નયન હ. દેસાઈની કાવ્યસંપદા/બચુ ગોરનું ગીત
બચુ ગોરનું ગીત
આ ગમ તાપી ઓ ગમ આંસુ વચમાં તારી દખણા છે, ઓ જજમાન રાજા
મંતર બોલું છું પણ મનમાં ઉમ્મરલાયક દીકરીની કૈં રટણા છે ઓ!
જજમાન રાજા
જમણા હાથથી ભોંય પર પાણી રેડ, પડ્યા પર પાટું છે આ
જીવતર જુઠ્ઠા શ્વાસ સાથેનું કોઈએ કીધું સાટું છે આ
આચમનીમાં ફૂલ મૂકીને બોલ! બગીચો ભ્રમણા છે ઓ! જજમાન રાજા
આ ગમ તાપી ઓ ગમ આંસુ ૦
હાથ જોડીને આંખ મીંચીને ત્રણ વાર અથવા ત્રણ લાખ દુઃખો યાદ કરી લે
સુક્કી ડાળથી ઝાકળબિન્દુ જેમ સરે તેમ તુંય સરી લે
કંકુ ચોખા ચાર દિશા ઓવરા : સંબંધો શમણાં છે તો ઓ! જજમાન રાજા
આ ગમ તાપી ઓ ગમ આંસુ ૦