નારીસંપદાઃ વિવેચન/શિક્ષણનો ઇતિહાસ અને કાન્તે કરેલી તત્ત્વચર્ચા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૧

શિક્ષણનો ઇતિહાસ અને કાન્તે કરેલી તત્ત્વચર્ચા
પલ્લવી ભટ્ટ

‘મારો ઈતિહાસ પૂરો થયો છે, પણ એણે મ્હને ભોંયભેગો કરી દીધો છે.’૧[1] ‘કાન્ત'નું ગદ્યલેખન વિપુલ છે. તેમણે ખેડેલા ગદ્યપ્રકારો વિશિષ્ટ છે. વડોદરાનિવાસ દરમિયાન તેમણે શિક્ષણની તલગાહી ચર્ચા હાથ ધરી હતી. તેમના ઉપરના વિધાન મુજબ આ શિક્ષણગ્રંથ પાછળ તેમણે સારો એવો પરિશ્રમ ઉઠાવ્યો હતો. ‘કાન્ત’ પોતે પણ તેમના વ્યવસાયકાળ દરમિયાન એક સારા શિક્ષક હતા. તેમ જ વડોદરાના કલાભવનમાં રહીને તેમણે શિક્ષણવિષયક નવાં દિશાસૂચનો આપ્યાં હતાં. ભાવનગર રાજ્યની નોકરીમાં પણ તેઓ શિક્ષણાધિકારી હતા. પ્રકૃતિએ તેઓ પ્રેમ, સત્યના ઉપાસક હતા. જ્યાં પ્રેમ મળે ત્યાં ઢળી જવાની સ્વાભાવિક વૃત્તિ ‘કાન્ત'માં હતી તેમ જ ઉપલબ્ધ ગ્રંથોમાંથી ‘શોધ’ની વૃત્તિ પણ વિશેષ હતી. આમ જ્ઞાનપિપાસુ 'કાન્ત’ના હાથે શિક્ષણવિષયક તલસ્પર્શી ચર્ચા તેમના ‘શિક્ષણનો ઈતિહાસ’ નામના પુસ્તકમાં થાય છે તેમ જ પૂર્વ-પશ્ચિમ એમ બંને સંસ્કૃતિમાં સભ્યતાઓ અને તેની એક રૂઢિગત રીતિઓનો ઉલ્લેખ કરીને ‘કાન્તે' શિક્ષણવિષયક મતો તેમાં જણાવ્યા છે. તેમણે ‘શિક્ષણનો ઇતિહાસ’માં જણાવ્યું છે કે – ‘શિક્ષણનો ઇતિહાસ’ના જ્ઞાનથી શિક્ષકોને લાભ થશે એવી પ્રતીતિ વગર આ ઇતિહાસ લખાયેલો ન હોત.૨[2] ‘કાન્ત’ને ગુજરાતી સાહિત્યમાં જેટલું કવિ તરીકેનું સ્થાન મળ્યું છે તેટલી પ્રતિષ્ઠા તેમને એક કેળવણીવિચારકના દ્રષ્ટા તરીકે પ્રાપ્ત થઈ નથી.

વડોદરા ‘કલાભવન'માં તેઓ વાઈસ પ્રિન્સિપાલ હતા અને ‘કલાભવન'ની શાખા ટ્રેનિંગ સ્કૂલના તેઓ મુખ્ય અધ્યાપક હતા. આ વેળાએ કેળવણી તેમનું મુખ્ય વ્યવસાયક્ષેત્ર હતું. તે સમયગાળામાં કેળવણી વિષયક અધ્યયન અને ચિંતન તેઓએ કર્યું. તેના તલગામી પ્રશ્નોનો ઉકેલ તેમણે શોધ્યો. કેળવણી વિષયક પ્રયોગ કરનાર વિચારકોના ગ્રંથોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો છે. ‘કાન્તે’ જુદાં જુદાં ૩૫ જેટલાં અંગ્રેજી પુસ્તકોનો આધાર લઈને શિક્ષણવિષયક જ્ઞાનને આત્મસાત્ કરીને ઈ.સ.૧૮૯૫માં ‘શિક્ષણનો ઈતિહાસ' લખ્યો. લગભગ ૭૬૦ પાનાં અને ૧૮ પ્રકરણોમાં લખાયેલો આ ગ્રંથ 'કાન્ત'ની કેળવણીકાર તરીકેની વિશિષ્ટ દૃષ્ટિ અને પ્રતિભાનો ખ્યાલ આપે છે. આ પુસ્તકની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ છે. પ્રથમ આવૃત્તિ ઈ.સ.૧૮૯૫માં, બીજી આવૃત્તિ ઈ.સ.૧૯૧૪માં અને ત્રીજી આવૃત્તિ ઈ.સ.૧૯૭૦માં પ્રગટ થઈ છે. ‘કાન્તના શિક્ષણનો ઈતિહાસ’ પછી ઈ.સ.૧૯૦૩માં શ્રી હરગોવિંદદાસ કાંટાવાળાએ ‘કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા’ એ પુસ્તકમાં લોક, રૂસો, ફ્રોબેલ, હર્બટ આદિ પાશ્ચાત્ય કેળવણીકારોની વિચારસરણીનો અર્ક આપીને સર્વથી ભિન્ન રીતે કેળવણીની દૃષ્ટિ, સિદ્ધાંત અને વ્યવહારની મૂળગામી ચર્ચા કરી છે. આ પુસ્તકમાં ૩૧ પ્રકરણો છે, જેમાંથી ૨૧ પ્રકરણો માનસશાસ્ત્રીય રીતે તનની અને મનની શક્તિઓની કેળવણી વિષે માહિતી અર્પે છે. જોકે તર્કસંગત અને ક્રાંતિકારી વિચારસરણી દ્વારા કેળવણીનું તેમણે કરાવેલું સપ્રમાણ અને સમતોલ દર્શન વાચક વર્ગને માન ઉપજાવે તેવું જરૂર છે. કાંટાવાળાના આ ક્ષેત્રપ્રયાણથી 'કાન્ત’ના પ્રયાણને કશી હાનિ કે ઝાંખપ પહોંચતી દેખાતી નથી, કારણ કે કાન્તે તો પોતાની આગવી સૂઝ અને સ્વતંત્ર દૃષ્ટિથી ‘શિક્ષણનો ઇતિહાસ’ લખ્યો છે. ‘કાન્તે’ આલેખેલો ‘શિક્ષણનો ઇતિહાસ’ શિક્ષણની કળાનો નહીં, પણ શિક્ષણશાસ્ત્રનો છે. જગતમાં છેક પ્રાચીનકાળથી માંડીને અત્યાર સુધીના વિવિધ દેશોમાં પ્રચલિત કેળવણીની વિવિધ પદ્ધતિઓનો તેમણે હજુ અહીંયાં સર્વાંગી પરિચય આપ્યો છે. ‘કાન્તે’ પદ્ધતિઓના આલેખન વેળાએ પક્ષપાતી ન બનતાં તટસ્થ વલણ અપનાવ્યું છે. યાંત્રિક કલાઓમાં થતી ઉન્નતિ સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી હોય છે, જ્યારે ચિત્ર, શિલ્પ, સાહિત્ય અને શિક્ષણ જેવી કળાઓનો વિકાસ જલદી નજરે ચડે તેવો નથી હોતો. તેને માટે તે તે ક્ષેત્રના તજ્જ્ઞોનો ઊંડો અનુભવ અને અવલોકનશક્તિ જોઈએ. ‘કાન્ત'માં આ બેઉ શક્તિઓ રહેલી છે. એનો તો ગ્રંથના પાને પાને વાચક વર્ગને પરિચય મળી રહે છે. શિક્ષકવર્ગને કોઈપણ પ્રકારના અંધકાર તરફ નહિ, પણ બધા પ્રકારના પ્રકાશ તરફ દોરવાના હેતુથી શિક્ષણશાસ્ત્રનો