નારીસંપદાઃ નાટક/સદીઓથી તરડાયેલી એક વાર્તા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૪. સદીઓથી તરડાયેલી એક વાર્તા

નીતા જોશી

પાત્ર સૂચિ
સ્ત્રી ૧ : પત્ની
સ્ત્રી ૨ : પ્રેયસી




(કોતરમાંથી વળાંક લઈ નીકળતી નદીનો સાંકડો અને હરિયાળો પટ છે. બન્ને કાંઠે લીલાં વૃક્ષો, લહેરાતાં ખેતરો અને ઉપર ચડતી કેડી છે.)

એક સ્ત્રી નિયમ પ્રમાણે રોજ સાંજે ફરવા આવે છે. નદીની અંદર થોડું ચાલે છે. પછી એક ચપટા પથ્થર ઉપર ઉદાસ બેસે છે. વહેતા જળને ક્યાંય સુધી જોઈ રહે છે. એટલામાં સામે કિનારે આવેલી બીજી સ્ત્રીને જોઈ ચોંકે છે. અકળાઈ ઊઠે છે. સામેની સ્ત્રી પાણીમાં હાથ નાંખી છાલક ઉડાવે છે. પ્રથમ સ્ત્રી રોષથી જવા માટે ઊભી થાય છે. બીજી સ્ત્રી વિનંતી કરી એને રોકે છે.

પ્રથમ સ્ત્રી
 : 
તું તારા હિસ્સાનાં પાણીમાં તરંગો ફેલાવ. મારું શાંત પાણી શું કામ ડહોળે છે?
બીજી સ્ત્રી
 : 
તું ચૂપ હતી અને નદી પણ સ્થિર હતી એટલે થયું થોડા તરંગો ફેલાવું.
પ્રથમ સ્ત્રી
 : 
તારા હિસ્સાનાં પાણીમાં તું કાંઈ પણ કરી શકે છે. મને તો આ સ્થિરતા ગમે છે.
બીજી સ્ત્રી
 : 
તું તો અકળાઈ ગઈ ! શું તું ખરેખર ભીની થઈ?
પ્રથમ સ્ત્રી
 : 
હા.
બીજી સ્ત્રી
 : 
કેમ ભીનાશ નથી ગમતી?
પ્રથમ સ્ત્રી
 : 
તારા ઉડાવેલા પાણીની નહીં.
બીજી સ્ત્રી
 : 
આટલું બધું અભિમાન?
પ્રથમ સ્ત્રી
 : 
અભિમાન સમજે તો અભિમાન અને સ્વમાન સમજે તો સ્વમાન. મને મારા હિસ્સાનાં પાણીમાં ભીનું થવું તો શું ડૂબી જવું પણ કબૂલ છે.
બીજી સ્ત્રી
 : 
એટલે કે બંધિયાર પાણીની માછલી છે.
પ્રથમ સ્ત્રી
 : 
કોઈના હિસ્સાનું પાણી ડહોળવા કરતાં બંધિયાર પણ મારું પોતાનું પાણી.
બીજી સ્ત્રી
 : 
એટલે જ જીવનને વહેતા પાણીની જેમ માણી નથી શકતી.
પ્રથમ સ્ત્રી
 : 
તું તો મારું પાણી ઉલેચી અને ભીના થવાનો કોરો પ્રયત્ન કરે છે. તું જો વહી શકતી હોત તો મારી સામે ન હોત! વહેતા જળમાં વહે કોઈ સાધુ, કોઈ પાગલ કે કોઈ અનાસક્ત.


(આંખો બંધ કરીને ઊંડા નિસાસા સાથે બબડે છે.) હું અનાસક્ત નથી.
બીજી સ્ત્રી
 : 
લાગે છે, આજે તારી ઈર્ષા બે કાંઠે ઊભરાણી છે.
પ્રથમ સ્ત્રી
 : 
ઈર્ષા નથી. છે માત્ર રોષ, વિષાદયુક્ત રોષ. હું તો નદીના શાંત વહેતા જળને ચૂપચાપ જોતી હતી.


