દ્વિરેફની વાતો - ભાગ ૧/૨. રજનું ગજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨. રજનું ગજ

શીશી ઉપર નામ વાંચી ખાટલામાં સૂતાં સૂતાં દરદીએ કહ્યું : ‘એ જુવારી? યે ક્યા કિયા તુમને? કિસકા નામ લિખાયા?’

જોહારમલ્લ અને બ્રિજકિશોર એ બે સાંધાવાળાનાં પુરબિયાં નામો આ વીરમગામના પાટીદારોને અઘરાં પડતાં હતાં તેથી, અને પરદેશમાં મશ્કરી કરવા થાય તેથી, કુટુંબમાં તેમને જુવારબાજરી કહેતા. જુવારીએ જવાબ આપ્યો : ‘સા’બ, મેં તો આપકા નામ ભૂલ ગયા ઇસસે બાબુજીકા નામ લિખાયા. ઇસ વજેસે કુછ નુકશાન નહીં હોગા. હકીકત બરાબર કહી હૈ.’

“કેમ ભાઈ, શું થયું?” કહેતો એક જુવાન ઘરમાંથી બહાર નીકળ્યો.

“આ તારી જુવારીએ ડૉક્ટરને ત્યાં મારે બદલે તારું નામ લખાવ્યું. આખો દેશ જ બેવકૂફ ને!”

બન્ને ભાઈઓ ખૂબ હસ્યા. નાનાએ કહ્યું : “એ જુવારબાજરીમાં જુવારબાજરી જેટલીયે અક્કલ નથી.”

મોટાભાઈ રમણલાલને નિશાળમાં ઉનાળાની રજા પડી હોવાથી રજા ગાળવા તે પોતાના ભાઈ મણિભાઈને ત્યાં આવ્યો છે. મણિભાઈ મહેરાનપુરનો સ્ટેશનમાસ્તર છે. રજાઓ પૂરી થવા આવી ત્યારે જ બરાબર રમણલાલને ટૂંટિયું થયું તેથી તેમણે ગામના ડૉક્ટર પાસે જુવારી સાથે દવા મંગાવેલી હતી.

મણિભાઈએ કહ્યું : “કાંઈ નહિ, ભાઈ! એ તો ટૂંટિયાની એક જ દવા આપે છે, આ દવા પી જાઓ. કાલે ડૉક્ટર નીકળવાનો છે તેની પાસેથી દવા લઈશું.”

બધે ટૂંટિયાના વાયરા હતા તેથી રેલવે-ડૉક્ટર ટ્રેનમાં એકાંતરે ફરતો.

બીજે દિવસે મણિભાઈએ દવા માગી.

“કિસકે લિયે?”

“બડા ભાઈ આયા હૈ ના! ઉસકે લિયે.”

“અચ્છા!”

“ઔર ઉસકી વૅકેશન ભી પૂરી હોતી હૈ. પરસોં તો ઉસકો જાનેકા થા.”

“કોઈ ફિક્ર નહીં. મે કેસ કરતા હૂં. નામ ક્યા?”

“રમણલાલ.”

ડૉક્ટરે આર. પી. પટેલ મોટેથી બોલતાં ટૂંકામાં લખ્યું અને ધંધો વગેરે પોતાની મેળે પૂરી લીધું. મણિભાઈ ડબાની બારીમાંથી ઊભો ઊભો જોતો હતો. તેણે કહ્યું : “ભાઈકી ઉમ્ર તો પેંતીસ બરસકી હૈં.”

“અચ્છા લેકિનો દોનોં ભાઈ જવાન દિખાઈ દેતે હૈ. ઉમ્રસે કુછ ખુરાક(ડોઝ)મેં ફર્ક નહીં હોતા હૈ.”

પોતે હોય તે કરતાં ઓછી ઉમ્મરનો દેખાય છે એ સૌભાગ્ય કોને નથી ગમતું?

