દિવ્યચક્ષુ/૩૬. પલટાતા રંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૬. પલટાતા રંગ

એક દીવડો દીપે મીંચાય રે !
પાણીડાં હેલે ચઢયાં, હેલે ચઢ્યાં.
એક ચાંદરણું આભમાં લહેરાય રે !
પાણીડાં હેલે ચઢયાં, હેલે ચઢયાં.
એક પોયણું ખીલે ખીલે બિડાય રે !
પાણીડાં હેલે ચઢયાં, હેલે ચઢયાં.
−ન્હાનાલાલ

જીવનમાં અનેક નાટકો ભજવવાં પડે છે. વિમોચને મુખ ઉપર કરુણ રસ જમાવ્યો. દયા લાવીને પણ રંજન તેમને ચાહતી થાય તો દયામણું મોં કરવા વિમોચનને હરકત નહોતી; પરંતુ રંજને પોતાના ભાઈના મુખ સામે જોયું ત્યારે તેનું મુખ તો હસતું લાગ્યું.

‘કેમ ભાઈ ! શું થયું ? કેમ હસો છો ?’ રંજને પૂછયું.

કૃષ્ણકાંત ખડખડ હસી પડયો. તેણે કહ્યું :

‘આ વિમોચને કાંઈક શાક ઉપર કવિતા બનાવી છે. કયું શાક એ, વિમોચન ?’

કોઈ પણ કવિને આમ કહેવું એ તેનું ભારેમાં ભારે અપમાન કરવા જેવું છે. કવિઓ તુચ્છ ક્ષુદ્ર વિષયો તરફ જોતા જ નથી; તેઓ આકાશ તરફ કે પાતાળ તરફ જ જુએ છે. નિત્ય નજરે અથડાતા પદાર્થોનું અસ્તિત્વ તેમને માટે નથી.

વિમોચનના મુખ ઉપર ગાંભીર્ય આવી ગયું. રંજને કહ્યું :

‘એમ કે ? બરોબર છે. ફૂલ ઉપર તો એમણે લખ્યું જ હતું; હવે ફળ આવે ને ?’

‘નહિ નહિ, કૃષ્ણકાંત મારું કહેવું સમજી શક્યા નથી.’ સાક્ષરે વાંધો ઉઠાવ્યો. મોટે ભાગે સાક્ષરો શું કહે છે તે કોઈ સમજી શકતું જ નથી.

‘હા હા, હવે યાદ આવ્યું. શું ? લચકાતી કારેલી કે મચકાતી કારેલી કે પછી લચકાતી અને મચકાતી બંને ઢબની કારેલી એવું કાંઈક યાદ આવ્યું હતું.’ કૃષ્ણકાંતે યાદદાસ્તને સતેજ કરી કહ્યું. કૃષ્ણકાંત અને રંજન બંને હસી પડયાં. પરંતુ રંજને હસતે હસતે વિમોચનનો પક્ષ લઈ કહ્યું :

‘શું ભાઈ ! તમેય ગૂંચવાડો કરો છો ? એ તો પેલું છોકરીઓ ગાય છે તે ગીત હશે : “અચકો મચકો કારેલી.”‘

‘એ જ. રંજનબહેન ! હું ભાઈને અર્થ સમજાવતો હતો કે કારેલી તે શાકનો વેલો નહિ પરંતુ કાં રે અલીનું ટૂંકું બની ગયેલું રૂપ. એ તો ઊલટું હસવા માંડયા !’ વિમોચને પોતાનું દુઃખ કહ્યું. સાક્ષરો એકલા કવિ જ હોતા નથી; તેઓ ધારે તે કરી શકે છે. તેઓ કવિતા પણ લખે અને વાર્તા પણ લખે; નાટક પણ લખે અને નવલિકા પણ લખે; વિવેચન પણ લખે અને વ્યુત્પત્તિ પણ લખે. સાક્ષરો શું ન લખી શકે એ કોઈ કહેશે ?

