નારીસંપદા : ટૂંકી વાર્તા/આ ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આ ઘર

ભારતી ર. દવે

‘મોમ, તું આ બધું શા માટે સહન કરે છે? મને સમજાતું નથી કે તું મૂંગે મોંએ આ અન્યાય શા માટે વેઠે છે? તું ઘર ચલાવે છે, તું જોબ કરે છે અને કમાઈને પૈસા લાવે છે, ગ્રોસરી ખરીદીને લેતી આવે છે. અમને ભાઈ-બહેનને સારું સ્કૂલિંગ મળે તેની સતત ચિંતા કરે છે. આખો દિવસ બસ કામ-કામ ને કામ – work-work-work! આર યુ નોટ ટાયર્ડ?... અને ડેડી! એ શું કરે છે? એ...’ 'અરે બેટા અનુ!' અનુરાધાને પોતાની પાસે ખેંચીને શાંત કરવા મથતી મંદાકિનીએ એના માથે-મોંએ હાથ ફેરવતાં કહ્યું: 'અનુ બેટા! ડેડી વિશે એમ ગમે તેમ ન બોલાય. એ તને અને પપ્પુને કેટલાં ચાહે છે?' ગુસ્સામાં મંદાકિનીનો હાથ હડસેલીને અનુરાધા અકળાઈને બોલી: ‘અને તને મોમ? ડેડી તારી ઉપર ગુસ્સે કેમ થાય છે? વાત વાતમાં તારું અપમાન કેમ કરે છે? અને… અને તને કેમ મારે છે?” – બોલતાં બોલતાં મંદાકિનીને વળગીને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મંદાકિનીએ એનાં આંસુ લૂછ્યાં. જરા વાર પંપાળી અને છાની રાખી. એની પોતાની આંખો ય ભરાઈ આવી પણ સ્વસ્થ થતાં એણે કહ્યું : ‘બેટા, હું કહું એ શાંતિથી સાંભળીશ?’ અનુએ ડોકું હલાવી હા પાડી. ‘તારા ડેડી નાના હતા ત્યારથી ખૂબ કામ કરે છે. કુટુંબની જવાબદારી નાનપણથી જ એમના માથે આવી પડી હતી. આટલાં બધાં વર્ષો એકધારું કામ કર્યું છે એટલે હવે એમને કામ કરવું ગમતું નથી. અમે અમેરિકાથી ઘણું કમાઈને આવ્યાં અને એમાંથી તો આ નાનકડો બંગલો પણ બનાવ્યો !’ અનુરાધા મૂંગી મૂંગી સાંભળી રહી; પરંતુ એના મનનું સમાધાન ન થયું. થોડી વારે મમ્મીને પૂછ્યું : ‘મોમ, જો તમે ખૂબ પૈસા કમાઈને આવ્યાં છો તો તું શા માટે જોબ કરે છે? ડેડી તો આખો દિવસ ઘરમાં બેસી રહે છે - પૈસાની જરૂર તારે એકલીને જ છે? ડેડીને નથી?’ મંદાકિની દીકરીના આવા અણધાર્યા, વેધક પ્રશ્નોથી હતપ્રભ થઈ ગઈ. જે દિશાએથી એ અનુરાધાને પાછી વાળવા માંગતી હતી તે દિશા તરફ લઈ જતા પ્રશ્નોથી મંદા પણ અંદરખાનેથી હલબલી ઊઠી હતી. બારમા ધોરણમાં ભણતી દીકરીથી પોતાના જીવનની નરી વાસ્તવિકતા-હકીકત છુપાવી શકાય એમ નથી. અંદર ધગધગતા અંગારા ઉપર ફરી વળેલી રાખ દીકરીના પ્રશ્નોથી ઊડી ગઈ. ભીતર પ્રજ્વલિત અંગારાનો દાહ બાળવા લાગ્યો. એ મૂંઝાઈ. હવે અનુરાધા સમજણી થઈ છે. એના મનમાં એના ડેડી પ્રત્યે કશા અભાવ કે અવગણના ન જન્મે એમ મંદાકિની ઇચ્છે