નયન હ. દેસાઈની કાવ્યસંપદા/છેક ઊંડાણે મોજાં છે...
Jump to navigation
Jump to search
છેક ઊંડાણે મોજાં છે
છેક ઊંડાણે મોજાં છે તળિયા પછી
એક દરિયો બીજો છે આ દરિયા પછી
હાથ બન્ને કપાવીને લહિયા પછી
જાણે માંગે છે શાહીના ખડિયા પછી
ભીંત પહેલાં સરસ ચણશે કડિયા - પછી
એમાં પડછાયા ખાશએ લથડિયા પછી
સાંજ પણ વસ્ત્ર માફક ચીરાતી ગઈ
મેં ય લીધા કૈં યાદોના બખિયા પછી
કોઈ બીડેલ પાંપણ મળે તોય બસ!
સ્વપ્ન ક્યા માંગે છે ગાદી-તકિયા પછી?
જીર્ણ થાશે જરી રેશમીનાં કસબ
કામ આવે કબીરની ચદરિયા પછી
ગામ આખું ફર્યાં એમ માની ‘નયન’
એનું ઘર આવવાનું આ ફળિયું પછી!