દેવતાત્મા હિમાલય/વિધ્વસ્ત નગરસુંદરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિધ્વસ્ત નગરસુંદરી

ભોળાભાઈ પટેલ

ઘૂમલીની એક ઊંડી અસર રહી ગઈ. ઘુમલીની ચર્ચા બહુ સાંભળી હતી, ખાસ તો એની વ્યુત્પત્તિની. ઘુમલી નામ કેવી રીતે આવ્યું? તો કહે ભૂમલીમાંથી. ભૂમલી ક્યાંથી આવ્યું? પંડિતોએ કહ્યું કે મૂળ નામ છે ભીમપલ્લિકા. તેમાંથી થયું ભોમપલ્લિઆ, તેમાંથી ભોમલ્લિા અને પછી ભૂમલી, મિત્ર નરોત્તમ પલાણ તો કહેશે કે સાચું નામ તો ભૂતામ્બિલિકા, એટલે કે ભૂતની આંબલી. મને થાય છે કે આમાં ગુજરાતીમાંથી તો સંસ્કૃત તરફ નહીં જવાયું હોય? કહે છે : આઠમી સદીના એક દાનપત્રમાં ‘ભૂતામ્બિલિકા’ એવું નામ પણ મળે છે. એમાંથી ભૂમલી અને પછી ઘૂમલી. ડૉ. ભાયાણી તો કહેશે કે ભૂમલીમાંથી ભાષા વિકાસની રીતે ઘુમલી થાય જ નહીં. આ તો પંડિતોનો વિવાદ. ગમે તેમ પણ છેવટે આપણે તો આવીને ઊભા રહીએ છીએ તે ઘૂમલી. પોરબંદરથી ભાણવડ તરફ બીલેશ્વર થઈને એસ.ટી. બસમાં નીકળ્યા હોઈએ તો ‘ઘૂમલીને પાટિયે ઊતરવાનું કહેવું.

અને એક દિવસ અમે ઉજ્જડ પણ ઇતિહાસપ્રસિદ્ધ એવા પ્રાચીન નગર ઘુમલીને પાટિયે ઊતરી પડ્યા. પૂરા બસ સ્ટેશનનો દરજ્જો પણ નહીં! સાતની અમારી ટુકડીમાં બે નાના છોકરાઓ – પુનિત અને કાર્તિક. શ્રી પલાણની જ રાહબરી. બસમાં આખે રસ્તે એ અમને ઘૂમલીનો ઇતિહાસ કહેતા જાય. અહીંની એકેએક જૂની ઈંટને જ નહીં, ઈંટનાં રોડાંને પણ ઓળખે અને એમ ઈંટો ઓળખતાં ઓળખતાં એમણે શોધી કાઢ્યો છે એક મૌર્યકાલીન બૌદ્ધવિહાર – ઈ.સ. પૂર્વે ચોથી સદીનો.

તો શું ઘૂમલી એટલું પ્રાચીન છે? કદાચ પ્રાચીનતર છે. કે. કા. શાસ્ત્રીજીને પૂછો તો કહેશે કે, મહાભારત અને બીજા પુરાણોમાં જે ‘પ્રાજ્યોતિષપુર’ આવે છે તે જ આજની ઘૂમલી. ઝટ ગળે ઊતરે એવી વાત નથી. ‘પ્રાજ્યોતિષપુર’ તો અસમમાં પ્રસિદ્ધ નરકાસુરની રાજધાની. આજે પણ ગુવાહાટીની ભાગોળે એક વિરાટ ટેકરી છે તેને નરકાસુર નામથી ઓળખે છે. ગુવાહાટીની મેડિકલ કૉલેજ આ નરકાસુરની રમ્ય પહાડી પર છે. તો પછી ઘૂમલી એ પ્રાજ્યોતિષપુર ક્યાંથી? શ્રી પલાણે કહ્યું હતું કે, શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યા પછી આ સ્થળ ભૌમપલ્લિકા તરીકે ઓળખાતું હોય એમાંથી પછી ભૂમલી ને પછી ઘૂમલી.