છે. દીકરીના મનમાં ઘૂમરાતી વેદનાથી એને મુક્ત કેમ કરવી એ સવાલે એને મૂંઝવી દીધી. ઘર-ગૃહસ્થીના આ બધા સવાલોથી અનુરાધા અકળાતી હશે – એવું અનુમાન સાવ નહોતું એમ નહીં... પણ એ કદી આમ, સાવ સીધો સવાલ પૂછશે એની ધારણા નહોતી. એનું મન આવા સવાલોથી ઘૂમરાતું રહે તો એનાં ભણતર-અભ્યાસ પર એની અસર ન પડે? મમ્મીને આમ મૂંગી મૂંગી વલોપાતી જોઈ અનુરાધાએ પૂછ્યું : ‘મોમ, તું શા માટે જોબ કરે છે? તું તો એમ કહે છે કે આપણી પાસે પૈસા તો પૂરતા છે, તો પછી....?' થોડી વાર અટકીને મમ્મી સામે ચૂપચાપ તાકી રહી અને પછી બોલી : ‘ડેડી મને અને પપ્પુને શું કહે છે ખબર છે તને? તમારી મમ્મીને તમારા બેયની જમવાની, અભ્યાસની કે પછી તમારી મોજમઝાની ક્યાં પડી છે? એને ઘરમાં ક્યાં ગમે છે? એને તો બહાર રખડવું ગમે છે.' ‘...મોમ, તું જોબ શા માટે કરે છે એ તો કહે !’ મંદાકિની આ સાંભળીને સાવ સ્તબ્ધ થઈ ગઈ : ‘મનોજ દીકરી અને દીકરાના મનમાં પોતાની વિરુદ્ધ ઝેર રેડીને શું મેળવશે? એક પિતા ઊઠીને પોતાનાં બાળકોને એની મા વિશે... આમ જ ચાલ્યા કરે તો... અનુ તો સમજણી છે એટલે... પણ ક્યારેક એનેય એવું ન લાગે કે મમ્મી... શું મનોજ એમ ઇચ્છે છે કે બંને છોકરાં મારાથી વિમુખ થઈ જાય? તો તો... તો તો... અનુરાધા અને પપ્પુ મારાથી વેગળાં થઈ જાય’ – એ કલ્પનાએ જ એને અંદરથી ધ્રુજાવી દીધી. એ બોલી ઊઠી : 'ના... ના... એમ...' અનુએ મમ્મીના બે હાથ પકડી હલબલાવીને પૂછ્યું : 'મોમ !... મોમ ! તું શાની ના... ના કહે છે? મારા સવાલનો જવાબ કેમ નથી આપતી?' મંદાકિનીને થયું : દીકરી સાચે જ સમજણી થઈ છે. હવે એને આડી-અવળી વાત કરીને એના સવાલ ભૂલવી નહીં શકાય. આમે ય હવે એનાથી પરદો રાખીને નહીં જીવાય. એટલે એણે મન કાઠું કરીને કહ્યું : ‘બેટા, તને પ્રશ્ન થાય છે ને કે હું શા માટે જોબ કરું છું? તો સાંભળ. હું અને તારા ડેડી અમેરિકાથી પુષ્કળ કમાઈને આવ્યાં હતાં પરંતુ તને ખબર છે ને કે આજકાલ મોંઘવારી કેવી વધી ગઈ છે? દૂધ, શાકભાજી જ નહીં, કપડાં-લતાં, ફિલ્મની ટિકિટ અને તમારી સ્કૂલની ફી, ટ્યૂશન ફી – બધું કેટલું મોંઘું થઈ ગયું છે? જો ને તે દિવસે તમને બંનેને ડેડી નહોતા કહેતા કે પેટ્રોલ મોંઘું થઈ ગયું છે એટલે હવે કાર બહુ વાપરવાની નહીં. ખાવા-પીવાની, મોજશોખની બધી ચીજો મોંઘી થઈ ગઈ છે. આપણે તારા ડ્રેસ લેવા ગયેલાં ત્યારે તને ગમતાં પેલાં રેડ-બ્લૅક સ્કર્ટ-બ્લાઉઝ નહોતાં લઈ શક્યાં ને? વળી, પપ્પુને જે સ્કેટ્સ અને શૂઝ લેવાં