઉપર ઊંડી કરચલીઓ હતી, માનવલોકની બહારની કોઈ મુખમુદ્રા હતી, પશુતા હતી, કંગાલિયત હતી; એવું એવું હતું કે મળતાં દિલ પાછું હઠે.

રમત ખતમ થઈ. રીંછડો સહુને સલામ કરતો કુંડાળે ફરવા લાગ્યો. એની ડોકે બાંધેલા ડબામાં પાઈપૈસો પડવા લાગ્યાં. લોકો બીજા તમાશા જોવા ચાલ્યા ગયા. એકલા પડેલા એ મદારીની પાસે જઈ એના હાથમાં મેં એક સોનામહોર મૂકી દીધું. “હું એક અંગ્રેજ છું. મારે માઈકલ-નાઈઝીની કથા સાંભળવી છે. જોસફ ભાભા!” ચકોર્ નજરે ચોમેરે જોઈને એણે મને કહ્યું, “અત્યારે આંહીં નહીં. રાતે આવજે મારી રાવટીએ. ઓ રહી, છેવાડાની છે તે મારી. પણ મને હજુ એક મહોર દેતો જા. કામ છે મારે!” રાત પડી. તમામ લોકો નાચગાનમાં ગુલતાન છે. છેલ્લી રાવટી ઉપર એકલવાયો જોસફ મદારી હુક્કો તાણી રહેલો છે. બાજુમાં તોતિંગ રીંછડું મોં પરની શીંકલી પગના પંજામાં દબાવીને ઘરર ઘરર અવાજ્ દેતું પડ્યું છે. “આવો ભાઈ!” મીઠી ઈટાલિયન ભાષામાં એણે મને આદર દીધો. “તમે ઈટાલિયન ભાષા ક્યાંથી જાણો, ભાભા?” મેં સહર્ષ પૂછ્યું. “હું મારા ધણી માઈકલ જોડે બહુ ભટક્યો છું, ભાઈ! માર ધણીએ મને સાંજરે પરવાનગી દીધી છે તમામ વાત તને કહેવાની. તેણે એમ્ પણ્ કહેવરાવેલું છે કે તું પહાડના લોઢાઘાટની પડખે હાટઝેગનાં સાધ્વીમઠમાં પણ જઈ આવજે. ત્યાં સાધ્વીજી એન્જેલીન મા છે ને, એને નાઈઝીની સાથે બે’નપણાં હતાં. તુંને ઘણી વાતો કહેશે. મારું નામ દેજે. એન્જેલીન મૈયા કોઈ પુરુષને મળતી નથી. પણ માઈકલની મરજી છે તેથી તુંને મુલાકાત દેશે. મારા ખાવિંદની આવી મહેર તો પહેલવહેલી આજ તારા ઉપર જ ઉતરી છે, હો ભાઈ!” “પણ માઈકલ આંહીં હોય તો એ પોતે જ મને ન મળે?” “અરે ભાઈ! મારો ધણી માઈકલ તો ચાર સાલ પહેલાં ગુજરી ગયો છે. બરાબર આ જ દિવસે એ કામ આવેલો.” “પણ તમે કહ્યું કે –” “હા, હા મેં કહ્યું કે એનો રૂહ - એનું પ્રેત મારી સાથે વાતો કરી ગયું, એનો રૂહ હજુ અહીં પહાડોમાં જ ઘૂમે છે. તે પોતાના કરેલા દરેક અપરાધની તોબાહ પોકારે છે. એ એકોએક અપરાધની દરગુજર મળ્યા વગર એ જંપશે નહિ. આ બધું તો તને પાછળથી સમજાશે. તને આ તમામ નાદાની લાગતી હશે. ખેર, તમે ઓતરાખંડના લોકો માનવીની ઇચ્છાશક્તિને શી રીતે પિછાનો? પણ ભાઈ રે! માઇકલ-નાઈઝી જેવાં પ્રેમીઓને છૂટાં પાડવાની તાકાત તો મોતની પણ નથી.” “ત્યારે નાઈઝી શું હયાત છે?” “પછી ખબર પડશે. લે, હવે જલાવ તારી બીડી ને સાંભળ.”


