ધરતીનું ધાવણ/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન
– ખંડ 1 –

સને 1924-25થી શરૂ થયેલા મારા લોકસાહિત્ય સાથેના પરિચયનું તેમ જ તુલનાત્મક અભ્યાસનું મેં પ્રસંગોપાત્ત મારાં પુસ્તકોના પ્રવેશકોમાં તેમ જ મારાં વ્યાખ્યાનોમાં જે દોહન કરેલું તેને અહીં સુધારી, સંસ્કારી, મઠારીને ગ્રંથાકારે મૂકું છું. આ ફક્ત પહેલો ખંડ છે; આના જેટલી જ બાકી રહેલી સામગ્રીને ગ્રંથસ્થ કરીને બીજો ખંડ આપીશ ત્યારે જ હું માનીશ કે મારા પ્રિય વિષયનું ઠીક ઠીક માર્ગદર્શક અવગાહન હું અભ્યાસીઓને આપી શક્યો છું. આજ સુધી મારાં લખાણો છૂટીછવાઈ ચોપડીઓમાં અને વેરણછેરણ લેખો-વ્યાખ્યાનોમાં પડ્યાં હતાં. મારા સિવાય આ વિષય પર જૂજજાજ લખ્યું હતું સ્વ. રણજિતરામે, પ્રો. બ. ક. ઠાકોરે ને કાકા કાલેલકરે. પણ છેલ્લાં પંદરેક વર્ષોમાં લોકસાહિત્યના પ્રદેશને ગુજરાતી પ્રજાની રસવૃત્તિમાં તેમજ અભ્યાસવૃત્તિમાં જે આગળ પડતું સ્થાન મળેલું છે, તે જોતાં રસિક તેમ જ અભ્યાસી ગુજરાતીઓની સામે એક સમગ્ર દર્શન કરાવનાર સળંગસૂત્ર વિવરણસામગ્રીની જરૂર ઊભી થઈ ચૂકી કહેવાય. જરૂર તો બહુ વહેલી ઊભી થયેલી. લોકગીતોનું શ્રવણ કરાવવામાં આ પંદર વર્ષો દરમિયાન પ્રત્યેક વખતે જે રસ જન્માવી તેમજ સ્થિર કરી શકાયો તે ઘણા મોટા ભાગે આ વિવરણોને આભારી છે એમ બધાનું કહેવું થયું છે. આમ કહેનારો વર્ગ આ તમામ વિવેચનોનો સંગ્રહ વર્ષોથી માગ્યા કરતો રહ્યો છે. મજકૂર માગણીને હાથ ધરવા આડે વચગાળાનાં વર્ષોમાં અનેક અંતરાયો નડ્યા કર્યા હતા. તેમાંનો એક અંતરાય તો મારો પોતાનો આ સંદેહ હતો કે લોકસાહિત્યમાં પ્રકટાવી શકાએલો પ્રજારસ ક્ષણિક તો નહિ હોય ના! એક તો એ સંદેહ આજે ટળ્યો છે. તદુપરાંત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ગુજરાતીના વિષયને જે બહોળું મેદાન મળ્યું છે તેની અંદર લોકસાહિત્યના વિષયે પણ પોતાનું ઘટિત સ્થાન મેળવી લેવું જોઈએ એવો આગ્રહ યુનિવર્સિટી સાથે સંબંધ ધરાવનારા કેટલાક ભાઈઓએ મારી પાસે દર્શાવ્યો છે. હું મને પોતાને ધરતીનું ધાવણ ધાવેલો તેમજ યુનિવર્સિટીના ખોળામાં ઊછરી મોટો થયેલો માનું છું કેમકે લોકસાહિત્ય પ્રત્યે મને અભિમુખ કરી લોકસાહિત્યનાં મૂલ્યાંકન શીખવનાર પણ મને યુનિવર્સિટીમાંથી મળેલી કેળવણી છે એ મારી માન્યતા