દેવદાસ/પ્રકરણ ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દિવસ પર દિવસ ચાલ્યા જાય છે. આ બે બાળક-બાલિકાના આનંદની સીમા નથી. આખો દિવસ તડકામાં રખડતાં ફરે, સાંજે પાછાં ઘેર આવી માર ખાય; વળી પાછાં સવારે ભાગી જાય અને ફરીથી ઠપકો તથા માર સહન કરે. રાતે નિશ્ચિંતપણે ઉદ્વેગ વિના ઊંઘી જાય, વળી સવાર થાય. પાછાં નાસી જઈ રમતાં રખડતાં ફરે. બીજું કોઈ સાથી-દોસ્તાર નહોતું. જરૂર પણ નહોતી. આખા ફળિયામાં તોફાન-મસ્તી કરવામાં બંને જણાં પૂરતાં હતાં. પેલે દિવસે સૂર્યોદય પછી થોડી વારે બંને જણાં બંધના પાણીમાં જઈ પડ્યાં અને છેક બપોરે આંખો રાતીચોળ કરીને, બધું પાણી ડહોળી નાખીને પંદર પૂંટિ માછલી પકડીને તેનો યોગ્ય રીતે ભાગ વહેંચી લઈને ઘેર પાછાં આવ્યાં. પાર્વતીની બાએ છોકરીને રીતસર મારી, ઓરડીમાં પૂરી રાખી. દેવદાસનું શું થયું બરાબર ખબર નથી; કારણ કે એવી બધી વાત એ કેમે બહાર આવવા દેતો નહિ. ગમે તેમ, પાર્વતી જ્યારે ઓરડીમાં બેઠી બેઠી ખૂબ રડતી હતી, ત્યારે, બપોરના બે અઢી વાગ્યે, તેણે બારીની નીચે ઊભા રહી અત્યંત મૃદુ કંઠે બૂમ મારી, “પારુ, ઓ પારુ !” પાર્વતીએ સાંભળ્યું તો હશે, પણ રીસમાં ને રીસમાં જવાબ આપ્યો નહિ. ત્યાર બાદ આખો દિવસ તેણે પાસેના એક ચંપાના ઝાડ ઉપર બેસી ગાળ્યો; છેક સાંજ પડી ગયા પછી મહામહેનતે ધર્મદાસ તેને ઉતારીને લઇ ગયો. પણ આ તો માત્ર એક જ દિવસ. બીજે જ દિવસે પાર્વતી સવારથી દેવદાસની રાહ જોતી બેઠી હતી, પણ દેવદાસ આવ્યો નહિ, તે પિતાની સાથે પડોશના ગામમાં આમંત્રણ આવ્યાથી ગયો હતો. દેવદાસ આવ્યો નહિ તેથી પાર્વતી ઉદાસચિત્તે એકલી ઘરબહાર નીકળી પડી. કાલે બંધના પાણીમાં ઊતરતી વખતે દેવદાસે ત્રણ રૂપિયા પાર્વતીને રાખવા આપ્યા હતા –રખેને ખોવાઈ જાય. લૂગડાને છેડે એ ત્રણે રૂપિયા બાંધેલા હતા. તે છેડો ફેરવતી ફેરવતી પોતે પણ ફરવા લાગી અને એમ ને એમ ઘણો વખત કાઢી નાખ્યો. સાથી-દોસ્તદાર કોઈ મળ્યું નહિ; કેમ કે એ વખતે સવારની નિશાળ હતી. પાર્વતી બીજા ફળિયામાં ગઈ. ત્યાં મનોરમાનું ઘર હતું. મનોરમા નિશાળે ભણવા જતી હતી. ઉંમરે થોડી મોટી હતી, પણ પારુની બહેનપણી થતી. બહુ દિવસથી મળવા કરવાનું બન્યું નહોતું. આજે વખત મળતાં પાર્વતી પેલા ફળિયામાં તેને ઘેર ગઈ. અંદર જઈ તેણે બૂમ મારી : “મનો ! ઘરમાં છે કે ?” મનોરમાની ફોઈ બહાર આવ્યાં, “પારુ ?” “હા, મનો ક્યાં છે, ફોઈબા ?” “એ તો નિશાળે ગઈ છે. તું જતી નથી ?” હું નિશાળે જતી નથી- દેવદા પણ જતો નથી ?” મનોરમાની ફોઈ હસી પડ્યાં, બોલ્યાં, “એ તો બહુ સારું. તું પણ નથી જતી, દેવદાદા પણ નથી જતા ?” “ના, અમે કોઈ જતાં નથી.” “એ તો બહુ સરસ વાત. પણ મનો તો નિશાળે ગઈ છે.” ફોઈબાએ બેસવા કહ્યું. પણ પાર્વતી પાછી ફરી. રસ્તામાં રસિક પાલની દુકાન આગળ ત્રણ વૈષ્ણવીઓ તિલક કરીને ખંજરી હાથમાં લઇને ભીખવા નીકળી હતી, તેમને પાર્વતીએ બૂમ મારી, “ઓ બોષ્ટમી * ! તમને ગાતાં આવડે છે ?” એક જણીએ પાછા વળી જોયું, “કેમ નહિ આવડે, બેટા ?” “તો ગાઓને!” ત્રણે