દ્વિરેફની વાતો - ભાગ ૧/૬. સરકારી નોકરીની સફળતાનો ભેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬. સરકારી નોકરીની સફળતાનો ભેદ

શું કહ્યું? ‘હું કેમ પેન્શન ન લેતાં નોકરીનાં વરસો માગ્યા કરું છું?’ ‘મને કેમ વરસો મળે છે?’ ‘કેમ તમારું પ્રમોશન રોકાય છે?’ ‘ના, ના, સહેજ જાણવા પૂછો છો’ એમ?

જોતા નથી મારા જેવો નિમકહલાલ અને નિયમિત કોઈ સરકારી નોકર નથી! તમે હમેશાં મોડા આવનાર ક્યાંથી જાણો કે ઑફિસમાં હમાલથી પણ વહેલો આવુ છું? આટલાં વરસની નોકરીમાં કદી કેઝ્યુઅલ કે હક્કની રજા પણ લીધી નથી! જોતા નથી આખો દિવસ લખલખ કરીને મોં પણ વાંકું થઈ ગયું છે! તમે બધા ચા-બીડી પીવા વગેરેનાં બહાનાં કાઢી કામ પડતું મૂકો છો, વખત કાઢવા માટે વાત કરો છો અને વાતો કરવા માટે મિત્રો કરો છો અને મિત્રો ભેગા થઈ ઠઠ્ઠામશ્કરી કરો છો, પણ એક લોટે જવું પડે તે સિવાય મને કદી કામ વિનાનો જોયો છે? કામ થઈ રહે છે ત્યારે સાહેબની પાસે જઈ બીજું કામ માગું છું. અને છેવટે કંઈ ન મળે તો સાહેબને પોતાને માટે નકલો કરી આપું છું! તેમના ખાનગી કાગળો લખી આપું છું. પણ ઘડી પણ લખ્યા વિના બેસતો નથી. અસહકારની ભરતીમાં તમે બધા ફાઈલોમાં ‘નવજીવન’ સંતાડી વાંચતા હતા પણ મેં કદી લખતાં લખતાં માથું પણ ઊંચું કર્યું છે? પછી શું સરકાર એટલી પણ કદર ન કરે?

વળી શું પૂછયું? ‘એટલી એકનિષ્ઠા કામમાં શી રીતે આવી’ એમ? તમારે જાણવું છે? એટલી ધીરજ છે? ભલે, સાંભળો.

પાંત્રીસ વરસની વયે હું વિધુર થયો, તે વખતે મારા કુટુંબમાં મારી ઘરડી મા અને બાળક છોટુ બે જ હતાં.

નાતજાતમાં હું સારો આબરૂદાર પ્રતિષ્ઠાવાળો તે વખત તો હતો. અનેક માણસો મારા ઘવાયેલા હૃદયને મલમ લગાડવા આવ્યા. આપણા ‘સજનજૂના’ સંસારના દિલાસાના આચારવિચાર વગેરે સર્વ રૂઢિસિદ્ધ છે. ‘અરર! આઠ દિવસમાં તો શરીર કેવું થઈ ગયું? તમે હવે ચિંતા કરવી છોડી દો. તમારી નાતમાં કન્યાની અછત કેવી? તમે ગભરાશો નહિ. કાલે સવારે છોટુને નવી મા આવશે અને ઘરનું કામ ઉપાડી લેશે!’ વગેરે અનેક પ્રકારનાં સાંત્વનો આપવા માંડયા.

શું કહ્યું? વચમાં કેમ બોલ્યા? ‘તે આ વાતને મારી ઑફિસની સફળતા સાથે શો સંબંધ છે’ એમ? તમે નવા જમાનાના છો. કપડાં, વાળ, જોડા, મૂછો બધું નવી ફૅશન પ્રમાણે રાખો છો અને એટલી ખબર નથી કે દરેક માણસની કારકિર્દીની સફળતા તેની પત્ની ઉપર આધાર રાખે છે? હું પણ એ જ બતાવવા માગું છું કે મારી સફળતા મારી સ્ત્રીને આભારી છે. બસ, હવે વચમાં ન બોલશો.

હું શું કહેતો હતો? હા! તમને એમ લાગતું હશે કે મેં તરત જ પરણવાની હા પાડી દીધી હશે. ના, હું નવા શિષ્ટાચારોને પાળનારો માણસ હતો. તમારા મોં પર અવિશ્વાસની છાયા હું દેખું છું, હું કદી નવા જમાનાનો હોઉં એ તમને સાચું લાગતું નથી. પણ હું પણ ગ્રૅજ્યુએટ થયો છું. હું ગ્રૅજ્યુએટ થયો ત્યારે મને તમારા કરતાં ઘણો વધારે ઉત્સાહ હતો. હર્બર્ટ સ્પેન્સર અને ગોવર્ધનરામ જેવા મહાન ગ્રંથકર્તાઓને મેં વાંચેલા હતા. અને પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સામ્ય શું અસામ્ય શું તે જોઈ બન્નેનું એકીકરણ કરવાના મને અભિલાષો હતા. આપણે ત્યાં લગ્ન બાબતમાં પશ્ચિમથી ઊલટો શિષ્ટાચાર આ જમાનામાં પ્રચલિત છે એમ હું બરાબર જાણતો હતો. પશ્ચિમમાં સ્ત્રી પરણવાની ના પાડે છે અને પુરુષ હા પાડતો હોય છે – અહીં પુરુષ ના પાડે છે અને સ્ત્રીને હા-ના કરવાનો અવકાશ જ હોતો નથી. મેં પરણવાની ના જ પાડી. આપણે સુશિક્ષિત લોકો જૂના માણસો જેવા હૃદયહીન હોતા નથી કે સ્ત્રી ગુજરી ગયા પછી એટલી ઉતાવળથી પ્રસિદ્ધ રીતે પરણવાની હા કહીએ!