જોતી હતી એમાં મારું જ પ્રતિબિંબ અને ક્યારેક


ઘાસના પ્રતિબિંબિત આકારો જોવામાં મશગૂલ હતી.
બીજી સ્ત્રી
 : 
એટલે કે તારાં ડહોળી ઊઠેલાં પાણી માટે હું જવાબદાર એમ ને?
પ્રથમ સ્ત્રી
 : 
એમ તો કેમ કહી શકું? જવાબદાર છે માત્ર માનવ સ્વભાવની કોરી ઇચ્છાઓ, થોડી જિજીવિષા અને બીજામાં પોતાને વિસ્તારવાનો કોરો અહંકાર.
બીજી સ્ત્રી
 : 
આટલું બધું સમજવા છતાં તારો ચહેરો આટલો તંગ કેમ રહે છે? મને તારામાં રસ પડે છે. તું નજીક આવ. આપણે એકબીજાની સામે જોઈને વાત કરીએ.
પ્રથમ સ્ત્રી
 : 
ના, નજીકથી વાત કરવાની ઇચ્છા નથી થતી અને તારા ચહેરા સામે જોઈને તો નહીં જ.
બીજી સ્ત્રી
 : 
કેમ હું કુરુપ છું?
પ્રથમ સ્ત્રી
 : 
ના, તું સુંદર છે, ખૂબ સુંદર. એટલે તો મારો પુરુષ તારા માટે વ્યાકુળ છે. એ એનું પ્રમાણ છે.
બીજી સ્ત્રી
 : 
તું સામું ન જોતી પણ સાથે ચાલવાની તો હા પાડ.
પ્રથમ સ્ત્રી
 : 
સાથે કેવી રીતે ચાલી શકીએ કાં તો હું આગળ કાં તું.


પ્રેમ ગલી અતી સાંકરી તા મૈ દો ન સમાય..
બીજી સ્ત્રી
 : 
તું જિદ્દી સ્ત્રી છે એવું એ કહેતો હોય છે એ ખોટું નથી લાગતું. સારું તું ત્યાં જ રહે. હું જ આવું છું. આપણે આ લીલાંછમ રસ્તા ઉપર ચાલશું અડોઅડ નહીં પણ થોડું અંતર રાખીને મારે તારી સાથે વાતો કરવી છે. એટલે બાકી વચ્ચે નદી વહે એ આપણા માટે જરૂરી છે.
પ્રથમ સ્ત્રી
 : 
હા, હું આ કાંઠે અને તું સામા કાંઠે. નદી ભલે સાંકડી છે પણ આપણી વચ્ચે વહેતી રહે એ જ યોગ્ય છે.


[બીજી સ્ત્રી નદીમાં પગ મૂકી પસાર કરી પ્રથમ સ્ત્રીની પાસે આવે છે. બન્ને થોડું અંતર રાખી રસ્તા ઉપર ચાલે છે.]
બીજી સ્ત્રી
 : 
હા તો તું કહે છે એમ હું સુંદર છું કારણ કે તારો પુરુષ મને પ્રેમ કરે છે. એટલે કે તું સુંદર નથી એથી એ તારાથી દૂર થતો ગયો બરાબરને?
પ્રથમ સ્ત્રી
 : 
મેં એવું ક્યાં કહ્યું હું સુંદર નથી. સૌંદર્યનાં માપદંડ બધાના જુદાજુદા હોય છે. કદાચ એવું બન્યું હશે કે મારા પુરુષની માપપટ્ટીમાં હું ઓછી સુંદર પડી.
બીજી સ્ત્રી
 : 
હું સુંદરતાની બાબતમાં એકદમ સભાન છું. હું મારી સાડીના એક એક સળ છરીથી કાપી શકે એટલા વ્યવસ્થિત રાખું છું. મને એ ડૂચો થઈ જાય તો કાંઈકનું કાંઈ થઈ જાય. મારા વાળ ચોવીસ કલાક એકસરખાં ગોઠવાયેલા રહે છે. ઇચ્છું ત્યારે ઊછળે અને ઇચ્છું ત્યારે સ્થિર રહે અને લીપસ્ટીક વગર તો સાવ અધૂરી. તું કેમ બ્યુટીપાર્લરમાં નથી જતી? તારા હોઠ અને આંખોની ફરતે કરચલીઓ બતાવે છે કે તું એક લાપરવાહ સ્ત્રી છે.
પ્રથમ સ્ત્રી
 : 
મને બહારથી લગાવેલી સુંદરતા પસંદ નથી.
બીજી સ્ત્રી
 : 
તું યાર વધારે ચીપ છે. થોડી ઓર્થોડોક્સ અને શંકાશીલ તો ખરી જ.
પ્રથમ સ્ત્રી
 : 
કેમ? એ તને એવું કહેતો હતો?
બીજી સ્ત્રી
 : 
હા, લગભગ એવું જ.