ઇતિહાસ આપતાં લેખકની સમક્ષ માત્ર શિક્ષકો કે શિક્ષણનાં સાધનો નથી રહેતાં. તેમણે તો શિક્ષણની પદ્ધતિઓ તરફ વિશેષ ઝોક આપ્યો છે. સારા શિક્ષકો થવાને માટે શિક્ષકે વિષયો જાણવા એ જ બસ નથી, પણ તેની સાથે તે વિષયો શિખવવાની ક્ષેત્રની શ્રેષ્ઠ પદ્ધતિઓ સુધ્ધાં જાણવાની તેને જરૂરત છે. આ માપપટ્ટીને આધારે તેમણે જગતની શિક્ષણપદ્ધતિઓની આલોચના કરી છે અને એ પદ્ધતિઓના આધારભૂત સિદ્ધાંતો અને પ્રમાણો ટાંક્યાં છે, જેમ કે, “…જ્ઞાન વિનાની નિરંકુશ સ્વતંત્રતા ભયંકર છે…શાસ્ત્રીય જ્ઞાન વગરનો અનુભવ સત્યની મર્યાદા સમજી શકે નહીં” અને “ઉત્તમોત્તમ ઊંટવૈદ્ય કરતાં સાધારણ શાસ્ત્રીય વૈદ્ય વધારે સારો છે.” એ ન્યાયે તેમણે શિક્ષણ પ્રયોગિક જ્ઞાન પૂર્વે એનો શાસ્ત્રીય ઇતિહાસ જાણવો એ શિક્ષકો માટે જરૂરી ગણ્યો છે. ‘કાન્તે’ આ ગ્રંથનું આયોજન વ્યવસ્થિત રીતે કર્યું છે. આ ગ્રંથની અનુક્રમણિકા વિશદ અને વિસ્તૃત છે. દરેક પ્રકરણનાં મુખ્ય શીર્ષક ઉપરાંત તેમાંનાં પેટાશીર્ષકો દ્વારા અંદરની સામગ્રીનો પૂરતો પરિચય આપ્યો છે. છેક પ્રાચીનયુગથી માંડીને મધ્યયુગમાં થઈને અઢારમી સદી સુધીના કેળવણીકારોની વિચારણાના મુખ્ય મુદ્દા તેમણે અહીં આપ્યા છે. દરેક પ્રકરણને અંતે ઉપસંહાર આપવા ઉપરાંત વ્યાવચ્છેદક સંક્ષેપમાં સિંહાવલોકનરૂપે અપાયેલું તારણ સામાન્ય વાચકને એમાંના મુખ્ય વિચારમુદ્દાઓ સ્મરણ રાખવા માટે ઉપયોગી થઈ શકે તેવું છે. પુસ્તકમાં યત્રતત્ર પાદટીપો મૂકીને મૂળમાંની સામગ્રીને વધુ વિશદ બનાવવાનો તેમણે પ્રયત્ન કર્યો છે તેમ જ અંતમાં પુસ્તકોના અંગ્રેજી શબ્દો માટે એમાં જે સંસ્કૃત પ્રયોગો જણાવેલા છે તે ‘કાન્ત'ની આગવી વિશિષ્ટતા છે. દા.ત, Redical - ઉચ્છેદક Evolution - ઉદ્ભેદ Utilitarinniam - જનસુખવાદ Struggle for Existence - જીવન પ્રયત્ન Demiteract - બહુશાસન Fallacy of Division - ભાગગ્રહણ દોષ Deduction - પરામર્શીનુમાન Contradiction - વદતોવ્યાઘાત Egoism - વ્યક્તિ સુખવાદ Abstract - સંવિક્ત Intuition - - સહજોપલબ્ધિ ઇત્યાદિ અંગ્રેજી શબ્દોના તેમણે સમુચિતને મૌલિક સંસ્કૃત પર્યાય બતાવ્યા છે. તે અંગે કાન્તની સંસ્કૃત ભાષામાંની શબ્દપસંદગી પરત્વેની કળાસૂઝ જ દેખાય છે. ‘શિક્ષણનો ઇતિહાસ’ ઉપોદ્ઘાતમાં જ 'કાન્ત' જણાવે છે કે અહીં કેળવણીનો પૂર્ણ ઇતિહાસ આપવાનો પ્રયત્ન નથી થયો, કારણ કે આ ફલક ઘણો વિશાળ છે અને તેમાં વધુ વિસ્તૃત બનવું સરળ નથી. જોકે કેળવણીનો પૂર્ણ ઇતિહાસ તો કેળવણી અંગેની ફિલસૂફી થાય. તેમાં માનવજાત વિના આદિમ રૂપોના તેના જીવનના ગુપ્ત અને સ્પષ્ટ બધા જ અંશો અંગે વિચારવાનું રહે. વળી શિક્ષણનાં તત્ત્વો ગાણિતિક ભૂમિકાની સ્વતઃ સિદ્ધ રીતે બતાવી શકાય તેવાં નથી. કેળવણી અંગેના જમાના પ્રમાણે વિચારો બદલાતા રહે છે. માનવજીવનની વિકાસયાત્રાનો આ તો એક ક્રમ છે. એટલે ઈ.સ.૧૮૯૫માં આ ગ્રંથ લખાયા બાદ બીજી આવૃત્તિ વેળાએ કાન્તે સમુચિત કહેલું કે - “હાલ મારે શિક્ષણનો ઇતિહાસ લખવાનો હોય તો હું જુદી રીતે લખું.” એવા ઉદ્ગાર કાઢીને શિક્ષણક્ષેત્રે થતાં સતત પરિવર્તનનો અને બદલાતાં મૂલ્યોની હકીકત તરફ આપણને લેખક અંગુલિનિર્દેશ કરી દે છે. આ ગ્રંથ માત્ર ‘શિક્ષણનો ઇતિહાસ’ હોવા છતાં માત્ર શિક્ષણશાસ્ત્રીઓના વિચારોનું કે શિક્ષણપદ્ધતિનું જ નિરૂપણ 'કાન્ત' ન કરતાં શિષ્યોના માનસનો અભ્યાસ કરવાનું વલણ તેમણે રાખ્યું છે. તેના સમર્થનમાં તેમણે ઈ.સ. પહેલી સદીના સેનેકા નામના ફિલસૂફના વિચારોને તેમણે ટાંકી બતાવ્યા છે. ‘મનુષ્યનું મન કાંઈ માટીના વાસણ જેવું નથી કે જેમાં ગમે તે ભરવાથી પૂર્ણતા થાય, પણ એક સગડી જેવું છે. તે યોગ્ય ઇંધનથી જ પ્રજ્જવલિત થાય છે અને જિજ્ઞાસા તથા સત્યપ્રીતિનો અગ્નિ પ્રગટે છે.’૩[3] આમ, શિક્ષણ એટલે આડેધડ અપાતી માહિતી નથી. શિક્ષણની પ્રક્રિયા પણ ક્રમિક અને જીવંત બની રહેવી જોઈએ. આ અંગે ‘કાન્તે' બેકનના ‘વિચારબુદ્ધિ' પુસ્તકના વિચારોને રજૂ કર્યા છે. ‘જ્ઞાન છોડના જેવી વસ્તુ છે. છોડને ઉગાડવાનો હોય તો બીજા ભાગ કરતાં મૂળની વધુ સંભાળ રાખવી જોઈએ. હાલના વખતમાં અપાતું જ્ઞાન એ પ્રમાણે શાસ્ત્રોની વૃદ્ધિ કરવી હોય તો મૂળ સર્વથી ઉપયોગી છે. ઈતર ભાગોની એટલી અપેક્ષા નથી.૪[4]

