દિવ્યચક્ષુ/૧. પ્રતિજ્ઞા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. પ્રતિજ્ઞા

સ્વરાજ્યલાભપ્રતિ પૂરાત્મને |

–શ્રીમદ્ ભાગવત

એક નાના ખુલ્લા મેદાનમાં નાનકડો ધ્વજ ઊડતો હતો. ધ્વજની આસપાસ વીસેક યુવકો નિયમિત વર્તુલમાં ઊભા હતા. તેમના મુખ ઉપર અપૂર્વ ગાંભીર્ય છવાયેલું હતું. સૂર્યોદયની તૈયારી હતી. યુવાવસ્થા પસાર કરી ગયેલા મધ્ય વયના એક તેજસ્વી પુરૂષ ચિંતનભર્યા મુખથી નાજુક મુખવાળા યુવકોમાં ભાત પાડતા હતા. યુવકોની આ માળાના મેરુ સરખા તેઓ લાગતા હતા.

એક યુવકે મીઠા બુલંદ સ્વરે ગાવા માંડયું. ગીતનું પ્રત્યેક ચરણ આખો સમૂહ ઝીલતો હતો :

હે…જંગ જામ્યો ! જાગજો !

શુભ શાંતિના સંગ્રામ ! ધારી કેસરભર્યાં પરિધાન!

હે વીર જાગજો !

હે…જંગ જામ્યો ! જાગજો !

નથી શસ્ર કે નથી અસ્રને ઝળકાવવા;

મૃત્યુભયે નથી દુશ્મનો ચમકાવવા;

દુશ્મનવિહોણા યુદ્ધમાં અર્પી તમારા પ્રાણ !

હે વીર જાગજો !

હે….જંગ જામ્યો ! જાગજો !

બહુ વેર ને બહુ ઝેર વિશ્વે વ્યાપિયા;

અસિ ખેલીને અગણિત શીર્ષો કાપિયાં;

બીજી ઝૂંટાઝૂંટની રમ્યા અનહદ ધરી અભિયાન !

હે વીર જાગજો !

હે…જંગ જામ્યો ! જાગજો !

થીજી ગયા નદ પ્રેમના વહેતા કરો !

સૂકાં રણો મહેરામણે લીલાં કરો !

કુરબાનીમાં ધરી શીર્ષ, ગજવો ગૂર્જરીનું નામ !

હે વીર જાગજો !

હે જંગ જામ્યો ! જાગજો !

સમૂહસંગીતની અસર દિલ ઉશ્કેરનારી છે. સહુના હૃદયમાં ઉત્સાહ ઊલટયો. પૂર્વના તેજસ્વી ઊંડાણમાંથી ઊંચકાઈ આવતા સૂર્યે ધ્વજ ઉપર એક કિરણ નાખ્યું. સૂર્યનો અને ધ્વજનો તેજસંબંધ બંધાયો.

વર્તુલના મેરુસ્થાનેથી તેજસ્વી જનાર્દન આગળ વધી ધ્વજ પાસે આવ્યા, ધ્વજને તેમણે ભાવપૂર્વક વંદન કર્યું અને ગંભીરતા પૂર્વક પ્રતિજ્ઞા લીધી :

‘આ ધ્વજ સમક્ષ હું પ્રતિજ્ઞા લઉં છું કે સત્યની લડતમાં હું સર્વદા અહિંસાનું પાલન કરીશ.’

પાછે પગલે સહજ ચાલી તેમણે પોતાનું સ્થાન લીધું. યુવકોએ એક પછી એક ધ્વજની સમક્ષ જઈ એ જ પ્રમાણે પ્રતિજ્ઞા લીધી. એક જ – છેલ્લો – યુવક આગળ ડગ ભરતાં અચકાયો. તેના મુખ ઉપર અશ્રદ્ધા અને અણગમો તરી આવેલાં દેખાયાં. વર્તુલમાં તે છેલ્લો હતો, પરંતુ તેથી જ જનાર્દનની જોડે એ ડાબી બાજુએ તેનું સ્થાન હતું. આગળ અટકતા આ યુવક તરફ સહુ જોઈ રહ્યા.

