નવલકથાપરિચયકોશ/હિન્દ અને બ્રિટાનિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘હિન્દ અને બ્રિટાનિયા એક રાજકીય ચિત્ર’ :
ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ

– અજયસિંહ ચૌહાણ
Hind ane britaniya.jpg

‘હિન્દ અને બ્રિટાનિયા એક રાજકીય ચિત્ર’ને લેખક ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘ગુજરાતી ભાષાની સહુથી પેહેલી રાજકીય કાદંબરી’ ગણાવી છે. આપણે જાણીએ છીએ કે નવલકથા માટે મરાઠીમાં કાદંબરી સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૮૮૫માં મુંબઈના ગુજરાતી પ્રિંન્ટિગ પ્રેસ દ્વારા પ્રગટ કરવામાં આવી. એના લેખક ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (૧૮૫૩-૧૯૧૨) ‘ગુજરાતી’ સાપ્તાહિકના તંત્રી તરીકે અને ‘ગુજરાતી પ્રેસ’ના માલિક અને પ્રકાશક તરીકે જાણીતા છે. મૂળે સુરત એમનું વતન પણ, પછી આજીવિકા અર્થે એ મુંબઈમાં સ્થાયી થયા. બાહોશ અને નીડર પત્રકાર તરીકે એમની ખ્યાતિ હતી. એમણે થોડો સમય મુંબઈ સમાચાર દ્વારા પ્રકાશિત ‘આર્યમિત્ર’ સાપ્તાહિકના તંત્રી તરીકે પણ કાર્ય કર્યું. એમના કાર્યકાળ દરમિયાન ગુજરાતી પ્રેસે પોતાના સાપ્તાહિકના ગ્રાહકોને વર્ષે એક વાર ભેટ પુસ્તક આપવાની શરૂઆત કરીને એ સમયે સાહિત્ય અને પ્રકાશન જગતમાં ક્રાંતિ આણી. એમના આ પગલાથી ગુજરાતી પુસ્તકોના પ્રકાશનને વેગ મળ્યો. ઈ. સ. ૧૮૭૭માં તેઓ ફરી પાછા વતન સુરતમાં સ્થાયી થયા. જ્યાં અન્ય મિત્રો સાથે મળી ‘શારદાપૂજક મંડળી’ની સ્થાપના કરી. એના મુખપત્ર તરીકે ‘સ્વતંત્રતા’ માસિક શરૂ કર્યું. આ નવલકથાના કેટલાક અંશો ‘સ્વતંત્રતા’ માસિકમાં પ્રગટ થયા હતા. આ સામયિકમાં અંગ્રેજ સરકારનાં કેટલાંક દમનકારી પગલાં વિષે પણ લેખો પ્રગટ થતા. આવા એક જાગૃત પત્રકાર પાસેથી સમકાલીન ભારતના રાજકીય ચિત્ર વિષે લખાણ મળે એ ગુજરાતી સાહિત્યની મહત્ત્વની ઘટના છે. ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી ભારતનું રાજકીય ચિત્ર બદલાયું હતું. યુનિવર્સિટીઓની સ્થાપનાને કારણે સામાજિક અને રાજકીય જાગૃતિ માટે સભાન નાગરિકોનો એક વર્ગ ઊભો થઈ રહ્યો હતો. ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના અને એ જ વર્ષે આ નવલકથાનું પ્રકાશન એ તત્કાલીન રાજકીય જાગૃતિનું દ્યોતક છે. ઇચ્છારામ દેસાઈએ આ નવલકથાની પ્રથમ આવૃત્તિમાં નોંધ્યું છે, “અનેક ગ્રંથાધારે આ રચના કરેલી છે, પણ ખાસ કરીને ‘માઉન્ટન ટૉપ’ એ અંગ્રેજી વિષયના લખનારનો ઉપકાર માનું છું. એ અપૂર્ણ વિષય મને ઘણો સહાયકારક થઈ પડ્યો છે. એમ કહો કે તે આધારરૂપ પણ હતો.” ઇચ્છારામે અહીં જે કૃતિનો નિર્દેશ કર્યો છે એ મીરઝ મુરાદઅલી નામના એંગ્લો મુસલમાને ‘On the Mountain Top – Or The