અસંખ્ય શિક્ષણશાસ્ત્રીઓનાં મંતવ્યો અને શિક્ષણપદ્ધતિઓનો પરિચય આપવા ઉપરાંત આ જાતના વિચારો ‘કાન્ત’ના અંતઃકરણમાં જે ઉદ્ભવી શક્યા તેમાં તેમની વિશેષ અવલોકનશક્તિ જોવા મળે છે. તેમના પ્રયોગો અને તેનાં પરિણામો વિશે લેખકે પૂરતી માહિતી આપી છે. કેળવણીકારોનું બાળમાનસદર્શન રોચક શૈલીમાં અપાયું છે. શિક્ષણવિષયક ત્રીસ જેટલાં પુસ્તકો લખનાર કોમેનીઉસે શિશુ શિક્ષણ વિશે વિચારણા વેળાએ – “બાળકના મનને હોજ જેવું નહિ ગણતાં, ઝરણ જેવું બનાવવું જોઈએ.” આ વિધાન દ્વારા બાળકોની નૈસર્ગિક શક્તિને ખીલવવાની ભલામણ તેમણે કરી છે. કન્યાશિક્ષણના પુસ્તકમાં લેખક અને શિક્ષક ફેમ્લોન જણાવે છે: “બાળકનું મન ઘણી હવાવાળી જગ્યામાં બળતા અને અસ્થિર જ્યોતિની દીપિકા જેવું હોય છે… બાળકની અસ્થિરતા તેની કેળવણીને પ્રતિકૂળ છે. તો બીજી તરફ તેની જિજ્ઞાસા શિક્ષણને સહાયરૂપ છે.” માનસવેત્તા અને ફિલસૂફ લોક બાળકના માનસને સફેદ કાગળ કે મીણ જેવું ગણે છે અને તે સંસ્કાર પર ભાર મૂકે છે. “મનુષ્ય એ જિજ્ઞાસુ પ્રાણી છે” એવો મત ધરાવનાર રૂસો કહે છે. “ઓરડામાં બિલાડી પહેલવહેલી દાખલ થાય છે ત્યારે તે ચારેય બાજુ તપાસે છે. જુએ છે. સૂંઘ્યા કરે છે અને બધું ઓળખ્યા વગર સંતુષ્ટ થતી નથી. બાળક પણ સંસારના મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે એ જ પ્રમાણે વર્તે છે.૫[5] બાળકની જિજ્ઞાસાવૃત્તિ કુંઠિત ન થાય એટલે તો તેણે બાળકને પહેલાં બાર વર્ષ લગી માહિતીનું કશું જ શિક્ષણ નહીં આપવાની સૂચના કરી છે. બાળવાટિકાનો યોજક અને શિક્ષક ફ્રેડરિક ફુબલ તો બાળકની શાળાની વયનાં બાળકોનાં અવયવોની ઇંદ્રિયોની અને હૃદયની પ્રવૃત્તિ અર્થે બાળવાટિકામાં મોકલવાની કેળવણીના અતિરેકથી અને શારીરિક શિક્ષાથી બાળકોને થતા નુકસાન સામે ટકોર કરે છે. “જેવી રીતે બહુ પાણીથી છોડ વણસે છે તે અને બહુ તેલથી દીવો ઝાંખો થાય છે તેમ બહુ ભણવાથી મન નિર્બળ થાય છે. શાળાઓમાં લોહીથી રંગાયેલી સોટીઓને બદલે લીલાં પાંદડાં અને ખૂબસૂરત ફૂલો વેરાતાં હોય તો કેટલું સારું.”૬[6]

કેળવણીમાં પુસ્તકો દ્વારા અપાતી માહિતી તો એક સાધનમાત્ર છે. એનું અંતિમ ધ્યેય નથી. એવા ભાવની વિચારસરણી ભિન્નભિન્ન કેળવણીકારોએ વ્યક્ત કરી છે. બેકન એના ‘અભ્યાસ’ વિશેના નિબંધમાં જણાવે છે : “વાંચવું તે વિવાદ કરવા અને કોઈને પાડવા માટેનું ખરું ગણી બેસવા નહીં કે લખવા બોલવાનાં સાધન મેળવવા સારુય નહિ, વિચાર કરવા નહિ, પણ વિચાર કરવા અને ખરું ખોટું પારખવા માટે છે… કેટલીક ચોપડીઓ ચાખી જોવાની છે. બીજી કેટલીક ઉતાવળે ગળી જવાની છે અને થોડી ચાવી ચાવીને મગજમાં પચાવવાની છે.” શિક્ષણશાસ્ત્રી ડેડોરા જણાવે છે: “હીરાની ખાણોમાં જે મજૂર કાર્ય કરે છે તેની કોદાળી કંઈ હીરાને પેદા કરતી નથી.”૭[7] અર્થાત્ કેળવણી જીવનનાં રહસ્યો શોધી આપે છે, પણ તે જ સાધ્ય નથી. તો કેન્ટના મતે: “જેમનામાં માત્ર સ્મરણશક્તિ હોય છે તે લોકો જીવતા કોશ જેવા અને જાણે કે વાગ્દેવીના ભાડૂતી ઘોડા જેવા છે.”૮[8] સાહિત્યનો અભ્યાસી હોવા ઉપરાંત કાયદાનો તજ્જ્ઞ ઝાકોટા માત્ર જીભ અને હોઠમાં જ બંધાઈ રહેતા અને મગજ કે બુદ્ધિમાં નહીં ઊતરતા જ્ઞાનને ધિક્કારે છે. “ઘઉંનો દાણો જમીનમાં ઊતરીને નષ્ટ થાય નહીં ત્યાં સુધી તે એકલો રહે છે, પણ તે ખરે છે ત્યારે તેમાંથી ઘણા દાણા નીપજે છે. એ રીતે વિચાર પોતાનું રૂપ બદલે નહીં ત્યાં સુધી તે આપણો થયો છે એ સમજાય નહીં.૯[9] ફ્રેંચ લેખક મોન્ટેન કહે છે: “જે પ્રમાણે પક્ષીઓ પોતાનાં બચ્ચાને ખવરાવવાને દાણા ચાંચમાં લઈને ઊડે છે. તે પ્રમાણે શિક્ષકો જ્ઞાન જીભ પર લઈને ફરે છે અને પક્ષીઓની માફક જરા પણ સ્વાદ લીધા વગર બચ્ચા પાસે કાઢી નાખે છે.”૧૦ [10]

ગ્રંથના પહેલા પ્રકરણમાં લેખકે ભારતના ઈ.સ. પૂ. ૨૦૦૦થી ઈ.સ. પૂ. ૧૪૦૦ સુધીના વૈદિક સમયના શિક્ષણનો આપણને વિસ્તૃત પરિચય આપ્યો છે. આ પરિચય આપીને ષડ્દર્શન, ભૂમિતિ, અંકગણિત, ફિલસૂફી, ભાષાશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર જેવા વિષયોમાં ભારતની જગતભરમાં સર્વપ્રથમતા સપ્રમાણ દર્શાવી છે. ત્યાર બાદ ઈઝરાયલ, ચીન, ગ્રીસ, રોમ, ફ્રાંસ આદિ દેશોના કેળવણીકારોનું વિચારદોહન કર્યું છે. સૉક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટોલની પ્રવૃત્તિઓ, પ્લેટોનું રિપબ્લિક અને એકેડેમી એ સર્વનું વિગતવાર નિરૂપણ આપ્યું છે. મધ્યકાળમાં યુરોપ જ્યારે ધાર્મિક માન્યતાઓ અને તેના ખ્યાલોમાં જકડાયેલું હતું ત્યારે લોકોના વિજ્ઞાનના ખ્યાલો કેવા વિચિત્ર હતા તે હકીકત જોવા જેવી છે. સૂર્ય પરનાં ધાબાં વિશે વિજ્ઞાનના વિદ્યાર્થીએ તેના શિક્ષકને પૂછ્યું ત્યારે તેણે ઉત્તર વાળ્યો કે – “સૂર્ય પર ધાબાં હોઈ શકે નહીં. સૂર્ય દોષરહિત છે, માટે તમે તમારા (દૂરબીનના) કાચ સાફ કરજો. તમારા દૂરબીનમાં ધાબાં નહીં હોય તો તમારી આંખમાં હશે.”