નારીસંપદા : ટૂંકી વાર્તા/કુહુ, કુહુ, કુહુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કુહુ...કુહુ…કુહુ…!

જયશ્રી વિનુ મરચંટ

“બુધિયા, ક્યાં ગયો? ભઈ-ભાભી હવે બે-તૈણ કલાકમાં આંઈ પોં’ચતા જ હઈશે ! જરા બજારમાં જઈને પેલું કોકાકોલા અને લીમકા અને પેલું સંતરાંનું શરબત શું, હા, ગોલડ સપોટ, હડી કાઢીને લઈ આવ તો ! ને પછી આંઈ આ ઠંડા કબાટમાં મૂકી દે ! ત્યાંના માણહને હવે આંઈની ગરમી ક્યાં હદવાની? બુધિયા, બેટા, હાંભળે છે કે? ક્યાં મૂઓ છે તું? એય બુધિયા !” લખીબાએ ઓસરીમાં આવીને બૂમ પાડી. બુધિયો આવીને હજુ જવાબ આપે એ પહેલાં તો લખીબાના ખોરડાની વાડીની ડાબી બાજુના આંબાવાડિયામાંથી કોયલ બે ત્રણ વાર ટહુકી ઊઠી. “કુહુ...કુહુ...કુહુ !” લખીબાએ ઓસરીમાંથી ડાબી બાજુના આંબાવાડિયા તરફ તડકાથી બચવા કપાળે હાથના નેજવા થકી જોયું અને મનોમન બોલ્યાં, “આવી ગઈ, લોહીપીણી કોયલડી, કાગડીના માળામાં ઈંડાં મૂકવા ! ઓણ સાલ પણ એવું લાગે છે કે બે વરસથી આવે છે, ઈ જ મૂઈ આવી છે ! ઈ મારી હાળી, એવી તો જબરી કે હું બુધિયાને બૂમ પાડું તો ઈ મૂઈ હામું મારા ચાળા પાડે ! ને ઈ’યે પાછા બરોબર તૈણથી પૉંચ વાર !” ઘટ્ટ આંબાવાડિયામાં લખીબાને કોયલ દેખાતી તો નહોતી, પણ એના ટહુકા સાંભળીને લખીબા મનોમન નક્કી કરી લેતાં કે નવી કોયલ છે કે ગયા વરસે હતી ઈ જ આવી છે...! બુધિયો પણ દર સાલ લખીબાની મજાક પણ કરી લેતો. “કાકી, હર ફેરા, જેવા આંબાને મોર લાગવાના ચાલુ થયા નથી કે તમે કાગડોળે કોયલના ટહુકાની રાહ જુઓ ! અને જેવી એ આવીને ટહુકા કરે એટલે પછી એને પાછાં ભાંડો ! આમ તો દર સાલ બિચારીનો રસ્તો જુઓ, પણ આવે એવી એની વાંહે પડી જાઓ છો !” ને કાકી હસી પડતાં. લખીબાની બૂમો સાંભળીને બુધિયાએ જવાબ દેતાં કહ્યું, “એ.. ખમો જરાક, આવું છું.” બુધિયો વાડામાં ઢોલકી ગાયને અને એના વાછડાને ઘાસ નિરતો’તો. તે કાકીની બૂમ સાંભળીને હાથ ધોઈને બહાર ઓસરીમાં આવે એટલી વારમાં તો લખીબાએ ફરીને બૂમ પાડી, “બુધિયા...!” અને સામે “કુહુ...કુહુ...