નારીસંપદા : ટૂંકી વાર્તા/અકળ પીડા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અકળ પીડા

કુંતલ ભટ્ટ

"પીડા! પીડા વિષે કેટકેટલું લખાયું છે. શારીરિક પીડા હોય કે માનસિક પીડા – બધું આવરી લેવાયું છે. પણ આ પીડા કોને કહેવી?" ગુજરાતી ટીવી ચેનલ પર મળેલી એક લેટેસ્ટ સ્ટોરી માટે અદિતી પાટેકર બોલી રહી હતી અને આસિસ્ટન્ટ પુલકિત લખી રહ્યો હતો. એની સામે જોતાં જોતાં અદિતીને ગઈ રાત યાદ આવી ગઈ અને એક ગરમાટાભર્યું લખલખું આખા શરીરમાં ફરી વળ્યું. અચાનક અદિતીએ કહ્યું, "તું જા પુલકિત..." "કેમ કેમ, શું થયું મેમ? કોઈ ભૂલ થઈ?" પુલકિત એકદમ બઘવાઈ ગયો. "પ્લીઝ…" બોલી અદિતીએ એને દરવાજા તરફ જવાનો ઈશારો કર્યો. પુલકિતના જતાં જ અદિતી વોશરૂમમાં ગઈ. ઊંડા શ્વાસ લીધા અને બેસિન પાસે જઈ મોઢા પર પાણીની છાલક મારી મારીને મોઢું ધોયું. લાઈટ મેકઅપ કર્યો અને બહાર આવી. "વાવ...સો બ્યૂટીફૂલ પાટેકર… તું તો દિવસે દિવસે નાની થતી હોય એમ લાગે છે! પણ એક વાત છે કે, ક્યારેક તારી આંખો કોઈ અજબ ઉદાસીની ચાડી ખાતી હોય એમ લાગે છે. સબ ઠીક?" બહાર બેઠેલા સહકર્મચારી કમ દોસ્ત રાજને સવાલ કર્યો. "કુછ ભી યાર! એવું કંઈ નથી." એણે ટૂંકમાં પતાવ્યું. "પણ એક ખાસ વાત કહું તો લોકોને તારાં અને ગગનજીનાં લગ્ન હજી પણ પચ્યા નથી. વીસ વર્ષ મોટા છે એ વાતો બહુ ચગી રહી છે. યુ નો, બધાનાં મોઢે એક જ વાત કે દહીથરું કાગડાનો સોનાનો માળો જોઈ મોહી પડ્યું છે." કહી એ હસી પડ્યો. એના તરફ એક નજર નાખતા હોશિયાર અદિતી સમજી ગઈ કે આવી વાતો ફક્ત આની અસંતોષની ભડાસ છે. પોતાનો કોળિયો કોઈ બીજું ઝૂંટવી ગયું હોય અને દાઝ કાઢી મન ટાઢું કરતો હોય એવી છૂપી લાગણી, એના હાસ્યમાં ટપકી રહી હતી. "ઓહ રિયલી? જો રાજન, યુગો બદલાય છે પણ લોકોની માનસિકતાને સો ટકા નથી બદલી શકાતી. પાંચ વર્ષે પણ હજી... ઓહ યાર..." બોલી, થોડું અટકી, ઊંડો શ્વાસ લઈ કાન આગળના લહેરાતા વાળ સરખા કરતાં બોલી, "લોગો કા કામ હૈ કહેના... પર મૈં કભી લોગોં કી સુનતી નહિ... યુ નો ના?" પછી અદિતીએ મોહક સ્મિત આપ્યું અને ઓફિસના બહારના દરવાજા તરફ હિલ ટપટપાવતી આગળ વધી ગઈ. બહાર નીકળતાં જ શોફર ગાડી લઈ હાજર થયો. અદિતી ફોન પર વાત કરતાં કરતાં દરવાજો ખોલવા ગઈ અને શોફરનો હાથ અડી ગયો. એ ધ્રુજી ઊઠી. એને જોઈ શોફર ગભરાઈને "સોરી મેમ... સોરી મેમ" કરતો ગાડીમાં બેસી ગયો. અદિતી હજી ધ્રુજી રહી હતી. આંખ બંધ કરી કારની સીટ પર તો બેઠી પણ હાથમાં હજી કંઈક મજબૂત સ્પર્શ જેવું અનુભવાઈ રહ્યું હતું. એણે કાર બાજુએ કરાવી અને કહ્યું, "તુમ જાઓ… મુઝે એક કામ યાદ આ ગયા હૈ. ઑટો સે આ જાઉંગી." ‘ક્યાં સુધી? ક્યાં સુધી આમ? હું ખોટું કરી રહી છું કે પાપ કરી રહી છું એવી ટિપિકલ લાગણીઓ સતત પજવી રહી છે. આઈ થિંક કોઈ સાઇક્યાટ્રીસ્ટની હેલ્પ લેવી જોઈએ... શું કરું? શું કરું?’ ઘર આવતાં, રિક્ષાની બ્રેક લાગતા જ વિચારોને પણ બ્રેક લાગી. શોફર સામે જ ઊભો હતો. એ કોઈ વિચિત્ર નજરે અદિતીને તાકી રહ્યો.

