નરસિંહથી ન્હાનાલાલ/૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાન્ત

‘કાન્ત’ એમનું ઉપનામ. એમનું નામ મણિશંકર રત્નજી ભટ્ટ. એમનો જન્મ ૧૮૬૭ના નવેમ્બરની ૨૦મીએ ચાવંડમાં. પિતા રત્નજી મુકુંદજી, માતા મોતીબાઈ. માતાપિતાને છ સંતાનો, ચાર પુત્રો – ગૌરીશંકર, માધવજી, હરજીવન, મણિશંકર અને બે પુત્રીઓ – દયાબહેન અને પ્રાણીબહેન. ચાર ભાઈઓમાં મણિશંકર સૌથી નાના. ૧૮૭૮માં, કાન્તની ૧૧ વર્ષની વયે, પિતાનું અવસાન. ૧૯૨૩માં કાન્તનું અવસાન થયું પછી પણ માતા વિદ્યમાન હતાં. કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય. કાન્તે પ્રાથમિક ગુજરાતી અભ્યાસ માંગરોળમાં અને મોરબીમાં અને માધ્યમિક અંગ્રેજી અભ્યાસ ગોંડલમાં અને રાજકોટમાં કાઠિયાવાડ હાઈસ્કૂલ-(હાલ આલ્ફ્રેડ હાઈસ્કૂલ)માં કર્યો હતો. અને ૧૮૮૪માં કાઠિયાવાડ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થયા હતા. એમને મોરબીમાં જ પ્રભાશંકર પટ્ટણી અને હરિલાલ ઝીણાનો પરિચય થયો હતો, જે પછી રાજકોટમાં મૈત્રીમાં પરિણમ્યો હતો. (રાજકોટમાં ગાંધીજીનો પરિચય પણ થયો હતો. જોકે, ગાંધીજી એક ધોરણ પાછળ હતા.) કાઠિયાવાડ હાઈસ્કૂલમાં હેડમાસ્તર હતા સોરાબજી એદલજી ગીમી. ગીમીસાહેબને કાન્ત પ્રત્યે પક્ષપાત હતો. પછીથી ગીમી સાહેબે એમના અગ્રંથસ્થ અંગ્રેજી લેખોનો સંગ્રહ કાન્તને આપ્યો હતો. ભાવનગરના મહારાજાની સહાયથી એનું પ્રકાશન કરવાની કાન્તની ઇચ્છા હતી. પણ એ એમાં સફળ થયા ન હતા. ૧૯૦૯માં મુંબઈમાં ગીમીસાહેબના જ પ્રમુખપદે એક સભામાં કાન્તે કહ્યું હતું, ‘સૂર્યનું જોઈને જેમ કમળ ખીલે તેમ ગીમીસાહેબને જોઈને મને થાય છે.’ ૧૮૮૫થી ૧૮૮૮ લગી કાન્તે મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ભગવાનલાલ ઇન્દ્રજીની ભલામણથી એમને ગોકુલદાસ તેજપાલ હૉસ્ટેલમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. અહીં પણ પ્રભાશંકર પટ્ટણી અને હરિલાલ ઝીણા એમના સહનિવાસી હતા. કૉલેજના પ્રિન્સિપાલ હતા વર્ડ્ઝવર્થ અને ફિલૉસોફીના પ્રોફેસર હતા મૅકમિલન. બંનેની કાન્ત પર પ્રીતિ હતી. મૅકમિલન સાથે તો કાન્તને વરસો લગી પત્રવ્યવહાર થયો હતો. કૉલેજમાં એમના મિત્રો હતા – રમણભાઈ નીલકંઠ, કાશીરામ દવે અને બલવન્તરાય ઠાકોર. કાઠિયાવાડ હાઈસ્કૂલમાં જ કાન્તને બલવન્તરાયનો પરિચય થયો હતો, પણ અહીં એ મૈત્રીમાં પરિણમ્યો હતો. ૧૮૮૮માં કાન્ત લૉજિક અને મોરલ ફિલૉસોફી સાથે દ્વિતીય વર્ગમાં બી.એ. થયા હતા. ૧૮૮૮માં બી.એ. થયા પછી તરત જ ૧૮૮૯માં સૂરતમાં સરકારી હાઈસ્કૂલમાં કાન્ત આસિસ્ટંટ માસ્તર તરીકે નિયુક્ત થયા હતા. વેતન હતું માસિક રૂ. ૭૫. પછી ૧૮૯૦માં વડોદરામાં કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક અને ટ્રેનિંગ કૉલેજના હેડમાસ્તર તરીકે નિયુક્ત થયા હતા. વેતન હતું માસિક રૂ. ૧૦૦-૧૫૦. કલાભવનના સર્જક હતા ત્રિભુવનદાસ ગજ્જર. અહીં કાન્તને એમની સાથે જીવનભરનો મૈત્રીસંબંધ થયો હતો. ૧૮૯૪થી ૧૮૯૮ લગી વડોદરા રાજ્યના કેળવણી ખાતાના પ્રપંચોને કારણે ૧૮૯૬માં ગજ્જરસાહેબે અને ૧૮૯૮માં કાન્તે કલાભવનમાં એમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. એ જ વર્ષમાં, ૧૮૯૮માં કાન્ત ભાવનગર રાજ્યના કેળવણી ખાતામાં ડિરેક્ટર ઑફ એજ્યુકેશનના સહાયક તરીકે નિયુક્ત થયા હતા. વેતન હતું માસિક રૂ. ૧૫૦. પણ ૧૯૦૦માં ધર્માન્તરને કારણે એમના પર ભારે દબાણ થયું હતું, એથી એમણે સહાયક પદેથી રાજીનામું આપ્યું હતું. પણ છ માસ પછી ૧૯૦૦માં તેઓ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરપદે નિયુક્ત થયા હતા. ૧૯૦૬માં તેઓ ડિરેક્ટર ઑફ એજ્યુકેશનના પદે નિયુક્ત થયા હતા. વેતન હતું માસિક રૂ. ૨૦૦. વચમાં ૧૯૦૫માં બદલીથી શામળદાસ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવા આપી હતી. ૧૯૨૩માં સ્વેચ્છાએ નિવૃત્ત થવું હતું, પણ તે પૂર્વે જ ૧૯૨૩ના જૂનની ૧૬મીએ એમનું અવસાન થયું હતું. ૧૮૮૩માં ૧૪-૧૫ વર્ષની વયે કાન્તનું લગ્ન કંડલાના વૈદ્યરાજ જટાશંકર કેળવરામની પુત્રી નર્મદા સાથે થયું. એમનું હુલામણું નામ હતું ‘નદી’. એ સુશીલ અને સ્વરૂપવતી હતાં. ૧૮૯૧માં ૮ વર્ષના લગ્નજીવન પછી ભરયુવાનીમાં એમનું અવસાન થયું હતું. કાન્તના અંગત જીવનનો આ પ્રથમ કરુણ અનુભવ હતો. કાન્તને એમનાથી એક પુત્ર થયો હતો – પ્રાણલાલ (જ. ૧૮૯૦). કાન્તને એ અતિપ્રિય હતો. ૧૮૯૯માં માત્ર ૯ વર્ષની વયે એનું અવસાન થયું હતું. કાન્તના અંગત જીવનમાં આ બીજો કરુણ અનુભવ હતો. ૧૮૯૨માં ૨૫ વર્ષની વયે કાન્તનું બીજું લગ્ન જામનગર(ખંભાળિયા)ના માસ્તર શંકરલાલ જેઠાભાઈની પુત્રી નર્મદા સાથે થયું હતું. એમનું હુલામણું નામ હતું ‘ન્હાની’. એમના વિવાહપ્રસંગે બલવન્તરાય ઉપસ્થિત હતા. ન્હાની કાન્તના જીવનમાં સતત સુખદુ:ખમાં સહભાગી હતાં. કાન્તને એમનાથી ૧૦ સંતાનો થયાં હતાં – ૫ પુત્રો અને ૫ પુત્રીઓ. ૧૯૧૮માં ૨૬ વર્ષના લગ્નજીવન પછી એમનું પ્રસૂતિ દરમિયાન અવસાન થયું હતું. કાન્તના અંગત જીવનમાં આ અંતિમ કરુણ અનુભવ હતો. કાન્તના જીવનકાળમાં કુલ ૧૧ સંતાનોમાંથી ૮ સંતાનો – ૪ પુત્રો અને ૪ પુત્રીઓનાં અવસાન થયાં હતાં. આમ, કાન્તને અંગત જીવનમાં વારંવાર મૃત્યુનો કરુણ અનુભવ થયો હતો. કાન્તમાં મૈત્રી માટેની અદ્ભુત અને અસાધારણ શક્તિ હતી. એમનું મિત્રમંડળ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ હતું. એમાં ભિન્નભિન્ન વ્યક્તિત્વ અને વ્યવસાય, પ્રકૃતિ અને પ્રતિષ્ઠાની વ્યક્તિઓ હતી. કેટલાક મિત્રો સાથેની મૈત્રીમાં ચડતીપડતી (ધર્માન્તરને કારણે) આવી હતી, પણ ત્યારે પણ કાન્ત તો એ મિત્રો પ્રત્યે ઉદાર અને એમની મૈત્રી માટે ઉત્સુક રહ્યા હતા. કેટલાક મિત્રો સાથેની મૈત્રી સતત જીવનભર એવી ને એવી જીવંત અને જ્વલંત રહી હતી. કાન્તને માટે અંગત કુટુંબ અને આત્મીય મિત્રો વિનાનું જીવન કલ્પવું કે જીવવું-જીરવવું અશક્ય હતુ.ં કાન્તના મિત્રોમાં મુખ્ય હતા પ્રભાશંકર પટ્ટણી, ત્રિભુવનદાસ ગજ્જર, રણજિતરામ મહેતા, મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, સુરસિંહજી ગોહિલ ‘કલાપી’, ન્હાનાલાલ કવિ અને બલવન્તરાય ઠાકોર. નરસિંહરાવ દિવેટિયા અને આનંદશંકર ધ્રુવ સાથે એમને સ્નેહ અને સૌહાર્દપૂર્ણ એવો પરોક્ષ સંબંધ હતો. આમ, એમના યુગની લગભગ સૌ પ્રતિભાસંપન્ન અને પ્રચંડમનોઘટનાશાળી વ્યક્તિઓ સાથે કાન્તનો મૈત્રીસંબંધ હતો. આ સૌ મિત્રોમાં કાન્તના સૌથી પ્રથમ મિત્ર હતા પ્રભાશંકર પટ્ટણી. ૧૮૭૭-૧૮૮૧માં કાન્તે મોરબીમાં ગુજરાતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. ત્યારે એમને પટ્ટણી સાથે પ્રથમ પરિચય થયો હતો. પછી ૧૮૮૨-૧૮૮૪માં કાન્તે ગોંડલ અને રાજકોટમાં અંગ્રેજી માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો ત્યારે પટ્ટણી સહાધ્યાયી હતા એથી આ પરિચય મૈત્રીમાં પરિણમ્યો હતો. ૧૮૮૫-૧૮૮૮માં કાન્તે મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો ત્યારે ગોકલદાસ તેજપાલ બૉર્ડિંગમાં પટ્ટણી સહનિવાસી હતા. પછી એક દાયકા પછી ૧૮૯૮માં વડોદરામાં તેઓ કાન્તના અતિથિ હતા. એ સમયે બંને વચ્ચે (ધર્માન્તરને કારણે ) ઉગ્ર વિવાદ થયો હતો અને મૈત્રીસંબંધનો જાણે કે અંત આવ્યો હતો. ૧૮૯૮થી કાન્ત ભાવનગર રાજ્યના કેળવણી ખાતામાં વિવિધ પદે હતા તે દરમિયાન ૧૯૦૦માં એમણે જાહેરમાં ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો હતો. એથી ૧૯૦૨માં સમાજના અન્ય અનેક સભ્યો વતી પટ્ટણીએ કાન્ત પર ચિઠ્ઠી લખીને દબાણ કર્યું હતું  ‘ખ્રિસ્તી ધર્મ અને રાજ્યની નોકરી બંને નહિ બને.’ એથી કાન્તે રાજીનામું આપ્યું હતું. જોકે છ માસ પછી ફરીથી અન્ય પદે નિયુક્ત થયા હતા અને ૧૯૨૩માં અવસાન થયું ત્યાં લગી વિવિધ પદે સેવાઓ આપી હતી. ૧૮૮૯માં એમણે ગોએથેની નવલકથા ‘વિલ્હેમ માઈસ્ટર’ના એક પ્રકરણનો અનુવાદ – ‘એક દેવીનું આત્મવૃત્તાન્ત’ – પટ્ટણીને અર્પણ કર્યો હતો. ૧૮૯૦થી ૧૮૯૮ લગી કાન્ત જ્યારે વડોદરામાં કલાભવનમાં અધ્યાપક હતા ત્યારે એમને ગજ્જર સાથે પરિચય થયો હતો અને ક્રમેક્રમે ઉત્તરોત્તર એ ગાઢ મૈત્રીમાં પરિણમ્યો હતો. ગજ્જર કલાભવનના સર્જક હતા. એમની પ્રેરણાથી જ કાન્ત એક આદર્શ શિક્ષક થયા હતા અને એમના પ્રોત્સાહનથી જ કાન્તે એમનો એક મહાન ગ્રંથ ‘શિક્ષણનો ઇતિહાસ’ લખ્યો હતો. ૧૮૯૦માં કાન્તને મણિલાલનો સૌપ્રથમ પરિચય થયો હતો. ૧૮૯૪માં બંને વચ્ચે પત્રવ્યવહારનો આરંભ થયો હતો. ૧૮૯૪માં રમણભાઈના સૂચનથી કાન્તે મણિલાલના ‘સિદ્ધાન્તસાર’ વિરુદ્ધ ‘જ્ઞાનસુધા’માં અવલોકન લખ્યું હતું. પણ ૧૮૯૫માં વડોદરામાં ગજ્જર દ્વારા તુકારામ તાત્યાના નિવાસસ્થાને કાન્ત-મણિલાલનું મિલન થયું હતું. પછી વધુ પરિચયથી મણિલાલનાં વ્યક્તિત્વ અને વિચારોનો કાન્ત પર ભારે પ્રભાવ હતો. એથી કાન્તનું મણિલાલ અંગે વિચારપરિવર્તન થયું હતું. એથી ૧૮૯૬માં એમણે મણિલાલ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને મણિલાલના દર્શન અંગે સૂઝ-સમજ સાથે અવલોકનનું સમાપન કર્યું હતું. ૧૮૯૭માં નડિયાદમાં કાન્ત મણિલાલના અતિથિ થયા હતા. ૧૮૯૭-૧૮૯૮માં કાન્તે મણિલાલને ત્રણ પત્રો લખ્યા હતા. એમાં પ્રથમ પત્રમાં જ કાન્તે મણિલાલને ગુરુપદ અર્પણ કર્યું હતું. જોકે બલવન્તરાયે નોંધ્યું છે તેમ આ ગુરુ પાસેથી કાન્તને ‘માઝમ’ – માદક દ્રવ્ય – નું વ્યસન પણ પ્રાપ્ત થયું હતું. ૧૯૦૩માં કાન્ત અને રણજિતરામ વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. ૧૯૦૫માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશન પ્રસંગે પ્રથમ વાર બંનેનું મિલન થયું હતું. પછી એ જ વરસમાં રણજિતરામ ભાવનગરમાં કાન્તના અતિથિ થયા હતા. કાન્તની ભલામણથી ગજ્જરે રણજિતરામને ભાવનગરમાં કામ અપાવ્યું હતું. ૧૯૦૯માં રાજકોટમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રીજા અધિવેશન પ્રસંગે પ્રમુખપદ માટે કાન્તે નરસિંહરાવના નામનું સૂચન કર્યું હતું. એમાં રણજિતરામે અનુમોદન આપ્યું હતું. ચૂંટણીમાં પરિણામ નરસિંહરાવ વિરુદ્ધ આવ્યું એથી કાન્ત અધિવેશનમાં અનુપસ્થિત રહ્યા હતા. પણ પછી ૧૯૧૨માં વડોદરામાં ચોથા અધિવેશનમાં રણજિતરામના આગ્રહથી કાન્ત ઉપસ્થિત રહ્યા હતા. ૧૯૧૦માં ન્હાનાલાલના ‘ઇન્દુકુમાર’નું કાન્ત અને રણજિતરામે સાથે વાચન કર્યું હતું. ૧૮૮૫થી ૧૮૮૮ લગી કાન્તે મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. એ જ સમયે રમણભાઈએ પણ એ જ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. રમણભાઈ કાન્તથી એક વર્ષ નાના. ૧૮૮૫માં ચર્નીરોડ સ્ટેશન પર કાન્તને કૉલેજની ચૂંટણી અંગે રમણભાઈ સાથે મળવાનું થયું હતું. ૧૮૮૭માં રમણભાઈએ કૉલેજમાં એક વ્યાખ્યાન કર્યું હતું એની પ્રશંસામાં કાન્તે બે પંક્તિની એક ગીતિ રચી હતી તે ચર્ચગેટ સ્ટેશન પર એક ચિઠ્ઠીમાં લખીને એમણે રમણભાઈને આપી હતી. એના પ્રત્યુત્તરમાં રમણભાઈએ વસંતતિલકામાં બે પંક્તિ રચીને એક ચિઠ્ઠીમાં લખીને કાન્તને આપી હતી. ૧૮૮૯થી કાન્ત અને રમણભાઈ વચ્ચે પત્રવ્યવહાર જીવનભર થતો રહ્યો હતો. એમાં કાવ્યો, કાવ્યો અંગેની ચર્ચાઓ, અંગત જીવનના વ્યવસાય અને ધર્મ અંગેના અનુભવો મુખ્ય વિષયો હતા. ૧૮૮૯માં રમણભાઈએ કાન્તનું પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય ‘મારી કિસ્તી’, ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કરાવ્યું હતું, પછી એ જ વરસમાં ‘અતિજ્ઞાન’ ‘ગુજરાત દર્પણ’માં અને ૧૮૯૦માં ‘વસંતવિજય’ ‘બુદ્ધિપ્રકાશ’માં પોતાના વિસ્તારપૂર્ણ વિતરણ સાથે પ્રગટ કરાવ્યાં હતાં. ૧૮૯૨માં વડોદરામાં રમણભાઈને નરસિંહરાવની સાથે કાન્તને એમના ઘરે મળવાનું થયું હતું. ૧૮૯૫માં રમણભાઈના સૂચનથી જ કાન્તે ‘જ્ઞાનસુધા’માં મણિલાલના ‘સિદ્ધાંતસાર’નું અવલોકન કર્યું હતું. ૧૯૨૦માં ‘સિદ્ધાન્તસાર’ પ્રગટ થયું ત્યારે રમણભાઈને અર્પણ કર્યું હતું. નરસિંહરાવ અને આનંદશંકર સાથે કાન્તને કોઈ કોઈ વાર મળવાનું થયું હતું, ક્યારેક પત્રવ્યવહાર પણ થયો હતો. એમાં એમની વચ્ચે સ્વીડનબોર્ગ અને કાન્તના ધર્મ અંગેના વિચારો અને અનુભવો એ મુખ્ય વિષય હતો. કાન્તના વિશાળ અને વૈવિધ્યપૂર્ણ મિત્રમંડળમાં ત્રણ મિત્રો સાથેની મૈત્રીને એક વિશિષ્ટ પરિમાણ હતું. એ ત્રણે મિત્રો – કલાપી, ન્હાનાલાલ અને બલવન્તરાય – મોટા ગજાના કવિઓ હતા. કાન્તના સમકાલીન એવા ચોથા મોટા ગજાના કવિ હતા બાલાશંકર ‘ક્લાન્ત’. બાલાશંકર સાથે કાન્તને મૈત્રીસંબંધ ન થયો એ એક નોંધપાત્ર ઘટના છે. કલાપી કાન્તથી ૭ વરસ નાના. ન્હાનાલાલ કાન્તથી ૧૦ વરસ નાના. બલવન્તરાય કાન્તથી ૨ વરસ નાના. બાલાશંકર કાન્તથી ૯ વરસ મોટા. ૧૮૮૯માં કાન્ત લાઠીમાં હતા અને અકસ્માત જ કલાપીનાં લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. કદાચ પરિચય પણ થયો હોય, પણ તે નહિવત્ જ હશે. ૧૮૯૭માં કાન્તને કલાપી સાથે પ્રથમ મળવાનું થયું હતું. પછી તરત જ કાન્તે કલાપી સાથેના પત્રવ્યવહારનો આરંભ કર્યો હતો અને ૧૯૦૦માં કલાપીના અવસાન લગી બંને વચ્ચે વારંવાર પત્રવ્યવહાર થયો હતો. પ્રથમ વાર મળવાનું થયું ત્યારે કલાપીએ કાન્તને કહ્યું હતું, ‘આપણે બંને અગાઉ કોઈ વાર મળ્યા હોઈએ અને ઘણી વાર સાથે રહ્યા હોઈએ એમ લાગે છે.’ એમાં આગમનો આગોતરો અણસાર હતો. ૧૮૯૭માં કલાપીને અંગત જીવનમાં શોભનાના વિરહને કારણે દારુણ યાતનાનો અનુભવ થયો હતો ત્યારે કાન્તે વડોદરાથી કલાપીને એક પત્રમાં સ્વીડનબૉર્ગના ‘લગ્નસ્નેહ’માંથી માર્ગદર્શન માટે અનુરોધ કર્યો હતો. ૧૮૯૮માં કાન્તને અંગત જીવનમાં ધર્માન્તરને કારણે દારુણ યાતનાનો અનુભવ થયો હતો ત્યારે કાન્ત સકુટુંબ એક માસ માટે લાઠીમાં કલાપીની સાથે વસ્યા હતા. ૧૮૯૯માં કાન્તે સ્વીડનબૉર્ગના એક ગ્રંથનો ગુજરાતી અનુવાદ ‘સ્વર્ગ અને નરક’ કલાપીને અર્પણ કર્યો હતો  To S.T.G. ૧૯૦૦માં કાન્તને અંગત જીવનમાં ધર્માંતરને કારણે પૂર્વે થયો હતો એથીયે વધુ દારુણ યાતનાનો અનુભવ થયો હતો ત્યારે ફરી એક વાર કાન્ત એક માસ માટે લાઠીમાં કલાપીની સાથે વસ્યા હતા. ૧૯૦૦ના મેની ૯મીએ કલાપીએ એમના અવસાનના બરોબર એક માસ પૂર્વે કાન્તને એમનો અંતિમ પત્ર લખ્યો હતો. કલાપીના અવસાન પછી ૧૯૦૩માં કાન્તે કલાપીના કાવ્યસંગ્રહ ‘કેકારવ’નું મરણોત્તર પ્રકાશન કર્યું હતું અને ગુજરાત સાહિત્ય સભા અમદાવાદના ઉપક્રમે જયંતી વ્યાખ્યાનોની શ્રેણીમાં પ્રથમ વ્યાખ્યાનરૂપે કલાપી વિશે વ્યાખ્યાન કર્યું હતું. એના અનુસંધાનમાં ૧૯૦૪ના જાન્યુઆરીની ૧૦મીએ કાન્તે ન્હાનાલાલને લખ્યું હતું, ‘હું ઋણમુક્ત થયો છું.’ કલાપી કાન્તથી ૭ વર્ષ નાના. કલાપીને કાન્ત માટે પૂજ્યભાવ હતો, તો કાન્તને કલાપી માટે વાત્સલ્યભાવ હતો. ૧૮૯૭થી બંને વચ્ચે ગાઢ મૈત્રીનો, અંગત આત્મીય સંબંધ હતો. ૧૮૯૭ના ફેબ્રુઆરીની ૧૬મીએ કલાપીએ કાન્તને સંબોધનરૂપ કાવ્ય ‘નૂતન સખા પ્રતિ’ રચ્યું હતું. એના પ્રત્યુત્તરમાં ૧૮૯૭ના માર્ચની ૧લીએ કાન્તે કલાપીને સંબોધનરૂપ કાવ્ય ‘અજ્ઞાન સખા પ્રતિ’ રચ્યું હતું. કલાપીના અવસાન પછી પણ ૧૯૦૩માં કાન્તે ‘કેકારવ’ના મરણોત્તર પ્રકાશન સમયે ‘કલાપીને સંબોધન’ કાવ્ય રચ્યું હતું. બંને વચ્ચેની મૈત્રીનું એક કારણ હતું કવિતા. બંને વચ્ચેના પત્રવ્યવહારમાં કવિતા અંગે ચર્ચાઓ ચાલતી હતી. જોકે કાન્ત અને કલાપી વચ્ચે વય અને અનુભવનું મોટું અંતર હતું એ કારણે કલાપીની કવિતા – વસ્તુ વિષયથી વિશેષ તો શૈલીસ્વરૂપ – પર કાન્તની કવિતાનો પ્રભાવ હતો, પણ કાન્તની કવિતા પર કલાપીની કવિતાનો પ્રભાવ ન હતો. બંને વચ્ચેની મૈત્રીનું કારણ માત્ર કવિતા જ ન હતું. એથીયે વિશેષ કારણ હતું એમનો અંગત આત્મીય સંબંધ. ધર્માન્તરને કારણે સૌ – કુટુંબ, સમાજ, મિત્રો – એ જ્યારે કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે કલાપીએ કાન્તનો સહૃદય સ્વીકાર કર્યો હતો. ૧૮૯૮માં અને ૧૯૦૦માં બે વાર કાન્તે લાઠીમાં કલાપીની સાથે આશ્રયવાસ કર્યો હતો. બંને વચ્ચેની મૈત્રી – સૂક્ષ્મ મૈત્રી – નું સૌથી વિશેષ કારણ તો હતું ધર્મ. બંને વચ્ચેના પત્રવ્યવહારમાં કવિતા અને અંગત આત્મીય સંબંધથીયે વિશેષ તો ધર્મની ચર્ચાઓ ચાલતી હતી. બંનેને સૌ ધર્મો – સવિશેષ સ્વીડનબૉર્ગના ધર્મવિચાર – માં રસ હતો. કલાપીના જીવનનું લક્ષ્ય હતું સત્ય, સત્યની શોધ. કલાપી સત્યના શોધક હતા, સત્યના સાધક હતા. કાન્તના જીવનનું લક્ષ્ય પણ હતું સત્ય, સત્યની શોધ. કાન્ત સત્યના શોધક હતા, સત્યસાધક હતા. આ સંદર્ભમાં બંને બાલાશંકર અને મણિલાલના સમાનધર્મા હતા. બંને માટે ધર્મ તો સાધન હતું, સાધ્ય હતું સત્ય. ગમે તે ધર્મ હોય – હિન્દુ ધર્મ હોય કે ખ્રિસ્તી ધર્મ હોય – ધર્મથીયે વિશેષ તો બંનેનું લક્ષ્ય હતું સત્ય. જે સમયે કાન્તના કલાપી સાથેના મૈત્રીસંબંધનો આરંભ થયો તે જ સમયે કાન્તના ન્હાનાલાલ સાથેના મૈત્રીસંબંધનો આરંભ થયો હતો, ૧૮૯૭માં. ૧૮૯૭માં વડોદરાથી કાન્તે ન્હાનાલાલને ‘સાહેબ’ સંબોધનથી પ્રથમ પત્ર લખ્યો હતો. થોડા જ દિવસ પછી ન્હાનાલાલે એમનું ‘પ્રેમોત્સાહ’ કાવ્ય કાન્તને વાંચવા – વિવેચવા માટે મોકલ્યું હતું. તરત જ કાન્તે બીજા પત્રમાં પોતાના ‘વસંતવિજય’ કાવ્યમાં પોતે જેવું છંદોવિધાન કર્યું હતું તેવું જ છંદોવિધાન ન્હાનાલાલે એમના કાવ્યમાં કર્યું હતું એ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. પછી મુંબઈમાં ગજ્જરને ઘેર કાન્તને ન્હાનાલાલ સાથે સૌપ્રથમ મળવાનું થયું હતું. જોેતજોતાંમાં બંને વચ્ચે ગાઢ મૈત્રીસંબંધ થયો હતો. પછી થોડાંક વરસો બંને વચ્ચે સતત પત્રવ્યવહાર થયો હતો. ન્હાનાલાલ એમનાં કાવ્યો કાન્તને મોકલે, કાન્ત સુધારા સૂચવે તે ન્હાનાલાલ સ્વીકારે, ચર્ચાઓ થાય એમ ચાલ્યા કર્યું હતું. ૧૮૯૮માં કાન્તે ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો ત્યારે ન્હાનાલાલે પૂનાથી ‘સત્યપ્રિય આત્માનું ઉડ્ડયન’ લેખ કાન્તને વડોદરા મોકલ્યો હતો. એ હતું બંને વચ્ચેની મૈત્રીનું બીજ. ધર્માન્તરને કારણે જ્યારે સૌ – કુટુંબ, સમાજ, મિત્રો સુધ્ધાં – એ કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિસમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્તના કુટુંબ સાથે રહ્યાં હતાં અને સેવાશુશ્રૂષા અને ઘરની સમગ્ર વ્યવસ્થા કરી હતી. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યું હતું. આ અનુભવ પછી કાન્તે ૧૯૦૨ના જૂનની ૬ઠ્ઠીએ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુનર્લગ્ન’ કાવ્યો રચ્યાં હતાં. ૧૯૦૩માં ન્હાનાલાલે જ્યારે સાદરામાં કૉલેજમાં સેવાઓ આપી હતી અને એમને ન્યૂરેસ્થીનિયાની માંદગી આવી હતી એ અંગે ન્હાનાલાલે કાન્તને ભાવનગર તારથી સમાચાર આપ્યા હતા ત્યારે કાન્ત ન્હાનાલાલને સમગ્ર કુટુંબ સાથે ભાવનગર લાવ્યા હતા અને બે માસ લગી કાન્તે ન્હાનાલાલની સેવાશુશ્રુષા કરી હતી અને ‘મહેમાનોને સંબોધન’ કાવ્ય રચ્યું હતું. ત્યાર પછી ન્હાનાલાલ વરસો લગી વૅકેશનમાં ભાવનગરમાં કાન્તના અતિથિ થયા હતા. ૧૯૦૩માં ન્હાનાલાલે એમનું કાવ્ય ‘વસંતોત્સવ’ કાન્તને અર્પણ કર્યું હતું. ૧૯૦૩માં કાન્તે ‘કેકારવ’ની પ્રસ્તાવનામાં અને ૧૯૦૫માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં ‘આપણું નવીન કાવ્યસાહિત્ય’ વ્યાખ્યાનમાં ન્હાનાલાલની પરોક્ષ પ્રચ્છન્નરૂપે પ્રશંસા અને પ્રશસ્તિ કરી હતી. ૧૯૧૨માં કાન્તે એમની લઘુ નવલકથા ‘માલા અને મુદ્રિકા’ ન્હાનાલાલને અર્પણ કરી હતી. જોકે ૧૯૧૦ પછી પરસ્પરના મૈત્રી સંબંધમાં શિથિલતા આવી હતી, એમાં કદાચ આ સમયમાં કાન્તના જીવનમાં શૂન્યતા અને એકલતાને કારણે એમાં ન હતી ઉષ્મા કે ન હતો ઉત્સાહ. જોકે ૧૯૨૩માં કાન્તના અવસાન પછી ન્હાનાલાલે ૧૯૨૯ના જૂનની ૧૬મીએ ભાવનગરમાં ‘કાન્ત, ચશ્મે શાહી’ વ્યાખ્યાનમાં કાન્તને ઉષ્માસભર અને ઉત્સાહપૂર્ણ અંજલિ અર્પી હતી. કાન્તના જીવનનું લક્ષ્ય હતું સત્ય, સત્યની શોધ. મન-હૃદયને જે સત્ય લાગ્યું હોય તે સત્ય જે કોઈ ધર્મમાંથી – પછી તે હિન્દુ ધર્મ હોય કે ખ્રિસ્તી ધર્મ હોય કે અન્ય કોઈ ધર્મ હોય – પ્રાપ્ત થતું હોય તે ધર્મમાંથી પ્રાપ્ત કરવું એ એમની સ્વતંત્રતા હતી, એમનો અધિકાર હતો. એ હતી એમની સત્યની શોધ. ધર્મ, રાષ્ટ્ર કે સમાજ પણ સત્યથી પર ન હોય. ‘સત્યં પરં ધીમહિ.’ એથી જ કાન્તને ધર્માન્તરને કારણે જેટલો સમાજનો તિરસ્કાર-બહિષ્કાર તાવતો-સતાવતો ન હતો એટલો એનો ઢોંગ તાવતો-સતાવતો હતો, એની અસત્યતા તાવતી-સતાવતી હતી. ૧૯૨૩ના પૂર્વોક્ત અંજલિ-વ્યાખ્યાનમાં ન્હાનાલાલે કહ્યું હતું, ‘એમણે ખ્રિસ્ત-શાસન સ્વીકાર્યું, એટલે સગાંઓ, સ્નેહીઓ, ન્યાતીલાઓએ એમનો પરિત્યાગ કીધો. ધર્મચુસ્ત પ્રાચીન પક્ષવાદીઓ એવે અવસરે બહિષ્કાર કરે એ સ્વાભાવિક ને સ્હમજાય એવું છે. પણ આ તો ઈરાનીની ચ્હા-રોટી સેવનારે મણિભાઈનાં ચ્હા-પૂરી તજ્યાં; કેરીની પેઠે ઈંડાં ચૂસનારે મણિભાઈ સંગાથે એક શેતરંજીએ બેસી પાણી પીવા ના પાડી, ખ્રિસ્તીઓનાં મદ્યમાંસની છીટ નથી એમણે મણિભાઈના ઘરનાં અન્નશાક છાંડ્યાં. સંસારનો ઢોંગ મણિભાઈને સ્પષ્ટ થયો. એ બહિષ્કાર કરતાં સનાતનતાને નામે આપણા સંસારે પ્રવર્તતો ઢોંગ મણિભાઈને વધારે સાલતો.’ (દુર્ભાગ્યે હજુ આજે પણ ભારત – સવિશેષ ગુજરાતના સમાજમાં આ ઢોંગ, આ અસત્યતા પ્રવર્તે છે.) કાન્તની જેમ ન્હાનાલાલના જીવનનું લક્ષ્ય હતું સત્ય. એથી એ જ વ્યાખ્યાનમાં એમણે કહ્યું હતું, ‘મારી eclecticism – સર્વસારસંગ્રાહક વૃત્તિ ખ્રિસ્તી કે ખ્રિસ્તશાસનવિરોધી ન હોય કે ન્હોતી. જગતના સર્વ ધર્મોને ઈશ્વરી પયગામ ત્ય્હારે હું માનતો ને આજેયે માનું છું.’ આમ, ન્હાનાલાલ સર્વસારસંગ્રાહક હતા. એથી જ એ કલાપીની જેમ કાન્તના સમાનધર્મા હતા. વળી એમણે એ જ વ્યાખ્યાનમાં માર્મિકતાથી કહ્યું હતું, ‘મણિભાઈનો ખ્રિસ્તીધર્મ રોમન કેથલિક કે પ્રોટેસ્ટંટ સંપ્રદાયનો ન હતો. સ્વતંત્રતાપ્રિય મણિભાઈ પ્રકૃતિથી જ કંઈક સંપ્રદાય-પર હતા.’ કાન્તનો ધર્મ સ્વીડનબૉર્ગીય ધર્મ હતો. ખ્રિસ્તી ધર્મમાંના ઝનૂનીઓએ તો સ્વીડનબૉર્ગનો, એમના ધર્મવિચારનો પણ આવો જ તિરસ્કાર-બહિષ્કાર કર્યો હતો. રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓએ એમને પણ પાખંડી ગણ્યા હતા. ૧૮૯૮માં કાન્તે ધર્માન્તર કર્યું તે પૂર્વે ૧૮૯૭માં કાન્તના ધર્મમંથનકાળમાં, કાન્તના જીવનમાં કટોકટીની ક્ષણે કલાપી અને ન્હાનાલાલનો કાન્તના જીવનમાં પ્રવેશ થયો હતો અને જોતજોતાંમાં એમનો મૈત્રીસંબંધ આત્મીય અને અવિચ્છેદ્ય થયો હતો. હમણાં જ જોયું તેમ સમાજના તિરસ્કાર-બહિષ્કારની વચ્ચે, અન્ય અનેક મિત્રો – બલવન્તરાય સુધ્ધાં – એ જ્યારે કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે કલાપી અને ન્હાનાલાલે કાન્તને અને કાન્તે કલાપી અને ન્હાનાલાલને સહાય અને સહાનુભૂતિ, નીડરતાપૂર્વકની નિષ્ઠા અર્પી હતી. કલાપી અને ન્હાનાલાલ જેવા મિત્રો હોવા એ કાન્તનું પરમ સદ્ભાગ્ય હતું. કલાપી અને ન્હાનાલાલ સાથે કાન્તનો મૈત્રીસંબંધ સરળ હતો, સંકુલ ન હતો. બલવન્તરાય સાથે કાન્તનો મૈત્રીસંબંધ એકસાથે સરળ અને સંકુલ હતો. એ જેટલો સરળ હતો એટલો જ સંકુલ હતો. એનું કારણ બંનેનો વિશિષ્ટ સ્વભાવ. કાન્ત અને બલવન્તરાય બંને જેટલા કોમળ હતા એટલા જ કઠોર હતા. કાન્તે ‘સ્નેહશંકા’ કાવ્યમાં કહ્યું છે, ‘તમારી પાસે તો કુસુમ સરખો કાન્ત ગણજો!’ તો સાથેસાથે એ કચ જેવા કઠોર હતા. ન્હાનાલાલે અને લાભશંકર ભટ્ટે નોંધ્યું છે તેમ ક્યારેક કોઈ-કોઈ પ્રસંગે કાન્ત રોષમાં હોય ત્યારે એમણે સોટી અને હાથનો ઉપયોગ કર્યો હતો. બલવન્તરાયે એમની કઠોરતા અને કોમળતા વિશે ‘વિરહ’ કાવ્યના ત્રીજા ખંડમાં ‘એકોક્તિ’માં પત્નીના મુખ દ્વારા કહ્યું છે, ‘ત્હમારી જે ખ્યાતી જડ અનુભવી શાણપણની, અરે એ તો છે કેવળ કમઠની ઢાલ ઉપલી’... ‘ત્હમે કો’ને કો’દી ઉરભીતર ખુલ્લું નથી કર્યું... અરે એ તો માવો મૃદુલ રસભીનો અનુપમ.’ ‘કાન્તમાલા’માં ૧૯૦૪ના ઑગસ્ટની ૨૭મીના એક પત્રની પાદટીપમાં બલવન્તરાયે ધર્માન્તરને કારણે વચમાં થોડાંક વર્ષ બંને વચ્ચેનો મૈત્રીસંબંધ તૂટ્યો-છૂટ્યો હતો તે પછીથી સંધાયો-બંધાયો હતો એના સંદર્ભમાં નોંધ્યું છે, ‘ઈ. ૧૯૦૫ના ઉત્તરાર્ધમાંની એક રાત, જે લગભગ આખી અમે ત્રણેએ (એટલે કે પોતે, કાન્તે અને નર્મદાએ) આંસુની ફરીફરીને છલકાતી ધારાઓએ ન્હવડાવી હતી.’ કાન્ત બુદ્ધિજીવી હતા, પણ મોટે ભાગે એ હૃદયજીવી હતા. બલન્વતરાય હૃદયજીવી હતા, પણ મોટે ભાગે એ બુદ્ધિજીવી હતા. બંનેએ પરસ્પરને અંગે જે કાવ્યો રચ્યાં છે એમાં કાન્તના હૃદયનો અને બલવન્તરાયની બુદ્ધિનો પરિચય થાય છે. બંનેના મૈત્રીસંબંધમાં આત્યંતિક કક્ષાએ તીવ્રતા અને ઉત્કટતા હતી, આવેગ અને આવેશ હતો, ઉત્સાહ અને ઉદ્રેક હતો. બંનેના સ્વભાવમાં એક સામ્ય હતું. બંનેમાં મૂલ્યો અને માન્યતાઓ, પ્રતીતિઓ અને પ્રતિજ્ઞાઓ માટે આગ્રહ અને અભિનિવેશ હતા. એથી બંનેના મૈત્રીસંબંધમાં સમાધાનને સ્થાન હતું. કાન્તે આયુષ્યના અંત લગી હૃદયથી સ્વીડનબૉર્ગીય ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કર્યો ન હતો, તો બલવન્તરાયે જીવનભર બુદ્ધિથી કાન્તના ધર્માંતરનો સ્વીકાર કર્યો ન હતો. એથી એમના મૈત્રીસંબંધમાં બંનેને ઉછાળ-પછાડનો, ચડતી-પડતીનો અનુભવ થયો હતો. મૈત્રીસંબંધ સઘન હતો ત્યારે બંનેને અનહદ આનંદનો અનુભવ થયો હતો. વચમાં થોડાંક વર્ષ મૈત્રીસંબંધ શિથિલ હતો ત્યારે બંનેને અસહ્ય શોકનો અનુભવ થયો હતો. ૧૮૮૩-૧૮૮૪માં રાજકોટમાં કાઠિયાવાડ હાઈસ્કૂલમાં કાન્તને બલવન્તરાયનો પ્રથમ પરિચય થયો હતો, પણ તે માત્ર પરિચય જ હતો. પણ પછી બંને જ્યારે મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં સહાધ્યાયી હતા ત્યારે ૧૮૮૭ના નવેમ્બરમાં બંનેને કોન્વોકેશન હૉલનાં પગથિયાં પર મળવાનું થયું હતું. ત્યારથી એમના જીવનભરના મૈત્રીસંબંધનો આરંભ થયો હતો અને તે દિવસે આખી સાંજ બંને મરીન ડ્રાઇવ અને એપૉલો બંદરના સમુદ્ર-તટ પર ફર્યા હતા. એમની લાંબી ચર્ચાનો વિષય હતો પાલ્ગ્રેવની ‘ધ ગોલ્ડન ટ્રેઝરી’ના ચોથા ખંડની ૧૯મી સદીની અંગ્રેજી કવિતા. ૧૮૮૮માં વરસભર બંને મુંબઈમાં સાથે રહ્યા હતા. બંનેએ વિવેચન, સૂચન, સુધારા માટે પોતાનાં કાવ્યોનું પરસ્પર આદાન-પ્રદાન કર્યું હતું. ૧૮૮૯-૧૮૯૦માં પણ બંને લાંબો સમય સાથે રહ્યા હતા. ૧૮૯૦માં કાન્તે બલવન્તરાયને સંબોધનરૂપ એમનું પ્રથમ કાવ્ય ‘રાજહંસને સંબોધન’ રચ્યું હતું. એ જ વર્ષમાં બંનેએ શેલીની ‘Poor Ariel sends...’