મને દિલાસો દેનાર રૂઢિબદ્ધ હતા. પણ તેમનામાં બુદ્ધિ નહોતી એમ નહિ. તેમણે સામો પ્રશ્ન કહ્યો : “પણ કેમ નથી પરણવું?” મારો નકાર ખરા હૃદયનો હતો માટે જ મેં દલીલ કરી : “મારે તો કુશળ છોકરો છે. ફરી પરણવાનું શું કામ છે?” પણ સત્યની ખાતર મારે સ્વીકારવું જોઈએ કે આ દલીલ ઊડી ગઈ. “એ છોકરાને સાચવવા માટે જ બૈરીની જરૂર તો! તમે તો ગમે તેમ ચલાવી લો પણ બિચારું છોકરું મા વિના હિજરાઈ મરે!” મેં દલીલ બદલાવી કહ્યું : “હવે હું પાંત્રીસ વરસનો થયો, મારાથી ફરી પરણાય નહિ.” પણ સામાનો બાપ પિસ્તાળી વરસે પરણ્યો હતો તે પછી તેને સાત દીકરા થયા હતા અને મા ભાગ્યશાળી હતી તે ચૂંદડી ઓઢીને ગઈ હતી. બીજા એકનો મામો પચાસ વરસે પરણેલો અને એકલો ફુઓ સાઠ વરસે પરણેલો અને બધા સુખી થયાના દાખલા થોકબંધ મારી પાસે રજૂ થયા. બધાએ કહ્યું : “એ તો સારાં વાનાં થશે.” કોણ કહે છે કે હિંદુઓ આશાવાદી નથી? પણ છેવટે બે માણસ આગળ મારી હઠ છૂટી ગઈ, એક કહે : “તમે મોટા શેના કહેવાઓ? એ તો કુળવાન એટલે નાનપણથી પરણ્યા અને છોકરાં થયાં, નહિ તો પરણવાની ઉંમર તો હવે જ તમારી થઈ કહેવાય અંગ્રેજો તો આવડી ઉમ્મરે તો હજી કુંવારા હોય છે.” બીજાએ કહ્યું : “તમને તમીરા માની પણ દયા નથી આવતી? બૈરાંની સેવા તો બૈરાં જ કરી શકે. તમે શું કરવાના હતા?” હવે પશ્ચિમ અને પૂર્વ બન્ને આદર્શ પ્રમાણે મારે પરણવાનું સિદ્ધ થયું; કેમ, મોટી ઉમ્મરે પરણવું, એ પશ્ચિમનો આદર્શ નહિ? અને માતાપિતાની ખાતર પરણવું, પરમાર્થની ખાતર પરણવું એ આપણો પૂર્વનો આદર્શ નહિ? કેમ તમે ન સમજ્યા? સરસ્વતીચંદ્ર માતાપિતાની ખાતર પરણવા તૈયાર થયો હતો ના! એ આપણો પૂર્વનો આદર્શ. તમને મશ્કરી લાગે છે એમ? ભાઈ, તમે હિંદુ લગ્નનું રહસ્ય જાણતા જ નથી. હિંદુઓના પહેલા લગ્નને માટે કશા કારણની જરૂર હોતી નથી; અને બીજા લગ્ન માટે હરેક હકીકત કારણ બને છે.

હજી ઘણી મુશ્કેલીઓ હતી, બહારની તો જ મારા અંતઃકરણની. પણ મારા જીવનનો મુખ્ય નિયમ એ છે કે એક વાર મુખ્ય સિદ્ધાંત નક્કી થઈ ગયા પછી વિગતોમાં ઘણી છૂટ મૂકવી. તેમાં આગ્રહ ન રાખવો. એ મુજબ જોકે મારા અંતઃકરણનું દર્દ હજી શાંત થયું નહોતું. છતાં મારી સ્ત્રીના મરણના તેરમા દિવસે જ, કન્યાના ઉમ્મર મારી ઉમ્મરના અર્ધથી નાની હતી છતાં, અમારી નાતના પ્રસિદ્ધ શાસ્ત્રી પૂરણારામની પુત્રી સાથે વિવાહ કરવાની મારે સંમતિ આપવી પડી. એ કન્યાની શોધ મને દિલાસો દેનારાઓએ જ કેરલી અને તેમની પાસેથી જ મેં સાંભળ્યું હતું કે શાસ્ત્રીએ તેને એક આદર્શ હિંદુધર્મપત્ની બનાવવાને ઘણી કેળવણી આપેલી હતી. તેને ડાહ્યાભાઈ ધોળશાજીનાં સતીત્વ સંબંધી ગીતો મોઢે આવડતાં, તે હંમેશાં ‘સત્યવાન-સાવિત્રી’ના ચરિત્રોના પાઠ કરીને જ ખાતી. ‘સતીમંડળ’ના બંને ભાગો બરાબર વાંચી ગઈ હતી અને સતીધર્મ સમજતી હતી.