ઘૂમલી આવ્યું છે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ બરડા ડુંગરમાં. કિશોરાવસ્થામાં મેઘાણીનું સાહિત્ય વાંચતાં વાંચતાં આ બરડો ડુંગર અને તેમાં આવેલાં ઊંચાં શિખરો આભપરો અને આશાપુરાનાં, તેમનાં વર્ણનોએ કલ્પનાને ઉત્તેજિત કરેલી. સોન હલામણ અને મેહ-ઊજળીની લોકકથાઓએ રોમાંટિક ઉદ્રક ગાવેલો.

ઘૂમલીને પાટિયે ઉતારી બસ તો આગળ દોડી ગઈ. અહીં અમારા સિવાય ઊતરનાર બીજો કોઈ ઉતારુ નહીં. એક વખતની જેઠવાઓની જાહોજલાલી, વળી રાજધાનીનું આ નગર. ત્યજાયેલો માળો, ત્યજાયેલું ઘર કે ત્યજાયેલા નગર જેવી કરુણ વસ્તુ બીજી કઈ હોય? કશાક એક વેરાનની આબોહવા સ્પર્શી ગઈ. ઈંટરોડ, ટેકરા, થુવેરની વાડ. સુક્કો નદીપટ. આ બરડાની સુંદરી?

અમે ત્યાંથી ચાલતાં બાપુની વાવે ગયાં. બહુ સરસ જગ્યા. કેટલાં બધાં ઝાડ! પછી એક મંદિર અને મંદિરની નાનકડી ધર્મશાળા. બાજુમાં વાવ એટલે કે કૂવો. ડોલવરેડું પડ્યાં હોય, જાતે પાણી કાઢી લેવાનું. નરોત્તમ તો ગામગોઠિયા. સૌ એમને ઓળખે. રખેવાળ ઓરડો ખોલી આપ્યો. જૂનાં ગાદલાં કાઢી આપ્યાં.

આખા વગડા વચ્ચે આ એક બાપુની વાવ. શાંત જગ્યા. પોરબંદરથી નરોત્તમને ઘેરથી જ રસીલાબહેન બપોરનું ભોજન લઈને જ આવ્યાં હતાં. પછી તો સાથે લીધું હતું કાચું સીધું. એક બાજુ વર્તમાનપત્રના ટુકડાઓમાં રસીલાબહેન અને અનિલાબહેન દ્વારા ખાદ્ય પીરસાયું, બીજી બાજુએ મધુ અને રૂપા વાવેથી પાણી ભરી આવ્યાં. દરમિયાનમાં પલાણ સોન હલામણ અને મેહ ઊજળીના દુહાઓ કહેતા જાય. બંને છોકરાઓ તો રમતમાં પડી ગયેલા. અમારી સાથે શ્રી પલાણને ત્યાં કામ કરતી કિશોરી મેરકન્યા પાંચી તો ખિલખિલ હસ્યા જ કરે.

ઓક્ટોબર છતાં તડકો તો આકરો જ હતો. વળી, કોઈ પણ સ્થળ જોવાનો કોઈ એક સમય હોય. એનું એ સ્થળ જુદીજુદી ઋતુઓમાં કે સવારે, બપોરે કે સાંજે કે રાતે જુદું દેખાય. ઘુમલી તો કાલે સવારે જોવાનો વિચાર રાખ્યો, પરંતુ સાંજે ભગ્ન નગરીની દિશામાં નીકળી પડ્યાં. વૃક્ષોની છાયા લાંબી થઈ હતી અને બપોરે એ છાયામાં વિશ્રામ કરતું ઢોરોનું ધણ, પોદળા પાડી નીકળી ગયું હતું. આ સ્થિતિમાં પણ શ્રી પલાણને ઇતિહાસનો નશો ચઢતો જતો હતો. તેઓ ઘૂમલીના જેઠવાઓની વાત કહેતા જતા હતા. એવા અભિમાનથી કે જાણે તેઓ પોતાના જ પરાક્રમી પૂર્વપુરુષોની ગૌરવગાથા કહેતા હોય. ઘણી વાર થાય કે આવડું મોટું ભારત, તેમાં પશ્ચિમ છેડેનું સૌરાષ્ટ્ર, તેને પશ્ચિમ છેડે આવેલો આ ડુંગર, એ ડુંગરમાં એક રજવાડું અને એના રાજવીઓ… પણ એ જ તો મજા હોય છે આ કથાઓની. પ્રેમશૌર્યના આ નાયકો ઝટ કરતાકે આપણી કલ્પનાને પવનવેગ આપે છે.

