નવલકથાપરિચયકોશ/મુંદ્રા અને કુલીન અથવા અરાઢમી સદીનું હિન્દુસ્તાન
મુંદ્રા અને કુલીન અથવા અરાઢમી સદીનું હિન્દુસ્તાન
ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં ૧૮૬૬માં પ્રગટ થયેલ ‘કરણ ઘેલો’ અને ૧૮૮૭માં જેનો પહેલો ભાગ પ્રગટ થયો તે ‘સરસ્વતીચંદ્ર’, એ બે વચ્ચેના સમયગાળાની ‘મુંદ્રા અને કુલીન’ એક નોંધપાત્ર નવલકથા છે. તેમાં ૧૮મી સદીના હિન્દુસ્તાનનું ચિત્ર આલેખીને લેખકે એકસાથે ત્રણ નિશાન તાક્યાં છે. પહેલું, તેમણે એક રોમાંચક પ્રેમકથા વાચકોને આપી છે. બીજું, ૧૯મી સદીના ઘણાખરા લેખકોની જેમ સમાજસુધારાની અનિવાર્યતા વાચકોના મનમાં ઠસાવી છે. અને ત્રીજું, આપણા દેશમાં કાયદાનું અને જાહેર સલામતીનું શાસન સ્થપાયું તે માટેનું શ્રેય અંગ્રેજ રાજવટને આપવા તેઓ વાચકને પ્રેરે છે. ૧૮૮૪ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં લેખક કહે છે : “રાજકર્તાની ભૂલ, તેમને તમાચો મારીને સુધારવા કરતાં તેમના હિતેચ્છુ થઈ મર્યાદા અને ઉપકારની આંખોએ વિનંતીપૂર્વક સુધારાવી હોય તો ઇન્ગ્રેજી પુત્રોની બક્ષિસો હજુ વધે.” આ નવલકથામાં અંગ્રેજી શાસન માટેનો જે આદર પ્રગટ થતો જોવા મળે છે તે આજે કેટલાકને ખૂંચે. પણ ૧૮૮૫માં કૉંગ્રેસની સ્થાપના થઈ તે પહેલાં લખાયેલી આ નવલકથા છે. અને કૉંગ્રેસમાં પણ મવાળ અને જહાલ એવી બે વિચારધારાઓ દાયકાઓ સુધી ટકરાતી રહી હતી. પણ પારસી લેખકોને ઉતારી પાડવા માટે આપણા ઘણા વિવેચકો માટે તેમની આ અંગ્રેજ રાજ માટેની નિષ્ઠા હાજર સો હથિયાર બની ગઈ છે. પણ આવી નિષ્ઠા માત્ર પારસી લેખકોમાં જ જોવા મળે છે એવું નથી. કવિ નર્મદ, કવીશ્વર દલપતરામ, નંદશંકર મહેતા વગેરે ૧૯મી સદીના ઘણા લેખકોમાં તે જોવા મળે છે. દાખલા તરીકે આ વાક્ય જુઓ : “અંગ્રેજના એક છત્ર નીચે સઘળું ગુજરાત આવી રહ્યું છે. અને પરમકૃપાળુ ઈશ્વરની ઇચ્છાથી એ પરદેશી લોકોના હાથે આ પ્રાંત પાછો મોટો થશે, પાછું કોઈ જુદી જ રીતનું નામ કાઢશે. વિદ્યા, કળા, અને સુધારો સઘળે પથરાઈને આ રળિયામણો પ્રાંત ઈશ્વરની વાડી, લક્ષ્મીનું ધામ, તથા સદ્ગુણનું સ્થાન થઈ પડશે.” આ વાક્ય કોઈ પારસી લેખકે નહિ, ‘કરણ ઘેલો’ને અંતે નંદશંકર મહેતાએ લખ્યું છે. અને આ શબ્દોને ‘કરણ ઘેલો’ની કથા સાથે કશો જ સંબંધ નથી. પંડિત યુગના ઘણાખરા લેખકોએ પારસી બોલીના ઉપયોગ માટે પણ પારસી લેખકોની ભાષાને ‘અશુદ્ધ’ કહીને ટીકા કરી છે કે ઉપહાસ કર્યો છે. અને આ વલણ આજ સુધી વધતે ઓછે અંશે ચાલુ રહ્યું છે. ઝવેરચંદ મેઘાણીનાં લગભગ બધાં જ લખાણોમાં સોરઠી બોલી હોય, ઉમાશંકરનાં એકાંકીઓમાં, પન્નાલાલ પટેલની નવલકથાઓમાં, બીજા ઘણા લેખકોની કૃતિઓમાં પ્રાદેશિક બોલી હોય, તો તેને વધાવી લેનારા વિવેચકો જ પારસી બોલીનો ઉપયોગ જોતાંવેંત નાકનું ટીચકું ચડાવે છે, આજે પણ. જોકે આ લેખક પારસી ગુજરાતીમાં નહિ, પણ ‘શુદ્ધ’ ગુજરાતીમાં જ લખનારા છે. આ બાબતમાં તેઓ બહેરામજી મલબારી અને અરદેશર ફરામજી ખબરદારના હમસફર છે. આ નવલકથાની પાર્શ્વભૂમિ દક્ષિણ હિન્દુસ્તાન છે, પણ ઘણાં પાત્રો ગુજરાતી છે. શામરાજ વેદ્યારના વારસદાર બાળક કૃષ્ણરાજની વફાદારી સ્વીકારી પોતાનું સર્વસ્વ જોખમમાં મૂકનાર કુલીન આદિ પાત્રો લેખકે મૂળ ગુજરાતી હોવાનું જણાવ્યું છે. ૧૭૯૯ના મે મહિનામાં શ્રીરંગપટ્ટનમાં સત્તા પલટો થયો, ટીપુ સુલતાનની જગ્યાએ અંગ્રેજોની મદદથી કૃષ્ણરાજને રાજગાદી પર બેસાડવામાં આવ્યો એ ઘટના કૃતિના કેન્દ્રમાં હોવા છતાં લેખકે કુલીનને કથાનું નાયકપદ આપ્યું છે તેથી ટીપુના પતન પછી પાંચેક પ્રકરણ સુધી વાર્તાને આગળ વધારી છે. મુદ્રા પ્રત્યે આકર્ષાયેલા અને કથાની શરૂઆતમાં જ કુલીનને ધમકી આપી ગયેલા તુળશી સાથે મિલકત અંગેના ઝઘડા દ્વારા લેખકે બ્રિટિશ ન્યાયાધીશની તટસ્થતાની પ્રશંસા કરી છે. લગભગ આખી કૃતિમાં મુંદ્રા અને કુલીનની કથાની સાથોસાથ બ્રિટિશ રાજવટના ફાયદાની વાત લેખકે વણી લીધી છે. એક પ્રેમી અને વીર તરીકેનું કુલીનનું ચિત્રણ કર્યા પછી, ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી, પત્ની અને પુત્રીના ભરણપોષણની ચિંતા કરતો લેખકે બતાવ્યો છે. નવલકથા ‘શુદ્ધ’ ગુજરાતીમાં લખાઈ છે, પણ પ્રસંગોપાત્ત પારસી, મારવાડી, અરબી-ફારસીની છાંટવાળી હિન્દી, વગેરે બોલીઓનો યોગ્ય ઉપયોગ લેખકે કર્યો છે. ‘કરણ ઘેલો’ કે ‘સાસુ-વહુની લઢાઈ’ આજે આપણને જેમ કાલગ્રસ્ત લાગે, તેમ ‘મુંદ્રા અને કુલીન’ પણ લાગે. પણ એ લખાઈ એ જમાનાના વાતાવરણ અને વિચારણા સાથે એનો ઘણો મેળ પડતો હતો. ફિરોઝ કા. દાવરે કહ્યું છે તેમ “હિન્દુઓના સામાજિક જીવનનું બહુ ઝીણવટથી દર્શન કરાવતી અને શુદ્ધ ગુજરાતી ભાષામાં લખાયેલી નવલકથાઓના લખનાર (પારસી) લેખકો બહુ જ થોડા છે. અને તેઓમાં જહાંગીરશાહનું સ્થાન બહુ ઊંચું રહેવું જોઈએ.”
દીપક મહેતા
સમીક્ષક, સંશોધક, સંપાદક, અનુવાદક.
૧૯મી સદીનું ગુજરાતી સાહિત્ય એમના રસનો વિષય.
કુલ ૫૫ પુસ્તક પ્રગટ થયાં.
જીવન ગૌરવ પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, ૨૦૧૪.
Email: deepakmehta@gmail.com
મુંબઈ