નારીસંપદા : ટૂંકી વાર્તા/મીરાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મીરાં

ઉમા પરમાર

આજે તો મીરાં ક્યારની બસની રાહ જોતી હતી, પણ બસ મોડી પડી કે એ, એ જ નહોતું સમજાતું. ઑફિસ પહોંચવામાં મોડું થશે એમ વિચારી એણે ઓટો કરી. આખા રસ્તે વિચારતી રહી, ‘એની એ જ ઘટમાળ ચાલ્યાં કરે છે વર્ષોથી. એ જ દિવસ-રાત, એ જ ઑફિસ, એ જ ઘર અને હા, એ જ પપ્પા-મમ્મી સાથે રોજની માથાકૂટ ! ક્યારે સમજશે એ લોકો, કે મને કોઈની જરૂર નથી. શું હું કુંવારી રહીશ તો મરી જઈશ? હું એકલી જિંદગી કેમ ન ગુજારી શકું? કોઈને શું ફેર પડે છે? અને હવે આ ઉંમરે તમને છોડીને ક્યાં જવું? એવું તમે તો ન વિચારો પણ હું તો વિચારું ને?’ ફરી વિચાર આવ્યો, કોની ઉંમર વિશે એણે વિચાર્યું? મા-બાપની કે પોતાની? મીરાંના પપ્પાને મીરાં ખૂબ વહાલી. ને કેમ ન હોય? એનાં જન્મની સાથે જ ખુશીઓએ એમનાં ઘરે પગલાં જો પાડ્યા હતાં ! વહેલી સવારના કૂણા તડકા જેવી એ. મનમોહક સ્મિત, કાળી-ઘેરી આંખો, ઘઉંવર્ણી ત્વચા, અને યુવાનીમાં લાંબા ઘટાદાર વાળ, સુદૃઢ બાંધો અને મિલનસાર, હસમુખો સ્વભાવ. કોને પ્રિય ન હોય? એ હતી જ સૌને ગમી જાય એવી. છતાં એનું નસીબ એની સાથે ચાલવાની જગ્યાએ બે ડગલાં આગળ જ ચાલતું હોય. ‘બહેન, આપકા ઠિકાના આ ગયા.’, ઓટો ડ્રાઇવરના અવાજે એ વર્તમાનમાં પાછી ફરી. ‘ઠેકાણું’ શબ્દના કેટલા અર્થ થતા હશે એ વિચાર મીરાંના મનમાં ઝબકી ગયો. બપોરે લંચ માટે એ રોજની જગ્યાએ આવી ગોઠવાઈ. બારી બહાર એ જ પીપળાનું મોટું ઝાડ પવનમાં ડોલી રહ્યું હતું. પંખીઓનો કલરવ સંભળાતો હતો. કૅન્ટીનનો કોલાહલ હવે કોઠે પડી ગયો હતો. થોડી વારે એની ખાસ સહેલી અમી આવી. આમ તો મીરાં વર્ષોથી આ ઑફિસમાં હતી, છતાં પાછળથી આવેલ અમી સાથે એને ખૂબ સારું બનતું. બંનેના સ્વભાવ થોડા અલગ હતા છતાં કંઈક હતું જે બંનેને જોડી રાખતું હતું. ખાસ કોઈ વાતચીત કર્યા વગર ખાઈ લીધું. ફરી પોતપોતાનાં કામમાં જોડાઈ ગયાં. સાંજે ઘરે પરત ફરતાં એને