[૩]


મદારીએ વાત માંડી: મારા બચપણમાં જ હું મારા કામરૂ લોકોના ટોળામાંથી વિખૂટો પડી જંગલમાં ગુમ થયેલો. ત્યાંથી શિકારે નીકળેલા એક અમીરે મને ઉઠાવી જઇને આશરો દીધો. બીજાં બચ્ચાંઓની ભેળો મને પણ ભણાવવા માંડ્યો. પણ અમે જિપ્સી લોક, મારી નાખો તોવે મને વિદ્યા ન ચડે, અમે કામકાજનાં આળસુ: ચોરીમાં, નાચગાનમાં ને શિકારમાં પ્રવીણ: બુદ્ધિમાં કોઈથી ઊતરતાં નહિ, પણ કામ? મહેનન? એને ને અમારે આડવેર. પણ હું ચતુર, અક્કલમંદ જુવાન બન્યો, એટલે માલિકે મને એના ફરજંદ માઇકલનો ખાસ પાસવાન બનાવ્યો, બ્યુડાપેસ્ટ નગરમાં માઇકલ ભણ્યો તે તમામ વ૨સો હું એની જોડે જ હતો. ને માઈકલ પણ કેવો માલિક! ભારી ભલો: અસલ જાતવંત મેગ્યર: મગરૂર અને જોશીલા જિગરનો જુવાન: સાથેસાથે કેવો રહેમદિલ ને વિચારવંતો! ઓહોહો, કેટલી કેટલી અમીરજાદીઓ એનો પ્યાર જીતવા તલખતી’તી! પણ માઇકલનું દિલપંખીડું એ મહેલાતોમાં, અમીરી રૂપનાં ગુલાબોમાં અને ભપકામાં માળો ન નાખી શક્યું, મુકદ્દરમાં ભયંકર વાત માંડી હશે ને! એનો બાપ ગુજરી ગયો. એના ખેડૂતોએ એને છેતરીને કંગાલ કરી મૂક્યો. મીણ જેવો જુવાન કડક ન બની શક્યો. મને અને એક ઘોડાને નભાવવા જેટલી તાકાત માંડમાંડ બાકી હતી. એવે ટાણે એક વાર અમે બેઉ એના બાપના ભાઈબંધ એક ઉમરાવને ગઢે ગયા. ત્યાં જુવાન માઇકલના ઉપર કેવું વશીકરણ થઈ ગયું! પહોળા ચોગાનમાં ગામના ઉમરાવો અને અમલદારોની મેદની વચ્ચે એક કૂંડાળાની અંદર મારી જ ઝીગાની જાતનાં નટલોક કોઈ ભારી જલદ નાટારંભ ખેલી રહેલાં છે, અને એ તાળીઓ પાડતાં મર્દો-ઓરતોની વચ્ચોવચ્ચ એક જોબનવંતી કામરૂ કન્યા ઘેલી ચકચૂર બનીને પોતાના બદનનું સર્પાકાર નૃત્ય, વાજિંત્રોના સૂરતાલ સાથે એકતાર બની જઈને બતાવી રહી છે. મેં જોયું કે માઇકલ કોઈ કારમી ચોટ ખાઈને આ કામરૂ સુંદરી સામે તાકી રહ્યો છે. એના ચહેરા ઉપર મૉતની ફિક્કાશ ચડી આવે છે. “ઓ જોસફ!” એણે મને કહ્યું, “આ પોતે જ મારા સ્વપ્નની સુંદરી. હું એને જ પરણીશ, ઉઠાવી જઈશ.” સાંભળીને મને કોઈ અપશુકનનો આંચકો લાગ્યો, કેમ કે આ ઝીગાની લોકો – આ કામરૂ લોકો – પોતાની જાતની બહાર શાદી કરતા જ નથી. ને એની કન્યાને ઉઠાવી જવી એ તો મોત સંગાથે રમવા જેવું થશે. હું તો એ પણ જોઈ રહ્યો હતો કે આ છોકરી વૈભવવિલાસની લાલસામાં ચકચૂર હતી. સાંજ પડી. એ છોકરી – એનું નામ નાઈઝી – એક મોટા ખંડના ખૂણામાં બેઠી બેઠી સૌના હાથની રેખાઓ જોતી હતી, ભવિષ્ય ભાખતી હતી. માઇકલ એની પાસે પહોંચ્યો. કહ્યું, “ઓ કામરૂ! મારુંય કિસ્મત કહે.” પ્રથમ તો કામરૂ લોકો ધંધાદારી રીતે જે ઢોંગધતૂરા કરે છે તે ચાલ્યું. પણ પછી એકાએક છોકરીએ ઊંચું જોયું. એની બે કાળી મોટી આંખો તાજુબી સાથે - થરથરાટ સાથે માઇકલનાં મોં તરફ તાકી રહી. “તારી હસ્તરેખામાં કાળ છે – મૉત છે - મૉત સિવાય કંઈ જ નથી.” એ પુકારી ઊઠી: “તારું મૉત - અને તારી સંગાથેના અનેકનું! તને દેખીને, ઓ જવાન, મને કંઈનું કંઈ થઈ જાય