હતાં તે માટે ડેડીએ સીધી કેમ ના પાડી? કારણ કે અમેરિકાની કમાઈ તો ખલાસ થવા આવી છે ને તારા ડેડીને, મેં હમણાં જ કહ્યું તેમ, કામ કરવું ગમતું નથી એટલે પછી મારે જોબ તો કરવી જ પડે ને?' ‘સૉરી મોમ, મારે તને આવી રીતે પૂછવું નો'તું જોઈતું. પણ... તું કહે છે એમ ડેડીએ જોબ ન કરવી જોઈએ… અમારી સ્કૂલમાં મૅડમ અમને પૂછે છે કે ‘તમારા ડેડી શું કરે છે?' ત્યારે અમે શું જવાબ આપીએ? અમે – હું અને પપ્પુ ચૂપ રહીએ છીએ એટલે બધાં સ્ટુડન્ટસ અમારી સામે તાકી રહે છે અને છાનાછૂપા હોઠ દબાવીને હસે છે !’ ‘આ વાત તમે બંને ભાઈ-બહેન ડેડી ‘મૂડ’માં હોય, ત્યારે એમને પૂછો તો?... અને જો બેટા, તું તો હવે સમજણી અને મારી ડાહી દીકરી છે. આ બધી વાતોનો તારે ભાર નહીં રાખવાનો. મૅડમ તો તારા પ્રોગ્રેસનાં કેટલાં વખાણ કરે છે !... જો, તારે ટ્યૂશન ક્લાસમાં જવાનો સમય થઈ ગયો છે. પપ્પુને પણ આવવાનું હશે ને? એને ઉઠાડ.’ ‘ના મોમ, તું ઉઠાડ એને, એ તો લાતમ̖લાત કરે છે મારી સાથે.’ ‘ઓકે, તું તૈયાર થા. હું તમારા બંનેનું દૂધ અને નાસ્તો તૈયાર કરું છું.’ અનુ અને પપ્પુ ટ્યૂશન ક્લાસમાં ગયાં અને મંદાકિની એકલી પડી. ઘરની હાલત એની સામે મોં ફાડીને ઊભી રહી, પણ ધગધગતા એ અંગારાથી બચવા એણે એની જિંદગીના ગોલ્ડન પિરિયડમાં પલાયન કર્યું. આજે એનું મનપંખી એને પાંખો ફડફડાવતું, સેલારા મારતું ક્યાંનું ક્યાં ઉડાડીને લઈ ગયું ! કેવા હતા એ દિવસો? મનોજની સોહામણી પર્સનાલિટી એને ઘેરી વળી હતી. કૉલેજમાં એક પછી એક પુરસ્કાર-ઍવૉર્ડ મેળવનારો મનોજ નોકરી અને ટ્યૂશન કરતાં કરતાં ભણે છે એ વાત જાણીને તો એના માટેનું માન... માત્ર માન? ના, ભાવ-લાગણી-પ્રેમ બધું જ વધી ગયું. કેવા હતા એ સુખના દિવસો ! મનોજે એક ઢળતી સાંજે, જાણે પોતાની જ વાત ચોરી લઈને પૂછ્યું હતું: 'આપણે લગ્ન કરીએ તો?’ સવાલ જેટલો સહેલો હતો, જવાબ એટલો જ અઘરો હતો. બંનેનાં ઘર-કુટુંબ અને જ્ઞાતિ વચ્ચે આભ-જમીનનું અંતર હતું. બા-બાપુજીને પૂછવાનું તો એક બાજુ રહ્યું, કોઈ અમારા વિશે ચાડી ખાય તોય કૉલેજ છોડાવી દે ! બસ, આખરી ઇલાજ હાથવગો હતો — ભાગી જઈને લગ્ન કરવાં... અને કર્યું પણ એમ જ. કેવી કારમી કસોટી અને છતાં કેવાં આનંદ-સુખના દિવસો હતા એ? એકબીજાં પર કેવાં મરી પડતાં હતાં મનોજ અને મંદાકિની? પોતાના વિશે આમ તટસ્થ – ત્રીજી વ્યક્તિની જેમ વિચારતાં મંદાકિની હસી પડી ! ...