નારીસંપદા : ટૂંકી વાર્તા/હાથ ધોયા !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હાથ ધોયા?

કલ્પના દેસાઈ

ગાડીના દરવાજા બંધ થવાનો અવાજ સાંભળી ચોકીદારે બહાર નજર કરી, સુમીતની ગાડી ઓળખી ગેટ ખોલી નાખ્યો. પાર્કિંગમાંથી સુમીતની સાથે એના બે મિત્રો પણ ઢીલી ચાલે ચાલતા લિફ્ટ તરફ વળ્યા. ‘આજે અમે બંને અહીં રોકાઈ જઈએ.’ ‘નો...નો... ઇટ્સ ઓ.કે. હું ઠીક છું. તમારે સવારે પાછું વહેલું પ્લેન પકડવાનું છે. હું ઓલરાઈટ છું. ડોન્ટ વરી.’ સુમીત એકધારું બોલી ગયો. મિત્રોએ એનો ખભો થાબડી આશ્વાસન આપતાં વિદાય લીધી. ‘ભલે, પણ તારું ધ્યાન રાખજે. ફોન કરતો રહેજે. આવીને મળીએ.’ જતાં જતાં વળી બંનેએ ધીરજ બંધાવી. ‘ધ્યાન ! હંહ !’ સુમીતે લિફ્ટનું બટન દબાવ્યું. લિફ્ટની બહાર નીકળી આદત મુજબ દરવાજામાં ચાવી ઘુમાવી એ ઘરમાં દાખલ થયો. રૂમ તરફ ડગલાં મંડાતાં ગયાં. ‘એ...ય ! ત્યાં ક્યાં ચાલ્યો? ચંપલ તો કાઢવાની તસ્દી લો સાહેબ ! બહારથી આવીને સીધા રૂમમાં ભરાઈ જવાનું બસ. હાથ ધોયા?’ એક સત્તાવાહી અવાજનું ઝેર પાયેલું તીર સુમીતના વાંસામાં ખચ્ચ કરતુંક ખૂંપી ગયું. અસહ્ય પીડાથી તડપતા શરીરે એણે પાછળ ફરી જોયું. સોફામાંથી પેલી બે – હંમેશની જેમ ડરાવતી, વાઘણની ચમકતી આંખો એને તાકી રહી હતી. એ જવાબ આપવા જતો હતો પણ એના મોંમાં ફીણ વળવા માંડયાં. એની નજર બારીની બહાર ગઈ. રાતનો શાંત દરિયો પણ પછડાઈ પછડાઈને થાકલો દેખાતો હતો – ફીણવાળો. પહેલીવાર એ બંને દરિયાકિનારે ફરવા ગયેલાં. કદાચ લગ્ન પછી ત્રીજે જ મહિને. રેતી પર ચાલવા સુધી બધું ઠીક હતું પણ જેવી પાણીમાં જવાની વાત આવી કે, એ ઊભી રહી ગઈ. ‘મારાં ચંપલ ગંદા થઈ જશે.’ ‘તો હાથમાં લઈ લે. જો, મેં પણ ચંપલ હાથમાં લઈ લીધાં ને?’ ‘છી ! હાથમાં ચંપલ પકડું? પાણીમાં જવાનું કામ જ શું છે?’ ‘એક વાર પગ બોળી જો. દરિયાની લહેરને પગ નીચે રમતી અનુભવીને તું ખુશ થઈ જશે.’ ‘ના. મારાં કપડાં ભીનાં થશે ને પગ ગંદા થઈ જશે.’ બહુ વિનવણી કરવા છતાં એ એકની બે ન થઈ ને સુમીતે પણ કચવાતે મને પાણીમાં જવાનું માંડી વાળ્યું. ગાડીમાં બેસતાં પહેલાં એણે સેનિટાઇઝરની બૉટલ કાઢી હાથ સાફ કર્યા. ‘લે. હાથ ચોખ્ખા કરી લે.' એણે સુમીત તરફ બૉટલ લંબાવી. ‘મારા હાથ ચોખ્ખા જ છે.’ 