છે. હવે હું સમજી કે આજે તને પહેલાં પ્રથમ ભાળતાં જ મન શા સારુ તારા મોં પર જૂની ઓળખાણ લાગેલી. ઓ કોઈ ત્યાંથી મારો ગેબી ગોળી લાવજો તો!” એમ કહી એણે હુકમની તાળીઓ પાડી. એની ટોળાનો એક વૃદ્ધ ત્રિકાળદર્શી કપડે ઢાંકેલો એક કાચનો ગોળો લાવ્યો. ગોળ મેજ પર ગોળો મુકાયો, કામરૂ સુંદરી દીવાલે ઢળી એના ઉપર સાત વાર હાથ ફેરવીને એ વૃદ્ધે એને સમાધિમાં સુવાડી. પછી પૂછ્યું: “બેટિયા: તને શું દેખાય છે આ ગોળામાં?” ઘણી વાર સુધી જવાબ ન મળ્યો. પછી એક ચીસ નાખી ને ગોળાને મેજ પરથી ઉરાડી મૂકી એ ઓરડામાંથી ભાગી. હું ને માઈકલ એની પછવાડે ગયા. ચોગાનમાં જ્યાં બજવૈયાઓ વાજિંત્રો બજાવી રહ્યા હતા ત્યાં એ પાગલ બનીને નાચવા લાગી. માઈકલ એને પૂછવા જાય ત્યાં તો પોતાનું માથું પાછું નાખી દઈ, ઠઠ્ઠા ઉડાવતી એ બોલી ઊઠી: “ગોળો કહે છે કે તારું ને મારું મુકદ્દર સાથે દોડી રહેલ છે. પણ હું તકદીરનેય ફરેબ દેવાની. કોઈ મર્દને કબજે હું નથી થવાની.” એ નાઈઝી! શયતાન હતી એ. ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી એણે મારા ખાવિંદને દીવાનો બનાવ્યો. કેવી ઠગારી! ઘડી વાર મીણ જેવી મુલાયમ બનીને પ્યાર કરવા દિયે, અને જાણે ચૂમી સારુ તલસતી હોય તેમ હોઠ સામા ધરે, એ જ પળે પાછી સરી જઈ દૂર ખડીખડી અટ્ટહાસ્ય કરે. આખરે મેં માઈકલને કહ્યું: “આજીજી છોડો – સત્તા ચલાવો, ખાવિંદ! હું ઝીંગાનીઓને જાણું છું. એ એક જ રાહ છે.” માઈકલે રુઆબ ચલાવ્યો – અને જવાબમાં એના ચહેરા પર એક ચાબુક ચોંટી ગયો. ચણોઠી જેવું લાલ લોહી ઊપડી આવ્યું, દેખીને મને ખૂબ દુઃખ થયું. શી હાલત આણે કરી છે મારા ધણીની! ફિકર નહીં. ઊંડે ઊંડે એને પ્યાર જ છે. ત્રીજા દિવસની સાંજે કામરૂ લોકો ચાલ્યાં ગયાં અને માઈકલ દોડતો મારી પાસે આવ્યો: “ઓ જોસફ, જલદી ઘોડા પલાણો. નાઈઝીએ મને પરણવાનો કોલ દીધો છે - જો હું એક વરસની અંદર બે લાખ સિક્કા લઈને એની પાસે આવું તો.” “બે લાખ સિક્કા!” મેં ચમકીને પૂછ્યું. “ફિકર નહિ. મારી પાસે આખી બાજી છે. ચાલો જલદી.” મારો ગાંડોતૂર ધણી પાટનગરમાં ગયો. ત્યાં એણે પોતાનાં જરજાગીર મૂકીને એક રકમ ઉપાડી ને પછી અમે પહોંચ્યા ભૂમધ્ય સાગરને કિનારે – સાં રેમોના જુગારખાનામાં. હાર્યો, હાર્યો, મારો ધણી તમામ દોલતને ગુમાવી બેઠો. એ જાદુગરી નાઈઝીના નામ પર મેં કેટલા શાપ વરસાવ્યા! ત્યાંથી અમે મૉન્ટે કાર્લોના દ્યૂતાગારમાં દાખલ થયા. સંધ્યા હતી. દરિયો, આકાશ અને એ બુલંદ જુગારખાનું જાણે લોહીમાં ભીંજાયેલાં હતાં. મારા માલિકનાં હાથ અને મોં ઉપર પણ આથમતો સૂરજ લોહી જ રેડતો હતો. “શુકન! સારાં શુકન!” કહેતો મારો માલિક જુગટે ચડ્યો, જીત્યો, જીત્યો, અપરંપાર સોનું જીત્યો. ગાંસડી બાંધીને અમે પાછા બુડાપેસ્ટમાં આવ્યા. ઘણા મહિના થયા હતા. જાણે નાઈઝી રાહ જોતી હશે. એણે કહેલું કે મારી જાતના કામરૂ લોકોને મારો પત્તો પૂછજો. અમે એ સૌને પૂછવા લાગ્યા: “નાઈઝી ક્યાં?”

