દ્વિરેફની વાતો - ભાગ ૧/૧. એક પ્રશ્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧. એક પ્રશ્ન

સર્વ શાસ્ત્રીઓ કૃપા કરી અહીં આવો અને મારા પ્રશ્નનું નિરાકરણ કરો. ધર્મના, માનસશાસ્ત્રના, સંસારશાસ્ત્રના, રાજનીતિના, પ્રમાણશાસ્ત્રના, નીતિના, અનીતિના, સર્વશાસ્ત્રીઓ –

આવો શાસ્ત્રી તમ પગલે પાવન થવું રે લોલ;

પ્રાણ રૂર્ન્ધતા પ્રશ્ન પદે ઠાલવું રે લોલ.

હું બીજી એલએલ.બી.નો અભ્યાસ કરતો હતો અને વાંચવાથી કંટાળીને મારે વચલે માળે જે હાથમાં આવ્યું તે પેપર વાંચતો હતો. તેમાં મુંબઈની ગાયવાડી લેઇનમાં એક માળામાં જરા આગનું છમકલું થયાનું વાંચ્યું અને કાંઈ વાત કરવા જોઈતી હતી માટે કોણ જાણે શા ભોગ લાગ્યા તે મારી બહેનને કહ્યું: ‘જોયું, બહેન, આ મુંબઈમાં આગનું છમકલું થયું ને!’

બહેન : કેમ, છમકલું થયું તેમાં એવું શું જાણવાનું છે? કારણ શું હતું?

હું : ‘માળામાં ઘાટી સ્ટવ કરતો હતો, અને સ્પિરિટ ઓછો પડયો છે જાણી બીજી વાર સળગતા સ્પિરિટમાં બાટલી લઈ સ્પિરિટ નાખતાં આખી બાટલી સળગી. એ તો સારું થયું કે આસપાસથી માણસોએ આવીને આગ બુઝાવી.

બહેન : હા, આપણા ઘરમાં આવું બનતાં બનતાં રહી ગયેલું તે તમને ખબર છે?

હું : હા, મને ખબર કેમ ન હોય? પણ તને એની ક્યાંથી ખબર?

બહેન : વાહ! આપણો નોકર ડાહ્યલો નવો નવો રાખેલો તે પણ એવી રીતે સળગતા સ્પિરિટમાં સ્પિરિટ નાખવા જતો હતો, પણ હું પાસે બેઠેલી તે મેં હળવે રહીને તેના હાથમાંથી બાટલી જ લઈ લીધી! જો ઉતાવળી બોલું તો કદાચ ચમકીને એકદમ સ્પિરિટ નાખી દે.

હું : અરે ગાંડી; એ તો હું ત્યાં બેઠો હતો અને મેં જ એના હાથમાંથી બાટલી લઈ લીધી’તી, અને પછી મેં તમને બધાને સમજાવ્યું કે –

બહેન : લ્યો, રાખો રાખો, એટલું અમે નહિ સમજતાં હોઈએ? મેં ‘ચંદ્રકાન્ત’માં વાંચેલું કે કર્ણ નિશાન પાડવા પાછે પગલે જતો હતો ત્યાં પછવાડે કૂવો આવ્યો. જો એક પગલું પાછો ખસત તો કૂવામાં પડત. કર્ણના માણસે બોલ્યાચાલ્યા વિના પેલું નિશાન જ તોડી પાડયું. અને એવી રીતે તરત બુદ્ધિથી કર્ણને બચાવ્યો. ત્યારથી હું સમજતી કે એવે વખતે બૂમ ન પાડવી, પણ જાતે જ તે સ્થિતિમાં ફેરફાર કરી કાર્ય અટકાવવું.

હું : ઓ હો હો હો! શું શાસ્ત્રજ્ઞાન છે! ‘ચંદ્રકાન્ત’માંથી દાખલો આપ્યો એટલે જાણે થઈ ગયું! એ તો ડાહ્યલાના હાથમાંથી મેં બાટલી લઈ લીધી હતી અને પછી તમને બધાંને મેં ઇટલીના ચિત્રકારનો દાખલો આપીને આ વાત સમજાવી હતી. એ વખતે પછી તેં કર્ણનો દાખલો આપ્યો હતો.

બહેન : ‘કાંઈ નહિ, આમાં પંચ નીમો, બાને બોલાવો. બા કહે તે ખરું. બા, આમ આવો.

બા આવ્યાં.

બા : કેમ હીરા, શું છે?

હું : બા, આપણા ઘરમાં—

બહેન : ના, એમ નહિ ચાલે. તમે તો વકીલાત કરીને આડુંઅવળું પૂછો, અને બા તો બિચારાં ભોળાં છે. હું જ પૂછું છું. બા, આપણા ઘરમાં ડાહ્યલો નોકર હતો અને તેને આપણે કાઢી મૂકયો એ યાદ છે?

