નર્મદ-દર્શન/આ કાવ્ય, તે ઘટના!
નર્મદનું આ કાવ્ય વાંચીએ–
વિછૂટી હરિણી જૂથથી, બ્હાવરિ ભટકે હાય;
નદીપૂર વ્હે તેહમાં, પડી તણાઈ જાય.
દયા વ્હાલ મુજ મનમાં, ક્યારે કાડું બ્હાર;
ભાવી સંકટ ધારતાં, પડે ઘણો વિચાર.
જાઊં કહાડવા તો કદી, હું પણ ડૂબી જાઊં;
કદી ડુબાડે વળગિ તે, એમ વળી ગભરાઊં.
પણ જારે હું જોઊં કે, તે આતુર બહુ જોય;
આશા રાખે માહરી, ટળવળતી તે સ્હોય.
કેમ ન ત્યારે હું પડું, રક્ષણ કરવા કાજ;
પ્રેમશૌર્ય ઝાંખાં પડે, તેમાં શી મુજ લાજ.
નક્કી હું ઝંપલાવું રે, થવાનું હોય તે તો થાય;
લોક ગમે તેમ બોલજો, ચિત્ત શુદ્ધ સોહાય.
આભ પડો પૃથ્વી ગડો, લય પામો સંસાર;
પ્રેમ શૌર્યને કારણે, વિપ્ર ક્ષત્રિ અવતાર.
વિશ્વનાથ ભટ્ટે ‘વીર નર્મદ’માં વિધવા સવિતાગૌરીને નર્મદે આશ્રય આપ્યો તે ઘટના સાથે આ કાવ્યનો સંદર્ભ હોવાનું અનુમાન કર્યું છે :
- “... અને હવે આ એના સુધારક જીવનનો ઉદ્દામ શૌર્યભર્યો પ્રસંગ આવ્યો. કોઈ એક ગભરુ વિધવા ક્યાંક ફસાઈ ગઈ છે. ભારે ઓપટીની વેળા આવી પહોંચી છે. તેને કોઈ સંઘરતું નથી. નર્મદ પાસે આશ્રય માગવા આવે છે, પણ આશ્રય આપવો એ પણ અતિ વિકટ કામ છે. સમસ્ત લોકવર્ગ વિરુદ્ધ છે, નર્મદ એ સૌની સામે થઈને બાઈને કહે છે કે, “આવ, જગતમાં ક્યાંયે ન સમાય તેને માટે મારા ઘરમાં સ્થાન છે.”
આમ સંવેદનશીલ ભૂમિકા બાંધી, તેઓ કહે છે : ‘નર્મદે આ કાવ્ય તે પ્રસંગ વિશે જ લખ્યું લાગે છે.’ તેમના આ વિધાનમાંના ‘જ’ અને ‘લાગે છે’ એ અનુક્રમે નિશ્ચયાર્થ અને સંભવાર્થ પરસ્પર અસંવાદી છે. વિવેચકના ચિત્તમાં કેટલીક અવઢવ છે. નિશ્ચયાર્થવાચક ‘જ’ તેમની પ્રતીતિનો દ્યોતક છે તો સંભવાર્થ ‘લાગે છે’ એ પ્રતીતિના સમર્થનમાં ઠોસ પ્રમાણ નથી તેનો સ્વીકાર છે. તેઓ નિખાલસતાથી છતાં નિશ્ચયપૂર્વક પાદટીપમાં ઉમેરે છે :
- ‘ “લાગે છે” એમ એટલા માટે લખવું પડ્યું છે કે આ કાવ્ય કશા પણ ખુલાસા વગર નર્મદે સીધેસીધું છાપી નાખ્યું છે, ઉપર મથાળું નથી, ને નીચે ટીપ પણ નથી. નાનામાં નાની વાત પણ નોંધ્યા વિના ન રહેનાર નર્મદનું આ મૌન જરા આશ્ચર્યજનક છે. આ સ્થિતિમાં આપણે અનુમાન કરવાનું જ રહે છે, પણ અનુમાનમાં કંઈ ભૂલ ખાતા હોઈએ એવું લાગતું નથી.”