(બન્ને સામસામા ઊભા રહી જાય છે.)
પ્રથમ સ્ત્રી
 : 
એ તો તારામાં અને તારી આંખોમાં ઊંડો ઊતરી ગયો છે એટલે. બાકી મેં કેટલીયે વાર મારી આંખો ધોઈ, સાફ કરી અને મારી અંદર તરતાં સ્વપ્નો બતાવ્યાં છે. અંદર લાલ, લીલા સોનેરી રંગો બતાવ્યા છે પણ તારી વાત તો સાચી જ છે. હું શંકાશીલ છું એ વાતમાં એ બિલકુલ ખોટો નથી. છાની છપની એની તમામ હિલચાલ નજરકેદ કરું છું અને એ ગૂંગળાઈ ઊઠે એટલી હદે બાંધી દઉં છું. મને લાગે છે એટલે જ મેં બાંધેલા હાથ તારી પાસે ખોલાવવા મથે છે.

(બન્ને નદીકાંઠે પથ્થર ઉપર બેસે છે. )

બીજી સ્ત્રી
 : 
યાર તું થોડી ખૂલી થઈને જીવતાં શીખી જા. એકદમ ઓપન માઈન્ડેડ. જોજે તને ખરેખર મજા આવશે.

(એકદમ ઉત્સાહમાં આવી જાય છે.)

પ્રથમ સ્ત્રી
 : 
લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં આમ તો મારો સ્વભાવ સારો હતો. મને વાતો કરવી પણ ગમતી. શાકવાળો હોય કે કરિયાણાવાળો, ઈસ્ત્રીવાળો કે રિક્ષાવાળો, દરજી હોય કે પડોશી. એનાં મિત્રો, સંબંધીઓ, આ બધાં સાથે પણ ખૂબ વાતો કરતી. ક્યારેક એ મને ટોકતો. મારા સ્વભાવને કાપકૂપ કરી સુધારતો. સભાનતા શબ્દનો વિસ્તારથી એણે જ પરિચય કરાવ્યો છે. ખબર નહીં મને તારી જેમ ટીપટોપ તૈયાર થવું નથી ગમતું.
બીજી સ્ત્રી
 : 
હું તો પર્સનાલિટી બાબતે ખૂબ સભાન છું.
પ્રથમ સ્ત્રી
 : 
(એકાએક ગંભીર બની ઊભી થઈ જાય છે.)
હા, મને ખબર છે.
(આંખમાં બાઝી ગયેલાં આંસુ લૂછે છે.)
પ્રથમ સ્ત્રી
 : 
હા, એ બળતરા કેવી રીતે વર્ણવું. હવે તો નવી ત્વચા આવી ગઈ છે. થોડી બરછટ અને ખરબચડી છે પણ જાળીદાર છે. બધું ચળાઈ ચળાઈને અંદર પ્રવેશે એવી જાળીદાર. પહેલાં તો રક્તપ્રવાહ જાણે થીજી જતો.
બીજી સ્ત્રી
 : 
મેં તને ખૂબ દુખ પહોંચાડ્યું છે. ખરેખર મને અપરાધની લાગણી અનુભવાય છે. તું મન થી આઝાદ થઈ જા. કદાચ તને થોડું સરળ અને સહજ બની જાય.
પ્રથમ સ્ત્રી
 : 
(ધીમેથી નદીના ચપટા પથ્થર ઉપર બેસે છે. નદીના શાંત ઠંડા જળમાં હળવેથી હાથ તરતો મૂકે છે..)