પોતે જાણ્યું કે સહુને જણાવી દેવાની પરોપકારી વૃત્તિમાંથી સાક્ષરત્વનો ઉદ્ભવ થાય છે. કારેલી એ કાં રે અલીનો સંક્ષિપ્ત બનેલો ઉચ્ચાર છે એ જ્ઞાન વિમોચનને પ્રાપ્ત થતાં એ જ્ઞાનનો પ્રચાર કરવા માટે તેઓ ઘણા આતુર બન્યા હતા. તેમના સંબંધમાં આવેલાં થોડાં જ માણસો એ પ્રકાશ પામ્યા વગર રહ્યાં હશે. એક વખત તો તેમણે ટિકિટ તપાસવા આવેલા ટિકિટ કલેક્ટરને પણ એ શબ્દરહસ્ય સમજાવવાની શરૂઆત કરી હતી.

વિદ્વાનોના સમાગમમાં વખત જતાં વાર લાગતી નથી. બારનો ટકોરો થયો અને રંજન ઊઠી ઊભી થઈ. વિમોચનને રંજનના કાર્યક્રમની ખબર હતી એટલે તેણે કહ્યું :

‘હું પણ તમારી સાથે જ આવીશ.’

ભીંત ઉપર પડતો પડછાયો આપણા ગમે તેવા ચાળા પાડતો હોય તોય આપણે તેને નિવારી શકાતા નથી. રંજને વિમોચનને સાથે લીધા. મોટરનું યંત્ર ઊંચી જાતનું હોવા છતાં તે વિમોચનને સ્થિર રાખી શક્યું નહિ. તેમનું શરીર હાલતું હતું, તેમનું ડોકું ફરતું હતું; અને તેમની આંખો ચલિત થતી હતી. રંજને તેમને પૂછયું :

‘કેમ, વિમોચનભાઈ ! તમારી તબિયત તો સારી છે ને ?’

‘હા હા; તબિયત તો સારી છે.’

‘મને લાગ્યું કે તમને કાઈ અકળામણ થાય છે.’

‘એમ તો નહિ, પણ…મારે તમને એક વાત કહેવી છે.’

‘કહો, બેશક.’

‘ખોટું તો નહિ લગાડો ?’

‘જરાય નહિ.’

‘ત્યારે કહું ? જોજો હોં. ખોટું ન લગાડતાં.’

‘હું તમને ખાતરી આપું છું. પાછી કાંઈ ?’

વિમોચનની જીભ તાળવે ચોંટી ગઈ. તેમને જે કહેવું હતું તે કહેવાનો સમય આવતાં તેમની વાણી બેવફા બની. મહામુશ્કેલીએ તેઓ બોલ્યા :

‘ના ના, ફરી કોઈ વખત.’

‘એમ શું કરો છો ? મારા સમ. જે કહેવું ધારો છે તે કહી નાખો.’ રંજને વહાલભર્યું વચન કહ્યું. હવે વિમોચને સઘળું બળ જીભમાં સંક્રાંત કરી સાક્ષરોને ન છાજતી સાદી ભાષામાં ધીમે રહી ધડકતે હૃદયે કહ્યું :

‘રંજનગૌરી ! હું …તમને ચાહું છું.’

‘તમારો ઉપકાર માનું છું.’

‘કારણ ?’

‘તમારા સરખા સાક્ષર મને ચાહે એ ઓછું માન છે ?’

સાક્ષરનો પ્રેમ મેળવનારી સ્ત્રી ખરેખર માનને પાત્ર છે. વિમોચનની અસ્થિરતા ઓછી થઈ. પોતાના સાક્ષરત્વનો તેમને સકારણ ગર્વ થઈ ગયો; સાક્ષરત્વ સર્વ પ્રકારના વિજયની ચાવી છે એવી તેમને ખાતરી થઈ રંજનની વધુ નિકટતા ખોળવાનું તેમને મન થયું.

