દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૯. મહિના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬૯. મહિના


કારતક મહીને અબળા કેહે છે કંથને,
હવે શિયાળો આવ્યો સ્વામીનાથ જો;
હિમાળુ વા વાય રે હલકી ટાઢડી
શું શોધો પરદેશ જવાના સાથ જો;
એ મહીને નવ જઈયેરે પિયુ પરદેશમાં.                            એ ટેક.

માગશર મહીને હોંશ ઘણી મનમાંહ રે,
રસિયા સંગ રમ્યાની મહાજમ રાત જો;
હસીએ ને વસીએ રે હૈડે હેતથી,
પિયુ મેલો પરદેશ જવાની વાતજો.                            એ મહીને.

પોષે જે પરણીને પિયુડે પરહરી,
તે પ્રેમદાનાં પૂરણ મળીયાં પાપ જો;
સાસરીએ રહીને તે શું સુખ ભોગવે,
મૈયરમાં નવ ગોઠે મા ને બાપ જો.                            એ મહીને.

માહ મહીને નવ કરીએ નાથ મુસાફરી,
ઘઉં સાટે જઈ લાવો ખોરી જાર જો;
જે મળશે તે જમશું મારા વાલમા,
જરૂર નહિ જાવા દઉં ઘરથી બહાર જો.                            એ મહીને.

ફાગણ તો ફુલ્યો રે ફાલ્યાં ફૂલડાં,
હસે રમે ને ગોરી હોરી ગાય જો;
જે નારીનો નાવલીઓ નાસી ગયો;
કહો તેણે કેમ નજરે જોયું જાય જો.                            એ મહીને.

ચૈતરમાં ચતુરને પંથ ન ચાલવું,
જો ઘેર નારી સારી ચતુરસુજાણ જો;
વહાલપને વચને રે પિયુને વશ કરે,
નિરધાર્યું તે પડ્યું રહે પરિઆણ જો.                             એ મહીને.

વાવલીઆ વાયા રે પિયુ વૈશાખના,
રજ ઉડે ને માણેક મેલું થાય જો;
નથડીનું મોતી રે હીરો હારનો,
કહો પર હાથે કેમ તે ધીર્યો જાય જો.                            એ મહીને.

જેઠે તો પરદેશ જાવું દોહલું,
તાપ તપે તે લા’ લૂ વાય જો;
કોમળ છે કાયા રે મારા કંથની,
વણ સીંચ્યાં જેમ ફુલડીઆં કરમાય જો.                            એ મહીને.

અંબર ઘનછાયો રે માસ અષાઢમાં,
મોર બોલે મેહ વરસે મૂસળધારજો;
કચરા ને કાદવ રે મચી આ મેદની,
પંખી માળા ઘાલે ઠારોઠર જો.                             એ મહીને.

શ્રાવણનાં વરસે રે સારાં સરવડાં,
ભર્યાં સરોવર નદીએ નીર ન માય જો;
ચકવા ને ચકવી પણ જોયાં જોડલે,
બગલો પણ જોડું તજી નવ જાય જો.                            એ મહીને.

ભાદરવો ભરજોબનનો ફરી નહીં મળે,
વહી જાશે જેમ નદીઓ કેરાં નીર જો;
એવા રે દિવસ એળે નવ કાઢીએ,
વાત વિચારી જુઓ નણંદના વીર જો.                            એ મહીને.

આસોના દિવસ તો અતિ રળીઆમણા,
ખાવું પીવું કરવા નવલા ખેલ જો,
ભેગાં બેસી જમીએ રમીએ સોગઠે,
રંગે રમતાં ઉપજે રસની રેલ જો.                            એ મહીને.

માસ અધિકમાં અધિકપણે શું કીજીએ,
રહો જોડીને નેણ સંગાથે નેણ જો;
જેમ ન છૂટે બૂટો કાચ બિલોરનો,
દલપતના સ્વામી છો, જાણ પ્રવીણ જો.                            એ મહીને.