ધીરેન્દ્ર મહેતાની કવિતા/ભુજ શહેર સમયમાં: બે સ્નેપશોટ્સ
Jump to navigation
Jump to search
૧૫.
ભુજ - સમયમાં: બે સ્નેપશોટ્સ
ભુજ - સમયમાં: બે સ્નેપશોટ્સ
૧
આ નગરની
ફાટી ગયેલી આંખો
બખોલો જેવી બની ગઈ છે.
એમાં
રાજમહેલના મિનારાની
ખંડિત છાયા
રઝળે...
નિશાપંખીના
તરડાઈ ગયેલા સ્વરથી
સૂની બખોલો ઊભરાય...
એની ખરબચડાશ પર
પીઠ ઘસતી
ગુજરી જશે આ રાત્રિ...
એને કિલ્લામાં પ્રવેશી જતી
રોકશે
ઝાલી
અંધકારથી
ઘટ્ટ બનેલાં વૃક્ષો..
૩૧-૧૦-’૭૯
૨
નગરની બન્ને આંખો
છલકાઈ ઊઠી છે.
ગઢ ઉપરથી
ડોકિયું કરી
રાજમહેલનો મિનારો
એમાં
પોતાનું પ્રતિબિમ્બ ખોળે છે...
આંખોની વેદના
વૃક્ષ થઈ ને
ઠેઠ આકાશ લગી પહોંચે છે,
એમાં નીતરી આવે છે
અંધકાર બનેલું આકાશ...
ક્યાંકથી
વહી આવે
જળચરનો ભીનો સ્વર
આંખોનાં જળ સકમ્પ હશે,
એમાં ભળે
મારી છાયા
એ પહેલાં
આંખે બાંધ્યા પાટા જેવા
પુલ ઉપરથી
નગરમાં
પ્રવેશી જઉં,
જો બને તો-
૧-૧૧-’૭૯