***

પક્ષીઓના ચણઘરમાં ચણ નાખતાં અદિતીની નજર એક ચકલી પર પડી. ચણઘરમાંથી દાણા ચણીને પણ ચકલી જમીન ઉપર ફુદકતી દાણા શોધી રહી હતી. જમીન ઉપર પૂરા જોરથી ચાંચ મારી ખબર નહિ શું શોધ્યું અને જાણે ખુશીથી ઊંચી ઉડાન ભરી આકાશ તરફ ચાલી ગઈ. આખો દિવસ ટીવી હોસ્ટિંગનો મનગમતો શોખ પૂરો કરી અદિતી ઘરે આવતી. મેડ, કુક બધાથી ભરેલું ઘર, એટલે એ સંપૂર્ણપણે મી ટાઇમ પણ કાઢી શકતી. રાત પડી પોતાના રૂમમાં જતી રહેતી. ગગનનો આવવાનો સમય નક્કી ન હોય એટલે રોજ સાથે જમવું શક્ય નહોતું બનતું. રાત્રે એ ઘણી વાર મૂવી જોતી, ટીવીમાં ઈન્ટરનેશનલ ટૉક શો જોતી અને પોતાના આવનાર શૉ માટે નવો વિચાર લેતી. ગગન મોટેભાગે મોડી રાત્રે આવતો. જમવા ઉપરાંતની પોતાની જરૂરિયાત પૂરી કરવા અદિતીને ભરપૂર પ્રેમ કરતો! હા, અદિતી એની જરૂરિયાતનો જ એક હિસ્સો હતી. ‘ઓહ નો! આજે પણ મને એમ જ થયું! કેમ આજકાલ એવું થાય છે. આ ચહેરો પાંચ વર્ષમાં જ મને…’ એ વિચારે ચડી. ‘હવે મારે પુલકિતથી દૂર રહેવું જ પડશે. એને તો ખ્યાલ પણ નહિ હોય કે હું… હે રામ!’ કહેતાં એનાથી અનાયાસે માથું કુટાઈ ગયું. બાજુમાં નજર પડી તો ગગન ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. અદિતી એ એના માથે હાથ ફેરવ્યો, વધતી ઉંમરની ચાડી ખાતા ચહેરા પર નજર પડી ગઈ. હ્રદયમાં કંઈક ઊંડી શૂળ ભોંકાઈ ગઈ હોય એમ લાગ્યું. સતત એની ઇચ્છાઓનો ઊભરો આવે અને એ છલકાય એ પહેલાં શમી જાય. સાવ ઠંડો થઈ જાય. ઠંડા ચોસલામાં જ એની ઇચ્છા કેવી થીજી જાય છે! આ વિચાર આવતાં જ એ પાસું ફરી સૂઈ ગઈ. બીજે દિવસે ઑફિસ પહોંચતાં જ પુલકિત એની પાસે ફાઇલનાં ઢગલા લઈને આવ્યો. પિસ્તા કલરની ટી શર્ટ એની ચકચકિત સ્કિન પર શોભી રહી હતી. કસરતી પહોળા ખભા અને જીમ ફીટ વી શેપ બોડી ડેનિમ અને ટી શર્ટમાં ગજબ આકર્ષક લાગતું હતું. અદિતીએ તરત વિચારોની દિશા બદલી. "પુલકિત, આ બધું અહીં મૂકીને તું જા. હું થોડી વારમાં બોલાવું." "જી, મેમ..." કહી એ જતો રહ્યો. એનો ભારે અવાજ, સુઘડ રીતે સેટ થયેલી દાઢી, બોલકી ભૂરી આંખો... ‘ઓહ... ઓહ... સ્ટોપ અદિતી, કન્ટ્રોલ!’ કહી અદિતીએ ફરી વિચારોને રોક્યા. ઘરે જઈ અદિતી એક સ્ટોરીને એના ટીવી શોમાં કઈ રીતે રજૂ કરવી એ વિશેની તૈયારી રૂપે લખવા માંડી. એનું મુખ્ય પાત્ર પતિથી સંતુષ્ટ નહોતું એવું નહોતું પરંતુ ક્યાંક, કોઈ બીજી દિશા તરફ જતું હતું. એણે લખવું શરૂ કર્યું. ‘સ્ત્રીનું મન એના મીઠાં સ્મિતથી કે મૃદુ વાણીથી ક્યારેય નથી સમજી શકાતું. સ્ત્રી કુદરતનું અત્યંત કોમળ અને ઋજુ લાગણીઓથી ભરપૂર સર્જન છે. એની લાગણીના ચઢાવ ઉતાર અદ̖ભુત રીતે મનમાં સાચવી શકે છે. શારીરિક રીતે સક્ષમ સ્ત્રી ઘણી વાર માનસિક રીતે ઘણી આહત હોઈ શકે છે. પુરુષોની જેમ સ્ત્રીની પણ અમુક જરૂરિયાતો અંતરમનમાં થઈને પસાર થતી હોય છે. એ સમાજના ઘણા પુરુષોએ સમજવાની જરૂર છે.’ ત્યાં જ ગગન આવ્યો અને લખવું અટક્યું. "અદિ, ચલ તો ફટાફટ તૈયાર થઈ જા, પાર્ટીમાં જવાનું છે. અને હા, નવું બ્લેક બેકલેસ ગાઉન પહેરજે. મારી જાન જાનશી બની છવાઈ જવી જોઈએ." કહી ગગને પ્રેમસભર ઓર્ડર કર્યો! અદિતી તૈયાર થઈ અરીસા સામે ઊભી. મેકઅપનો ફાઈનલ ટચ કરતા એની નજર પોતાની ચમકતી લીસ્સી સ્કિન પર પડી. એ મનોમન પોતાનાં ઉપર ફિદા થઈ ગઈ. પણ તરત એણે બાજુમાં ગગનને કલ્પ્યો. ઉંમરની ચાડી ખાતો ચહેરો જાણે એના ચહેરાની પાસે ખુલ્લા ખભે ટેકવાયો. લીસ્સી અને કરચલીદાર હથેળી એની ખુલ્લી પીઠ પર ફરી રહી છે અને… અને... એ સાવ ઠંડી પડી રહી છે! "અદિ…કેટલી વાર?" ગગનનો અવાજ કાને અથડાયો અને એ બહાર આવી. ગગને એક નજર મારીને કહ્યું, " ધેટ્સ માય અદિ! લુકિંગ અડોરેબલ માય જાન! ચલો જલદી આપણે ઓલરેડી લેટ છીએ." એ ભવ્ય પાર્ટીમાં કપલ ડાન્સ શરૂ થયો અને અદિતીની ધડકનો તેજ થવા લાગી. ન તો પાર્ટી પહેલી વારની હતી, ન તો કપલ ડાન્સ પહેલી વારનો હતો કે ન એણે પહેલી વાર બેકલેસ ગાઉન પહેર્યું હતું. કપલ ડાન્સમાં ડાન્સના ભાગ રૂપે બદલાતા પાર્ટનર પણ પહેલી વાર તો નહોતા જ. છતાં હમણાંથી કંઈક અજાણ્યા ડર જેવું તો કંઈક નવા સ્પર્શની ગમતી અપેક્ષા જેવું અંદરથી સ્ફૂર્યા કરતું હતું. એવો અજાણ્યો ગરમ સ્પર્શ ખુલ્લી પીઠ પર અનુભવાયો અને ફરી એ ધ્રુજી ગઈ. કાશ! અહીંથી પણ ભાગી શકાત. છેવટે હસતો મુખવટો પહેરી પાર્ટી પતાવી. આખે રસ્તે ગગન વાતો કરતો રહ્યો અને એ એના લિપસ્ટિકી હોઠ ફેલાવી પ્લાસ્ટીકી સ્મિત આપતી રહી. એનાં મગજ અને મન વચ્ચે કોઈ જુદું જ દ્વન્દ્વ ચાલતું હતું! એણે મનથી અને પોતાની ઇચ્છાથી જ ગગનને પસંદ કર્યો હતો. છતાંય… આવું તો ન જ હોવું જોઈએ. તો બીજી બાજુ મગજ ઉશ્કેરતું – તારા જેવી આઝાદ વિચારોવાળી સ્ત્રીને