ની બે પંક્તિઓથી અંકિત એવો પ્રસિદ્ધ Ariel ફોટોગ્રાફ – ‘સમાગમ ચિત્ર’ – સાથે પડાવ્યો હતો. ૧૮૯૦માં બલવન્તરાયની ભલામણથી વડોદરામાં કલાભવનમાં કાન્તની નિયુક્તિ કરવામાં આવી હતી. ૧૮૯૧માં કાન્તે બલવન્તરાયને સંબોધનરૂપ એમનું પ્રસિદ્ધ કાવ્ય ‘ઉપહાર’ રચ્યું હતું અને પછીથી ૧૯૨૩માં ‘પૂર્વાલાપ’માં અર્પણકાવ્યરૂપે પ્રસિદ્ધ થયું હતું. એના પ્રત્યુત્તરમાં બલવન્તરાયે ‘ગમે તો સ્વીકારે’ કાવ્ય રચ્યું હતું. ૧૮૯૨માં કાન્તનું બીજું લગ્ન નર્મદા – ‘ન્હાની’ – સાથે થયું ત્યારે ખંભાળિયામાં વિવાહપ્રસંગે બલવન્તરાય ઉપસ્થિત રહ્યા હતા. ૧૮૯૫માં કાન્તે એમની લઘુ નવલકથા ‘કુમાર અને ગૌરી’ બલવન્તરાયને અર્પણ કરી હતી. ૧૮૯૬માં વડોદરામાં બંને જાણે કે એક જ ઘરમાં રહ્યા હતા. ત્યારે કાન્ત એમનો મહાન ગ્રંથ ‘શિક્ષણનો ઇતિહાસ’ લખી રહ્યા હતા એમાં જાણે કે પોતે જ લખી રહ્યા હોય એવા ઉત્સાહથી બલવન્તરાયે કાન્તને સહાય કરી હતી. ૧૮૯૭માં કાન્તને સ્વીડનબૉર્ગનો પરિચય થયો પછી કાન્તે બલવન્તરાય સાથે પત્ર દ્વારા વિવાદ કર્યો હતો. પછી ૧૮૯૮માં કાન્તે ધર્માંતરનો વિચાર જાહેર કર્યો ત્યારે બલવન્તરાયે ‘તટસ્થ’ના નામથી ‘સયાજીવિજય’માં એ અંગે ટીકાત્મક નિવેદન કર્યું હતું. ૧૮૯૯માં બંનેએ ગિરનારની યાત્રા કરી હતી. ૧૯૦૦માં કાન્તે ખ્રિસ્તીધર્મનો સ્વીકાર કર્યો હતો. પછી ૧૯૦૧માં બલવન્તરાયે એના સંદર્ભમાં ‘હિન્દુધર્મનો તૂટતો ગઢ’ સોનેટ રચ્યું હતું. ૧૯૦૦માં કાન્તે ફરીથી ખ્રિસ્તીધર્મનો સ્વીકાર કર્યો હતો. પછી બંને વચ્ચેનો મૈત્રીસંબંધ અત્યંત નહિવત્ હતો, લગભગ મૃતપ્રાય હતો. ૧૯૦૯માં રાજકોટમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૩જા અધિવેશનમાં પ્રમુખપદની ચૂંટણીપ્રસંગે કાન્તને બલવન્તરાય સાથે જાહેરમાં ઉગ્ર વિવાદ થયો હતો. ૧૯૨૩માં ‘પૂર્વાલાપ’નું પ્રકાશન થયું તે પૂર્વે એ પ્રકાશનમાં બલવન્તરાયે સંપૂર્ણ સહાય કરી હતી. ૧૯૨૩માં બલવન્તરાયે એમનું નાટક ‘ઊગતી જુવાની’ કાન્તને અર્પણ કર્યું હતું. ૧૯૨૩માં કાન્તના અવસાન પછી તરત જ, એક જ વર્ષમાં બલવન્તરાયે કાન્તના સ્મારક નિધિ ‘કાન્તમાલા’માં કાન્તના ૧૪૪ પત્રો – ‘મણિભાઈની પત્રધારા’નું સંપાદન કર્યું હતું. ૧૯૨૪ના જૂનની ૧૬મીએ અમદાવાદમાં કાન્તની પ્રથમ જયંતી નિમિત્તે ‘કાન્તમાલા’ના પ્રકાશન સમયે બલવન્તરાયે એમના આ પરમ પ્રિય મિત્રને પ્રેમપૂર્વક અંજલિ અર્પી હતી. કાન્તે બલવન્તરાયને સંબોધન રૂપ કુલ ૬ કાવ્યો રચ્યાં હતાં. બલવન્તરાયે કાન્તને સંબોધન રૂપ કુલ ૧૧ કાવ્યો રચ્યાં હતાં અને તે ઉપરાંત જેમાં કાન્તનો ઉલ્લેખ થયો હોય એવાં ૨ કાવ્યો રચ્યાં હતાં. આમ, આ કુલ ૧૯ કાવ્યોમાં કાન્ત અને બલવન્તરાયના મૈત્રીસંબંધનાં હર્ષશોક, સુખદુ:ખ, સમજ ગેરસમજ, ચડતી પડતી, ઉછાળ-પછાડ સમેતના સમગ્ર ઇતિહાસનું સંપૂર્ણપણે આલેખન થયું છે. ૧૮૮૭માં કવિતા દ્વારા બંનેના મૈત્રીસંબંધનો આરંભ થયો હતો. પછી બંને વચ્ચે પરસ્પર કાવ્યોનું વાચન-વિવેચન થતું રહ્યું હતું. ૧૮૯૦માં કાન્તનું ‘ચક્રવાકમિથુન’ કાવ્ય બલવન્તરાયે ‘સેહેની’ના નામથી વિવરણ સાથે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કર્યું હતું. બંનેનું ભિન્નભિન્ન કવિમાનસ હતું. છતાં  બલકે એથી જ એ બંનેને હાનિકારક નહિ પણ ઉપકારક થયું હતું. બલવન્તરાય કાન્તની કવિતાના માત્ર સાક્ષી ન હતા, સંવર્ધક પણ હતા. બલવન્તરાયની કવિતાનો કાન્તની કવિતા પર પ્રભાવ હતો. કાન્તનાં કેટલાંક કાવ્યોમાં બલવન્તરાયનાં કાવ્યોમાંથી પંક્તિઓનાં અવતરણો છે, પણ બલવન્તરાયનાં કાવ્યોમાં કાન્તનાં કાવ્યોમાંથી અવતરણો નથી. બલવન્તરાય કાન્તની કવિતાના સૌંદર્યથી સંપૂર્ણ સભાન હતા. છતાં એમની કવિતા પર કાન્તની કવિતાનો પ્રભાવ ન હતો, કારણ કે બલવન્તરાયની કવિતાની વિભાવના કાન્ત – તથા અન્ય સૌ સમકાલીન અર્વાચીન કવિઓ – ની વિભાવનાથી તદ્દન ભિન્ન હતી. બલવન્તરાય ખુદવફાઈના ખુદકલમી કવિ હતા. એથી બલવન્તરાયને કાન્તની કવિતાનું અપાર આકર્ષણ હતું છતાં એનો એમની કવિતા પર પ્રભાવ ન હતો. એમાં બલવન્તરાયની નમ્રતા અને આત્મશ્રદ્ધા એકસાથે પ્રતીત થાય છે. ૧૮૯૭થી કાન્તને સ્વીડનબૉર્ગના ધર્મવિચારનો પરિચય થયો હતો. પછી કાન્તના જીવનમાં એનો એટલો પ્રભાવ હતો કે અંતે ૧૮૯૮માં અને ૧૯૦૦માં એમ બે વાર કાન્તે સ્વીડનબૉર્ગીય ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતર કર્યું હતું. આ ધર્માંતર કાન્ત અને બલવન્તરાયના મૈત્રીસંબંધમાં વિઘ્નરૂપ, વિક્ષેપરૂપ હતું. કાન્તે આ ધર્મવિચારનો આયુષ્યના અંત લગી ત્યાગ કર્યો ન હતો. થોડાક જ સમયમાં કુટુંબપ્રેમ અને મિત્રપ્રેમને કારણે એમણે હિન્દુધર્મમાં પુન:પ્રવેશ કર્યો પછી પણ હૃદયથી તો એ સ્વીડનબૉર્ગીય ખ્રિસ્તી જ રહ્યા. બલવન્તરાય કાન્તના આ ધર્માન્તરનો સ્વીકાર કરી શક્યા ન હતા. બલવન્તરાય એમના પૂર્વજીવનમાં અદ્વૈતવાદી હતા, પણ પછી જગતના અને જીવનના કરુણ અનુભવોને કારણે ઉત્તરજીવનમાં એ અજ્ઞેયવાદી નાસ્તિક થયા હતા. કાન્ત એમના પૂર્વજીવનમાં અજ્ઞેયવાદી નાસ્તિક હતા. પણ પછી એમને જે ધર્મજીવન જીવવું હતું તે હિન્દુધર્મમાં શક્ય ન હતું અને સ્વીડનબૉર્ગીય ધર્મમાં શક્ય થયું ત્યારે એ આસ્તિક થયા હતા. આમ, બલવન્તરાયે એમના ધર્મવિચારમાં પરિવર્તન કર્યું હતું, પણ એ કાન્તના ધર્મવિચારના પરિવર્તનનો સ્વીકાર કરી શક્યા ન હતા. બંનેના જીવનની આ મહાન કરુણતા હતી. બંનેનું આ મહાદુર્ભાગ્ય હતું. આ કારણે ૧૮૯૭થી એકાદ દાયકા દરમિયાન બંનેનો મૈત્રીસંબંધ ક્રમેક્રમે, ઉત્તરોત્તર વધુ ને વધુ ક્ષીણ થતો ગયો હતો અને અંતે મૃતપ્રાય થયો હતો. ભવિષ્યમાં કદાચ સજીવન નહિ થાય એવી બંનેને સભય શંકા હતી. એમનાં કાવ્યોમાં અને પત્રોમાં એ ભય અને શંકા પ્રગટ થાય છે. બંને મૈત્રી ઝંખે છે, મૈત્રી માટે ઝૂરે છે. અનેક સ્થળે ક્વચિત્ થોડુંક મળવાનું થતું હતું, ક્યારેક પત્રવ્યવહાર પણ થતો હતો. ‘ભણકાર ’૫૧’માં ‘વિવરણ’માં બલવન્તરાયે નોંધ્યું છે, ‘ઉગ્ર સ્વીડનબૉર્ગી રહ્યા તે દરમિયાન વડોદરા, લાઠી, રાજકોટ, અમદાવાદ, મુંબઈ, ભાવનગર, માળિયાહાટીના, ગિરનાર અને માંગરોળમાં મળેલા, કાગળપત્રોય ચાલુ રહેલા, જોકે છેક ઓછા.’ વળી બલવન્તરાયે ૧૯૨૪માં અમદાવાદમાં કાન્તની પ્રથમ જયંતી પ્રસંગે અંજલિ-વ્યાખ્યાનમાં નોંધ્યું છે કે ૧૯૦૧માં પુત્ર પ્રાણલાલના અવસાન પછી કાન્ત રાજકોટમાં બલવન્તરાયના ઘરે રહ્યા હતા ત્યારે એમણે ‘વિધુર કુરંગ’ કાવ્ય રચ્યું હતું. અને દિવસમાં એકબે વાર નર્મદા – ‘નાની’–ને સ્મરીને રડ્યા હતા. પછી જવાના સમયે બલવન્તરાયનાં બા જમનાબાએ કાન્તને આદેશ આપ્યો હતો કે બીજે ક્યાંય નહિ પણ સીધા ખંભાળિયા જવું. અને કાન્ત ખંભાળિયા ગયા અને આદેશમાં સૂચન હતું તેમ ૧૯૦૨માં નર્મદા – ‘ન્હાની’ – સાથે કાન્તે બીજું લગ્ન કર્યું હતું. તે પૂર્વે ૧૯૦૧માં ખંભાળિયામાં વિવાહપ્રસંગે બલવન્તરાય ઉપસ્થિત રહ્યા હતા. બંનેએ ‘great and glorious days’ ને સ્મરી સ્મરીને પશ્ચાત્તાપ પણ કર્યો હતો. કાન્તે તો એમના પત્રોમાં ક્ષમાયાચનાઓ સાથે મૈત્રી માટે વિનંતીઓ પણ કરી હતી, પણ બલવન્તરાયનો પૂરતો પ્રત્યુત્તર ન હતો એથી બંને વચ્ચેનો મૈત્રીસંબંધ પૂર્વવત્ થયો ન હતો. અંતે ૧૯૧૦ની આસપાસ કુટુંબીજનો અને મિત્રોના પ્રયત્ન અને આગ્રહથી મૈત્રીસંબંધ સજીવન થયો હતો. આ સારાયે સમય દરમિયાન બંનેના હૃદયમાં મૈત્રીનો સ્રોત પ્રચ્છન્ન વહી રહ્યો હતો. એ અંગે બલવન્તરાયે ૧૯૨૪માં પૂર્વોક્ત અંજલિ-વ્યાખ્યાનમાં નોંધ્યું છે, ‘રોષ ક્ષણિક છે, દ્વેષ અલ્પાયુ છે. ઊંડા અભાવ પણ કાળથી હારી જાય છે. ત્યારે વિવૃદ્ધિકાળની સાત્ત્વિક પ્રીતિ પછીનાં આચરણ નિષ્કલંક રહ્યાં હોય છે તો ફરીફરીને અદૃશ્ય થાય એવા સંજોગોમાં પણ સૂકા કાષ્ઠમાંથી ફરીફરીને નવપલ્લવિત થાય છે, શુષ્કમૂલ અને ઘરડી કદાપિ બનતી નથી.’ બલવન્તરાયે ૧૯૨૪માં પૂર્વોક્ત અંજલિ-વ્યાખ્યાનમાં નોંધ્યું છે, ‘મણિશંકર અને મ્હને જેવો અમારા બેનો અભેદ લાગતો હતો તેવો એમને કે મ્હને બીજા કોઈ સાથે નહિ.’ વળી એમણે ‘વિવિધ વ્યાખ્યાનો – ગુચ્છ બીજા’માં નોંધ્યું છે, ‘મણિભાઈ અને મ્હારી વચ્ચે કેટલો તો ગાઢ સ્નેહ હતો, તે કોઈ પણ માનવી ભાષાના શબ્દો યથાર્થ વર્ણવવાને પર્યાપ્ત નથી.’ કાન્ત અને બલવન્તરાયની મૈત્રી જેવી મૈત્રી જગતકવિતાના ઇતિહાસમાં વિરલ છે. કાન્તે એમની લયકોમલ વાણીમાં એ વ્યક્ત કરી છે, ‘તમારી પાસે તો કુસુમ સરખો કાન્ત ગણજો!’ તો બલવન્તરાયે એમની વાસ્તવપ્રિય વાણીમાં એ વ્યક્ત કરી છે, ‘બાકી જાણું વધઘટ કલા સ્નેહ ને ચન્દ્રમાની.’ કાન્તે ૧૮૯૮માં અને ૧૯૦૦માં એમ બે વાર ધર્માન્તર કર્યું હતું. તે પૂર્વે ધર્મના સંદર્ભમાં ગુજરાતમાં કેવું વાતાવરણ હતું એ વિશે બલવન્તરાયે ૧૯૪૨માં ‘ભણકાર ’૪૨’માં નોંધ્યું છે, ‘શાળાઓમાં રોજ પીતા હતા તે હિન્દુત્વવિમુખતા આરંભમાં વધતી ચાલી અને યુરોપીત્વથી અભિન્ન ખ્રિસ્તી ધર્મ તરફે અમે આકર્ષાયા... અમારા મંડળમાંથી એક ખ્રિસ્તી થયો જ... મ્હારાં વડીલોનેય ચિંતા થયેલી – રખે છોકરો વટલે! – તે ઈ. ૧૮૮૬ લગી ધૂંધવાતી રહી ને પછી હોલવાઈ.’ પછી એમણે ૧૯૫૧માં ‘ભણકાર ’૫૧’ના ‘વિવરણ’માં નોંધ્યું છે, ‘હું પોતે ખ્રિસ્તી ધર્મ પ્રતિ આકર્ષાયેલો ઈ. ૧૮૮૩ પ્હેલાંથી, પણ ઈ. ૧૮૮૬થી મ્હેં નક્કી કરેલું કે ખ્રિસ્તી તો નથી જ થવું.’ કાન્ત ૧૮૮૪માં રાજકોટમાં કાઠિયાવાડ (આલ્ફ્રેડ) હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થયા હતા. બલવન્તરાયે નોંધ્યું છે તેમ ૧૮૮૩ પૂર્વેથી રાજકોટની શાળાઓમાં હિન્દુ ધર્મ પ્રત્યે વિમુખતા અને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે અભિમુખતાનું વાતાવરણ હતું. આ જ વર્ષોમાં કાન્ત અને બલવન્તરાય બંનેએ એમાંની પૂર્વોક્ત એક શાળામાં અભ્યાસ કર્યો હતો. બલવન્તરાયે તો ૧૮૮૩ પૂર્વેથી તે ૧૮૮૬ લગી ખ્રિસ્તી ધર્મ પ્રત્યે એવું અમોઘ આકર્ષણ અનુભવ્યું હતું કે ‘ખ્રિસ્તી તો નથી જ થવું’ એવા આવેશ અને અભિનિવેશપૂર્વકના કૃતનિશ્ચયથી એ આ આકર્ષણને અતિક્રમી શક્યા હતા. કાન્તે પણ બલવન્તરાયની જેમ જ આ સમયમાં ખ્રિસ્તી ધર્મ પ્રત્યે એવું જ અમોઘ આકર્ષણ અનુભવ્યું હશે. આ સમયમાં હિન્દુ ધર્મ પ્રત્યે વિમુખતાનું વાતાવરણ કેમ હતું  તેજસ્વી અને સંવેદનશીલ કિશોરોએ ખ્રિસ્તી ધર્મનું અમોઘ આકર્ષણ કેમ અનુભવ્યું હતું  પ્રાચીન યુગનો આ મહાન અને ભવ્ય હિન્દુ ધર્મ જ્ઞાતિવાદ, કર્મવાદ, જડ અને રૂઢિગ્રસ્ત શાસ્ત્રોક્ત ક્રિયાકાંડ, જાતિભેદ, લિંગભેદ, ઉચ્ચઅવચત્વક્રમ આદિને કારણે એના નિષ્પ્રાણ અને નિર્જીવ સ્વરૂપે, વિરૂપ અને વિકૃત સ્વરૂપે પ્રગટ થયો હતો. એથી આ સમયમાં તેજસ્વી અને સંવેદનશીલ કિશોરોને એની અપીલ ન હતી. એમનામાં હૃદય, મન અને આત્માની ક્ષુધા અને તૃષાને પોષવા-સંતોષવા માટે અન્યત્ર કોઈ પ્રેમાળ પરમેશ્વર અને ભેદભાવરહિત ધર્મની શોધ હતી. આ સમયે એમને ખ્રિસ્તી ધર્મ સુલભ હતો. એક જ ઉદાહરણ બસ છે. આ સમયનો જ્ઞાતિવાદ એ આતંકવાદના પર્યાયરૂપ હતો. એ એટલો સંકુચિત અને કૂપમંડુક હતો કે માત્ર વિદેશયાત્રાને કારણે જ મહીપતરામ અને મોહનદાસને પ્રાયશ્ચિત્ત કરાવ્યું હતું. તો કાન્ત ખ્રિસ્તી થાય તો માત્ર પ્રાયશ્ચિત્ત જ ન કરાવે, પણ જીવવાનું અશક્ય થાય એવો આતંક કરે તો એમાં કોઈ આશ્ચર્ય નથી. કાન્તે ૧૮૮૫થી ૧૮૮૮ લગી મુંબઈમાં મુંબઈ યુનિવર્સિટીમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો અને લૉજિક અને મોરલ ફિલૉસોફીના વિષયમાં ૧૮૮૮માં બી.એ. થયા હતા. ૧૬મી સદીમાં યુરોપમાં Renaissance – પુનરુત્થાનનું એક મહાન બૌદ્ધિક આંદોલન થયું હતું. મુંબઈ યુનિવર્સિટી પુનરુત્થાનની પરંપરાની સરજત હતી. પુનરુત્થાનને પરિણામે વિજ્ઞાનવાદી, વાસ્તવવાદી, ધર્મનિરપેક્ષતાવાદી, બિનસાંપ્રદાયિકતાવાદી, ઉદારતાવાદી, સમાનતાવાદી, માનવતાવાદી સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી હતી. આ સંસ્કૃતિમાં મુંબઈ યુનિવર્સિટીના શિક્ષણની અને અભ્યાસક્રમની આધારશિલા હતી. વળી ૧૯મી સદીમાં યુરોપમાં ફ્રેન્ચ ક્રાંતિ, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, ઇંગ્લૅન્ડમાં મિલ અને બેન્થમની વૈચારિક ક્રાંતિને કારણે ધર્મ અને વિજ્ઞાનનું ધ્રુવીકરણ થયું હતું. એના પરિણામે અજ્ઞેયવાદનો મહિમા થયો હતો. એથી મુંબઈ યુનિવર્સિટીમાં અજ્ઞેયવાદી અંગ્રેજ અધ્યાપકો હોય. તેજસ્વી, સંવેદનશીલ યુવાન વિદ્યાર્થીઓ પર આ આધ્યાપકોનો સ્વાભાવિક જ પ્રભાવ હોય. એથી ૧૮૮૩થી ૧૮૯૦ના સમયમાં કાન્ત હિન્દુ ન રહ્યા, હજુ ખ્રિસ્તી ન થયા, નાસ્તિક પણ ન થયા, પણ અજ્ઞેયવાદી થયા હતા. ૧૮૮૩થી ૧૮૮૭ લગીમાં કાન્તે જે ૬ અપક્વ કાવ્યો રચ્યાં હતાં તેમાં પરોક્ષ અને પ્રચ્છન્ન રૂપે તથા ૧૮૮૭થી ૧૯૦૦ લગીમાં જે ૬ પરિપક્વ કાવ્યો રચ્યાં હતાં તેમાં પ્રત્યક્ષ અને પ્રગટ રૂપે એમનો અજ્ઞેયવાદ અને એમનું માર્મિક અને મૌલિક જીવનદર્શન વ્યક્ત થયું છે. ‘મૃગતૃષ્ણા’માં ‘ત્રાતા જો હોય’, ‘નથી ઈશ્વર દુ:ખીનો’ – અર્ધપંક્તિઓમાં અને ‘દીસે છે ક્રૂરતા કેવી કર્તાની કરણી મહીં’ – પંક્તિમાં એમણે ઈશ્વરનો સ્વીકાર તો કર્યો છે, પણ એ ઈશ્વરની રચનામાં, વ્યવસ્થામાં દુ:ખ છે, ક્રૂરતા છે, દયા નથી, ન્યાય નથી એવો ઈશ્વરના ત્રાતા સ્વરૂપનો અસ્વીકાર પણ કર્યો છે. ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’, ‘રમા’ અને ‘દેવયાની’માં નાયક અને નાયિકાને સ્નેહ અને લગ્નસ્નેહમાં સુખનો નહિ, દુ:ખનો અનુભવ થાય છે. સહદેવનો વિસ્મૃતિમાં, પાંડુનો મૃત્યુમાં, ચક્રવાકયુગલનો આત્મહત્યામાં અંત આવે છે. રમાને એની યૌવનોત્તર વયને કારણે એના પતિમાં સ્નેહની અપવૃદ્ધિ છે એવી લગ્નસ્નેહમાં અને દેવયાનીને એના સખા કચમાં સ્પર્શની અનિચ્છા છે એથી સ્નેહમાં દુ:ખનો અનુભવ થાય છે. જીવનના અન્ય સૌ અનુભવોમાં સુખ ન પણ હોય, કદાચ દુ:ખ જ હોય, પણ સ્નેહના, લગ્નસ્નેહ-(જેમાં વિશ્વપ્રેમની આધારશિલા છે તે સ્નેહ)ના અનુભવમાં તો સુખ હોય ને  એમાં પણ દુ:ખ જ હોય  આ મનુષ્યની, મનુષ્યજીવનની કરુણ વક્રતા છે. આ ઈશ્વરની રચનામાં, વ્યવસ્થામાં વિષમતા છે, વિચિત્રતા છે. એમાં ઈશ્વરની ન કળી શકાય એવી કોઈ અકળ ગતિ છે. એથી ઈશ્વર એક રહસ્ય છે, એક પ્રશ્નાર્થ છે. ૧૮૯૦માં કાન્તે એક પત્રમાં એમના મિત્રને લખ્યું હતું, ‘હું ન્યાયી કે દયાળુ કોઈ અધિષ્ઠાતા છે એમ માનતો જ નથી. પ્રણયમાં જ સુખ હું સમજું છું અને તે આ જગતમાં સુખ કરતાં દુ:ખી વધારે કરે છે.’ ‘ચક્રવાકમિથુન’માં ‘આ ઐશ્વર્યે પ્રણયસુખની, હાય! આશા જ કેવી!’ – આ પ્રશ્નમાં કાન્તના અજ્ઞેયવાદની, કાન્તના જીવનદર્શનની પરાકાષ્ઠા છે. કાન્તનો આ દ્વિધાપ્રશ્ન છે. ૧૮૯૦થી ૧૮૯૭ લગી કાન્તના જીવનમાં આ દ્વિધાપ્રશ્નના ઉત્તરની શોધ હતી, સ્નેહ = સત્ય = ઈશ્વર એવા સમીકરણની શોધ એટલે કે સ્નેહ અંગેના સત્યની શોધ, ઈશ્વર અંગેના સત્યની શોધ, સ્નેહસ્વરૂપ ઈશ્વરની શોધ હતી. આ સમય કાન્તના જીવનમાં મહા-મૂંઝવણનો, મહા-મથામણનો, મહા મનોમંથનનો સમય હતો. ૧૮૯૦ પછી એમણે ઈશ્વર વિશેનાં પરાનુભવનાં પરલક્ષી કાવ્યો નહિ પણ પત્ની, સંતાનો અને આત્મીય મિત્રો તથા આંતરજીવનના અંગત અનુભવો વિશેનાં સ્વાનુભવનાં આત્મલક્ષી કાવ્યો રચ્યાં હતાં. ૧૮૯૧માં પત્ની નર્મદા – ‘ન્હાની’નું અવસાન થયું પછી તરત તો અલ્પ સમય માટે સંન્યાસ અને આત્મહત્યાનો વિચાર એમના ચિત્તમાં ચમકી ગયો હતો. પણ આ સર્વે ઘટનાઓથી તો એમનું શોધ અંગેનું મનોમંથન વધુ ઉગ્ર અને તીવ્ર થયું હતું. આ સમયમાં એમણે જગતસાહિત્ય અને અનેક ધર્મો – બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી, સૂફી આદિનું અને ધર્મગ્રંથોનું ગહનગંભીર વાચન-મનન-ચિંતન કર્યું હતું. ૧૮૯૦માં એમને થિયૉસોફીનું પણ આકર્ષણ થયું હતું. આ સમયમાં પણ એમનામાં વેદાંત અને કર્મવાદ પ્રત્યે પૂર્વવત્ વિરોધ હતો. એ રમણભાઈના ગાઢ મિત્ર થયા હતા. પણ એ પ્રાર્થનાસમાજના સભ્ય થયા ન હતા. ૧૮૯૪થી ૧૮૯૬ લગી રમણભાઈના સૂચનથી એમણે મણિલાલના ‘સિદ્ધાંતસાર’નું નકારાત્મક અવલોકન કર્યું હતું. પણ પછી ૧૮૯૫માં મણિલાલને મળવાનું થયું એથી મણિલાલનાં વ્યક્તિત્વ અને વિચારોના પ્રભાવથી એમણે એ અવલોકનનું અધવચ સમાપન કર્યું હતું અને ૧૮૯૭માં તત્કાલ માટે મણિલાલને ગુરુપદ અર્પણ કર્યું હતું. ૧૮૯૩માં કાન્તે માઇઅર્ઝના રોમન તત્ત્વચિંતક સમ્રાટ માર્કસ ઓરેલિયસ પરના નિબંધનું વાચન કર્યું હતું. એ ક્ષણથી કાન્તના ઈશ્વર અને ભક્તિ વિશેના ધર્મવિચારના પરિવર્તનનો આરંભ થયો હતો. કાન્તે એમના આ ધર્મપરિવર્તનની સમગ્ર પ્રક્રિયાના ઇતિહાસનું આલેખન એમનાં કાવ્યોમાં નહિ, પણ આ સમયના એમના અંગત આત્મીય મિત્રો પરના પત્રોમાં કર્યું છે. ૧૮૯૩માં આ પરિવર્તનના આરંભે જ નરસિંહરાવે કાન્તને એમની ઈશ્વર અને ભક્તિ અંગેની માન્યતા માટે અભિનંદનનો પત્ર લખ્યો હતો. આ ક્ષણથી હવે કાન્ત અજ્ઞેયવાદી નાસ્તિક ન હતા પણ એકેશ્વરવાદી આસ્તિક હતા. ૧૮૯૭માં મુંબઈમાં કાન્તને અચાનક જ સ્વીડનબૉર્ગનો પ્રથમ પરિચય થયો હતો. એ નેટિવ જનરલ લાઇબ્રેરીના સભ્ય થયા હતા. અહીં એમને એમર્સનના સ્વીડનબૉર્ગ પરના લેખ દ્વારા સ્વીડનબૉર્ગનો પ્રથમ પરિચય થયો હતો. પછી અહીં જ એમણે સ્વીડનબૉર્ગ પરના અન્ય બે ગ્રંથોનું વાચન કર્યું હતું અને બલવન્તરાયને એક પત્રમાં એમણે લખ્યું હતું કે આ એમને માટે રહસ્યોદ્ઘાટનનો અનુભવ હતો. ઈમેન્યુએલ સ્વીડનબૉર્ગનો જન્મ ૧૬૮૯માં