ધીરેન્દ્ર મહેતાની કવિતા/ભુજ શહેર - સ્થળમાં: એક વૃત્તાન્ત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૬.
ભુજ શહેર - સ્થળમાં: એક વૃત્તાન્ત

ભુજને
કાંડું-પંજો અને આંગળીઓ પણ
ફૂટવા માંડી છે;
અને આંગળીઓએ
સળવળી સળવળીને
વિસ્તરવા માંડ્યું છે…
સ્નાયુની જેમ ઊપસેલો ભુજિયો
એ જ નથી ભુજની શોભા હવે;
પાંચે આંગળીએ પહેરેલી
અનેક વીંટીના નંગ સમી
શોભવા લાગી છે સોસાયટીઓ…
અને
પાંચે આંગળીઓએ
ભીંસાઈ ભીંસાઈને
કેટકેટલું લેવા માંડયું છે મૂઠીમાં!
આ ભીંસથી
એની નસોમાં ફરતું લોહી
કાળું પડવા માંડયું છે.
એનાં નસકોરાંમાંથી નીકળતો ધુમાડો જોઈ
મને હતું
કાળું પડતું જશે
આ આખું શહેર;
૫ણ જોઉં છું,
આ નગરની એક આંખ
(જે ઓળખાતી હમીરસરને નામે)
ફરી પાછી
છલકાઈ ઊઠી છે
અને
તરવા લાગી છે
એની લખોટા જેવી કીકી.
એના ખાલીપા નીચે
ધરબાઈ ગયેલાં
આ નગરનાં સ્વપ્નોએ
વૃક્ષો બનીને
ફરી પાછું
આકાશને તાકવા માંડ્યું છે.
વીતી ગયેલા એક સ્વપ્ન જેવો મહાલય
એને પોપચે
ઊભો રહીને
ફરી જાણે આ
આંખમાં પ્રવેશવા મથે છે.
જલપ્રવાહની આવમાં ખેંચાઈ આવેલાં
મત્સ્યોની જેમ
એમાં ફરી પાછું
કશુંક સળવળવા માંડ્યું છે
અને
સુકાઈ ગયેલા આંસુની ધાર જેવો રસ્તો
ફરી પાછો
રેલો બનીને
લે, આ તારા ચરણ લગી આવી પહોંચ્યો છે.
આ ભુજ
હાથ બનીને–આંગળીઓ બનીને–નહોર બનીને
આ આંખને ફોડી નાંખે
એ પહેલાં
ચાલ, જોઈ લઈએ,
એમાં તરતાં મત્સ્યો,
એમાં તરતાં સ્વપ્નો!
૫-૧૦-’૮૪