રમણલાલ ચંડીસરની મુખ્ય મ્યુનિસિપલ નિશાળનો હેડમાસ્તર હતો. શિક્ષક તરીકે કામ ઘણું સારું કરતો, વિદ્યાર્થીઓનો ખાસ પ્રિય હતો, બોલવામાં જરા બટકબોલો હતો અને તેથી જ તેની સાથેનાં માણસોમાં જેમ કેટલાકનો પ્રેમપાત્ર તેમ કેટલાકનો તિરસ્કારપાત્ર પણ બન્યો હતો. ઉપરીઓ સાથે તેને આ કારણથી બનતું નહિ. અસહકાર શરૂ થયો કે તરત જ તેણે અસહકારનો ઝંડો ઉડાવ્યો અને પોતાની વગથી અને તનતોડ મહેનતથી નવી રાષ્ટ્રીય શાળામાં ઘણા વિદ્યાર્થીઓ આણ્યા અને શાળાનું કામ સરસ રીતે ચાલવા માંડયું. આથી તેને શાળાની વ્યવસ્થાપક સમિતિમાં રાખવો પડયો હતો, જોકે તે બીજા વ્યવસ્થાપકોને ગમતી વાત નહોતી.

રજાઓ પૂરી થઈ અને શાળા જૂન માસમાં ઊઘડી છતાં રમણલાલ ન આવ્યો. શાળાની વ્યવસ્થાપક સમિતિ ત્રીજે દિવસે મળી અને સમિતિના સભ્યોને, આજે માસ્તર નહિ આવવાથી શાળામાં કેમ ચાલે છે, ત્યાં કાંઈ તરત કરવા જેવું છે કે કેમ, એમાંનો એકેય વિચાર આવતો ન હતો. તેઓ તો માત્ર રમણલાલ વિશે જ અનેક વિચારો કરવામાં મશગૂલ હતા.

મગનલાલ : લ્યો જોયું! પહેલી જ વેકેશનમાં ન આવ્યા!

છોટાલાલ : હું તો કહેતો હતો કે એ કાઠિયાવાડીનો વિશ્વાસ જ ન કરવો.

વીરમગામીને એ ખાસ ગેરફાયદો છે. કાઠિયાવાડીઓ તેને ગુજરાતી તરીકે અને ગુજરાતીઓ તેને કાઠિયાવાડી તરીકે લુચ્ચો ધારે છે.

મિ. દુર્ગાશંકરે ઘડપણને લીધે વકીલાત છોડી દીધી હતી તે બોલ્યા : મારો પહેલેથી જ માસ્તરને સમિતિમાં લેવા સામે વાંધો હતો. સ્કૂલ ઉપરની દેખરેખનું કામ સમિતિનું છે અને માસ્તર સ્કૂલનાં કામ માટે જવાબદાર છે. તેમને સમિતિમાં ન જ રાખી શકાય.

છોટાલાલ : તે તારમાં શું લખે છે?

મગનલાલ : તા. 17મીની સાંજે ટૂંટિયું થયું એમ લખે છે.

દુર્ગાશંકર : તે મહેરાનપુર ક્યાં આવ્યું? ત્યાં શું કરતા હશે?

છોટાલાલ : મધ્ય હિંદમાં નાનું શું સ્ટેશન છે, ત્યાં તેને ભાઈ સ્ટેશન માસ્ટર છે. ત્યાં આપણા લોકો જબરા વેપારી છે. તેમની સાથે ખટપટ કરી શિક્ષક રહી જશે અને પછી વેપારમાં પડશે, તેમાં ભાઈસાહેબ રોકાયા હશે.

દુર્ગાશંકર : આ લોકો તો અસહકારમાં કમાવા જ આવે છે.

એટલામાં રમણલાલ માસ્તર જરા ઠીંગાતા ઠીંગાતા આવ્યા. બધાએ ‘આવો’ ‘આવો’ કહ્યું અને પછી પોતાના મનના વેગને પ્રત્યાઘાત લાગ્યો હોય તેમ થોડી વાર ચૂપ રહ્યા. છેવટે મગનલાલે કહ્યું : માસ્તર, કાંઈ ટૂંટિયું બરાબર શાળાના ઊઘડવા ઉપર જ થયું?

રમણલાલ : હા, એ બાજુ સખત વાયરા છે. કોઈ ઘર ખાલી નથી, અને કોઈને છોડતું નથી. હું નીકળ્યો તે રાતે મારાં ભાભીને શરીર દુખતું હતું. ઠીક, પણ નિશાળનું કેમ છે? હું પરભાર્યો આવ્યો છું. નવો શિક્ષક રાખવાનો હતો તેની અરજીઓ આવી છે? શિક્ષકો બધા હાજર થયા છે? શાળામાં સંખ્યા કેવી છે?