આ ટીપ પણ ભારે લાક્ષણિક છે. ‘અનુમાન’ કર્યું, કહ્યું એટલે તે સાચું ન હોવાની પણ માનસિક તૈયારી હોવી જોઈએ. ‘ભૂલ ખાતાં હોઈએ એવું લાગતું નથી’ – એમ ફરી સંભવાર્થવાચી વિધાન કરીને નિશ્ચયાર્થી વિધાન કરવામાં તો તર્કની ભૂમિકા દોદળી બને છે. નર્મદના મૌન પાછળની ભૂમિકા તપાસીશું તો તે મૌન મૌન નહિ રહે, નર્મદ મરમાળું સ્મિત કરતો જણાશે. પ્રીતિસંબંધી અનેક કાવ્યોમાં અરુચિકર, અશ્લીલતાની હદે પહોંચતાં નિમિત્તોના સંદર્ભો નોંધતા આ સાહસિક કવિને આ કાવ્યનું નિમિત્ત છુપાવવાનું કશું જ કારણ ન હોઈ શકે. તે કામ પણ તેણે જગજાહેર રીતે કર્યું હતું. તેને માટે તો ગમે તે ક્ષણ કાવ્યની હતી. જે ક્ષણે જે લખ્યું, જેવું લખ્યું, તે અને તેવું તેણે છાપી નાખ્યું છે. કશું રદ કરવું એ તો તેના સ્વભાવમાં જ નહિ. આ કાવ્યના રચનાનિમિત્તની નોંધ તેણે રાખી હોત તો તે તેણે પ્રગટ કરી જ હોત. ‘મારી હકીકત’ની ગણતર નકલો તેણે છપાવી તે પહેલાં બનેલી આ ઘટના વિશે ત્યાં કે ‘ઉત્તર નર્મદ ચરિત્ર’માં પણ કોઈ ઉલ્લેખ નથી. આ ઘટના કદાચ તેને એટલી મહત્ત્વની લાગી નથી. આ કાવ્યનો સંદર્ભ સવિતાગૌરીવાળી ઘટના સાથે છે, નર્મદાગૌરીની ઘટના સાથે નથી તે વિશે તો વિશ્વનાથભાઈ સ્પષ્ટ છે. પ્રચંડ લોકવિરોધ સહન કરી, નાતબહાર રહીને પણ નર્મદે એ અબળાને આશરો આપ્યો, થોડાં વરસ પછી નાતે સમાધાન કરી તેનો સ્વીકાર કર્યો, ‘ત્યાં વળી બીજી એક વિધવાની વહારે ચડવાનો પ્રસંગ આવે છે તે વખતે પણ તે ભૂતકાળમાં વેઠેલી વિપત્તિઓના અનુભવથી ડગી ન જતાં એટલી જ તત્પરતાથી તેને સહાય કરે છે... તેને પોતાની ધર્મપત્ની કરી સ્થાપે છે.’ આ પ્રકારનો ઘટનાક્રમ આપીને તેમણે આ સંદર્ભ વિશદ કર્યો છે. આ કાવ્યનું હરિણીનું રૂપક વિશ્વનાથભાઈનું અનુમાન ખમી શકે એવું તો છે જ. પરંતુ તેમણે તેની નિઃસહાય પરિસ્થિતિ વર્ણવતાં કરેલા કેટલાક શબ્દપ્રયોગો તેમના અનુમાનની નીચેની શેતરંજી ખેંચી લે છે. સવિતાગૌરી – ગભરુ વિધવા – ફસાઈ ગઈ હતી એટલે બીજાથી સગર્ભા હતી? ‘ઓપટીની વેળા’ આ સંજોગને દૃઢાવે છે. ‘પ્રેમશૌર્ય’નો ઝંડાધારી નર્મદ ‘વિપ્રક્ષત્રિ’નો અવતાર પણ ખરો. પરંતુ પારકાના સંતાનનો પિતા બનવાનું ‘મૂળદાસકર્મ’ તેની egotist પ્રકૃતિએ સ્વીકાર્યું હશે? સવિતાને તેણે પોતાના ઘરમાં નહિ, બાજુના ઘરમાં આશ્રય આપ્યો હતો છતાં વ્યવહાર તો તે તેની સાથે પોતાની સ્ત્રી તરીકેનો જ રાખતો હતો. તેણે તેને પોતાની ‘ત્રણ સીતાઓ’માંની એક ગણી તેને પોતાના ‘દક્ષ સ્નેહ’ની ભાજન પણ બનાવી હતી. (સન ૧૮૮૦ની નોંધ, ‘ઉત્તર નર્મદ ચરિત્ર’.) સવિતાને પહેલાં કે પછી બાળક થયું હોવાનું કોઈ સ્થળે નોંધાયું નથી. વસ્તુતઃ વિશ્વનાથભાઈએ પોતાના અનુમાન માટે વિનાયક નંદશંકર મહેતાની નીચેની નોંધમાંથી સૂચન મેળવ્યું છે :