‘અરુણ ! કેમ અટક્યો ?’ જનાર્દને આર્જવભરી વાણીમાં પૂછયું.

‘મારાથી પ્રતિજ્ઞા પળાશે ?’

‘મારી ધારણા એવી હતી કે તું પ્રતિજ્ઞા લઈશ અને પાળીશ; પરંતુ તેમ ન બને તો પ્રતિજ્ઞા ન જ લેવી એ વધારે સારું છે. હું આગ્રહ નથી કરતો.’ જનાર્દને જવાબ આપ્યો. અસંતોષનો સહજ થડકાર તેમની વાણીમાં હતો.

બેત્રણ યુવકોએ એકબીજા સામી અર્થભરી દૃષ્ટિ ફેંકી. અરુણ ક્ષણભર વિચારમાં પડયો; ક્ષણ વીતી અને તે મક્કમ પગલે આગળ આવ્યો,. આશ્ચર્યચકિત થઈ સહુએ તેની સામે જોયું. ધ્વજ પાસે ઊભો રહેલો અરુણ ઘેરા અવાજે બોલ્યો :

‘આ ધ્વજ સમક્ષ હં પ્રતિજ્ઞા લઉં છું કે હું એક વર્ષ સુધી અહિંસાનું સંપૂર્ણ પાલન કરીશ.’

જનાર્દનના ગંભીર મુખ ઉપર સહજ સ્મિત પ્રગટયું. તેમણે કહ્યું :

‘મને બહુ સારું લાગ્યું. અહિંસામય એક વર્ષ બીજાં વર્ષોને પણ ખેંચી લાવશે.’

અરુણ પાછો પોતાને સ્થાને આવી ગયો. યુવકોમાં સહજ આંખમિચકારા શરૂ થઈ અટકી ગયા. જનાર્દન કંઈ બોલવા જતા હતા એટલામાં સામે દેખાતા એક મકાનમાંથી એક યુવતી ઝડપથી ચાલી આવતી દેખાઈ. સહુ કોઈ એના તરફ જોવા લાગ્યા.

‘કેમ રંજન ! શું છે ?’ પાસે આવેલી યુવતીને જનાર્દને પૂછયું.

ધ્વજ સમક્ષ અહિંસાવ્રતના પાલનની લેવાયેલી પ્રતિજ્ઞા માત્ર પુરુષ-વર્ગને માટે જ હતી. સ્રીઓ અહિંસક છે જ એ માન્યતાને અવલંબી જનાર્દને તેમને પ્રતિજ્ઞા લેવાના કાર્યમાંથી મુક્ત રાખી હતી.

જનાર્દન બહુ વિચિત્ર પુરુષ હતા. તેમના દેખાવમાં તેમ જ તેમના વર્તનમાં બહુ વિચિત્રતાઓ જોવામાં આવતી. તેમને ઓળખનારાઓ તેમને કોઈ વખત પૂરા અંગ્રેજી પોશાકમાં જોતા, તો કઈ વખત તદ્દન ગામડિયા વેશમાં પણ જોતા. તેઓ ઘણી વખત અણધાર્યા સ્થળે મળી આવતા. મહાદેવનું મંદિર હોય તેમાંથી તે નીકળતા જોવામાં આવે, અને મુસલમાનની મસ્જિદ હોય તેમાંયે દાખલ થતા જોવામાં આવે.

તેમના સંબંધે તરેહવાર અટકળો બંધાતી. કોઈ ધારતું કે જનાર્દન ખૂન કરી નાસી છૂટેલા ગુનેગાર છે; કોઈને એમ લાગતું કે તેઓ છૂપી પોલીસના માણસ છે, કેટલાકની માન્યત હતી કે તેઓ ર્બાંબ બનાવમારી ટોળીના આગેવાન છે; અને વધારે વાચનનો ડોળ કરનાર કેટલાક એમ સૂચવતા કે તેઓ હિંદમાં બેદિલી ફેલાવનાર બૉલ્શેવિક સંઘના એક પગારદાર પ્રચારક છે.