૧૧[11] આ પરિસ્થિતિ છેક સત્તરમી સદી સુધી નભતી હતી. ગેલેલીઓએ ફરિયાદ કરવી પડેલી કે – “હું પંડિતોને મારા દૂરબીનમાંથી જોવાને વિનવતો, પણ તેઓ મારું માનતા નહીં.”૧૨[12] મધ્યકાળની અંધ પરંપરાનો આ નમૂનો છે. છેલ્લા પ્રકરણમાં કાન્તે પૂર્વ અને પશ્ચિમની શિક્ષણપ્રણાલીઓ અને શિક્ષણ વિશેના વિચારોનું જૂના અને નવા સમયના અનુસંધાનમાં મૂલ્યાંકન કર્યું છે. શિક્ષકોની યોગ્યતા, તેમના પાંડિત્ય અને ઉપાધિ પરથી નહીં, બલકે બાળકોમાં નિહિત રહેલ તેમની સુષુપ્ત શક્તિઓને ખીલવવાની આવડત પર ગણાવી જોઈએ. સર્વકક્ષાના શિક્ષકો માટે તાલીમ કેન્દ્ર હોવાં જોઈએ તે વાત ભારપૂર્વક રજૂ કરવામાં આવી છે. તેમજ બુદ્ધિમાં મંદ તેમજ સુસ્ત અને અનિયમિત વિદ્યાર્થીઓની સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને અપાતું શિક્ષણ શિક્ષક અને તેજસ્વી વિદ્યાર્થી એમ બંને માટે ગંભીર પરિણામો ઊભાં કરે છે. છેલ્લે રસ્કિનના મતે અનુમોદન આપતાં લેખક જણાવે છે કે- “સંસ્થાઓથી ભરાઈ ગયેલાં આપણાં શહેરોમાં ભઠ્ઠીમાં પેસતા પવનના કરતાં જે બૂમ વધારે સંભળાય છે તે એ છે કે આપણે બધા પદાર્થો કેળવીએ છીએ, પણ માણસો નહીં. લાંબી મુદતે પણ ભવ્ય પરિણામ બતાવે તેવી યોજના મુખ્ય ગણાતી હતી. “આખાય ગ્રંથનું અધ્યયન કર્યા પછીથી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે યુરોપમાં થયેલી કેળવણી વિશેની વિચારણા પ્રયોગોનો ઇતિહાસ જ આ ગ્રંથ લખવા પાછળનું પ્રેરકબળ છે. તેમ કરવામાં કશું ખોટુંય નથી. તો પછી પૂર્વના દેશોમાં અને ખાસ કરીને પ્રાચીન હિંદુસ્તાનમાં કેળવણીની સ્થિતિ શી હતી તે લખવાનું કોઈ કારણ રહેતું નથી. જે માહિતી એ વિશે આપવામાં આવી છે તેમાં વ્યવસ્થિતતા કે ઊંડાણ નથી. છૂટક છૂટક હકીકતો આપી હોય તેવી સ્પષ્ટ છાપ દેખાય છે. આપણી પ્રાચીન વિદ્યાપીઠો વિશે સામગ્રી પ્રાપ્ય પણ હતી છતાં તેનો ઉપયોગ આ ગ્રંથમાં કર્યો જણાતો નથી”૧૩ [13] અમૃતલાલ યાજ્ઞિકનો આ મત ઉચિત નથી કેમ કે કાન્તે ‘પુરાતન કાળ શિક્ષણ'માં તબક્કાવાર વિભાગો પાડ્યા છે. જેવા કે ‘વૈદિકકાળમાં શિક્ષણ', ‘બ્રાહ્મણકાળમાં શિક્ષણસ્થિતિ’, ‘સૂત્રકાલમાં શિક્ષણસ્થિતિ', ‘બુદ્ધ અને બૌદ્ધધર્મ', ‘બૌદ્ધિકાળમાં શિક્ષણસ્થિતિ’, ‘પૌરાણિકકાળમાં શિક્ષણસ્થિતિ' આમ દરેક કાળની શિક્ષણસ્થિતિના વહેણના મુખ્ય મુદ્દાઓને 'કાન્ત’ સ્પર્શ્યા જરૂર છે. વૈદિક સમયની ભારતની આભાનું વર્ણન કાન્તની નજરેથી ચુકાઈ ગયેલું નથી જ. વૈદિક સમયમાં સ્ત્રીઓ પુરુષ સમોવડી ગણાતી તે અંગે ‘કાન્તે’ આપેલું એક ઉદાહરણ અહીં ટાંકું છું. “… ઋગ્વેદના ઋષિઓની સાથે બીજી ઘણી આર્યાઓનાં નામ એટલાં જ પ્રસિદ્ધ છે કે જે ઋષિઓએ પ્રથમ મંત્રો રચેલા. તેમના કુટુંબમાં એ મંત્રોનો ઘોષ સેંકડો વર્ષો સુધી પ્રચલિત રહેતો. ગૃત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ, વસિષ્ઠ, કણ્વ અને અંગિરાએ ઋગ્વેદના પહેલા અને છેલ્લા મંડલ સિવાય બાકીનાં આઠે મંડલો રચેલાં.૧૪[14] આવી નાનકડી મહત્ત્વની વિગત 'કાન્ત' નથી ચૂક્યા, બ્રાહ્મણ યુગમાં આરણ્યક અને ઉપનિષદો રચાયેલાં તેમ જ તે અંગેની તાત્ત્વિક ચર્ચાઓ રાજ્યસભાઓમાં થતી કહીને ‘કાન્ત’ તે વેળાના રાજ્યવહીવટ અને રાજાઓની અનાદિ રૂપને પામવાની ઇપ્સા છતી થાય છે તેમાં જ તેઓ જણાવે છે કે જનક, અજાતશત્રુ, જનમેજય, પરિક્ષિતના શાસનને નીચે ગામડાં અને શહેરોમાં શાળાઓ અને પરિષદો સ્થપાતી તે પરથી ફલિત થાય છે કે વિદ્યાપીઠોમાં જ્ઞાન મેળવવાની લગન હતી. તે વિધાન જણાવીને તે સમયની વિદ્યાપીઠની સ્થિતિ સ્પષ્ટ કરે છે. એટલે યાજ્ઞિકનું વિધાન છે કે “વિદ્યાપીઠો વિશે સામગ્રી પ્રાપ્ય હતી છતાં તેનો ઉપયોગ નથી થયો.” તે આ હકીકત તપાસતાં યોગ્ય નથી લાગતું તેમજ આગળ વધતાં ‘કાન્તે’ એકલવ્યની ગુરુભક્તિનું પણ નિરૂપણ કર્યું છે. તેમ જ ગુરુસેવાનું માહાત્મ્ય ધર્મ ઋષિના ગણ શિષ્યોની સુંદર કથાનો ઉલ્લેખ કરીને ‘કાન્ત’ જણાવે છે. તેમ જ ઉત્તમ વિદ્યાર્થી ચારિત્ર્યનું ઉદાહરણ 'કાન્તે', ‘સત્યકામ’ની કથા શબ્દો ગદ્યમાંથી લઈને આપ્યું છે. તેમાં તેના ચારિત્ર્યની સત્યનિષ્ઠા અને ગુરુ પ્રત્યેની વફાદારી બતાવી છે. તેના ગુરુએ જ્યારે તેના કુળ વિશે પૂછ્યું ત્યારે તેની માતાની નિર્ભીક વાણીનું કથન કર્યું છે. કાન્તે ઝીણી, પણ મહત્ત્વની વિગત આ ગ્રંથમાં આપી છે. તેમ મને લાગે છે. તેનો થોડોક અંતિમ અંશ શૈલીની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપે નોંધપાત્ર છે. તેણે પૂછ્યું “ભાઈ તારું ગોત્ર કયું છે? સત્યકામે ઉત્તર આપ્યો મહાત્મન્ મારું ગોત્ર કયું છે તેની મને ખબર નથી. મારી ‘મા’નું નામ જાબાલિ છે અને મારું નામ સત્યકામ છે. માટે ભગવન્ હું સત્યકામ જાબાલ છું.”