- ‘નર્મદ ખરા દિલનો હતો. જે ગમ્યું તે કરવું જ જોઈએ— થવું જ જોઈએ. જ્યારે એક અનાથ વિધવાનો કઠિન સમય નજીક આવ્યો ત્યારે કવિએ તેને કહ્યું, “આવ મારે ઘેર, તું ત્યાં સમાશે.”... સવિતાગૌરી જોડેના તેના સંબંધ વિશે ડાહ્યલાઓ ગમે તે કહે, પણ હું તો હજુયે કહું છું કે શરૂઆતમાં એના વર્તન માટે જે કહો તે ખરું, પણ જે વાત બનવાની તે બની ચૂક્યા પછી તો જે માર્ગ બાકી હતો તે જ માર્ગ તેણે સ્વીકાર્યો; ને “દાનવો”ના ત્રાસમાંથી તેને બચાવી.’ (નંદશંકર જીવનચિત્ર, આ. ૨, પૃ. ૭૯)
વિનાયક મહેતાએ જે કહ્યું છે તે જ શબ્દફેરથી પરંતુ શૈલીફેર વિના વિશ્વનાથભાઈ પણ કહે છે એ બંનેના ફકરાઓનાં વાક્યોનો વળોટ તપાસતાં સ્પષ્ટ થશે. નર્મદની ઉત્સાહી, (દુઃ)-સાહસિક પ્રકૃતિ વિશે વ્યાપક અવલોકનમાં વિનાયક મહેતા કહે છે :
- ‘નર્મદમાં કંઈક બડાશ મારવાની ટેવ હતી, તેથી ન કરેલાં પાપ પણ તે વહોરી લેતો. “જાઓ તમે થાઓ છો કોણ? જે કરવું હોય તે કરી લેજો. હું તમારા જેવો ગુપ્ત પાપી નથી!” આવા તેના સ્વભાવને લીધે મારી ખાતરી છે કે, તેને માટે જેટલું કહેવાતું, તેમાંથી વીશમે હિસ્સે પણ ભાગ્યે ખરું હશે!’
વિશ્વનાથભાઈની નોંધમાં, આ અવલોકનના પ્રથમ વાક્યને ઉપલા ફકરાના સંદર્ભમાં જોડી દેવાયું. જો સવિતાના સંદર્ભમાં જ પોતે ‘ન કરેલાં પાપ’ વહોરવાની વાત હોત તો તે વાક્ય ઉપરના ફકરામાં જ ન મૂક્યું હોત? બીજા ફકરાનું છેલ્લું વાક્ય પણ કવિને એંશી ટકા આ પાપમાંથી મુક્ત નથી કરતું? નર્મદે સવિતાને ‘દાનવો’ના ત્રાસમાંથી ઉગારી, અપનાવી એથી વિશેષ અર્થ વાંચવો તાર્કિક નથી. માની લઈએ કે સવિતા નર્મદથી કે બીજાથી ફસાવાઈ હતી, ઓપટીની વેળા હતી તો તે બાળક ક્યાં ? તેના ગર્ભસ્થ બાળકનો, જન્મ પહેલાં કે પછી, બીજા કિસ્સાઓમાં તે સમયે થતો તેવો અને તે રીતે – મોં પર ઓર ઢાંકી ગૂંગળાવી કે મોંમાં ધગધગતા અંગારા મૂકી કે ગળાચીપ દઈ –નિકાલ કરાયો હશે? આવા અત્યાચારો વિશે ધગધગતી ભાષામાં લખનાર નર્મદની તેમાં સંમતિ કે સામેલગીરી હશે ખરી? અમુક કાવ્ય અમુક ઘટનાના