ચારેક વર્ષ ઉપર શહેર બહાર નાનકડી મઢી બાંધી તેઓ પહેલાં રહ્યા ત્યારે તેમને કોઈ ઓળખતું નહિ. ચાર વર્ષમાં તરો તેમને શહેરમાં વસતાં આબાલવૃદ્ધ સહુ કોઈ ઓળખી ગયાં; એટલું જ નહિ પણ પાસેનાં ગામડાંના રહીશો પણ તેમને ઓળખતા થઈ ગયા.

શહેરની ઊજળી સુખવસતીના મહોલ્લામાં એક સાવરણો તથા એક પાવડો લઈ સાફસૂફી કરતા જનાર્દન ચારેક વર્ષ ઉપરના એક પ્રભાતે કોઈ સન્નારીની દૃષ્ટિએ પડયા.

‘અલ્યા, ત્યાં સાફ કરે અને અહીં કચરો રહેવા દે છે ? આ અહીંથી કાદવ ઉપાડી લે !’ બ્રહ્મમુહૂર્તે જાગેલાં એ સન્નારીએ જનાર્દનને હુકમ કર્યો.

‘હા, બહેન ! એ જગાનો પણ વારો આવશે.’ જનાર્દને જવાબ આપ્યો.

પેલી સ્ત્રીને જરા નવાઈ લાગી. સુધરાઈના પગારદાર ઝાડુ કાઢનાર કરતાં બહુ વધારે વિશુદ્ધ શબ્દોચ્ચારણે તેને જરા ચોંકાવી. વધતા જતા અજવાળામાં તેને લાગ્યું કે કોઈ સ્વચ્છ અને સુઘડ પુરુષ ભંગીનું કામ કરી રહ્યો છે.

‘હવે તો ભંગી પણ સારું પહેરતા અને શુદ્ધ બોલતા થયા છે.’ સ્ત્રીના હૃદયે સ્વગત ફરિયાદ કરી. હલકી કોમો ચોખ્ખું બોલે એમાં બીજાઓને શા માટે ખોટું લાગવું જોઈએ તે સમજાતું નથી. તથાપિ હલકી કહેવાતી કોમોના આચાર કે ઉચ્ચારમાં થતો સુધારો ઊંચી ગણાતી કોમો સરળતાથી સહન કરતી નથી એ જાણીતી વાત છે.

સફાઈનું કામ રહેવા દઈ જનાર્દનને પોતાની નજીક આવતા નિહાળી પેલી સ્ત્રીએ તેમને ધમકાવવા માટે એક વાક્યાવલિ રચી કાઢી. હલકા લોકોની સાથે વાત કરવા માટે અમુક પ્રકારની તીવ્ર ભાષા જ વપરાય છે; પરંતુ તેમને ખરેખરા પાસે આવેલા જોતાં એ સ્ત્રીથી ઘારેલાં વાક્યો બોલી શકાયાં નહિ. શું બોલવું તેના વિચારમાં ઊભેલી તે સ્રીને જનાર્દને કહ્યું :

‘બહેન ! આ શેરી સાફ કરવામાં તમે મને મદદ ન કરો ?’

કાંઈ પણ જવાબ આપ્યા વગર તે સ્ત્રી ઘરની અંદર ચાલી ગઈ. જનાર્દને પોતાનું કામ ચાલું રાખ્યું.

બપોરે શેરીની બે-ચાર સ્ત્રીઓએ તે દિવસના સવારના પ્રસંગ વિષે સરખી જ વાત કરી.

બીજે દિવસે વધાર સ્ત્રી-પુરુષોએ જનાર્દનને કામ કરતા જોયા. એક સ્ત્રીને જનાર્દને કહ્યું :

‘બહેન ! આ પાણી આમ ઢોળ્યું છે તેના કરતાં ફરતું ઢોળો તો કેવું?’