કુહુ !” બુધિયો બહાર આવ્યો અને હસતો હસતો બોલ્યો, “આ લ્યો ! તમારી બેનપણી આવી ગઈ કાકી !” “આ? મારી બેનપણી? મારી વેરણ છે, મૂઈ ! રે’ છે આપણા આંબાવાડિયામાં અને ચાળાયે પાછા મારી એકલીના જ પાડે ! પણ હાંભળ, શું કે’તી ’તી, પેલું? અરે હા, કોકાકોલા ને બળ્યું ગોલટ સપોટ – બધું લાવીને ઠંડા કબાટમાં મૂકી દે !” “ક્યારનો લઈ આવ્યો કાકી ! શું કાકી, ઠંડુ થવાનું કબાટ બોલો છો ! કમસેકમ ફ્રીજ તો બોલો ! ભઈ તમને અમેરિકા લઈ જવા આવી રહ્યા છે અને હજુ ‘ઠંડુ થવાનું કબાટ’ કહો છો?” “ઈ એમ તો મને હંધુંય બોલતાં આવડે છે હોં !” “તે આવડે જ ને? તમે માસ્તરાણી રમણી પાંહેથી ત્રણ મહિનાથી અંગ્રેજી શીખો છો તેનું શું? મને ખબર છે કે તમે થોડું ઘણું અંગ્રેજીય હવે સમજી શકો છો અને થોડું થોડું વાંચી-બોલી શકો છો ! પણ મને એક ચીજ નથી સમજાતી !” “એવું તે વળી હું (શું) નથી હમજાતું?” “તે, તમે ગામઠી ગુજરાતી અને એય આવું ભેળસેળયું શેનાં બોલો છો?” “ઈ જે હોય તે. આ તો મારી જનમથી મળેલી રોજની ભાસા. (ભાષા) તો ઈ હુ (શું) કામ ભૂલું? હું તો બળ્યું, પૂરી અંગ્રેજી શીખવાની અને બોલવાની હો ખરી. તુ જોજે ની...! પણ, આ તો મારી ભાસા, ઈ બોલવાનો લ્હેજો અંગ્રેજી હારૂ થઈને બદલે, ઈ આ લખી ન’ઈ હોં ! ને મારે ઠેઠ ન્યાં લગ જાવું હોય તો ન્યાંની બોલી ના જાણું તો કેમનું ચાલે? પાછી આવીને તમને બધાંને શું કે’ઉં કે હું ન્યાં સું મૂંડ મૂંડાવીને આવી?” જવાબમાં બુધિયો કાનની બૂટ પકડીને બોલ્યો, “હું તમને ન’ઈ પહોંચું !” લખીબા હસીને કહે, “હવે તુ બોલ, તુ યે તો મને રમણી પાંહેથી ભણતી સાંભળીને થોડુંક અંગ્રેજી હમજતો-બોલતો થ્યો કે ની, ઈ કે’, હાવ હાચું કે’જે હોં !” “કાકી, મારી મશ્કરી કાં કરો? હું તે વળી શું અંગ્રેજી બોલવાનો...! પણ હા, તમારા જેવી, બધી બાજુની મિક્સ ગુજરાતી બોલી તો નથી બોલતો, ઈ પાકું ! તે કાકી, તમે, તમે કયા કોરના ગુજરાતની બોલી બોલો છો ને એ તો ભગવાનને પણ નહિ ખબર !” “ચાલ, હવે, મારી મસકરી કરતો, મારો ભત્રીજો મુઓ છે તુ. એટલે તને મારવા ધોડતી નથી, હમજ્યો ને ! મારી બોલીનું તારે સેનું સાક વઘારવું છે કે મારી વાંહે પડ્યો?” બુધિયો હસીને કહે, “બે ઘડી ગમ્મત આ તો !” લખીબા ભૂતકાળમાં સરી ગયાં. “બુધિયા, તારા કાકા છેલ્લે લગણ હસતા રે’તા ને કે’તા કે ‘ફરી કદી આફ્રિકાના પટેલની દીકરી વેરે ન’ઈ પૈ’ણું ! ન્યાં આપણી બોલીનો ખિચડો ઈ લોકો એવો કરે છે કે ન પૂછો વાત !’ ને હું એમને કે’તી, હાત (સાત) જનમના આ તો ફેરા...! એમ કેમના છટકવાના? પણ, જો ઈ તો છટકીને એય ને... વયા ગ્યા, વે’લા, વે’લા !” પછી જરા આંખે હાથ ફેરવ્યો ને આંખ લૂંછતાં બોલ્યાં, “આ મૂવો પરસેવો આંખે બાઝ્યો...! હાઉં હવે, બૌ થ્યું, વાતુંના વડા મૂક બાજુ. ભઈનો આવવાનો વખત થવા જ આવ્યો છે. ઉપરના માળિયાનો રૂમ અને બાથરૂમ સાફ તો કરી દીધો છે ને?” “કાકી, ગઈ કાલથી આ જ વાત તમે મને ૧૦૦ વખત પૂછી ચૂક્યા છો ! હજુ કેટલી વાર પૂછવાના છો ઈ કહી દો તો...! સાચું કહું તો ભઈ આવવાના એટલે તમારા પગ તો કાકી, જમીન પર નથી પડતાં આજે હોં !” “સોટી લઉં કે હવે...! ક્યારનો લોહી પીવે, બેઠો બેઠો...! એક તો આ મૂઈ “કુહુ, કુહુ” કરીને ચાળા પાડતી છે અને તુય તેના ચાળે ચઈડો...! હવે ક્યાં હાઈલો, બુધિયા, ઓ બુધિયા...!” લખીબા મરકમરક હસતાં, બુધિયાની પાછળ પાછળ ઓસરીમાંથી અંદર ગયાં અને “બુધિયા” નામ સાથે જ “કુહુ...કુહુ...કુહુ !”ના ટહુકાથી ડેલીમાં વાતાવરણ કેફી થઈ ગયું.

*

લખીબા અંદર જઈને હાથમાં આરતીની થાળી સાથે બહાર આવ્યાં. બુધિયો હવે ઓસરીમાંની ટ્યુબલાઇટ સરખી કરતો હતો. લખીબાને પાછાં આવેલાં જોઈને બુધિયો બોલ્યો, “કાકી, ભઈની હવે રાહ નથી જોઈ શકતાં ને?” “નહીં દીકરા, એવું નથી પણ, આવડા ટાઈમથી એને ભાઈળો નથી ! ઈ દાક્તરીનું આગળ ભણીને અમેરિકાથી મોટો દાક્તર થઈને આવ્યો. પછી મુંબઈમાં જ્યાં ભણતો હતો, ઈ જ કોલેજમાં નરસનું (નર્સનું) ભણતી છોકરી વેરે લગન કઈરા ને વળી પાછો અમેરિકા વયો ગ્યો. એના પછી આજે હાત (સાત) વરહે આવી રહ્યો છે. એના છોકરાંવ હવે તો પાંચ અને તૈણના થઈ ગ્યાં છે. આ વેરે તો વહુ કે’તી તી કે ભઈએ મારા ન્યાં અમેરિકા જવાના બધાં કાગળિયાં કરી લીધાં છે. મને ન્યાં લઈ જવા હારુ જ બધાં ખાસ આવતા છે.” “કાકી, ત્યાં કેટલું રહેવાના?” “આ તો બૌ કે’તો કે, એની પાહેં રે’વા આવું. મેં તો ચોખ્ખું ક’ઈ દીધું કે હું હેંડીશ, પણ થોડા દા’ડા ન્યાં ર’ઈને પાછી આવી જઈસ... થોડા દા’ડા ઠીક છે, પણ લાંબુ તો મને મારા ઘર અને ખેતર વિના નો’ સોરવે ! બુધિયા, આજે તો મારું ઘર આ છોકરાઉંથી ફરી ભરાઈ જવાનું હોં !” લખીબાનું અડધું બોખું મોઢું હસુ હસુ થઈ ગયું હતું, છતાં એમની આંખોની ભીનાશમાં દીકરાનો સાત વરસોનો વિરહ તરતો હતો. લખીબા વળી પાછા અંદર ગયાં અને વળી પાછું એમને કંઈક યાદ આવ્યું ને એમણે ઓસરી લગી આવીને બૂમ પાડી, “બુધિયા... એ બુધિયા...!” બુધિયો જવાબ આપે એ પહેલાં ઉપરા ઉપરી ન જાણે પાંચથી સાત વારના “કુહુ...કુહુ...કુહુ !”ના ટહુકાથી લખીબાની ઓસરી છલકાઈ ગઈ !