સંદર્ભમાં લખાયું છે તેવા અનુમાન પર આવતાં પહેલાં cross checking એક અનિવાર્ય પ્રવિધિ ગણાય. વિશ્વનાથભાઈએ આ કાવ્યને ‘નર્મદનું મંદિર’ (પદ્ય વિભાગ)-માં ‘ભવરણ જોદ્ધો’ વિષયક વિભાગમાં વર્ગીકૃત કર્યું છે. તેમના ચિત્તમાં આ કાવ્ય અને તે ઘટના વચ્ચેનો સંબંધ એટલો દૃઢ થઈ ગયો હતો કે કવિએ પોતે જ તેને ‘ઈશ્વર સંબંધી’ કાવ્યોના વિભાગમાં, ‘જ્ઞાનપૂર્વક વૈરાગ્ય’ લેખે વર્ગીકૃત કર્યું છે તેની તેમને સરત ન રહી. ‘જ્ઞાનપૂર્વક વૈરાગ્ય’ના પેટાવિભાગનાં કેટલાંક કાવ્યો શૌર્યનાં અને પ્રેમનાં પણ છે. પ્રીતિથી વિરક્તિ પણ તેમાં અનિવાર્યતયા નથી. પ્રીતિવિચ્છેદનો શોક પણ તેમાંની કેટલીક રચનાઓમાં છે. તેમ છતાં નિર્વેદની છાયા તેમાં પ્રગટ નહિ તોય અણસાર રૂપે આવી છે. આ કાવ્યમાં નિર્વેદ વ્યંગ્ય રૂપેય નથી, તેથી આ વર્ગીકરણ વિલક્ષણ જણાય છે. પોતાના જીવનની આ અથવા આવી કોઈક ઘટના અને કાવ્યને વિછિન્ન રાખવાની તો એ યુક્તિ નથી ને? આવી ઘટના અને આવા કાવ્ય વચ્ચે સંબંધ વાંચવાની ઘટના ગુજરાતી સાહિત્યમાં આ પછી પણ બની છે તે યાદ કરીએ તો આ કાવ્ય એક રૂપક અથવા પુરાકથા સાથે અનુસંધાન ધરાવતું સમજાશે. ‘કલાપી’નું ‘ભરત’ કાવ્ય અને તેમાંનું હરિણીશાવકનું કલ્પન વિચારીએ. પુરાણકથાનો તપસ્વી ભરત પેલા ‘વિપ્રક્ષત્રિ અવતાર’માંનો વિપ્રધર્મી જણાશે. નર્મદે અલબત્ત પુરાણના ભરતનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એથી હરિણી જેવી નિર્દોષ, મુગ્ધ, નિરાધાર કોઈ વિધવાને બચાવવાનું આ વિપ્રનું, સાત્ત્વિક પ્રકૃતિના મનુષ્યનું અને શરણાગતધર્મી ક્ષત્રિયનું કર્તવ્ય છે એવો, એટલો જ, એટલો તો ખરો જ, રૂપકાર્થ અહીં સૂચવાય છે. આ રૂપકાર્થ અંગત પ્રીતિસંદર્ભી હોત તો કવિએ તેને પ્રીતિસંબંધી કાવ્યો સાથે જ વર્ગીકૃત કર્યું હોત. આ કાવ્ય અંગત સંદર્ભ ધરાવતું નથી. આ નિરપેક્ષતા દર્શાવવા કવિએ તેને વિ-રાગવિષયક કાવ્યો સાથે ગોઠવ્યું છે. આમ કરવામાં હરિણશાવકને ઉગારવાના ‘ભરતધર્મ’નો જ ખ્યાલ કવિના અસંપ્રજ્ઞાત ચિત્તમાં હશે, ‘મૂળદાસધર્મ’નો તો નહિ જ. આ જમાનાની વિધવાઓની સ્થિતિ ભારે વ્યથાકારક હતી. કરુણધર્મી કવિ આ સામાજિક વિપન્નતિથી નિષ્પન્ન શોકને શ્લોકમાં પણ ઢાળે. પરંતુ આશ્રય આપવાનો વાસ્તવિક ધર્મ પ્રાપ્ત થાય ત્યારે કવિ માટે કેટલી વિધવાઓને આશ્રય આપવાની સ્થિતિ ઊભી થાય? નર્મદ વ્યક્તિ અને કવિ, તો એવી જ વિધવાને આશ્રય આપે, જેને