બીજી એક સ્ત્રી સાવરણી ઉપર કચરો ભરી નાખવા જતી હતી તેને જનાર્દને કહ્યું :

‘એ કચરો આંગણામાં ન નાખશો; લાવો હું દૂર જઈ નાખી આવું.’

એક ગૃહસ્થે કાગળો ફાડી બારીએથી શેરીમાં ફેંકવા માંડયા. સંક્રાંતિને દિવસે પતંગો ઊડતી હોય તેમ કાગળોના ટુકડા ચારે પાસ ઊડવા માંડયા.

બહુ ધીરજથી જનાર્દને એકેએક ટુકડો વીણી લીધો. પછી તેમણે બૂમ પાડી પેલા ગૃહસ્થને બારીએ બોલાવ્યા, ખિસ્સામાંથી દીવાસળીની પેટી કાઢી દીવાસળી સળગાવી પેલા કાગળો બાળી નાખ્યા, અને પગના જોડા વડે રાખોડી ઘસી નાખી તેમને કહ્યું :

‘ભાઈ ! કાગળો આમ બાળી નાખો તો કચરો ઓછો ન થાય ?’

‘તું કેમ ડાહ્યો થાય છે ? તારે શી પંચાત! અમને ફાવશે તે પ્રમાણે કાગળો ફેંકીશું !’

શેરીમાં કાગળો ગમે તેમ ફેંકવાનો પોતાનો હક જતો કરવા એ ગૃહસ્થ તૈયાર હતા કે નહિ તે તો એ ગૃહસ્થ જાણે; પરંતુ પોતાના કાર્યમાં સુધારો સૂચવનારા સહુ કોઈને પ્રથમ તો આવો જ જવાબ આપવાની પ્રત્યેક માનવીને વૃત્તિ થાય છે.

જવાબ સાંભળી જનાર્દન કાંઈ બોલ્યો નહિ. છતાં બીજે દિવસે શેરીમાં સ્વચ્છતા જણાઇ. અને એક માસમાં તો એ શેરીનું દરેકે દરેક આંગણું પાણીના છંટકાવ અને સાથિયાના સુંદર ચિત્રણથી સુશોભિત બની રહ્યું.

શહેરના બીજા કોઈ મહોલ્લામાં બાળક-બાળકીઓને જનાર્દન ભેગાં કરતા, અને તેમને સમજ પડે એવી કવાયતો અને કવાયતને અનુકૂળ લયનાં સંગ્રામગીતો શીખવતા. નાનાં બાળકો ટુકડીઓમાં વહેંચાઈ જઈ સરઘસના રૂપમાં ગીતો ગાતાં શેરીઓમાં ફરતાં અને બાળકોની જંજાળથી કંટાળેલાં માતાપિતાના હૃદયમાં બળકોના વ્યવસ્થિત સમૂહ માટે સદ્ભાવ પ્રેરતાં.

પાસેનાં ગામડાંનાં પણ જનાર્દનની અવરજવર રહેતી. ઝૂંપડીના આંગણામાં કે મહોલ્લાના ચોગાનમાં ગામડિયા ખેડૂતોને ભેગા કરી તેઓ કંઈકંઈ રસભરી વાતો કહેતા. દુનિયામાં બનતા બનાવો અભણ લોકો સમજી શકે એવી ઢબે સમજાવતા, તેમના જીવનમાં રસ વધે એવી ઉજાણીઓ અને મેળાઓ યોજતા, અને ગામના રસ્તા, કૂવા, તળાવ અંગમહેનતથી દુરસ્ત કરાવી સીમના રક્ષણ માટે જુવાન ગામડિયાઓને તૈયાર કરતા.