‘મારું મોટું ભાગ્ય!’ રંજનની અને પોતાની વચ્ચે રહેલી ખાલી જગા ઉપર હાથ ફેરવતા સાક્ષર બોલ્યા.

‘એમ કેમ ? રંજને પૂછયું.’

‘મારો આદર્શ સિદ્ધ થશે.’

‘એ પાછું ન સમજાયું.’

‘હું હવે તમને મેળવી શકીશ.’ સાક્ષરમાં વધારે હિંમત આવી. જોકે તેમનામાં હિંમત હોતી નથી એમ કહેવું અયુક્ત છે.

‘શા ઉપરથી ?’

‘તમે મને ચાહો છો તે ઉપરથી.’

‘એવું મેં ક્યારે કહ્યું છે ?’

‘હમણાં જ કહ્યું ને ? કે હું તમને ચાહું એમાં તમે માન સમજો છો.’

એ બરાબર. પણ મારાથી તમને કેમ ચાહી શકાય ? મારું તો ગજું કેટલું ? મારી હિંમત ન ચાલે.’

સાક્ષરનો પ્રેમ મેળવનારી સ્ત્રી માનને પાત્ર છે એ ખરું; પરંતુ સાક્ષરને સામો પ્રેમ આપનારી સ્ત્રી જાહેર માનપત્રને લાયક છે !

‘એમ તમારી કિંમત ઓછી ન આંકો. લગ્ન પછી આપણો સતત સહચાર રહેશે, એટલે હું તમારા લેખનવાચનમાં સહાયતા કરી શકીશ.’ હિંમત આપતાં વિમોચન બોલ્યા.

સહચારનાં રસભર ગીતો ગાતા સાક્ષરોએ પોતાની સહચરીઓને લેખનવાચનમાં કરેલી સહાયતાના ભગીરથ પ્રયત્નો એક બીજી સ્વર્ગગંગાને પૃથ્વી ઉપર ઉતારી શકે એમ છે. એક રસિક પણ ગુપ્ત પ્રકરણ સ્ત્રીઓની ઉન્નતિના ઇતિહાસમાં મોટો ભાગ રોકશે – એ ઈતિહાસ જ્યારે લખાશે ત્યારે – ત્યાં સુધી સાક્ષરો એ પ્રયત્નોની નોંધ જાળવી રાખતા જશે.

‘અરે, ના રે વિમોચનભાઈ ! મારો સહચાર ખોળશો તો તમે રૌદ્ર રસથી શરૂ કરી કરુણ રસની કવિતામાં ઊતરી પડશો. હું તમને લલિત છંદ લખતા કરી નાખું એ મને ન ગમે.’ રંજને હસીને કહ્યું. એટલામાં વિમોચનની ઑફિસ આવી. રંજને ગાડી ઊભી રાખી અને વિમોચનને યાદ આપી કે તેને ઊતરવાનું સ્થળ આવ્યું છે. નાખુશ વિમોચન ઊતર્યા તો ખરા પરંતુ ઊતરતે ઊતરતે એમણે એક ચોકસાઈ કરી લીધી :

‘તમે ધારો છો એમ નથી. હું તમને સમજાવી શકીશ. કહો તો સાથે આવું અને આપણે વાતચીત ચાલુ રાખીએ.’

‘ફરી વખત જોઈ આપણે આ વાત ઉપાડશું. એકદમ તો હું ગભરાઈ જાઉં છું.’

‘હરકત નહિ, ફરી કોઈ વખત.’

બંને જણાં છૂટાં પડયાં. વિમોચનનું હૃદય આશાભર્યું હતું. રંજનનો વખત પણ જરા આનંદમાં ગયો. વિમોચન તરફ તેને ગુસ્સો ચડયો નહિ. પુરુષો ભેગી ફરતી સ્ત્રીઓએ વધારે પડતી નાજુકી હવે છોડવી જ પડશે.