પણ બે-ચાર મહિના બેયનાં ઘર-પરિવાર સાથે સંબંધ સહજ બને તે માટે મથામણ કરી જોયા પછી અંતે એમ જ લાગ્યું કે શહેર જ નહીં દેશ પણ છોડવો પડશે. તો જ ઘર-પરિવાર અને... અને વીતેલા દિવસો ભૂલી શકાશે. બસ, પાછું વળીને જોયા વગર મનને કાઠું કરીને બંને અમેરિકા ઊડી ગયાં હતાં : બા-બાપુજી, ભાઈ-બહેનો, અરે, શાળા-કૉલેજ, મિત્રો અને શહેર — બધાંને વિસારે પાડીને પોત-પોતાની જોબ અને બે એકલાં – કેવો હતો એ સમય! અને એ જ દિવસોમાં લગ્નજીવનનાં અમૂલાં વરદાન સમાં બાળકો – પહેલાં અનુરાધા અને પછી પાર્થ-પપ્પુ મળ્યાં. પણ એ બંને ‘ઇટ્સ નન ઑફ યોર બિઝનેસ' કહેનારી અમેરિકન સોસાયટી અને કલ્ચરથી ટેવાઈ જાય એ પહેલાં મનોજે જ નક્કી કર્યું હતું – કમાવું હતું એટલું કમાઈ લીધું છે – ખાધું ખૂટે એમ નથી. બસ, હવે ઇંડિયા !... અહીં આવીને બે-ચાર જોબ બદલી પણ અમેરિકન સિસ્ટમથી ટેવાયેલા મનોજને આપણી નોકરશાહી ન ફાવી, તે એટલે સુધી કે એણે જોબ કરવાનું જ માંડી વાળ્યું. પૂછીએ તો કહે : શેરબજાર જેવી દૂધાળી ગાય છે ને! પણ કામધેનુ જણાતા શેરમાર્કેટના ધસમસતા બુલની ધીંક વાગી અને ... અને... ડિંગડોંગ... ડિંગડોંગ ડોરબેલ વાગ્યો અને મંદાકિની ભૂતકાળની ખટમીઠી દુનિયામાંથી પાછી ફરી. સાડીના પાલવથી આંખો અને મોં લૂછતાં લૂછતાં દરવાજો ખોલ્યો. મનોજની સાથે પૂર્વી હતી. મંદાકિનીએ બંનેને આવકાર્યાં. મંદા, તું પૂર્વીને પહેલાં મળી છે. અમે બે વર્ષ અહીં એક જ ઑફિસમાં કામ કરેલું. એ વખતે આપણે ત્યાં એ એકાદ વખત આવેલી.' 'હા, હા, મળી જ છું ને. પૂર્વી, કેમ છે? અત્યારે એ જ સિટિઝન્સ કાઉન્સિલમાં કામ કરે છે?’ ‘હં... હા... અને તમે... તમે ક્યાં જોબ કરો છો?’ ‘હું તો હમણાં ચિલ્ડ્રન વેલ્ફેર સોસાયટીમાં કામ કરું છું. પહેલાં બાળકો નાનાં હતાં ત્યારે ઘરે જ નાનકડી ચિલ્ડ્રન બુકશોપ ચલાવતી હતી.’ પૂર્વી સોફા પર અધૂકડી બેઠી હતી. તે જોઈને મંદાકિનીએ કહ્યું : ‘પૂર્વી, નિરાંતે બેસ ને. હું હમણાં તમારા બંને માટે ચા-નાસ્તો લઈ આવું.' પૂર્વી કંઈક અસહજ હતી. કહે: ‘ના. ના. એની કંઈ જરૂર નથી.’ 'અરે, ફિલ એટ હોમ! મનોજને અત્યારે ચા-નાસ્તાની ટેવ છે. તમે વાતો કરો ત્યાં હમણાં જ ચા બનાવી લાવું છું.' મંદા અંદર ગઈ. મનોજ પૂર્વીને મૂંઝાતી જોઈને બોલ્યો : ‘પૂર્વી, તું કેમ અસ્વસ્થ લાગે છે? નિરાંતે બેસ ને!’ ‘ના, એવું કંઈ નથી. હું બરાબર છું.’ ત્યાં અનુ અને પપ્પુ ક્લાસમાંથી આવી પહોંચ્યાં – એકબીજાની ફરિયાદો કરતાં. અનુએ પૂર્વીને જોતાં કહ્યું – ‘ગુડ ઇવનિંગ આન્ટી.’ પૂર્વીએ શિષ્ટાચાર નિભાવ્યો: ‘બેટા, ગુડ ઇવનિંગ.’ મંદાકિની ચા-નાસ્તો લાવી. ડાઇનિંગ ટેબલ પર બંને બાળકો માટે પણ ડિશ અને નાસ્તાના ડબ્બા મૂક્યાં. ચા-નાસ્તો પતાવીને મનોજે કહ્યું, ‘હું પૂર્વીને એના ઘરે મૂકી આવું. એ આગળ વિશ્વેશ્વર સોસાયટીમાં જ રહે છે. એ રસ્તામાં મળી ગઈ એટલે આગ્રહ કરીને ઘરે લઈ આવ્યો.’ ‘એ સારું કર્યું. ઘણાં સમયે મળાયું.' પૂર્વીને વળાવીને અનુ-પપ્પુ સાથે બેસી નાસ્તો કરતાં મંદાકિનીએ એમના અભ્યાસની વાત કરી. નાસ્તો પતાવીને પપ્પુએ કહ્યું: ‘મોમ, હું સ્કેટ કરવા જાઉં?' 'ભલે બેટા.' પપ્પુ ગયો એટલે મંદાએ અનુને પૂછ્યું : 'તું પૂર્વી આન્ટીને પહેલાં મળી છે? તું એમને ઓળખે છે?’ ‘યસ મોમ! હું એકાદ બે વખત સ્કૂલેથી વહેલી છૂટી ગઈ હતી અને ઘરે આવી ત્યારે આન્ટી ડેડી સાથે બેઠાં હતાં. ડેડીએ એમની ઓળખાણ કરાવેલી.' ‘હં’, મંદાકિની ધીરા અવાજે બોલી. તેના ચહેરા પરની રેખાઓ જરા તંગ થઈ. ‘મોમ, તારી તબિયત સારી નથી? શું થયું?' ‘બેટા, કંઈ થયું નથી. અમસ્તાં જ... હું થાકી છું એટલે તને એમ લાગતું હશે... વારુ, તારે આજે ડાન્સ ક્લાસમાં જવાનું છે ને? તું તૈયાર થઈ જા.' અનુરાધા ગઈ. મંદાકિની ફરી એકલી પડી. એનું મન ચકરાવે ચડ્યું: 'હં, તો પૂર્વી અવારનવાર, ઘરમાં કોઈ ન હોય ત્યારે આવે છે! મનોજે આ અંગે કદી વાત કરી નથી !... મારાથી આ વાત છુપાવવાનું કંઈ કારણ? હું તો ઘણી ખુલ્લી છું. એમને સ્ત્રી-મિત્રો હોય એને હું કંઈ જુદી નજરે જોતી નથી. આજકાલ સ્ત્રી-મિત્રો હોવાં એ તો પુરુષોનો મોભો ગણાય છે!... તો પછી? શું પૂર્વી અમારા બેની વચ્ચે...? ના, ના, એવું ન વિચારાય – એવી કુશંકા ન કરાય. મનોજને આજે પણ હું પૂર્વે ચાહતી હતી તેમ જ ચાહું છું... પણ.. એનો મારી સાથેનો ઉષ્મારહિત વ્યવહાર, એની કઠોર વર્તણૂક, ડગલે-પગલે મારું અપમાન કરવાની એની ટેવ... આ અને આવું બધું શાથી? એટલું જ નહીં, સેક્સ લાઇફમાં પણ એ મારાથી વિમુખ થતો જાય છે. આ બધું મને અસહ્ય સંતાપે છે. શું કરું? કંઈ સમજાતું નથી... અલગ થઈ જવું એ જ એક રસ્તો છે? ના, ના, એમ હોય તો અનુ-પપ્પુને મમ્મી જ નહીં ડેડી પણ જોઈએ જ. એ સમજને આધારે તો દિવસભર કામમાં અને બંને બાળકોમાં મારા મનને પાછું વાળીને રોકી રાખું છું... હમણાં હમણાંથી પપ્પુ પણ કંઈક બદલાયેલો લાગે છે!... આવું વર્તન એ એના ડેડીની ચડવણીથી કરતો હશે?... ના, ના, અમારાં બાળકો, અમારું ઘર અને મારો મનોજ… કોઈ મારી પાસેથી ઝૂંટવી ન લે…’ અને મંદાકિની રડી પડી. આંસુ એમ જ સરતાં રહ્યાં.