જેમ જેમ જનાર્દનની ખ્યાતિ વધતી ચાલી તેમ તેમ તેમની વિરુદ્ધ વાતો કરનારા પણ વધતા ચાલ્યા. કોઈ કહેતું કે તેઓ દારૂના પીઠા પાસે ફર્યા કરે છે, અને લાગ જોઈ અંદર ઘૂસી જાય છે. એથી પણ વધારે ગંભીર આરોપ તેમની ઉપર મુકાતા. પતિત સ્રીઓના લત્તામાં તેઓ ઘણી વખત ફરતા જોવામાં આવતા; એટલું જ નહિ, પણ બેધડક પતિત સ્રીઓનાં અનીતિગૃહોમાં જતાં પણ તે પકડાયેલા એમ કહેનાર સંખ્યાબંધ માણસો નીકળી આવતા.

આથી લોકો તેમના નિકટ સંબંધમાં આવતા અટકતા. ડાહ્યા અને ગંભીર મનુષ્યો તિરસ્કારપૂર્વક તેમનાથી દૂર જ રહેતા; કેટલાકને તેમની વિચિત્રતાઓ ભયભરી લાગતી; અને ઘણો ભાગ તેમને અર્ધઘેલા રમતિયાળ અબધૂત ગણી સહી લેતા.

એમ છતાં તેમની આસપાસ પચીસ-ત્રીસ યુવકોનું એક મંડળ જામી ગયું હતું; ત્રણેક યુવતીઓ પણ તેમની નિકટ સંબંધમાં આવી હતી. આ યુવકોમાંથી કોઈને તેઓ ગામડામાં ફેરવતા, કોઈની પાસે શેરીઓ સાફ કરાવતા, કોઈને શેરીનાં બાળકો સાથે રમવા યોજતા, કોઈની પાસે લેખો લખાવી મહોલ્લાઓમાં વહેંચાવતા અગર ગીતો રચાવી ગવરાવતા.

તેમની આવી પ્રવૃત્તિઓએ ધીમે ધીમે સત્તાધારીઓનું પણ ધ્યાન ખેંચ્યું. સત્તા એ મહા અદેખી શક્તિ છે. એ ગર્વિતાથી આયનામાં પડેલું પ્રતિબિંબ પણ સહ્યું જતું નથી. શેરીઓ સાફ રાખવાની સત્તા સુધરાઈને છે; અન્ય વ્યક્તિઓ એ કામ ઉપાડી લે તે સુધરાઈ શા માટે સહન કરે ? શિક્ષણ આપવાની સત્તા કેળવણીખાતાની પાસે છે; એક વ્યક્તિ લેખો લખી-લખાવી, અગર ગામડિયાઓને ભેગા કરી તેમની ઢબે વાતચીત કરી, જ્ઞાન વધારવાની જવાબદારી પોતાને માથે રાખવા જાય એ કેળવણીખાતાની સત્તાને કેટલું ઉશ્કેરનારું કહેવાય ? જાનમાલનું રક્ષણ કરવાની સત્તા પોલીસના હાથમાં છે; ગામડિયાઓ જાતે પોતાનું રક્ષણ કરતા થાય તો પોલીસની સત્તાનો કેટલો ઘટાડો થાય ? વ્યક્તિથી આવી સ્થાપિત સત્તાના ક્ષેત્રમાં દાખલ થઈ શકાય જ નહિ. વ્યક્તિએ તો સત્તાનો અમલ થવા દેવાનું સાધન બનવું જોઈએ. જનાર્દન આમ સત્તામાં ભાગ પડાવનાર બળવાખોર જેવો સત્તાધારીઓને દેખાવ માંડયો.

જનાર્દન અને જનાર્દનનાં કાર્યે ઉપર સત્તાધીશોએ નજર રાખવા માંડી. તે ક્યાં જાય છે, બોલે છે, એ બધી બાબતો નોંધાવા લાગી. આવી કાળજી પછી જનાર્દનનાં કાર્યોના હેતુનું અનુમાન ઝડપથી થઈ શકે એ સ્વાભાવિક છે. કોઈ ચક્રમ અર્ધઘેલો પુરુષ પોતાનાં ઘેલાં સ્વપ્નો પ્રગટ કરવાનો લોભ સેવે છે એમ પ્રથમ તો અનુમાન થયું; વધારે વિચાર કરતાં કોઈ સ્વાર્થી પુરુષ લોકોને ભોળવી પૈસા ભેગા કરવા મથતો હોય એમ લાગ્યું; પરંતુ ટૂંકા અનુમાનો બાંધી સત્તાથી કદી બેસી રહેવાતું નથી. તેણે છેલ્લી હદ સુધીના અનુમાનની શક્યતા પણ લેવી જોઈએ.

