નવલકથાપરિચયકોશ/સાત પગલાં આકાશમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૯૩

‘સાત પગલાં આકાશમાં’ : કુન્દનિકા કાપડિયા

– ઇંદુ જોશી
Sat pagala aakash ma.jpg

કુન્દનિકા કાપડિયા એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને સંપાદક હતાં. ફિલસૂફી, પ્રકૃતિ અને સંગીતમાં તેમને ઊંડો રસ. તેમનો જન્મ ૧૧ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડીઆને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંચમહાલ જિલ્લાના ગોધરામાં અને વડોદરામાં લીધું હતું. ત્યારબાદ ભાવનગર શામળદાસ કૉલેજમાં ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. કર્યું. તેમણે ૧૯૪૨ની ‘ભારત છોડો’ ચળવળમાં પણ ભાગ લીધો હતો. મુંબઈ સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાંથી ‘એન્ટાયર પોલીટીક્સ’ સાથે એમ.એ.નો અભ્યાસ કર્યો. તેઓ ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ અને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી ‘નવનીત’ના સંપાદક પણ રહ્યાં હતાં. ‘અખંડ આનંદ’, ‘જન્મભૂમિ’માં પણ તેમણે નિયમિત લખેલું. ફિલ્મ ડિવિઝનમાં કોમેન્ટરી પણ તે લખતાં. ‘પ્રેમનાં આંસુ’ (૧૯૫૪), ‘વધુ ને વધુ સુંદર’ (૧૯૬૮), ‘કાગળની હોડી’ (૧૯૭૮), ‘જવા દઈશું તમને’ (૧૯૮૩), ‘મનુષ્ય થવું’ – તેમના નોંધપાત્ર વાર્તાસંગ્રહો છે. એમની પ્રથમ વાર્તા ‘પ્રેમનાં આંસુ’ ‘જન્મભૂમિ’ પત્ર દ્વારા યોજવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં બીજા ક્રમે પુરસ્કૃત થઈ હતી. પ્રાર્થનાઓનું સંકલન ‘પરમસમીપે’ (૧૯૮૨) પણ તેમનું લોકપ્રિય પુસ્તક છે. ‘પરોઢ થતાં પહેલાં’ (૧૯૬૮), ‘અગનપિપાસા’ (૧૯૭૨), ‘સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) – તેમની ત્રણ નવલકથાઓ છે. ‘દ્વાર અને દીવાલ’ (૧૯૫૫) અને ‘ચંદ્ર તારા વૃક્ષ વાદળ’ તેમનાં નિબંધસંગ્રહો છે. એમણે છ જેટલા અનુવાદ આપ્યા છે. ‘હિમાલયના સિદ્ધયોગી’, ‘જીવન -એક ખેલ’ અનુવાદનાં પુસ્તકો છે. તેમણે લૉરા ઈંગ્લસવાઈલ્ડરની નવલકથાનો અનુવાદ ‘વસંત આવશે’ (૧૯૬૨) નામે અને મેરી એલન ચેઝનાં શૈશવનાં સ્મરણોનો અનુવાદ ‘દિલભર મૈત્રી’ (૧૯૬૩) નામે કર્યો છે. તેમણે બંગાળી લેખિકા રાણી ચંદના પ્રવાસવર્ણનનું ભાષાંતર ‘પૂર્ણકુંભ’(૧૯૭૭) નામે કર્યું છે. ‘પુરુષાર્થને પગલે’, ‘કિશોર ડિટેક્ટિવ’ પણ તેમનાં અનુવાદનાં પુસ્તકો છે. ‘ઊઘડતાં દ્વાર અંતરનાં’ એઈલીન કેડીનો અનુવાદ છે. આ પુસ્તકમાં લેખિકાએ પોતાનું નામ માતાના નામ સાથે જોડીને ઈશા કુન્દનિકા રાખ્યું છે. તેમણે તેમનાં ઘણાં ચિંતનાત્મક લખાણો ‘ઈશા કુન્દનિકા’ના નામે લખ્યાં છે. ‘પરમ સમીપે’ અને ‘સાત પગલાં આકાશમાં’ તેમનાં ખૂબ વંચાયેલાં સર્જનો છે. ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર, શેક્સપિયર અને ઇબસનમાંથી તેમને લેખનની પ્રેરણા મળી એમ તેઓ માને છે. તેમનું તખલ્લુસ ‘સ્નેહઘન’ હતું. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. તેમાં ૧૯૮૪માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક અને ૧૯૮૫માં ‘સાત પગલાં આકાશમાં’ નવલકથા માટે સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કાર મુખ્ય છે. તેમણે ૧૯૬૮માં મોટી વયે મકરન્દ દવે જેવા પ્રતિભાસંપન્ન અને તત્ત્વદર્શી કવિ સાથે લગ્ન કર્યાં. વલસાડ પાસે આવેલા વાંકલ ગામે નંદિગ્રામ નામના પોતે સ્થાપેલા આશ્રમમાં તે બંનેએ આદિવાસીઓ અને વંચિતોના ઉત્થાન માટે ઉપયોગી પ્રવૃત્તિઓ શરૂ કરી. નંદિગ્રામ ખાતે જ ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ તેમનું ૯૩ વર્ષે અવસાન થયું હતું. તેમની ‘સાત પગલાં આકાશમાં’ નવલકથા૧૯૮૪માં પ્રકાશિત થઈ. આ નવલકથાને બીજે જ વર્ષે દિલ્હી સાહિત્ય અકાદમીનો વર્ષ૧૯૮૫નો પુરસ્કાર મળ્યો. ૧૯૮૨ના જુલાઈથી શરૂ થઈ ૪૦ અઠવાડિયાં સુધી આ નવલકથા ધારાવાહી રૂપે જન્મભૂમિ-પ્રવાસીની રવિવારીય આવૃત્તિમાં પ્રગટ થઈ હતી. તેની ૧૮મી આવૃત્તિ ૨૦૧૭માં થઈ. આ પુસ્તકમાં કુલ ચાળીસ પ્રકરણો છે અને લેખિકાએ પુસ્તક કલ્યાણ-મિત્ર મકરંદને અર્પણ કર્યું છે. પહેલા જ પાને લેખિકાએ સૂચન કરેલું છે કે, “ આ નવલકથા વાંચનારને તેની પ્રસ્તાવના વાંચવા હું ખાસ ભલામણ કરું છું. નવલકથા વાંચીને ઉદ્ભવતા પ્રશ્નોનો તેમાં જવાબ છે.” તેમાં પાન નંબર સાતથી પાન નંબર બેતાળીસ સુધીની દીર્ઘ પ્રસ્તાવના લેખિકાએ પોતે લખી છે. આ નવલકથાનો ‘દીવારોં કે પાર આકાશ’ નામે હિન્દીમાં અનુવાદ થયેલો છે. તેનાં અનુવાદક નંદિની મહેતા હતાં. આ નવલકથા પરથી એક ગુજરાતી ટી. વી. ધારાવાહિક શ્રેણી પણ પ્રસારિત થઈ ચૂકી છે. જેના સંવાદ જાણીતાં સર્જક વર્ષા અડાલજાએ લખ્યા હતા. ત્યારબાદ એક હિંદી ધારાવાહિક ‘ઉમ્મીદ નયી સુબહ કી’ પણ બની જે દૂરદર્શનના ‘દૂરદર્શન દોપહર’ પર પ્રસારિત થઈ હતી. આ ઉપરાંત આ નવલકથા પરથી રેડિયોનાટક પણ બનેલું છે. એવું તો શું હતું આ નવલકથામાં કે જેને કારણે બહારથી સ્વસ્થ, સંસ્કારી અને લોકશાહી પદ્ધતિમાં માનતા સમાજમાં ખળભળાટ મચ્યો? લેખિકા કહે છે તે પ્રમાણે આ સામાજિક નવલકથામાં મોટાભાગે સત્ય ઘટનાઓનું નિરૂપણ છે. નવલકથા ‘સમકાલીન’ પત્રમાં પ્રકાશિત થતી હતી ત્યારે મોટી સંખ્યામાં સ્ત્રીઓના પત્રો લેખિકા પર આવેલા. રોજિંદા જીવનમાં બનતી ઘણી બધી ઘટનાઓના તાણાવાણા અહીં છે. એટલે સ્ત્રીઓમાં આ નવલકથા વિશેષ લોકપ્રિય બની. સ્ત્રીઓની અંતરંગ સંવેદનાઓના પડઘા જાણે અહીં વર્ણવાયા છે. તેથી સાહિત્ય અને સમાજમાં આ નવલકથાએ હલચલ જગાડી હતી. અહીં નારીવાદી દૃષ્ટિકોણને મુખર રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે. પુરુષસત્તાક સમાજમાં સ્ત્રીઓ પાસે ખરેખર હકો છે ખરા? વ્યક્તિ તરીકે તેનું મૂલ્ય છે ખરું? – એવા પાયાના પ્રશ્નો નવલકથા ઊભા કરે છે. સમાજનો સ્ત્રીરૂપી અડધો અડધ હિસ્સો કોઈ બાબત