***

મંદાકિનીએ ઘડિયાળ તરફ જોયું. નવ વાગવા આવ્યા, પરંતુ મનોજ પૂર્વીને મૂકવા ગયો તે હજી પણ કેમ ન આવ્યો, તેની ચિંતા મનમાં રહી રહીને શૂળની જેમ ભોંકાતી હતી. ‘સાંજનું વાળુ સાથે' એ ક્રમ અમે ઘરમાં હંમેશાં જાળવ્યો છે. આઠ વાગે એટલે અનુ જમવા માટે ડાઇનિંગ ટેબલ તૈયાર કરે અને સૌ સાથે જમવા બેસીએ. એ ક્રમ પણ હમણાંથી તૂટતો ગયો છે. અનુ-પપ્પુ જમીને એમનું હોમવર્ક કરવા એમના રૂમમાં ગયાં અને મંદાકિની સોફામાં બેસી રસ્તા પરના અંધકારમાં નિષ્પલક તાકી રહી... થોડી વારે કારનું હોર્ન સંભળાયું. મંદાકિનીએ ઊઠીને કંપાઉન્ડનો દરવાજો ખોલ્યો અને પાછા આવીને ભોજનની તૈયારી કરવા લાગી. મનોજ થોડા સંકોચ સાથે પ્રવેશ્યો. કંઈ બોલ્યા-ચાલ્યા વિના હાથ-મોં ધોઈને ડાઇનિંગ ટેબલ પાસેની ખુરશી પર આવીને બેઠો. આજે મંદાકિની મૂંગી રહી ન શકી. પૂછી બેઠી : 'બહુ મોડું કર્યું? અનુ-પપ્પુને તમારી વિના જમવાનું ન ગમ્યું. મારી નહીં તો એમની ચિંતા તો...’ અને મનોજ જાતને સંભાળી ન શક્યો. બોઇલર ફાટે તેવા તીવ્ર આક્રોશથી ડિશનો ઘા કરીને ઊંચા અવાજે બોલ્યો : ‘બસ કર. હું ગમે ત્યારે આવું. મારા સમયનો હિસાબ માંગનારી તું કોણ? તું પૈસા કમાઈને લાવે છે એનું આટલું બધું અભિમાન?... આ ઘર અને છોકરાંઓનું તો ધ્યાન રાખ!' – બોલતાં બોલતાં મનોજ ક્રોધથી રાતોપીળો થતો, કંપતા હાથે વાટકી ઉપાડી મંદાકિની પર ફેંકે ત્યાં અનુરાધા ધમાલ સાંભળી અંદરથી દોડતી આવી અને મનોજનો હાથ બે હાથે પકડી બોલી : 'ડેડી! ડેડી! મોમને મારો નહીં પ્લીઝ!' – કહેતાં મનોજના હાથમાંથી વાટકી ઝૂંટવી લીધી અને 'હં... હં અનુ...' એમ એને વારતી મંદાકિનીને એ વળગીને રડી પડી. મંદાકિની એક હાથે દીકરીને સોડમાં લઈને પંપાળતી, બીજો હાથ પોતાના મોં પર મૂકી રડવું ખાળતી રસોડામાં ચાલી ગઈ. મનોજ છોભીલો પડી બેડરૂમ તરફ ચાલ્યો ગયો, પપ્પુ આ બધું આંખો ફાડીને જોઈ રહ્યો હતો. છેવટે બોલ્યો : ‘મોમ તું કંઈ બોલતી ન હો તો? તું જ ડેડીને..’

***

મંદાકિની ઘરેથી નીકળી ત્યારે જ પેટમાં ગરબડ ચાલતી હતી. ઑફિસ કામ કરવા મથી, પરંતુ પેટમાં સખત ચૂંક આવતી હતી-બેસી શકાતું ન હતું. છેવટે સાહેબની રજા લઈ ઘેર જવા નીકળી. મેડિકલ સ્ટોરમાંથી જરૂરી દવાઓ લીધી અને બાજુની શાકભાજીની દુકાનેથી થોડાં શાકભાજી લઈ રિક્ષા કરી. આંગણામાં કાર જોઈને એણે વિચાર્યું : ‘મનોજ સૂતો હશે.' એટલે અવાજ ન થાય એમ એણે હળવેથી લેચ-કીથી બારણું ખોલ્યું. દરવાજા પાસે કોઈ અજાણ્યાં ચંપલ પડેલાં જોયાં ને થયું : ‘અત્યારે ખરે બપોરે કોણ હશે?' પણ બેઠકરૂમમાં કોઈ ન હતું. રસોડામાં જઈ શાકભાજી ફ્રીજમાં ગોઠવ્યાં. ફ્રીજનું બારણું બંધ કરવાનો અવાજ સાંભળી મનોજ બેડરૂમમાંથી ધસી આવ્યો : 'કોણ છે?’ 