દૃશ્યાવલી/શ્યામલી : સાંતાલ-કન્યા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શ્યામલી : સાંતાલ-કન્યા!

સ્વપ્નનું જેમ એક નગર હોય, તેમ સ્વપ્નનું એક ઘર પણ હોય. અલકા કવિ કાલિદાસના સ્વપ્નનું નગર છે. કાલિદાસ તો રહ્યા રાજકવિ. તેમાંય વિક્રમની રાજસભાનાં નવ રત્નોમાં સૌથી મોંઘું રત્ન. જો રાજા રીઝી જાય તો એકાદ સુંદર શ્લોક ઉપર આજના નોબેલ પુરસ્કાર જેટલી રકમ પણ આપી દેતાં ખમચાય નહીં. કવિ કાલિદાસ કદાચ વૈભવથી છલકાતા ઘરમાં રહેતા હશે. મેઘદૂતમાં યક્ષે એમના ઘરનું જે વર્ણન મેઘ આગળ કર્યું છે, તેવું એક ઘર સ્વયં કવિએ પણ ઇચ્છ્યું હોય.

કવિ રવીન્દ્રનાથ કાલિદાસના જ ઉત્તરાધિકારી ગણાય. એ વારે વારે કાલિદાસની સૃષ્ટિમાં પહોંચી જાય છે. એક કવિતામાં એ કહે છે કે જો હું પણ કાલિદાસના સમયમાં જન્મ્યો હોત તો પેલાં નવ રત્નોની માળામાં દશમું રત્ન બનત, અને એક જ શ્લોકમાં રાજાની સ્તુતિ કરીને એની પાસેથી ઉજ્જયિનીના નિર્જન છેડે ઘેરાયેલું ઘર માગી લેત. સરિતાના તટ પર ચંપાના વૃક્ષની નીચે સંધ્યા સમયે સભા બેસત ત્યારે ક્રીડાશૈલ પર મનની મોજ પ્રમાણે કંઠ મોકળો મૂકત..

ટાગોર ભલે કાલિદાસના સમયમાં ન જન્મ્યા, પણ પ્રિન્સ દ્વારકાનાથના ઠાકુર પરિવારના જોડાસાંકો નામે મહેલ જેવા મોટા બંગલામાં જન્મ્યા હતા. ઠાકુર પરિવારનો વૈભવ પણ એક કાળે કંઈ ઓછો નહોતો. આજે પણ કલકત્તા મહાનગરમાં જોડાસાંકો બંગલો એ વિગત વૈભવની ઝાંખી કરાવતો ઊભો છે.

પરંતુ મોટા બંગલામાં રહેવાથી એ સ્વપ્નનું ઘર પણ હોઈ શકે એવું નથી. કવિ તો એ કલકત્તાનગર અને એ જોડાસાંકોનો વૈભવ બધું છોડી શાંતિનિકેતન જઈ વસ્યા. એ ચાર દાયકાના શાંતિનિકેતનના નિવાસ દરમિયાન નાનામોટા અનેક આવાસોમાં એમને રહેવાનું થયું. તેમાં માટીની ભીંતો અને ખંડના છાપરાવાળી કુટિરો પણ ખરી. આજે કોઈ પણ પ્રવાસી જ્યારે શાંતિનિકેતનના પ્રાંગણમાં પ્રવેશે છે, ત્યારે સૌ પહેલાં એની દૃષ્ટિમાં કવિનો ‘દેહલી’ નામે નિવાસ પડે છે. દેહલી એટલે ઉંબર. આ ઘરમાં કવિએ પ્રસિદ્ધ ગીતાંજલિની અનેક કવિતાઓ રચી હતી. શાંતિનિકેતનના આરંભના દિવસો ઘણા કષ્ટકર ગયા હતા. કવિને તપોવનની સંસ્કૃતિ આ યુગમાં અવતારવી હતી. જ્યાં વૃક્ષોની છાયામાં વર્ગો ચાલતા હોય, ત્યાં મોટા આવાસોની વાત ન હોય. કવિએ સ્વેચ્છાએ જાણે દારિદ્યનું વ્રત લીધું હતું.