છે. તુલનાત્મક અભ્યાસદૃષ્ટિ અને સત્યાન્વેષણની સાન આપણને વિદ્યાલયોમાંથી મળે છે; આપણી ઊર્મિ અને આસક્તિ ભલે જન્મગત હોય. ઊર્મિ અને આસક્તિ એકલાં નકામાં છે. એની વિદ્યુત્ચેતનાને જો વિદ્યાપીઠે દીધેલી વિવેકબુદ્ધિ સાથે જોડીએ તો જ સત્યની યાત્રા કરી શકાય છે. આ દૃષ્ટિએ જોતાં આ લખાણો મોડાં પ્રકટ થાય છે તે મારા સુખની વાત છે. કેમકે લોકસાહિત્યનાં મારાં પ્રારંભિક ઊર્મિનાં મૂલ્યાંકનો સતત વધુ ને વધુ વાચનમનનના પ્રતાપે કસાયા કર્યાં છે ને એ બહાર પડે છે ત્યારે મારામાં શક્ય તેટલી બધી જ પરિપક્વતાના રંગે એ રંગાઈ શક્યાં છે. મારા લોકસાહિત્યના ખેડાણમાં હું વિદ્યાપીઠે દીધેલ વિવેક ઉતારી શક્યો છું તેવી મને શ્રદ્ધા કરાવનાર બે-ત્રણ વાતોનો નિર્દેશ અસ્થાને નહિ ગણાય. એક : પોતાના અભ્યાસીઓને ગૌરવદાન કરવાનું ગુજરાત પાસે જે એક જ માન છે, તે રણજિતરામ સુવર્ણચંદ્રકનું સૌ પહેલું દાન લોકસાહિત્યના આ ખેડાણને થયું. વિદ્યા-જગતના આભૂષણ સ્વ. ડૉ. સર જીવણજી મોદીના પ્રમુખપદે તેમની જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે લોકગીતો પરનાં છ વ્યાખ્યાનોનું જે આખું સત્ર સને 1929માં મને સોંપાયું હતું તે છયે વ્યાખ્યાનોની માંડણી આ નિબંધોની અભ્યાસભૂમિ પર હતી. ‘લોકસાહિત્યમાંથી પ્રતિબિમ્બિત થતું તત્કાલીન સમાજજીવન’ એ વિષય પરનો મુંબઈ યુનિવર્સિટીએ નોતરેલો ને યુનિવર્સિટીનું પારિતોષિક પામેલો જે નિબંધ શ્રી શંકર કાલેલકરે લખેલો હતો, તેની માંડણી પણ આ પ્રવેશકો અને આ પુસ્તકો પર થઈ હતી એવો લેખકે નિબંધના પ્રવેશકમાં જ સૌજન્યભર્યો ઉદાર ઋણસ્વીકાર કર્યો છે. વિદ્યાપીઠના ઉપાસક-સમૂહ તરફ આવી સંતોષભરી મીટ માંડી હું અભ્યાસપ્રેમી ગુજરાતને ખોળે મારા જીવનના આદ્ય ધ્યેય સમા લોકસાહિત્યના સંશોધનનો આ નિષ્કર્ષ મૂકું છું. તે પ્રસંગે મારા મનની ઊંડી વ્યથાભરી એક જ વાત કહી નાખું છું : યથાશક્તિ મેં મારા એક જ પ્રાંતની લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું. મનોરથ તો ગુજરાતભરના જૂના વાણી-પોપડા ઉકેલવાનો હતો. પણ એ તો મનની મનમાં જ રહી. હવે હું યુનિવર્સિટીના મહાલયમાં વિચરનારા હજારો ગુજરાતી યુવાનોને આ સાદ પાડું છું : કે થોડાક તો નીકળો, કોઈક તો કમ્મર કસો! આપણાં રાનીપરજ તે કાળીપરજ, આપણાં ભીલો ને ધારાળાઓ, આપણી સુવિશાળ રત્નાકર-પટ્ટીના કંઠાળવાસી નાવિકો અને નાખુદાઓ, તેમની પાસે હજુય સચવાઈ રહેલી લોકવાણીને વીણી લાવી, યુનિવર્સિટીને દ્વારે હાજર કરો. સાચો સુયશ તો જ ચડશે — આપણને ને આપણી વિદ્યાપીઠને. રાણપુર, 3-10-’39 ઝવેરચંદ મેઘાણી