તેણે પ્રેમ કર્યો હોય. બીજાએ પ્રેમ કરીને તરછોડી હોય તેવી અસંખ્ય વિધવાઓ પ્રત્યે તેનો કરુણપ્રેર્યો કવિધર્મ હતો; તે ઉપરાંત આશ્રયધર્મ પણ હતો એવું જો વ્યાપકભાવે ફલિત થતું હોય તો આ કાવ્ય અને તે ઘટના વચ્ચેનો અનુબંધ કલ્પવામાં વાસ્તવિકતાનો પ્રત્યવાય નડે. આ તો તાત્ત્વિક સ્તરે વાત થઈ. આપણે આ સંબંધમાં નિર્ણય લઈએ ત્યારે કાવ્યરચનાનો અને ઘટનાનો સમય પણ, આંતરપ્રમાણ ઉપરાંત બાહ્ય પ્રમાણના સમર્થન રૂપે વિચારવો જોઈએ. નર્મદે કેટલાંક જ કાવ્યોની રચ્યાતારીખ પાદટીપમાં આપી છે. ગણતર કાવ્યો વિશે જ તેણે ‘મારી હકીકત’માં અને ‘ઉ. ન. ચરિત્ર’ની નોંધમાં ઉલ્લેખ કર્યો છે. આ કાવ્યના રચનાસમય વિશે અટકળ થાય એવો કોઈ સંદર્ભ નોંધાયો નથી, સિવાય કે ‘નર્મકવિતા’નો આવૃત્તિક્રમ. નર્મદે તો જેમ જેમ કવિતા રચાતી ગઈ તેમ તેમ ‘નર્મકવિતા’ – અંક ૧, ૨, ૩ એમ કુલ દશ અંકો ક્રમશઃ પ્રગટ કર્યા હતા. તેને આધારે જે તે અંકોની કવિતાનો રચનાગાળો નિયત થઈ શકે. ૧૮૬૨માં ‘નર્મકવિતા’ પુસ્તક ૧, ૨, ૩ નું પ્રકાશન પ્રથમ આવૃત્તિ તરીકે થયું, જેને આધારે છેલ્લા અંકથી ૧૮૬૨ સુધીની રચનાઓનો રચનાગાળો નક્કી થઈ શકે. ૧૮૬૬માં કવિએ પ્રારંભથી, સપ્ટે. ૧૮૫૧ થી ડિસે. ૧૮૬૬ સુધીમાં લખાયેલી કવિતાઓનું સટીક પ્રકાશન કર્યું જે ‘નર્મકવિતા’ની બીજી આવૃત્તિ છે. આને આધારે ૧૮૬૨થી ૧૮૬૬ ના ગાળાની રચનાઓ તારવી શકાય. ૧૮૬૬ પછી કવિ પોતાના જીવનકાળ દરમ્યાન કોઈ નવી આવૃત્તિનું કે પુરવણીનું પ્રકાશન કરી શક્યા ન હતા. તેમના અવસાન પછી ૧૮૮૮માં ‘નર્મકવિતા’ની ત્રીજી આવૃત્તિનું પ્રકાશન થયું, જેમાં તેમની ‘સમગ્ર કવિતા’ આવી જાય છે. આ આવૃત્તિને આધારે જાન્યુ. ૧૮૬૭થી ફેબ્રુ. ૧૮૮૬ સુધીની રચનાઓ તારવી શકાય. પ્રસ્તુત કાવ્યનો સમયગાળો, પેલી ઘટનાના સંદર્ભમાં નક્કી કરવાનું અઘરું નથી. આ કાવ્ય ૧૮૬૬ની આવૃત્તિમાં નથી, ૧૮૮૮ની આવૃત્તિમાં છે. એથી આ કાવ્ય ૧૮૬૬ના અંત પહેલાં રચાયું નથી, પછીનાં વીશ વર્ષમાં કેાઈક સમયે રચાયું છે. સવિતાગૌરીવાળી ઘટના નિર્વિવાદ રીતે ૧૮૬૫માં બની હતી. તેથી ભાવોદ્રેકતાનું સામ્ય છતાં તે બંને વચ્ચે કેાઈ વાસ્તવિક સંબંધ નથી. ભોગીલાલ ગાંધી આ કાવ્યને નર્મદાગૌરીવાળી ઘટના સાથે જોડે છે :
- ‘૧૮૬૯ : નવી વિધવા બનેલી ‘નર્મદા’ સાથે લગ્નનું બીડું. “આભ પડો, પૃથ્વી ગડો, લય પામો સંસાર”ની ગર્જના.’ (‘નવયુગનો પ્રહરી નર્મદ’, પરિશિષ્ટ-૧).