ધના ભગતને ઘેર જઈ રંજને પોતની ભાભીને પાછી ઘેર મોકલી. કિસનની તબિયત સારી હતી. ડૉક્ટર વચમાં એક વખત આવી ગયા હતા. સુશીલાને ત્યાંથી પણ કિસનની તબિયત પુછાવી હતી. રંજનને પાછી આવેલી સાંભળી ધના ભગત અડધા થઈ ગયા.

‘અરે બહેન ! તમે આ શું કરો છો ? અમારા ઉપર તે કેટલી રહેમ ?’

‘એમાં શું ? અમારે બીજું કામ કશું હોય નહિ. મને તો અહીં આવવું બહુ ગમે છે. તમારી વાતો સાંભળું છું ત્યારે મને શાંતિ વળે છે.’ રંજને કહ્યું.

‘હું તો પામર છું બહેન ! મારી વાતમાં રસ શો ? ઘેલુંગાંડું પ્રભુનું નામ લઉં છું અને કિસન ભણી જોઈ દહાડોરાત વિતાવું છું.’

‘ભગત ! તમને હરકત બહુ પડતી હશે. આંખનું ભારે દુઃખ, નહિ ?’

‘ના રે બા ! એ ત ટેવ પડી ગઈ. અને જે આંખે પ્રભુ ન દેખાય એવી આંખો રહે તોયે ઠીક છે, ને જાય તોયે ઠીક છે.’

આમ વાતચીતમાં વખત ગાળતી રંજન અરુણને ભૂલવા મથતી હતી; પરંતુ આખો દિવસ વિમોચનની ગમ્મત કે ધના ભગતની વાત ચાલુ રહે એમ નહોતું. ધના ભગત શાંત રહેતા એટલે રંજનને અરુણનું સ્મરણ થઈ આવતું.

‘આ શી ઘેલછા !’ તે બબડી. ઘેલછાને ઘેલછા તરીકે ઓળખવા છતાં તેની અસર મટતી નથી.

વચમાં પુષ્પા અને સુશીલા પણ આવીને કિસનની ખબર લઈ ગયાં.

‘તમે ક્યાંથી આવ્યાં ?’ રંજને પૂછયું.

‘કેમ ? કિસનની તબિયત જોવા.’ સુશીલાએ કહ્યું.

‘આમ તમારાથી અવાય ?’

‘જો ને ! અવાયું ને ?’

‘કાકા જાણશે તો ?’

‘પણ અમને ભાઈએ જ મોકલ્યાં હોય તો ?’ સુશીલાએ સામો પ્રશ્ન કર્યો, અણે રંજનને ચમકાવી. અકસ્માતથી, ભૂલથી વૈષ્ણવો ઢેડવાડામાં તેમાંયે ધનસુખલાલ પોતાની દીકરીઓને આમ ખામુખા મોકલે એ તો અશક્ય જ લાગ્યું.

‘ખરું કહો છો, મોટી બહેન ? મારા માન્યામાં નથી આવતું.’

‘આ કિસનને હું આપણા ઠાકોરજીનાં દર્શન કરાવીશ ત્યારે તારા માન્યામાં આવશે.’

કેટલીક વાર ત્યાં બેઠા પછી પુષ્પાએ ઊઠવાનો વિચાર કર્યો.

‘મોટીબહેન ! ચાલો ને ? પછી વખત નહિ રહે.’

‘ક્યાં જવું છે ?’ રંજને પૂછયું.

‘ચૉકીમાં.’

‘કેમ ?’

‘બધાને મળી અવાય.’ પુષ્પાએ કહ્યું.

‘બધાને એટલે અરુણકાંતને ?’ હસતે હસતે રંજને પૂછયું; પરંતુ એ હાસ્યમાંયે શૂળ ભોંકાતી હોય એવું દર્દ હતું.

સુશીલાએ રંજન સામે સ્થિરતાથી જોયું; પછી પુષ્પા સામે જોયું. પુષ્પાના મુખ ઉપરની રતાશ ઝૂંપડીના આછા પ્રકાશમાં પણ ઢાંકી રહી નહિ. સુશીલાનું મુખ જરા કડક બન્યું; પરંતુ એ કડક મુખભાવ પાછળ તેના યૌવનનું પુનરાવર્તન થતું હતું. તેનો પૂર્વઈતિહાસ ફરી ભજવાતો હતો.