પપ્પા માટે ખમણ લેવાનું મન થયું. ઘણા સમયથી પપ્પા ખમણ લાવવા માટે કહેતા હતા છતાં એ તબિયતનું બહાનું ધરીને લાવતી નહોતી. આજે અનાયાસે થયું, લેતી જ જાઉં. ચા-નાસ્તો કરતાં મમ્મીએ ધીમે રહીને એક છોકરાનો ફોટો બતાવ્યો ને વાત કરી, કે એ કેવું કમાય છે, શું ભણેલો છે, એનું કુટુંબ કેવું છે વગેરે. પણ એ બધી જ વાતો એણે નજરઅંદાજ કરી દીધી. મમ્મી કંઈ જ ન બોલી પણ, મીરાંનું મૌન સમજવા મથી રહી. હવે શું કરવું છે છોકરો જોઈને? જિંદગીની મેરેથોનમાં એ પહેલેથી એકલી જ દોડી રહી છે, ને આ પચ્ચીસ તારીખે તો હવે સાડત્રીસ પૂરાં થશે ! તે કરતાં પણ, શું નીરજ ભૂલાશે? ફરી એનાં મને એને ટપારી, ‘તને હજી નીરજની પડી છે? આટલું વીત્યું, કાફી નથી? ને મમ્મીએ હજી હમણાં અઠવાડિયા પહેલાં જ આડકતરી રીતે ફરી ચેતવી હતી, તોય તારે નીરજ...? ગળે શોષ પડ્યો હોય એવું લાગ્યું, એ થૂંક ગળી ગઈ અને ધીમેથી પાણી પીવા ઊભી થઈ. પાણીના ઘૂંટની સાથે જાણે કડવાશ પીતી ન હોય ! અચાનક યાદોની લહેર એને દૂર સુધી ખેંચી ગઈ ! સ્કૂલથી કૉલેજ સુધી સાથે રહેલાં મીરાં અને નીરજની બસ, લગ્નની તારીખ નક્કી થવાની બાકી હતી. અચાનક મીરાંનાં મમ્મી-પપ્પાનો અકસ્માત થયો અને પપ્પા કોમામાં જતા રહ્યા. આજકાલ કરતાં એક વર્ષ નીકળી ગયું ત્યારે ધીમે-ધીમે એ કોમામાંથી બહાર નીકળ્યા. આમ જુઓ તો હજી આજે પણ પપ્પા ક્યાં પૂરા સ્વસ્થ થયા છે? એની નજર સામે પપ્પાનો ચહેરો આવી ગયો. સાવ નિસ્તેજ અને કૃશ થયેલ ચહેરામાં ફક્ત આંખો જ જાણે બોલતી હોય એવું લાગતું. કોમામાંથી બહાર આવીને સાજા થયાં બાદ સતત પપ્પા-મમ્મી બંને મીરાંને લગ્ન માટે દબાણ કરતાં રહ્યાં. પણ, મીરાં જેનું નામ... આ હાલતમાં એમને કેવી રીતે છોડી શકે? મીરાં સતત વિચારતી રહેતી, ‘બસ, થોડું સારું થાય પપ્પાને ત્યાં સુધી નીરજ રાહ જુએ. પછી તરત જ લગ્ન... સુંદર સપનાં મઢેલ રાતો એને સૂવા નહોતી દેતી. ‘એ કૉલેજ કેમ્પસ, એ લેકચર છોડી ફરવા જવું, ભવિષ્યનાં આયોજન, ઘર, પરિવાર અને...’

***

‘મીરાં... મીરાં... પપ્પાની દવા પૂરી થઈ ગઈ છે, ઑફિસથી વળતાં લઈ આવજે, યાદ રાખીને હં... આજકાલ તું બહુ ભૂલી જાય છે!’ બીજા દિવસે મમ્મીએ ઑફિસ જતાં એને ટપારી. ‘હા મમ્મી, આજે યાદ રાખીને લેતી આવીશ.’ કહી એ નીકળી. બસના આગળ વધવાની સાથે-સાથે બારી બહારનાં દૃશ્યો રોજની જેમ આંખોમાં આવીને અદૃશ્ય થઈ ગયાં... નીરજની ધીરજ ખૂટી હતી અને લગ્ન માટેનું દબાણ વધ્યું હતું. એક દિવસ એણે નીરજને બીજે લગ્ન કરી લેવા સમજાવ્યો. એ જે રીતે તરત સમજી ગયો તે જોઈ મીરાં જાત સામે જ ભોંઠી પડી ગઈ. સખત રીતે કંઈક ખૂચ્યું પણ, તરત એણે મનને સમજાવવા માંડ્યું કે, ક્યાં સુધી એ બિચારો રાહ જુએ? બસ, તે ઘડી પછી એની જિંદગી વર્તુળાકારે ચાલવા માંડી. એ, મમ્મી-પપ્પા અને નોકરીની વચ્ચે ફરતી રહેતી. ક્યારેય પોતાના વિશે વિચારતી નહોતી. ધીમે-ધીમે છોકરાઓના પ્રસ્તાવ આવતા બંધ થયા. કોઈ વાર દબાયેલા સાદે મમ્મી કહેતી કે, કોઈ વિધુરની વાત લઈને ફોઈબા આવેલાં પણ મેં ના પાડી દીધી. ઘરમાં ત્રણ જણ વચ્ચે માંડ ટૂંકી વાતચીત થતી. ભારેખમ મૌન બોલતું રહેતું. ઘરની દીવાલો હવે આ મૌન અને એકધારાપણાથી કંટાળી હતી જાણે! મીરાં જૂનાં સંસ્મરણોને મનની સંદૂકમાં સિફતથી સંતાડી રાખતી. પપ્પા જાણે નિઃસહાય અને વિવશ બની એને જોયા કરતા. એ કળી જતી અને તરત કહેતી, ‘પપ્પા, હું તમારા બંને સાથે ખુશ છું. મારી ચિંતા ન કરો. મારા નસીબમાં જે હશે તે મને મળશે જ ને! નાહકના તમે બંને દુઃખી થયાં કરો છો.’ એ ક્યારે રાત થાય તેની રાહ જોતી રહેતી. રાત એટલે જાત સાથે એકલામાં વાત કરવાની ક્ષણો. ક્યારેક એને થતું પણ ખરું કે એ નાહક ભૂતકાળ વાગોળ્યા કરે છે, પણ એ ભૂતકાળ ભૂતની જેમ જ વળગેલો છે તેનું શું? સમય અને ઉંમર બંને એકબીજાનાં હાથમાં હાથ નાખી ચાલી રહ્યાં છે જાણે. કોઈકના સ્પર્શની ઝંખનામાં ક્યારેક બંને પગ જોરથી ઘસતી રહેતી તો ક્યારેક પડખે થઈ છાતી દાબી સૂવાનો વ્યર્થ પ્રયત્ન કરતી. આમ, બેકાબૂ બનતા ઇચ્છાના ઘોડાની લગામ ખેંચતા એણે શીખવું પડયું ! હમણાં છેલ્લા મહિનાથી ઑફિસમાં નવા જોડાયેલા વિનોદ સાથે એને સારું બનવા માંડ્યું હતું. એની કંપનીમાં મીરાંમાં આવેલ પરિવર્તન અમીની નજરથી છાનું ન રહ્યું. એણે લંચ સમયે એને પૂછી જ લીધું. ‘તને વિનોદ ગમે છે ને? જો તું મારી આગળ જુઠ્ઠું ના બોલીશ, પકડાઈ જઈશ.’ ‘ના હવે, એવું કંઈ નથી જેવું તું વિચારે છે. બસ, આ તો મને એની કંપની ગમે છે, એની સાથે વાતો કરવી ગમે છે. મને જાણે એવું લાગે છે કે એ ઊંડાણથી મને સમજી શકે છે. તું તો જાણે છે કે તે ડિવોર્સી છે. મને ખબર નથી કે એના મનમાં શું ચાલી રહ્યું છે?’ મીરાંએ જવાબ આપ્યો. ‘તું એ બધું મારા પર છોડી દે, હું જાણી લઇશ.’ કહી અમીએ એને સધિયારો આપ્યો. પુસ્તક હાથમાં લઈ રાત્રે ઊંઘ લાવવા પ્રયત્ન કરતી મીરાંને, ઘડીભર નીરજ યાદ આવી ગયો. મનમાં પ્રેમ, નફરત, સહાનુભૂતિ... કોણ જાણે કઈ લાગણી ઊભરાઈ તે એ સમજી ન શકી. વિચાર્યું, ‘શું એ પૂરેપુરું એને ભૂલી ચૂક્યો હશે? સુખી હશે? અને હોય કે ન હોય તો પણ શું? મારા જીવનમાંથી હવે એની વિદાય થઈ ચૂકી છે. જો એણે મારા વિશે વિચારવાની તસ્દી ન લીધી તો હું શું કામ હજી એના વિશે વિચારું છું?’ ફરી ભૂતકાળમાં અનાયાસે સરકી પડી. એની વિદાય વસમી ખરી પણ ધારણાથી વિપરીત હતી. મનમાં તો હતું કે, એ મારી રાહ જોવા તૈયાર થઈ જાય. પણ, એવું કશું થયું નહિ. એની પોતાની ઇચ્છા કે પરિવારનું દબાણ, શું કારણભૂત હતું તેની ચર્ચામાં પણ પડવાની ઇચ્છા ન થઈ તે હદે મીરાં તૂટી ગઈ હતી. એની ‘હા’ થી ઘરે આવીને મમ્મીને વળગી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. મમ્મીએ વ્હાલથી માથે હાથ ફેરવતાં સાંત્વના આપી. કદાચ મમ્મી સાચું જ કહેતી હતી કે, ‘દરેક પરિસ્થિતિ અલગ હોય છે અને જરૂરી નથી કે બધી વખતે નિર્ણય આપણી તરફેણમાં હોય. મનગમતું કંઈક છૂટવાથી વેદના અવશ્ય થાય છે. પણ, સહન કરીને, એને ભૂલીને આગળ વધવું એ જ જીવન છે.’ બીજા દિવસે અમીએ ખુશખુશાલ ચહેરે મીરાં સામે મલકાતાં કહ્યું, ‘મેં કીધું હતું ને કે વિનોદના મનની વાત હું જાણી લઈશ.’ મીરાંના હાવભાવ જોવા એ અટકી. મીરાંની જાણ બહાર એનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. એણે આંખોથી પૃચ્છા કરી. ‘વિનોદ પણ તને પસંદ કરે છે. તમે એકબીજાને પસંદ કરો છો એટલે હવે આગળ પણ વધી શકો છો.’ કહેતાં અમી હસી પડી. કોણ જાણે કયા સ્નેહભાવથી મીરાં એને ભેટી પડી. મુગ્ધ યુવતીની જેમ મન હિલોળે ચઢવા માંડ્યું. વિનોદને મળવા, એની સાથે વાત કરવા બેચેન થઈ ઊઠી. ઉંમર ભુલાઈ ગઈ, બે-ચાર સફેદ લટોને વિસારે પાડી દીધી ઘડીભર. એને થયું, આ શું થઈ રહ્યું છે મને? તન-મનમાં આટલો બધો થનગનાટ શીદ? લંચ સમયે એ અને વિનોદ કૅન્ટીનમાં બેઠાં. બંને વચ્ચેનું મૌન આસ્તેથી અંતર કાપી રહ્યું હતું જાણે. ‘જો, મને ફેરવીને વાત કરવાનું ફાવતું નથી. શું તું મારી સાથે લગ્ન કરવાનું પસંદ કરીશ?’ અચાનક વિનોદે કરેલા પ્રસ્તાવથી એ તરત કંઈ જવાબ ન આપી શકી. ‘મને કોઈ ઉતાવળ નથી, તું શાંતિથી વિચારીને કહી શકે છે.’ ‘ના ના, એવું નથી. પણ હવે આ ઉંમરે થોડું અજબ લાગે છે પપ્પા-મમ્મીને વાત કરવાનું. કેવી રીતે કહીશ? તેઓ શું મારા નિર્ણયથી ખુશ થશે? અમને વર્ષોથી એકબીજાંની હવે આદત પડી ગઈ છે એટલે થોડી ચિંતા થાય છે.’ તે દિવસે છૂટાં પડ્યાં પછી પણ વિચારો છૂટા ન પડ્યા તેનાથી. બંનેને કેમ એકલાં મૂકી દઉં? પપ્પાની તબિયત તો આવી જ ચાલ્યા કરે છે પણ હમણાંથી મમ્મીને પણ સારું નથી રહેતું. ચશ્માંના નંબર વધી ગયા છે, ઓછું દેખાય છે હવે તો. ઘૂંટણ અને કમરમાં દુઃખાવો રહે છે. હવે એમનો સાથ છોડવો પડશે? મીરાંની આ ચિંતા મનમાં જ રહી ગઈ. જેવી એ ઘરે પહોંચી, પડોશીઓનું ટોળું ઘરે જોઈ ફાળ પડી. મમ્મીની સાથે ઊભેલાં બાજુવાળા માસીએ કહ્યું, ‘બેટા, તને જ ફોન કરતાં હતાં. તારાં પપ્પાને હાર્ટ-અટૅક જેવું જ કદાચ આવ્યું હશે તે... ડૉક્ટરે ચેક કરી લીધું છે બેટા. જેવી ભગવાનની મરજી.’ મમ્મી મીરાંને વળગીને રડવા લાગી. મીરાં સ્તબ્ધ બની ઊભી રહી ગઈ ! પપ્પાના નિશ્ચેતન દેહને મૂઢ બની તાકી રહી. શું કરવું, શું કહેવું કંઈ જ સમજાયું નહિ. ‘હજી સવારે ઑફિસ ગઈ ત્યારે સાવ સાજા એવા પપ્પા અત્યારે... કદાચ હું વિનોદની વાત કહેતે તો ખુશ થતે? એક સાથે હજારો સવાલોનું ઘોડાપૂર મમ્મીનાં આંસુની સાથે એના મનમાં ફરી વળ્યું. પણ હવે મમ્મી એકલી, હું જ એનો સહારો !’ પપ્પાનાં ક્રિયાકર્મ પતાવી થોડા દિવસો બાદ તે ઑફિસ ગઈ. ‘મને એક જ ચિંતા છે, મારી મમ્મીની. શું તમે સાથે મળી એ જવાબદારી ઉઠાવવાનું પસંદ કરશો?’ મીરાંએ લાગણી ભરેલા અવાજે પૂછ્યું. હવે ચૂપ થવાનો વારો વિનોદનો હતો. છતાં એણે ‘ના’ ન કહેતાં વિચાર માટે સમય માંગ્યો. એ ધીરેથી બોલ્યો, ‘તું ખોટું ન લગાડીશ પણ મારે ઘરમાં મમ્મી-પપ્પા, બહેન અને વિધવા ફોઈ છે, જેઓ વર્ષોથી અમારી સાથે જ રહે છે. એટલે હું જે નિર્ણય લઈશ તે વિચારીને જ લઈશ.’ શું કામ એવી રીત બની હશે કે સાસરે ફક્ત દીકરીઓ જ જાય? વહુ જો સાસરિયામાં બધાની જવાબદારી ઉઠાવે તો એવી જ જવાબદારી પુરુષ કેમ નહિ? ત્રણ-ચાર દિવસ સુધી વિનોદે કોઈ જ જવાબ ન આપ્યો. હવે તે મીરાં સાથે ફક્ત કામ પૂરતી જ વાત કરતો. અમીએ વાત છેડવાનો પ્રયત્ન કર્યો પણ ખાસ કંઈ ફાવી નહિ. સાંજે ઑફિસથી ઘરે જતાં મીરાંએ અમીને કહ્યું કે, ‘મને વિનોદનો જવાબ એના મૌનમાં જ આમ તો મળી ગયો છે. છતાં હું આવતીકાલે એને સીધું પૂછવા વિચારું છું.’ અમી ધીમું સ્મિત આપી એની સાથે સહમત થઈ. બીજા દિવસે મમ્મીને તાવ ચઢ્યો અને દવાખાને લઈ જવી પડી, તેથી રજા માટે ઑફિસે જાણ કરી. અમીને પણ કહ્યું. વિનોદને ફોન કરવા થોડી-થોડી વારે મોબાઇલ હાથમાં લીધો અને મૂકી દીધો. કદાચ અમીએ તો કીધું જ હશે અથવા એને ત્યાં ન જોઈને એણે મારા વિશે પૂછ્યું પણ હોય તો ! અસમંજસમાં અટવાતી એણે વિનોદને ફોન લગાવ્યો. પણ, એણે ફોન ન તો લીધો કે ન રિપ્લાય આપ્યો. બીજા દિવસે ખબર પડી કે વિનોદ અન્ય બ્રાંચમાં જતો રહ્યો છે. અમીએ હળવેથી એના હાથમાં વિનોદનો પત્ર મૂક્યો. પત્ર પર્સમાં મૂકી એ કામ કરવા લાગી, જાણે હમણાં ને હમણાં જ વિનોદ અને એના વિચારોથી દૂર થવા માંગતી હોય ! ઘરે ફરતાં આજે એ ફરી બસ ચૂકી ગઈ !! રાત્રે પણ પત્ર વાંચવાની જાણે ઇચ્છા જ ન થઈ છતાં વાંચ્યો. ‘મને માફ કરજે, હું વધુ જવાબદારી ઉઠાવી શકું એમ નથી.’ બસ? એણે પત્રનો ડૂચો કરી એનો છૂટ્ટો ઘા કર્યો. સમયનું શું છે? એ થોડો અટકે છે? હા, આપણે જ વીતેલા સમયમાં અટકી જતા હોઈએ છીએ.

***

મીરાં રોજ સાંજે મમ્મીએ મૂકી રાખેલી ચા થોડી ગરમ કરી અને કપ લઈ બાલ્કનીમાં બેસી ધીરેથી ડૂબતાં સૂરજને જોયા કરે છે. ધરતી પર ઊતરી રહેલ અંધકાર ક્યારેક એના મનમાં ફેલાઈ જાય છે. દિવસો અને જિંદગી વીતી રહી છે. અનિચ્છા છતાં ચાની ચુસકી સાથે વિચારો ચૂપચાપ પીવાઇ જાય છે. ‘પપ્પાના જવાને વર્ષ વીતી ગયું હતું. મમ્મીનું કોરું, ચાંદલા વગરનું કપાળ એને ક્યારેય ગમ્યું જ નથી. તેથી તે મમ્મી પાસે નાનો પણ ચાંદલો તો કરાવતી જ. તેનાથી પપ્પાના સાથે હોવાનો અહેસાસ જીવંત બની રહેતો. ઘરના દરેક ખૂણાને, પપ્પાની ફેવરિટ આરામ ખુરશીને, પપ્પાની અલમારીને પણ પપ્પાની ગેરહાજરી વરતાય છે. આ દરેક જગ્યાએ એમની કલ્પના કરીને જીવન આગળ ધપાવવા પ્રયત્ન ચાલુ રાખ્યો છે, પણ મમ્મી બિચારી એકલતાનો ભાર ઊંચકી થાકી ગઈ છે હવે !’ અને મીરાં? ક્યારેક એને ભીડમાં દૂરથી નીરજ કે વિનોદ જેવું કોઈક દેખાઈ જાય છે, બસ ! સમય મીરાં જેવાની ચિંતા નથી કરતો ક્યારેય ! બધું જ યથાવત્ છે, મીરાં, મમ્મી, નોકરી... નિયતિ પણ !’ જિંદગીમાંથી લોકોની બાદબાકી થતી જાય છે. આખરે શેષ તો ખાલીપાનું શૂન્ય જ રહેશે! ક્ષિતિજનો સૂર્ય પૂરો ડૂબી ચૂક્યો છે... મીરાં જોઈ રહી, ચોમેર ફેલાયેલ અંધકારને!!