જેતાવાવ, નવલખા મંદિર અને રામપ્રતોલી એ આ વિસ્તારનાં ત્રણે સ્થળો સાથે પ્રેમ અને શૌર્યના કિસ્સા જડાયેલા છે. પલાણે કહ્યું :

જોણું જેતાવાવ તારું નવલખું ન્યારું રામપોળનું રાજ, કરમે હો તો પામીએ.

અમે કહ્યું : આજે અમારું સદ્ભાગ્ય કે અમે તે જોવા પામશું, પણ હાય, કેવી સ્થિતિમાં? એને તો દુર્ભાગ્ય જ કહેવું રહ્યું. આ બધા ભગ્નાવશેષો જોતાં કંઈનું કંઈ થઈ જાય છે. તેમાંય ઇતિહાસ કહે કે, ધર્મઝનૂનથી તોડવામાં આવ્યાં છે, ત્યારે તો ભારે ખેદ થાય. પણ એ જ તો જગતના ઇતિહાસનો ક્રમ છે.

ઘૂમલીના રાજા રસિક હતા, કલાપ્રેમી હતા એ વાત તો સિદ્ધ થઈ જતી હતી શ્રી પલાણની અણખૂટ વાગ્ધારાથી. આજથી ત્રીજે દિવસે એક પરદેશીને ઘૂમલીમાં ફેરવી ગયેલા. એમણે અમને એક બાજુ લગાધાર, બીજી બાજુ આભપરો અને ત્રીજી બાજુ વેણુ તથા આશાપુરાનાં શિખરોથી બનેલા ત્રિકોણમાં પંખાકારે વસેલા ઘૂમલીની નગરરચનાનો નકશો ભોંયે ચીતરી ખ્યાલ આપ્યો. પછી, આંગળી ચીંધી એ બધી ડુંગરટોચો બતાવી.

આજનું ઘુમલી તો જૂના ઘૂમલીનાં ખંડેરો પર વસેલું નાનું ગામ છે. અમે જેતાવાવ ભણી ગયાં. ભગ્ન વાવનાં પગથિયાં ઊતરતાં હતાં કે, ત્યાંથી છલકાતું બેડું ભરી મલપતી ચાલે ચાલતી પનિહારીની એક શબ્દછબિ પલાણે આંકી દીધી. એ પનિહારી કોણ સોન હતી? ઊજળી હતી? કે પલાણની સ્વપ્નનાયિકા? અમે સૌ કલ્પનારંગે ચઢેલા તેમના ભાવોદ્રેકભર્યા ચહેરાને જોતાં હતાં. રસીલાબહેનને પણ આજના પલાણ જુદા લાગ્યા.

વાવ જોઈ અમે નવલખો જોવા ગયાં. એક જમાનાનું ભવ્ય મંદિર ખંડેર હાલતમાં ઊભું છે. બારમી સદીનું આ સોલંકીકાળનું મંદિર. ગુજરાતનાં મંદિરોમાં સૌથી ઊંચી વ્યાસપીઠ આ મંદિરની છે. એક કાળે સ્થાપત્ય અને શિલ્પની દૃષ્ટિએ અનુપમ મંદિર આજે પણ એના ભગ્ન સૌંદર્યથી મુગ્ધ કરે છે. મુંજે મૃણાલવતીને યુવાનીના સંદર્ભમાં જે કહ્યું હતું તે, – સાકરના સો ટુકડા થઈ જાય તોય – એનો ચૂરો તો ગળ્યો જ લાગે – તે આ સુંદર મંદિરના ભગ્નાંશના રૂપદર્શનને માટે કહી શકાય.

આ મંદિર સહેલાઈથી તોડાય એવું નહોતું. મંદિરમાં બાવળનાં લાકડાં ભરી શત્રુઓએ સળગાવ્યું. પથ્થરનું મંદિર, પછી વરસાદ આવતાં મોટા ભાગનું ચૂનો થઈ નાશ પામ્યું. મંદિરને ચારેકોરથી નિહાળ્યું. ભીંતો પર કંડારાયેલી રમ્ય મૂર્તિઓ આપણી સામે જોઈ હજીય સ્મિત કરતી લાગે. કલાકારે કંડારેલા એ સ્મિતને કાળ હજુ વિલોપી શક્યો નથી.