‘છોકરી આવડી મોટી થાય એટલે એયે શું કરે !’ એવા ઉદાર માનસિક ઉદ્ગારમાં તેની કડવાશ ઓગળી ગઈ. થોડી વાર પછી સુશીલાએ રંજનને પૂછયું :

‘રંજન ! તેં અરુણકાંતનું નામ કેમ લીધું ?’

‘એ તો પુષ્પાને પૂછો.’

‘એને ના બોલાવશો, મોટીબહેન ! એ તો નફ્ફટ છે.’- કહી પુષ્પા ઊભી થઈ. સુશીલા અને પુષ્પા બંને ગયાં અને રંજનનું હૃદય ડંખી ઊઠયું :

‘પુષ્પા મળશે અને મારે મળવાનું પણ નહિ !’

કિસનને પાછો થોડો તાવ ભરાયો હતો એટલે ડૉક્ટરને બોલાવી કિસનની સારવારમાં રોકાયેલી રંજનની સંધ્યા તો વીતી ગઈ. ભયનો પ્રસંગ ગયો હતો, છતાં તાવ ઊતરતાં સુધી રંજન બેસી રહી; પરંતુ રાત્રે ઘેર જતી વખતે તેનું મન હાથમાં રહ્યું નહિ. તે જાણતી હતી કે રાત્રે કારગૃષમાં જવાની પરવાનગી મળી શકે નહિ; તે જાણતી હતી કે કારાગૃહમાં કોટડીઓ એવી ન જ હોય કે રસ્તે જનારને તેમાં પુરાયેલાં માનવી દેખાય. છતાં તેણે મોટર એ રસ્તે લીધી.

કેદખાનું આવતાં જ તેણે મોટર ઊભી રાખી. દસના ટકોરાને રાત્રિશાંતિનું તીવ્ર ભાન કરાવ્યું. મોટા મહેલ સરખા પોલીસથાણાની એક બાજુએ પોલીસ-અમલદારને રહેવાની સગવડ હતી, અને બીજી બાજુએ પોલીસ-કચેરી હતી. એની વચમાં લોખંડી સળિયાઓના બનેલા કોઈ અગવડભર્યા પાંજરામાં અરુણ અણે એના સાથીઓને જમીન ઉપર પડેલા રંજને કલ્પ્યા. તેને રોષ આવ્યો. વાંકી ભ્રૂકુટિ કરીતે મનમાં જ બોલી :

‘આ બધાં જ કેદખાંના ભાંગી તોડી નાખવાં જોઈએ !’

એક જાગૃત પહેરગીરે બૂમ પાડી. રંજનને સત્ય સમજાયું કે જગતનાં કેદખાનાનું તો જીવ માટે જતન થાય છે.

‘કોણ છે ?’

‘રૈયત.’ બંદૂકની બીકે શૉફરે જવાબ આપ્યો અને ગાડી આગળ લીધી.

અરુણને કેદમાં પૂરનારી રાજ્યસત્તાની રૈયત થઈ રહેવામાં, રૈયત કહેવરાવી નાસી જવામાં રંજનને ભારે નાનમ લાગી. તેને એક ખ્યાલ આવ્યો; ‘હિંદમાં જેટલા પુરુષ એટલી જ સ્ત્રીઓ. સોળ કરોડ સ્ત્રીઓમાંથી એક કરોડ સ્ત્રીઓ જ જો ભેગી થાય તો સ્વરાજ્ય હાથમાં જ છે.’

પરંતુ એક કરોડ પુરુષો તો મળતા નથી ત્યાં સ્ત્રીઓની શી વાત કરવી ? સ્ત્રીઓ જાતે જ પોતાના ઘરમાં – પોતાના બુરખામાં કેદ નથી બની રહી ?