બા : હા, મૂઓ તદ્દન બેવકૂફ. એક વાર સળગતા સ્પિરિટમાં પાછો સ્પિરિટ નાખતો હતો. હું પાસે બેઠી હતી તે તેની પાસેથી મેં તો બાટલી જ લઈ લીધી! ઠીક થયું ગયો, નહિ તો કાંઈનું કાંઈ નુકસાન કરત.

હું : વળી આ જુઓ. આ તો બેની લડવાડમાં ત્રીજો ખાઈ જાય! હું અને હીરાને એ જ તકરાર ચાલે છે. હું કહું છું કે મેં ડાહ્યલાના હાથમાંથી બાટલી લીધી અને હીરા કહે છે મેં લીધી. અને તમને પૂછવા બોલાવ્યાં તો તમે વળી જુદું જ કહો છો.

હીરા : કંઈ નહિ, બા! એ ભાઈ આપણને નહિ પહોંચવા દે. નાનાં ભાભીને બોલાવો. એ કહેશે એટલે સાચું માનશે. ભાભી, ઓ ભાભી!

મારી પત્ની ગૌરી આવી એટલે હીરાએ કહ્યું : કેમ ગૌરીભાભી, આમ આવો. ડાહ્યલાના હાથમાંથી સ્પિરિટની બાટલી કોણ લઈ લીધી એ વાતનો ન્યાય કરો.

ગૌરી : તે કેસની હકીકત જાણ્યા સિવાય શો ન્યાય કરું? પક્ષકારો કોણ છે?

હીરા : ભાઈ કહે છે કે મેં બાટલી લઈ લીધી હતી અને –

ગૌરી : ત્યારે તો તમે હમણાં બોલો મા, હું જ એમી ઊલટપાલટ તપાસ કરું છું. સાંભળો, તમે કહો છો કે તમે બાટલી લઈ લીધી હતી?

હું : પણ હું તને ક્યાં ન્યાયાધીશ તરીકે સ્વીકારું છું? અને ન્યાયાધીશથી તે વળી ઊલટપાલટ તપાસ થાય?

ગૌરી : ના, તે ન્યાયાધીશ નહિ, જાઓ, પણ હું વકીલ તરીકે અને છેવટે પક્ષકાર તરીકે તો પૂછી શકું ના? બોલો, તમને ખબર છે, રસોડામાં ચૂલો કઈ જગ્યાએ છે? અને સ્ટવ કઈ દિશામાં રહે છે?

હું : એટલે તને બીક લાગતી હશે કે રખેને હું તારા રસોડાના સ્વરાજમાં પગપેસારો કરું! તેથી આટલી જીવ ઉપર આવીને લડે છે! પણ મને ખબર છે હોં!

ગૌરી : તમે મારા સ્વરાજમાં પગપેસારો કરશો એવી મને લગારેય બીક નથી. તે દિવસે બહેને મશ્કરી કરી ત્યારે રોટલી સવળી કે અવળી તે પણ ઓળખતા ન હતા. પણ ખબર હોય તો જવાબ દો.

હું : પૂર્વમાં.

હીરા [તાળીઓ પાડતાં] : ખોટું, ખોટું, હાર્યા! ભાભી, તમે ભારે કહ્યું. હવે કહો કે બાટલી કોણે લીધી’તી?

ગૌરી : કોણે કેમ? મેં લીધી’તી. તે દિવસે બા અને તમે બહાર ગયાં હતાં, હું ઘરમાં એકલી હતી. મોટાભાઈને માટે ચા મૂકવાનું કહેલું અને હું ઓચિંતી જઈ ચડી, ત્યાં તો બેવકૂફ બાટલી હાથમાં લઈને સળગતામાં રેડવા જતો હતો.

હું : જો ન્યાયાધીશ થયાં છે, પોતે! આમ તેમ કરીને પોતાને માન ખાટવું છે. અને બીજાની વાતો ખોટી કરવા બધાંની ગેરહાજરી બતાવવી છે!

ગૌરી : મેં ક્યારે કહ્યું હતું કે હું ન્યાયાધીશ છું? હું પહેલેથી જ પક્ષકાર હતી!

હીરા : કાંઈ નહિ, ત્યારે મોટાભાઈને બોલાવો. હવે આનો ફડચો તો કરવો જ જોઈએ.

હું : હા, મોટાભાઈને બોલાવો.

હીરા : મોટાભાઈ, જરા આવશો?

મોટાભાઈ : કેમ, છે શું? સુખે પેપર પણ નહિ વાંચવા દો?

હીરા : તે અમારે પણ પેપર વાંચતા જ મુશ્કેલી આવેલી છે. માટે જ બોલાવીએ છીએ.

મોટાભાઈએ આવીને કહ્યું : ઓહો! આ કોલાહલ શો? યુરોપનું યુદ્ધ ભજવો છો કાંઈ?

