નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ભીંત, છબિ વગેરે વિશે ગઝલ
ભીંત, છબી વગેરે વિશે ગઝલ
દોડો રે દોડો આ ભીંત પર છબીમાંથી વરસે છે પડછાયા દેમાર તોતિંગ,
ફોટામાં હસતાં આ મજકૂર ઇસમને પણ વળગ્યો છે વરસોનો ભેંકાર તોતિંગ.
ભીંતે પણ છાતીએ લટકાવી રાખ્યો છે રઝળુ તવારીખનો વિજેતા ચંદ્રક,
ધારી ધારીને મેં જોયું તો દેખાયો વિગત પ્રસંગોનો આકાર તોતિંગ.
ખરડો રહે પોપડો થઈ ધીમે ધીમે; ભીંતોમાં ઊગતો ને આથમતો માણસ,
માણસને તળિયે જોઈ શોધો તો મળી આવે સૂરજ એક બૂઝેલો બિસ્માર તોતિંગ.
પગરવની વણજાર ઉંબર પર ઠાલવતી, બારીની આંખોમાં થીજેલા રસ્તાઓ,
ભીંતોને પેઢી-દરપેઢીનાં રુસણાં, કે ખીંટીએ લટકે છે ભણકારા તોતિંગ.