જગતનાં કેદખાનાં એ સ્ત્રીઓનાં છૂપાં – જગદ્વ્યાપી કેદખાનાંનાં પ્રતીક તો નથી ?

ઘેર થઈ તે પથારીમાં પડી.

સ્ત્રીજાતને કેદમાં પૂરનાર – કેદમાં પૂરી રાખનાર પુરુષ. સ્ત્રીઓ એ કેદમાંથી બહાર કેમ આવતી નથી ? અરે જાતે જ કેદમાં પડવા કેમ ધસે છે ? લગ્ને લગ્ને એક એક કેદખાનું ઊભું થાય છે, એનો તેમને કેમ વિચાર આવતો નથી ?

‘અરે રંજન!’

ઓરડા બહાથી કૃષ્ણકાંતે રંજનને બૂમ પાડી તેની વિચારશ્રેણી અટકાવી. અત્યારે ભાઈ કેમ બોલાવતા હશે તેની સમજ ન પડવાથી રંજન ઊઠીને બારણાં પાસે આવી.

‘કેમ ભાઈ ! શું છે ?’ તેણે પૂછયું. કૃષ્ણકાંતના મુખ ઉપર વ્યગ્રતા હતી. કૃષ્ણકાંત ભાગ્યે જ વ્યગ્ર બનતો. રંજનનું કાળજું ધડક્યું.

‘જો, તું જરા સુરભિ પાસે બેસ; મારે જવું પડશે.’

‘ક્યાં ?’

‘કેદખાનામાં આગ લાગી છે. જનાર્દન, અરુણ અને કંદર્પ એમાં છે.’

પગથી માથા સુધી રંજનના દેહમાં એક ચમકારો થઈ ગયો.

‘હું સાથે આવીશ ભાઈ !’

‘સુરભિ પણ એમ જ કહે છે; પરંતુ તમને ફાવશે નહિ. તમે બંને સાથે સૂઓ.’

‘અમને ફાવશે; ઘેર તો નહિ રહેવાય.’ -કહી રંજને ઝડપથી ચંપલ પહેરી લીધાં અને તે ઓરડાની બહાર નીકળી.

સુરભિના મુખ ઉપરથી લોહી ઊડી ગયું હતું; તેના પગ જૂઠા પડી ગયા હતા. એકનો એક ભાઈ ! કેદમાંયે તેની આસપાસ અગ્નિ ? ભયમાં તે રડી પણ શકતી નહોતી.

‘ચાલો, ભાભી !’ -કહી રંજને તેનો હાથ પકડી તેને ઊભી કરી; ત્રણે જણ ગાડીમાં બેઠાં. રંજને પૂછયું :

‘ભાઈ ! તમને કોણે કહ્યું ?’

‘બે ટેલિફોન મળ્યા. એક કાકાનો અને બીજો કોઈ પોલીસ-અમલદારનો.’

ધસમસતી યાંત્રિક ગાડી કેદખાના પાસે જોતજોતામાં આવી પહોંચી. આખું સ્થળ માણસોથી ઊભરાઈ ગયું હતું. કોલાહલનો પાર નહોતો.

અને માણસથી તૂટી ન શકતું કેદખાનું અગ્નિની પ્રચંડ શિખાઓ આગળ ગરીબડું બની વંધ્ય પશુ સરખું તરફડતું પોતાની આહુતિ આપ્યે જતું હતું.

મકાનમાં ઘૂસી રહેલો અગ્નિ બારીઓમાંથી અને જાળીઓમાંથી પોતાની રાક્ષસી જિહ્વાઓ બહાર ફેંકતો હતો. તેની જ્વાળામાં લાકડાં તૂટી પડતાં હતાં, લોખંડ ખરી પડતાં હતાં અને ઈંટચૂનાની રાખ બની જતી હતી. લાલપીળા અગ્નિફુવારાઓ ઊંચે ઊડતા હતા અને સુવર્ણરંગી અગ્નિધોધ ઊપરાછાપરી વહ્યે જતા હતા. સો ફૂટ દૂરથી પાણી છાંટતા બંબાઓનાં પાની શોષી નાખતા અગ્નિની તરસ છિપાય એવી લાગણી નહોતી. અગ્નિ પાણીને અણે માનવીઓને હસતો, રાત્રિને ચિત્રવિચિત્ર રંગોથી રંગી, યમપુરીનું ચિત્ર દોરતો હતો.