આ નોંધ માટે તેમણે કોઈ આધાર આપ્યો નથી. સવિતાવાળી ઘટના કરતાં આ ઘટના સાથે કાવ્યનો ભાવસંબંધ નિકટનો છે, તેમ બંનેનો સમય ૧૮૬૭ પછીનો છે. પરંતુ ૧૮૬૯માં આ ઘટનાને મૂકતાં સમયનો પ્રત્યવાય નડે છે. ‘ઉત્તર નર્મદ ચરિત્ર’ના સંપાદક ન. ઈ. દેસાઈએ ‘કવિએ પુનર્લગ્ન કર્યાં’ એ શીર્ષકની નોંધમાં નર્મદાના પુત્ર જયશંકરનો જન્મ ૧૮૭૦માં થયેલો જણાવ્યો છે. તેને આધારે આઠ-નવ–દશ માસ પહેલાં આ લગ્ન થયું હશે એવું અનુમાન કરી ભોગીલાલભાઈએ તેની સાલ ૧૮૬૯ આપી, ભાવ-સંબંધને કારણે આ કાવ્યની પણ તે જ રચ્યાસાલ સૂચવી દીધી હશે? તો ઉપરના જ શીર્ષક નીચે ડાહીગવરી અને કવિ વચ્ચે આ વિષયમાં, ‘ખૂંદ્યાં ખમવા’નો તા. ૯ સપ્ટે. થી ૧૪ સપ્ટે. ૧૮૭૦-છ દિવસ સુધી ચાલેલો (સં)વાદ તેમના ધ્યાન બહાર ગયો હશે? નર્મદાગૌરી અને કવિનું લગ્ન ૧૪ અથવા ૧૫ સપ્ટે. ૧૮૭૦ના રોજ થયું હશે. તેથી વહેલું તો નહિ જ. નર્મદાગૌરી ઓધાન લઈને આવી હશે તો બાળકનો જન્મ ૧૮૭૦ના અંત પહેલાં હોઈ શકે. પરંતુ તે બાળક, આ કાવ્યના ધ્વનિ અનુસાર ફસામણનું પરિણામ હતું તો તેનો સ્વીકાર કરવાનું નર્મદની પ્રકૃતિને તો અનુકૂળ ન જ હોય. તેણે નર્મદાને સવિતાગૌરીની જેમ માત્ર આશ્રય નથી આપ્યો. તેની સાથે, ખાનગીમાં પણ, લગ્ન તો વિધિસર કર્યું હતું. ‘દાનવોના ત્રાસ’માંથી ઊગરવા, લગ્ન સિવાય પણ કવિનો કે કોઈકનો આશ્રય શોધવો પડે તેવી મજબૂરી હશે તેથી સવિતા લગ્નની શરત વિના નર્મદના ઘરમાં બેઠી. આવો કોઈ ત્રાસ કે મજબૂરી જેવું નર્મદા માટે નર્મદને આશ્રયે જવાનું કારણ નહિ હોય તેથી જ તે લગ્ન વિના કવિના ઘરમાં બેસવા તૈયાર નથી. માટે જ ડાહીગવરીને જુદી રાખવી પડે તો ભલે, નર્મદાગૌરી તો સહી જ, એવો નર્મદનો મક્કમ નિર્ણય. છ છ દિવસ સુધી એ પતિપત્ની વચ્ચે સંઘર્ષ અને મથામણ ચાલે એ જ દર્શાવે છે કે નર્મદ નર્મદાગૌરીને પુનર્લગ્નથી સ્વીકારવા નિશ્ચય કરે છે તેમાં પ્રથમ સંવેગ છે પ્રેમનો, બીજો સંવેગ છે ફરજનો. નર્મદા નર્મદથી સગર્ભા હતી તેમ માની લેવાનીયે ઉતાવળ ન કરવી જોઈએ – તે બે પાત્રોને પણ તેવી ઉતાવળ ન હતી! જયશંકરનો જન્મ એક નોંધમાં ૧૮૭૦માં બતાવનાર ન. ઈ. દેસાઈ ‘ગુજરાતી’ના ૧૦-૪-૧૯૧૦ના અંકમાં તેના અવસાનની નોંધમાં વર્ષ ૧૮૭૫ આપે છે! આમ ૧૮૭૦નું વર્ષ શંકાસ્પદ બને છે. કવિના પુત્રવત્ અંતેવાસી રાજારામ શાસ્ત્રીની નોંધ પ્રમાણે તો ૧૮૭૫માં કવિ નર્મદા સાથે મુંબઈ નિવાસ કરવા