હા, એટલે જ નદીકાંઠે આવું છું. ફક્ત આ નદી જ મારા બંધાયેલા રક્તને વહેતું કરી શકે છે. આ ઠંડું શીતળ જળ મારા ચહેરા ઉપર છાંટું ત્યારે તડ તડ તડ અવાજ આવે પછી એકદમ શીતળ ચહેરાની તંગ તૂટતી નસો એકદમ હળવી બની જાય છે. આ નદી મને રોજ સાંધે છે.
[થોડી સ્વસ્થ થઈને]
હું સમજું છું મને કોઈને પણ બાંધવાનો અધિકાર નથી. ખબર નહીં ક્યો માલિકી ભાવ મારા ઉપર સવાર થઈ જાય છે અને મને આ બધું કરવા પ્રેરે છે. અને જો હું એ માણસને મુક્ત કરવા જાઉં છું પછી તો મારામાં જાણે કાંઈ રહેતું જ નથી. એ પછી હું બની જાઉં છું અનાસક્ત અથવા શુષ્ક. મારે અનાસક્ત તો થવું જ નથી.
મેં એને મારી આંખોનું ઊંડાણ બતાવવાનો પૂરો પ્રયત્ન કરેલો પણ વ્યર્થ. એને તો ગમે છે માત્ર તારી કાજળ ભરેલી સુરેખ આંખો.
[બન્ને ઊભી થઈ કેડી ઉપર ચાલે છે.]

બીજી સ્ત્રી
 : 
તને કેવી રીતે ખબર પડી કે એને મારી જ આંખો ગમે છે?
પ્રથમ સ્ત્રી
 : 
(દૂર કોતરની ધાર ઉપર એક ડાંગરના ખેતર તરફ આંગળી ચીંધે છે.)

એક દિવસ હું ધરાર એને નદીકાંઠે ખેંચી લાવી હતી. સાંજના સમયે આ જ જગ્યાએ. આ જગ્યા મને ખૂબ ગમે છે. જો સામે દેખાય તે ડાંગરનું ખેતર. હળવા પવનની લ્હેરખીથી લયમાં નાચતું, હિલોળાતું એને મેં દેખાડેલું અને પછી મેં કહેલું ‘કેવું આ સૂરજના સોનેરી રંગમાં ધીમે ધીમે પાકે છે.' એ દિવસે મારી આંખો ખેતરની લીલી ચમકથી પુષ્ટ હતી. (આંખો ચોળે છે)
ત્યારે એણે કહેલું કે 'તું આંખોમાં કાજળ કેમ નથી લગાવતી?' મને પાછળથી ખબર પડી કે તું કાજળ આંજવાની શોખીન છે.

બીજી સ્ત્રી
 : 
હા, અમારા રસ રુચીમાં ઘણું સામ્ય છે. એટલે જ અમે નજીક છીએ. તેં કોઈ બીજો પ્રયત્ન કરેલો ખરો? મતલબ કે આંખોમાં કોઈ બીજા રંગો આંજવાનો? [બન્ને ઊભા રહે છે. }
પ્રથમ સ્ત્રી
 : 
હા કરેલો.

જો આ કમનીય નદી જ્યાં વળાંક લે છે ત્યાં કોતરની ધાર પર પેલી કેડી ચડે છે એની બન્ને બાજુએ આકાશ તરફ હાથ લંબાવતા પહોળાં પાનવાળો કેળનો બાગ છે. સવારે અને સાંજે એની નીચે તડકાનાં ચોસલાઓ પથરાઈ જતાં હોય છે. મેં એને કહ્યું, કેટલું સરસ દેખાય છે નહીં? કેળના વનમાં રૂપેરી તડકાના ટુકડાઓ પર્ણો સાથે કેવી રમત રમે છે?

બીજી સ્ત્રી
 : 
એણે શું કહેલું?
પ્રથમ સ્ત્રી
 : 
જવાબમાં એ આછું હસ્યો. એ પણ મૂછમાં.
બીજી સ્ત્રી
 : 
હે ભગવાન તારી આવી લાંબીલચ વાતોથી કોઈપણ કંટાળે અને એમાં એ તો રંગીન તબિયતનો માણસ છે. તું પાછી ઘરમાં પણ ઘરની જવાબદારી અને બાળકોના પ્રશ્નો જ સંભળાવ્યા કરતી હઈશ. પછી માણસ ક્યાંક તો થાક ઉતારવાનો જ.
પ્રથમ સ્ત્રી
 : 
હા, ઘરની વાતો તો કરવી જ પડે ને? એને નહીં તો હું કોને કહું? બાળકો મેં એકલીએ નહીં એણે પણ પસંદ કરેલાં છે. સાવ દેખાઉં છું એટલી પણ સીધી સાદી નથી. રોમાન્ટીક વાતો પણ કરું છું. એ પણ કરે છે છતાં મનમાં એવું થયા કરે કે જે તારી પાસે ખીલે છે એવો મારી પાસે નહીં. કદાચ મારી ઈર્ષા જ વધુ તીવ્ર હશે! તારી વાત સાચી છે.
બીજી સ્ત્રી
 : 
તું ઈર્ષાળુ તો છે જ. ઈર્ષાળુ કરતાં પણ વધારે શંકાશીલ.