કુદરતનું ઘેલું સત્ત્વ હાથમાં ન રહે ત્યારે પોતાના અવલંબનને જ ઝડપે છે. એ અવલંબનનું અસ્તિત્વ જતાં તેનું પોતાનું અસ્તિત્વ પણ સમાપ્ત થશે એવી તેને ચિંતા હોતી નથી. પોતાને ઉત્પન્ન કરનારના દેહમાં ફરી વળતાં વીજળીને આંચકો લાગતો નથી; જે લાકડાને આધારે અગ્નિ જીવે છે તે લાકડાનો અણુએ અણુ પ્રજાળી નાખતાં અગ્નિને જરા પણ અરે થતી નથી.

માનવીયે ઘેલો જ છે ને ! એ પણ કુદરતનું એક ઘેલું સત્ત્વ છે; નહિ તો તે આત્મઘાતી બને ? પરસ્પરનાં ગળાં રહેંસે? એકબીજાની છાતીઓમાં છરીઓ ભોંકે ? અગ્નિના અંધત્વમાં અને માનવીના અવિચારમાં શૌ ફેર છે ?

હશે; કાંઈક ફેર હશે. નહિ તો સુરભિ ચીસ પાડી ઊઠત નહિ. ધુમાડાના વાદળને બહાર કાઢી રહેલી એક બારીમાં કોઈ પુરુષ ઊભેલો દેખાયો. આખી જનતા કારમી ચીસ પાડી ઊઠી. પુરુષના હાથમાં કશુંક હતું; તે હાલતું દેખાયું. પુરુષે બીજો હાથ તેના ઉપર ઢાંકી તેને પોતાની છાતી સાથે દબાવ્યું. તે એક બાળક હતું. અગ્નિના તેજસ્વી વંટોળિયા અને કાળા ધૂમ વાદળાંની વચ્ચે ક્ષણભર ઊભા રહેલા એક માનવીને અગ્નિને જોઈ લીધો. મનુષ્યાહારી રાક્ષસ જેમ માનવીને જુએ અને તલપ મારે તેમ અગ્નિએ અણધારી રીતે ઉપરથી તલપ મારી; ધુમાડો તેજસ્વી બની ગયો. પેલા પુરુષની આસપાસ અગ્નિ ફરી વળ્યો; પોતાના હવિનું સહુને ઓળખાણ કરાવવું હોય તેમ અગ્નિ એક ક્ષણ પાછો ઓસર્યો અને બીજી જ ક્ષણે એથી વધારે પ્રલંબ શિખા ફેંકી !

તે જ ક્ષણે પુરુષના પગ અકડાઈ પડયા. તેણે એક પાસ માથું ઢાળી દીધું. છાતી સરસા રાખેલા બાળકને તેણે વધારે દબાવ્યું અને બારી ઉપરથી તે તૂટી પડયો. ભડભડ બળતા અગ્નિએ તેનો પડછાયો પણ પાડયો.

આખા જનસમૂહનો શ્વાસ રૂંધાઈ ગયો; કોઈથી ઉદ્ગાર કાઢી શકાયો નહિ. માત્ર ટોળામાં ઊભેલી મોટરમાંથી સુરભિની ઝીણી ચીસ સંભળાઈ :

‘ભાઈ રે !’

કડકડાટ થતા અગ્નિના તણખા આકાશ ભણી ઊડયા. સહુને આહ્વાન આપતો અગ્નિ શતમુખ હસી રહ્યો. તે માનવીના સંબંધોને ઓળખતો નથી.