આવ્યા ત્યારે જયશંકરની વય ‘આશરે બે વર્ષની’ હતી (‘સમયવીર કવિ નર્મદનાં સંસ્મરણો : ઉ. ન. ચ., પૃ. ૭૨). આમ જયશંકરનો જન્મ ૧૮૭૨–૭૩માં. પુનર્લગ્ન માટે નર્મદાની સગર્ભાવસ્થા તાકીદનું કારણ તો નહિ જ, તેથી આ કાવ્યની ઘટનાનું પણ તે પ્રેરક કારણ નહિ. આ સંદર્ભમાં નીચેનું કાવ્ય, કવિએ આપેલી પાદટીપ સાથે તપાસીએ :
(લાવણી-દક્ષણી)
હરણી અથવા માશુકનું બોલવું. –
શું જુએ પારધી ચતુર હવે તીર મારી
આવિને કહાડી લે તીર જખમ છે કારી
લઈ જઈ દવા૧ દે નિકર૨ સેકિ ખા મૂને
રાખવી ટટળતી અહીં ઘટે નહીં તૂને
હું અબળા હરણી છઊં બની લાચારે
પ્રિય પ્રાણ નર્મ થઈ તાબે તું મારે ઉગારે
પારધી અથવા આશકનું બેાલવું. –
શું વદે મીઠી મુજ હરણી વાંક નહીં મારો
આવિને મારિ ગઈ સ્હોડ મુકીને ચારો
ગઈ ચડી સિરે ખુબ ઝૂમ ગયો કર ભાથે
કામઠી તણાઈ તીર છૂટી ગયું હાથે
હું સબળ મુસાફર છઉં બન્યો દીવાનો
દિલદાર પાઈ રસ નર્મ મને કર દાનો.૩
જોનાર અથવા કવીનું બોલવું–
શું બન્યું પછી તે કહૂં સુણો સહુ પ્રેમી૪
આવીને ઉભો તે કને નજર બહુ રહેમી
તિર ધિમે કહાડિ કરિ દૂર ચુમીઓ લીધી
તજવિજે સમારી જખમ ઉઠાડી દીધી
લઈ ગયો પછી નિજ ઘેર થઈ ખુબ રાજી
રસ નીત પાય જહાં નર્મ બની તે સાજી.
[ટીપ : ૧. જો ગમતને સારૂ મને તીર માર્યું હોય તો તારે ઘેર લઈ જઈ મને દવા કર. ૨. નહીં તો. ૩. ડાહ્યો. ૪. પ્યારને સમજનારા; રસિક જનો.]
૧૮૬૬ની આવૃત્તિમાં, પ્રીતિ સંબંધી કાવ્યોના વિભાગમાં આ કાવ્ય પણ કોઈ શીર્ષક વિના તેમ સર્ગનિમિત્તની નોંધ વિના સામેલ થયું છે. આમ તે ‘વિછૂટી હરિણી જૂથથી’ એ કાવ્ય કરતાં પહેલાંનું છે. કાવ્યનું વસ્તુ પારંપરિક લોકવાર્તા ઉપરથી લેવાયું છે એ પણ સ્પષ્ટ છે. હરિણી જેનું રૂપક છે તે નાયિકા વિધવા છે એવો તો કોઈ સંકેત આ કે તે કાવ્યમાં નથી. આ સમયે પ્રેમના સંકેતો ઝીલી શકે તેટલી વય થાય તે પહેલાં તો બાલિકાનું લગ્ન થઈ જતું. તેથી બંને કાવ્યોની નાયિકા અવિવાહિતા તો નથી જ. આ કાવ્યની હરિણીને કવિ સ્પષ્ટ રીતે માશૂક કહે છે. અહીં મામલો ફસાયેલીને ઉગારવાનો નથી, પ્રેમનો છે. પાદટીપ સાથે વાંચતાં ‘અપનાવી લે’ એવી પ્રેમના હકની માગણી પણ સ્પષ્ટ થાય છે. નાયિકા સધવા હોત તો ‘ઘેર લઈ જઈ દવા કર’ એવો પ્રશ્ન ઊભો થાત કે નહિ તે વિશે ભલે અનેક તર્કો કરીએ. નાયિકા પણ પ્રેમથી આક્રમક બની હતી, પ્રથમ ઘા તેનો હતો અને નાયક પણ ઘવાયેલો આશક છે. તે પ્રેમિકાને