*

બુધિયો લખીબાનો જમણો હાથ ને પગ બધું જ હતો. લખીબાના પતિ, એમની દસ એકર, ફળદ્રુપ જમીનની ખેતીમાં વપરાતા ટ્રેક્ટરના પાર્ટ્સ લેવા બહારગામ ગયા હતા. પાછા વળતાં બસનો એક્સિડન્ટ થયો અને બસમાંના બધા જ પેસેન્જરો માર્યા ગયા હતા. ગામના વડીલો અને ન્યાતના બધા જ્યારે ચૂડી તોડવા અને માથું મૂડાવવાની વિધિ કરવા હજામને લઈને આવ્યા ત્યારે લખીબાએ માથા પરની લાજ ફગાવીને, પોતાના આઠ-દસ વરસના દીકરા રમણીકને માથે હાથ મૂકીને હિંમતભેર કહ્યું હતું : “મારા ખેતરમાં ઘણુંય કામ પઈડું છે. અને હા, ક’ઈ દઉં છું, હું તો કાલથી જ ખેતરે જાઈસ. આના બાપા મોટા ગામતરે ગયા પણ અમારા માટે ઘણું મૂકીને ગયા છે, ઈ મારે હાચવી લેવાનું છે. હું ન તો ચૂડી તોડીસ કે ન તો માથું મૂંડાવીસ.” અને તે દિવસથી લખીબા માથું ઊંચું કરીને, ન્યાતબહાર મૂકાવાની ધમકી હોવા છતાંયે કોઈનીયે સાડીબાર રાખ્યા વિના, ગામમાં પોતાનાં ખેતર અને ખોરડું, બેઉને કુશળતાથી સંભાળી રહ્યાં હતાં. ટીવીમાં ખેતીવાડીના શો જોઈ જોઈને, હવે તો લખીબાએ ખોરડાની લગોલગ આવેલી એમની વાડીમાં પણ સ્ટ્રોબેરીઝ, રાસબેરીઝ અને કીવી જેવાં ફળોની ખેતી કરવી શરૂ કરી દીધી હતી. આ બધાં ફળો અમદાવાદ અને રાજકોટ શહેરોની ફાઇવ સ્ટાર હોટલોમાં વેચાતાં અને એનો સારો ભાવ પણ મળતો. એમના પતિના અકાળ અવસાન પછી, ઘર સાથેની લગોલગ વાડીમાં એમણે આંબા, જાંબુ, પપૈયાં, ચીકુ, જમરૂખ વગેરેનાં પણ અનેક ઝાડ વાવ્યાં હતાં. આજે તો લખીબાની મહેનત અને સૂઝબૂઝને કારણે વાડી અને ખેતરમાં મબલખ પાક થતો હતો અને એમનું ખોરડું હતું એનાથી પણ વધુ મોટું ગણાવા માંડ્યું હતું.