(બન્ને ધીમેથી ચાલે છે.)

પ્રથમ સ્ત્રી
 : 
હકીકતને તું શંકામાં શું કામ ફેરવે છે? જે નજર સામે છે એનો રોષ થવો સ્વાભાવિક છે. હા, મારે ઈર્ષાળુ ન થવું જોઈએ. માણસ ગમે એટલો નાનો હોય પણ ઘરની ચાર દીવાલ વચ્ચે એ રાજા અને રાણી છે. મારું સ્થાન કોઈ અન્ય ભોગવે ત્યારે મને સ્થાન ભ્રષ્ટ થવાની વેદના થાય છે. જેને તું ઈર્ષાનું નામ આપે છે. હા, ક્યારેક એ અકળાઈ ઊઠતો હોય છે. મેં જાણી જોઈને બાંધી દીધો હોય એમ. અને પછી મારી બાંધેલી ગાંઠો જલ્દીથી ખોલાવવા તારી પાસે આવી જાય છે, મારાથી છુપાવીને ચૂપચાપ.
બીજી સ્ત્રી
 : 
માણસ તરીકે આવો માલિકી ભાવ સારો નહીં. એકબીજાને ગમતાં રહેવા સજવું પડે, ઘર સજાવવું પડે. અવનવા નાટક અને ભાતભાતની વાતોથી દીવાલોને ધબકતી રાખવી પડે. મારી પાસે વાતો કરવાની જબરી કળા છે. એ સાંભળ્યા જ કરે અને હું સંભળાવતી રહું એટલી.
પ્રથમ સ્ત્રી
 : 
મારા કિસ્સામાં ઊલ્ટું છે. હું જ એને સાંભળું છું ધ્યાનથી, રસથી, એકાગ્રતાથી. એક ચિત્તે.
બીજી સ્ત્રી
 : 
તેં ક્યારેય એને કશું નવું સંભળાવ્યું જ નહીં હોય! આડોશ પાડોશ, ઘર-કુટુંબ, બાળકો આ વિષયની બહાર જઈને.
પ્રથમ સ્ત્રી
 : 
ના, તું ખોટું ધારે છે. એમ તો મારા ચહેરા ઉપર શ્રુંગારિકતા નથી એટલું જ. હું સ્વભાવથી તો શ્રૃંગારિક જ છું. કારણકે અનાસક્ત થવું મને ગમતું નથી. એમ તો બહારની વાતો પણ કરતી જ હોઉં છું. ભાતભાતની અને જાતજાતની.
બીજી સ્ત્રી
 : 
ચાલ થોડું બેસીએ. આમ એકધારું ચાલવાથી તો થાકી જવાય છે.
પ્રથમ સ્ત્રી
 : 
તું બેસ હું ઊભી છું.

(બીજી સ્ત્રી પથ્થર ઉપર બેસી જાય છે.)
થોડા દિવસ પહેલાં જ મેં એને બસમાં બનેલો સરસ પ્રસંગ કહેલો. બસમાં મારી અડોઅડ એક તાજી પરણેલી યુવાન સ્ત્રી. થોડી શ્યામ, ચુસ્ત, ભરાવદાર, નમણી અને કમનીય એવી નવોઢા બેઠી હતી. સાચ્ચે જ ગમી જાય એવી સુંદર હતી. ટિકિટ લેવા બ્લાઉઝના ઊંડાણમાંથી બટવો કાઢી પૈસા કાઢતી હતી ત્યાં પૈસાની સાથે એક સાચવેલો ફોટો નીચે પડી ગયો. એટલે મેં પૂછ્યું તારા પતિનો ફોટો છે? જવાબમાં હા કહેતાં એટલી તો શરમાઈ હતી. આ આખ્ખો પ્રસંગ સાંભળ્યા પછી એ ધીમું હસ્યો હતો.
બીજી સ્ત્રી : અંગ્રેજી ફિલ્મો અને નાટક જોવાનો શોખીન માણસ તારી આવી વાતોથી કંટાળે એ સ્વાભાવિક છે. એ સાચું કહેતો હોય છે કે તું ઓર્થોડોક્સ છે. મોકળાશ કેમ આપવી અને કેમ લેવી એની તને ઓછી ખબર પડે છે. તેં પશ્ચિમના દેશોની આઝાદી જોઈ છે? મોકળાશ, મોકળાશ અને મોકળાશ લાગણીઓનાં પૂર નહીં કે આદર્શોના લપેડા નહી.