નવલખાના સાનિધ્યમાં અમારી સાંજ રમ્યતર બની ગઈ.

આથમતી સાંજે ઘૂમલીની સીમનો પરિસર બદલાઈ ગયો હતો. આખી સીમમાં જાણે અમે અટૂલાં હતાં. રસ્તે આવતાં એક-બે નેસડા જોયા. કાંટાળા ઝાંખરાની આછી વાડ. બાપુની વાતે પહોંચી ગયાં. એક બાજુએ રસોઈની તૈયારી, બીજી બાજુએ પાણી ભરી લાવવાની કામગીરી. ચા પીવાની તીવ્ર ઇચ્છા પણ થઈ. હું અને પલાણ દૂધની શોધમાં નીકળ્યા. એક નેસડામાંથી બકરીનું દૂધ મળી આવ્યું. અમે બકરીના દૂધની ચા પીધેલી નહીં, એટલે ચાનો સ્વાદ જુદો લાગ્યો. અમને ખબર હતી કે બકરીનું દૂધ છે. બીજાંઓને તો અમે કહ્યું જ નહીં.

ફાનસના આછા અજવાળામાં અમે સૌ ખીચડી અને શાક જમવા બેઠાં. ત્યાં તો એક આખી મંડળી આવી પહોંચી. સ્ત્રીઓ-પુરુષો-બાળકો. આ સૌ આશાપુરા માતાનાં ભક્તો હતાં. માતાની બાધા કરવા આવ્યાં હતાં. અમને થયું : કેવું સુંદર એકાન્ત હતું? હવે ધમાલ ધમાલ થઈ ગઈ.

જમ્યા પછી અમે બહાર ખુલ્લા આકાશ નીચે રસ્તામાં આવ્યાં. ઉપર આકાશ ઝગારા મારતું હતું. આ રસ્તે તો કોઈ બસ-ટ્રક પણ ન જાય, તેથી હવા તો એકદમ શુદ્ધ. ગામ પણ દૂર. એક વૃક્ષના ઓટલા પર જઈને આસન જમાવ્યું. શ્રી નરોત્તમ પલાણે સોન હલામણની પ્રેમકથા સંભળાવી. ઈ.સ. ૧૨૦૦નો સમય. ઘૂમલીની ગાદીએ શિયો જેઠવો. હલામણ ભાઈનો દીકરો. યુવરાજ પદે હતો. એ સમયે કચ્છના અખાત પાસે આવેલા એક રજવાડાના ઠાકોરની દીકરી હતી સોન. સોન હતી કાવ્યરસિક. એણે કવિતાની એક પંક્તિ લખી. બારોટ એ પંક્તિ લઈ ગામોગામ ફરે. એ પંક્તિની પૂર્તિ કરે એને સોન પરણે. હલામણે પૂર્તિ કરી પણ સોનના રૂપથી ખેંચાયેલા વૃદ્ધ શિયાએ એ પંક્તિ પોતાના નામથી મોકલી. સોન શિયાને પરણવા આવી. ઘૂમલીને પાદરે સોનનો પડાવ હતો. હલામણે દાસી સાથે સોનને એક દુહો લખી મોકલ્યો :

બાંધી મુઠી લાખની ઉઘાડી વા ખાય; હાલામણ દુહો પારખે સોન શિયાળે જાય.

પછી તો સોન-હલામણ મળે છે, પણ શિયો હાલામણને દેશવટો ફરમાવે છે. ભગ્નપ્રણયી હાલામણ સિંધ ભણી જાય છે. પરાક્રમ કરી રાજપાટ મેળવે છે. ત્યાંની રાજકુંવરીને પરણે છે, પણ એને હૈયે તો સોન જ છે. શિયાના મૃત્યુ પછી હાલામણ ઘૂમલીની ગાદીએ આવે છે. પછી તો સર્પદંશથી મૃત્યુ થતાં સોન એની પાછળ સતી થાય છે. મેઘાણીનો કથાલોક ઊઘડતો જતો હતો.