સ્વીડનમાં થયો હતો. ૧૭૭૨માં એમનું અવસાન થયું હતું. એમની સર્વતોમુખી પ્રતિભા હતી. તેઓ વિજ્ઞાની, ફિલસૂફ અને રહસ્યવાદી તરીકે જગપ્રસિદ્ધ છે. આરંભમાં તેઓ સ્વીડનની રાજસભામાં રાજ્યસંચાલનનાં વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાના સફળ અને સન્માન્ય અધિકારી હતા. એમણે સબમરીન અને એરપંપ અંગે કેટલીક વૈજ્ઞાનિક શોધો કરી હતી. ઉત્તરજીવનમાં એમણે જાહેર કર્યું હતું કે ઈશ્વરના અનુગ્રહથી એમને ત્રિલોક-સ્વર્ગલોક, શોધનલોક અને નરકલોક-નું દર્શન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે અને ખ્રિસ્તી ધર્મના સાચા સ્વરૂપનું જ્ઞાન એમને પ્રાપ્ત થયું છે. અંતિમ વર્ષોમાં તેઓ લંડનમાં વસ્યા હતા. એમણે ઈશુના અવતારનું અને બાઇબલનું પરંપરાગત રૂઢિગ્રસ્ત અર્થઘટનથી ભિન્ન એવું નવું મૌલિક અર્થઘટન કર્યું હતું. એથી રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓએ એમને એમના આ પ્રસ્થાપિત અર્થઘટનથી ભિન્ન એવા અર્થઘટન – heresy – માટે પાખંડી – heretic – કહ્યા હતા. એમણે ‘New Church’ નામની એક નવી ધર્મસંસ્થાની સ્થાપના કરી હતી. ગોએથે, કૉલરિજ, એમર્સન, લિંકન, સ્ટ્રિન્ડબર્ગ, પુશ્કિન, બ્રાઉનિંગ-દંપતી, રાણી વિક્ટોરિયા અને એમના પતિ ઍલ્બર્ટ, કાઈઝરલિંગ, એલિનર રૂઝવેલ્ટ, હેલન કેલર આદિ અનેક મહાન વિભૂતિઓ સ્વીડનબૉર્ગી હતી. આમ, સ્વીડનબૉર્ગેનો જગતભરમાં પ્રભાવ હતો. સ્વીડનબૉર્ગ ઈશુના અવતારનું અને બાઈબલનું જે નવું મૌલિક અર્થઘટન કર્યું એમાં સવિશેષ તો એમણે સેન્ટ જ્હોનના ગોસ્પેલના એક વાક્યનો અર્થવિસ્તાર કર્યો હતો  ‘God is love, and he that dwelleth in love, dwelleth in God, and God dwelleth in him.’ ઈશ્વર સ્નેહસ્વરૂપ છે અને લગ્નસ્નેહનું સુખ સ્વર્ગમાં પ્રાપ્ત થાય છે. ૧૮૯૦થી કાન્તની સ્નેહસ્વરૂપ ઈશ્વરની અને લગ્નસ્નેહના સુખની શોધ હતી. તે સ્નેહસ્વરૂપ ઈશ્વર અને લગ્નસ્નેહના સુખનો વિશ્વાસ એમને અંતે સ્વીડનબૉર્ગના ધર્મવિચારમાં પ્રાપ્ત થયો હતો. એથી એમણે સ્વીડનબૉર્ગને હંમેશ માટેનું ગુરુપદ અર્પણ કર્યું હતું. ૧૮૯૭માં કાન્તે સ્વીડનબૉર્ગના એક ગ્રંથનો અનુવાદ – ‘લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો’ – તથા ૧૮૯૮માં અન્ય ગ્રંથનો અનુવાદ – ‘સ્વર્ગ અને નરક’ – કર્યો હતો. ૧૮૯૮માં એમણે ઉપવીત – ઉપનયનનો ત્યાગ કર્યો હતો એટલે કે હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો હતો અને એમની શોધની સફળતાને કારણે એમને એટલો આનંદનો ઉદ્રેક થયો હતો કે એમના સ્વભાવ અનુસાર હૃદયના આવેગ અને આવેશપૂર્વક મિત્રો પરના પત્રોમાં અને વર્તમાનપત્રોમાં જાહેર કર્યું હતું, ‘મેં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે’, ‘હું ખ્રિસ્તી થયો છું.’ ૧૮૯૮ના જૂનની ૧૬મીએ કાન્તે ઉપવીત દૂર કર્યું હતું, એટલે કે હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો હતો અને પછી વર્તમાનપત્રોમાં જાહેર કર્યું હતું  ‘મેં ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો છે’, ‘હું ખ્રિસ્તી થયો છું.’ આ કાન્તનું અનૌપચારિક અવિધિસરનું ધર્માન્તર હતું. પરિણામે વર્તમાનપત્રોએ ભારે ઊહાપોહ કર્યો હતો અને કાન્તને ચિત્તભ્રમ થયો હતો એવો અભિપ્રાય આપ્યો હતો. તરત જ આઠ-દસ દિવસમાં જ સૌથી વધુ આત્મીય અને પ્રિય એવા મિત્ર બલવન્તરાયે ‘સયાજીવિજય’માં ‘તટસ્થ’ના નામથી કાન્ત ‘ભ્રષ્ટ’ – pervert – થયા હતા એવો કાન્તના ધર્માન્તરનો પ્રબળ પ્રતિકાર કર્યો હતો. કાન્તના ધર્માન્તર અંગેના જાહેર નિવેદન પછી જ્ઞાતિએ કાન્ત ખ્રિસ્તી થયા એ કારણે અને પ્રશ્નોરા જ્ઞાતિમાં કાન્ત પ્રથમ ગ્રૅજ્યુએટ હતા અને એમના ધર્માન્તરથી પછીના અન્ય અનુગામી ગ્રૅજ્યુએટોને પણ એમને અનુસરવાનું પ્રોત્સાહન પ્રાપ્ત થાય એ કારણે જાણે આભ તૂટી જવાનું હોય અને જ્ઞાતિ રસાતલ જવાની હોય એવો હાહાકાર મચાવ્યો હતો. કાન્તના આ નિર્ણયથી કુટુંબીજનો અને મિત્રોને ભારે ક્લેશ અને આઘાત થયો હતો. બલવન્તરાય, ગજ્જર અને અન્ય મિત્રોએ ધર્માન્તર ન કરવા કાન્તને ભારે આગ્રહ કર્યો હતો. પણ કાન્તે કોઈનો આગ્રહ માન્ય કર્યો ન હતો. અંતે કેટલાક સ્વજનો – અને સવિશેષ તો કાન્તનાં ફોઈના પુત્રી અંબાલક્ષ્મીએ એમના આ નિર્ણયથી કાન્તનાં કુટુંબીજનો અને મિત્રોને કેટકેટલું અસહ્ય દુ:ખ થાય છે એ અંગે કાન્તને સભાન કર્યા હતા. એથી અંતે ‘કુસુમ સરખા’ કોમળ હૃદયના કાન્તે ધર્માન્તરના વિચારનો ત્યાગ કર્યો હતો, એમણે ઉપવીત ધારણ કર્યું હતું અને હિન્દુધર્મનો સ્વીકાર કર્યો હતો અને હિન્દુ થયા હતા. તરત તો એકાદ માસ માટે તેઓ કલાપી સાથે લાઠીમાં વસ્યા હતા. ૧૮૯૯માં પોતાના પ્રાણથીયે વધુ પ્રિય એવા દસેક વર્ષની વયના પુત્ર પ્રાણલાલનું અવસાન થયું હતું. એની લાંબી માંદગીના સમયમાં કાન્તે જીવન, મૃત્યુ, ધર્મ આદિ વિશે ગહન-ગંભીર મનન-ચિંતન કર્યું હતું. ૧૮૯૮માં સ્વજનોના આગ્રહથી ઉપવીત ધારણ કર્યું હતું એમાં એમની નિર્બળતા હતી, એમાં એમનો અંતરાત્માના સત્યનો દ્રોહ હતો એવો મનોભાવ અને અપરાધવૃત્તિ તથા પાપવૃત્તિનો અનુભવ એમને આ સમયમાં સતત રહ્યો હતો. આ સમયમાં ખાવા-પીવા પ્રત્યે પણ તેઓ ઉદાસીન રહ્યા હતા. એથી એમનો હૃષ્ટપુષ્ટ દેહ પણ શુષ્ક – કાષ્ઠ જેવો નિર્બળ અને નિર્માલ્ય થયો હતો. પરિણામે આ સમયમાં એમને પુનશ્ચ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરવાની અને ખ્રિસ્તી થવાની પ્રબળ ઇચ્છા સતત રહેતી હતી. પણ પત્ની તથા સૌ કુટુંબીજનોનો એ અંગે ભારે વિરોધ હતો. મિત્રો, કુટુંબીજનો – પત્ની સુધ્ધાં-એ એમની પરના એમના શિષ્યોના પત્રોની જાસૂસી કરી હતી. પણ અંતે ૧૯૦૦ના જાન્યુઆરીની ૨૩મીએ ઘોઘાના દેવળમાં સ્કૉટિશ પ્રેસ્બિટેરિયન ધર્મગુરુના હસ્તે એમણે ઔપચારિક વિધિસરનું બૅપ્ટિઝમ લીધું હતું. પંદરેક દિવસમાં જ એકાદ માસ માટે તેઓ કલાપીની સાથે લાઠીમાં વસ્યા હતા. બે માસ પછી માર્ચની ૨૫મીએ એમણે ‘પવિત્ર ભોજન’ લીધું હતું. માર્ચની ૩૧મીએ એમણે સંતાનોને પણ બૅપ્ટિઝમ અપાવ્યું હતું. પત્નીને પણ બૅપ્ટિઝમ અને ‘પવિત્ર ભોજન’ લેવાનો આગ્રહ કર્યો હતો પણ પત્નીએ એ માન્ય કર્યો ન હતો. કાન્તના આ ધર્માન્તરના પ્રતિકારમાં ‘ગુજરાતી’, ‘પ્રજાબંધુ’ આદિ દૈનિકો, સાપ્તાહિકો, માસિકોએ ભારે ઊહાપોહ કર્યો હતો અને કાન્તનો આ ધર્મોન્માદ છે, મેનિઆ છે એવા આરોપો અને આક્ષેપો કર્યા હતા. જ્ઞાતિએ એમને દુષ્ટ, દંભી, મૂર્ખ, પાગલ, પાખંડી કહીને એમનો બહિષ્કાર અને તિરસ્કાર કર્યો હતો. અને એમના સંતાનો, પત્ની તથા માતાને એમનાથી દૂર કર્યા હતા. એમના મોટા ભાઈએ એમનાં પ્રિય પુસ્તકોને એમનાથી દૂર કર્યા હતા. અને પાંચેક વરસ પછી એમને પરત કર્યાં હતાં. પટ્ટણીએ એમને ‘ખ્રિસ્તી ધર્મ અને રાજ્યની સેવા એ બંને નહિ બને’ કહીને ભાવનગર રાજ્યના શિક્ષણવિભાગમાંથી એમના પદનું રાજીનામું આપવાનો આદેશ કર્યો હતો. અને કાન્તે ‘હું આ રાજ્યનો સેવક નથી, સ્વામીનો છું.’ કહીને રાજીનામું આપ્યું હતું. જોકે ૬ માસ પછી મહારાજા ભાવસિંહજીના વાત્સલ્યભાવને કારણે સેવામાં ફરી નિયુક્ત થયા હતા. બલવન્તરાયે કાન્તના ધર્માન્તર વિરુદ્ધ ‘હિન્દુ ધર્મનો તૂટતો ગઢ’ સૉનેટ રચ્યું હતું, એમાં ઝનૂની હિન્દુત્વની પશ્ચાદ્ભૂમિકા સાથે હિન્દુઓને હિન્દુ ધર્મના રક્ષણ અર્થે સુસજ્જ થવા અને આક્રમક થવા આહ્વાન કર્યું હતું. ૧૯૦૧માં કાન્તે પોતાના પરના ત્રાસને કારણે નહિ, પણ પોતાના ધર્માન્તરથી સંતાનો, પત્ની, માતા, અન્ય કુટુંબીજનો, સ્વજનો, મિત્રોને ત્રાસ થયો હતો અને જ્ઞાતિએ તથા સમાજે પણ એ સૌને ત્રાસ આપ્યો હતો એ કારણે પુનશ્ચ પ્રાયશ્ચિત્ત કર્યું હતું અને આર્ય થયા હતા, હિન્દુ થયા હતા. ધર્માન્તર અંગેની એમની આ અનિશ્ચિતતા અને એમના વિરોધાભાસી વર્તનને કારણે એમનાથી ધર્મને હાનિ થયાનો અપરાધભાવ એમણે જીવનભર અનુભવ્યો હતો. ૧૯૦૨માં જ્ઞાતિનો બહિષ્કાર કંઈક શિથિલ થયો હતો. એથી સંતાનો, પત્ની અને માતા કાન્તની સાથે વસી શક્યાં હતાં. પછી ૧૯૧૭માં સંતાનોએ પણ પ્રાયશ્ચિત્ત કર્યું હતું. એથી એમને જ્ઞાતિમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે કાન્ત પ્રત્યેનો બહિષ્કાર તો કાન્તના આયુષ્યના અંત લગી પૂર્વવત્ જ હતો. એમને ક્યારેય જ્ઞાતિમાં પ્રવેશ આપ્યો ન હતો. ૧૯૦૩માં કાન્ત આર્ય થયા પછી પ્રાર્થનાસમાજ કે આર્યસમાજ કે અન્ય કોઈ સમાજના સભ્ય થયા ન હતા. આર્ય થયા, હિન્દુ થયા એ જાણે કે બાહ્ય શિષ્ટાચાર જ હતો, કાન્ત હૃદયથી તો આયુષ્યના અંત લગી સ્વીડનબૉર્ગીય ખ્રિસ્તી જ રહ્યા હતા. એમણે અંતરાત્માના સત્યનો દ્રોહ કદી કર્યો ન હતો. પોતાને જે સત્ય પ્રાપ્ત થયું છે તે સૌ ભારતવાસીઓને પ્રાપ્ત થાય એવી એમની ઉદાત્ત ભાવના હતી. એ સિદ્ધ થાય એ માટે એ સતત સક્રિય રહ્યા હતા. ૧૯૧૫માં એમણે સ્વીડનબૉર્ગીય ધર્મના પ્રચાર અર્થે ‘Heart of India’ સામયિક શરૂ કર્યું હતું અને ૧૯૧૬માં ‘સ્વીડનબૉર્ગ સોસાયટી’ની સ્થાપના કરી હતી. ૧૯૧૮માં પત્ની નર્મદા – ‘ન્હાની’-નું અવસાન થયું હતું. પછી એમને સતત એકલતા અને અસહાયતાનો, નિરાશા અને નિર્વેદનો અનુભવ થયો હતો. એ જાણે કે જીવન જીવી રહ્યા ન હતા, મૃત્યુને જીવી રહ્યા હતા. એમણે પત્નીને બૅપ્ટિઝમ અને ‘પવિત્ર ભોજન’ લેવા માટે આગ્રહ કર્યો હતો અને પત્નીને એ માન્ય ન હતો. એથી જો આ લોકમાં પત્નીએ સહકાર-સહચાર ન કર્યો તો સ્વર્ગમાં કરશે  એમને સ્વર્ગમાં લગ્નસ્નેહનું સુખ પ્રાપ્ત થશે  એવી ચિંતા અને શંકા એમને અંતિમ વર્ષોમાં થતી હતી, છતાં સાથેસાથે એ અંગેની આશા અને શ્રદ્ધા પણ રહેતી હતી. ૧૯૨૩માં જાણે કે ‘દિવ્ય ભૂમિ’ કાશ્મીરમાં દેહત્યાગ કરવાની એમની અંતિમ ઇચ્છા ન હોય એમ એમણે કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો અને પ્રવાસને અંતે ૧૯૨૩ના જૂનની ૨૬મીએ રાવલપિંડીથી લાહોર જતી ટ્રેનમાં એમનું મગજ પર પંજાબની ગરમીની અસરથી અવસાન થયું હતું. તે જ દિવસે અમદાવાદમાં એમનો કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ પ્રગટ થયો હતો. કાન્તે ૧૮૯૮માં અને ૧૯૦૦માં એમ બે વર્ષના અલ્પ સમયમાં જ બે વાર ધર્માન્તર અને બે વાર પ્રાયશ્ચિત્ત કર્યું હતું. હિન્દુમાંથી ખ્રિસ્તી અને ખ્રિસ્તીમાંથી હિન્દુ અને વળી પુનશ્ચ હિન્દુમાંથી ખ્રિસ્તી અને ખ્રિસ્તીમાંથી હિન્દુ. આ ધર્માન્તરને કારણે જ્ઞાતિ અને સમગ્ર હિન્દુ સમાજ એમને તો ત્રાસ આપશે જ એવી એમને પૂર્ણ પ્રતીતિ હતી, પણ સંતાનો, પત્ની, માતા, કુટુંબીજનો, સ્વજનો અને મિત્રોને પણ ત્રાસ આપશે એવું તો એમણે સ્વપ્ને પણ કલ્પ્યું ન હતું. પોતાના પરનો ત્રાસ સહન કરવાની એમની સંપૂર્ણ સજ્જતા હતી, પણ આત્મીયજનો પરનો ત્રાસ એમને માટે અસહ્ય હતો. અને આ ત્રાસ પોતાના ધર્માન્તરને કારણે હતો એથી એમણે સમર્પણ કર્યું હતું, પ્રાયશ્ચિત્ત કર્યું હતું. કાન્તે એમાં પોતાની નિર્બળતા હતી, નિ:સહાયતા હતી એમ ભલે કહ્યું હોય, પણ એમાં એક પ્રકારનું શાંત આધ્યાત્મિક બળ હતું, એક પ્રકારની પ્રચ્છન્ન અપાર અનુકંપા હતી. એમાં એમનો દંભ કે દ્રોહ ન હતો, એમની આત્મપ્રતારણા કે આત્મવંચના ન હતી. બાહ્ય શિષ્ટાચારમાં જ એ હિન્દુ હતા, હૃદયથી તો એ આયુષ્યના અંત લગી ખ્રિસ્તી જ રહ્યા હતા. આ સંદર્ભમાં ‘તમારી પાસે તો કુસુમ સરખો કાન્ત ગણજો’ ગાનાર કુસુમ સરખા મૃદુ, મુલાયમ કાન્તની કરુણાનું જ દર્શન થાય છે, એમની માનવતાની જ પ્રતીતિ થાય છે. કાન્તે એમના ધર્માન્તરને કારણે કેટલાક જૂના પરમ મિત્રો એમનો ત્યાગ કરશે એવું તો સ્વપ્ને પણ કલ્પ્યું ન હતું. ૧૮૯૮માં બલવન્તરાયે અને ૧૯૦૦માં પટ્ટણીએ – આ બે જૂના શાળામિત્રોએ – એમનો ત્યાગ કર્યો હતો, એટલું જ નહિ, પણ જાહેરમાં એમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એ જ સમયમાં કલાપી, ન્હાનાલાલ અને ભાવનગરના મહારાજા ભાવસિંહજી સંપૂર્ણ નિષ્ઠા અને નીડરતાપૂર્વક એમના પક્ષે રહ્યા હતા. કાન્તને એમનો ભારે નૈતિક આધાર હતો. આજીવિકાના સંદર્ભમાં કાન્તે વડોદરા કલા-ભવનમાંથી રાજીનામું આપ્યું ત્યાં લગી ગજ્જરે અને ભાવનગરના રાજાની સેવામાંથી રાજીનામું આપ્યું પછી જીવનભર ભાવસિંહજીએ એમનું રક્ષણ કર્યું હતું. ૧૯૦૦માં કલાપીનું અને ૧૯૧૯માં ભાવસિંહજીનું અવસાન થયું હતું. ૧૯૧૦થી ન્હાનાલાલ સાથેની મૈત્રીમાં કંઈક શિથિલતા આવી હતી. ૧૯૧૦થી બારેક વરસના મૈત્રીભંગ પછી બલવન્તરાય સાથેની મૈત્રીને પુનર્જીવન પ્રાપ્ત થયું હતું પણ એ મૈત્રી પૂર્વવત્ ન હતી. આમ, કાન્તના જીવનના ઉત્તરાર્ધમાં, મૈત્રીસંબંધના સંદર્ભમાં એકલતા હતી. પણ ૧૮૯૭થી જ એમને નવા મિત્રો  મુખ્યત્વે કરુણાશંકર અને તે ઉપરાંત શિવાભાઈ, દેવશંકર આદિ પ્રાપ્ત થયા હતા એ કાન્તનું પરમ સદ્ભાગ્ય હતું. એમાં કરુણાશંકરે તો માત્ર કાન્તને જ નહિ પણ કાન્તનાં અનેક કાવ્યોને જીવવામાં સહાય કરી હતી. આ માટે ગુજરાત કરુણાશંકરનું સદાયનું ઋણી રહેશે. કાન્તને કોઈ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ કે તિરસ્કાર ન હતો, દુર્ભાગ્ય કે દુષ્ટભાવ ન હતો. એમનામાં સર્વધર્મસમભાવ હતો. કાન્તે ખ્રિસ્તી ધર્મનો  બલકે સ્વીડનબૉર્ગીય ખ્રિસ્તી ધર્મનો, રોમન કૅથલિક કે પ્રોટેસ્ટંટ ચર્ચના ખ્રિસ્તી ધર્મનો નહિ, પણ ન્યૂ ચર્ચના ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો હતો. એમાં બુદ્ધિનો આગ્રહ ન હતો, પણ હૃદયનો આવેશ હતો. એ બૌદ્ધિક સ્વીકાર ન હતો, પણ હાર્દિક સ્વીકાર હતો. એમાં કોઈ ધર્મશાસ્ત્રનું પ્રતિપાદન ન હતું, એમાં સત્યની શોધ હતી, હૃદયની શ્રદ્ધા હતી. એમાં સત્ય અંગે કોઈ સમાધાન ન હતું, સત્ય માટે જેટલું સહન કરવાનું હોય તે સહન કરવાની સત્યનિષ્ઠા હતી. કાન્તના ધર્માન્તરમાં કોઈ ભ્રષ્ટ સ્વાર્થ કે લોભ ન હતો, કોઈ બાહ્ય પ્રલોભન કે પ્રયોજન ન હતું. એમને ઇષ્ટ એવો ઈશ્વર જે ધર્મમાં પ્રાપ્ત થાય એ એમનો ધર્મ. એવો ઈશ્વર, એમની મનોઘટનાને અનુકૂળ એવો ઈશ્વર એમને સ્વીડનબૉર્ગના ખ્રિસ્તી ધર્મમાંથી પ્રાપ્ત થયો હતો એથી એમણે ધર્માન્તર કર્યું હતું, એ સ્વીડનબૉર્ગીય ખ્રિસ્તી થયા હતા. આ છે કાન્તના જીવનના સત્યનું રહસ્ય – સત્યં પરં ધીમહિ. કોઈ પણ ધર્મ સત્યથી પર નથી. સત્ય પ્રધાન છે, ધર્મ ગૌણ છે. ‘ખ્રિસ્તી થવું’, ‘ધર્માન્તર કરવું’ એના પ્રચલિત અર્થમાં કાન્ત ખ્રિસ્તી થયા જ ન હતા, કાન્તે ધર્માન્તર કર્યું જ ન હતું. અબુધ અને અજ્ઞાની જ્ઞાતિ, સમાજ, કુટુંબ અને મિત્રોને આ સૂઝ સમજ જ ન હતી. એ સૌ તો પ્રચલિત અર્થમાં જ કાન્ત ખ્રિસ્તી થયા, કાન્તે ધર્માન્તર કર્યું એટલી જ એમની સૂઝસમજ હતી. એથી એમણે કોઈ પણ મનુષ્ય સહન ન કરી શકે એવો અને એટલો ત્રાસ કાન્તને આપ્યો હતો. પાંચસો વર્ષના ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ગુજરાતના સમાજે અન્ય કોઈ કવિને આટલો ત્રાસ આપ્યો નથી – નરસિંહને પણ નહિ. કાન્તને આટલો ત્રાસ ન આપ્યો હોત તો કાન્તના જીવનમાં કરુણતા ન હોત. દુર્ભાગ્યે આજે પણ ભારતના સમાજમાં એવો એક વર્ગ છે જે આવો ત્રાસ આપે છે. ૧૯મી સદીના ફ્રાંસમાં રાજ્યે અને સમાજે કવિ બોદલેરને ધર્મ અને નીતિને નામે આવો જ ત્રાસ આપ્યો હતો એનું અહીં સહેજે સ્મરણ થાય છે. એના સંદર્ભમાં ઇનિડ સ્ટાર્કીએ એમના બોદલેરના જીવનચરિત્રમાં કહ્યું છે, ‘He believed that the only salvation for the future lay in the full development of the individual... He asked for liberty for the individual, liberty to protect his spirilual privacy, of whatever kind it might be, against those who would encroach on it on the plea of inproving him or making him happy and useful, the liberty, if he were so minded, of going to Hell in his own way.’ સ્વતંત્રતા જેવું કોઈ આધ્યાત્મિક મૂલ્ય નથી. કાન્તના મિત્રો આટલું ન સમજ્યા. ‘પૂર્વાલાપ’ કાન્તનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. કાન્ત ગ્રંથૈક કવિ છે. ૧૯૨૩ના જૂનની ૧૬મીએ કાશ્મીરના પ્રવાસ પછી રાવલપિંડીથી લાહોર જતી ટ્રેનમાં એમનું અવસાન થયું હતું. તે જ દિવસે અમદાવાદમાં ‘પૂર્વાલાપ’નું પ્રકાશન થયું હતું. કુટુંબીજનો કે મિત્રો, જેમને માટે એમણે જીવનમાં કેટકેટલો ત્યાગ કર્યો હતો, એમાંથી કોઈ એમના જીવનની અંતિમ ક્ષણે એમની નિકટ ન હતું. એ એકલા હતા અને ‘પૂર્વાલાપ’ – જે એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ એને એ જોવા પામ્યા નહિ. કાન્તના કરુણ જીવનની આ અંતિમ પરાકાષ્ઠારૂપ કરુણતા હતી. જોકે, ૧૯૨૩માં ‘પૂર્વાલાપ’ પ્રગટ થયો તે પૂર્વે કાન્તે એમનો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનો વિચાર બે-ત્રણ વાર કર્યો હતો. ૧૯૦૯ના મેની ૨૧મીએ એક મિત્રને પત્રમાં લખ્યું હતું, ‘મારાં કાવ્યો પ્રસિદ્ધિ માટે તૈયાર કરું છું. ‘પૂર્વાલાપ’ નામ આપવા ધાર્યું છે.’ ૧૯૧૨માં એમણે એ માટે નાંદીરૂપ કાવ્ય ‘ઈશ્વરપ્રાર્થના’ (પછી એનું શીર્ષક ‘ઈશ્વરસ્તુતિ’) પણ રચ્યું હતું પણ એનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ૧૯૧૧માં કાન્તના શિષ્યોએ ‘શિષ્યોના ઉપયોગને માટે’ જ માત્ર ‘પ્રાર્થનાઓ’નો એક સંગ્રહ પ્રગટ કરવાનો વિચાર કર્યો હતો. એમાં જે પ્રાર્થનાઓ પ્રગટ કરવાની હતી એ અંગે ચર્ચાઓ પણ ચાલી હતી. એનું પણ કોઈ પરિણામ આવ્યું ન હતું. ૧૯૧૯ના ઑક્ટોબરની ૧૧મીએ કાન્તે એક મિત્રને પત્રમાં લખ્યું હતું, ‘કાન્તકાવ્યકલાપ’ તૈયાર થાય છે. ‘પૂર્વાલાપ’ અને ‘ઉત્તરાલાપ’ – એ પ્રમાણે બે વિભાગ થશે.’ ૧૮૮૭માં સ્વીડનબોર્ગના પરિચય પૂર્વેનાં કાવ્યોનો વિભાગ તે ‘પૂર્વાલાપ’ અને તે પછીનાં કાવ્યોનો વિભાગ તે ‘ઉત્તરાલાપ.’ ૧૯૨૪માં ‘કાન્તમાલા’માં બલવન્તરાયે એનું અર્થઘટન કર્યું હતું કે આ નામાભિધાનમાં સૂચન છે તેમ આ બંને વિભાગનાં કાવ્યો તે તો આ મર્ત્યલોકમાં મનુષ્યોનો માત્ર આલાપ જ, ગાન તો માત્ર સ્વામી (ઈશ્વર) જ રચી શકે. મનુષ્ય તો સ્વર્ગમાં સ્વામી-(ઈશ્વર)ના સાન્નિધ્યમાં જ રચી શકે. પણ પછી ૧૯૨૩માં ‘પૂર્વાલાપ’ પ્રગટ થવાનો હતો એની પૂર્વસંધ્યાએ કાન્તે આ બે વિભાગનો વિચાર ત્યજ્યો હતો અને ‘ઉત્તરાલાપ’ વિભાગનાં કાવ્યોમાંથી જે કાવ્યો સમાજને અસ્વીકાર્ય થાય એટલા પ્રમાણમાં સાંપ્રદાયિક ન હોય તે જ કાવ્યો ‘પૂર્વાલાપ’ માટે પસંદ કર્યા હતાં. કાન્તે ‘પૂર્વાલાપ’ માટે પ્રસ્તાવના પણ લખી હતી. પણ એ અનાવશ્યક છે એવું બલવન્તરાયનું મંતવ્ય હતું એથી એ પ્રગટ કરવામાં આવી ન હતી. ૧૮૮૨-૮૩માં કાન્તે ૧૪-૧૫ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય ‘ખરી મોહોબત અને ગુલાબાસનું ફૂલ’ એમના મિત્ર દલપતરામ પાઠક સાથેના સહલેખનમાં રચ્ય્ું હતું અને ૧૮૮૩માં પ્રગટ પણ કર્યું હતું. એ પૂર્વે ૧૮૮૧માં એમના વડીલબંધુ વિશ્વનાથ વૈદ્ય સાથેના સંવાદમાં એમણે ૧૪ વર્ષની વયે એમની કવિતા વિશે કહ્યું હતું  ‘બહુ સારી નથી કરી શકતો. વિચારો બહુ આવે છે પરંતુ લખતાં ભાષા યોગ્ય લાગતી નથી... કલ્પનાય જોઈએ તેવી નથી આવતી.’ ૧૯૨૪માં ‘કાન્તમાલા’માં લાભશંકર ભટ્ટે નોંધ્યું છે કે એક પ્રસંગે કાન્તે કહ્યું હતું, ‘જ્યારે મેં સૌથી પ્રથમ ડેન્ટી વાંચ્યો ત્યારે મેં મારી લખેલી પાંચસો-સાતસો લીટીઓ કવિતાની હતી તેનો નાશ કર્યો. મને એમ જ લાગ્યું કે આપણે તો માત્ર જોડકણાં જ જોડનારા છીએ. ખરેખર કવિ તો ડેન્ટી જ ગણાય.’ (આમ, ૧૯૦૨માં એમણે ડેન્ટી વાંચ્યો પછી જે કાવ્યોનો નાશ કર્યો તેમાંથી કેટલાંક કાવ્યો પછીથી ૧૯૧૧માં એમણે સ્મૃતિમાંથી લખી નાંખ્યાં હતાં. જે સ્મૃતિમાં ન હતાં એ તો કાયમને માટે લુપ્ત જ થયાં. કેટલાંક કાવ્યો જૂના કાગળોમાંથી પ્રાપ્ત થયાં હતાં. ‘રમા’ બલવન્તરાયની નકલમાંથી પ્રાપ્ત થયું હતું.) પોતાની કવિતાની મર્યાદા અંગેની સભાનતા અને મહાન કવિતા અને મહાન કવિ અંગેનો કાન્તનો આદર્શ એમના આ ઉદ્ગારોમાંથી પ્રગટ થાય છે. ૧૮૮૯ના ઑગસ્ટની ૧લીએ ૨૨ વર્ષની વયે એમણે એક મિત્રને પત્રમાં લખ્યું હતું, ‘ખરા આવેગથી લખનાર માણસ બીજાના મત ઉપર બહુ આધાર નથી રાખતો. મને મારા હૃદય ઉપર આસ્થા છે અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહીં જાય. આ વૃત્તિ મને ઘણા દિવસની છે! આ વૃત્તિને હું confidence (વિશ્વાસ) કહું છું. તે અભિમાનથી જુદી જ ચીજ છે – આત્મજ્ઞાનને કદાચ મળતી ગણી શકાય.’ માત્ર ૨૨ વર્ષની જ વયે કાન્તમાં પોતાની કવિતા અને પોતાની કાવ્યશક્તિમાં કેવો તો આત્મવિશ્વાસ છે! આ આત્મવિશ્વાસથી એમણે ‘પૂર્વાલાપ’નું સર્જન કર્યું છે. ૧૮૮૨થી ૧૮૮૯ની આસપાસના સમયમાં કાન્તે જે સાતેક કાવ્યો રચ્યાં હતાં તે કવિની પ્રાથમિક અવસ્થાનાં કાવ્યો હતાં. પણ ૧૮૮૯ની આસપાસના સમયમાં માત્ર ૨૦ વર્ષની જ વયે એમણે એમનાં કેટલાંક મહાન કાવ્યો રચ્યાં હતાં. એમાંથી ‘ચક્રવાકમિથુન’ અને ‘વસંતવિજય’ – આ બે કાવ્યોનું બલવન્તરાય જેવા મોટા ગજાના કવિએ અને રમણભાઈ જેવા અગ્રણી વિવેચકે તરત જ ૧૮૯૦માં અદ્ભુત આકર્ષણ અનુભવ્યું હતું. ૧૮૯૦ના જાન્યુઆરીના ‘બુદ્ધિપ્રકાશ’માં રમણભાઈએ ‘મકરન્દ’ના નામથી પોતાના વિવેચન સાથે ‘વસંતવિજય’ પ્રગટ કર્યું હતું અને ૧૮૯૦ના મેના ‘બુદ્ધિપ્રકાશ’માં બલવન્તરાયે ‘સેહેની’ના નામથી પોતાના વિવેચન સાથે ‘ચક્રવાકમિથુન’ પ્રગટ કર્યું હતું. (અહીં એ ભારપૂર્વક નોંધવું જોઈએ કે ગુજરાતી વિવેચનના ઇતિહાસમાં કૃતિલક્ષી વિવેચન – textual criticism, new criticism – નો આરંભ ૧૮૯૦માં થયો હતો, ૧૯૩૨માં કે ૧૯૫૬માં નહિ.) પછીથી ૧૯૨૨માં ‘વસંત’માં નરસિંહરાવે ‘જ્ઞાનબાલ’ના નામથી ‘ચક્રવાકમિથુન’ પરનું એમનું વિવેચન પ્રસિદ્ધ કર્યું હતું. ૧૯૨૭માં ‘વસંત’માં આનંદશંકરે ‘વસંતવિજય’ પરનું એમનું વિવેચન પ્રસિદ્ધ કર્યું હતું. ૧૯૨૬માં પાઠકસાહેબે ‘પૂર્વાલાપ’ની પ્રસ્તાવનામાં કાન્તની સમગ્ર કવિતા પરનું એમનું વિવેચન પ્રગટ કર્યું હતું. ૧૯૪૬થી ૧૯૬૦ લગી ભૃગુરાયે એમના શોધનિબંધ નિમિત્તે અને કાન્તની શતાબ્દી તથા જન્મતિથિઓ નિમિત્તે કાન્તનાં જીવન અને કવનનું સમગ્રતયા વિવેચન કર્યું હતું. જ્યાં લગી ગુજરાતી ભાષાનું અસ્તિત્વ રહેશે ત્યાં લગી ભાવકો અને વિવેચકો કાન્તની કવિતાનું, ‘પૂર્વાલાપ’નાં કાવ્યોનું અદ્ભુત આકર્ષણ અનુભવશે. આમ, કાન્તનો આત્મવિશ્વાસ ચરિતાર્થ થશે. કાન્તનો ‘પૂર્વાલાપ’ કાવ્યસંગ્રહ ગુજરાતી કવિતાના ઇતિહાસમાં એક સીમાસ્થંભરૂપ છે. મિત્રકવિ બલવન્તરાયનો ‘ભણકાર’ કાવ્યસંગ્રહ પણ એવો જ એક સીમાસ્થંભરૂપ છે. કાન્ત અને બલવન્તરાય પરસ્પરના પ્રતિસ્પર્ધીરૂપ નથી, પરસ્પરના પૂરકરૂપ છે. બલવન્તરાય પ્રયોગખોર છે, તો કાન્ત પ્રયોગવીર છે. બંનેએ એમની કવિતામાં વસ્તુવિષયમાં અને શૈલીસ્વરૂપમાં ગુજરાતી કવિતાના ઇતિહાસમાં નવા પ્રયોગો, નવાં પ્રસ્થાનો કર્યા છે. કાન્ત આરંભમાં અદ્વૈતવાદી નાસ્તિક હતા અને પછી એકેશ્વરવાદી આસ્તિક થયા હતા, તો બલવન્તરાય આરંભમાં અદ્વૈતવાદી આસ્તિક હતા અને પછી અજ્ઞેયવાદી નાસ્તિક થયા હતા. બંનેનાં જીવનમાં અને કવનમાં જીવનના કરુણ અનુભવો તથા વિશ્વરચનાની વિષમતા અને વિચિત્રતાના અનુભવોને કારણે આ પરિવર્તન આવ્યું હતું. કાન્તે પ્રશિષ્ટ અક્ષરમેળ સંસ્કૃત છંદોમાં વૈવિધ્ય સિદ્ધ કર્યું હતું, તો બલવન્તરાયે પ્રશિષ્ટ અક્ષરમેળ સંસ્કૃત છંદોમાં પ્રવાહી પદ્ય સિદ્ધ કર્યું હતું. બલવન્તરાયમાં ઇતિહાસનું અભૂતપૂર્વ ચિંતન છે, તો કાન્તમાં ફિલસૂફીનું અભૂતપૂર્વ દર્શન છે. બલવન્તરાયે ચિન્તનોર્મિ કાવ્યો રચ્યાં છે, તો કાન્તે કથનોર્મિકાવ્યો રચ્યાં છે. ગુજરાતી કવિતાના આરંભથી, ૧૫મી સદીના મધ્યભાગથી તે ૧૯મી સદીના મધ્યભાગ લગી, નરસિંહથી દયારામ લગી મોટેભાગે માત્ર ભક્તિની જ કવિતા હતી. એમાં ઈશ્વરમાં શ્રદ્ધા હતી, ઈશ્વરના અનુગ્રહમાં, દયા અને કૃપામાં વિશ્વાસ હતો. એમાં ઈશ્વરને મહેણાં-ટોણા મારવામાં આવ્યાં હતાં, ઈશ્વર સાથે રિસામણાં-મનામણાં કરવામાં આવ્યાં હતાં. સમગ્ર મધ્યકાલીન ગુજરાતી કવિતા અને આરંભની અર્વાચીન કવિતા એ આસ્તિકતાની કવિતા હતી, અસ્તિવાચક કવિતા હતી. માત્ર ગુજરાતી કવિતામાં જ નહિ, યુગોથી સમગ્ર ભારતીય કવિતાસાહિત્યમાં આ જ પ્રકારની કવિતા હતી. એમાં કાન્તે પ્રથમ વાર જ નાસ્તિકવચનની, નાસ્તિકતાની કવિતા રચી હતી. એમણે ઈશ્વરનું અસ્તિત્વ તો સ્વીકાર્યું હતું, પણ જીવનના આરંભનાં જ વર્ષોમાં, માત્ર ૨૦-૨૩ વર્ષની વયે, ૧૮૮૭થી ૧૮૯૦ની વચ્ચેના સમયમાં એમણે એમનાં જે ૬ શ્રેષ્ઠ કાવ્યો – ‘મૃગતૃષ્ણા’, ‘ચક્રવાકમિથુન’, ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’, ‘દેવયાની’, ‘રમા’ – રચ્યાં હતાં એમાં ઈશ્વરના અન્યાય અને ઈશ્વરની ક્રૂરતા-કઠોરતા પ્રત્યે, ઈશ્વરની રચના-વ્યવસ્થામાં જે વિષમતા અને વિચિત્રતા છે એની પ્રત્યે વિદ્રોહ પ્રગટ કર્યો હતો. આમ, કાન્તે ગુજરાતી ભાષામાં એક નવા જ ભાવ અને અનુભવની, નવી જ સંવેદનાની કવિતા રચી હતી. ૧૮૯૧થી ૧૮૯૭ લગી કાન્તના જીવનમાં પ્રેમસ્વરૂપ, સ્નેહસ્વરૂપ ઈશ્વરની શોધનો, ઈશ્વર અંગેના સત્યની શોધનો આરંભ થયો હતો. ૧૮૯૭માં એમને સ્વીડનબૉર્ગના ધર્મવિચારમાં એ ઈશ્વર પ્રાપ્ત થયો હતો. એથી ૧૮૯૮-૧૯૦૦માં કાન્તે ધર્માન્તર કર્યું હતું અને સ્વીડનબૉર્ગીય ખ્રિસ્તી થયા હતા. ત્યાર પછી એમણે સ્વીડનબૉર્ગીય ખ્રિસ્તી ધર્મની કવિતા, શ્રદ્ધાની કવિતા, અસ્તિવાચક કવિતા, આસ્તિકતાની કવિતા રચી હતી. કાન્તના પૂર્વજીવનમાં જે સંઘર્ષ હતો એનું આમ એમના ઉત્તરજીવનમાં સમાધાન થયું હતું. આ સમાધાનની પરાકાષ્ઠા એમના ઉત્તરજીવનમાં ૩ શ્રેષ્ઠ કાવ્યો – ‘સાગર અને શશી’, ‘મનોહર મૂર્તિ’ અને ‘આપણી રાત’માં પ્રગટ થાય છે. ‘પૂર્વાલાપ’માં આ ઈશ્વર અંગેનાં કાવ્યો ઉપરાંત આત્મીય સ્વજનો (સંતાનો, પત્ની) અને અંગત મિત્રો અંગેનાં પણ અભૂતપૂર્વ, અપૂર્વ અને અનન્ય એવાં કેટલાંક કાવ્યો છે. કાન્તને માટે સંતાનો, પત્ની અને મિત્રો વિનાનું જીવન એ જીવન ન હતું, મૃત્યુ હતું, મૃત્યુથીયે વિશેષ એવું મૃત્યુ હતું. એમણે એમની બંને પત્નીઓ – નર્મદા (નદી) અને નર્મદા (ન્હાની) – તથા પ્રાણથી યે વધુ પ્રિય એવા પુત્ર પ્રાણલાલ વિશે તથા બલવન્તરાય, કલાપી આદિ મિત્રો વિશે જે કાવ્યો રચ્યાં છે તેવાં કાવ્યો ગુજરાતી ભાષામાં ભાગ્યે જ અન્ય કોઈ કવિએ રચ્યાં હશે. એ કાવ્યો કુટુંબકાવ્યો અને મૈત્રીકાવ્યો તરીકે વિરલ છે. ‘વત્સલનાં નયનો’ અને ‘ઉપહાર’માં એની પરાકાષ્ઠા છે.