જણીઓ પાછી ફરી ઉભી. એક જણીએ કહ્યું, “એમ તે કંઈ ગવાતું હશે, મા ? ભિક્ષા આપવી પડે ! ચાલ, તારે ઘેર જઈ ગાઈશું.” “ના, અહીં જ ગાઓ.” “પૈસા આપવા પડશે, મા !” પાર્વતીએ લૂગડાનો છેડો બતાવી કહ્યું, “પૈસા નથી, રૂપિયા છે.” છેડે બાંધેલા રૂપિયા જોઈ વૈષ્ણવીઓ દુકાન આગળથી દૂર જઈ બેઠી. અને ખંજરી વગાડીને ત્રણે જણે સૂર મેળવીને ગીત શરુ કર્યું. શું ગાયું, એનો અર્થ શો પાર્વતી એ બધું કશું સમજી નહિ. ઈચ્છા કરત તોપણ સમજી શકત નહિ. પણ તેનું મન એ જ ક્ષણે દેવદાસની પાસે દોડી ગયું હતું. ગીત પૂરું કરી તેઓ બોલ્યાં, “કેમ, શી ભિક્ષા આપવી છે? આપ તો, મા !” પાર્વતીએ છેડાની ગાંઠ છોડીને ત્રણે રૂપિયા તેમના હાથમાં મુક્યા, ત્રણે જણ અવાક થઇ તેના મુખ તરફ થોડી વાર જોઈ રહ્યાં. એક જણ બોલી, “કોના રૂપિયા છે, બેટા?” “દેવદાદાના.” “એ તને મારશે નહિ ?” પાર્વતી જરાક વિચાર કરી બોલી, “ના.” એક જણે કહ્યું, “જીવતી રહે મા !” પાર્વતી હસીને બોલી, “તમને ત્રણેને બરાબર ભાગે પડતા મળ્યા છે, નહિ ?” ત્રણે જણાં માથાં હલાવી બોલ્યાં, “હા, મળ્યા છે, રાધારાણી તારું ભલું કરો !” બોલીને તેઓએ તેને આંતરિક આશીર્વાદ આપ્યા-જેથી દાનશીલા નાની છોકરીને સજા ના ભોગવવી પડે. *** પાર્વતી એ દિવસે વહેલી ઘેર પાછી આવી. બીજે દિવસે સવારમાં જ દેવદાસ સાથે મેળાપ થયો. તેના હાથમાં એક ફિરકી હતી; પણ પતંગ ન હતો, ખરીદવાનો હતો. પાર્વતીને જોઈ કહ્યું,

  • વૈષ્ણવી.

“પારુ રૂપિયા આપ.” પાર્વતીનું મોઢું સુકાઈ ગયું, બોલી, “રૂપિયા નથી.” “શું થયું?” “વૈષ્ણવીઓને આપી દીધા. તેમણે ગીત ગાયું હતું.” “બધા આપી દીધા ?” “બધા, એટલે કેટલા ? માત્ર ત્રણ રૂપિયા તો હતા.” “જા, મૂરખી, બધા તે કંઈ અપાતા હશે?” “વાહ ! એ લોકો ત્રણ હતાં ! ત્રણ રૂપિયા ન આપીએ તો ત્રણેને શી રીતે ભાગે આવે ?” દેવદાસ ગંભીર થઇ જઈ બોલ્યો, “હું હોત તો બે રૂપિયા આપત.” બોલીને તેણે ફિરકીની ડાંડી વતી જમીન ઉપર લીસોટા ખેંચી કહ્યું, “તો પછી દરેકને ભાગે દસ આના બે પૈસા, બે પાઈ આવત.” પાર્વતીએ વિચાર કરી કહ્યું, “એમને કંઈ તારી માફક હિસાબ ગણતાં આવડે છે?” દેવદાસ લેખાં શીખ્યો હતો. પાર્વતીની વાત સાંભળી ખુશ થઇ જઈ બોલ્યો, “તો ભલે.” પાર્વતી દેવદાસનો હાથ પકડી બોલી, મેં ધાર્યું હતું કે તું મને મારશે, દેવદાદા.” પાર્વતી આશ્ચર્ય પામી બોલ્યો, “મારું શું કરવા?” “વૈષ્ણવીઓ કહેતી હતી કે, તું મને મારશે.” આ સાંભળી દેવદાસને ખૂબ આનંદ થયો. પાર્વતીના ખભા ઉપર ટેકો દઈ કહ્યું. “જા, જા,-વાંક વિના તે કદી હું મારું ખરો?” દેવદાસને મન પાર્વતીનું આ કામ તેના પીનલ કોડમાં આવતું નહોતું. કેમ કે ત્રણ રૂપિયા ત્રણ જણને ભાગે બરાબર આવી રહ્યા હતા. ખાસ કરીને જે વૈષ્ણવીઓ નિશાળમાં લેખાં સુધ્ધાં શીખી નહોતી, તેમને ત્રણ રૂપિયાને બદલે બે રૂપિયા આપવાથી તેમને કેટલી હેરાનગતિ થાત ! પછી તે પાર્વતીના હાથ પકડી પતંગ ખરીદવા માટે નાના બજાર તરફ ચાલ્યો- ફિરકી ત્યાં આગળ જ એક ઝાંખરાંમાં સંતાડી રાખી.