નારીસંપદા : ટૂંકી વાર્તા/તરાપો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તરાપો

પ્રજ્ઞા આ. પટેલ

કાન માંડીને એણે દીવાલો સૂંધી. કોઈ અવાજની ગંધ કળાતી નહોતી. આળસીને પડી રહેલા સ્ત્રીના શરીર જેવો અંધકાર જાગતો હતો. ક્યાંય કોઈ સંચાર નથી. ઊંડો શ્વાસ લઈ એણે અંધકાર સાંભળવા પ્રયત્ન કર્યો. નર્યો લથબથ અંધકાર. ક્યાંય કોઈ છિદ્ર નહીં. વિશેષા માટે આ પહેલી વારની ઘટના નથી. આવું તો ઘણી વાર બને છે. બન્યા કરે. અડધી રાત્રે અચાનક જાગી જવાય અને પછી ઊંઘ આવે જ નહીં. બાજુમાં જ ઘસઘસાટ ઊંઘતા સુકેતુને એ જોઈ રહે. થાય પણ ખરું, એને જગાડે. હાથ એના તરફ લાંબો પણ થાય, પછી આપોઆપ પાછો ખેંચાઈ જાય. બસ... ત્યારથી એને કાન માંડીને દીવાલો સૂંઘવાની આદત પડી છે.

ક્યાં, કોઈ અવાજ છે?

ક્યાંય, કોઈ સંચાર છે?

ક્યાંય, કોઈ છિદ્ર છે ?

ક્યારેક તો રીતસર એ દીવાલે કાન ચાંપે છે, હથેળી ચપોચપ દીવાલ સાથે ભીડે છે. પછી ઝટકા સાથે નિઃશ્વાસે છે.

એને ખરેખર શું થતું, એ વિશેષા જ સમજી શકતી નહોતી. બે-ચાર વખત એણે સુકેતુને આ વાત કરી. સુકેતુ ખડખડાટ હસતો હતો ત્યારે એની આંખમાં હતાં આંસુ.

“વિશેષા, વિશેષા, તને કંઈ જ થયું નથી. આ તો તું બહુ વિચારો કર્યા કરતી હોય છે ને એટલે જ. મન એકદમ શાંત કરી ઊંઘવાનો પ્રયત્ન કરવો. ઊંઘ ન આવે તોપણ આંખો મીંચી ઊંઘવા મથવું. તને કંઈ જ નથી થયું.” “સુકેતુ, તું સમજતો કેમ નથી? ખરેખર, હું તને સમજાવી શકતી નથી, પણ મને બહુ તકલીફ પહોંચે છે."