Reconciliation of Hinda and Britania’ નામે લખી હતી છે. જે ‘મનોરંજક રત્ન’ નામના ત્રિભાષિક સામયિકમાં ૧૮૬૮થી ૧૮૬૯ દરમિયાન હપ્તાવાર પ્રગટ થતી હતી જેને બાદમાં દેશભક્તિભર્યા ક્રાંતિકારી વિચારોને કારણે અંગ્રેજ સરકારે બંદ કરાવી હતી. નર્મદ અને મીરઝા વચ્ચે મિત્રતાભર્યો વ્યવહાર હતો અને ઇચ્છારામ નર્મદને ગુરુ તરીકે માનતા હતા. એટલે નર્મદે ‘On the Mountain Top’નો ગુજરાતી અનુવાદ કરવાનું ઇચ્છારામને સૂચવ્યું હોય. ‘હિન્દ અને બ્રિટાનિયા’ ઉપર ‘On the Mountain Top’નો પ્રભાવ જરૂર છે પણ એ એક નોખી કૃતિ છે. આ નવલકથા ભારતના તત્કાલિન વાઇસરૉય લોર્ડ રિપનને અર્પણ કરવામાં આવી છે. કારણ કે એમની પહેલાંના વાઇસરૉય લોર્ડ લિટલના ગેરવહીવટને કારણે ભારતીય પ્રજામાં અસંતોષ વધ્યો હતો. પણ, વાઇસરૉય લોર્ડ રિપનના ઉદાર વ્યક્તિત્વને કારણે (કાર્યકાળ ૧૮૮૦-૧૮૮૪) શિક્ષિતોમાં અંગ્રેજ સરકાર પ્રતિ સદ્ભાવના વધી હતી. નવલકથા પ્રગટ થાય છે ૧૮૮૫માં ત્યારબાદ બીજી આવૃત્તિ (૧૮૮૫), ત્રીજી સુધારેલી આવૃત્તિ (૧૮૮૯) અને પુનઃમુદ્રણ (૧૯૨૫) થયાં. એની પ્રસ્તાવના ગુજરાતીની સાથે અંગ્રેજીમાં પણ મૂકવામાં આવી છે. ઉપરાંત અંગ્રેજીમાં કથાસાર આપવામાં આવ્યો છે. આ નવલકથા પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો પણ ટી. સી. હોપ (હોપ વાચનમાળા તૈયાર કરનાર) જેવા અંગ્રેજ મિત્રના પ્રયત્નોથી એમનો બચાવ થયો. એ સમયે આ નવલકથા ભારતીય ઉપરાંત ઇંગ્લૅન્ડના મહત્ત્વના સમાચારપત્રોમાં પણ ખાસ્સી ચર્ચાઈ હતી. આ કથામાં કુલ ચાર પાત્રો છે – હિન્દદેવી, દેશહિત, બ્રિટાનિયા અને સ્વાતંત્ર્યદેવી. એમાં પણ ખાસ તો હિન્દદેવી અને બ્રિટાનિયા દેવીના સંવાદ રૂપે કથા આગળ વધે છે. નવલકથાની શરૂઆત નર્મદા ઘાટીમાં થઈ રહેલા સૂર્યોદયના કાવ્યાત્મક વર્ણનથી થાય છે. ત્યારબાદ હિન્દદેવી અને બ્રિટાનિયા દેવીનું વર્ણન બંને દેશોના ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રતીકરૂપે રજૂ કરે છે. હિન્દદેવીનો પુત્ર દેશહિત કહે છે : “દાશરથી રામ, પરશુરામ ને બળરામ; વ્યાસ, વાલ્મિકી ને ગૌતમ; કૃષ્ણ, અર્જુન ને ભીષ્મે પૂજ્ય પ્રમાણેલી દેવી! તારી આ સ્થિતિ કેવી સંતાપજનક છે? જે ભૂમિના અમર દુર્ગ પર જયધ્વજ ફડફડ પવનમાં ઊડતા; જે ભૂમિ ઉપર ભરત, યુધિષ્ટિ, વિક્રમ ને શાલિવાહને એકચક્રે રાજ કરેલાં, જે ભૂમિ પર સદાકાળ વિજય વિજયનો હર્ષનાદ થતો અને જે ભૂમિની દેવી બીજા સર્વ દેશોની મહારાણી તરીકે બિરાજતી એવી ઓ મહાદેવી! તું આજ વહેતા લોહીએ, નિસ્તેજ વદને આમ રખડે, એ શું થોડું દયામણું છે? તે પૂર્વના રંગ ક્યાં ગયા? ક્યાં ગઈ તે પૂર્વની રિદ્ધિ, સિદ્ધિ સમૃદ્ધિ? ક્યાં ગયું તે પ્રેમશૌર્ય? તે યુદ્ધરંગ ક્યાં છે? તે આનંદકાળ ક્યાં? વેપારની તેજી ક્યાં છે? ક્યાં છે તે સચ્ચિદાનંદમાં મગ્નમસ્ત મહાઋષિઓ ને યુદ્ધમસ્ત ક્ષત્રિ વીરો? ક્યાં છે તે રાજ્યના રંગરાગ? અરે તે સ્વતંત્રતા ક્યાં ગઈ? સ્વતંત્રતા, સમાનતા અને મિત્રતાના નિયમો ક્યાં ગયા છે?” આ એક જ ફકરામાં અંગ્રેજો આવ્યા પહેલાંની ભારતની સમૃદ્ધિ અને પછીની ગુલામી – દયનીય સ્થિતિનો ચિતાર છે. લેખકનો રાષ્ટ્રપ્રેમ અહીં ઉત્સાહભર્યા સ્વરમાં રજૂ થયો છે એટલું જ નહીં, ‘સ્વતંત્રતા, સમાનતા અને મિત્રતા’ શબ્દોમાં ફ્રેન્ચ ક્રાંતિનો મૂળ વિચાર પણ પડઘાય છે. આ સમગ્ર કૃતિ હિન્દદેવી અને બ્રિટાનિયા દેવીના સામસામા સંવાદ રૂપે છે. એ સંવાદોમાં ભારત જ નહીં વિશ્વનો ઇતિહાસ, સામાજિક જીવન, ધાર્મિક ખ્યાલો, ક્રાંતિઓ, ભારતની દયનીય સ્થિતિ, લોકશાહી જેવા અનેક વિષયો આલેખાયા છે. હિન્દદેવી અનેક રીતે પોતાનો પક્ષ રજૂ કરે છે, એની સામે બ્રિટાનિયા પોતાના તર્કો રજૂ કરે છે. અંતે “હિંદ-બ્રિટાનિયાની સામ્રાજ્યકીર્તિ અવિચલ રહો. શાંતિઃ શાંતિઃ શાતિઃ” એમ શાંતિ વચનોથી કૃતિ પૂર્ણ થાય છે. અંતે પરિશિષ્ટમાં પાંત્રીસ જેટલાં પૃષ્ઠોમાં પાદટીપો આપવામાં આવી છે. સમગ્ર કૃતિમાંથી પસાર થતાં લેખકના બહુશ્રુત વ્યક્તિત્વનો પરિચય મળે છે. આ કૃતિના સ્વરૂપ અને કર્તાને લઈને વિદ્વાનોમાં ઘણા મતભેદ છે. અંબુભાઈ પુરાણી, વિજયરાય વૈદ્ય અને કૃષ્ણલાલ ઝવેરી જેવા વિદ્વાનોને આ કૃતિ નર્મદની અથવા બીજા કોઈએ લખેલી હોઈ શકે એવો પ્રશ્ન થયેલો છે. અલબત્ત ઇચ્છારામે પોતાના પર નર્મદ શૈલીનો પ્રભાવ હોવાનું સ્વીકાર્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત (૨૦૦૭) અને રમેશ મ. શુક્લ સંપાદિત આવૃત્તિમાં એમણે આ કૃતિ નર્મદની હોવાની વાતનું ખંડન કર્યું છે. આમ છતાં એ પોતે આ કૃતિ ઇચ્છારામ દેસાઈની જ છે એ બાબતે સાશંક તો છે. માટે જ જ્યાં સુધી ઠોસ આધારો સાથે પુરવાર ન થાય ત્યાં સુધી ઇચ્છારામ દેસાઈ જ આના કર્તા ગણાય. આ કૃતિના સ્વરૂપને લઈને પણ વિવિધ મતો છે. કર્તાએ પોતે પ્રસ્તાવનામાં અને કૃતિને અંતે આને ‘ઐતિહાસિક નિબંધ’ અને ‘રાજકીય કથારૂપી નિબંધ’ કહ્યો છે. પાંચમી આવૃત્તિના સંપાદક રમેશ મ. શુકલ પણ આને નવલકથા નહીં પણ ‘સંવાદપ્રબંધ’ કહે છે. આવા બધા વણઊકલ્યા અને વિરોધાભાસી પ્રશ્નો છતાં આ કૃતિ ભારતીય રાજકીય નવજાગરણ, પ્રજાની આકાંક્ષાઓ, રાષ્ટ્રીય અસ્મિતાનો અને ગુજરાતી નવલકથાનું કાઠું વિકસી રહ્યું હતું એવા સંક્રાંતિકાળનો મહત્ત્વનો દસ્તાવેજ છે.

અજયસિંહ ચૌહાણ
એસોસિએટ પ્રોફેસર.
ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્ર,
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર
વિવેચક, સંશોધક, નિબંધકાર, સંપાદક
મો. ૯૮૭૯૨૩૨૯૮૯
Email : ajsinh૮૩@gmail.com