ખાસ્સી રાત વીત્યે અમે ઉતારે આવ્યાં. નવી આવેલી મંડળીનું નવું રૂપ જોયું. બાપુની વાવના પ્રવેશદ્વારે આવેલ માતાના મંદિર આગળ સ્ત્રીઓ-પુરુષો બેસી ગયાં હતાં. છોકરાં જંપી ગયાં હતાં. તંબૂરના તાર રણક્યા. તબલાં બજવા લાગ્યાં અને એક પછી એક ભજનો ગાવાં શરૂ થયાં. એ…જી…એ…જી… એક એક ભજન જાણે અંદર બહાર ગુંજરવ જગવી રહ્યાં છે. ભજનિકોમાં કોઈ ઝનૂની આવેશ નહોતો. શાંત રાત્રિમાં એ…જી…ના સૂર રેલાતા હતા.

અંદરના ઓરડામાં જઈ અમે આડાં થયાં. એ ભજનો અમારી પહેલી નિંદ સાથે એકરસ થઈ ગયાં. વચ્ચે આંખ ઊઘડી ત્યારેય ભજનો તો ચાલતાં હતાં. હું અને પલાણ ઊભા થઈ બહાર આવ્યા. પછી તો મધુ, રૂપા અને અનિલાબહેન પણ. પ્રાંગણની બહાર જઈ ફરી પેલા વૃક્ષના ઓટલે બેસી બેએક ભજન સાંભળ્યાં એ તો એક અદ્ભુત અનુભવ. સોન હલામણની પ્રેમકથાની પડછે આ ભજનરસ જે પીવા મળ્યો! જે ગાન, એને ભજન કહી શકાય? – કાનમાં ગુંજતું રહ્યું તે તો ભરથરી પિંગલાનું પહેલા પહેલા જુગમાં…’

પ્રભાતે ઊઠ્યાં ત્યારે સ્તબ્ધતા હતી, પણ લાગ્યું કે ભજનના સૂરો જાણે આસપાસ જાગે છે. સવારે ફરી બકરીના દૂધની ચા. વાવડીએથી પાણી ભરી લાવ્યા પછી તૈયાર થઈ નીકળી પડ્યાં. આજે તો આભપરો ચઢવાનો હતો. પહેલાં રામપ્રતોલી ભણી. ઘુમલી શબ્દની જેમ આ રામપ્રતોલીનાં પણ ઘણાં અર્થઘટન. ઘૂમલીના ગઢમાં પ્રવેશ માટેનો આ દરવાજો એકકાળે અત્યંત કલાત્મક હતો. શ્રી પલાણે કહ્યું કે, રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં આ દરવાજાની એક કમાન છે. અહીં જે બચેલી કમાન છે તેનું શિલ્પ ધ્યાન ખેંચે એવું છે. અહીં ઘણાબધા પાળિયા છે. પાળિયા જોતાં જ મેઘાણીનું સૌરાષ્ટ્ર – જેની મનમાં કાલ્પનિક છબી હતી તે – જીવંત થઈ જાય. છતાં, જાણે વેરાનનો જ ભાવ જાગ્યા કરે છે!

ગામમાંથી નાળિયેર લીધાં. આ વિસ્તારમાં બધે શ્રી પલાણ, કોણ જાણે કેટલીય વાર ફરેલા અને તે બધું એમને બતાવવાનો ઉત્સાહ વચ્ચે એક ઝરણાના મરેલા પ્રવાહમાં ખોદેલા કૂવામાં ઊતરી એ પાણી ભરી લાવ્યા! પછી અમને ભૃગુકુંડ ભણી લઈ ગયા. અહીં કેટલીક ખંડ-અખંડ મૂર્તિઓ છે. એક કાળમાં શક્તિપીઠ હશે. કાપાલિકની માથા વિનાની મૂર્તિ છે. મારું ધ્યાન તો આજુબાજુનાં વૃક્ષો ભણી હતું. લગભગ વેરાન વિસ્તારમાં આ સાચે જ આશ્રમ!

આભપરા અને વેણુ શિખરો વચ્ચે એક ઝરણ છે. ચોમાસામાં પાણીનો પ્રવાહ વહેતો હશે. અત્યારે તો પથ્થરો વહે છે. જરા ઉપર જઈએ તો, ત્યાં બૌદ્ધવિહારના અવશેષો છે. પલાણે અને એમના મિત્રોએ ઈ.સ. પૂર્વેનો એ બૌદ્ધવિહાર અહીં ભમતાં ભમતાં કેમ શોધી કાઢેલો તે વાત સાંભળી ત્યાં જવાની ઇચ્છા થઈ. પણ માંડી વાળી.

હવે તડકો વધતો જતો હતો, થાક પણ. સોન કંસારીનાં મંદિરો તરફ અમે નીકળ્યાં. સોન કંસારીનાં આ મંદિરો પ્રાચીન છે. પણ કોણ આ સોન કંસારી? શ્રી કે. કા. શાસ્ત્રી તો કહેશે કે સોન કંસારી વળી કેવી? ખરો શબ્દ તો છે સુવર્ણ કાસારિકા – સોનેરી તલાવડી. આ તો પેલું ભુતામ્બિલિકા – ભૂતની આંબલી જેવું થયું. શાસ્ત્રીજી કહેવાના છે, ત્યાં એક નાનકડી તળાવડી છે. તેમાં ખીલે આવળનાં ફૂલ અને તેના પર પડે સૂર્યનો પ્રકાશ એટલે આખું તળાવ લાગે સુવર્ણનું, એટલે સુવર્ણ કાસારિકા. એમાંથી થઈ ગયું નામ સોન કંસારી. વ્યુત્પત્તિની આ આખી વાત રોમાંચક લાગે એવી છે. અમને એ સુવર્ણ કાસારિકા જોવામાં રસ હતો, પણ સોન કંસારીમાંય ઓછો રસ ન હતો.

રસતૃપ્તિ કરનાર કથક સાથે જ હતા. સોન હતી તો રાજકન્યા, પણ વિગ્રહના ગ્રહો લઈને જન્મેલી તે રાજવી પિતાએ અજાણ્યા વેપારીના વહાણમાં પુત્રી સાથેની પેટી ચઢાવી દીધી. વેપારીને ખબર પડી. એણે પેટી તરતી મૂકી. એક કંસારો ધન હશે એમ માની પેટી ઘેર લઈ ગયો. ખોલી તો સુંદર કન્યા. એની સુવર્ણ જેવી કાયા એટલે સોન અને કંસારાને ત્યાં મોટી થઈ એટલે સોન કંસારી. શ્રી શાસ્ત્રીજી સાચા કે શ્રી પલાણ સાચા? આપણે ઝઘડામાં નથી પડવું.

પણ સોન રખાયતની કરુણ પ્રેમકથા અને સુવર્ણ કાસારિકાનું નિભૃત સૌંદર્ય બંને અમારી ચેતનાને સ્પર્શી ગયાં.

બપોરે અમે માટે ‘સુવર્ણ કાસારિકા’ના નજીકમાં આવેલા સોન કંસારીના મંદિર પાસે પહોંચી ગયાં હતાં. અહીં આટલે ઊંચે કેવી મનોહર જગ્યા છે! છતાં છે વેરાનનો એક ભાવ.

સુવર્ણ કાસારિકા. નાનકડું પણ નિભૃત કાસાર. સ્વચ્છ જળ પવનની સુખાવહ લહરીઓથી મૃદુમૃદુ કંપિત. અહીં કોઈ કહેતાં કોઈ નહીં. અમે આવ્યાં તે. બરડાડુંગરના આ વેરાન વિસ્તારમાં આટલે ઊંચે જળનાં દર્શન અમારા દેહમનમાં રોમાંચ જગાવી રહ્યાં.

સરોવર કદાચ મોટું નામ કહેવાય, પણ એ જોતાં કાદમ્બરીમાં આવતા અચ્છોદ સરોવરનું સ્મરણ થઈ ગયું. ચંદ્રાપીડ કિન્નરમિથુનનો પીછો કરતાં કરતાં વનમાં દૂર સુધી નીકળી ગયો. શ્રમિત અને તૃષિત ચંદ્રાપીડે નિબિડ તરુખંડની મધ્યમાં રૈલોક્યલક્ષ્મીના મણિ-દર્પણ જેવા, પંચેન્દ્રિયોનું આહ્વાદન કરવામાં સમર્થ એવા આચ્છોદ સરોવરને એકાએક જોયું હતું. એ અચ્છોદ સરોવરને કલ્પનામાં મેં અનેક વાર જોયું હતું, પણ આ રુક્ષ પહાડની આટલી ઊંચાઈએ આ સુવર્ણ કાસાર જોતાં પેલી કલ્પનાને એક વાસ્તવિક ભોંય મળતી લાગી.