મારું લગ્ન થઈ ગયું. શું કહ્યું? ‘મારી પત્નીનું નામ શું?’ એ પ્રશ્ન તમે વળી ક્યાં પૂછયો? હું કહું છું તમે વચમાં બોલ્યા શા માટે? એ પ્રશ્નથી મારી કર્મકથાનો ભયંકર પ્રસંગ બન્યો હતો. કેમ તમને એમ લાગે છે કે હું જૂના મતનો છું અને નામ દેતાં શરમાઉં છું? ના; એમ નથી. લો ને એ જ કહું એટલે તમને ખાતરી થશે.

પરણ્યાને બેએક માસ થયા હશે. મારે ઘેર એક મારો જૂનો મિત્ર આવ્યો. મને અભિનંદન આપ્યું. અમે જમતા હતા. મારી સ્ત્રી આવડે તેવું રાંધતી હતી. મારા મિત્રે આ પ્રશ્ન કર્યો. મેં કહ્યું : ‘વિમળા.’ પણ તે કહેતાં તો વજ્રપાત થયો હોય તેમ વિમળાને મૂર્છા આવી. તેનું માથું ચૂલામાં પડયું, માઢું દાઝી ગયું. અને મેં તેને ઉપાડી ખાટલામાં સુવાડી મારા મિત્રને દાક્તરને ત્યાં મોકલ્યું.

વળી શું પૂછયું? મૂર્છા શાથી આવી?’ એમ? કેમ, તમે સમજ્યા નહિ કે તે સતી હતી? હા, પણ એ હજી મેં નથી કહ્યું. તમે વચમાં નામ પૂછીને બગાડયું. મને પહેલેથી કહેવા દીધું હોત તો તમે તમારી મેળે સમજત કે મૂર્છા શાથી આવી!

ધનતેરસને દિવસે તે સવારમાં આણે આવી. આવીને હું બેઠો હતો તે ઓરડીમાં મને બન્ને હાથ જોડી બહુ જ ભક્તિપૂર્વક પગે લાગી. મેં એમ માન્યું કે દિવાળીના તહેવારો છે તેથી કે પછી આ પેહલો મેળાપ છે તેથી કોઈ સનાતની શિષ્ટાચાર પ્રમાણે વંદન કરતી હશે.

રાત્રે સૂતી વખતે પાછી આવી અને કહ્યું : “સ્વામીનાથ!” હું પ્રથમ તો ચમક્યો. પછી તરત મને અતિશય જુગુપ્સા, ધિક્કાર, ધૃણા જેવું થયું. મને સમજાયું નહિ કે હું કોના ઉપર શા માટે તિરસ્કાર કરું છું? શું ‘સ્વામીનાથ’ શબ્દ સંસ્કૃત વાઙ્મયમાં વપરાતો નથી તેથી એમ થયું હશે? પણ તેથી પણ વધારે ખોટા શબ્દો કદી નહિ સાંભળેલા સાંભળું છું અને આવું કદી થયું નથી!

શું કહ્યું? ‘તમે તો ઘણીયે વાર એ શબ્દ સાંભળ્યો છે છતાં તમને કાંઈ નથી થયું’ એમ? વારુ ક્યાં સાંભળ્યો છે? ‘નાટકમાં?’ નાટકમાં તો મેં પણ સાંભળ્યો છે. પણ એવું ઘણું છે જે નાટકમાં સારું દેખાતું હશે તે પણ ખરા અનુભવરૂપે તો માથું ફેરવી નાખે છે. નાટકમાં જે જે સ્ત્રીઓના નાચ અને હાવભાવ ઉપર તમે એટલા આફરીન થાઓ છો તે સ્ત્રીઓ તમારી પાસે આવે તો તમે જરૂર નાસો. એવી સ્ત્રીઓ પાસે પુરુષ તરીકે એક માત્ર ઊભા રહેવા ખાતર જ હું પુરુષપાત્રોને ગમે તેટલું આપું. તમે કલા સંબંધી ગમે તેવી ચર્ચા કરતા હો પણ હું તો ચોક્કસ એમ માનું છું કે કલામાં જે સુંદર દેખાય છે તે વ્યવહારમાં, આ સાચી દુનિયામાં ભયંકરમાં ભયંકર છે, ડુંગરા પેઠે કલા પણ દૂરથી રળિયામણી છે.

પણ અત્યારે તમારી સાથે આટલી ચર્ચા કરી તેટલો વખત મારે તે વખતે નહોતો. પહેલા શબ્દનો હું જરા વિચાર કરું એટલામાં વાક્ય આવ્યું : “સ્વામીનાથ, દાસીને કેમ કાંઈ આજ્ઞા કરતા નથી?” અભ્યાસ દરમ્યાન સ્ત્રીસ્વાતંત્ર્યના પક્ષમાં હું કદી બોલેલો ખરો પણ દુનિયાના સર્વ પુરુષો પેઠે પુરુષના સ્વાભાવિક ઉપરીપણા વિશે મારા મનમાં શંકાને અવકાશ કદી હતો નહિ : પણ સ્ત્રીના મુખથી સાંભળેલી આ તાબેદારીથી તો હું અવાક્ થઈ ગયો. મને સમજાયું જ નહિ કે સ્ત્રી ઉપર મારું શું ઉપરીપણું હશે? પણ તે આગ્રહી હતી. તેણે ફરી ગદ્ગદ કંઠે કહ્યું : “પ્રાણનાથ, દાસીને આજ્ઞા કરશો તે કરવા તત્પર છે.” પણ મારું મન કોઈ અપૂર્વદૃષ્ટ ભૂતથી બીને નાસે તેમ આના પ્રશ્નેપ્રશ્ને તેનાથી દૂર નાસતું હતું. કોઈ અદ્ભુત રીતે મારા પોતાનાથી પણ દૂર નાસતું હતું. મને શું જોઈએ છે તે પણ હું નક્કી કરી શકતો નહોતો. અને હવે તરત નક્કી કરવાની જરૂર હતી, કારણ કે ગદ્ગદ કંઠથી હવે ડૂસકાં સુધી વાત આવી હતી. મૂંઝવણ અને આશ્ચર્યથી છૂટી થઈ શકે તેટલી બુદ્ધિનો ઉપયોગ કરી મેં કહ્યું : “કાલે ઑફિસ જાઉં તે પહેલાં કોટને બરાબર બ્રશ કરજે.” તેણે કહ્યું : “આપનો ઉપકાર, પણ હું તો આપના અંગની સેવા કરવાની અભિલાષા રાખું છું.” મારી મૂંઝવણ વધતી ગઈ. તેણે પૂછયું : “આપના પગ તળાંસું, આપનું માથું ચાંપું, આપને વાયુ ઢોળું?” ઊંઘમાં ઓથારથી મન ચંપાતું હોય તેમ મારું મન મૂંઝવણથી ચંપાવી લાગ્યું. મારા શરીરને અત્યારે શું જોઈતું હશે તે ગમે તેટલી તપાસ કર્યા છતાં મન શોધી શકતું નહોતું. હવે મોડું થઈ શકે તેમ નહોતું. આંસુ પડવા માંડયાં હતાં. ઓથારમાં ચમકી જઈએ તેમ ચમકીને મેં જવાબ આપ્યો : “પગ દાબ.” પગ દબાવા લાગ્યા. પણ કોઈ અજ્ઞાત વ્યાપારથી પગ પણ તેના સ્પર્શથી સંકોચાતા હતા, ખેંચાતા હતા. અને પગ લઈ લેવા જેટલી હિંમત નહોતી, એટલે માત્ર જ્ઞાનતંતુઓ ખેંચાતા હતા.

સતીના મનને સંતોષ થયો હશે એમ લાગ્યું ત્યારે મેં સૂઈ જવા કહ્યું. તે તો અપ્રતિમ કૃતકૃત્યતાના સંતોષથી ઊંઘી ગઈ પણ મને રાત આખી આના વિચારમાં ઊંઘ ન આવી. ખરું કહો તો વિચાર પણ નહોતો આવતો, માત્ર મૂંઝવણ હતી. સવાર પડવા આવતાં જ થાકીને મન ઊંઘી ગયું પણ હજી ઊંઘથી મનને શાંતિ મળે તે પહેલાં મારા પગને કંઈક વિલક્ષણ સ્પર્શ થવાથી હું જાગી ઊઠયો. જોઉં છું તો મારા પગને ઉઘાડા કરી મારી પત્ની પગને માથું અડાડી પડી હતી. મને માત્ર મૂંઝવણ નહોતી, ભય થવા માંડયો હતો. અનંત સવારો મારી નજર આગળ એકસાથે ખડી થઈ ગઈ અને તે દરેક સવારે મારા પર આ ઑપરેશન થવાનું એ વિચારથી હું કંપવા લાગ્યો. અનંતતા કલામાં તમને કદાચ સુંદર લાગતી હશે પણ મને તો તેનો પ્રથમ અનુભવ અતિશય ભયંકર થયો.

પણ ભયનું સ્વરૂપ જાણતાં માણસની મૂંઝવણ ટળે છે અને તેની સામે થવા પ્રયત્ન કરે છે. દિવસ આખો મેં વિચાર કર્યો. ખરી રીતે વિચારમાં પ્રગતિ થતી નહોતી પણ એનું એ ભયંકર દૃશ્ય નજરે આવતું હતું. છેવટે મેં નિશ્ચય કર્યો કે એક જ વાર હૃદય મજબૂત કરીને આ બંધ કરવું. તે રાત્રે મેં અંગની સેવા કરવાની અને સવારે પગે લાગવાની ચોખ્ખા શબ્દોમાં ના કહી. મને લાગ્યું કે મારી યુક્તિ સફળ થઈ છે; કારણ કે તેણે ડૂસકાં ન ભર્યાં, તે રોઈ નહિ, તેમ સવારે મને પગે લાગ્યા વિના ચાલી પણ ગઈ. પણ એ યુક્તિ સફળ થઈ નહોતી. ત્રીજે દિવસે મને માજીએ કહ્યું કે બે દિવસથી બહુએ ખાધું નથી અને કામ કર્યા છે! હું તરત જ સમજી ગયો. તે રાત્રે મેં મારી પત્નીને કહ્યું : “સતી! હું તારા સતીત્વથી પ્રસન્ન છું. તું આજે મને ખુશીથી વાયુ ઢોળ.” મેં સવારે નમન કરવાની રજા પણ આપી. પાછું કામ સરેડે ચાલ્યું.