પ્રથમ સ્ત્રી
 : 
તારા વિચારો ખરેખર રોમાંચ કરાવે છે.

(ચાલ થોડીવાર ક્યાંક બેસીએ આમ તો એકધારું થાકી જવાશે.)

બીજી સ્ત્રી
 : 
તું અમારા સંબંધ વિશે જાણે છે એટલે દુખી છે. માની લે જાણતી જ નથી તો શું ફર્ક પડવાનો?
પ્રથમ સ્ત્રી
 : 
એના શરીરમાં ભળેલી ગંધ તો હું દૂરથી જ સૂંઘી લઉં છું. ભળેલી ગંધ પારખવામાં મારું નાક સંવેદનશીલ છે. અને મારી આદત તો ઊંડા શ્વાસ લેવાની છે.
બીજી સ્ત્રી
 : 
ગંધનું આકર્ષણ એ તો પ્રાણી માત્રનો સ્વભાવ છે. આ બધું એકદમ સહજ છે. તું આવી વાતોથી અવરોધી એનો વિકાસ અટકાવે છે. તારે એને મુક્ત રાખવો જોઈએ. સ્વતંત્રતા એ કોઈપણ માણસનો અધિકાર છે. મારો, તારો કે એનો.
પ્રથમ સ્ત્રી
 : 
તું આમ એક શ્વાસે આટલું બધું નહીં બોલ. મને હાંફ ચડી જાય છે. એમ થાય છે કે તું એકદમ સાચી છે. વળી તું બિઝનેસ અને મેનેજ્મેન્ટની સ્ત્રી ૧ + ૧ તું ફટાફાટ કરી જાણે. હું તો વિચારી વિચારીને મારી ભીતર પ્રવેશું છું. અને ત્યાં તો હોય છે શૂન્યાવકાશ. સ્તબ્ધ શૂન્યાવકાશ.

(બીજી સ્ત્રી ઊભી થઈ જાય છે. એનો હાથ પકડીને કહે છે.)

બીજી સ્ત્રી
 : 
તું વધુ સંવેદનશીલ છે.

ચાલ, આજે તું ખૂલીને વાત કરે છે તો એ બતાવ કે તારો પતિ પહેલો વહેલો મારી તરફ ઢળ્યો ત્યારે તેં શું અનુભવેલું?

પ્રથમ સ્ત્રી
 : 
(નિસાસો નાંખે છે)

શરૂઆતમાં તો હતો કેવળ ડૂમો. ઘણીવાર એવું થયું કે દીવાલનો ટેકો લઉં અને અનુભવું કે દીવાલ ધસી પડે છે. ક્યારેક તો ધરતી ઉપરનું ગુરુત્વાકર્ષણ અનુભવાય જ નહીં. હવે સાવ એવું નથી. ધરતી ઉપર ઊભી રહી શકું છું. થોડી ઉદાસ પણ ટટ્ટાર.
એક વાત તને સાચે સાચી કહું. તું ભલે મુક્તિની, આઝાદીની વાતો કરે, બંધાયેલી તો તું પણ છે. એક તરફડતી મત્સ્ય કન્યા.
(બન્ને સાથે ચાલે છે.)