સરોવરમાં શ્વેત પોયણાં ખીલ્યાં હતાં. પુનિત અને કાર્તિકેય એ પોયણાં માટે આગ્રહી થઈ ઊઠ્યા હતા. તળાવ કિનારે વૃક્ષોની એક હાર હતી. એ સિવાય વેરાન હતું. સરોવરનું સૌંદર્ય અને વેરાનની વ્યાકુળતા એક મિશ્ર ભાવ ગાવતાં હતાં.

અમે પાણીમાં જઈ પગ મૂક્યા. જે દૃશ્ય હતું તે સ્પશ્ય બન્યું. પલાણ પાણીમાં આઘે ઊતરી પેલાં પોયણાં ખેંચી રહ્યા. કહેવા જાઉં કે, ‘રહેવા દે, રહેવા દે આ સંહાર યુવાન તું પણ સંહાર થઈ ચૂક્યો હતો.

રૂપા-મધુએ એકબીજા પર પાણી ઉછાળી વાતાવરણને ઉલ્લસિત કરી દીધું. અમે વૃક્ષોની છાયા નીચે જઈ બેઠાં. ભૂખ લાગી હતી. સૌંદર્યનું દર્શન ભૂખ શમાવી શકે એમ નહોતું. વૃક્ષની છાયામાં બેસી થોડુંક ખાઈ લીધું. પછી નાળિયેરનાં તાજાં કોપરાં…

આ સુવર્ણ કાસારિકા પછી સોન કંસારી તરફ.

આખી વાત રોમાંટિક ચિત્તને તો ગમી જાય એવી હતી. અમે ગયાં સોન કંસારીના મંદિરોની હાર ભણી. સોન કંસારીની અધૂરી રહેલી વાત આગળ ચાલી. સોનાના પાલક પિતા સોનને લઈ ઘુમલી આવે છે. ત્યાં રખાયત સાથે સોનનું મિલન થયું. બંને પ્રેમમાં પડ્યાં. સોન ક્ષત્રિય પુત્રી છે એમ જાણતાં સોના રખાયતનાં લગ્ન લેવાય છે. આખું ગામ લગ્નોત્સવમાં જોડાય છે. એ વખતે દુશ્મનો ઘૂમલીના પશુધનને હંકારી જાય છે. રખાયત હજુ તો સોન સાથે ચાર ફેરા ફરે તે પહેલાં ઘોડે બેસી નીકળી પડ્યો શત્રુઓ પાછળ. સોન કહેતી રહી :

કોઈ ઝાલો ઘોડાની વાધ વવારુંથી વળગાય નહીં, એની સૂરજ પૂરે શાખ રક્ષા કરો ઈ રખાયતની…

કોઈ તો ઘોડાની લગામ પકડી રાખો, વહુવારુથી તો કેમ કરી આમન્યા તોડાય? રખાયતને જવા દેશો નહીં… સોન કલપતી રહી અને રખાયત રણે ચઢ્યો. ઘુમલી જીતું ગયું પણ રખાયત હણાયો. સોન સતી થવા તૈયાર થઈ. ત્યાં ભાણ જેઠવાની નજર આ સુંદરી પર પડી. સોન સાથે લગ્ન કરવાની પોતાની ઇચ્છા જાહેર કરી અને પરિણામે આંતરવિગ્રહ ફાટી નીકળ્યો.

સોન સતી થાય છે તે આ સ્થળ. ત્યાં સૂર્ય, શિવ, શક્તિ અને વિષ્ણુનાં મંદિર છે. એટલે એ મંદિરો પછી સોન કંસારીનાં મંદિરો તરીકે લોકમાનસમાં દૃઢ થઈ ગયાં.