'એ તો હું મંદા.' 'તું? અત્યારે? કેમ?', ગુનાઈત ગુસ્સાથી કંપતા અવાજે મનોજ બોલ્યો. ‘તબિયત સારી ન હતી એટલે...’ ત્યાં મનોજની પાછળ પૂર્વી કપડાં ઠીકઠાક કરતી એકદમ બહાર આવી અને સડસડાટ જતી રહી. મનોજને કંઈ ન સૂઝતાં બેડરૂમમાં ચાલ્યો ગયો. મંદાકિની બે ઘડી સ્તબ્ધ-પથ્થરની મૂર્તિ જાણે! એની વાચા હરાઈ ગઈ ને બેઠકરૂમના સોફા પર એ ફસડાઈ પડી. થોડી વારે કળ વળી. સોફા પરથી ઊઠી પોતાના બેડરૂમ તરફ જવાને બદલે અનુના રૂમમાં જઈ તેની પથારીમાં જઈ પડી. આંસુ ઓશીકાને ભીજવી રહ્યાં. આવેશ શમતાં એનું મન આ નવી પરિસ્થિતિમાં ફરી અટવાયું. અનુએ પૂર્વી આન્ટી એને કેવી રીતે મળેલાં એ વાત કરી ત્યારથી મનમાં શંકા તો પેઠી જ હતી. પણ મંદાકિનીએ એ નબળો વિચાર મહામહેનતે મનમાંથી ખંખેરી નાંખ્યો હતો... છતાં મનોજના કપડામાં અને બેડરૂમની ચાદર ઉપરના ગંદા ડાઘ જોતાં મહાપરાણે જકડી રાખેલું મન મૂઠીમાંથી છટકીને અણગમતી દિશા ભણી ધસી જતું... પણ... મનોજ રાત્રે જ્યારે નજીક આવે અને અવઢવમાં ને અવઢવમાં એને નકારી ન શકે ત્યારે મંદાકિની એના મન અને શરીરની રસાકસીમાં અટવાતી રહેતી છતાં મન મારીને એ મનોજના બાહુપાશમાં ભીંસાતી, એના અણગમતા સ્પર્શનો ઘટતો પ્રતિસાદ વાળવા મથતી... પણ… મનમાં ઊઠતા પ્રશ્નોને એ રોકી ન શકતી... ‘શું આ જ હોઠોથી એણે પૂર્વીના હોઠને ચૂમ્યા હશે? આ જ રીતે એને આલિંગન આપ્યું હશે? મારા વિખરાયેલા વાળ પર, મુખ પર જે હાથ ફરે છે એ જ હાથે એના કેશ સંવાર્યા હશે? જે હાથ મારા અંગોપાંગને ઉત્તેજિત કરવા મથે છે એ જ હાથથી એણે... જેના સ્પર્શની મને સદાય તીવ્ર ઝંખના રહેતી તેના તરફથી મારું મન કેમ પાછું ફરી રહ્યું છે?... મારા પ્રેમને, મારા વિશ્વાસને, મારી શ્રદ્ધાને એણે હલબલાવી દીધાં છે – ડગલે ને પગલે ખંડિત કરી રહ્યો છે... શું આ છે મારા પ્રેમની ખંડિત ‘મૂર્તિ'? એના વેરણ-છેરણ ટુકડા પગ તળે ચંપાઈને અસહ્ય પીડા કરી રહ્યા છે... ત્યારે.. ત્યારે આ બધું હું શા માટે વેઠું છું? શા માટે?... મારી પાસે એનો કોઈ જવાબ નથી... ના, ના, સાવ એવું નથી. આ બધુ હું સહી રહી છું. કારણ કે હું તો ચપટી વગાડતામાં.. પણ ના. મારાં બે વહાલાં બાળકોનું પછી કોણ? ના, ના, એવો નબળો વિચાર નહીં જ આવવા દઉં. કમસે કમ એ બંને ભણી-ગણી સમજણાં ન થાય ત્યાં સુધી – હું એમની મા ઊઠીને એમનાથી વિખૂટી પડી જાઉં?... એના કરતાં તો મનોજ સાથે બેસીને નિરાંતે પેટ છૂટી વાત જ ન કરી લેવાય?... પણ આજે જે જોયું છે એ પછી વાત કરવાનું ય કંઈ બાકી રહ્યું છે?... આ દુવિધા જ મને ડુબાડશે?’