૧૫[15] આમ, સત્યથી ચલિત ન થનાર ચરિત્રવાન વિદ્યાર્થીનું નિરૂપણ કરીને ભારતની સંસ્કૃતિ અને તેના શિક્ષણનું ઊંચું મૂલ્ય ‘કાન્તે' કર્યું છે. તેમજ આગળ જતાં ‘કાન્ત’ નોંધે છે કે તે યુગમાં વેદ, ઉપનિષદ્ ગુહ્ય-વિદ્યા, કલ્પસૂત્ર, પાંચ વેદાંગો, વ્યાકરણ, નિરુક્ત અને જ્યોતિષનું અધ્યયન આ સમયમાં થયું હતું. આગળ વધતાં 'કાન્ત' જણાવે છે કે- ‘પાણિની, કાત્યાયન અને પતંજલિના પ્રયત્નો વડે વ્યાકરણશાસ્ત્ર તો હિંદુસ્તાનમાં એટલી ઉત્કૃષ્ટતાએ પહોંચ્યું કે દુનિયાની બીજી કોઈ પ્રજામાં તેવું થયેલું નથી. હજારો શબ્દો થોડા ઘણા ધાતુઓમાંથી ઉપજાવી શકાય, એ વિલક્ષણ શોધ યુરોપમાં ચાલતી આ સદીમાં જ થયેલી છે, પણ હિંદુસ્તાનમાં એ બાબતની ૩૦૦ વર્ષ પહેલાં ખબર હતી. એથેન્સ અને રોમમાં અંધકાર હતો. તે વખતે ભાષાશાસ્ત્રની શરૂઆત પાણિનીએ કરેલી.૧૬[16] આમ ‘કાન્ત' પૂર્વ-પશ્ચિમના શૈક્ષણિક પ્રવાહોનો તુલનાત્મક અભ્યાસ કરીને વાચક આગળ મૂકે છે. જોકે તેમાં વિસ્તૃત વ્યાપ નથી. છતાં મહત્ત્વની ઘટનાઓ, મહત્ત્વના મુદ્દાઓ 'કાન્ત'ની નજરમાંથી ચૂકી ગયા નથી તે વાત ખાસ નોંધવી ઘટે. પૂર્વના સંસ્કારોની સાથે સાથે શૈક્ષણિક પ્રવાહો ‘કાન્તે’ તબક્કાવાર આપ્યા છે. જે જે સમયની છાયા સમાજ પર હતી તે છાયાને ઝીલીને કાન્તે શૈક્ષણિક પ્રવાહને આલેખ્યા છે. આરંભમાં વૈદિકયુગ, બ્રાહ્મણયુગ, સૂત્રકાલનો સમય અને અંતે બૌદ્ધકાલમાં શિક્ષણપ્રવાહનો તબક્કો તેમણે હાથ લીધો છે. બૌદ્ધકાળમાં આવતાં તેઓ નાલંદા જેવી વિદ્યાપીઠનો ઉલ્લેખ ચૂક્યા નથી. તે સમયમાં પ્રજાજનમાં શબ્દવિદ્યા, શિલ્પવિદ્યા, ચિકિત્સાવિદ્યા અને અધ્યાત્મવિદ્યા ખીલી હતી તેમ જણાવીને બૌદ્ધકાલીન શૈક્ષણિક પ્રથાની આગવી વાત ‘કાન્તે’ આલેખી છે. ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ વર્ણવતાં 'કાન્ત' નોંધે છે : “…જંગલમાંથી સમિધ એકઠાં કરી લાવતો અને સાંજ-સવાર ગુરુના ઘર માટે પાણી ભરતો. સવારે તે વેદીને વાળીને સાફ કરતો અને અગ્નિ પ્રજવલિત કરી તે પર પવિત્ર સમિધ મૂકતો. તથા સાંજે ગુરુનાં ચરણનું પ્રક્ષાલન કરી, સેવાહન કરી ગુરુને નિદ્રિત કરી, પછી પોતે નિદ્રા કરતો. લેખનકળાની શોધ થઈ હતી, પણ અભ્યાસ સર્વથા મોંએથી જ કરાવવામાં આવતો. બ્રહ્માંજલિ અને ઉપસંગ્રહણ કરીને શિષ્ય અધ્યયન માટે ગુરુને પ્રાર્થના કરતો અને अधिश्व्मा કહીને ગુરુજી પાઠ શરૂ કરતા. પછી ‘વિસમઙસ્તુ' કહીને બંધ કરતા. ગુરુને પિતા જેટલું માન આપવામાં આવતું: ઉત્પન્ન કરનાર અને વેદ ભણાવનાર એ પિતા છે.૧૭[17] એ સમયના શિષ્યગુરુના સંબંધ અને વિદ્યાઅધ્યયનની પ્રણાલીનું ઉપાલેખન યથેષ્ઠ જોતાં તે સમયમાં વિદ્યાપીઠોની માહિતી નથી અપાઈ તે મત સાથે સહમત થઈ શકાય તેમ નથી. આગળ વધતાં ‘કાન્તે’ પૌરાણિક કાળમાં આર્યભટ્ટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય–તેઓએ ખગોળશાસ્ત્રમાં પ્રશંસનીય જે કાર્ય કરેલું તેના ઉલ્લેખ ‘કાન્ત’ આપણને કરાવે છે. તેઓ લખે છે કે- ‘…પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે અને સૂર્ય તથા ચંદ્ર તથા પૃથ્વીની છાયા આડે આવવાથી થાય છે. એ હકીકત છેક આર્યભટ્ટને માલૂમ હતી, વરાહમિહિરની બૃહત્ સંહિતામાં મેઘધનુષ્ય, ખરતા તારા, ધરતીકંપ વગેરે અનેક વિષયો ઉપર પુષ્કળ માહિતી જણાય છે અને ભાસ્કરાચાર્યના સિદ્ધાંત શિરોમણિમાં અક્ષરગણિત, અંકગણિત અને ત્રિકોણભૂમિતિનો સુધ્ધાં સમાવેશ થાય છે… આગળ વધતાં કાંત જણાવે છે : “અક્ષરગણિતનાં કેટલાંક કૃત્યો ભાસ્કરાચાર્યે કરેલાં, તે છેક ૧૭મી અને ૧૮મી સદીમાં યૂરપમાં શોધાયેલાં છે અને અક્ષરગણિત હિંદુસ્તાનમાંથી આરબો લઈ ગયેલા તથા તેને પિઝાના લિયોનાર્ડોએ આઠમી સદીમાં યુરોપમાં દાખલ કરેલું એ વાત તો સુપ્રસિદ્ધ છે.”