ધ્વનિ/મારું પ્હેલા પરોઢનું સોણલું
૨૬. મારું પ્હેલા પરોઢનું સોણલું
મારું પ્હેલા પરોઢનું સોણલું:
નાનેરી જિંદગીના સૂના આવાસમહીં
આવ્યું કો જાણે પરોણલું... હાંરે મારું.
સૂતેલા પ્રાણ મારા જાગ્યા ઉમંગમાં,
નયનાં વિલોલ મારાં રમતાં કંઈ રંગમાં,
મૂંગી વાણી તે વળી ટહુકી નવ છંદમાં,
પાછલી તે રાતનાં આછાં અજવાળિયાંમાં
મલક્યું શું મંન કેરું પોયણું?. .. હાંરે મારું.
બ્હોળા નિહાળું માનસરના તરંગને,
તીરે સુણું હું કોઈ અભિ-આગત હંસને,
રજનીની રાણી ઝરે મીઠી સુગંધને,
આજે આનંદને ન બંધ, લોકલોકમાં
ઝીણું લહરાય મારું ઓઢણું... હાંરે મારું.
૧૮-૪-૪૬