કોઈ જવાબ ન આપે. આખરે અમે એક કામરૂને પકડી મોતનો ડર બતાવી પૂછ્યું: “બો’લ જલદી, નાઈઝી ક્યાં છે?” “પેલા ગઢવાળા અમીર ભેગી.” દેટમદોટ ઘોડો દોડાવીને અમે એ અમીરને ગઢે પહોંચ્યા, પણ અગાઉથી વાવડ મળી ગયા હશે. ગઢની દેવડી બિડાઈ ગયેલી, અમે દ્વાર પર હથોડા ઝીંક્યા. આખરે એક ડોસા પરોળિયાએ બારી ઉઘાડી, અમને દેખતાં જ એણે ફરી ભોગળ ભીડવા માંડી. પણ અમે સમય ન રહેવા દીધો. અંદર ધસ્યા. મકાનની અંદર ચડવા જઈએ છીએ ત્યાં તો રાત્રિના કોઈ પ્રેતસમું એક સફેદ કલેવર છાયાની અંદરથી નીકળીને અમારી સામે આડા હાથ દેતું ઊભું રહ્યું. “આવી પહોંચ્યો – મારો કાળ આવી પહોંચ્યો.” એવા બોલ અમારે કાને પડ્યા. અને એક પાગલ, કરડું – ઠઠ્ઠાભર્યું હાસ્ય ગાજી ઊઠયું. એ હાસ્ય બીજા કોનું હોય? - એ નાઈઝી જ હતી. “નાઈઝી! ઓ નાઈઝી!” માઈકલ પુકારી ઊઠ્યો: “આંહીં શું કરે છે? આમ જો, તારા હુકમ મુજબ હું પૈસા રળી લાવ્યો. તારો કોલ સંંભાર.” “બહુ મોડું થઈ ગયું. માઈકલ!” કામરૂ કુમારી બોલી ઊઠી: “હવે તો હું શ્રીમતી ટાર્નફીલ્ડ સાહિબા છું. મારો વર આવી પહોંચે તે પહેલાં તું ચાલ્યો જા, માઈકલ!” એને ભુજપાશમાં લેવા માટે માઈકલ દોડ્યો. ત્યાં તો એ છોકરીની પછવાડેથી કટાક્ષના શબ્દો સંભળાયા: “હા, મારા વહાલા માઇકલ! જે ગેરહાજર રહે તે હંમેશાં ગમાર જ છે. આપની હવે જરૂર નથી રહી. પધારી જાઓ.” એ બોલનાર વૃદ્ધ, કરપીણ, કાળમુખો ગઢપતિ ટાર્નફીલ્ડ જ હતો. માઈકલ પાષાણ બનીને ઊભો થઈ ગયો. પછી એણે અંતરની દર્દભરી આહ ઉચ્ચારી: “ઓ નાઈઝી! તું તો મને વચન આપી ચૂકેલી ને? હું મારાં ઘરબાર વેચી કરીને પણ તેં માગી તેટલી દોલત લઈ આવેલો છું.” “અહાહાહા!” ગઢપતિ હસ્યો. “એને દોલત કહો છો જી તમે? એથી જ્યાદે તો શ્રીમતીએ ક્યારનીયે પોતાના પોશાક અને પગની મોજડીઓ પાછળ ખરચી નાખેલી છે.” “પીટ્યા, જૂઠું બોલછ!” નાઇઝી તાડૂકી ઊઠી. ઉમરાવે કાળા નાગની માફક પાછા ફરીને સ્ત્રીના મોં પર જબ્બર તમાચો લગાવી દીધો. માઈકલથી આ દીઠું ન ગયું. એ કૂદ્યો. ઉમરાવે ગોળી છોડી. ગોળીબાર ખાલી ગયો. માઇકલે પિસ્તોલ પડાવી લીધી, કહ્યું: “તારી એ પરણેતર છે, ખરું ને? પણ હમણાં જ એ તારી વિધવા બનશે” “મારે પણ એ જ જોઈએ છે, જુવાન! કાલે સવારે દિવસ ઊગ્યા પહેલાં આપણે બેઉ એકલા જંગલમાં મળશું: તું ઊગમણેથી આવજે હું આથમણેથી દાખલ થઈશ. બેમાંથી જે જીવતો બહાર નીકળે એ નાઈઝીના હાથનો માલિક ઠરશે.” એક કામરૂ છોકરીને માટે એમ એકલહથો જંગ લડવાનું નક્કી થયું. પણ મને ઈતબાર નહોતો. મને દગલબાજીની ગંધ હતી. એટલે પરોઢિયે હું એ અમીરના ગઢની દીવાલે જ કાન માંડી આંટા દેતો હતો. મારો ડર સાચો પડ્યો. ઉપરની એક બારીમાં કશીક ઝપાઝપી મચી છે. જાણે નાઈઝી ગુસ્સાના ભડકા કાઢી રહી છે. સામે ટાઢોબોળ જવાબ અપાય છે. જવાબ દેનાર ઉમરાવ ટાર્નફીલ્ડની જ જબાન! મારો માલિક ક્યારનો જંગલમાં છે, ને આ વિશ્વાસઘાતી હજુ આંહીં! દગો છે! માઇકલ, દગો છે! એવી! ચીસો પાડતો હું જંગલમાં દોડ્યો , પાંચ બોકાનીદાર ખૂનીઓ અને માઈકલની વચ્ચે રમખાણ મચ્યું હતું. હું પણ તૂટી પડ્યો, અમે બન્નેએ મળીને આખરે કેટલી મહેનતે પાંચેય જલ્લાદોને પૂરા કર્યા! ચહેરો ખોલતાં જ પરખાયા: પાંચેય એ ઉમરાવના જ નોકરો. મેં માઈકલને દગો સમજાવ્યો. અમે બેઉ ગઢમાં દોડ્યા, સીડી પર ધસ્યા, એ જ ઓરડાનું દ્વાર ધક્કો દઈ ખોલ્યું. અમીરની બંદૂકના ભડાકાએ આવકાર દીધો. એક ખૂણામાં નાઈઝી ઊભી છે. એના કાળા લાંબા કેશ એને ઓઢણીની માફક ઢાંકી રહેલ છે. એનાં કપડાં શરીર પરથી ચિરાઈ ગયાં છે. એના કપાળ પરના જખ્મમાંથી લોહી વહે છે. એના હાથમાં છૂરી છે. ધણીની દગલબાજી ઉપર આ લોહીલોહાણ કજિયો જામેલો હતો. અમીરની પહેલી ગોળી બારણામાંથી સૂસવતી ગઈ તે પછી માઈકલ ઓરડામાં પેઠો. અમીર બીજી વાર કરે તે પહેલાં તો નાઈઝીની છૂરી એના ગળામાં ઊતરી ગઈ હતી. “નાઈઝી! ઓ નાઈઝી!” માઇકલ ભુજાઓ પાથરીને કરગર્યો. “ચાલો, પોલીસ આવે તે પહેલાં નાસી છૂટીએ. આપણે પાંચ ને એક છ ખૂનો કર્યો છે. આપણે બહારવટિયા ઠર્યા. બે જ રસ્તા છે આપણે માટે: કાં ફાંસીનો, ને કાં પહાડોનો.” પણ નાઈઝીએ એને ઠેલી દઈને તીણું હાસ્ય કરી કહ્યું: “દેખ માઈકલ, મેં તકદીર સાચું જોયેલું. દેખ! લોહી! હવે તો એની નીકો ચાલુ થઈ ગઈ. એ જ મારા મુકદ્દરનો માર્ગ છે, પણ એ માર્ગે હું તને નહિ ઘસડી જાઉં. એકલી હું જ જઈશ.” એટલું બોલીને એ ભાગવા લાગી. પણ માઇકલ કહે, “મારે તારા વિનાનું જીવતર નથી જોતું. તારે જ રસ્તે મારી મુસાફરી છે. લોહી તો લોહી.” નાઇઝી નથી થોભતી. એ જાય છે. દોડીને માઈકલે એના માથા પર પોતાનો ઝભ્ભો નાખી દીધો. એને ઉઠાવી, જકડી, અમારા ઘોડા પર નાખી, અમે ઊપડ્યા. પોતાના ઘોડા પર નાઇઝીને નાખીને માઇકલે મને કહ્યું: “જોસેફ, દોડ જલદી કામરૂઓના ગામડામાં. નાઇઝીના કાકાને લઈને પહાડોમાં આવજે. ઝર્ની ઘાટ પાસે અમે વાટ જોશું. કહેજે એને, કે ઝીંગારીઓ અમારા વિવાહમાં ભેળા થાય. જલદી, જોસફ.” હું ગામડે ગયો ત્યાં તો બુઢ્ઢો ઝીંગાની ગાડાં, ગધેડાં ને ઘોડાં લાદીને તૈયાર ઊભો હતો. એણે કહ્યું કે, “ભાઈ, ગેબી ગોળાએ મને તમામ ખબર દીધા છે. જેવાં તકદીર! ચાલો.”


[૪]


અમે સૌએ કાર્પેથિયન પહાડની અભેદ્ય કિલ્લેબંદીમાં વાસ લીધો. ચોપાસ અખંડ શિખરમાળા હતી, તેનેય ફરતી અખંડ પાતળી ખાઈ હતી. એક જ ઠેકાણે સાંકડો રસ્તો હતો. ખાઈ ઉપર લાકડાનો એક નાનો પુલ હતો. પુલ ઉઠાવી લઈએ એટલે શત્રુને પેસવાની તસુય જગ્યા ન રહે. અંદરના આખા વાસમાં કંઈક કુદરતે કોરેલી અને બીજી પુરાતન કાળના કોઈ દૈત્ય-શાં જબ્બર માનવીઓએ કંડારેલી ગુફાઓ હતી. મારા ધણીએ સજાવટ માંડી દારૂગોળા, હથિયાર, લૂગડાં, અનાજ વગેરે તમામ સાયબી લાવવા સારુ ગાંડાં ને ઘોડાં મોટાં શહેરોમાં રવાના કર્યા. બાલ્કન લડાઈ માયલી એક તોપ પણ મેળવીને વંકી ટેકરી પર માંડી દીધી. એક ઊંચી બત્તી લટકાવી. સંત્રીઓ બેસાર્યા. આમ રીતસર સરકાર સામે મોરચા માંડ્યા અમારાં માથાં સાટે મોટાં ઇનામો તો જાહેર થઈ ચૂક્યાં હતાં. પણ પહાડોનાં જાણભેદુ જિપ્સી લોકોમાંથી કોઈ એ લાલચમાં ન લપટાયું. કારણ? કારણ કે જિપ્સીઓને ઊંડી દા’ ભરી હતી. ઑસ્ટ્રિયાના ગવર્નર ત્રીસ જિપ્સીઓને રિબાવી રિબાવી, ખોટેખોટાં કદી ન કરેલાં ખૂનો કબૂલ કરાવેલાં અને ખૂનોની લાશો ન જડી તે પરથી આ અભાગી કામરૂઓને માનવભક્ષી અઘોરીઓ ઠરાવી ફાંસીએ લટકાવ્યા હતા. તેઓને આજ એ વેર