નીરખ ને/ઉત્તેજક અવતરણ, મંજુલ વિમર્શન ...રાધેશ્યામ શર્મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉત્તેજક અવતરણ,
મંજુલ વિમર્શન...

ફાર્બસ ‘ત્રૈમાસિક’ના સંપાદક તરીકે મંજુબહેન ઝવેરી એક વિરલ ‘ફિનૉમિનન’ ગણાય. એમના સંપાદકીય લેખો એના ગતિશીલ જીવંત નમૂના છે. અત્યારનું એક પણ સામયિક એના સંપાદકની આવી વિચારસમૃદ્ધિ કે તાત્ત્વિક નિસ્બતના શુદ્ધ આગ્રહથી અલંકૃત જોવું હોય તો ‘ત્રૈમાસિક’ જ યાદ આવે. ‘નીરખ ને’ આવાં લખાણોમાંથી સંભવેલો સંચય છે. ‘નીરખ ને’ વાંચીને સુજ્ઞોને ગગન સાંભરે – મંજુબહેનની અટક ઝવેરી. વિચાર-વિષય-વાદનાં પણ પારખુ ઝવેરી. અધુનાતન, સમકાલીન વિચાર અને સનાતન મૂલ્યોની નિકટ રહી વૈયક્તિક ખોજને શોધનસ્તરે પ્રસ્તુત કરવાનો અને વાચકોને સહયાત્રામાં સામેલ કરવાનો સક્રિય ઉપક્રમ અભિનંદનીય છે – લેખિકાના ગગનમાં ‘નીરખી ને’ આપણે કેટકેટલાં જ્વલંત નક્ષત્રો સાથે તારામૈત્રક સાધી શકીએ છીએ, ઉપરાંત પ્રેમીની પેઠે વિચારભેદે લડીવઢી પણ શકીએ છીએ! બહુરંગી વિચારવાદનાં વાદળોમાં વિહાર કરીએ ત્યારે ત્યાં અવકાશની મોકળાશનો હળવોફૂલ સ્પર્શ પણ તરત અનુભવાય. આ ગ્રંથની એ રોચક વિલક્ષણતા. સુરેશ જોષીથી સુઝુકી, કુન્દેરાથી કાફકા-કાપરા-કામ્યૂ, મેઘાણીથી મિખેઈલ નૈમી, રવીન્દ્રનાથથી રજનીશ, એંગલ્સથી એરિક ફ્રોમ, જે. કૃષ્ણમૂર્તિ કે યુ.જી.થી જ્યોતીન્દ્ર, સાર્ત્રથી શુમાકર, સ્ટ્રાઉસથી સ્ટિવન હૉકિંગ, રોઝા લક્ઝમબર્ગથી રોહિત દવે, સુમનથી ચન્દ્રકાન્ત, દાદા ધર્માધિકારીથી દર્શક – ટૂંકમાં ગાંધીથી (હ. ભાયાણી મારફત) ગાડામેર પર્યંતના બહુ પ્રત્યય સાથે સંવાદ તેમજ વિવાદની, અહીં મુક્ત ભૂમિકા છે. માટે તો ડૉ. ભીખુ પારેખ સાથેના પ્રતિભાવ વિનિમયમાં ગાંધીજી માટેનો સ્વસ્થ પક્ષપાત, યા ‘પ્રત્યક્ષ’ સાથેના ઇન્ટરવ્યૂમાં જીવન-વિચારમાં સાહિત્યવિચારને સમાવી લેવાના સૂચનમાં આંતરવિદ્યાકીય સંદર્ભ સરસ ઊપસી આવ્યો છે. કામ્યૂ એના ‘આઉટસાઈડર’ નાયક વિશે માને છે, એ વ્યક્તિ ‘પડછાયા વગરના સૂર્યને પ્રેમ કરનારી છે’ એ દૃષ્ટિએ શોધનરસિક મંજુબહેન અંગે પણ કહી શકાય કે તે આવેગ વગરના સત્યથી પ્રતિબદ્ધ છે.

અમદાવાદ-૨૨
– રાધેશ્યામ શર્મા
તા. ૨૩-૯-૧૯૯૨