“પણ તું મને કહે તો ખરી કે તને શું થાય છે? કેવું થાય છે? મને તું સમજાવ, વિશેષા. હું સમજવાની કોશિશ કરીશ.” “પણ હું તને કેવી રીતે સમજાવું કે..." વિશેષા, આ તારી માન..." “ “હા, મને ખબર જ હતી કે, તું આને મારી માનસિક બીમારી જ કહીશ. સારું. હવે તને કંઈ જ નહીં કહું, બસ?..." “પણ વિશેષા..." સુકેતુએ ઋજુતાથી એને મનાવવા પ્રયત્ન કર્યો. વિશેષાનું બીજા રૂમમાં ચાલી જવું. “પ્લીઝ સુકેતુ, હવે આ વાતની ચર્ચા નહીં. મને મારું કામ કરવા દે." સુકેતુ વિશેષાને જાણે છે. એને રિસાવાનું-મનાવાનું બહુ પસંદ નથી. જ્યારે એ મૂડમાં ન હોય ત્યારે થોડો સમય ચૂપચાપ કામ કરતી રહે. એની ઇચ્છા વિરુદ્ધ જો એને સુકેતુ મનાવવા જાય તો એ વધુ છેડાઈ જાય છે. આમ પણ એને બહુ ઓછું બોલવાની આદત છે. કામ પૂરતી વાતો કરે, હસે. બહુ બોલ્યા કરવું એને પહેલેથી જ ફાવતું નથી. સુકેતુ પણ આમ તો બહુ વાતોડિયો નથી. એની નોકરી જ એવી કે ઘેર રહેવાના એના કલાકો ઓછા. એ ઘેર હોય ત્યારે ફોન રણક્યા કરતો હોય અથવા તો એ ફાઈલોમાં પરોવાયેલો હોય. કંઈ જ કામ ન હોય ત્યારે એ એને ગમતી કેસેટ સાંભળે. ક્યારેક બંને ફરવા પણ નીકળે. ફરવાના સ્થળે પણ ઊભરાતી ભીડથી વિશેષા ગભરામણ અનુભવે. એને ભીડ નથી ગમતી. એટલે બહાર નીકળવાનું હવે એ ઓછું પસંદ કરે છે. એ દિવસના પ્રસંગ પછી સુકેતુ વિશેષાને ખ્યાલ ન આવે તે રીતે, સહજ ભાવે એનું સતત નિરીક્ષણ કર્યા કરે છે; એનાં વર્તન, વાણી, એની અન્ય હિલચાલ. એને ખાસ કશું જ બદલાયેલું જણાતું નથી. એક રાતે એ ઝબકીને જાગે છે અને જુએ છે તો, દીવાલે કાન અડાડીને બેઠેલી વિશેષા… થોડી ક્ષણો પડ્યા રહીને એ જોયા કરે છે. દીવાલેથી કાન હટાવીને ઊંડા શ્વાસ ભરતી વિશેષા. અંધારામાં બે હાથ લંબાવી જાણે કોઈને બોલાવતી વિશેષા. હળવેથી સુકેતુએ એના લાંબા થયેલા હાથમાં પોતાની હથેળીઓ મૂકી. ચોંકેલી વિશેષા બીજી જ ક્ષણે એના ખોળામાં માથું રાખી નાના બાળકની જેમ હીબકાં ભરતી હતી. સુકેતુએ એને પસવાર્યા કરી. રડે ત્યાં સુધી રડવા દીધી. થોડી વાર પછી એ ઘસઘસાટ ઊંઘતી હતી. આખી રાત સુકેતુ સૂઈ ન શક્યો. બીજી સવારે – “વિશેષા... વિશેષા, ગઈકાલે રાત્રે.” સુકેતુના અવાજમાં મૃદુતા હતી. “ગઈકાલે રાત્રે... હં... હં… કાલે તો મને સરસ ઊંઘ આવી ગઈ હતી. કેમ, તને બરાબર ઊંઘ નહોતી આવી કે શું?” સુકેતુ કંઈ ન બોલ્યો. એણે સહજ રીતે વિશેષાને પૂછ્યું— “વિશેષા, આજે મારે ઑફિસમાં ખાસ કામ નથી. આજે ઘેર રહેવાનો મૂડ છે. આપણે સાંજે ડૉક્ટર શાહને ત્યાં જઈ આવીશું?" “ડૉક્ટરના ત્યાં?... પણ તમે તો કહેતા હતા ને કે મને કંઈ થયું નથી! ના, ના, મને કંઈ થયું નથી. એ તો બહુ વિચારો કર્યા કરું છું ને એટલે. પણ હવે હું બહુ વિચારો નહીં