સોન કંસારીનાં મંદિરો ક્યારે બંધાયાં છે એ વિશે પણ વિદ્વાનોમાં મતભેદ છે. આમેય આપણે ત્યાં ઇતિહાસ, દંતકથા અને લોકકથા ભેળસેળ થઈ ગયાં છે. કદાચ બધે જ એવું હશે, પણ પુરાતત્ત્વવિદોય એમાં ઘણી વાર પાછા પડ્યા નથી. શ્રી પલાણનું કહેવું હતું કે, આ મંદિરો એક સાથે બંધાયેલાં નથી. સાતમીથી તેરમી સદી સુધીનાં મંદિરોની રચનારીતિઓ આ મંદિર સંકુલમાં જોવા મળે છે. આ મંદિરો પણ આ નગરની જેમ ત્યજાયેલાં – અપૂજ છે. વિધ્વસ્ત નગરી, આ વિધ્વસ્તપ્રાય મંદિરો શું એક વખતના મનુષ્ય સમાજના અનાચાર, એનો લોભ કે પછી એના અહંકારની વસૂલીનાં સાક્ષી છે? અંગ્રેજ કવિ શેલીની એક કવિતામાં આવો સંકેત છે.

ઘુમલી આંતરવિગ્રહથી ધીરે ધીરે નાશ પામ્યું કે દુશ્મનોના આક્રમણથી નાશ પામ્યું – એ કોણ કહી શકે? આ મંદિરો એ વિગત વૈભવનો ખ્યાલ આપતાં ઊભાં છે. ઘૂમલીના અહીંતહીં વેરાયેલા અવશેષોને કલ્પનામાં પણ સાંધી શકાય તો એક ભવ્ય કલાપ્રિય, વિદ્યાપ્રિય, ધર્મપ્રિય નગરીનું ચિત્ર ઊભું થાય. લોકકથાઓ એમાં પ્રાણ પૂરે.

ઝરને માર્ગે હવે અમે નીચે ઊતરવા લાગ્યાં. ઝરના પથ્થરોમાં જૂની ઇમારતના પથ્થરોના ખંડ જોવા મળી જાય. ચોમાસામાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે આ માર્ગની શોભા વધી જતી હશે. પણ કોણ જોવા આવતું હશે એ?

ઘૂમલીના પતનની સાથે પાટણના પતનની વાત યાદ આવતી હતી – ખાસ તો પેલી લોકકથાઓની ભાત પ્રમાણે. જસમા ઓડણે કામાંધ સિદ્ધરાજને શાપ આપ્યો હતો :

બળ્યો તારો પાટણ દેશ, પાટણમાં પાણીડાં નહીં રે મળે…

ઘૂમલીને પણ એવો શાપ મળ્યો હતો. મેહ-ઊજળીની એ પ્રેમકથા સૌરાષ્ટ્રની રસધારમાં કે મેઘાણીભાઈની કોઈ ચોપડીમાં વાંચેલી છે. પલાણે એનું સ્મરણ કરાવ્યું. ઊજળી ચારણ કન્યા હતી. ચારણ કન્યાએ મેહને સારવાર કરી બચાવ્યો હતો. ઠંડીમાં ઠરી ગયેલાને પડખાની હૂંફ આપી, પણ ચારણકન્યા સાથે પરણાય નહીં એવી દ્વિધાથી મેહ ઊજળીને પરણવા તૈયાર થયો નહીં, નિરાશ ઊજળીનો શાપ માત્ર પ્રિયપાત્ર મેહને જ નહીં, ઘૂમલીને માથે પણ ઊતર્યો :

મૂઓ હોત જો મેહ, દિલમાં ઝાઝું ન બળત, કાં કે દીધો છે, પાદર થાશે ઘૂમલી.

પાદર થયેલા ઘૂમલીની પાદરમાં થઈ બાપુની વાવ ભણી જવા નીકળ્યાં ત્યારે આ શાપિત ભૂમિની વેરાનતા ઊંડો અવસાદ જગવતી હતી. પરંતુ, એ અવસાદમાં એક નાન્દનિક-એસ્થેટિક અનુભૂતિ હતી, જે ઘણી વાર મહાભારત જેવા કાવ્યની યુદ્ધોત્તર કથા વાંચતાં અનુભવાય છે. આપણી ચેતનાની ધરતી પર એ ઊંડા ચાસ પાડી રહે છે.