મને લાગ્યું કે હવે કાંઈ બીજી યુક્તિ શોધવી જોઈએ. બેત્રણ દિવસો માત્ર તેના જ વિચારો કર્યા. છેવટે યુક્તિ સૂઝી. તે રાત્રે હું ઘણાં જ અભ્યાસમાં બેઠો હોઉં એવી રીતે ચોપડી લઈ પલાંઠી વાળી વાંચવા માંડયું. સતી આવી પણ મેં તેના સામું ન જોયું. તેણે આવી નિત્યનિયમ મુજબ સેવા માગી. મેં કહ્યું : “સતી, મારે માતુશ્રીની સેવા કરવી જોઈએ પણ વાંચવાનું ઘણું કામ હોવાથી બનતું નથી અને હું પાપમાં પડું છું. તું ચોવીસે કલાક તેમની સેવા કરે તો હું પાપમાંથી મુક્ત થાઉં. રાત્રે પણ તેમને કાંઈ જરૂર પડે માટે તું ત્યાં સૂઈ રહેજે. નહિ તો મારે એ બધું કરવું જોઈએ.” અને આ વાક્ય મેં ઘણા જ ભક્તિભાવથી કહ્યું અને સતીએ તે માન્યું. તે તરત જ ગઈ. માતાજીને પણ પગ ચંપાવવાનો શોખ હતો તે પૂરો થયો અને હું ત્રાસમાંથી બચી ગયો.

આ યોજનામાં ખરેખર કોઈ અદ્ભુત ન્યાય હતો. હું મારા માટે પરણ્યો નહોતો. માતુશ્રી માટે પરણ્યો હતો. મેં ધર્મનું રક્ષણ કર્યું હતું, તો ધર્મ મારું આ વિપત્તિમાંથી રક્ષણ કરે જ!

પણ હું જેમ માતૃધર્મ ખાતર પરણ્યો હતો તેમ સતી પણ પોતાની ખાતર નહિ, મારી ખાતર નહિ, પણ સતીત્વધર્મની ખાતર પરણી હતી, અને તે પોતાનો ધર્મ છોડે એમ નહોતી. સવારે આવીને તેણે મને પાછું શિરસા વંદન કર્યું. હવે આનું શું કરવું તેનો હું વિચાર કરવા લાગ્યો. દરમિયાન મને સમજાતું ગયું કે અંગ્રેજી અમલ જેમ હિંદુસ્તાનને દરેક દિશાથી બાંધી લે છે, તેમ સતી પણ મારા જીવનને ચારે બાજુથી બાંધી લેતી હતી. મને સમજાયું કે સતી મારા ભાણામાં જમતી હતી, અને જાણી જોઈને મને જોઈએ તેથી વધારે પીરસીને મારું ઉચ્છિષ્ટ ખાતી હતી, અને એક દિવસ નાતના જમણમાં મારી પત્રાળી નહિ મળવાથી ભૂખી પાછી આવી હતી. બીજી બાજુ મારું ઘર ઘણાં પડોશીઓને આકર્ષણનું કારણ થઈ પડયું હતું. સતી દિવસ આખો સતીત્વનાં ગીતો ગાતી. આસપાસની સ્ત્રીઓને તેમના પતિઓ મારી સ્ત્રીનાં વખાણ કરી, સતીધર્મ શીખવા અને ઉચ્ચતર સંસ્કૃતિ પામવા મારે ત્યાં બપોરે મોકલતા અને તેમને ‘સતીમંડળ’, ‘સાવિત્રીચરિત્ર’ વગેરે આખ્યાનો સતી સંભળાવતી. આ પૂજામાંથી નાસી જવા ઘર છોડી દૂર કોઈને ઘેર બેસતો તો ત્યાં પણ –

‘ઊગ્યો સખી સૃષ્ટિનો શણગાર હાર’

સંભળાતું, જે ગીત તમે હજી પણ કોણ જાણે સ્ત્રીભાથી કે પુરુષભાવથી કે બંનેના મિશ્રભાવથી એકતાન થઈ ગાઓ છો તેનો છેલ્લો પ્રાસ, બૈરાં, કૂટતી વખતે સ્વર લંબાવીને ‘હાય હાય’ કરતાં હોય એવો મને લાગતો. અહીં પણ મને સુખ નહોતું. તેમાં વળી પડોશના પુરુષો મારા સાંભળતાં અને કોઈ વાર તો મને સંબોધીને મારી ધન્યતાનું વિવેચન કરતા. જે વસ્તુની તમને ઊંડી જુગુપ્સા હોય તે વસ્તુને માટે કોઈ અભિનંદન આપે અને તે વસ્તુ કેવી રીતે તમને અબખે પડી તે તમે બીજાને સમજાવી પણ ન શકો એથી વધારે વસમી અવસ્થા બીજી કઈ હોઈ શકે?