વાળવાનું ટાણું મળ્યું હતું. પણ આ બધી સજાવટ અને સાયબીમાં શી મઝા હતી મારા માલિકને? જેને સારુ આ મૉત નોતર્યું ને નાઇઝી તો એકની બે થતી નથી. પોતાની અલાયદી ગુફામાં એ રહે છે, એનો એકેય કોડ અણપૂરેલો રહેતો નથી. છતાં એનું દિલ નિષ્ઠુર જ રહ્યું. એવી જિંદગીથી કંટાળીને માઇકલે જાહેર કર્યું કે આ બધી દોલત નાઈઝીને સોંપી દઈ હું જાઉં છું જગતમાં પાછો. ત્યાં સરકારની તોપે બંધાઈને ખતમ થઈ જઈશ. કામરૂઓએ ખૂબ કલ્પાંત કર્યો. પણ માઇકલ ઘોડે ચડી નીકળી ગયો. હું પણ એની જોડે મરવા ચાલ્યો, ટેકરી પરની તોપમાંથી છેલ્લી સલામ હડૂડી ઊઠી. પણ અમે ખીણમાંથી નીકળતા હતા ત્યાં તો પછવાડે ઘોડાના દાબડા ગુંજ્યા. મારતે ઘોડે, પોતાના માથા પરનો સદ વાદળી સરખો ઘૂંઘટ ફરકાવતી નાઇઝી આવે છે. માઈકલે ઘોડો થોભાવ્યો. એ નીચે ઊતર્યો. પહોળી ભુજાઓ પાથરતી નાઈઝી દોડીને એના પગમાં પડી ગઈ. બાઝી પડી. “ઓ ધ્વારા માઈકલ! હું નિષ્ઠુર હતી, કેમ કે હું તને પ્રાણથી વધારે ચાહું છું. મારા તકદીરમાં લોહી છે. તારા ને મારા મિલાપમાં કાળ બેઠો છે. પણ હવે તો ભલે આવે કાળ! હું ન છટકી શકી. હવે થોડું સુખસોણલું જોઈ લઈને હું તારે હાથે ખતમ થઈ જઈશ. તું પણ મારી પછવાડે જ મરવાનો છે, તો આવ પ્યારા! હા-હા-હા-હા!” એ પાગલ હાસ્યના પડઘા પહાડના પ્રત્યેક શિખરમાંથી ગુંજી ઊઠ્યા. કાપેથિયન જાણે કે સાક્ષી પૂરતો હતો. બીજે દિવસે બેઉ પરણ્યાં. ઓ ભાઈ! એ વખતની એ કામરૂ ખૂબસૂરતી અને માઇકલના મોં પરનું એ સુખ – એનો જોટો મેં ક્યાંય જોયો નથી. પછી તો ઓરતો અમારી જાસૂસો, અને સરકારી તિજોરીઓ ઉપર તૂટી પડવું એ અમારો ધંધો. અનેક જવાનો અમારી ફોજમાં ભળ્યા. નેકી અને મૂંગી તાબેદારી એ અમારો કાયદો, ખૂટલને માઇકલ તોપે ઉડાવતો. અને અમારી એ તમામ રાજવટની રાણી હતી નાઇઝી. પણ એક વરસમાં તો નાઇઝીને થાક આવ્યો. બહારવટાની જિંદગી એને કડવી ઝેર થઈ પડી. એનું દિલ દોડી રહ્યું હતું શહેરોમાં. શહેરી મોજમજામાં અને મર્દોના સળગતા નેન-કટાક્ષોમાં. એક વાર એ મોજીલી નાર તોરમાં ને તોરમાં, નવી કોઈ જાસૂસીનું નામ લઈને પાટનગર ચાલી ગઈ ત્યાં એને દિવસો થઈ ગયા. એની બેવફાઈની વાતો માઇકલને કાને આવવા લાગી. અમને ચારને લઈ માઈકલ ખેડૂતને વેશે ગોતવા નીકળ્યો. રાજધાનીના એક મુસાફરખાનામાં અમે ત્રણ દિવસ રહ્યા. મેળામાં ખૂબ ભટક્યા. પણ નાઇઝી ન જડી. ત્રીજા દિવસની રાતે ઓચિંતી આવીને બારણાંમાં ઊભી રહી. જાંઘો ઉપર બેઉ હાથ ટેકવી, ઠંડાંગાર નયને અમને નીરખી લીધા, પછી બોલી: “વાહવા, મારા ખાવંદ! ઓરતની જાસૂસી કરવા નીકળ્યા છો કે! શાબાશ!” ગુસ્સાદાર જવાબ દઈને માઈકલ એને ઝાલવા છલાંગ્યો એટલે નાઇઝીએ હાથમાંની ચમકતી ખુલ્લી તીણી છૂરી ધણીના ગળા પર તાકી. એ જ પલકે બારણું ઊઘડ્યું અને પોલીસની ટુકડી સાથે એક અફસર દાખલ થયો. પોતાના ધણીને બચાવવા માટે નાઈઝી ભુજાઓ પસારી માઈકલની આડે ઊભી રહે છે. બેભાન માઈકલની બંદૂકમાંથી ગોળી છૂટે છે, નાઈઝી લોહીનો કોગળો નાખતી ઢગલો થઈ જાય છે, ને પડતીપડતી બોલે છે કે, “ઓ મારા ધણી! તમે નાસી છૂટો. તમારો જાન બચાવો. મને છોડી દ્યો.” પણ અતિ મોડું થઈ ગયું હતું. ઝપાઝપી જામી પડી. માઇકલ વીંધાઈ ગયો. છેલ્લા દમ ખેંચતાં એનો ઉચ્ચાર એક જ હતો કે, “જોસફ, નાઈઝીને બચાવ!” રાતના એ અંધારામાં હું નાઈઝીના શરીરને ઉપાડી બારીમાંથી કૂદી પડ્યો. ઘોડો બાંધ્યો હતો ત્યાં પહોંચી ગયો. બીજા સાથીઓને બીજી લાશો હાથ કરવાનું બોલતો હું નાઈઝીને લઈ પહાડોમાં પેસી ગયો. નાઇઝીને ફેફસાંમાં જ જખ્મ હતો. એનો જાન નહિ બચે તેમ લાગી ગયું. થોડી વારે પાંચ-છ જખ્મી સાથીઓ એક ફક્ત માઇકલની લાશ લઈને આવી પહોંચ્યા. એ શબને અમે એની ગુફાની બહાર જ દફનાવ્યું. નાઈઝીએ પોતાની પથારી બહાર લેવરાવીને પિયુની આ પાયદસ્ત ધ્રુસકે ધ્રુસકે રોતાં દીઠી. મામલો ખતમ થઈ ગયો. અજબ વાત! નાઇઝીને આરામ આવ્યો. એક રાતે એ મારી પાસે ભયથી થરથરતી છતાં ચહેરા પર શાંતિ અને સુખની ઝલક મારતી આવી. “મારા પ્યારાએ મને દેખા દીધેલ છે.” એણે કહ્યું, “એણે મને માફી દીધી છે. એનો રૂહ ગમગીન હતો. એણે તને વીનવીને કહેવરાવેલું છે કે આ સૌ જિપ્સીઓને છોડી દઈ બાકીની જિંદગી, જે તમામને આપણે ઈજા પહોંચાડી છે તેને મદદગાર થવામાં વિતાવજે. જોસફ! આટલાં બધાં પાપોની તોબાહ કર્યા વગર એનો રૂહ નહિ જંપી શકે. હું પણ એ જ કામ કરવા નીકળી પડું છું.” આ પછી તુરત જ અમે એ અજબ પ્યારના સ્થાનકમાંથી ચાલી નીકળ્યાં. હું આ રીંછડો રમાડી પૈસા રળું છું. ને જ્યાંજ્યાં દુઃખ દેખું છું ત્યાં ખેરાત કરીને જીવતર વિતાવું છું, ભાઈ! અને ત્યારથી ઘણી વાર માઈકલનો રૂહ મને દેખાયો છે, ને આ કામ ચાલુ રાખવા કહી ગયો છે. એટલી મારી વાત થઈ. વધુ સાંભળવા સારુ તારે લોહદ્વારની ગાળીમાં જવું પડશે.

એ વખતે રીંછડો ચમકીને ઘૂરકતો ઊભો થઈ ગયો, ને જોસફે એ અંધકારમાં તીણી નજરે જોયું. એકાએક એણે મને કહ્યું: “જા ભાઈ! મારે તને છોડવો પડશે.” એ ચાલ્યો ગયો, પાછળ રીંછડો ગયો.


[૫]


હું જાણે સ્વપ્ન જોતો હોઉં તેવો મુસાફરખાને પાછો પહોંચ્યો. કેવી ગેબી કથા! હજુ તો કેટલાય ભયાનક બનાવો એણે દબાવી રાખ્યા હશે. સાચે જ શું એ કામરૂ ડોસો આ પ્રેત સાથેના મિલાપની વાત માનતો હશે! માઇકલના આત્માને પ્રાયશ્ચિત્ત વગર શાંતિ નથી એ વાત તો સાચી જ હશે! આ જંગલ અને આ દુનિયાને પ્રેતલોક આટલો ઢૂકડો હશે એમાં નવાઈ નથી. મેં મુસાફરખાનાની માલિકણને કહ્યું કે, “કાલે હું લોઢાદ્વારની ગાળીમાં હાટઝેગ ગામે જાઉં છું.” “ઓહો!” એ બોલી ઊઠી: "ત્યારે તો તને તમામ વાત કરી લાગે છે જોસફાએ; જા ભાઈ! તું જાસૂસ તો નથી જણાતો. માફ કરજે. ભાઈ! અમે બધાંય એ બે જણાંના આત્માની સદ્ગતિ સારુ બંદગી કરી રહ્યાં છીએ. અરેરે! બેઉની માથે કોઈ કાળ - ગ્રહ ઊગ્યો હતો.” હું મારાં માણસોને ત્યાં છોડી દઈ, એકલો, જોસફે મોકલેલા એક ભોમિયા સાથે નવી મુસાફરીએ નીકળ્યો. દિલમાં થતું હતું કે ત્યાં લોઢાદ્વારના સાધ્વી - મઠમાં શું હશે! કદાચ એન્જેલીન મૈયા અને નાઇઝીના મરતૂકની કથા કહેશે. પણ કદાચ નાઈઝી મઠમાં છૂપીછૂપી જીવતી ન હોય! મુસાફરીમાં મને યાદ આવતો હતો જોસફ મદારી સાથેની વિદાયનો છેલ્લો પ્રસંગ. એ એકાએક કેમ ઊઠ્યો? એનો રીંછડો ભડકેલો કેમ? આખરે અમે હાટઝેગ ગામે આવી પહોંચ્યા. ક્રોશિયા અને સ્લોવાક ખેડૂતોથી વસેલું એ ગામ હતું: બેડોળ અને ભૂખરું. ભોમિયો ઘોડાં