ધીરેન્દ્ર મહેતાની કવિતા/ધુમ્મસનાં પંખી
૧૮.
ધુમ્મસનાં પંખી
ધુમ્મસનાં પંખી
સૂરજ તાણે ડોકી ને
ધુમ્મસનાં પંખી પાંખ પસારી પર્વતતટમાં
હળવે હળવે ઊડે...
પારિજાતનાં ફૂલ શો કલરવ આમતેમ રેલાય,
આભ નમીને નીચે એને ખોબેખોબે ઝીલે;
ત્યાં તો ઘાસ સફાળું હોઠ હલાવી ફડાક બેઠું થાયઃ
રખેને આભ બધોયે કલરવ પી લે!
ડાળ ઉપરથી કૂદી
એને વાંકી ચાંચે અધ્ધવચાળે પકડી લીધો
એ... ને ઓલા સૂડે!
ટહુકાસૂનાં પંખી તો ભઈ, પીછાં થઈને તરતાં,
સૂરજ પહેલાં પવન પહોંચી એને વીણી જતો;
ફૂલની ઉપર પોરો ખાવા બેસે ઢાળ ઊતરતાં,
મુઠ્ઠી ખોલી જુએ અરે, કે ઝળહળ ઝાકળ આ તો!
તડકો થઈને પીછાં
ચારેકોર હવામાં પ્રસરે ને ત્યાં
સઘળું એમાં બૂડે!
૭-૧-’૭૮