અપનાવી લે છે. આ ઘટનાનો પ્રવક્તા—કવિ તો તટ-સ્થ છે. અહીં વિધવા લગ્નનું વસ્તુ એટલું ઝાંખું છે કે તત્કાલીન સમાજસંદર્ભ ઉવેખીએ તો તે માત્ર નિતાન્ત પ્રેમના ભાવ-પ્રતિભાવનું જ કાવ્ય બને. નર્મદાગૌરીની ઘટનાનાં ઓછામાં ઓછાં પાંચેક વર્ષ પહેલાં તો અવશ્ય રચાયેલું આ કાવ્ય સવિતાગૌરીની ઘટનાની નજીકનું હશે? એટલું તો અવશ્ય કહીશું કે આ કાવ્યના ત્રણે ખંડોમાં છેલ્લાં ચરણોમાં ઉલ્લેખ પામેલો ‘નર્મ’ પ્રેમનો જે મર્મ સમજ્યો હતો તે રીતનો ધર્મ તેણે પાળ્યો હતો. નર્મદ અહીં પેલા પ્રવક્તા તરીકે તો પ્રસ્તુત છે જ, તેમાંનો આશક હો વા ન હો. આ સંદર્ભમાં ‘વિછૂટી હરિણી જૂથથી’ કાવ્યનું રૂપક વિશદ બને છે. કવિચિત્તમાં ભરતનું ચિત્ર તો છે જ. કવિ આવી પુરાકથાઓનું આલંબન લે છે. આ હરિણી ઉપરના કાવ્યની હરિણી જેટલી સદ્ભાગી નથી. તેનો આશક તો ઉપભોગ કરીને, ઘાયલ કરીને છોડી ગયો છે. આત્મહત્યા વિના બીજો કોઈ આરો નથી ત્યારે તે નદીમાં ઝંપલાવી દે છે. આ ઘટના ‘જોનાર’ પ્રેમશૌર્યના જોસ્સામાં તેને ઉગારી આશ્રય આપે છે. આ ‘જોનાર’ તે કવિ પોતે જ અને આશ્રય આપનાર પણ તે જ એમ સમીકરણ બાંધી લેવું? કવિ કેવળ પોતાનાં દુઃખે જ દુઃખી નથી હોતો, બીજાનાં દુઃખે પણ તે દ્રવતો, કવતો હોય છે. કાવ્યની ઉપાન્ત્ય પંક્તિમાં ‘નર્મદ તૂં ચિત્ત શુદ્ધ છે, અબળાની પુર આશ’ એમ કવિ ‘નર્મદ’ નામથી અને ‘તું’ સર્વનામથી પોતાને જ સંબોધન કરે છે, અન્ય કોઈને નહિ એમ માનવામાં કાવ્યના અવબોધમાં સાધારણીકરણની પ્રક્રિયાનો અનાદર થતો જણાય છે. નર્મદ પોતાનાં મોટા ભાગનાં પદોમાં, મધ્યકાલીન ભક્તકવિઓની જેમ, નામાચરણમાં પોતાનું નામ મૂકે છે. ત્યાં સર્વત્ર તેની સામેલગીરી, વ્યક્તિગત હોતી નથી. તેનાં કેટલાંક પ્રીતિવિષયક પદોમાં સંબોધ્ય પ્રિયતમ અને સંબોધક પ્રિયતમા હોય છે ત્યાં, કવિને બધે જ સંડોવાયેલો માનવામાં, આથી વિશેષ મુશ્કેલી થવાની. આપણે નર્મદ-વ્યક્તિના કૂંડાળામાંથી બહાર નહિ નીકળી શકીએ તો, આલંકારિકોએ ગણાવેલાં રસાસ્વાદનાં વિઘ્નોને વળોટી નહિ શકીએ. આ બંને કાવ્યોમાં નર્મદ વ્યક્તિવિશેષ મટીને વ્યક્તિસામાન્ય બને છે. પ્રથમ કાવ્યમાં અપેક્ષ્યો છે તેવો જોસ્સો, પ્રેમ-શૌર્યનો આવેશ અને આશ્રયધર્મ નર્મદ તેના પ્રત્યેક ભાવકમાં, સમગ્ર દેશજનતામાં અપેક્ષે છે. ઉપરનાં બંને કાવ્યોમાં જેમ ‘હરિણી’ રૂપક છે તેમ ‘નર્મદ’ પણ રૂપક છે.
રાજકોટ : ૪-૧૨-૮૩