લઈને બહાર ઊભો રહ્યો. હું એકલો ગામમાં દાખલ થયો. બેઠાબેઠ પાતળી હોકલી પીતા એક ગામવાસીને મેં મૈયા એન્જેલીનના મઠનો રસ્તો પૂછ્યો. મૂંગા મૂંગાં એણે આંગળી ચીંધી. પોતાની છાતી પર એણે હાથનો સાથિયો રચ્યો. જાણે એ ભય પામતો હતો. લાંબું, બેઠી બાંધણીનું, અને ગોળ બારીઓવાળું એ મકાન હતું. એના વિશાળ બગીચાને ફરતી ઊંચી દીવાલ હતી. એના સાંકડા દરવાજા સોંસરી નજર કરતાં મેં કાળા ઘૂંઘટવાળી સ્ત્રીઓને ટોળાબંધ પસાર થતી દેખી. ખેરાત લેવા સારુ ખેડૂતોનું ટોળું દરવાજે ઊભું હતું. તેઓને ખોરાક ને કપડાં અપાઈ રહેલાં હતાં. એક બુઢ્ઢો આવીને એક સફેદ, સાદા, ખાલી ઓરડામાં મને લઈ ગયો. ત્યાં બે જ ખુરશીઓ હતી. હું બેસું છું ત્યાં તો બારણું ઊઘડ્યું ને એક સફેદ વસ્ત્રધારી પડછંદ માનવીએ પ્રવેશ કર્યો. એ સ્ત્રી હતી. પણ મોં પર ઘાટો ઘૂંઘટ હતો. ઊઠીને મેં નમન કર્યું. મારી મુલાકાતનો ઉદ્દેશ જણાવ્યો: “મને જોસફે -”

“હું બધું જ જાણી ચૂકેલ છું.” કોઈ મધુર ઘંટની યાદ દેતો અવાજ આવ્યો. માનવીના કંઠમાં આવું સંગીત મેં પૂર્વે કદી સાંભળ્યું નહોતું. એણે કહ્યું: “તમારા આવવાની વાત મને પહોંચાડવામાં આવી છે, અને તમે માઇકલના પ્યારની તથા મૃત્યુની કથાથી વાકેફ થઈ ચૂક્યા છો એ પણ હું જાણું છું. હવે તમારે શું જાણવું છે?” “નાઇઝી મરી ગઈ છે?” મેં પૂછ્યું. “ના, મરી ગઈ હોત તો બહેતર હતું. પણ એના શિર પર સજા છે. એકલા એકલા એ તમામ સ્મૃતિઓની ગાંસડી હૈયા ૫૨ ઉઠાવીને જીવવાની. એ વેળાની એ હસતી-રમતી પૂતળીને માટે આજે તો સરજાયેલાં છે મઠની ઓરડીનો અધિકાર અને પસ્તાવાની પ્રાર્થનાઓ.” હું એ જોત માનવીની નજીક ગયો. ધીરે સ્વરે પૂછયું: “તમે પોતે જ નાઇઝી?” જવાબમાં ઘૂંઘટ ઊંચો થયો. કદી નહિ ભૂલું એવું સૌંદર્ય મેં જોયું. એ અધરના એક ચુંબનને માટે માઈકલ પોતાના આત્માને વેચે, એમાં શી નવાઈ હતી! મોટી, કાજળકાળી અને જલદ એ બે આંખો જેમજેમ મારી સામે જોતી ગઈ તેમતેમ કોઈ ઊંડા હોજમાં ઝૂલતી પ્રતિમા જેવા એના મનોભાવ પલટાતા ગયા. જૂના હાથીદાંતને મળતો ચહેરાનો રંગ! ગાલ પર તદ્દન આછી સુરખી: આસપાસ આસમાની વાળ – જાણે અટલસના ચોકઠામાં મઢેલી તસવીર! અને કોઈ સુગંધી અર્ક-શા નીતરતા એના મુખભાવ: આવા સંપૂર્ણ સ્ત્રીત્વને માનવી જીવનમાં વારંવાર નથી જોવા પામતો. પહેલાં પ્રથમ જ્યારે માઇકલે આને દિવાઓની વચ્ચે નાચતી દેખી હશે, ત્યારે એ જુવાનની આંખોમાં શાં શાં કામણ અંજાયાં હશે એ હું કલ્પી શક્યો. “હવે કદાચ તમે સમજી શકશો.” એણે સંગીતમય સ્વરે કહ્યું, “કે મને તમામ પુરુષો ઉપર મારી મોહિની પાથરવાના કોડ કેમ થયા હશે. હું નિજ રૂપની ઘેલડી હતી; ને મેં એનાં મૂલ્ય બરાબર ચૂકવ્યાં છે! મારા મનની ચંચળતાને પરિણામે મારા પ્યારા માઇકલના પ્રાણ ગયા. ત્યારથી હું અહીં અંધકારમાં ગરીબોને સહાય દેતી, બીમારીની સારવાર કરતી જીવું છું – મૃત્યુની, અને મૃત્યુ પછીના પિયુ-મિલાપની વાટ જોઉં છું. હવે તમે જાવ, ભાઈ! અને તમારા દેશમાં જઈને જો માઇકલ-નાઈઝીની કથા કહો તો દયાથી ને સમજપૂર્વક કહેજો.” ફરીને એ ઘાટો બુરખો ઢંકાઈ ગયો, અને એના હાથની આંગળીઓને ટેરવે ચુંબન ભરીને હું ચાલી નીકળ્યો.