અને તેના વિચાર કરતાં જ જનાર્દન એક મહાભયંકર ચળવળિયો અને બંડખોર જણાઈ આવ્યો. માનવીનું જ્ઞાન બે ઢબે વધતું આવ્યું છે : અનુભવોની પરંપરા ઉપરથી એક જ્ઞાન – એક માન્યતા – સિદ્ધ થાય, અગર એક જ્ઞાન – માન્યતા -હૃદયમાં ઝબકી ઊઠે તેની સિદ્ધ પ્રસંગોની શ્રેણી દ્વારા સાબિતી થતી જાય. જનાર્દનને ચળવળિયો માન્યા પછી તે માન્યતાને અનુરૂપ બનાવો એની મેળ ગોઠવાતા ચાલ્યા. સત્તાધીશોને ખાતરી થઈ કે જનાર્દન બંડખોર, વિપ્લવવાદી છે, અને તે પોતાના સિદ્ધાંતો અમલમાં મૂકવા માટે જ બધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે.

તેમાં વળી જનાર્દનના મંડળ તરફથી એક પત્ર બહાર પડવા માંડયું. એ પત્રમાં આવતા લેખો ધગધગતા અંગતાર સરખા દીપ્તિમાન અને દઝાડનારા હતા. પરસ્પરથી વિકસેલી, રાજ્ય તેમ જ પ્રજા એ બંને સંસ્થાઓના દોષ તરફ એ પત્ર સબળ પ્રહારો કરતું. પોતાની ટીકા પોતાના જ પક્ષ તરફથી થતી હોય તો પ્રજા ઉદારતાથી સહી લે છે, પોતાની વિસ્તૃત સંખ્યાને લીધે એ ટીકા દરેક વ્યક્તિ પરત્વે વહેંચાઈ ગયેલી માની દોષનો ભાર હળવો કરે છે. અને પછી તે ટીકા ભૂલી જાય છે; પરંતુ શાસનની મૂર્તિ સમું રાજ્ય પોતાની ટીકા ભાગ્યે જ સાંખી શકે છે. અતિતીવ્ર સ્વભાવનું એ પરિણામ છે. જે પોતાને સર્વશક્તિમાન માને તે સહજ સર્વજ્ઞ હોવાનો દાવો કરે જ. એટલે પ્રજાપક્ષમાં ગણાતું પત્ર રાજ્ય માટે કાંઈ કહે એ રાજ્ય ચલાવનારને શૂળ ભોંકાયા સમાન લાગે એમાં નવાઈ નથી. આ કાંઈ વ્યક્તિદોષ નથી; સામુદાયિક માનસના લક્ષણ તરીકે તેને ગણી શકાય.

એટલે વખતોવખત સત્તાધારીઓ સાથે ઘર્ષણમાં આવવાના પ્રસંગો જનાર્દનને આવ્યા કરતા હતા. આજ કાંઈ મહત્ત્વનો બનાવ જનાર્દનના મંડળમાં બનવાનો છે એમ પોલીસ અધિકારીઓને ખબર પડી. વ્રતધારી વ્રત લેતાં પહેલાં અને પછી અજાણ્યે પોતાના કાર્યને અતિમહત્ત્વ આપી દે છે. ખાદી પહેરવી હોય અથવા રેંટિયો કાંતવો હોય તે જાણે હિમાલય ઉપર ચડવું હોય એવી ગંભીર, પોતાના મનથી છૂપી પરંતુ મુખ ઉપર તત્કાળ વાંચી શકાય એવી ચેષ્ટા તો કરે છે. સત્તાધારીઓ એ જ માપથી તેમની ગંભીરતા માપે છે, અને ખાદી પહેરનાર અગર રેંટિયો કાંતનાર જાણે બાઁબ બનાવતો ન હોય એમ સાવચેતીના ઈલાજો લે છે.