કરું. જુઓને, એટલે તો આખો દિવસ કંઈ ને કંઈ કામ કર્યા કરું છું." “ભલે તને કંઈ ન થયું હોય. પણ ડૉક્ટરને એક વાર મળી આવીએ તો ખરાં. એ તો મારા મિત્ર છે. ઘણા સમયથી એમને મળાયું પણ નથી." "સારું, જેમ તમને ઠીક લાગે." હંમેશની જેમ આખરી નિર્ણય એણે સુકેતુ પર છોડ્યો. ડૉક્ટર શાહને સુકેતુએ બધી વાત કરી. ડૉક્ટરે કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછી જાણકારી મેળવવા પ્રયત્ન કર્યો. 'આવું ક્યારથી થાય છે?'... ‘ખરેખર શું શું થાય છે?'... ઘરમાં પહેલાં કોઈને આ પ્રકારની બીમારી?! ... ‘ભૂતકાળની એવી કોઈ ઘટના, એવો કોઈ પ્રસંગ ખરો કે?'... 'કોઈ ખાસ ચિંતા? બીક?'... વિશેષાના જવાબ સહજ. એના જવાબ પરથી કંઈ પકડી કે કળી ન શકાય. “સુકેતુ, તું થોડી વાર બહાર જઈશ, તને વાંધો ન હોય તો? પ્લીઝ..." “ઓહ, એમાં શું?..." સુકેતુના બહાર ગયા પછી વિશેષા સહેજ સંકોડાઈને બેઠી. "ભાભી, આમ તો તમને કોઈ જ બીમારી નથી. છતાં..." "તો પછી મને આવું આવું કેમ થાય છે? મને કોઈ બીક નથી, કોઈ ચિંતા નથી. આમ તો હું -અમે બહુ સુખી છીએ. પરંતુ, રાત્રે અચાનક જાગી જવાય છે, પછી..." "ભાભી, હું તમારો ડૉક્ટર છું. તમારા મનમાં જે કંઈ પણ હોય તે મને નિઃસંકોચ કહો. તો મને નિદાન કરતાં ફાવશે." "તમારી વાત બરાબર, પણ મને જ કંઈ સમજાતું નથી. મારાં કરતાં મને એમની વધારે ચિંતા થાય છે. મારા કારણે એ પણ કેવા ઉદાસ રહે છે?" "માટે જ તમે મને, તમને જે કંઈ થતું હોય એ કહો." “સાચું જ કહું છું. મને આમ તો કંઈ થતું નથી. રાત્રે ઊંઘ પણ વહેલી આવે છે. નિશ્ચિતપણે સૂઈ જાઉં છું. પણ અડધી રાત્રે જાગી જવાય છે. પછી ચિત્ર-વિચિત્ર દૃશ્યો ધૂંધળાં ધૂંધળાં મને દેખાયા કરે છે. દીવાલમાં જાણે કોઈ બાળક રડતું ન હોય એવો ભાસ થયા કરે. હું કાન માંડું. કંઈ ન સંભળાય. વળી સમુદ્રનાં મોજાં ઊછળતાં ન હોય, હું જાણે એ મોજાંની ઉપર સરતી હોઉં એમ થાય. હું હાથથી આમ-તેમ જોઉં. કંઈ ન હોય. ફરી આંખ મીંચું તો કોઈ નાનકડો છોકરો પા... પા… ડગુમગુ ડગલી માંડતો, હાથ લંબાવી મારી તરફ આવતો હોય એવું લાગે. હું હાથ લંબાવી એને ઊંચકવા જાઉં... ને કંઈ ન હોય. ફરી દીવાલોમાંથી એના કોમળ રુદનના અવાજ સંભળાય. મારો આખો રૂમ સમુદ્રના ઘુઘવાટમાં ફેરવાઈ ગયો હોય એવું લાગે. હું પેલા બાળકને પકડવા દોડું, એ સમુદ્રનાં મોજાં પર તરતો, સરતો દૂર ને દૂર સરતો જાય, વળી હાથ લંબાવી મને બોલાવ્યા કરે..." "ભાભી... ભાભી..." ડો. શાહ જુએ છે તો વિશેષા જાણે બીજી જ કોઈ દુનિયામાં ન હોય! આશ્ચર્યભરી એની આંખો! ડો. શાહે ઊભા થઈ, થોડી વારે વિશેષા સામે પાણીનો ગ્લાસ ધર્યો. "તમે મને અહીં કેમ બેસાડી રાખી છે? અને સુકેતુ ક્યાં ગયા? મને એકલી મૂકીને એ જતા રહ્યા?"

