દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

ભાષાને સર્વોપરિ ગણતા કવિ દિલીપ ઝવેરી (જ. ૩.૦૪.૧૯૪૩) ગુજરાતીના જ નહીં, ભારતીય ભાષાઓના અગ્રણી કવિ છે. ૧૯૬૦થી યુવાવયે ગીત-છાંદસથી કાવ્યલેખન આરંભ કરીને બહુ વહેલા એ અછાંદસ તરફ વળી ગયા. પ્રવર્તમાન કાવ્યરીતિઓથી એમની કવિતાઓ ખાસ્સી નોખી હતી, પણ આગળ જતાં, તબક્કે તબક્કે એમની પોતાની કવિતાઓથીય વેગળી રહી. મુંબઈમાં જન્મ અને ઉછેરને કારણે એ મુખ્યત્વે શહરેના કવિ છે. એમની કવિતાનું ચાલકબળ એમનું વિલક્ષણ ભાષકર્મ છે. સૂઝપૂર્વકનાં, સપ્રયોજન ભાષાપ્રયોગો દ્વારા કવિતામાં એક ભાત, એક આકૃતિ રચાતી આવે છે જે માટે નાદની છટાઓને, લયની વિવિધતાને, છંદ-અછાંદસની ઊંડી સમજને એ ખપમાં લે છે. ભાષાની તોડફોડ કરે, તત્સમ શબ્દો તેમજ બોલાતી બમ્બૈયા ભાષા પણ પ્રયોજે છે. આ બધું સહેતુક રચાયેલા અવકાશમાં વિલસતું રહે છે. દેખીતું છે કે આ પ્રકારની કવિતાનો વ્યાપ, ભાવકને અનપેક્ષિત આશ્ચર્ય આપતી સફરે લઈ જાય.

આ કવિની લેખનરીતિનું આગવું લક્ષણ છે એની અંતર્ગત રહેલા સંદર્ભો. કેવળ ભારતીય સંસ્કૃતિનાં જ નહીં પણ વિશ્વના અનેક પ્રદેશોનાં પૌરાણિક, પુરા-કલ્પનોની, ક્યારેક પરખાતી ક્યારેક ન પરખાતી એ ગૂંથણી રચે છે. એક તરફ એ મહાભારત જેવા સંસ્કૃત સાહિત્યની વિપુલ સમૃદ્ધિને તો બીજી તરફ બાઇબલ કે ગ્રીક માયથોલોજી ઉપરાંત ખગોળ-ભૂગોળ-વિજ્ઞાનની પણ ઊંડી જાણકારીનો ઉપયોગ કરે છે. અલબત્ત આ બધું એમને માટે સામગ્રી છે અને લક્ષ્ય તો કવિતા જ છે. આ ગૂંથણી ઉકેલાય તો ભાવકના કાવ્યાનંદમાં અતિરેક થાય છે, પણ જો કોઈ ભાવક એ બધા સંદર્ભોથી વાકેફ ન હોય તોય કવિતાને માણી શકે છે. આમ, એ મહાભારતના પાંડુને કલકત્તાના ઇડન ગાર્ડનમાં કે મુંબઈની શેરેટન હૉટલમાં લઈ આવે, રમખાણો માટે રામાયણની કથાઓનો ઉપયોગ કરી ‘ખંડિત કાંડ’ રચે કે ‘કવિતા વિશે કવિતા’ લખી એમની સર્જન-પ્રક્રિયામાં પ્રવેશ કરાવે, એમની નિસ્બત કવિતા સાથે જ હોય છે. વળી, પોતાની નાસ્તિકતા કોરાણે મૂકી, આસ્તિકતાની ઠેકડી ઉડાવ્યા વગર ભગવાનને માણસ બનાવીને ‘ભગવાનની વાતો’ લખે ત્યારે ભાવકના ચિત્તમાં બે જુદા સમય એકમેકમાં ઓગાળી દઈ કાળની અખંડિતતાનો અનુભવ કરાવે!

કોઈ ભાવક એમનાં કાવ્યો મોટેથી, પોતાને સંભળાવે તો અનેરા નાદથી આપોઆપ કવિતાનાં બારણાં ઊઘડી જશે.

ભાષા દ્વારા પ્રગટ થતાં કાવ્યરૂપોનું ભાવકો સમક્ષ પ્રાચુર્ય પ્રસ્તુત કરતા આ કવિનું સ્વાગત છે! – કમલ વોરા