બીજી સ્ત્રી
 : 
મત્સ્યકન્યા ખરી પણ તરફડતી નહીં. હું તો વહેતા જળની માછલી. હું તો તને પણ આ મસ્તી શીખવવા ઇચ્છું છું.
પ્રથમ સ્ત્રી
 : 
તું અને વહેતું જળ? વહેતું જળ ક્યારેય બંધાતું નથી. એ આગળ આગળ આગળ નીકળી જાય છે. તું તારા મનપસંદ ખાડામાં છબછબિયાં કરે છે. અને મસ્તીના વહેમમાં છે. વહેતા જળમાં તો હોય સાધુ કે કોઈ અલગારી. આપણે તો બાંધ્યા છે થોડાક ખાડા અને થોડાક અખાડા. છોડ, આ બધી ઝઘડા ઝઘડી. માની લે કે હું મારો પુરુષ તને સ્વેચ્છાએ આપી દઉં તો તું અપનાવીશ?
બીજી સ્ત્રી
 : 
મને અધૂરો હિસ્સો પસંદ નથી. અને બંધાવું મંજૂર નથી. બંધાઈશ તો પછી જેવી તું એવી જ હું છું. અને સાંભળ કેટલીક ક્ષણોમાંથી પસાર થયા પછી તો એ નથી હોતો તારી પાસે કે નથી હોતો મારી પાસે.
પ્રથમ સ્ત્રી
 : 
તો ક્યાં હોય છે?
બીજી સ્ત્રી
 : 
એનાં બાળકોમાં એની છબિ શોધતો હોય છે. એમાં પોતાને ઊભો થતો અનુભવતો હોય છે.
પ્રથમ સ્ત્રી
 : 
મહેરબાની કરીને તું અહીંયાં બાળકોને વચ્ચે ન લાવ.

વાત તારી અને મારી છે.
ચાલ એક પ્રશ્ન પૂછું.
માની લે કે આ નદીમાં આપણે બન્ને ડૂબી રહ્યાં છીએ. એ કાંઠે ઊભો છે. અને એ સારો તરવૈયો છે. બોલ એ કોને બચાવશે?

બીજી સ્ત્રી
 : 
તને જ.
પ્રથમ સ્ત્રી
 : 
એ તું કેવી રીતે કહી શકે?
બીજી સ્ત્રી
 : 
એનાં બે કારણો છે. એક તો એ કે તું એનાં બાળકોની જન્મદાત્રી છે. બીજું કે તું એને ભોજનથી પોષે છે. એક ક્ષણમાં નિર્ણય લેવા માટે બે ઉપકારો નાનાં નથી.
પ્રથમ સ્ત્રી
 : 
તું પણ એના આત્માને, રસવૃતિ ને પોષે છે. એના વિકાસમાં તારો ફાળો ક્યાં ઓછો છે?
બીજી સ્ત્રી
 : 
હું વિશ્વાસથી કહું છું કે એ તને જ બચાવશે. એમ તો એ માણસ છે.
પ્રથમ સ્ત્રી
 : 
સાચું કહું મને પણ ક્યારેક એવું થાય છે કે એ ક્યાં કોઈનું ખૂન કે હત્યા કરે છે? કરે છે તો કેવળ પ્રેમ પછી આ ઈર્ષા શાની?
બીજી સ્ત્રી
 : 
તું સુંદર તો છે જ હો. તું કેમ કોઈ અંતરંગ નિકટનો દોસ્ત નથી બનાવી લેતી? પછી તું પણ મુક્ત. હું પણ મુક્ત અને એ પણ મુક્ત.
પ્રથમ સ્ત્રી
 : 
હું એવું નહીં કરું .
બીજી સ્ત્રી
 : 
કેમ નૈતિકતા નડે છે?
પ્રથમ સ્ત્રી
 : 
ના, મને એવી સંતાકૂકડીની રમત પસંદ નથી. જેમાં કોઈ કોઈને ક્યારેય મળે જ નહીં અને કેવળ થપ્પો, થપ્પોના અવાજ આવ્યા કરે.
બીજી સ્ત્રી
 : 
તને ૧ + ૧ નો હિસાબ સમજાવવો અઘરો છે.
પ્રથમ સ્ત્રી
 : 
ના, પણ મારી પીડા એ બીજી કોઈ સ્ત્રીની પીડા બની રહે એવું મારાથી થાય એ શક્ય નથી.

આ નદી સાથે હું રોજ વાતો કરું છું, પ્રશ્નો પૂછું છું. અને એ જવાબ આપ્યા કરે છે. મનુષ્યના વિકાસની એ સાક્ષી છે. એ જવાબ આપ્યા કરે છે. જો તને એક અરેબિક કવિની પંક્તિ સંભળાવું.
“છરી સાથે આત્મિયતા કેળવવાને બદલે જખમ સાથે લડી લેવું વધારે સારું છે.”

બીજી સ્ત્રી
 : 
એટલે કે પરોક્ષ રીતે તેં મને છરી કહી?
પ્રથમ સ્ત્રી
 : 
ના, તું છરી નથી. તું તો છે મારામાં વહેતી સદીઓ જૂની તરડાયેલી એક વાર્તા.