૧૮[18] આમ વિષયની તલગાહી છણાવટ ‘કાન્તે’ કરી છે. પૂર્વની શિક્ષણપ્રથા તેના સાંપ્રતયુગમાં ઝીલતાં પ્રવાહોની સાથે તેમણે ઇતર દેશોની પરિસ્થિતિને નજર સમક્ષ રાખી તેનું તુલનાત્મક અવલોકન કર્યું છે. ભારતનો જે સુવર્ણકાળ હતો તેને તેમણે શક્ય તેટલી બાજુએ તપાસ્યો હતો અને તે જ સમયની સામે પાશ્ચાત્ય પ્રવાહોની શક્ય ઘટનાઓની સિદ્ધિમર્યાદા પણ તપાસી છે. પૂર્વ વિશેની છણાવટ માટે કાન્તે ઝીણા મુદ્દાને તપાસીને ઊંડાણથી તેનું પરીક્ષણ કર્યું છે તેમજ પાશ્ચાત્ય શિક્ષણપ્રણાલીનો પણ તેવો જ સત્ત્વશીલ અભ્યાસ કર્યો છે. “શિક્ષણનો ઈતિહાસ”નું સમગ્ર દૃષ્ટિએ અવલોકન કરીએ તો તેમાં કાન્તની કેળવણી વિષયક સમર્થ ચિંતનપ્રતિભાનો પરિચય મળે છે. આવી ફલપ્રદ વિચારધારા દ્વારા ગુજરાતી સાહિત્યની એમણે સેવા કરી છે તેની પ્રતીતિ થાય છે. આ ‘શિક્ષણનો ઈતિહાસ’ લખવામાં તેમણે કેટલો બધો અભ્યાસ પરિશ્રમ ઉઠાવ્યો હશે તેની કલ્પના કોઈ પણ વાચકને સહેજે આવ્યા વિના રહેતી નથી. કાન્તના આ લખાણમાં પ્રમાણવિવેકની મર્યાદા સ્પષ્ટ રીતે દીસી આવે છે. ઉન્નત અને ગંભીર વિચારો વહન કરતા આ ગ્રંથની ભાષા સંસ્કૃત શબ્દોથી ભરપૂર હોવાને કારણે સામાન્ય વાચકને ક્લિષ્ટ લાગવા સંભવ છે. એ ક્લિષ્ટતા અંગે સંસ્કૃતમય શૈલીને કારણભૂત ન માનતાં મૂળ વિચારોને રજૂ કરવાનું પોતાનું અસામર્થ્ય માનવું એવું લેખકે સ્પષ્ટ રીતે જણાવ્યું છે. શૈલી સંસ્કૃતમય હોવા છતાં રસળતી અને મોહક ગદ્યલય ધરાવતી બની છે. એકંદરે જોતાં આ પુસ્તક 'કાન્ત’ને એક સફળ શિક્ષણશાસ્ત્રી કે શિક્ષણવિચારક તરીકે રજૂ કરે છે એમાં શંકા નથી. ‘કાન્ત’ના સમયમાં ઊભા રહી વિચારીએ તો લાગે છે કે શૈક્ષણિક પ્રથા અને કેળવણીના આટલા પ્રવાહોનો જાગરૂકપણે અભ્યાસ ત્યારે કે તે અગાઉ અન્ય કોઈથી થયો ન હતો. છતાં તેમણે જે કામ કર્યું છે તે વિદ્વત્તાપૂર્ણ છે અને આજ સુધી એક સંદર્ભગ્રંથ તરીકેનું સ્થાન મહત્ત્વનું ને ગૌરવપ્રદ છે. ભવિષ્યમાં પણ આવા ગ્રંથ નહીં રચાય ત્યાં સુધી તેની ગણના એક મહત્ત્વના આકરગ્રંથ તરીકે રહેશે.

૧ (બ)
કાન્તે કરેલી તત્ત્વચર્ચા
-‘દિનચર્યા’-

‘કાન્તે' પદ્ય-ગદ્ય સર્જન દ્વારા સાહિત્યજગતની પ્રશસ્ય સેવા કરી છે. પાશ્ચાત્ય અને પૌર્વાત્ય વિચારોને તેમણે અપનાવ્યા છે. જીવનમાં પારલૌકિક પ્રવાહોને તેમણે તેમના જીવનના ભોગે પણ સ્વીકાર્યા છે. તેમની શોધ શાશ્વત आनंद રહી છે. સહુની વચ્ચે રહીને, સહુને ચાહીને, લોકોના ગમા-અણગણા દ્વારા પ્રગટતા અનેક પ્રતિભાવો અને સંઘર્ષમાં પણ તેમણે ‘સત્ય'શોધની કેડી અપનાવી છે. તેમના પત્રોમાં પ્રગટતું તેમનું મંથન તેમની મિત્રો માટેની ભાવસભરતા, એ બધાંની વચ્ચે તેમણે ચિર મુદ્રાને આમંત્રી છે. તેમના સ્નેહાળ વ્યક્તિત્વને સ્વીડનબોર્ગની વિચારધારા વધુ સ્પર્શી ગઈ. તેઓ ખ્રિસ્તી ધર્માંગીકાર કરી બેઠા, સ્વીડનબોર્ગનાં કેટલાંક પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છતાં પૌર્વાત્યના પુરાણગ્રંથોથી તેઓ અળગા રહ્યા નથી. આ તત્ત્વચર્ચા સ્વીડનબોર્ગના વિચારો અનુસાર જ થાય છે. બધાં જ સ્વીડનબોર્ગનાં પુસ્તકોના સાર સંચયરૂપ તેમણે આ પુસ્તિકા તેમની મૌલિક શૈલીથી લખી છે, પરંતુ સ્વીડનબોર્ગની છાયા તો છે જ. दिनचर्या એ નાનકડી પુસ્તિકા છે. તે ઈ.સ.૧૮૯૯ કે ૧૯૦૦માં પ્રગટ થઈ. એ અંગે સ્પષ્ટ આધાર મળતો નથી. એમાં દિવસ દરમિયાન વ્યક્તિએ કેવી રીતે વિભુચેતનામાં પોતાનો દિવસ નિર્ગમન કરવો, ને દિવસ દરમિયાનમાં કાર્યો કરવાં તે તેમણે સમજાવ્યું છે. દિનચર્યાના આરંભમાં તેઓ કહે છે : “દિવસ એ એક ન્હાનૂ જીવન છે. જેમ જીવન પોતે એક મ્હોટો દિવસ છે તેમ દિવસ તે એકમ છે કે જેનું મ્હોટામાં મ્હોટું જીવન બનેલું છે.”૧[19] દિવસ અને જીવન, જીવન અને દિવસ એ તો વ્યક્તિવિકાસનાં બે સાયુજ્યો છે. આજનો દિવસ એ અનાગતનું ચણતર છે. જે દ્વારા જીવનપરિઘનાં મધ્યમબિંદુઓ ક્ષણે ક્ષણે બદલાતાં મુકાતાં જાય છે. એ મધ્યબિંદુના નાનકડા ટપકાએ જીવનશેષ ન હોય ત્યારે મનુષ્યની વિકાસયાત્રાના જય-પરાજય, આનંદ, શોક અને મિલન- વિરહના સ્મૃતિ અંકોડાએ ગૂંથાયેલ એક શેષ મોટું જીવન બને છે. તો ક્યારેક જીવનયાત્રાના સહુ તબક્કાઓ વચ્ચે તેના અંતિમ લક્ષ્ય તરફ લઈ જતો એક ભાગ તેના લક્ષ્યવેધનો જીવનપિંડ બને છે. આમ, નાનકડા થોડા શબ્દો દ્વારા ‘કાન્તે’ બધું મર્માતિક કહી દીધું. આગળ વધતાં અહીં ‘કાન્ત’ આપણને કહે છે કે “જ્યારે દિવસ શરૂ થાય છે ત્યારે આપણે જ્ઞાનના સવિતા તરફ દૃષ્ટિ કરવી જોઈએ”૨[20] આમ કહીને તે ગાયત્રીનો મંત્ર