પણ કવિને એક ને એક ઘરમાં રહેવાનું ગમતું નહીં. આજે પ્રવાસી જ્યારે ‘ઉત્તરાયન’ના સંકુલમાં પ્રવેશ કરશે ત્યારે ત્યાં મોટાંનાનાં અનેક ઘર જોશે. તેમાં ‘ઉદયન’ જેવાં રાજમહાલયની સરસાઈ કરે એવો આવાસ છે. એની બાજુમાં જ બેઠા ઘાટનું ‘કોણાર્ક’ છે, તો માત્ર માટીની બનેલી ‘શ્યામલી’ પણ છે, પણ ઉદયન એ એમના સ્વપ્નનું ઘર નથી. એ એમના પુત્ર રથીન્દ્રનાથનું સર્જન છે. પછી ભલે કવિ એમાં ઘણો સમય રહ્યા હોય. લગોલગ બીજાં પણ ઘર છે – પુનશ્ચ, ઉદીચી.

પરંતુ શ્યામલી જ કવિની કલ્પનાનું ઘર છે. રાજમહાલય જેવા ઉદયન બંગલામાં રહેતા હોય તોય કવિ સ્વભાવે તો કુટિરવાસી જ હતા. એમણે એક કવિતામાં કહ્યું :

આમાર શેષ બેલાકાર ઘરખાનિ
બાનિયે રેખે, યાબો માટિતે
તાર નામ દૅબો શ્યામલી.

જીવનના આખરી દિવસોમાં રહેવા માટેનું ઘર હું માટીમાંથી બનાવીશ. તેને નામ આપીશ શ્યામલી.

શ્યામલી જાણે સ્વયંપૂર્ણ એક ઊર્મિગીત. જેમાં લોકજીવનનો લય છે. આખી ને આખી માટીની બનેલી છે. નામ પ્રમાણે શ્યામ. ઘાટીલી કોઈ સાંતાલ નારીની ઉપમા શોભે. ઉદયન જેવા મહાલયના સાન્નિધ્યમાં શ્યામલી કેટલી નાની લાગે, કેટલી નિરાભરણ લાગે! પણ એક જર્મન સમીક્ષકના શબ્દો વાપરીને કહું તો : આ શ્યામલીમાં ‘દારિનું ઐશ્વર્ય’ છે. કેટલાંક મોટાં મોટાં મકાનોમાં ‘ઐશ્વર્યનું દારિદ્ય’ હોય છે. શ્યામલી માત્ર ઘર નથી, એક દર્શન છે. ફિલૉસોફી છે. એક માનવી તરીકે આ ભૂમિમાંથી ઊભા થઈ અંતે આ ભૂમિમાં ભળી જવાનું એ દર્શન છે. કવિએ કલ્પના કરી છે કે જ્યારે એ માટીનું ઘર પડી જશે, તે જાણે ઊંઘી જવા જેવું લાગશે. માટીના ખોળામાં માટી ભળી જશે.

આ તો દર્શનની ભૂમિકાએ વાત થઈ, પણ કવિને માટીનું ઘર બાંધવાનો વિચાર કેમ આવ્યો? શાંતિનિકેતન વીરભૂમ જિલ્લામાં આવ્યું છે. અહીં અભાવોમાં જીવન જીવતા લોકો વધારે છે. મોટા ભાગનાનાં ઘર માટીનાં, છાપરાં ખડનાં. જ્યારે આગ લાગતી ત્યારે બચવાનો કોઈ ઉપાય નહીં. કવિએ માટીના ઘરની એવી કલ્પના કરી કે ભીંતો તો માટીની હોય, ઉપરનું છાપરું પણ. અહીંના લોકોને કદાચ જો આ પ્રયોગ સફળ થાય તો, એવા માટીના છાપરાવાળા ઘર બાંધવાની પ્રેરણા મળે. અને આગના ઉત્પાતોમાંથી ત્રાણ પામે. એ વખતે કવિ શ્રીનિકેતન દ્વારા ગ્રામજીવનના ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં હતા.

શાંતિનિકેતનના કલાકાર સુરેન્દ્રનાથ કર અને નંદબાબુની કલાદૃષ્ટિ કવિની કલ્પનામાં ભળી અને કોણાર્કની પાસે શ્યામલી તૈયાર થઈ. બાજુના ગામમાંથી ગૌરદાસ મંડલ નામે કડિયાને બોલાવવામાં આવ્યો. સાંતાલ સ્ત્રીપુરુષો માટી લાવે, તેમાં થોડો ડામર ભેળવી માટી ગૂંદે અને માટીની દીવાલ બાંધે.


        દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી
        શીમૂળના ઝાડ હેઠ જાતી ને આવતી દીઠી સાંતાલની નારી
માથે માંડેલ છે માટીની સૂંડલી
ઘાટીલા હાથમાં થોડી થોડી બંગડી,
પાતળિયા દેહ પર વીંટેલી ચૂંદડી
કાયાની કાંબડી કાળી…

ટાગોરની ‘સાંતાલેર મેયે’ કવિતામાં શ્યામલીના નિર્માણમાં કામ કરતી સાંતાલ-કન્યાનું આવું રેખાચિત્ર છે. આજે પણ વિરાટ શીમળાનું ઝાડ શ્યામલીના પ્રાંગણ આગળ છે. ગમે ત્યારે પણ શ્યામલી જોતાં સાંતાલ-કન્યા યાદ આવે. મેઘાણીની કવિતા વાંચી વાંચી ચેતનામાં બન્ને પર્યાયરૂપ બની ગયાં છે. ખેર, એ વખતે આજુબાજુના ગામમાં કવિ માટીનું ઘર બનાવે છે એ વાત ફેલાતી ગઈ. ગામડે ગામડેથી લોકો કૌતુકથી કવિના સ્વપ્નનું ઘર જોઈ નવાઈ પામતા.

શ્યામલીની દીવાલો પર નંદબાબુ અને રામકિંકર જેવા કલાકારોએ ચિત્રો ઉપસાવ્યાં. તેમના વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા. દરવાજામાં પેસતાં જ સાંતાલ દંપતી ધ્યાન ખેંચે. પૂર્વની દીવાલે ઉપસાવેલો ઘોડો પણ. તે સિવાય માદીકરો, તાડ, સાંતાલ-કન્યાઓ, હરણ વગેરે માટીની દીવાલોમાં ઉપસાવવામાં આવ્યાં. તે આ શ્યામલી તૈયાર થતાં પોતાના એક જન્મદિને કવિએ ગૃહપ્રવેશ કર્યો. શ્યામલી આગળ ઊભેલા કવિ રવીન્દ્રનાથની તસવીર પ્રસિદ્ધ છે. આ શ્યામલીમાં કવિએ ગાંધીજી અને કસ્તુરબાનું સ્વાગત કર્યું હતું. એની સ્મૃતિમાં એ પ્રસંગની તસવીર આજે શ્યામલીમાં છે. કવિ શ્યામલીમાં એકાદ વર્ષ રહ્યા હતા. તે પછી પાસેના નવા બંધાવેલા બે માળના, પણ બેઠા ઘાટના ઘર ‘પ્રતીચી’માં. શ્યામલીના અર્ધચંદ્રાકાર આંગણમાં એક ચંપો છે. જરા દૂર કોણાર્કની પાસે વિરાટ શીમળો છે. પૂર્વમાં જાંબુનાં ઝાડ છે. શ્યામલીમાં જઈએ એટલે કવિ રવીન્દ્રનાથની હાજરી અનુભવાય.

આ શ્યામલીના પ્રાંગણમાં, અંદરના ઓરડાઓમાં બેસીને કવિગુરુની અનેક કવિતાઓ વાંચી છે. મિત્રો સાથે વાર્તાલાપો કર્યા છે. આ જ શ્યામલીના પ્રાંગણમાં વિશ્વભારતીના પ્રાક્તન આચાર્ય ઉમાશંકર જોશીને ૧૯૮૩ના એક દિને ‘દેશિકોત્તમ’ની ઉપાધિ આપવાના સાદા, પણ સુંદર ગૌરવપૂર્ણ સમારંભમાં હાજર રહેવાનું સદ્ભાગ્ય મળ્યું હતું.

શ્યામલીનું સ્મરણ કરતાં રવીન્દ્રનાથની જ પંક્તિઓ યાદ આવે છેઃ

‘હે શ્યામલી, આજે શ્રાવણમાં તારી કાળી કજળારી દૃષ્ટિ ચૂપ રહેલી બંગાળી કન્યાની ભીની આંખની પાંપણે રહેલી મનની વાત જેવી લાગે છે.’

[૪-૮-૮૫]