હજી મારું ઉષઃપાદવંદન ચાલતું હતું. મને તેનો રસ્તો જડતો નહોતો. ક્યાંક હું તેને ટેવાઈ જઈશ એવી મને બીક લાગતી હતી એટલામાં વધારે આઘાતકારક બનાવ બન્યો. અમારી પહેલી લગ્નતિથિ – માસિક, આવી. તે દિવસે સતી હમેશ કરતાં વહેલી ઊઠી હતી એમ મેં પાદવંદન-વિધિથી જાણ્યું હતું. મારા હંમેશના વખતે ઊઠી હું બહાર જઈ પાછો આવ્યો. અને જોઉં તો ઘરમાં કોઈ નવો જ સમારંભ! મેં ધાર્યું કે સત્યનારાયણની કથા કે એવું કાંઈ કરવાનું હશે. પણ હું પગ ધોતો હતો ત્યાં સતી આવી. ઘણે દીનભાવે કહેવા લાગી : “પ્રભુ!” — દિવસના માહાત્મ્યથી હું ‘સ્વામીનાથ’ ‘પ્રાણનાથ’ મટી ‘પ્રભુ’ થયો હતો – “એ લાભ આજે મને આપો. એટલો અનુગ્રહ કરો.” થોડી વાર તો સમજ્યો નહિ, પછી ખ્યાલ આવ્યા કે મારે માથે આજે શાં શાં વીતક વીતવાનાં હતાં. પણ અનુગ્રહ ન કરું તો વિકલ્પે શો આગ્રહ થવાનો હતો તે હું સારી રીતે જાણતો હતો. હું બોલ્યા વિના ઘરમાં ગયો. મને પાટલા ઉપર બેસાડયો. તરભાણામાં મારા પગ મુકાવ્યા. પછી પંચામૃતથી મારા પગ ધીમે ધીમે ઠાકોરજીને નવરાવે તેમ આચમનીએ ધોયા અને છેવટે અર્ધ્યપાદ્ય સતી પી ગઈ; પછી આરતી ઉતારી. આ ક્રિયા દરમિયાન મને અનેક ભય શંકા તિરસ્કાર થયા જ કરતાં હતાં. મને લાગતું હતું કે હું ક્યાંક ગાંડો થઈ જઈશ. કોઈ પણ માણસને ગાંડો કરવાની સહેલામાં સહેલી રીત તેને પગે પડવું એ છે. એ જ રીતથી મહેતાજીઓ પંતૂજી બન્યા છે. રાજા, વાજાં અને વાંદરા જેવા બન્યા છે. ધર્મગુરુઓ અમાનુષ બન્યા છે!

આ ક્રિયાથી મને નવી ચિંતાઓ ઊભી થઈ. પ્રાતર્વંદન તો ખાનગી ક્રિયા હતી અને આ તો જાહેર તહેવારનું રૂપ લેશે એમ લાગતું હતું. વળી માસિક લગ્નતિથિએ આટલી વિધિ તો વાર્ષિકમાં શું થશે એ કલ્પનાએ હું ધ્રૂજવા લાગ્યો. ગમે તેમ કરીને આનો કાંઈક રસ્તો કાઢવો એમ નક્કી કર્યું અને મારા સઘળા અભ્યાસ અને કલ્પનાનો ઉપયોગ કરીને માર્ગ શોધી કાઢયો. રાતે સતી પાસે જઈ મેં કહ્યું : “સતી! જેમ હું તમારો પ્રભુ છું તેમ મારે પણ ઈશ્વર પ્રભુ છે. જેમ તમે તમારા પ્રભુની પૂજા કરો છો તેમ મારે મારા પ્રભુની કરવી જોઈએ. પણ તમે મારી પૂજા કરો એટલો વખત મારું ધ્યાન ઈશ્વરપૂજનમાં રહી શકતું નથી, માટે મને એક બીજો ઉપાય સૂઝે છે. ઈશ્વરનું પૂજન જેમ મૂર્તિથી કરીએ છીએ તેમ તમે પણ મારું પૂજન મૂર્તિથી કરો. તમને હું મારો ફોટોગ્રાફ આપું તેનું તમે નિત્ય નાહીને પૂજન કરો. અને લગ્નતિથિએ પણ તેનું જ પૂજન કરો. તેથી આપણા બંનેનું કલ્યાણ થશે.” સતીને આ વાત ગળે ઊતરી, તે દિવસથી મારો ફોટોગ્રાફ લઈ તેના પર ચંદન અક્ષતનો પૂજાવિધિ થતો જોઈ મને નિરાંત વળી.