આવા વિચારો શોભતા નથી. તું તારી શરતો પર જીવી છે, જીવી લે ને ગમે એમ. ત્યાં વળી ફરી મન ટપારતું – આઝાદ ફકત વિચારોથી જ હતી, તેં ક્યારેય શારીરિક ઇચ્છાઓ સામે નમતું નથી મૂક્યું તો હવે કેમ આમ? કન્ટ્રોલ અદિતી કન્ટ્રોલ... એ ઘરે આવતાં સીધી બાથરૂમમાં શાવર લેવા જતી રહી. જાણે આ મનની, મગજની, શરીરની બધી સારી નરસી કામનાઓ પાણી સાથે વહાવી દેવા માંગતી હોય. ગગનને બેડ પર જોયા. મનોમન પુલકિતનો યુવાન ચહેરો, શોફરના હાથનો મજબૂત સ્પર્શ, કપલ ડાન્સ વખતનો એ અજાણ્યો ગરમ સ્પર્શ એકસાથે ઝબકી ગયા. એને ફરી અજાણ્યો ડર ઘેરી વળ્યો. એ આજે ખૂબ થાકી છે અને થોડું એના આવનાર શો વિશે લખી સૂઈ જવા માંગે છે, કહી ગગનને ટાળ્યા. એ બાજુના રૂમમાં ગઈ કે જે એનો વર્કિંગ ઝોન હતો. ત્યાં જઈ ફરી પેન પેપર હાથમાં લીધાં. એને સમજાતું નહોતું કે એ પોતાની વાત લખે છે કે એની સ્ટોરીની તૈયારી કરે છે! પેન પોતાના મનોભાવો કાગળ સામે વ્યક્ત કરતી હોય એમ બોલવા માંડી. ‘પુરુષોની શારીરિક ઇચ્છાઓ વિશે એમની માંગ કે અસંતુષ્ટિ વિશેની જાણકારી સ્પષ્ટ રીતે ક્યાંક ને ક્યાંક સમજાવાઈ છે. જગત આખું એ વિશે જાગૃત છે. એમની ફૅન્ટસી થોડે ઘણે અંશે સ્વીકાર્ય બની છે. પણ સ્ત્રીઓની એ જરૂરિયાતો કે એ પૂરી કરવાની કોશિશને હંમેશા વ્યભિચાર ગણાવાયો છે. આ કહેવાતા વ્યભિચારનો ડર સ્ત્રીઓને એક અત્યંત પીડાદાયી કે કોઈ ગુનાહિત લાગણીનો તબક્કો આપે છે. તો શું સ્ત્રીઓથી સ્વપ્ને પણ કોઈ પુરુષને ન કલ્પી શકાય? એનાથી પણ ચરિત્ર ચીંથરેહાલ થતું હશે? આ સવાલનો જવાબ અમારા પ્રિય દર્શકો તમે તમારા પોલ દ્વારા આપી શકો છો. તમારી મરજી વિરુદ્ધ તમારાં નામ દર્શાવવામાં નહીં આવે એટલે નિશ્ચિંતપણે તમે મત જણાવી શકો છો.’ આટલું લખી એ ઊભી થઈ અને બેડરૂમ તરફ આગળ વધી. એક નવા વિચાર સાથે કે, ઝરમર શાવરમાં નહાતી વખતે ધોધમાર વરસાદ ધારી લઈએ તો જે અનુભૂતિ થાય એ અનુભૂતિ તો જીવન છે. મનગમતું સુખ ધારણાઓથી મેળવવું કંઈ જ ખોટું નથી. એ ગગન પાસે ગઈ. ગગને અદિતીને ખૂબ જ પ્રેમથી ભીંસી અને આ વખતે અદિતીએ પણ ઘણા સમય પછી આનંદની મનગમતી સફર પૂરી કરી. નવો દિવસ ઊગ્યો. મનગમતી સવાર થઈ. એ સીધી ચણઘર પાસે જોવા ગઈ. ચકલીને નજીકથી જોઈ. તે પૂર્ણ સંતોષથી ખાઈ રહી હતી અને ફરી એમ જ ખુશીથી ચીં... ચીં... કરતી આકાશ તરફ ઊડી ગઈ.