*

આજે તો લખીબાની અધીરાઈ હવે સાત વરસે પાછા આવતા દીકરા, વહુ અને એના કુટુંબને જોવા માટે વધતી જતી હતી. “બુધિયા...” બૂમ પાડી તેવી જ “કુહુ...કુહુ...કુહુ !”નો પડઘો સામે પડ્યો. બુધિયો થોડોક ચિડાયો. “કાકી, શું છે? કેમ આમ આજે આટલા અધીરા થાવ છો? હું આંઈ લાઈટ ઠીક કરું છું.” લખીબા ઘડીક પછી કહે, “આજે કોને ખબર, કંઈ સોરવતું નથી, હોં બુધિયા !” “કાકી, અરે, આ તો ભાઈની રાહ નથી જોવાતી એટલે અકળામણ થાય છે. આમેય આપણે દર બીજે દા’ડે ફેસટાઈમ તો ભાઈ હારે કરીએ છીએ. ને વાતો પણ કરીએ છીએ...! આજે કેમના આટલાં આકળા થાવ છો?” “ભઈ પાહે દાક્તરી કરવામાંથી વખત ક્યાં છે? માંડ વરસે તણેક વાર આવે, ફેછટાઈમ (ફેસટાઇમ) પર. એક તો એના જનમદિ’નો, બીજો મારા જનમદિ’નો અને પછી તીજો દિવાળીનો. હાંઉં. પઈતું ! આમેય રમણીક પે’લેથી જ ઓછું બોલતો હોં. ફેછટાઈમ પર તો વળી એથીયે ઓછું બોલે ! ‘તમારી તબિયત સાચવજો ! ધ્યાન રાખજો. બહુ મે’નત હવે ઘર ને ખેતરમાં ન કરતાં.’ ને બસ... થ્યું ! આટલું બોલીને આગળ ઈ ની બોલવાનો...! બાકી, હું છોકરાઉંના મોઢા જોવા ફેછટાઈમ કરું, તંયે વહુ પણ કે’શે કે અમેરિકામાં પૈહા મળે પણ કોઈ પાંહે ટાઈમ નો મળે !” “બેસી જાવ, થોડીક વાર કાકી. ક્યારનાં આગળપાછળ આગળપાછળ થાવ છો તે થાક લાગ્યો હશે. ભાઈ રસ્તામાં જ હશે, બસ, આવતા જ હશે.” લખીબા ઓસરીમાં બેઠાં. ત્યાં તો ડેલીએ ટકોરા પડ્યા. તરત સફાળાં ઊભાં થઈ ગયાં અને મરકમરક મોઢે આરતીની થાળી લેવા અંદર વળ્યાં. બુધિયો તો હરખનો માર્યો લગભગ ચાર ચાર પગલાં એક સાથે ઠેકતો ઠેકતો દરવાજો ખોલવા ગયો. આંગણામાં મસમોટી મોટર ઊભી હતી અને ડેલીના દરવાજે ચારેક સૂટેડ-બૂટેડ સજ્જનો ઊભા હતા. એટલામાં લખીબા આરતીની થાળી લઈ આવ્યાં અને આ અજાણ્યાઓને જોઈને થાળી ઓસરીમાં, ટિપોય પર મૂકીને પૂછ્યું, “કોનું કામ છે ભઈ?” “ડૉ. રમણીકનું ઘર આ જ? એમણે અમને બોલાવ્યા છે.” “જે શ્રી રામ. આવો અંદર.” લખીબાએ ઓસરીમાં મૂકેલા ઢોલિયા પર એમને બેસાડ્યા. એટલામાં બુધિયો પાણી લઈ આવ્યો. “રમણીક રસ્તામાં જ હશે. આવતો જ હશે. કંઈ કામ હતું દાક્તરીનું?” લખીબાએ પૂછ્યું. એમાંના એક આગંતુક પોતાનું કાર્ડ આપતાં અને પાણીનો ગ્લાસ લેતાં બોલ્યા, “અરે, ના, બા. અમે ગુડવીલ બિલ્ડર્સ તરફથી આવ્યા છીએ. આ તો ડૉ. રમણીકે અમને અમેરિકાથી ફોન કરીને આજે જ મળવા આવવાનું કહ્યું હતું. એમને એમનું દસ એકરનું ફાર્મ અને હાઉસ – એટલે કે ખેતર અને આ ઘર વેચવું છે. એમણે કહ્યું કે આ કામ પતાવવા જ તેઓ ખાસ અમેરિકાથી માત્ર એક