દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭૩. સીતાજીના કાગળનું ધોળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૭૩. સીતાજીના કાગળનું ધોળ


સ્વસ્તિ શ્રી શુભ સ્થાન સોહામણું જ્યાંહે રાજે સદા રઘુનાથ;
                            કાગળ લખે કામની.
લખે લંકા થકી સીતા સુંદરી, હેતે વંદે જોડી જોડ હાથ. કાગળ.

પત્ર આવ્યો તમારો પ્રીતિ ભર્યો, વહાલા વાંચી થયો વીશરામ;
પણ જીવન તમથી જુદાં પડે, ઘણા દિવસ થયા ઘનશ્યામ.          કાગળ.

માટે મળવાને મન અકળાય છે, ઘડીએક તે જુગ જેવી જાય;
મારાં નેણનાં નીરથી નાથજી, સુતાં રજનીમાં સેજ ભીજાય.          કાગળ.

ઘેર ચાલો હવે તો ઘણી થઈ, નહીં તો જીવડો જાશે જરૂર;
દૈવે પાંખો આપી હોય પિંડમાં, ઉડી આવું દેશાવર દૂર.          કા.

વાહાલા નિત્ય નવી વારતા વાંચીએ, જેથી પામીએ પૂરો પ્રમોદ;
ચતુરાઈના ચોજ હું ચાળવું, આવો વિદ્યાના કરીએ વિનોદ.          કા.

તાંબા કૂંડી ઊંડી રૂડી ઓપતી, ભાવે ભરૂં માંહી નિર્મળાં નીર;
બેસજો બાજોઠે ચડી મારા ચોકમાં, સ્વામી નવરાવું ચોળી શરીર.          કા.

કરૂં સરસ રસોઈ રૂડી રીતથી, પ્રીતે પીરશીને બેસું હું પાસ;
એવા દીવસ તે કેદી દેખાડશો, ક્યારે અંતરની પૂરશો આશ.          કા.

સ્વામી તમ વિના પીયર ને સાસરું, સુનો લાગે છે સઘળો સંસાર;
મારા માથાથી મોંઘા પ્રભુ તમે, મારા આતમના છો આધાર. કા.         

આવે પરવના દિન સુખ સર્વને, હું તો શોકે ઉદાસી સદાય;
ગાજે મેઘ દમકે જો દામની, આખી જામની જંપ ન થાય.          કા.

હું તો સુની દેખું સુખ સેજડી, ખાલી મંદિર ખાવાને ધાય;
ભરી વસ્તી ઉજડ જેવી ભાસે છે, એક તમવિના ત્રિભુવનરાય.          કા.

વાહાલા હું તમને કેમ વીસરી, કેમ વીસર્યું દાદાનું વતન;
પત્ર વાંચીને વેહેલા પધારજો, સ્વામી શરીરનાં કરજો જતન.          કા.

કોઈને દુખીયાં દેખીને દુઃખ પામતા, તેવી નાથ તમારી છે ટેવ;
આવે અવસરે કેમ કઠણ થયા, તમે દલપતરામના દેવ;          કા.