હવે મુખ્ય વાતની ચિંતા મને મટી ગઈ. જોકે હજુ કોઈ કોઈ વાર વચમાં વિઘ્નો આવતાં. છોટુએ મારો ફોટોગ્રાફ જોવા લીધો, પછડાયો અને ફૂટી ગયો તે દિવસ સતીને બહુ અમંગળ શંકા આવી, તે કાચ કાઢી નાખીને મારે દૂર કરવી પડી, અને સતીને સમજાવવી પડી કે દેવ તારી પૂજામાં કાચ જેવો પારદર્શક અંતરાય પણ રાખવા માગતા નથી. તેથી એમ થયું હતું. ત્યારથી ફોટોગ્રાફ ઉપર બધા સંસ્કારો થવા લાગ્યા. અને એક રીતે એ જ મારો ખરો આત્માનો ફોટોગ્રાફ બન્યો. એ ફોટોગ્રાફ અત્યારે જુઓ તો તેના પર ચંદન, અક્ષત, ઘૃત વગેરેના એટલા ટેકરા અને પડ ચડયાં છે કે તે ઓળખાય તેવો રહ્યો નથી. અને મારા આત્માનું પણ એવું જ થયું છે.

હવે સમજ્યા હશો કે સતીને શાથી મૂર્છા આવી હતી? કેમ, હજી નથી સમજ્યા? તમે પણ મારા કરતાં વધારે બુદ્ધિશાળી દેખાતા નથી. મને પણ તે દિવસે નહોતું સમજાયું. પણ મારી મૂંઝવણમાં ફરીથી સતીએ જ મદદ કરી. તેની મૂર્છા વળી એટલે કહે : ‘જો ફરીથી માથામાં વેદના થાય તો મને બેઠી કરી મારા ખોળામાં માથું નાખીને સૂઈ જજો. યમરાજ આવશે તો તેને પણ હું જવાબ દઈશ.’ પ્રથમ તો મારી મૂંઝવણ વધી. સતીને સાવિત્રીનું સત ચડયું હતું એટલું સમજાયું પણ મરણની આગાહી કયા નારદજી કરી ગયા તે સમજાતું નહોતું. છેવટે સતીએ જ કહ્યું : ‘સ્ત્રીપુરુષ જો એકબીજાનું નામ દે તો તેમનું આયુષ્ય ઘટે છે એવો ધર્મનો સિદ્ધાંત છે.’ ત્યારે મને સમજાયું કે માત્ર ડૉક્ટર મટાડી શકે તેવો આ કેસ નહોતો. મારો મિત્ર તો આ પહેલાં જ ચાલ્યો ગયો હતો. પણ મેં તમને કહ્યું છે કે ભયનું સ્વરૂપ જણાયા પછી તેનો ઉપાય જડે છે. મેં એક શ્લોક બનાવી કાઢયો. જૂનો જડત પણ શોધવો મુશ્કેલ, માટે મેં જ બનાવ્યો. તેનો અર્થ થતો હતો કે જેનું નામ દીધું હોય તેનું આયુષ્ય ઓછુ થાય. સતીના મનનું સમાધાન થયું. તમારે શ્લોક સાંભળવો છે? ‘ના?’ તમારી ધીરજ ખૂટી લાગે છે. લો, ત્યારે બાકીની વાત ઝટ પૂરી કરું. ‘નહિ?’ ધીરજ નથી ખૂટી ત્યારે સંસ્કૃત નહિ આવડતું હોય. ભલે.

હવે સામાન્ય કામકાજ ઠીક ચાલતું હતું. મને માત્ર એટલી જ ચિંતા હતી કે માજી ઘરડાં થતાં જાય છે અને એમને રાજદૈવક થશે, પછી પાછો સર્વ પૂજનવિધિ ક્યાંક મારા પર આવી પડશે. મને હવે સમજાયું કે સ્મૃતિકારો જેમ ચોવીસ કલાકની વ્યવસ્થા કરે છે, તેમ મારે અમારા જીવનની વ્યવસ્થા કરવી જોઈએ. પણ હજી સર્વ પ્રકારના હેતુઓ વિધિઓ જડતા નહોતા. એટલામાં એક નવીન અકસ્માત બન્યો જેથી મને સર્વ માર્ગ જડી ગયા. મારે થોડું પરગામ જવાનું આવ્યું. મેં ધાર્યું કે થોડા દિવસો તો સતીના પ્રવાહથી સ્વતંત્ર રહેવાનો પ્રસંગ મળશે. પણ સતીના ધર્મમાં એક પણ પ્રસંગ માટે નિયમ ન હોય એમ નહોતું. સતીએ મારી ટૂંકમાં મીઠું, હળદરનો ગાંઠિયો વગેરે મૂક્યાં. નીકળતી વખતે શ્રી ગણપતિ ગજાનન ને અગસ્ત્ય મુનિને સંભારવાનું કહ્યું, અને બધી સૂચનાઓ આપ્યા પછી એક સુંદર ડબી મને આપી. મને લાગ્યું કે મારા સૌભાગ્ય માટે કંકુ કે એવું કાંઈ હશે. પણ પોતાના સૌભાગ્ય ઉપરાંત બીજા કોઈના સૌભાગ્યની દરકાર કરવાનો સતીને અવકાશ નહોતો. દાબડી ઉઘાડી તેમાંથી મગ દેખાડી સતીએ કહ્યું: ‘સવારમાં ઊઠી દાતણ કરી આમાંથી એક મગ ખાજો એટલે પછી તમારે જમવાનું ગમે તેટલું મોડું થાય તોપણ મારે વાંધો ન આવે.’ તમે નહિ સમજ્યા હો, પણ હું હવે સતીની સાથે એટલો વખત રહ્યો હતો કે આ સૂચનાનું રહસ્ય તરત સમજી ગયો. સતી મારા જમ્યા પહેલા કાંઈ ખાતી નહોતી અને તે નિયમનો ભંગ કોઈ રીતે ન થવા દેવાનો આ ધાર્મિક વિધિ હતો.