અઠવાડિયા માટે આવી રહ્યા છે અને અમને આજનો આ ટાઈમ આપ્યો હતો. રસ્તામાં ટ્રાફિક નહોતો તો અમે કલાક-એક કલાક વહેલા આવી ગયા. તો પછી અમને થયું કે ચાલો, વહેલા છીએ તો, ડૉ. રમણીક આવે ત્યાં સુધીમાં અમે ખેતર અને ઘર જોઈ લઈએ તો ઘણો સમય બચે. પછી સોદાની રકમ અને સોદો જલદી નક્કી થઈ જાય અને પછી કાગળિયાં કરવા માટે પણ વધુ વખત રહે.” પછી પાણી પીને એમણે ગ્લાસ બુધિયાને પાછા આપ્યા. લખીબાના મોઢા પર હવે એકદમ સખ્તાઈ આવી ગઈ. “તમે ખોટા ઘરમાં આવ્યા છો, ભઈ. તમને ખોટી માહિતી રમણીકે આપી છે તો માફ કરજો. આ ઘર અને ખેતર તો લખી પટેલનાં છે. અને એ લખી પટેલ હું છું. મારે ન તો આ ખેતર વેચવાનું છે કે ન તો ઘર. તમને ઠેઠ શ્હેરથી આંઈ લગણ નકામો ધક્કો પડ્યો. જે શ્રી રામ.” લખીબાએ હાથ જોડ્યા અને ડેલીનું કમાડ ખોલીને ઊભાં રહ્યાં. પેલા ચારેય જણાં આ જોઈ ઊભા તો થયા પણ જરાક છોભીલા પડી ગયા હતા. “અરે પણ, અમારે ડૉ. રમણીક સાથે બધી વાત થઈ ગઈ છે. તેઓ તમને એમની ભેગા અમેરિકા લઈ જવાના છે તો એ પહેલાં આ બધું વેચી નાખવા માગે છે. એમણે તમને કીધું તો હશે જ ને? બા, નકી તમારી કંઈક ગેરસમજ થાય છે. પણ, કંઈ વાંધો નહિ. શું તેમના આવવા સુધી અમે...!” “રમણીક આવે ત્યાં લગણ તમે બહાર રસ્તા પર ઊભા રહી શકો છો, મારા આંગણામાં પણ ઊભા ન રે’તા. અને હા, મારા આંગણામાંથી તમારી મોટર પણ દૂર લઈ ઊભી રાખજો. તમે આ ઘરના ખરીદાર તરીકે આવ્યા છો તો આ ઘરમાં કે આંગણામાં તો ન’ઈ રાહ જોઈ શકો.” પછી ગૌરવભેર મક્કમ અવાજે અંગ્રેજીમાં લખીબા કહે, “ધીસ હાઉસ એન્ડ માય ફાર્મ... ...! નોટ ફોર સેલ. જે શ્રી રામ.” અને ડેલીના ખોલેલા કમાડ પાસે જ મક્કમતાથી લખીબા હાથ જોડીને ઊભાં જ રહ્યાં. ડઘાઈ ગયેલા ચારેય આગંતુક, બિલકુલ અવાચક થઈને બહાર નીકળીને મોટર તરફ જવા માંડ્યા. લખીબા ડેલીના દરવાજેથી પાછાં વળ્યાં અને એમની ટેવ મુજબ, એમનાં આંબાવાડિયાની પેલી વેરણ કોયલ પણ સાંભળે એમ બૂમ પાડી, “બુધિયા, ઓ બુધિયા... મોટર આંગણામાંથી વઈ જાય પછી ડેલી વાંહી દેજે તો ! હાંભળે છે ને, બુધિયા...! અને હા, પેલો રમણીક આવે ને, - આમ બાઘા જેવો મારી હામું હું જોતો સે, અરે, પેલો અમેરિકાવાળો મોટો દાક્તર, રમણીક પટેલ... ઈ આવે ને, તો ય કમાડ ખોલતો નંઈ. કે’જે કે આ ઘરની ‘લખીબા’ મરી પરવારી ! આંઈ હવે લખી પટેલ રે’ છે ! હાલ, જલદી ડેલી વાહીને અંદર આવી જાજે હોં...! સાંભળે છે ને બુધિયા...” અને, કોયલની “કુહુ...કુહુ...કુહુ...!”ની દસ બાર ચિચિયારીથી લખીબાના ઘર અને ડેલીની હવા તરબતર થઈ ગઈ.