ડૉક્ટરને આશ્ચર્ય થયું. વિશેષાએ જે વાતો કરી, એનાથી એ જ અજાણ બની ગયેલી, થોડી ક્ષણોમાં જ એ ભૂલી ગયેલી કે... "સુકેતુ... હા... હા... એ હાલ જ બહાર ગયો. હમણાં જ એને બોલાવું. ભાભી, ચાલો, આપણે જ બહાર જઈએ." સુકેતુ બહાર આંટા મારતો, પરસેવે રેબઝેબ. ડૉ. શાહે આંખના ઇશારાથી એને પ્રશ્નો પૂછતો અટકાવ્યો. "સુકેતુ, ચાલો ત્યારે ફરી મળીએ. આમ પણ મારે તારે ત્યાં જમવા આવવાનું બાકી જ છે, કેમ ભાભી?" “હા, આ રવિવારે જ આવી જાઓ. અમે તમારી રાહ જોઈશું. આવશો ને?” વિશેષાએ હળવાશથી કહ્યું. રવિવાર આવી ગયો. ડૉક્ટર શાહને સુકેતુ-વિશેષાએ આગ્રહ કરી કરીને જમાડ્યા. વિશેષા એના સહજ આનંદ-ઉત્સાહમાં હતી. ડોક્ટર શાહ કંઈક મૂંઝવણમાં હતા; કોઈ ક્ષણની, કોઈ ઘટનાની પ્રતીક્ષા કરી રહ્યા હોય અને એ વસ્તુ બને જ નહીં—એવા ભાવ એમના ચહેરા પર ઝળુંબતા હતા. સુકેતુનો ચહેરો પણ એવો જ. બંને એકબીજા સામે જોયા કરે, એમની આંખોમાં એક અપ્રત્યક્ષ ઝુરાપો ઝૂર્યા કરતો હતો. મોડી સાંજે સુકેતુ આઈસક્રીમ લેવાને બહાને બહાર જાય છે - એના અને ડોક્ટર શાહના આયોજન મુજબ. સૂર્યાસ્તનાં આછાં ગુલાબી આછાં કેસરી કિરણો છેક વિશેષાના ચહેરા પર ખેંચાયાં છે. વાતોની એક પછી એક બંધ પોટલી ખૂલતી જાય છે... બાળપણ, કોમળ-લીસી મુગ્ધાવસ્થા, સ્વપ્નોથી ભરી ભરી યુવાનીનાં સ્મરણો સજીવન થયા કરે છે... ભૂતકાળના ભંડકિયામાં દટાઈ ગયેલા સમયને, ક્ષણોને સૂંઘી સૂંઘીને વિશેષા બાળસહજ હૃદયે વ્યક્ત થઈ રહી છે.

