ધ્વનિ/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

ધ્વનિ

ધ્વનિ (૧૯૫૧) : રાજેન્દ્ર શાહનો ૧૦૮ કાવ્યોનો પ્રથમ સંગ્રહ. એમાં કવિ પોતાની કવિત્વશકિતનાં ઊંચાં શિખરો સર કરી બતાવે છે. ‘શ્રાવણી મધ્યાહ્ને’ જેવું અનવદ્ય પ્રકૃતિકાવ્ય, અર્થસઘન ચિંતનપ્રવણકાવ્ય ‘નિરુદ્દેશે’, મૃત્યુના મિલનનું વિરલ કાવ્ય ‘શેષ અભિસાર’, બલિષ્ઠ સૉનેટ ‘યામિનીને કિનારે’, યશોદાયી સૉનેટમાળા ‘આયુષ્યને અવશેષે’ તેમ જ સુમધુર ગીતોથી આ સંગ્રહ સ્પૃહણીય છે. ‘ધ્વનિ’માં પ્રેમકાવ્યો વિશેષ છે અને એમાં વિરહના દર્દનું આલેખન છતાં શ્રદ્ધાના સૂરમાં એનું શમન જણાય છે. વળી, મિલનની મુગ્ધતા અને પ્રસન્નતાનું ગાન વધુ પ્રમાણમાં સંભળાય છે. એમનાં પ્રણયકાવ્યોમાં પ્રકૃતિ ઉદ્દીપનવિભાવ તરીકે ઘણીવાર આવે છે. ‘ધ્વનિ’ની કવિતાનો બીજો મહત્ત્વનો વિષય છે પ્રકૃતિ. અન્ય કાવ્યપ્રકારો કરતાં સૉનેટો અને ગીતોમાં પ્રકૃતિ વિશેષ ડોકાય છે. સંગ્રહનાં દીર્ઘકાવ્યોમાં પણ પ્રકૃતિનો વિનિયોગ વિપુલ પ્રમાણમાં થયો છે. એમણે ગીતોમાં લય અને પ્રાસની અવનવી છટાઓ પ્રગટાવી છે. એમનાં ગીતોની બાની અર્થવ્યંજક, ભાવસંતર્પક અને સૌંદર્યબોધક છે. કવિનું વસંતતિલકા, હરિણી, અનુષ્ટુપ, પૃથ્વી વગેરે રૂપમેળ છંદો પર મોટું પ્રભુત્વ છે. પ્રતીક-કલ્પનો તથા ભાવોચિત અલંકારોનો વિનિયોગ પણ કવિએ અહીં સફળતાથી કર્યો છે. – પ્રસાદ બ્રહ્મભટ્ટ
(‘ગુજરાતી સાહિત્યકોશ : ખંડ ૨’માંથી સાભાર)