ધ્વનિ/શિરીષ ફૂલ શી
શિરીષ કુલ શી
શિરીષ ફૂલ શી સુકોમળ સ્વભાવની હે રમા!
કઠોર મુજ સ્પર્શ જ થઈ ગયો, તું દેજે ક્ષમા.
મને અધિક તો ગમે દુરિત કેરી શિક્ષા, છતાં
રહે ભય, પતંગથી ન કદિ હોલવાયે શમા.
તને હૃદયના ઊંડા મરમથી હું ચાહું, અરે
પરંતુ પ્રિય ! એટલે જ મનમાં મુંઝાઉં ખરેઃ
મને-ખડકને ખભે-રૂપ સુગંધ શોભા મળી,
નહી-શી રસ રિદ્ધિ, ત્યાં ક્યમ પ્રફુલ્લ તું પાંગરે?
અહો તું અનુકૂલ શી થઈ રહી! સુચારુ સ્મિતે
પ્રસન્ન મુખ છે સદૈવ તવ, આ કઠિનાઈ તે
ન હોય ક્યમ ઈચ્છયું સર્વ, ત્યમ એથી અ’તુષ્ઠ થૈ
અગમ્ય બલથી કશું નવલ રૂપ દેતી મને!
સુકોમળ? કઠોર તું મુજથી યે, ભલેને કણી;
અહો પલકમાંહિ લોહ પલટાય, સ્પર્શ્યો મણિ.
૧૧-૯-૪૭