– ખંડ 2 –

‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’ એવું ઉચિત નામ રાખીને ત્રણ વર્ષો પર પ્રકટ કરેલ મારી લોકસાહિત્ય પરની વિવેચનાઓનો પ્રથમ ખંડ સારો એવો આદર પામ્યો છે, એટલે યોજના મુજબ બાકીની વેરણછેરણ પડેલ વિવેચનાઓને પણ પુસ્તકારૂઢ કરી કૃતાર્થ થાઉં છું. આમ, લોકસાહિત્યનાં, એક ભજન સિવાયનાં બાકીનાં અંગો, આ બે ખંડોમાં તેમજ હવે પછી પ્રકટ થનાર ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોમાં સમેટાઈ જાય છે. અને ચારણી સાહિત્ય વિશેનું મારું ભૂમિકાદર્શક કથયિતવ્ય ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રકટ કરેલ મારા ‘ચારણો અને ચારણી સાહિત્ય’ પુસ્તકમાં પડી ગયું છે. એટલું થઈ શક્યું છે, પણ તેથી વિશેષ આગળ વધવાનો ઉત્સાહ હું ખોઈ નથી બેઠો. મેં સેવી હતી તે એક મહત્ત્વની આશા સફળ થઈ છે : યુનિવર્સિટીના અભ્યાસીઓને આ વિવેચનાઓએ લોકસાહિત્યમાં રસ લેતા કર્યા છે. મારી વિવેચનશૈલીને તેમણે સત્કારી છે; એ શૈલી શાસ્ત્રીય છે કે અશાસ્ત્રીય, એ પ્રશ્ન કદી ઉપસ્થિત થયો નથી. વિવેચનશૈલીઓમાં પણ વૈવિધ્યને આપણે ગુજરાતમાં સદા સત્કાર્યું છે. મારી વિવેચનાઓ 1924થી લખાતી રહી છે. એનો વિવેચનદેહ આપોઆપ જ બંધાતો રહ્યો છે. યુનિવર્સિટીની કોઈ ‘થિસીસ’ મારા વાંચવામાં કદી આવી નથી. મારા વિષયના સેવનમાંથી મને જે જે સ્ફુરતું ગયું તે તે હું મૂળ સાહિત્યબળોને સુસ્પષ્ટ તેમ જ રસપુષ્ટ બનાવવા ખાતર લખતો ગયો છું; પઢાવેલ વાણીનો ભોગ નથી બન્યો તે પણ પ્રભુનો પાડ થયો છે. વિષય જે અર્થમાં ‘ધરતીનું ધાવણ’ છે, તે અર્થમાં આ વિવેચનાઓ પણ મને તો ‘ધાવણ’ રૂપે જ સાંપડી છે. વાચકો પણ એ જ રૂપે એનું સેવન કરે. વાંચતાં વાંચતાં મુકરર ધોરણોનાં ચોકઠાં મગજમાં સાલવવાની જરૂર નહિ પડે તેની ખાતરી આપું છું. ‘રાસકુંજ’ની મેં લખેલ પ્રસ્તાવના (‘રાસ-મીમાંસા’) અહીં લેવા દેવા માટે એ પુસ્તકનાં સંપાદિકા શ્રી શાંતિબહેન બરફીવાળાનો આભારી છું. રાણપુર : 14-6-’44ઝ. મે.