નરસિંહથી ન્હાનાલાલ/૨૪
૧૯૪૫ના મેની ૨જીએ દ્વિતીય વિશ્વયુદ્ધનો વિરામ થયો. પછી તરત જ ૧૯૪૫ના જૂનની ૨૬મીએ UNO – United Nations’ Organisation – સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પછી તરત જ એના ઉપક્રમે મનુષ્યજાતિની વિવિધ ક્ષેત્રની પ્રવૃત્તિઓના વિકાસ અને વિસ્તાર અર્થે વિવિધ શાખા-પ્રશાખાઓ પણ સ્થાપવામાં આવી હતી. એમાં એક શાખા હતી UNESCO – United Nations’ Educational, Scientific and Cultural Organisation. આરંભમાં આ પ્રશાખાની સ્થાપના સમિતિએ એને UNECO – United Nation’s Educational and Cultural Organisation એવું નામ આપ્યું હતું. ૧૯૪૬માં લંડનમાં આ સ્થાપના સમિતિની પ્રથમ ઍડહૉક મીટિંગ યોજવામાં આવી હતી. એમાં અમેરિકાના પ્રતિનિધિમંડળમાં એક સભ્ય હતા કવિ આર્ચિબાલ્ડ મેક્લીશ. આ પ્રતિનિધિમંડળે – સવિશેષ તો આર્ચિબાલ્ડ મેક્લીશે – આ નામમાં E અને C ની વચ્ચે Scienceનો S હોવો જોઈએ એવું સૂચન કર્યું હતું. આરંભમાં તો અન્ય દેશોના સભ્યો – શિક્ષણકારો, સંસ્કારસ્વામીઓ અને વિજ્ઞાનીઓ સુધ્ધાં – એ એનો અસ્વીકાર કર્યો હતો. શિક્ષણ અને સંસ્કારની સાથે સમાન સ્થાન પ્રાપ્ત કરવાની વિજ્ઞાનની પાત્રતા કે પ્રતિષ્ઠા નથી એવું એમનું મંતવ્ય હતું. પણ સદ્ભાગ્યે અંતે એમણે મને-કમને આ સૂચનનો સ્વીકાર કર્યો હતો, કારણ કે શિક્ષણના E અને સંસ્કારના Cની વચ્ચે સાયન્સનો S મૂકવાનો હતો ને! વિજ્ઞાનની એક બાજુ શિક્ષણ અને બીજી બાજુ સંસ્કાર છે, વચમાં હાથકડી છે ને! પછી વિજ્ઞાનનો શો ભય છે ? કદાચ અન્ય સભ્યોએ આવું કંઈક સમાધાન કર્યું હશે અને અંતે આ સૂચનનો સ્વીકાર કર્યો હશે : ભલે UNECO નહિ, પણ UNESCO નામ આપવામાં આવે! આજના જગતનું અને જીવનનું સત્ય એ છે કે એમાં વિજ્ઞાન સર્વવ્યાપી અને સર્વસમર્થ છે, વિજ્ઞાનનું વર્ચસ્ છે. આજના જગતમાં વિજ્ઞાનની અનુપસ્થિતિમાં શિક્ષણ અને સંસ્કાર જ નહિ, ધર્મ, રાજ્ય અને સાહિત્યનો – સમગ્ર જીવનનો વિચાર સુધ્ધાં કરવો અશક્ય છે. વિજ્ઞાન વિના આ સૌ વાનાં અર્થહીન અને મૂલ્યહીન છે. આજના જગતનું અને જીવનનું આ સત્ય સ્થાપના સમિતિના અન્ય સભ્યો – વિજ્ઞાનીઓ સુધ્ધાં – ને ન સૂઝ્યું અને એક કવિને સૂઝ્યું એમાં કોઈ આશ્ચર્ય નથી. વળી આર્ચિબાલ્ડ મેક્લીશે સભ્યોને એમ પણ કહ્યું, ‘UNECO કરતાં UNESCO વધુ મધુર છે, શ્રવણપ્રિય છે.’ આર્ચિબાલ્ડ મેક્લીશ કવિ હતા ને! આ ઘટના પછી આજે છ દાયકાનો સમય વહી ગયો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં અને સવિશેષ તો છેલ્લા એક દાયકામાં વિજ્ઞાનની એકેએક શાખા-પ્રશાખામાં છેલ્લા છ દાયકામાં નથી થયો એવો અભૂતપૂર્વ વિકાસ અને વિસ્તાર થયો છે. ઇન્ટરનેટ, ઇ-મેઇલ, મોબાઈલ, ટેલિવિઝન આદિ યંત્રવિજ્ઞાનનાં સાધનો દ્વારા સંદેશાવ્યવહારમાં અને જેટ, રૉકેટ, સેટેલાઇટ આદિ યંત્રવિજ્ઞાનનાં સાધનો દ્વારા વાહનવ્યવહારમાં અભૂતપૂર્વ ક્રાંતિને કારણે મનુષ્યજાતિ ૨૧મી સદીના આરંભે યંત્રવૈજ્ઞાનિક યુગમાં પ્રવેશી ચૂકી છે. આ કાળપુરુષનું વિધિનિર્માણ છે, એમાં કોઈ વિકલ્પ નથી. યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ મનુષ્યનું સર્જન છે. યંત્ર ચક્ષુગમ્ય છે, મંત્ર શ્રવણગમ્ય છે. પણ યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ આધ્યાત્મિક સર્જન છે. એથી યંત્ર એ જ મંત્ર છે. આજે આ પૃથ્વી પર એક યંત્રવૈજ્ઞાનિક નગર – એક વૈશ્વિક નગર અસ્તિત્વમાં આવી રહ્યું છે. વળી માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહો આ પૃથ્વીની ભ્રમણરેખાની પેલી પાર અવકાશમાં ઘૂમી રહ્યા છે અને આપણી આ ચિરપરિચિત પૃથ્વીને અગમ્ય એવા અવકાશ સાથે સાંધી-બાંધી રહ્યા છે. એથી દૂર-અદૂરના ભવિષ્યમાં યંત્રવૈજ્ઞાનિક સમાજ અને યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિનું એટલે કે વૈશ્વિક સમાજ અને વૈશ્વિક સંસ્કૃતિનું અનિવાર્યપણે નિર્માણ થશે. રવીન્દ્રનાથનું વૈશ્વિક માનવતાવાદનું સ્વપ્ન અને ગાંધીજીનું વિશ્વબંધુત્વનું દર્શન યંત્રવિજ્ઞાન દ્વારા સિદ્ધ થશે : ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘એકનીડમ્’ એ સ્વપ્ન નહિ, વાસ્તવ હશે. વિજ્ઞાન એ એક નૈતિક-આધ્યાત્મિક મૂલ્ય છે. એ એક ધર્મનિરપેક્ષ અને બિનસાંપ્રદાયિક મૂલ્ય છે. એ ધર્મ અને રાજ્યની સીમાઓ અને બાધાઓથી પર અને પાર છે. એથી એને કોઈ રાષ્ટ્રીય સીમા નથી. એને કોઈ ધાર્મિક ઝનૂન નથી. ધર્મના ભિન્નભિન્ન સંપ્રદાયો અને રાજ્યની ભિન્નભિન્ન વિચારાધારાઓ મનુષ્યજાતિને તોડે છે, વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન મનુષ્યજાતિને જોડે છે. વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન નિષ્પક્ષ અને નિર્વૈયક્તિક છે, એથી એ વૈશ્વિક અને જાગતિક છે. એ મનુષ્યમાત્રને ઉપલબ્ધ અને ઉપયોગી છે. એમાં જાતિભેદ કે લિંગભેદ નથી, એમાં ઉચ્ચાવચતાક્રમ નથી. એમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી. એ સ્વયં એક માનવતાવાદી ધર્મ છે. પૂર્વોક્ત વૈશ્વિક સમાજ અને વૈશ્વિક સંસ્કૃતિ પ્રાદેશિકતા અને રાષ્ટ્રીયતાને અતિક્રમી જશે. આજે જે ભિન્નભિન્ન સમાજો અને ભિન્નભિન્ન રાજ્યો છે તે, અલબત્ત, હવે પછી અદૃશ્ય કે અલોપ તો નહિ થાય, પણ એ પ્રત્યેક સમાજ અને સંસ્કૃતિએ, ધર્મ અને રાજ્યે આ વૈશ્વિક સમાજ અને સંસ્કૃતિ, આ માનવાતવાદી ધર્મ અને જગતરાજ્યના અંતર્ગત અંશ-રૂપે, આ નવા પરિમાણ સાથે આ નવા પરિવેશમાં વસવાનું અને વિકસવાનું રહેશે, એને અનુકૂળ અને અનુરૂપ એવું પરિવર્તન અને પુનર્નિર્માણ કરવાનું રહેશે. હવે પછી સાહિત્યમાં માત્ર પ્રાદેશિકતા કે રાષ્ટ્રીયતાની ખોજ કરવાની નહિ, પણ વૈશ્વિકતાની ખોજ કરવાની રહેશે. આ નવા સંદર્ભમાં વૈશ્વિકતાની સાથે સુસંગત અને સુસંવાદી એવી પ્રાદેશિકતા અને રાષ્ટ્રીયતાની ખોજ કરવાની રહેશે. સાહિત્યકારે પ્રાદેશિક કે રાષ્ટ્રીય મટ્યા વિના વૈશ્વિક થવાનું રહેશે. એની વૈશ્વિક એવી સજાગતા અને સભાનતા, સંવેદના અને સહાનુભૂતિ હશે. સમગ્ર મનુષ્યજાતિનું ભવિષ્ય એ એની ચિંતા અને ચિંતનનો વિષય હશે. સમગ્ર મનુષ્યજાતિનાં સુખદુ:ખ એ એનાં સુખ-દુ:ખ હશે. આ સંદર્ભમાં ૨૦મી સદીના ગુજરાતના ત્રણ મોટા ગજાના કવિઓનાં આર્ષદર્શન જેવાં કેટલાંક વિધાનોનું સ્મરણ કરવું જોઈએ. બલવન્તરાયે ૧૯૩૮માં એમના ‘સોરાબ અને રુસ્તમ’ વ્યાખ્યાનમાં કહ્યું છે, ‘આખી પૃથ્વી પર એક જ રાજ્યછત્ર, આખી જનતામાં એક જ જાતની શાસનવ્યવસ્થા, એક જ જાતની ઉત્પાદન-વ્યવસ્થા, એક જ ધર્મ, એક જ કેળવણી અને વળી એક જ અસ્મિતા, હાલની સંકુચિત સામસામે ઝઘડતી હિંસક, અરે લોહી ઓકતી અને રેલાવતી પ્રજાસ્મિતાઓ(Nationalism)ને ઠેકાણે એક જ સ્થાયી જગદ્વ્યાપી અહિંસક અથચ સેવાપ્રેમના ઉત્સાહોલ્લાસ પ્રવર્તતી માનવાસ્મિતા – એ માનવાસ્મિતાનો સમય આવશે અને ચિરંજીવ સમતાયુગ સ્થપાશે એમ હું તો આશા રાખી શકું છું.’ ૧૯૪૧માં ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં એમણે કહ્યું છે, ‘માનવજાતિ આખીયે એક છે... આ નવો આખા મનુકુળના ઐક્યનો યુગ બેસી ચૂક્યો છે. ગુજરાતી કાવ્યકલાભક્તો, ગુજરાતી પ્રજાના સૌંદર્યરસિકો, તમે કૂપમંડુકતાને અશક્તિ ગણો, માનવકલાસાગરનાં બહોળાં સલૂણાં પાવક જલોમાં આવો, પૃથ્વીને આપણે ખૂણે આપણી વાણીમાં ફૂટતાં સર્જનસ્રોતને ત્હમે એ મહાસ્રોતને નમૂને સરખાવી જુવો. આખી માનવજાતિ જેનું કવિત્વ સ્વીકારી ભોગવી શકે તે જ સાચો કવિ... એવા સાચા કવિ ગુજરાતે પણ પાકો એ જ અમારી નવીનોની મહેષણા છે.’ ન્હાનાલાલે ૧૯૨૭માં ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’માં કહ્યું છે, ‘ગુર્જર કલાધીશોને, ગુર્જર કવિવરોને, ગુર્જર સાહિત્યકારોને મ્હારી વીનવણી એટલી છે : ‘ગુજરાતીમાં સાહિત્ય’ એ પ્રશસ્તિવાદના ગોઝારા મોહકૂપમાં પુરાઈને ન ડૂબતા. દૃષ્ટિ સદા વિશ્વ પ્રતિ રાખજો કે ‘મ્હારા લેખનું જગતસાહિત્યમાં સ્થાન શું ?’ ઉમાશંકરે ૧૯૬૭માં ‘કવિની શ્રદ્ધા’ વ્યાખ્યાનમાં કહ્યું છે, ‘જાગતિકતાની ખોજનો સાહસભર્યો પુરુષાર્થ આપણે યુગબળથી આદરી ચૂક્યા હોઈએ એવાં ચિહ્નો દેખાય છે.’ વિજ્ઞાન અને સાહિત્યના સંદર્ભમાં ભારતમાં એકમાત્ર રવીન્દ્રનાથના સાહિત્યમાં વિજ્ઞાન વિશેની સંવેદના અને સભાનતા છે, વિજ્ઞાનપ્રેરિત કલ્પનો, ઉપમાઓ, રૂપકો અને વસ્તુવિષય છે. ૧૮૭૦-૭૧થી, ૯-૧૦ વર્ષની વયથી તે ૧૯૩૭ લગી, આયુષ્યનાં અંતિમ વર્ષો લગી, લગભગ સાત દાયકા લગી રવીન્દ્રનાથે વિજ્ઞાનનું આકર્ષણ અનુભવ્યું હતું. ૧૯૩૭માં એમણે વિજ્ઞાન વિશે મૌલિક લઘુગ્રંથ ‘વિશ્વપરિચય’ રચ્યો હતો. એમણે જીવનભર વિજ્ઞાન વિશેના ગ્રંથોનું વાચન-મનન-ચિંતન કર્યું હતું. ૧૯૩૭માં એક પત્રમાં એમણે લખ્યું છે, ‘હું સાહિત્યના ગ્રંથોથી વિશેષ તો વિજ્ઞાનના ગ્રંથોનું વાચન કરું છું.’ એમણે વિજ્ઞાન વિશે વારંવાર નિબંધલેખન કર્યું હતું. જગદીશચંદ્ર બોઝ સાથે એમને જીવનભરની અંગત આત્મીય મૈત્રી હતી. ૧૯૨૧થી ૧૯૩૦ના દાયકા દરમિયાન આઇન્સ્ટાઇન સાથે એમનું ચાર વાર મિલન થયું હતું. એમાં એમની વચ્ચે વિજ્ઞાન, કવિતા અને સંગીત વિશે સંવાદ – બલકે વાદવિવાદ થયો હતો. વિજ્ઞાન અને કવિતા બંને મહાન માનવમૂલ્યો છે. પણ વિજ્ઞાનનું સત્ય એ પરલક્ષી એટલે કે માનવબોધ અને માનવભાવથી વિયુક્ત એવું સત્ય છે, જ્યારે કવિતાનું સત્ય એ કોઈ એક કવિનું આત્મલક્ષી નહિ પણ વિશ્વમાનવનું આત્મલક્ષી એટલે કે માનવબોધ અને માનવભાવથી યુક્ત એવું સત્ય છે – આ એમની વચ્ચેના વાદ-વિવાદનો