નિરંજન ભગતના અનુવાદો/અભિસાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અભિસાર


એક વાર સંન્યાસી ઉપગુપ્ત મથુરા નગરીના કોટની રાંગે સૂતા હતા. પવનથી નગરીના દીવા બુઝાઈ ગયા છે. નગરીનાં ઘરોનાં દ્વાર બંધ છે. મધરાતના તારાઓ શ્રાવણના ગગનમાં ગાઢ વાદળોમાં છુપાઈ ગયા છે.

કોનો નૂપુરથી રણઝણતો પગ એકાએક છાતી પર વાગ્યો? સંન્યાસી ચમકીને જાગ્યા, એક પલકમાં સ્વપ્નની જડતા ભાંગી ગઈ. ક્ષમાસુન્દર ચક્ષુ પર દીવાનો કઠોર પ્રકાશ પડ્યો.

નગરીની નટી યૌવનમદે મત્ત બનીને અભિસારે જાય છે. અંગ પર નીલ રંગનું વસ્ત્ર છે. આભરણ રણઝણ અવાજ કરે છે. સંન્યાસીના શરીર પર પગ પડતાં વાસવદત્તા થંભી ગઈ.

દીવો ધરીને એની જુવાન ગૌર કાંતિ જોઈ. સૌમ્ય, હાસવંતું તરુણ મુખ છે. કરુણાકિરણથી વિકસિત નયન છે. શુભ્ર લલાટે ચન્દ્ર સમી સ્નિગ્ધ શાંતિ સોહે છે.

લજ્જાથી ભરેલા નયને લલિત કંઠે રમણી બોલી, ‘મને ક્ષમા કરો, હે કિશોરકુમાર, દયા કરીને મારે ઘેર ચાલો. ધરાતલ કઠણ ને કઠોર છે, એ તમારી શય્યા ન હોય!’

સંન્યાસી કરુણ વચનથી કહે છે, ‘અયિ લાવણ્યપુંજે, હજુ મારો સમય આવ્યો નથી. હે રમણી, તું જ્યાં જવા નીકળી છે ત્યાં જ જા! જે દિવસે મારો સમય આવશે તે દિવસે હું તારી કુંજમાં આપમેળે ચાલ્યો આવીશ.’

એકાએક વિદ્યુતની શિખાથી ઝંઝાએ એનું વિશાળ મોં ખોલ્યું. રમણી ભયથી કંપી ઊઠી. પવનમાં પ્રલયશંખ વાગ્યા. આકાશમાં વજ્રે ઘોર પરિહાસપૂર્વક અટ્ટહાસ્ય કર્યું.

હજુ વર્ષ પૂરું નથી થયું ત્યાં ચૈત્રની સંધ્યા આવી છે. આકુલ પવન ચંચલ બન્યો છે. માર્ગ પરનાં વૃક્ષોની ડાળીઓ પર કળીઓ બેઠી છે. રાજાના ઉપવનમાં બકુલ, પારુલ, રજનીગંધા ખીલ્યાં છે.

દૂર દૂરથી પવનમાં બંસીનો મદભર્યો ધ્વનિ આવે છે. નગરી નિર્જન છે. સૌ પુરવાસીઓ મધુવનમાં કુસુમોત્સવમાં ગયા છે. શૂન્ય નગરીને નીરખીને પૂર્ણચન્દ્ર નીરવે હસી રહ્યો છે.

નિર્જન માર્ગે ચાંદનીના ઉજાસમાં સંન્યાસી એકલો ચાલ્યો જાય છે. માથા પર તરુવીથિકાનો કોકિલ વારંવાર કૂજી ઊઠે છે. આટલે દિવસે શું આજે એમની અભિસારરાત્રિ આવી છે?

નગરી છોડીને સંન્યાસી બહાર કોટની રાંગે ગયો. ખાઈની પાર જઈને ઊભો. આંબાવાડિયાની છાયાના અંધકારમાં કોણ પેલી સ્ત્રી એમના ચરણ પાસે એક બાજુ પડી છે.

જીવલેણ ફોલ્લાથી એનાં અંગ ભરાઈ ગયાં છે. ભયંકર રોગની શાહી જેના પર ઢળી છે એવું એનું કાળું શરીર લઈને લોકોએ એના ઝેરી સંગનો ત્યાગ કરીને નગરીની ખાઈની બહાર ફેંકી દીધું છે.

સંન્યાસીએ બેસીને એનું અકડાઈ ગયેલું માથું પોતાના ખોળામાં ઊંચકી લીધું. એના સૂકા હોઠ પર પાણી ટોયું. એના માથા પર એમણે મંત્ર ભણ્યો. પોતાને હાથે શીતળ ચંદનના ગારાથી એના દેહ પર લેપ કર્યો.

ફૂલ ઝરે છે, કોકિલ કૂજે છે, રાત્રિ જ્યોત્સ્નાથી મત્ત છે. ‘કોણ આવ્યા છો તમે, હે દયામય?’ સ્ત્રીએ પૂછ્યું. સંન્યાસી કહે છે, ‘આ રાત્રે મારો સમય આવ્યો છે, હું આવ્યો છું, વાસવદત્તા!’