ડોક્ટર શાહને લાગ્યું કે, બસ, આ જ સમય છે, આ જ એ ક્ષણ છે. જીવડા પર તરાપ મારવા ઉત્સુક ગરોળી જેમ એ વિશેષાને સાંભળી રહ્યા. ડૉક્ટર પણ વાતોમાં એવા ગૂંથાયા હતા, વાતોને એવો તો હોંકારો દેતા ને વાતને વળ ચડાવતા કે... વિશેષા ભૂલી ગઈ હતી કે એ ડોક્ટર શાહની પેશન્ટ છે! ત્યાં જ સુકેતુ આવી, વાતમાં જોડાઈ ગયો.

*

સુકેતુ ડૉક્ટરને બે-ત્રણ વખત મળ્યો. વિશેષાને લઈને પણ હોસ્પિટલે જઈ આવ્યો. આમ બધું જ નોર્મલ. બસ, ક્યારેક ક્યારેક એવી ઘટનાના ઊથલા માર્યા કરે... એ જ બાળકના રુદનના આભાસ... દરિયાનાં મોજાં... હાથ હલાવી - લંબાવી બોલાવતું બાળક… દરિયાનાં મોજાં પર તરતું - સરતું બાળક... દીવાલોમાંથી પડઘાતા - સુગંધાતા અવાજો.. જાતજાતના તરતા અવાજો વચ્ચે ફંગોળાતી વિશેષા... સ્વપ્નની જેમ આવી ઘટના ક્યારેક બની જાય છે, પછી જાણે કંઈ બન્યું જ નથી એમ વિશેષા નોર્મલ હોય. ડોક્ટર શાહ જાતજાતના ઉપાયો અજમાવે છે. સતત વાચન-સંશોધન, અન્ય ડોક્ટરો સાથે ચર્ચા-વિચારણા… દવાઓની ફેરબદલી... કંઈ તારણ નીકળતું નથી. રોગનું કોઈ નામ પાડી શકાતું નથી. વિશેષાને કંઈ નથી, છતાં એના શરીર પર અસર દેખાય છે. સુકેતુ પણ ચિંતામાં છે. ડોક્ટર શાહ ફરી ફરી જમવાના નિમિત્તે વિશેષા સાથે નિકટના પરિચયમાં સંકળાય છે. એ રાત્રે સુકેતુ બહાર ગયો હોય છે. ડોક્ટર ને વિશેષા આત્મીય ભાવે વાતોમાં મસ્ત. કોઈ વાતે ખડખડાટ હસતી વિશેષાના ચહેરા સામે જોઈ રહેલા ડૉક્ટર ધીરે ધીરે ઊભા થઈ, વિશેષાની વધુ નજીક સરી, બેય હાથે વિશેષાના ચહેરાને મૃદુતાથી ઝીલે છે... વિશેષા ભાવવશ ડૉક્ટરને જોઈ રહી છે. ડૉક્ટર હળવેથી વિશેષાના ચહેરે, વાળમાં આંગળીનાં ટેરવાં રમતાં મૂકે છે... વિશેષા કંઈ કહે—કરે તે પહેલાં ડૉક્ટર વિશેષાના ગાલે અને પછી હોઠે, કાનની બૂટ પર, ગળે, માથાના વાળે. એમ ચુંબનની નદી વહેતી કરે છે... નદીના પ્રવાહમાં તરતી—તણાતી હોડી જેમ વિશેષા... પ્રવાહિત સમય - જળ - સ્થળ એકાકાર... …અને એક ઝટકા સાથે વિશેષા ડોક્ટરને દૂર હડસેલે છે. સોફાની ધારે ડૉક્ટરનું માથું અફળાવાનો અવાજ નિઃસ્તબ્ધ ઓરડામાં પડઘાઈ રહે છે... બીજી જ ક્ષણે વિશેષા હીબકાં ભરી રહી છે... "ડોક્ટર... ડૉક્ટર... તમે આ શું કર્યું? આ શું કરી બેઠા?. ડોક્ટર.” ડોક્ટર એને શાંત પાડે છે. …ને ત્યારે વિશેષા એના ભૂતકાળના એક ટુકડાથી અનાવરણ થઈ, ધીમાં - અવાજ વિનાનાં ડૂસકાં સાથે બધી વાત કરે છે... વિનીત-વિશેષા બાળપણનાં મિત્રો. મૈત્રી પ્રેમમાં પરિણમે છે. બંનેના પરિવાર વચ્ચે અછડતી વાત થાય છે - લગ્નની. વિશેષા વિનીતના બાળકની મા બનવાની હોય છે. સાદી વિધિથી લગ્ન આટોપવાનું બંને નક્કી કરે છે. ત્યાં જ એક દિવસ... ગંભીર અકસ્માતમાં વિનીતના મૃત્યુના સમાચાર મળે છે... વિશેષા આઘાત જીરવી શકતી નથી... ગુમસૂમ વિશેષા... મા-બાપ પરિસ્થિતિ કળી ગયાં... બીમાર વિશેષાને સારવારના બહાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે... વિશેષા જ્યારે ઘેર પાછી ફરે છે, શરીરમાં માંદગી પછીની સ્ફૂર્તિનો સંચાર અનુભવે છે ત્યારે... એ સાથે પેટમાં સહેજ-સહેજ હળવા હળવા મુલાયમ, માદક, સુંવાળા અને લીસા સંચારનો અભાવ પણ અનુભવે છે... ...ત્યારથી વિશેષા પોતાને વિનીતની દ્રોહી માને છે!!! ...એ પછી સુકેતુ સાથે યોજાયેલું એનું લગ્ન...