દુર્ગાશંકર : તમે પોતે મોડા આવ્યા પછી બીજાનું તો કહેવું જ શું? અને બીજાને શું કરી શકાય?

રમણલાલ : શું કરી શકાય કેમ? બધુંય કરી શકાય. અને મને પણ કરી શકાય. હું તો શાળાનું પૂછવા જ આવ્યો હતો. લ્યો, જાઉં, અને મારી રજા બાબત તમારે જે વિચાર કરવો હોય તે કરો.

દુર્ગાશંકર : ના, એમ તો તમે શાળાના સર્વ કામ માટે જવાબદાર છો, છતાં સમિતિમાં શાળાની ચર્ચામાં તમે રહો જ છો ના?

રમણલાલ : એટલે? મારે સમિતિમાં ન રહેવું એમ તમારું કહેવું હોય તો હું ન રહું!

છોટાલાલ : ના, ના, અમે ક્યાં એવું કહીએ છીએ? કેમ મગનલાલ! આપણે ક્યાં એવું કહીએ છીએ?

મગનલાલ : ના, આપણે ક્યારે એમ કહીએ છીએ? બીજી કોઈ જગાએ રાષ્ટ્રીય શાળાના મહેતાજી સમિતિમાં નથી અને તમે છો, છતાં અમે ક્યાં વાંધો લઈએ છીએ?

દુર્ગાશંકર : ના, સરકારી શાળામાં વૅકેશન પછી શિક્ષક નિશાળ ઊઘડતાં હાજર ન થાય તો તેની આખી રજા કપાતે પગાર ગણાય છે.

રમણલાલ : પણ રજા સંબંધી નિયમો થવા જોઈએ એ તો હું કહેતો જ આવ્યો છું. એમ ન હોવાથી દરેક રજાની અરજી મારે સમિતિ પાસે લાવવી પડે છે. રજાના નિયમોની ચર્ચા ચાલતી વખતે તમે જ –

દુર્ગાશંકર : ના, પણ હજુ બધું સ્થિર થાય પછી જ રજાના નિયમો ઘડી શકાય. હજુ આપણી સંસ્થા તો ઊછરતી છે.

મગનલાલ : મારા સાળાને ન્યુમોનિયા થયેલો અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ રજૂ કર્યું, તોપણ હાજર ન થવાના સબબથી આખી રજા કપાતે પગારે ગણાઈ અને આખી સર્વિસને ધક્કો પહોંચ્યો. તમે જાણો જ છો તો!

રમણલાલ : તે તમે કહો તો હું પણ સર્ટિફિકેટ રજૂ કરું. પણ તેની જરૂર છે? તમે જુઓને, આ મારા સાંધા હજી સૂજી ગયેલા છે.

માસ્તરે પગ અને હાથનાં આંગળાં બતાવ્યા, પણ કોઈએ સામું ન જોયું. એક માણસ જુઠ્ઠો છે એમ માનવાનો માંડ મળેલો પ્રસંગ પાછો ખોટો પડી જાય ના!

છોટાલાલ : ના, અમને ક્યાં વહેમ છે? આપણે ક્યાં આવા કે સરકારી ધારાના બંધાયેલા છીએ?

છેવટે માસ્તર ઉપર શક નથી એમ અનેક વાર કહીને નક્કી કર્યું માસ્તરે રેલવે-ડૉક્ટરનું સર્ટિફિકેટ તો રજૂ કરવું.

આઠ દિવસ પછી એ જ બાબત ભરાયેલી સમિતિમાં નીચે પ્રમાણે ચર્ચા ચાલી.

દુર્ગાશંકર ચશ્માં ચઢાવી હાથમાં તાર અને સર્ટિફિકેટ રાખી બોલ્યા : રહો. તમે તા. 17મીએ માંદા પડયા. ટૂંટિયું ન થયું હોત તો તમે અહીં વખતસર આવી શકત ખરા?

રમણલાલ : હા. 17મીની રાત્રે મહેરાનપુરથી નીકળત તો અહીં 18મીની બપોરે આવત અને સ્કૂલ 19મીએ ઊઘડી.

દુર્ગાશંકર : ઠીક, પણ ત્યારે તમે દવા ઠેઠ 19મીએ કેમ લીધી?

રમણલાલ : 18મીએ રેલવે-ડૉક્ટરને નીકળવાનો વારો નહોતો, એટલે 18મીએ ગામના ખાનગી ડૉક્ટર પાસેથી લીધી અને 18મીએ રેલવે-ડૉક્ટરની લીધી.