ટાંકે છે. તો અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે ‘કાન્ત’ને અભિપ્રેત એટલે ‘દિવસ’ તે શું છે ? જેમ “સાવિત્રી” સર્ગ-૧, પર્વ-૧માં શ્રી અરિવંદ ‘પ્રતીકાત્મક ઉષા' વિશે કહે છે તેવો જ કોઈ ભાવ અહીં ‘કાન્ત’ને અભિપ્રેત હોય તેમ લાગે છે કે મનુષ્યના તેના અજ્ઞાનના અંધારાના અડાબીડમાં અથડાવું હોય છે. તેના દ્વેષ, ઈર્ષા, અસત્ય, છળકપટ, વાસનાઓ – એ બધું જ એક તિમિર રાત્રિ જેવું છે. કે જેની અંદર સત્ય, એક કોચલા જેવું ને કોચલામાં રહેલ ઈંડા જેવું પડ્યું છે. તેના આવરણને દૂર કરવા તેણે ‘દિવસ’, ‘ઉષા’ સૂર્યને આમંત્રવાનો છે. પ્રકાશ કેવો ‘Divinelight' જે ઝળહળાં થઈને સ્થપાય અને માંહ્યલો જે અંતરિયાળે છે તે બહાર આવીને સહુ છેદનોને છેદીને તેની અનંત યાત્રાનો તે પથિક બને. તેથી જ 'કાન્ત' ગાયત્રી મંત્રની ઉપાસના કરવાનું કહે છે. ભીતર રહેલ તિમિરનાં આવરણોને ઓગાળી ત્યાં પરમ વિભુ મુદ્રાને અંકિત કરવા તે આમંત્રે છે. શાશ્વતીને પામવા જતાં માર્ગમાં અડચણો પણ વિશેષ આવશે તે પણ 'કાન્ત' જણાવે છે. “…અહીંના જીવનના માર્ગમાં પુષ્કળ પરીક્ષણો અને પ્રલોભનો છે…”૩ [21]

પ્રકૃતિનાં નિયત બળો સામે વીરયોદ્ધા અને સેનાની બનીને શાશ્વતીના માર્ગે જવું ઘટે, પણ જીવનના પ્રવાહોમાં સપાટી પરના ચળકાટો, વ્યવહારુજીવન, લાગણીઓ પરથી રહેલ લેવડ-દેવડ બધું જ અંતરાયરૂપ બનતું જાય છે. કદીક માનવનાં વલણ અને વર્તનમાં પશુતા દેખાય છતાં પણ અનંતના યાત્રીએ તો તેની ભીતરમાં રહેલ વિભુને જ સ્વીકારીને કોઈપણ ગમા-અણગમાથી પર થવાનું છે. માનવવ્યવહારની બાહ્ય ચેતના સાથેનો સંપર્ક સાધીને સહુને એકસરખી રીતે ચાહીને સહુમાં નિહિત વિભુ છે, તે જ દૃષ્ટિ કેળવવાની છે તેમ લેખક જણાવે છે. માનવના સપાટી પરનાં વલણો વર્તનો ભૂલી જઈને તેની અંદર તૈયાર થઈ રહેલા કોચલા તરફ જ આપણી દૃષ્ટિ કેળવવાની છે. જ્યાં ટકોરા પાડવાનો સાદ સાંભળવાનો છે. તે તો શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય-૨, શ્લોક ૪૮ પ્રમાણે ‘યોગસ્થ’ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યા છે તે કહીને ‘કાન્ત' ઉપરોક્ત શ્લોકની ટીકા પોતે કરે છે અને તે શ્લોક અંગે કરેલી શંકરાચાર્યની પણ પુસ્તિકામાં નોંધ છે. માનુષી સુખની ઈપ્સા સારી છે, પણ તે પરમોચ્ચ આનંદ અર્પી શકતા નથી. તેની સંતૃપ્તિ કદી થતી નથી, પણ એક વાર Divineનો પારસમણિનો આછેરો સ્પર્શ મળી ગયો તો આ દુન્યવી સંબંધો એક સીમામાં બંધાયેલા લાગે છે. છતાં પણ અહીં ‘કાન્ત' અદ્વૈતવાદીઓની જેમ બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહેતા નથી. જગતના સહુ પ્રવાહોમાં રહીને તેને નિઃશેષ ભાવે કોઈપણ પૂર્વગ્રહ વગર સ્વીકારીને, સમગ્રતયા અક્ષુણ્ણપણે વિભુને પોતાનું સમર્પણ કરવું તેમ યથેચ્છ રીતે આપણને સમજાવે છે. સર્વ સંસાર અને ધર્મથી મુક્ત થઈને વિભુ પરત્વેની અણનમ શ્રદ્ધાએ જીવનદીપ પ્રજ્વલિત રાખવો તેમ કહે છે. અણનમ આંધીમાં ટગુમગુ શ્રદ્ધાદીપ બને ત્યારે વિભુની જ કરુણા એ ડગમગતા કોડિયાની આડશ બનશે તેમ કાન્ત આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય- ૧૮, શ્લોક ૧૬ના આધારે જણાવે છે. ચાર પાનની આ નાનકડી પુસ્તિકામાં 'કાન્ત'ની વિચારધારા સ્વીડનબોર્ગીય નથી રહેતી. તેમની જીવનઝંઝાને પણ શાશ્વતી પ્રત્યેની અણનમ શ્રદ્ધાનું પ્રતીક આ નાનકડી પુસ્તિકા બની રહે છે. અહીં તેઓ કોઈ ધર્મને, સંપ્રદાયને વર્ણવતા નથી, પણ જે પરમોચ્ચ વિભુ છે અને શાશ્વતી છે, તેનું પ્રાગટ્ય તે તેમની સરળ વાણીમાં વ્યક્ત કરે છે. જાણે કે ‘કાન્ત’ના જીવનભરના અથાગ પરિશ્રમે પણ તેમને તે અનંતયાત્રાના સત્ ચિત્ આનંદમાંથી કોઈ એકનો પાસ લાગ્યો હોય. ગુજરાતી સાહિત્યમાં તત્ત્વચર્ચાના લેખો આપણને મણિભાઈ નભુભાઈ પાસેથી મળે છે ત્યાર પછી આનંદશંકર ધ્રુવ પાસેથી મળે છે. એ બેની વચ્ચે ‘કાન્ત’ પાસેથી આપણને સ્વીડનબોર્ગની ધર્મચર્ચા મળે છે તે પણ જાણે કાન્તના જીવનની વિકાસયાત્રાનું એક પગથિયું થયું હતું. તેમના પૂર્વજીવનમાં સ્વીડનબોર્ગના વિચારોની પ્રગાઢ છાપ મળે છે. ઉત્તરાવસ્થામાં તે સ્વીકારેલ સ્વીડનબોર્ગના માર્ગે તેમણે અનુભવો મેળવ્યા. તેમનાં સહુ વ્રણોમાં તેનું ભીતર કંઈક જુદી રીતે આકાર લેતું ગયું. તેમના ઉત્તરજીવનમાં તે સહુ ‘વાદ’ છોડી દે છે. બધું જ નિઃશેષ ભાવે Divine Surender બને છે. આમ, આ કૃતિ કાન્તની વિશિષ્ટ બની રહે છે.


