દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૪. સુલતાન અને પટેલ કણબી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૮૪. સુલતાન અને પટેલ કણબી

ચોપાઈ


સાંભળ એક હતો સુલતાન, મનમાં મોટું ધરતો માન;
પુત્ર પટેલતણો તે પાસ, કારજ કરવા ગયો પ્રકાશ.

કરી ટુંકારો ઉચર્યો કામ શિર નમાવી કરી ન સલામ;
ભાસ્યો નહિ ભોળાનો ભેદ, ક્રોધ કરીને કીધો કેદ.

ભૂખણ તેનો મોટો ભાઈ, ચાલ્યો સુણિ ચૉંપે ચિત્ત ચાઈ;
ધાર્યું જે ધીરજ મન ધરું, સલામ બેવડી સારી કરું.

દુંદાળો દીઠો સુલતાન, હરખે જૈ બોલ્યો હેવાન;
સલામ દિલ્લીના શાહને, વળી સલામ વડી દુંદને.

ખરેખરો સુણિ ઉપજ્યો ખેદ, કીધો તેને પણ ત્યાં કેદ;
બની વાત સુણિ તેનો બાપ, આવ્યો શાહ સમીપે આપ.

પ્રેમ ધરીને કરી પ્રણામ, ઠીક કરી બોલ્યો તે ઠામ;
લોકતણી તમ હાથે લાજ, માફ કરો અવગુણ મહારાજ.

શાહ કહે તારો સુત એક, સમજ્યો નહિ સલામ વિવેક;
મુખે સલામ બિજે કહિ મને, દુજી સલામ કહી દુંદને.

કારણ એથી કેદજ કર્યો, એવું પટેલ સુણી ઉચ્ચર્યો;
તમને સલામ ન કરી તેજ, મોટો મૂરખ માણસ એજ.

બીજો પણ છે બહુ બકનાર, ચિત્તમાં ચેતિ ન કર્યો વિચાર;
સાહિબને કરિએ જ સલામ, કહોને દુંદતણું શું કામ.

હેતૂ તો સુલતાન જ હતા, દુંદે ધરવો તો દેવતા;
ઝાઝી એ સુણી લાગી ઝાળ, કેદ કર્યો તેને તતકાળ.

સુણિ પટેલતણો જે સગો, ભૂપતિ આગળ આવ્યો ભગો;
કરી સલામ કહ્યું તતકાળ, પટેલને છોડો ભૂપાળ.

છે મારે સાંકડી સગાઈ, અમે બંને આંગળિયા ભાઈ;
રાજી થઈને પૂછે રાય, કેને આંગળિયા કહેવાય.

દેતો તો ઉત્તર દીવાન, હું કહું કહિ બોલ્યો હેવાન;
પાછ્યાનો મરી જાય પિતાય, પાછ્યાની મા નાત્રે જાય.

પ્રસવે પુત્ર સુવાવડ ખાઈ, એ પાછ્યા આંગળિયા ભાઈ;
કાપત સુણિ માથું તે કાળ, હુકમ કર્યો જે પૂરો હાલ.

ચોરે ચકલે ચાલી વાત, જથે થઈ કણબીની જાત;
દીઠા બે જણ ડહાપણદાર, તેને ત્યાં કીધા તૈયાર.

સાહિબ પાસ તમે સાંચરી, કહો ઘણી આજીજી કરી;
જીવાડો તો તો જીવિયે, છેક તમારું છોરું છિયે.

પ્રજાતણા છો માતા પિતા, શબ્દ કહો એવા શોભિતા;
ચઢે દયા રાજાને ચિત્ત, પટેલ છૂટે પુત્ર સહિત.

દોહરા

જુગતી સુણિને બે જણા, અંતરમાં ધરિ આશ;
આવ્યા અરજ ઉચારવા, પાદશાહની પાસ.

બીતા બીતા બે જણા, ઉચર્યા એવું આપ;
તમે અમારાં છોકરાં, અમે તમારા બાપ.

શબ્દ સુણી સુલતાન તે, ખીજી પામ્યો ખેદ;
હાલ હાલ હુકમે કરી, કીધા તેને કેદ.

કોઈએ વાત જઈ કહી, જ્યાં ખણબીની જાત;
પ્રધાન પાસ ગયા પછી નર જે કણબી જાત.

પ્રીતે કહી પ્રધાનને, વળિ વળિ વિગતે વાત;
પ્રધાન બોલ્યો પ્રેમથી, સુણો સહૂ સાક્ષાત.

અધિપતિ આવે અવસરે, માને નહિ મુજ વેણ;
બેગમ બોલે બે કથન, કાંઈક માને કેણ.

પછી બેગમ પાસે ગયા, કણબી કરી વિચાર;
પ્રણામ કરીને પ્રેમથી, એવો કર્યો ઉચાર.

સંકટ પડિયું સામટું, તે માટે તુજ પાસ;
આજ સરવ આવ્યા અમો, ઉગરવાની આશ.

ધણી અરજ નથી ધારતા, વાત ન સુણે વજીર;
તોય અમારી પ્યારિ તું, ધણિયાણી છું ધીર.

બોલી બેગમ બોલતાં, ભારે રીસ ભરાય;
કણબીની ધણિયાણી તો, કણબણને કહેવાય.

એમ કહી એ અવસરે, હુકમ કરીને હાલ;
કેદ કરાવ્યા કણબીને, ક્રોધ કરી તતકાળ.

વાગત વિગતવારે કહી, પૃથ્વીપતિની પાસ;
પતિયે કહ્યું પ્રધાનને, કરશો નહીં કચાશ.

મૂરખ એવા માનવી, જે જે કણબી જાત;
મારી કાઢો મુલકથી, રહે ન એકે રાત.

ચોપાઈ

પ્રધાનમાં ડાપણ ભરપૂર, હેતે બોલ્યો શાહ હજૂર;
કણબિ આકરિ ચાકરિ કરે, પણ કણ પકવી કોઠારો ભરે.

મને હુકમ આપો મહારાજ, કેને લૈ સોંપું એ કાજ;
પૃથ્વીપતિ વિચારે પડ્યો, જન એકે એવો નહિ જડ્યો.

કરી શકે કણબીનાં કામ, હૈયામાં રાખીને હામ;
પછિ બોલ્યો પોતે ફરધાન, કથન કથું તે ધારો કાન.

રૂડું કણબીથી છે રાજ, એમાં તો સંશે નહિ આજ;
અધિક વસે છે વરણ અઢાર, કણબી સૌના પોષણકાર.

નહિ તિથિ વણ મહિનાનું નામ, ગણાય નહિ કણબી વણગામ;
તે કણબીના ગુણ અતોલ, પણ બોલી નહિ જાણે બોલ.

રૂઠે કણબી શિર જે રાય, પછી ઘણા મનમાં પસ્તાય;
તમે તજો તે માટે રીસ, આપો કણબીને આશીશ.

શીતળ થયો સુણી સુલતાન, મેલ્યા કણબીને દૈ માન;
જમ્યા રમ્યા કણબી ઘર જઈ, મશકરિ તો મહીપતિની થઈ.