દુર્ગાશંકર : તમારા ભાઈનું નામ શું?

રમણલાલ : મણિભાઈ, કેમ તેનું શું છે?

છોટાલાલ [ખડખડાટ હસતો] હું સાન્તાક્રૂઝ રહેતો, ત્યારે મારી પડોશમાં બે ભાઈઓ રહેતા. બંનેના ઇનિશિયલ1 એક એટલે એક જ રેલવે-પાસથી મુસાફરી કરતા.

રમણલાલ : તે તમે મારા ઉપર આવો હલકો વહેમ લાવતાં શરમાતા નથી?

છોટાલાલ : તે હું ક્યાં કહું છું કે તમે એમ કર્યું છે.

દુર્ગાશંકર : માસ્તર! તમારો કેસ કોણે કઢાવેલો?

રમણલાલ : મારા ભાઈએ જ.

દુર્ગાશંકર : ત્યારે આમાં 30 વરસ કેમ લખ્યાં છે? તમને તો ચોખ્ખા 35-37 છે. ફરી વાર પરણવું છે કે શું?

રમણલાલથી પણ હસ્યા વિના રહેવાયું નહિ. તેણે કહ્યું : તે તો હું શું જાણું? કંઈ સરતચૂક થઈ હશે. આટલી ઊલટતપાસ કરો છો તે કાંઈ હું ગુનેગાર છું શું?

દુર્ગાશંકર : ગુનેગાર તો નહિ, પણ આમાં તો તા. 23મી સુધી દવા લીધી છે. તમે 21મીથી તો અહીં છો!

રમણલાલ : તે તો ગમે તેમ થયું હોય. પણ તે ઉપરથી તમારે કહેવું છે શું? મેં સર્ટિફિકેટ ખોટું બનાવ્યું?

મગનલાલ : રેલવેમાં કંઈક ગોટાળા થાય છે, તેનું કંઈ કહેવાય નહિ.

રમણલાલ : ત્યારે તમે મંગાવ્યું શા માટે? તમે પોતે જોઈ શકતા હતા કે મારા સાંધા સૂજેલા હતા, અને તે વખતે કહ્યું હોત તો ગમે તે સ્થાનિક ડૉક્ટર પણ સર્ટિફિકેટ આપી શકત; અહીં આવ્યો ત્યારે મને અસર પૂરેપૂરી હતી.

છોટાલાલ : તેમાં પાછા ચિડાઓ છો શાના? પૂછીએ એટલામાં! આ તો બસ કાંઈ પુછાય જ નહિ!

રમણલાલ : ત્યારે તો તમારે માનવું હોય તે માનો. લખો કે રજા કપાતે પગારે ગણવી.

દુર્ગાશંકર : અમારે કંઈ પગાર કાપવો નથી, પણ જાહેર સંસ્થા રહી માટે વહેમ ન પડે તેવું કરવું જોઈએ. તમે ત્યાંના ખાનગી ડૉક્ટરનું સર્ટિફિકેટ મંગાવોને!

રમણલાલ : એ તો નથી મંગાવાય એમ, સાંધાવાળાને મારું નામ યાદ નહિ રહ્યાથી તેણે મારા ભાઈનું નામ લખાવેલું.

મગનલાલ અને છોટાલાલ ખડખડાટ હસી પડયા : જોયું! અંદરથી શું નીકળ્યું!

રમણલાલ : ત્યારે તમને મારા કહેવા ઉપર વિશ્વાસ જ નથી એમ કહોને. એમ હોય તો મારે રાજીનામું આપવું જોઈએ.

મગનલાલ : હા, એટલે આખા ગામમાં ખટપટ કરો ને હિલચાલને ધક્કો લગાડો.

દુર્ગાશંકર : તમને ખબર છે? લોકો પાસે નિશાળ ચલાવવાની જવાબદારી અમે લીધી છે. અમારે અમારા નાક સામુંય જોવું ના!

રમણલાલ : પણ જો હું જુઠ્ઠો જ હોઉં તો મને રાખવાથી એ જવાબદારીમાંથી શી રીતે મુક્ત થશો?

છોટાલાલ : ભાઈ જવા દો ને આ વાત જ. હું તો સર્ટિફિકેટ મંગાવવાની વિરુદ્ધ હતો. કોઠી ધોયે કાદવ નીકળે. આ બધા કાગળો ફાઈલ કરી દો ને રજા મંજૂર કરો.