વિશે પોતાની માંગ વિશે હડતાળ પાડે તો દરેક ક્ષેત્રમાં કેવી મુશ્કેલી ઊભી થાય તેનું ચિત્ર ઓગણચાળીસમા પ્રકરણમાં આપવામાં આવેલું છે. સ્ત્રી ઊતરતું કે ચડિયાતું સ્થાન નથી માગતી પણ વ્યક્તિ તરીકેનું આત્મગૌરવ અને સમાન હક માંગે છે તે સંદેશ આ નવલકથાનું હાર્દ છે. લેખિકાનું પોતાનું નંદિગ્રામ અહીં આનંદગ્રામ બન્યું છે જ્યાં વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને નિર્બંધ રીતે ખીલવી શકે છે. નવલકથાનું એક પાત્ર ઈશા કહે છે – ‘મુખ્ય મુદ્દો વ્યક્તિગત સ્વતંત્રતા સાચવીને બીજા સાથે સુમેળથી જીવવું અને એ સંવાદપૂર્ણ વાતાવરણમાં પોતાની અંદરની સર્જકતાને ઊઘડતી પાંગરતી અનુભવવી એ અમારી જીવન રીતિ હતી.’ લેખિકા કહે છે તે પ્રમાણે કોઈપણ વ્યક્તિ સ્ત્રી કે પુરુષ કેટલી મૂર્ખ કે દૃષ્ટિવાન છે તે તેની વિકાસયાત્રાનો સવાલ છે. આ નવલકથામાં ભાર એ બાબત પર છે કે સમાજની પ્રથા, પરંપરા, રિવાજો એવા ન હોવા જોઈએ કે કોઈ એક વર્ગ કે એક સમૂહને બીજા વર્ગ કે સમૂહ પર આધિપત્ય જમાવવાનો અધિકાર મળે. એમ કરવું એ માનવગૌરવના પાયામાં ભંગ સમાન છે. નવલકથા માત્ર વિદ્રોહ માટે નથી. નવસર્જન માટે પણ છે. સ્ત્રીઓને આદર આપતાં અને સ્ત્રીઓ પ્રત્યે સમાન ભાવ ધરાવતાં પુરુષપાત્રોનું આલેખન પણ આ નવલકથામાં છે. આમાં માત્ર વસુધા, એના, વાસંતી, લલિતા જ નથી, અહીં ઈશા-સ્વરૂપ, આભા-ગગનેન્દ્ર, આદિત્ય-અગ્નિવેશ પણ છે. સાહિત્યકાર વર્ષા અડાલજાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું, “એક સ્ત્રી તરીકે પોતાનાં સ્વપ્નો માટે જીવવું, પોતાના આદર્શોને અનુરૂપ એક સમાજનું નિર્માણ કરવું એ સૌથી મોટી વાત છે. આ કામ કુન્દનિકાબહેને આ જ સમાજની વચ્ચે રહીને કરી બતાવ્યું છે. તેમણે પોતાના કામ થકી ઘણાં જીવનને સ્પર્શ્યાં છે.” ‘સાત પગલાં આકાશમાં’ નવલકથાએ જે પ્રકારે સમાજમાં એક વૈચારિક માહોલ તીવ્રપણે ઊભો કર્યો, એક પ્રકારની ક્રાંતિની મશાલ પેટાવી એ અદ્વિતીય બની રહેશે. વર્તમાન પરિસ્થિતિમાં આજના સમયમાં આ નવલકથાનું મહત્ત્વ શું? – એવો જો કોઈને પ્રશ્ન થાય તો એમ કહી શકાય કે આજનો ભારતીય સમાજ પણ હજી સંપૂર્ણ રીતે આ પ્રશ્નનો ઉકેલ લાવી શક્યો નથી. આધુનિક જીવનશૈલીએ ભૌતિક રીતે જીવતા સમાજમાં વિચારોની આધુનિકતા હજી પણ જૂજ અંશે જોવા મળે છે તે હકીકત છે. એ દૃષ્ટિએ કોઈપણ યુગમાં કોઈ વાચક આ નવલકથા વાંચે તો તે પોતાના આ વિષય અંગેનાં અંગત મંતવ્યો વિશે વિચારતો જરૂર થાય છે. સ્ત્રી અને પુરુષના પ્રશ્નો વિશે અને સમાજમાં તેની પરિસ્થિતિ વિશેનું ફરીથી આકલન કરવા વાચક મજબૂર બને તે પ્રકારનું નિષ્ઠાપૂર્ણ ચિંતન અહીં છે. એટલે દરેક સમયમાં કે દરેક યુગમાં આ નવલકથા મહત્ત્વની બની રહેવાની એ નિશંક છે.

ડૉ. ઇંદુ જોશી
ગુજરાતી વિષયશિક્ષિકા, વડોદરા
કવિ, વાર્તાકાર, અનુવાદક, ફાર્બસ યુવાવિભાગના સંપાદક
મો. ૯૪૨૮૦૦૫૯૧૬
Email: indujoshi૩@gmail.com