ધૂળમાંની પગલીઓ/૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એક અનુભવ વારંવાર યાદ આવે છે. સાંજ પડે, અંધારું ઢળવા માંડે, દૂર ક્ષિતિજ ઝાંખી ને ઝાંખી થતી જાય ને ત્યારે અમે આંખ ખેંચી ખેંચીને એ જામતા જતા અંધારાનાં રજકણો પાછળના સૃષ્ટિના ચહેરાની રેખાઓ અખંડપણે તારવવા-ઉકેલવા મથતા. એમ કરતાં અમારે સ્મરણ અને કલ્પનાની મદદ પણ લેવી પડતી. સ્મૃતિ નજરને અજવાળું આપતી અને કલ્પના નજરને બધું જોડી આપવામાં સહાય કરતી. કંઈક આવો જ અનુભવ ભૂતકાળમાં ડોકિયું કરવા મથતાં મારે છે. ભૂતકાળમાં ડોકિયું કરવા જતાં મારે મારી માટીના થરેથર વીંધીને ઊંડે ઊતરવું જરૂરી બની જાય છે. મારી પેલી બાળપણની સૃષ્ટિ પર કાળની એક પર એક એમ અનેક ચાદરો ઓછાડાયેલી છે. એ સર્વ મારે હઠાવવાની થાય છે. કેટલીક તો ચાદરો જ એવી સુંદર છે કે એ જોતાં પળવાર એમને ખેસવવાનું ભૂલી જવાય છે. પરંતુ મારો રસ ચાદરમાં નથી, ચાદર તળે ઢંકાયેલા પેલા શૈશવના ચહેરામાં છે. એની ચમકતી આંખો, એનું સરળ હાસ્ય, એની રમતિયાળ છટાઓ — એનું મને ગૂઢ અને ગાઢ આકર્ષણ છે. મારી આ દાહોદની દુનિયા. સ્મૃતિના ઝાંખા ઝાંખા વરસાદી ઉજાસમાં એક શેરીનો રસ્તો દેખાવા લાગે છે. ‘યા હુસેન’ના પોકારો સાથે તાજિયાનું સરઘસ નીકળ્યું છે. આગળ એક વાઘનું મહોરું પહેરેલો સોળેક વરસનો છોકરો છે, આખું શરીર હળદર-ચોળેલું પીળું છે. એ વાઘની જેમ ત્રાડતો, મહોરામાંથી ડોળા કાઢતો ને પંજા બતાવતો અહીંથી તહીં ઘૂમતો ઊછળે છે, સાથે ઢોલ-નગારાના ધિંગડ અવાજો ને નાચવાનું ચાલુ છે. હું ઓટલા પર બહેનની બાજુમાં ઊભો છું. મારી નજર બીજે ક્યાંય નહીં ને એ વાઘમુખા છોકરા પર છે. એ, હું એની જાણે બકરી હોઉં એમ માની છલાંગ મારી, મારી તરફ ધસે છે ને હું ચીસ પાડી રડી ઊઠું છું. પેલો વાઘ મારા આશ્ચર્ય વચ્ચે હસી પડે છે ને મહોરું આધું કરી મને છાનો રાખવા મથે છે. બાકીનું તાજિયાનું દૃશ્ય આંસુમાં ઊતરતું ડૂબતું કળાય છે. મને થાય છે કે વાઘમુખા છોકરાને જોતાં મને જે આધાત લાગ્યો તેથી કંઈક જુદો જ પણ સખત આઘાત એને આપણી જેમ હસતાં જોઈને ત્યારે મને લાગ્યો. આ તાજિયા સાથે કેટકેટલી સ્મૃતિઓ વણાઈ ગઈ છે! ગામમાંથી જે પાંચ-સાત તાજિયા નીકળતા એમાં કયા લત્તાનો તાજિયો ચઢિયાતો એ જ્યારે હું વધુ સમજણો થયો ત્યારે તો મહા-અસ્મિતાનો પ્રશ્ન બની રહ્યો હતો મારા માટે. અમે, અમારા લત્તાના મુસ્લિમ ભાઈઓ તાજિયા બનાવવાનું શરૂ કરે ત્યારથી એમની તહેનાતમાં લાગી જતા. તાજિયાના કાગળો સરખા કરી આપવા, એમને લાહી લગાડી આપવી, આવાં આવાં નિર્દોષ કામોમાં અમે થોડીઘણી મદદ કરતા. અમે તાજિયામાં રોજેરોજ કેટલી પ્રગતિ થઈ એનો આંખે દેખ્યો હેવાલ સૌને આપતા. મારા પિતાશ્રીની