રમણલાલ : તમારે મારી વાત માનવી નથી, મને ખોટો ઠરાવવો છે અને છતાં મને જગા ઉપર રાખો છો! એ રીતે મારે નથી રહેવું. મારે વૅકેશનનો પગાર નથી જોઈતો.

રમણલાલ રાજીનામું આપી ચાલ્યો ગયો.

સાંજે તેની નોકરીના મિત્રો મળવા આવ્યા. તેમણે રાજીનામાની અફવાની વાત કરી, રમણલાલે બધી હકીકત કહી સંભળાવી. તે મિત્રોએ કહ્યું કે પોતે પહેલેથી જ જાણતા હતા કે અસહકારનું ધતિંગ ચાલવાનું નથી, તેમાં બધા લુચ્ચાઓ જ ભેગા થયા છે. વળી તેમણે ઘણી જ ખાનગી રીતે કહ્યું કે દુર્ગાશંકરે કેસમાં કાંઈ ગોટાળો કરેલો તે બાબત તેના પર કામ ચાલવાનું હતું, માટે તે પ્રૅક્ટિસ છોડીને અસહકારી થયો. મગનલાલ અસહકારના પૈસા ઉપર વેપાર ચલાવતો હતો, અને છોટાલાલ બદમાશ હતો. રમણલાલે દલીલથી અને દૃઢતાથી બતાવ્યું કે આ દરેક જૂઠું, એટલું જ નહિ પણ અશક્ય અને અસંભવિત છે. પણ તેઓ સર્વ આ અને આવી બીજી ગમે તેવી અને ગમે તેટલી વાતો અસહકારીઓની વિરુદ્ધ માનવા તૈયાર હતા. પણ રમણલાલને ટૂંટિયું થયું હતું એ વાત લેશ પણ માનવાને તૈયાર નહોતા. તે તેમના મોં પર સ્પષ્ટ જણાતું હતું. આથી ગામમાં અનેક ગપ્પાં ચાલ્યાં અને બે દિવસમાં ગામનાં છોકરાં પણ વાતો કરવા લાગ્યાં કે માસ્તરે પગારની ચોરી કરી!

છેવટે કાયર થઈને માસ્તર પોતાના ભાઈની મદદથી મહેરાનપુરના વેપારીઓ સાથે રહ્યા. તેના ભાઈને ઘરને માટે રમણલાલના જ કેસ નીચે બે વખત ટૂંટિયા માટે દવા લીધેલી એ જાણવામાં આવ્યું. પણ તે કોણ માને? અને હવે મનાવીયે શું?

ચંડીસર ગામ તો માસ્તરના જવાથી અપૂર્વ હર્ષ અને ઉત્સાહમાં આવી ગયું. માસ્તર લુચ્ચા હતા. વીરમગામ કાઠિયાવાડમાં નથી છતાં તે કાઠિયાવાડી હતા. કાઠિયાવાડીઓ લુચ્ચા હોય છે. માસ્તર પહેલેથી જ મહેરાનપુરના વેપારીઓ સાથે રહેવાની પેરવી કરતા હતા. તેમણે નિશાળને પાયમાલ કરવાને માટે સહકારીઓ જોડે ખટપટ કરેલી, એમ સમિતિના સભ્યોને મન સિદ્ધ થઈ ગયું : અસહકારીઓ લુચ્ચા છે, સ્વાર્થી છે, તેમનામાં કોઈ સારો માણસ ટકી શકવાનો નથી, એક અસહકારી માસ્તરે ખોટું સર્ટિફિકેટ મેળવ્યું, એમ સહકારીઓને મન સિદ્ધ થઈ ગયું. ઉત્સાહ એટલે વધી પડયો કે બન્ને પક્ષે બે સ્થાનિક અઠવાડિકો કાઢવાનો તે જ દિવસે નિશ્ચય કર્યો!

કોઈ માનવ હીણો છે, નીચ છે. એવા ભાવતી નિષ્પન્ન થતો પરમ રસ, જે કવિઓએ અનુભવ્યો નથી કે ઓળખ્યો નથી, તે રસમાં આજે આખું ગામ નાહી રહ્યું છે. માનવજીવનને સુલભ એ જ મહાન રસ છે!!!