***

પણ સમયે એનું કામ કર્યું અને મંદાકિની એ દુવિધા-અવઢવને ભેદીને આ પાર આવી ગઈ. પોતાની પર્સ અને સૂટકેસ લઈને અનુની રાહ જોતી એ વરંડામાં બેઠી છે. સામે ઊભેલી રિક્ષામાં મળસ્કે જ તૈયાર કરેલી એની ત્રણ સૂટકેસ મૂકી દીધી છે. અને અણધારી જ એની નજર હોંશે હોંશે પાડેલા ઘરના નામ પર પડી : 'ઘર : મંદા-મનોજનું' અને વળતી ક્ષણે જ ધસી આવતાં વિગત સ્મરણોને એણે હજુ તો પાંચ-સાત કલાક પહેલાં જ એની ઉપરથી ગુજરેલા વાવાઝોડાને યાદ કરતાં વાર્યાં : ‘પ્લીઝ મનોજ, તું ક્યાં જાય છે? આટલું મોડું ક્યાં થાય છે? મને કંઈક તો કહે !’ ‘માઇન્ડ યોર બિઝનેસ ! હું ગમે ત્યાં જાઉં અને ગમે ત્યારે પાછો આવું. એનું તારે શું કામ છે?' ‘મારે શું કામ છે એટલે? હું તારી વાઈફ છું – આપણાં અનુ-પપ્પુની મા છું !' 'હા, તું એ બધું હોય તોય તને, મને આવા-તેવા સવાલ પૂછવાની જમાદારી કરવાનો અધિકાર કોણે આપ્યો?’ મનોજ તાર સ્વરે બરાડીને બેડરૂમ તરફ ચાલ્યો. ‘ના, એમ બેડરૂમમાં ભરાઈ ન જા મનોજ, નહીં તો...' ‘નહીં તો?’ ‘નહીં તો શું? હું આડી ઊભી છું. આજે મને જવાબ આપ્યા વિના તને અંદર નહીં જવા દઉં. મને કહે, આમ સાડા બાર વાગ્યા સુધી રાતે તું કોની સાથે હતો?’ ‘અંદર નહીં જવા દેવાવાળી ! ચલ, આઘી ખસ. આ ઘર તારું છે? બહુ ન જોઈ હોય તો...' કહેતાં લાલઘૂમ આંખો અને ગુસ્સાથી કંપતા સ્વરે મનોજે એનું બાવડું પકડીને આંચકા સાથે હડસેલી અને... અને… મંદાકિનીનું કપાળ, ટેબલનો ખૂણો, મંદાની ચીસ, અનુરાધાનું દોડી આવીને એના લોહી નીકળતા કપાળે હાથ દબાવવો અને બેડરૂમના બારણાનું ધડામ દઈને બંધ થવું... ‘મોમ, દીદી શું કહે છે? તું ક્યાં જાય છે?’ ઊંઘરેટા અવાજે બગાસું ખાતાં પપ્પુએ પૂછ્યું. 'હા, બેટા! હું અને દીદી બહાર જઈએ છીએ. તારે અમારી સાથે આવવું છે?' 'હા, પણ ડેડી આવે છે?’ ‘ના, દીકરા ! હું અને અનુ જ જઈએ છીએ.’ 'પણ ક્યાં?' ‘એ નક્કી નથી. પણ અત્યારે તો મામાને ત્યાં જઈશું. તારે અમારી સાથે ત્યાં આવવું છે?' ‘પણ મોમ, મને ડેડી વિના ગમશે?’ ‘તો કંઈ નહીં. તું ડેડી સાથે જ રહે. એમને ય એકલું નહીં લાગે.’ મંદાકિની પ્રયત્નપૂર્વક આંખમાં આવતાં આંસુ ખાળી રહી. 'અનુ, તું તૈયાર છે ને? તારી આ સૂટકેસ લાવ – મને આપી દે. હું તને પહેલાં સ્કૂલે મૂકતી જાઉં છું. તારી સ્કૂલબૅગ લીધી ને? સ્કૂલેથી છૂટીને બપોરે તું મામાને ત્યાં...' 'હા મોમ, ચાલ જઈએ.’ – કહેતાં અનુએ મનોજના બેડરૂમના દરવાજે ટકોરા માર્યા અને જાગતો જ હોય એમ મનોજ બહાર આવ્યો. એની સામે નજર મેળવીને મંદાએ કહ્યું : ‘પપ્પુનો ખ્યાલ રાખજે મનોજ ! અમે તારું ઘર છોડીને જઈએ છીએ. અનુની યાદ તો તને આવશે જ. એ તને અવાર-નવાર એને મન થશે ત્યારે – મળવા આવશે. અને પપ્પુ, તું પણ મામાને ત્યાં અને પછી... અમારા ઘરે આવજે. આવીશ ને? અને સવારે દૂધની કોથળી આપવા કાનજીભાઈ આવે ને, ત્યારે પપ્પા સૂતા હશે. તું લઈ લઈશ ને? અને જો ધ્યાન દઈને ભણજે હોં !'... કહેતાં કહેતાં સાડીનો છેડો મોં આડે ધરીને મંદાકિનીએ મોઢું ફેરવી દીધું. રિક્ષાવાળાની ધીરજ ખૂટી. એણે હોર્ન માર્યું. મંદાકિનીએ અનુના હાથમાંથી સૂટકેસ લઈ, એના ખભે હાથ મૂકી, ઘરના નામ પર જતી નજરને વારી. ‘પણ મોમ ! તું ન જાને... તારે ક્યાંય નથી જવું, મોમ.' કહેતો પપ્પુનો રુદનભર્યો સ્વર સવારની શાંતિને ભેદી રહ્યો.