મુખ્ય વિષય હતો. જગપ્રસિદ્ધ પદાર્થવિજ્ઞાની હાઈઝનબર્ગ રવીન્દ્રનાથના દૃષ્ટિબિંદુથી પ્રભાવિત થયા હતા અને ૧૯૨૯માં શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ સાથે એમનું મિલન થયું હતું. મનુષ્યની જીવનયાત્રામાં વિજ્ઞાન અને સાહિત્ય સહભાગી હોય, સાહિત્યમાં વિજ્ઞાનની પરલક્ષિતા હોય અને વિજ્ઞાનમાં વિશ્વમાનવીની આત્મલક્ષિતા હોય એ આવશ્યક છે – બલકે અનિવાર્ય છે એ રવીન્દ્રનાથનું વિજ્ઞાન અને સાહિત્ય વિશેનું સંપૂર્ણ અને સર્વગ્રાહી દર્શન હતું. એક સર્જક તરીકે રવીન્દ્રનાથના જીવનમાં અને સર્જનમાં વિજ્ઞાન સાથેની જીવનભર સતત જે સક્રિય અને સઘન આદરપૂર્વકની આત્મીયતા હતી તે જગતભરમાં એમની કક્ષાના અન્ય પ્રતિભાશાળી સર્જકમાં ભાગ્યે જ હશે. રવીન્દ્રનાથ વિજ્ઞાન અને સાહિત્યના સંદર્ભમાં માત્ર ભારતના સર્જકોમાં જ નહિ, પણ જગતભરના સર્જકોમાં પણ અપવાદરૂપ છે. ૧૯મી સદીમાં આદર્શવાદના સંદર્ભમાં મનુષ્યના ‘સ્વ’નો – ‘હું’નો મહિમા થયો હતો. ૨૦મી સદીમાં બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયમાં વાસ્તવવાદ આદિ અનેક વાદોના સંદર્ભમાં મનુષ્યના ‘સ્વ’ની – ‘હું’ની મર્યાદાનું દર્શન થયું હતું. વિજ્ઞાન નિષ્પક્ષ અને નિર્વૈયક્તિક છે, વિજ્ઞાની અનાસક્ત અને સ્થિતપ્રજ્ઞ છે. વિજ્ઞાન અને વિજ્ઞાનીમાં detachment – તટસ્થતા હોય છે. વિજ્ઞાનમાં વિજ્ઞાનીના ‘સ્વ’ને માટે – ‘હું’ને માટે કોઈ અવકાશ હોતો નથી. સાહિત્ય માટે અને સાહિત્યકાર માટે આ વિજ્ઞાન અને વિજ્ઞાનીનો મોટામાં મોટો બોધપાઠ છે. એથી ૨૧મી સદીના સાહિત્યમાં કોઈ એક સાહિત્યકારના સ્વાનુભવની આત્મલક્ષિતા તો હશે, પણ એથીયે વિશેષ તો સાથેસાથે એમાં વિશ્વમાનવના અનુભવની આત્મલક્ષિતા પણ હશે. જે સાહિત્ય-કવિતા, નાટક, નવલકથા, વાર્તા – આદિમાં આ વિશ્વમાનવના સ્વાનુભવની આત્મલક્ષિતા ન હોય તે સાહિત્ય સ્મૃતિબદ્ધતા (nostalgia)નું, પલાયનવૃત્તિ-(escapism)નું આત્મરતિ(solipsism)નું કાલગ્રસ્ત સાહિત્ય હશે. ટૂંકમાં, હવે પછીના યુગોનું સાહિત્ય વિજ્ઞાનના સંદર્ભને કારણે વૈશ્વિક માનવતાવાદનું સાહિત્ય હશે. ૧૮૬૦માં બોદલેરે એમના એક અપ્રગટ ભરતવાક્યમાં લખ્યું હતું, ‘I have performed my task like a chemist and a saint.’ – ‘મેં મારું કવિકર્મ એક વિજ્ઞાની અને એક સંતની જેમ કર્યું છે.’