એક પોલીસ અધિકારીએ મકાનમાં પ્રવેશ કર્યો, અને મકાનનીક ઓસરી ઉપર બેસી કાંઈ લખ્યા કરતી રંજનને પૂછયું :

‘જનાર્દન અંદર છે ?’

‘તમારે શું કામ છે ?’ રંજને પૂછયું.

‘હું પોલીસનો માણસ છું. મારે જનાર્દનને મળવું છે.’

‘તમે અહીં બેસો. હું પૂછી આવું.’

એટલું કહી રંજન ઝડપથી મકાનના પાછલા ભાગમાં થઈને યુવકોના ટોળા નજીક આવી. સહુ કોઈ વિચારમાં પડયા; સહુના મનમાં પ્રશ્ન થયો : ‘રંજન કેમ આટલી ઉતાવળથી આવતી હશે ?’

‘જનાર્દને પૂછયું : ‘કેમ રંજન ! શું છે ?’

‘એક પોલીસ અમલદાર તમને મળવા માગે છે.’ રંજનનો કંઠ તીણો પણ મધુર હતો. યુવકોમાંથી કેટલાકની આંખમાં ક્રોધ તગતગવા લાગ્યો. અણગમતું પોલીસખાતું રાજકીય ગુનાઓની તપાસમાં રોકાતું થયું ત્યારથી તે વધારે અણગમતું થઈ પડયું છે.

‘એટલું જ ને ! ચાલ, આવું છું. આજથી આપણે અહિંસક બન્યાં છીએ; વાઘ-વરુની કોટડીમાંથી નીકળી મનુષ્ય બન્યાં છીએ. રાગદ્વેષ આપણામાં હોય જ નહિ. અરુણ ! તું મારી સાથે ચાલ.’

જનાર્દને બહુ જ શાંતિથી ઉચ્ચારણ કર્યું. અરુણની આંખ સળગી ગઈ હતી. તેના મુખ ઉપર સહુ કોઈ જોઈ શકે એટલી બધી લાલાશ તરી આવી. હિંસાનો મહાન ઉપાસક અરુણ આજે થોડી મુદતને માટે અહિંસક બન્યો હતો; પરંતુ આજ સુધી સેવાયલી વૃત્તિ મુખ ઉપર ચીતરાયા વગર રહી નહિ.

જનાર્દન, રંજન અને અરુણ ત્રણે જણાં આગળ ચાલ્યાં.

‘જેમાં તેમાં અરુણ !’ આછો અવાજ અરુણને કાને પડયો. અરુણે ધીમે ધીમે પાછળ આવતા અન્ય સભ્યો તરફ કતરાતી આંખે જોયું; એક-બે જણ હસ્યા.

‘સ્વરાજ તો એ જ લેશે ને ?’ માત્ર અરુણ સાંભળી શકે એવી ઢબે કોઈ બોલ્યું. નિંદા અને ટીકાના બાણ બ્રહ્માસ્ર સરખાં સચોટ હોય છે; જેને લક્ષીને તે મૂક્યાં હોય તેને જ વાગે છે.

‘હા હા, હું જ સ્વરાજ્ય લઈશ !’ અરુણે પાછળ ફરી ગર્જના કરી. જનાર્દને શાંતિથી અરુણને ખભે હાથ મૂક્યો અને કહ્યું :

‘આપણા પોલીસમિત્ર ખોટી થાય છે. સ્વરાજ્ય લઈશ ત્યારે તું માત્ર અરુણ રહ્યો નહિ હો; હિંદના તેત્રીસ કરોડમાં તું વહેંચાઈ ગયો હોઈશ.’