'ઓ.કે તો પછી ગાડી ચલાવતી વખતે મને હાથ નહીં લગાવતો.’ સુમીતે જાણીજોઈને ગાડી રિવર્સમાં લેતાં એના ગાલે હાળવી ટપલી મારી. ‘છી... છી ! ના પાડી ને મેં તને પહેલાં જ ! પ્લીઝ... મને આ બધું નથી પસંદ. ડોન્ટ માઈન્ડ પણ મને ગંદા હાથે પ્લીઝ હવે પછી હાથ નહીં લગાવતો.’ સુમીત છોભીલો પડી ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો. ‘હવે આટલી નાની વાતમાં શું બાયલાની જેમ રિસાઈને બેસી ગયો? ચોખ્ખાઈ રાખવા જ કહ્યું છે ને? મને નથી પસંદ તો નથી પસંદ.’ ‘ઠીક છે’ સુમીતે મૂડ ઠીક કરવા કોશિશ કરી. એમ તો તે દિવસે પણ નાની જ વાત હતી ને? કોઈએ કુરિયર થ્રૂ મીઠાઈનું બૉક્સ મોકલેલું, સુમીતે લઈને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું. હજી તો બૉક્સ ખોલીને મોંમાં એક ટુકડો મૂકવાનો સુમીત વિચાર જ કરતો હતો કે એણે બૉક્સ પર ઝાપટ મારી. ‘હે ભગવા...ન ! આ બૉક્સ અહીં કેમ મૂક્યું? કોણ જાણે ક્યાં ક્યાંથી ગંદું થઈને આવ્યું હશે?’ બબડતાં બબડતાં એણે પૂંઠાનું બૉક્સ ધોઈ કાઢ્યું ને ટેબલ પર સાબુનું પોતું મારી દીધું. સુમીતની મીઠાઈ ખાવાની ઇચ્છા મરી પરવારી. એ રૂમમાં જતો રહ્યો. સવાર પડતી ને આખા ઘરમાં ‘હાથ ધો'... ‘હાથ ધો’ ના અણિયાળા ખીલા પથરાઈ જતા. એના પર ચાલવું સુમીત માટે મુશ્કેલ બનતું રહ્યું. શું પોતે કોઈ નાનો કીકલો છે? શું પોતાને ચોખ્ખાઈનું કોઈ ભાન નથી? એ એના મનમાં શું સમજતી હશે? જવું હતું કોઈ રાજા-મહારાજાને ત્યાં કે કોઈ કરોડપતિને ત્યાં. મારો જીવ લેવા કેમ આવી? સુમીત ઘરમાં રહેતો એટલો સમય સતત એના પર બે આંખો અદૃશ્ય રીતે મંડાયેલી જ રહેતી જાણે ! પોતાના જ ઘરમાં એ કેદી બની ગયો. એને થતું, ‘રૂમમાં જ પડી રહું. બહાર નીકળીશ તો કંઈ અડકાઈ જશે ને સાબુથી હાથ ધોવા પડશે. છટ્ટ ! આ તે કંઈ જિંદગી છે?’ રાત્રે પલંગમાં ઊંધે માથે પડેલા સુમીતના દિમાગમાં એક વિચાર ઝબક્યો. ‘એ આખો દિવસ શું કરતી હશે?’ એ ધીમે ધીમે, ચોરપગલે રૂમની બહાર નીકળ્યો. એ અરીસાની સામે ઊભી રહી વાળમાં કાંસકો ફેરવી રહી હતી. સુમીતથી રહેવાયું નહીં. રેશમી વાળની સુગંધ ! ‘તારા વાળ સરસ છે... એકદમ રેશમી.’ સુમીતે એના વાળમાં આંગળીઓ ફેરવી. ‘એ... પ્લી...ઝ ! આજે જ વાળ ધોયા છે.’ એ રડમસ અવાજે દૂર ખસી ગઈ. ‘હા તો...! મારા હાથ ચોખ્ખા જ છે. હું કંઈ માટીમાં રમીને આવ્યો છું?’ ‘એ બધી વાત નથી. તારા હાથ તેં આખા ઘરમાં ક્યાં ક્યાં લગાડયા હશે !’ ‘ઓહ !’ સુમીત જવાબ આપ્યા વગર રૂમમાં ભરાઈ ગયો. બે દિવસ પહેલાં જ, એને ચમકાવવા ખાતર જ સુમીતે એને પાછળથી કમરેથી પકડી લીધેલી ત્યારે એણે જે ચીસાચીસ કરેલી ! ‘પ્લીઝ... પ્લી...ઝ પ્લી...ઝ ! પહેલાં હાથ ધોઈ આવ. તને કેટલી વાર કહ્યું, મને તારે હાથ ધોયા વગર હાથ નહીં લગાડવાનો. તું ઘડીકમાં સોફા પર આળોટે તો ઘડીક પલંગ પર પડે. ઘડીક ટીવી અડકે ને ઘડીકમાં બારીબારણાં ઉઘાડબંધ કરે. ને પછી એવા બધા ગંદા હાથે તું મને અડે તે મને બિલકુલ પસંદ નથી.’ ‘ઓહ !’ સુમીતને પોતાના વાળ પીંખી નાખવાનું મન થઈ આવ્યું. એને ઘરમાં બધે ધૂળના ઢગલા દેખાવા માંડ્યા. જ્યાં ને ત્યાં કરોળિયાનાં જાળાં ને જાળામાં આરામથી ફરતા કરોળિયા ! ઉંદરડા ને ગરોળી ને વાંદા છૂટથી ફરતાં હતાં. માખીનો બણબણાટ ને મચ્છરોનો ગણગણાટ. છાણની વાસ ને ઉકરડાની વાસ ને વાસ વાસ – ગંદકી ગંદકીથી એના પેટમાં ચૂંથારો ! ઓહ ! એણે એક સિગારેટ લઈ મોંમાં મૂકી દીધી. વહેલા વહેલા બે કશ લઈ હોલવી નાંખી ! છટ્ ! મોં કડવું થઈ ગયું. હવે બધું સાબુથી ધોવું પડશે. આ સાલી શાંતિથી જીવવા નહીં દે. ક્યાં ફસાયો? ગયા મહિને પાર્ટીમાં એને લઈ ગયેલો. જરા ફ્રેશ થવા ને બહુ વખતે ફ્રૅન્ડઝને મળવા. સજવા ધજવાનું - વટ મારવાનું ને અકડીને ચાલવાનું એને ગમતું તે સુમીતથી અજાણ્યું નહોતું. ‘ચાલો, એ બહાને એ પણ ખુશ થશે.’ પાર્ટીની વાતથી એ ખુશ થયેલી, સજીધજીને સરસ તૈયાર પણ થયેલી. તો? પાર્ટીમાં બધાંની વચ્ચે ધીરે ધીરે એણે પોતાની સફાઈની ડિંગ હાંકવાની શરૂ કરી કે બધી સ્ત્રીઓએ એકબીજીને ઇશારા કરવા માંડયા. સુમીતની ચકોર નજરે બધાં સૂચક સ્મિતોને ટકરાતાં જોયાં. ‘આને કશે લઈ જવા જેવી નથી...’ સુમીત હૉલની બહાર નીકળી ગાડીમાં ગોઠવાઈ ગયો, હાથ ધોયા વગર ! એ આવી પહોંચી, ‘કેમ ચાલી આવ્યો?’ ‘એમ જ. માથું દુખે છે.’ ‘ઓહ !’ ‘એમ નહીં કે, માથે જરા પ્રેમથી હાથ ફેરવશે કે માથું દાબી આપશે...’ સુમીત મનમાં બબડ્યો, ‘હા...થ ગંદા થઈ જશે.’ ‘આ બધી પાર્ટીમાં આવેલી, કહેવાય બધી મોટા ઘરની ને કેટલી ગંદી?...’ વળી ચોખ્ખાઈ ને ગંદકીની વાત ! એ જ, એ જ ને એ જ વાત ! એક જ રૅકર્ડ ! સુમીતને જોરમાં બરાડો પાડવાનું મન થયું... 'ચૂ...પ ! બીજું કોઈ કામ છે કે નહીં? આખો વખત એ જ ટીકટીક ટીકટીક ! સાલું બૈરું છે કે કોણ છે?’ આંખો જોરમાં મીંચી દીધી તો સામે સકુ આવી ગઈ ! બિચારી સકુ ! સકુ પાસે તો આખો દિવસ હાથ ધોવડાવ્યા કરતી. ‘ઝાડુ કાઢવા પહેલાં હાથ ધો. પછી હાથ ધો. વાસણ માંજવાની? હાથ બરાબર ધોજે હં ! કપડાં ધોવા પહેલાં... હાથ-પગ ધોઈને બેસજે.’ સકુને હાથ ધોવડાવી-ધોવડાવીને થકવી નાખતી. બિચારી એક દીકરા ખાતર બધું સહન કરતી. વર તો હતો નહીં. ‘હું સકુ હોત તો?’ સુમીતને અચાનક જ ઝબકારો થયો. એના માથા પર ઝાડુ મારીને-વાસણ પછાડીને કામ છોડી જાત. આવી ગુલામી કોણ કરે? પણ પોતે સુમીત હતો ને સુમીત ગુલામી કરતો હતો ! ભૂલમાં એક દિવસ સકુનો હાથ એને લાગી ગયો. એણે તો સકુના દેખતાં જ આખો હાથ સાબુથી ઘસી ઘસીને ધોયો. સકુનું મોં તે દિવસે જોવા જેવું હતું. તે દિવસથી સકુ એનાથી દસ ફૂટ દૂર રહેવા માંડી. ચોખ્ખાઈના ગાંડપણમાં માણસની આભડછેટ ! સુમીતને પોતાની જાત પર તિરસ્કાર થતો. એક કંકાસની બીકે જ પોતે ચૂપ રહેતો ને? શરૂઆતથી જ એને અટકાવી હોત તો? એની વાત સાચી હતી. એ બાયલો હતો. સવારની જ વાત. રસોડા ને ડાઇનિંગ હૉલ વચ્ચેના બે પગથિયાંની ઝડપભેર ચડઉતરમાં એ પગથિયું ચૂકી ને ઊંધે માથે પડી. બાજુમાં જ સકુ ઊભેલી પણ બીકના માર્યા એણે પોતાનો લંબાવેલો હાથ પાછો ખેંચી લીધેલો. હાથ ધોયા વગર? ઝડપથી સાબુથી હાથ ધોઈને સકુ શેઠાણી પાસે પહોંચે એટલામાં તો એ બેભાન ! પછી ફોન, ઍમ્બ્યુલન્સ ને હૉસ્પિટલની દોડાદોડી વ્યર્થ ગઈ. એ સુમીતને છોડી ગઈ. સકુ ખૂબ રડીને પસ્તાઈ પણ એનો વાંક ક્યાં હતો? સુમીતની નજર સામે ફરી ફરી એ જ દૃશ્ય ! ડૉક્ટરે ઝડપથી હાથ ધોયા વગર એને તપાસી. ઍમ્બ્યુલન્સમાં બધાએ હાથ ધોયા વગર એને સૂવડાવી. ને છેલ્લે? એને મૂકતી વખતે કોના હાથ ધોયેલા હતા? પોતાના પણ ક્યાં? એવા હોશ જ ક્યાં હતા? એને રડવું નહોતું આવતું. કોણ હાથ ધુએ છે? ના વિચારે એની નજર ચકળવકળ ફરી રહી. બધાએ એને બાજુએ બેસાડ્યો : ‘બિચારો !’ મિત્રો ઘરે મૂકી ગયા. એ ઘરમાં દાખલ થયો. રૂમ તરફ જતાં સંભળાયું, ‘હાથ ધોયા?’ એક મિનિટ માથું ફરી ગયું. એણે પાછળ ફરી જોયું. પેલી તગતગતી આંખોનો સામનો ન થતાં એ ચંપલ સહિત બેડરૂમ તરફ ભાગ્યો. ચંપલનો ઘા કરી એ બાથરૂમમાં ભરાઈ ગયો. માથા પર પાણી પડતાં જ. ‘લે, નાહી લીધું બસ?’ - ‘લે, નાહી લીધું બસ?’ બોલતો રહ્યો ને ક્યાંય સુધી એમ જ શાવર નીચે ઊભો રહ્યો. અચાનક ભીના શરીરે જ ટુવાલ લઈને સુમીત આખા ઘરમાં દોડી વળ્યો. ‘હાથ ધોયા? લે, નાહી જ લીધું.’ ‘હાથ ધોયા? લે, નાહી જ લીધું.’ એણે ટુવાલનો જમીન પર ઘા કર્યો. એના પર ઊભા રહી ટુવાલને જમીન પર ઘસડીને આગલા રૂમમાં લઈ ગયો. સોફા પર ધૂળ ચોંટેલા પગે કૂદતો રહ્યો ને ચંપલ યાદ આવતાં બેડરૂમમાં જઈ ચંપલ પહેરી એ પલંગ પર ચડી ગયો. કૂદ્યો. ખૂબ કૂદ્યો ને પછી થાકીને ચંપલ પહેરીને જ સૂઈ ગયો.

વાર્તા અને વાર્તાકાર :

કલ્પના દેસાઈ (૧૩-૦૬-૧૯૫૬)

‘હાથ ધોયા?’ વાર્તા વિશે :

ઘણીવાર એક સ્વરૂપમાં કામ-નામ થઈ ગયાં પછી સર્જક બીજાં સ્વરૂપ બાજુ નથી વળતો. કલ્પના દેસાઈને આપણે (કદાચ તેઓ પોતે પણ) હાસ્યલેખક તરીકે જ ઓળખીએ. પણ એમની ‘હાથ ધોયા?’ ખરેખર સારી વાર્તા છે. માણસના મનની ગ્રંથિ ઘરના અન્ય સભ્યોને કઈ હદે હેરાન કરે તેની વાત હરીશ નાગ્રેચાએ ‘કોઠો’ વાર્તામાં કરી હતી. કલ્પનાબેનની આ વાર્તા પણ મનની ગ્રંથિ વિશે જ છે. સુમીતની પત્નીને કલ્પના પણ નહીં હોય કે એના મનની ગ્રંથિ બીજાને કેટલી હદે હેરાન-પરેશાન કરે છે. હાથ ધોયા વગર કોઈએ એને અડવું નહીંની આકરી શરતને કારણે એના પતિએ કેટલીય અમૂલ્ય ક્ષણો સ્પર્શ વગર જ ગુમાવી હશે ! ને ધારો કે સ્પર્શ થઈ ગયો તો નર્યા વડચકા. કામ કરનારી બાઈ તો બિચારી અસ્પૃશ્ય હોય એમ જ કામ કરતી. સુમીતને થાય છે કે લગ્ન પછી તરત જ પોતે કંઈ કર્યું હોત તો આ દશા ન થાત. પણ હવે જ્યારે પત્ની અચાનક મૃત્યુ પામી ત્યારે સુમીતની હાલત દુઃખથી નહીં પણ છૂટકારાના ભાવથી અધગાંડા જેવી થઈ ગઈ.