હવે આખા જીવનની ફિલસૂફી મનમાં ચોક્કસ થઈ ગઈ. તેના વિધિ પણ નક્કી થઈ ગયા. તેમને અમલમાં મૂકવાનો વખત પણ માજીના મરણથી આવી ગયો. મેં તરત બદલી માગી, અહીં આવ્યો, ત્યારથી મારું જીવન એકસરખું જ ચાલ્યું જાય છે. સૂર્યચંદ્રની ગતિમાં ફરક પડે, પણ મારા નિયમોમાં કદી ફરક પડતો નથી. તમારે સાંભળવા છે? હાસ્તો, અત્યાર સુધીનું રહસ્ય તો આ નિયમોમાં જ છે.

પહેલો નિયમ એ કે સતીને બને તેટલી સતીધર્મમાં જ રાખવી. મેં મારા ફોટોગ્રાફની પૂજા ઉપરાંત તેને મારા નામનાં પુરશ્ચરણો કરતાં શીખવ્યાં છે, અને તે જાણે છે કે તેથી જ વધારે સારા પગારથી અમારી બદલી અહીં થઈ છે. પગાર વધે છે અને પેન્શન ન મળતાં નોકરીનાં વરસો વધે છે, અને વૃદ્ધ છતાં હું જીવું છું.

બીજો નિયમ એ કે મારે બને તેટલું ઘરમાં ઓછું રહેવું.

આ બંને નિયમોની વ્યવસ્થા બરાબર થઈ ગઈ છે. સતીના સતીત્વથી મને ઘણી સારી નોકરી મળી છે. મને સાહેબ ઘણું જ વિશ્વાસનું કામ સોંપે છે તેથી મારે ઑફિસમાં બહુ વહેલા જવું પડે છે, અને મોડા છૂટવાનું થાય છે. કોઈ વાર ઘેર જ જઈ શકાતું નથી!

આની એક પેટા વ્યવસ્થા જણાવી દઉં. સતીને સતીધર્મનું એટલું બધું કામકાજ રહે છે કે રસોઈ હંમેશાં કાચીપાકી થાય જ. તેથી મને જરા સંગ્રહણી જેવું દરદ થઈ ગયું છે. મારે માટે સ્વતંત્ર રીતે જમવાની વ્યવસ્થાની જરૂર હતી. આ મહારાજ અહીં સારી મીઠાઈ અને રસોઈ પૂરી પાડે છે, તમે વખાણી વખાણીને ખાઓ છો, પણ તમે જાણતા નહિ હો કે એ સંસ્થા મને આભારી છે. સવારમાં મગ ખાવાથી સતીધર્મને બાધ આવતો નથી.

ત્રીજો નિયમ એ કે મિત્રો ન કરવા. કેમ, તમને એમ લાગે છે કે મારી પત્નીને કોઈ જોઈ જાઓ એ અદેખાઈથી મિત્રો નથી કરતો? મારી પત્નીને કોઈ જુએ જ નહિ – ખાસ કરીને તેને ચૂલા આગળ સતીત્વ ચડયું હતું તે દિવસથી – અને જુએ તોપણ રેલવેના ભયસૂચક ફાનસ જેવા, મોટા, આખા કપાળને રોકીને પડેલા, લાલ ચાંલ્લા સિવાય બીજું કાંઈ દેખાય જ નહિ! પણ મિત્રોથી પરસ્પર ધર્મોમાં અગવડ પડે છે અને મિત્રો માટે સ્થિતિ કફોડી થઈ જાય છે, માટે મિત્રો ન કરવા.

અલબત્ત, તમને બધાને મૈત્રી દ્વારા વાતો કરીને લખવાના કામમાંથી થાક ખાવાનો વખત મળે છે, પણ મને સતીએ જે સંગ્રહણીનો રોગ આપેલો છે તે એ જ કામ કરે છે. તેનાથી થાક ઊતરે છે અને મિત્રો થતા નથી. તેમ છતાં રખેને કોઈ મિત્ર થઈ જાય એવી બીકથી બધો વખત લખવામાં જ ગાળું છું.

મારી વાત પૂરી થઈ છે, પણ તમે કેમ ગભરાયા જેવા દેખાઓ છો? તમે મને શું દુઃખી ધારો છો? ના, ના, મારે શું દુઃખ છે? ઘેર સૌભાગ્યવતી સતી છે, છોટું ભણે છે, ઓરમાન મા છે છતાં બંને કોઈ વાર લડતાં જ નથી. છોટુ હૉસ્ટેલમાંથી બહુ ઘેર નથી આવતો. મને સરકારી નોકરી છે, પગાર છે, સાહેબની મહેરબાની છે. નોકરીનાં વરસો મળ્યે જાય છે, અને ધૈર્ય તો એવું કેળવાયું છે કે અસહકાર શું અસહકારનો બાપ આવે, તોપણ મારા હૈયાનું રૂંવાડું પણ ફરકે નહિ!