કવિ કાન્તનું ગદ્ય,પૃ.૨૩-૨૬,૨૦૦૨


સંદર્ભનોંધ

  1. ૧. કાન્તમાલા, પૃ. ૩૩૨, કાન્ત સ્મૃતિગ્રંથ, ઈ.સ.૧૯૨૪, આદિત્ય મુદ્રણાલય, રાયખડ,અમદાવાદ.
  2. ૨. શિક્ષણનો ઇતિહાસ,પૃ.૧૨૫; લેખક : કાન્ત, પ્રથમ આ. ૧૯૨૪, સયાજી જ્ઞાનમંજૂષા, વડોદરા.
  3. ૩. ગ્રીસમાં શિક્ષણ, પૃ.૮૫, કાન્તનો શિક્ષણનો ઇતિહાસ,આવૃત્તિ પ્રથમ ઈ.સ. ૧૯૧૪, સયાજીમાન મંજૂષા, વડોદરા.
  4. ૪. કાન્તકૃત શિક્ષણનો ઇતિહાસ, પૃ.૮૨, નરોત્તમ વાળંદ ગ્રંથ ઓક્ટોબર-૧૭, પરિચય ટ્રસ્ટ ૧૯-૨૧, હમામ સ્ટ્રીટ, મુંબઈ-૬.
  5. ૫. કાન્ત કૃત શિક્ષણનો ઇતિહાસ, પૃ.૯૨, નરોત્તમ વાળંદ, ગ્રંથ ઑક્ટોબર ૬૭, પરિચય ટ્રસ્ટ, ૧૯૨૧ હમામ સ્ટ્રીટ, મુંબઈ-૧
  6. ૬. સોળમી સદીમાં શિક્ષણ વિચાર, પૃ.૧૯૦, કાન્તનો શિક્ષણનો ઇતિહાસ,સયાજી જ્ઞાન મંજૂષા, વડોદરા.
  7. ૭. મધ્યકાળમાં યુરોપિયન શિક્ષણ, પૃ.૧૯૫, કાન્ત, શિક્ષણનો ઇતિહાસ, ઈ.સ.૧૯૧૪, સયાજી જ્ઞાનમંજૂષા, વડોદરા.
  8. ૮. અઢારમી સદીના ફિલસૂફો, પૃ.૩૦૮, કાન્ત, શિક્ષણનો ઇતિહાસ, ઈ.સ.૧૯૧૪ સયાજી જ્ઞાનમંજૂષા વડોદરા.
  9. ૯. સાર્વજનિક શિક્ષણપદ્ધતિ, પૃ. ૪૦૯, કાન્ત, શિક્ષણનો ઇતિહાસ, ઈ.સ.૧૯૧૪, સયાજી જ્ઞાનમંજૂષા વડોદરા.
  10. ૧૦. સોળમી સદીમાં શિક્ષણવિચાર, પૃ.૧૯૨, કાન્ત, શિક્ષણનો ઇતિહાસ, ઈ.સ.૧૯૧૪, સયાજી જ્ઞાનમંજૂષા, વડોદરા.
  11. ૧૧. મધ્યકાળમાં યુરોપીય શિક્ષણ, પૃ.૧૫૮ કાન્ત, શિક્ષણનો ઇતિહાસ, આવૃત્તિ બીજી, ઈ.સ.૧૯૧૪, સયાજી જ્ઞાનમંજૂષા, વડોદરા.
  12. ૧૨. સત્તરમી સદીના ફિલસૂફો, પૃ.૨૮૫, કાન્ત, શિક્ષણનો ઇતિહાસ, આવૃત્તિ બીજી,ઈ.સ.૧૯૧૪, સયાજી જ્ઞાનમંજૂષા, વડોદરા.
  13. ૧૩. કેળવણીની ફળપ્રદ વિચારણા’, પૃ.૧૭૩, અમૃતલાલ યાજ્ઞિક – ‘મણિશંકર ભટ્ટ' 'કાન્ત', અશોક પ્રકાશન, રતનપોળના નાકા સામે ગાંધી રોડ, અમદાવાદ.
  14. ૧૪. પુરાતનકાળમાં શિક્ષણ, પૃ.૧૩, કાન્ત, શિક્ષણનો ઇતિહાસ,આવૃત્તિ બીજી, ઈ.સ.૧૯૧૪, સયાજી જ્ઞાનમંજૂષા, વડોદરા.
  15. ૧૫. પુરાતનકાળમાં શિક્ષણ, પૃ.૧૬, કાન્ત, શિક્ષણનો ઇતિહાસ,આવૃત્તિ બીજી, ઈ.સ.૧૯૧૪, સયાજી જ્ઞાનમંજૂષા, વડોદરા.
  16. ૧૬. પુરાતન કાળમાં શિક્ષણ, પૃ.૨૧, કાન્ત, શિક્ષણનો ઇતિહાસ,આવૃત્તિ બીજી, ઈ.સ.૧૯૧૪, સયાજી જ્ઞાનમંજૂષા, વડોદરા.
  17. ૧૭. પુરાતન કાળમાં શિક્ષણ', પૃ.૨૭, કાન્ત, શિક્ષણનો ઇતિહાસ, આવૃત્તિ બીજી ઈ.સ.૧૯૧૪, સયાજી જ્ઞાનમંજૂષા, વડોદરા.
  18. ૧૮. પુરાતનકાળમાં શિક્ષણ', પૃ.૨૯, કાન્ત, શિક્ષણનો ઇતિહાસ,ઈ.સ.૧૯૧૪ સયાજી જ્ઞાનમંજૂષા, વડોદરા.
  19. (૧. દિનચર્યા, પૃ.૧, કાન્ત,ઈ.સ.૧૯૦૦, પ્રકાશક અંબાઈદાસ બાબરદાસ પટેલ.)
  20. ૨. દિનચર્યા, પૃ.૨, કાન્ત
  21. ૩. દિનચર્યા, પૃ.૨, કાન્ત