ડૉક્ટર શાહ એ દિવસની ઘટના, સારવારના ભાગરૂપે જ, અન્ય કોઈ જ ઉપચાર સફળ થયા નહોતા ત્યારે, અન્ય કોઈ વિકલ્પના અભાવે પોતે કરેલું એ કૃત્ય.. એ બધી વાત સુકેતુને કહે—સમજાવે છે. સાથે જ સુકેતુની ક્ષમા પણ ચાહે છે. "ડૉક્ટર, એમાં તમારે ક્ષમા માગવાની ન હોય, તમારી સારવારના ભાગરૂપે, નાછૂટકે તમારે એમ કરવું પડયું છે. પણ હવે આપણે શું કરવાનું છે એની વાત કરીએ... “બીજું કંઈ નથી, વિશેષા પોતાની જાતને વિનીતની, એ ન જન્મી શકનાર બાળકના મૃત્યુ માટે પોતાને દોષી ને દ્રોહી માને છે. એની આ લાગણી એનામાં ઊંડે ઊંડે એટલી બળવત્તર બની છે જેના કારણે એને આવા હુમલા આવે છે. સભાન રીતે, આયાસપૂર્વક તો એને કંઈ કહી શકાશે કે સમજાવી શકાશે નહીં, નહીં તો એ આપણને પોઝિટિવ રિસ્પોન્સ નહીં આપે. માટે ખૂબ સમજીને, સાવધાનીપૂર્વક આપણે એના મનમાંથી આ ખ્યાલ દૂર કરવાનો છે. હું તમને કેટલીક દવાઓ લખી આપું છું, એના તમે પ્રયોગ શરૂ કરો. સૌ પ્રથમ તો એના મનમાં જે ઘટનાનો અવકાશ ખાલી પડ્યો છે, એ અવકાશને આપણે ભરવાનો છે. વિશેષાને માતૃત્વ બક્ષવાનું છે..."

સગર્ભા વિશેષા આનંદમાં છે. સમયને સ્વપ્નોથી ગૂંથી રહી છે. ક્યારેક ચહેરા પર ઉદાસીનાં વાદળ ઢંકાઈ જાય છે. પેલા હુમલાઓનું પ્રમાણ જરૂર ઘટ્યું છે. એક સવારે ડોક્ટર શાહને સમાચાર મળે છે, વિશેષાને દીકરો જન્મ્યો છે... તેઓ સીધા નર્સિંગહોમ પહોંચી જાય છે. ગુલદસ્તા સાથે. સુકેતુ દવા લેવા બહાર ગયેલો છે, ડોક્ટર શાહે જ એને એમ સૂચના આપી છે. “ભાભી, દીકરો અસલ તમારાં જેવો છે. "બાળકને એ ચૂમી લે છે. નવજાત બાળકને ભાવવશ જોયા કરે છે. “ભાભી, એક વાત પૂછું?..." પ્રસન્ન પ્રસન્ન વિશેષા બાળકને છાતીએ લગાડી સંમતિસૂચક માથું હલાવે છે. “ભાભી, વિનીતને મેં તો જોયો નથી. એના ચહેરાની એકેય રેખા આ બાળકમાં તમને દેખાય છે?..." વિશેષા બાળકને ધ્યાનથી જોવા લાગે છે, જોતી જ રહે છે... “અરે હા, હું વિનીતને તો ભૂલી જ ગઈ હતી. ડોક્ટર, વિનીતની આંખો અદ્દલ આવી હતી... બરાબર આની આંખો જેવી. ભીની ભીની, નીતરતી. ભાવવાહી.. હાશ, મારો વિનીત મને પાછો મળી ગયો. એણે મને માફ કરી દીધી છે... જુઓ, મારી સામે જોઈ એ કેવો હસી રહ્યો છે?!!..." સુકેતુએ એ સ્પેશિયલ રૂમમાં પ્રવેશતાં ભાવસભર દૃશ્ય જોયું – વિશેષાએ બાળકને છાતીએ ભીંસ્યું છે અને એની આંખથી આંસુની નદી વહી રહી છે... ડૉક્ટરે સુકેતુનો હાથ હાથમાં લઈ હળવેથી દબાવ્યો, સુકેતુની આંખોમાં કેટ-કેટલા ભાવ હતા!! ડૉક્ટરે વિશેષા તરફ જોયું, વિશેષાનું સમગ્ર ધ્યાન બાળકમાં હતું. ડૉક્ટરે વિશેષાને માથે હાથ ફેરવ્યો ને કંઈ જ બોલ્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યા, હળવા પગલે.

*