હીરા : હા! લગભગ યુદ્ધ જેટલા પક્ષકાર થઈ ગયા છે. એકબે ખૂટતા હશે.

મોટાભાઈ : લ્યો ત્યારે, હું પણ પક્ષકાર થાઉં, બોલો શું છે?

હીરા : ના, આમાં તો ન્યાય કરવો પડશે. પક્ષકાર થયે કામ નહિ આવે. તકરાર મોટી થઈ પડી છે. હું અને ભાઈ વચ્ચે તકરાર પડી છે.

ગૌરી વકીલને જોઈ ચાલવા જતી હતી તેને પકડી રાખી તે ફરી બોલી : લો, ભાભીસાહેબનું દફતરમાં નામ ન નોંધાવ્યું એટલે એ તો રિસાઈને ચાલ્યા. એમનો પણ દાવો છે અને બાનો પણ દાવો છે. આપણા ઘરમાં ડાહ્યલો હતો તેના હાથમાંથી બાટલી કોણે લઈ લીધી એ સવાલ છે. હું કહું છું મેં લીધી અને ભાઈ કહે છે –

મોટાભાઈ : હા, તે તમે બધાંએ ધણી વાર એના હાથમાંથી બાટલી લીધી હશે તેમાં તકરાર શી કરો છો? મેં તો માત્ર એક વાર ડાહ્યલાના હાથમાંથી બાટલી લીધેલી. મેં તેને સ્ટવ સળગાવવાનું કહ્યું. તેણે થોડો સ્પિરિટ નાખીને સળગાવ્યો. મેં કહ્યું : ‘અલ્યા ઓછો પડશે.’ એટલે મૂરખો સળગતા સ્પિરિટમાં સ્પિરિટ નાખવાનું કરતો હતો. મેં તેના હાથમાંથી બાટલી લઈ લીધી.

હીરા : આ તો તમે પણ ખરેખર પક્ષકાર થઈ ગયા! હવે કરવું શું?

બા : હવે મોટાં ભાભી બાકી રહ્યાં. એ પણ કહે કે મેં સળગતું બચાવ્યું હતું એટલે થયું, નાટક પૂરું થાય.

બરાબર આ જ વખતે મોટાં ભાભી આવી પહોંચ્યાં.

હીરા : ભાભી, આયુષ્ય તો લાંબું છે. બોલો, આપણા ઘરમાં સ્પિરિટ સળગાવતાં ડાહ્યલાનાં હાથમાં બાટલી કોણે લઈ લીધી હતી? જોજો, મેં જ લીધી’તી એમ ન કહેતાં.

મોટાં ભાભી : તમે પણ એ જ વાત કરો છો! હું તો માનું જ છું કે મનોમન સાક્ષી છે [મારા સામું જોઈને] વિચારસંદેશા ચાલે તેને અંગ્રેજીમાં શું કહે છે? તમે કાંઈ કહ્યું હતું ને?

હું : ટેલિપથી (Telepathy).

મોટાં ભાભી : હું તો ટેલિપથીને માનું છું. દિનુભાઈને ઘેર બેસવા ગઈ’તી ત્યાં ડાહ્યલાની વાત નીકળતાં મેં હમણાં જ કહ્યું કે એ મૂરખો સળગતા સ્ટવમાં સ્પિરિટ નાખવા જતો હતો તે મેં બાટલી પડાવી લીધી હતી. અને અહીં આવું છું તો તમે પણ એ જ વાત કરો છો! પૂછી આવો વળી, ખોટું કહેતી હોઉં તો.

હીરા : પણ ભાભી, આ તો વિચિત્ર ટેલિપથી થઈ. આવી તો દુનિયામાં નહિ થઈ હોય. અમે વાત તો એ જ કરીએ છીએ પણ અમે દરેક એમ કહીએ છીએ કે એ બાટલી અમે લીધેલી!

મોટાભાઈ : લો, યુરોપીયન યુદ્ધ જેટલા પક્ષકારો થઈ ગયા!

હું : પણ ત્યારે આનો નિવેડો શો આવ્યો?

મોટાં ભાભી : નિવેડો એ કે હવે બધાંએ ચા પીવી.

હું : પણ બાટલી કોણે લીધી?

મોટાં ભાભી : જે ચા પીએ એણે?

*

એ વખતે તો મેં એ નિવેડો સ્વીકારી લીધો, પણ તમને આ બધા શાસ્ત્રીઓને પૂછું છું : આમાં ખરું કોણ? અને આ ગોટાળાનું કારણ શું?

મને એટલું કહો એટલું કહો કથી રે લોલ –

માન્યું અમાન્યું હો સંત કાં થતું નથી રે લોલ?

ધાર્યું અધાર્યું હો સંત કાં થતું નથી રે લોલ!