કચેરીનો એક મુસલમાન પટાવાળો આ તાજિયા બનાવવાની કળામાં ઉસ્તાદ હતો. મેં જ્યારથી એ બાબત જાણી ત્યારથી મારે મન એની કિંમત ઘણી વધી ગયેલી. મને મારા ગામના દરબાર જેટલો જ એ મહિમાવંત લાગ્યા કરતો. એ પટાવાળો તાજિયા બનાવવા બેસતો ત્યારે એના ઉપરી-અમલદારના છોકરા તરીકે એની પાસે બેસવાનો મને વિશેષાધિકાર મળતો. હું પોતે પણ ઘેર જાતભાતના કાગળો ભેગા કરી, નાનકડા તાજિયા બનાવવાની રમત માંડતો. મને યાદ છે કે અમે અનેકવાર મોહરમના તાજિયા નીકળે એ પૂર્વ ફળિયામાં અમથા અમથા આવા તાજિયા ફેરવતા ને અમારામાંના કેટલાક વધુ ઉત્સાહી મિત્રો તો ‘યા હુસેન ‘ની બૂમો પાડી નાચતા ને હૂલ ચલાવવાના પ્રયોગો પણ કરતા. આવા તાજિયા વખતે અમે જે કંઈ હાથમાં આવતું તેનો વાદ્ય તરીકે ઉપયોગ કરતા. તેમાંય કોઈની કોઢમાં જો ગોતાનો ડબ્બો પડયો હોય તો તેનો ઢોલ બનાવી અમે બરોબર રમઝટ ચલાવતા. આ અમારી બિનઅધિકૃત તાજિયાની બાળસવારી આજુબાજુના અનેકને હસાવતી ચૌટામાં વૈષ્ણવ હવેલી આગળ આવતી ત્યારે એની જમાવટ વળી ઓર વધતી. અમારાં ડબલાંડબલી બરોબર ખખડતાં, દોસ્તો ગોળ ફરતાં, હાથ છાતી સાથે અવાજ થાય એમ બરોબર પછાડતા ને મોટેથી જોરશોરથી ‘યા હુસેન’ની બૂમ પાડતા. આ જોરદાર અવાજથી હવેલીની અંદર કીર્તન કરતા મારા પિતાશ્રી વગેરેને ભારે ખલેલ પડતી. એ કીર્તન પડતું મૂકી હવેલીના ઓટલે આવી અમને સૌને ટપારતા, તેમાંય મને તો ખાસ. ને પરિણામે અમારી આ રોનકદાર તાજિયાની સવારી અનિચ્છાએ વિખરાઈ જતી. પિતાશ્રીના આ ઘોરતમ પાપ માટે મારે મારા બાળગોઠિયા તરફથી ઠીક ઠીક સાંભળવું પડતું, પણ ત્યારે તન-મનની નબળાઈને કારણે વિશુદ્ધ અહિંસાવૃત્તિ કેળવતા રહેવાનો જ એક માત્ર ઉપાય મારી પાસે બચેલો રહેતો હતો. આ પછીનું એક સ્મરણ છે અમારી સામે રહેતા વૈદકાકાનું. એ વૈદકાકાનું શરીર સાવ હાડકાંનો માળો જ હતું. કોઈ તો એમ જ માને કે આ માણસને આયુર્વેદના અધિષ્ઠાતા ભગવાન ધન્વંતરિનો જ શાપ લાગ્યો હશે! ગાલ બેઠેલા. આંખો, ઊંડા કૂવાનાં પાણી ચમકે એવી ચહેરામાં ચમકે. વાળ અકાળે પાકી ગયેલા. એમનું શરીર ઉઘાડું હોય ત્યારે ઇચ્છા ન હોય તોય પાંસળીઓ ગણવાની ચેષ્ટા થઈ જાય! આ વૈદકાકા જબરા નાડી પરીક્ષક. મારું માયકાંગલાપણું એમને ખુદના માયકાંગલાપણાથીયે વિશેષ સતાવતું. એકવાર તો એમણે મારા માટે કડુ-કરિયાતુંવાળા ક્વાથનો એક માસનો ભરચક કાર્યક્રમ ઘડી આપેલો. સવાર થાય ને ક્વાથના ઊકળવાની તીવ્ર વાસ મારી સમગ્ર સવારની ખુશનુમાને હરી લેતી. ક્વાથની છલોછલ વાટકી મારી આગળ હાજર થઈ જતી. હું કંઈ ઓછો જ ઝેરને અમૃત જાણીને પી જનાર મીરાંબાઈની જમાતનો હતો? પેલી ક્વાથની વાટકી પ્રત્યક્ષ થતાં જ મારામાં સત્યાગ્રહીનું શહૂર ભરાઈ આવતું. દાંત ભીંસાઈ જતા, હોઠ બિડાઈ જતા ને હાથ ભિડાવા સાથે આંખોય મજબૂત રીતે મીંચાઈ જતી. શરીરનું એકેય અંગ - શ્વાસ પણ - ક્વાથને ગ્રહણ કરવા તત્પર થતું નહોતું; પરંતુ માને કે વૈદરાજને મારા આ સત્યાગ્રહની કોઈ સૂઝ કે કિંમત નહોતી. તેઓ સામ, દામ ને પછી દંડ સુધી પહોંચતાં. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં દંડનીતિ જ કામયાબ થતી હેાય છે મારા બધા જ અંગો-સ્નાયુઓ અનૈચ્છિક રીતે ખોલવામાં આવતાં. બળદના મોઢામાં લાકડાની નળી ખોસી જેમ ઘી રેડવામાં આવતું તેમ મારું મોઢું બળપૂર્વક ખોલી એમાં આ કટુ પ્રવાહી ધકેલવામાં આવતું. મારા રોમેરોમમાં કડવાશ વ્યાપી જતી. એ કડવાશ રુદનરૂપે મુખર પણ થતી ને છતાં મારી દશા પેલા ભોમિયા વિના ભમતા કવિનાથી સારી નહોતી. ‘વેરાયા બોલ, મારા ફેલાયા આભમાં. એકલો અટુલો ઝાંખો પડયો.’ મારું રડવું રોજનું થઈ જવાના કારણે મનામણાંની મજા દુર્લભ થઈ ગઈ હતી. મારે જ મને થાકીને છાનો રાખવો પડતો હતો. આ ક્વાથપાનનો મહિનો ભારે કડવો ને આંસુભીનો હતો. આ ક્વાથમાં બેહદ જુલમના સીધા પ્રતિભાવરૂપે મારામાંથી કેમ કોઈ હિટલરને પ્રાદુર્ભાવ નહીં થયો એનું જ મને આશ્ચર્ય છે. એ વૈદકાકા આ ક્વાથ-શા કડવા તો અવારનવાર મધ-શા મીઠાય લાગતા. એમને ત્યાં કયા સમયે જવું તેની મને સહજતયા જ અક્કલ - કહો કે સૂઝ–આવી ગયેલી. તેઓ બપોરના એકાદ વાગ્યે એમની રજવાડી મરજાદી સેવામાંથી પરવારતા. બરોબર એ જ સમયે હું એમને ત્યાં ગૃહપ્રવેશ કરી ચૂક્યો હોઉં. મને જોતાં જ પાનથી કથ્થાઈ ગયેલા દાંત ચમકાવતા, હસતા મને કહેતા : ‘આવી ગયો કે પરસાદિયો ભગત?’ ને હુંયે પરસાદ પ્રેમપૂર્વક આપે એટલો સ્વીકારીને આ ભવ સાથે આવતા ભવનુંયે ભાથું બાંધતો. આ વૈદકાકાને મન મારા જેટલા જ ઠાકોરજી પણ વાસ્તવિક હતા. ઠાકોરજીને બુંદીના લાડુ, ઠોર, ઘૂઘરા, જલેબી, મગસ વગેરે ધરાવતા. ક્યારેક ભક્તિના અતિરેકમાં સ્વાદિષ્ટ ચૂર્ણ પણ ઠાકોરજીને અપચો ન થાય તે માટે ધરાવતા! આજે એ વાત યાદ આવતાં મને રમૂજ થાય છે. એમના ઠાકોરજીને શા માટે માએ જેમ મને પિવડાવ્યા તેમ ક્વાથના કટોરા ને દિવેલના દડિયા નહીં પિવડાવ્યા હોય? કદાચ હરિની નાડ એમના હાથમાં હોય પણ ખરી! વૈદકાકા ભારે ભાવિક હતા. ઠાકોરજી આગળ તે લાગણીવશ થઈ જતા. એમનું અવસાન વહેલું થયું, પણ તેય ઠાકોરજીની સેવા કરતા કરતા. આજ દાહોદમાં ઘણું કરીને જીવનની પહેલી ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’ જોયાનું સ્મરણ છે. અંધકારના પડદા પર જાણે એક લંબચોરસ બારી ખૂલી ને એ વાટે એક પછી એક પાત્રો આવતાં હતાં. ત્યાં એક ભીષણ દશ્ય આવ્યું-ઘણું કરીને કોઈ હિંસક પ્રાણીનું. એની ગર્જના સાંભળતાં જ મેં થિયેટરને રુદનથી ગજાવી મૂક્યાનું સ્મરણ છે. આ ફિલ્મ પછી ઠીકઠીક વરસો સુધી મેં થિયેટરમાં જઈ ફિલ્મ નહીં જોયેલી. માત્ર સરકારના માહિતીખાતા તરફથી ફિલ્મ આવે એ એમાં અપવાદ. જે દિવસે ગામમાં સરકારના માહિતીખાતાની ફિલ્મવાળી મોટર આવે તે દિવસે અમે પૂરા સમય માટે એનો પીછો કરવામાં લાગી જતા. મોટર જ્યાં ઊભી હોય ત્યાં ટોળે વળી, બધી બાજુથી તેનું ઝીણવટથી નિરીક્ષણ કરતા. ક્યારેક તક મળે તો એના સ્પર્શસુખની તક પણ ઝડપી લેતા. મોટરનું બારણું થોડું અર્ધખૂલું હોય તો એમાંથી અંદર શું છે એ જોવા અમે મથતા. આ મોટરમાંના સિનેમાના મશીનમાંથી હાલતા ચાલતા માણસોનાં ચિત્રો અને અવાજ કઈ રીતે બહાર પડે છે એ વિશે સતત વિચારો કરતા. સિનેમાનો પડદો ખુલ્લામાં રાખ્યો હોવાના કારણે કેટલીકવાર તો તેની બેય બાજુએ બેસીને ફિલ્મ જોઈ જોતા ને એ રીતે બેસવાથી ફિલ્મ જોવામાં કોઈ ફેર પડે છે કે નહીં એની વૈજ્ઞાનિકની ગંભીરતાથી, તુલનાત્મક વિવેચનપદ્ધતિથી તપાસ કરતા. આ સરકારી ફિલ્મ લાવનાર પ્રસન્ન રહે, એ સમયસર ફિલ્મ ચલાવે ને બને તો વધારે વખત તે અમને ફિલ્મ બતાવે એ માટે એને રાજી રાખવાના ઘરગથ્થુ બધા ઉપાયો અમે કરી છૂટતા : એને સરસ રીતે માંજેલા લોટાથી કાળી ગોળીનું ઠંડું પાણી પાવા અમે સદાય તૈયાર રહેતા. ક્યારેક એમને ચા-નાસ્તાનોયે પ્રબંધ થાય તો તે માટેનોયે અમારો વિનમ્ર પ્રયાસ રહેતો. અમારા જોડીદારોમાં ત્રણચાર પટેલ ને બારૈયાના ઠીક ઠીક મોટા છોકરાઓ હતા. તે તેમની બીડી-પાનની હાજતો સંતોષવા સક્રિય રહેતા. આ પ્રયાસના મીઠા ફળરૂપે પેલો સિનેમા પાડનારો અમને એના મશીનની નજીકમાં બેસવા દેતો અને ત્યારે અમારા દૈવી આનંદની કોઈ સીમા રહેતી નહોતી. આ માહિતીખાતાની ફિલ્મવાળા ક્યારે ને કઈ રીતે આવતા એ અમારા માટે ભેદનો પ્રશ્ન હતો. એ આવતા ત્યારે આવ્યા લાગતા. એ જતા ત્યારે અમને ખૂબ વસમું લાગતું; પરંતુ એનું દુઃખ રામલીલા ને ભવાઈવાળા ઘટાડતા; પણ એની વાત પછી કોઈ વાર. મારા પિતાજીને સરકારી નોકરી. એટલે દાહોદથી બદલી થતાં અમે હાલોલ આવી લાગ્યા. હાલોલ પાવાગઢની નજીક આવેલું ગામ. પંચમહાલ જિલ્લાના એક તાલુકાનું ગામ. એ ગામમાં આવ્યા ત્યારે દાહોદની જિંદગીનો સ્વાદ અમને આકંઠ હતો. પેલા ઘેરૈયા ભીલ ભાઈઓના ઘૂઘરાનો અવાજ, ભીલ જુવાનોના જોડિયા પાવાના વરસાદી સૂર, એમનાં તીરકામઠાંની તીખાશ ને મકાઈદોડાની મીઠાશ, ભીલકન્યાઓનાં તોફાની ગાણાં- આ બધું સાથે હતું, ને એ સાથે હતા અમારા લાલજી-ઠાકોરજી. આ ઠાકોરજી જ અમને એક ગામથી બીજે ગામ લઈ જતા હતા એમ મારાં માતાપિતા દઢપણે માનતાં ને કોણ જાણે શાથી મનેય એ માન્યતાનો વિરોધ કરવાનું કદી રુચ્યું નથી. મને ક્યારેક શુષ્ક તર્કથી તરડાવા કરતાં લાગણીના રગડામાં રેલાઈ જવું વધુ પસંદ છે; એનાં જોખમો છતાં.