નીરખ ને/લેવિ સ્ટ્રાઉસ : કળાકારની આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક મિજાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

નૃવંશશાસ્ત્રમાં પ્રયોગશીલા નિરીક્ષણ અને કલ્પિતાર્થ (હિપોથિસિસ) કરતાં અગ્રતા ધરાવે છે. આપણે જે નાના સમાજોનો અભ્યાસ કરીએ છીએ એની વિશિષ્ટતા એ છે કે દરેક સમાજ જાણે કે એક રેડીમેડ પ્રયોગ જ છે; એનું કારણ છે એની સાપેક્ષ સાદગી અને એના કાર્યને સમજાવવા માટે માત્ર મર્યાદિત સંખ્યાના ચલો(વેરિયેબલ્સ)ની જરૂરિયાત. તો બીજી બાજુ આ સમાજો જીવંત છે અને આપણી પાસે એનો દોરીસંચાર કરવા માટે સમય કે સાધનો નથી. શુદ્ધ વિજ્ઞાનની તુલનામાં આપણને અનુકૂળ પરિસ્થિતિનો લાભ મળે છે તો એ અગવડ પણ છે; આપણને તૈયાર થયેલા પ્રયોગો મળે છે, પણ એમને નિયંત્રિત કરી શકાતા નથી. એટલે આપણે એમની જગ્યાએ મોડેલો, પ્રતીકોની પદ્ધતિઓ જે પ્રયોગના વિશિષ્ટ ગુણોને જાળવી શકે અને જેનો દોરીસંચાર આપણાથી થઈ શકે એ લાવવાનો યત્ન કરીએ એ સમજાય એવું છે. આવા સાહસિક અભિગમનું વળતર છે નૃવંશશાસ્ત્રવિદ્ની નિરીક્ષણ માટેની નમ્રતા, અરે નિરીક્ષણ પ્રત્યેની ગુલામી કહો તોપણ વાંધો નહીં. લાંબા કાળ સુધી પોતાનો દેશ-ઘરબાર છોડી ભૂખ, બીમારી, સંકટો વેઠી, પોતાની આદતો, માન્યતાઓ, પ્રતીતિઓ સાથે ચેડાં થવા દઈ કોઈ માનસિક નિષેધ કે અન્ય હેતુઓ સાધવાની ખેવના વગર એ વિલક્ષણ સમાજની રીતો અપનાવે છે; એથી ઉપરવટ કશું જ નહીં, સિવાય કે જોખમ કે નિરીક્ષકનું નિરીક્ષણની વસ્તુ સાથે સંપૂર્ણ વિલીનીકરણ થઈ જાય. બધાં વિજ્ઞાનોમાં નૃવંશશાસ્ત્ર અનન્ય છે – એ અત્યંત અંગત આત્મલક્ષિતાને વસ્તુલક્ષી નિદર્શનનું સાધન બનાવે છે. સાચે જ આપણે પુરવાર કરી શકીએ એમ છીએ કે એ જ મન જે અનુભવને વશ થઈ ગયું છે, અનુભવ વડે ઘડાયું છે એ માનસિક વ્યાપારોની રંગભૂમિ બને છે, અને અનુભવને દાબી દીધા વગર એનું મોડેલમાં રૂપાંતર કરે છે જે વધુ માનસિક વ્યાપારોને ક્રિયાન્વિત કરે છે. પણ આખરે આ માનસિક વ્યાપારોની તાર્કિક સંગતિનો આધાર વ્યક્તિની નિષ્ઠા અને પ્રમાણિકતા ઉપર છે. નીતિકથાના ઘૂમતા શોધક પક્ષીની જેમ એ વ્યક્તિ કહી શકવી જોઈએ કે ‘હું ત્યાં હતો, આવું આવું મને બન્યું; તમે માનજો કે તમે જ ત્યાં હતા.’ અને હકીકતમાં એ પ્રતીતિ સંક્રમણ કરવામાં સફળ થાય છે.

લેવિ સ્ટ્રાઉસ


લેવિ સ્ટ્રાઉસ : કળાકારની આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક મિજાજ

ગુજરાતમાં નૃવંશશાસ્ત્રની દૃષ્ટિએ આદિમ સમાજોમાં કામ થયું હોય એવું દેખાયું નથી. છતાં ભીલ સેવા મંડળ, દાહોદના અગ્રગણ્ય કાર્યકર શ્રી ડાહ્યાભાઈ નાયકે ‘આદિવાસીઓ અને પછાત જાતિઓ’વાળા લેખમાં લખ્યું છે : ‘થોડાં વર્ષો પહેલાં પશ્ચિમના માનવવંશશાસ્ત્રીઓ અને એમનું અનુકરણ કરનારા આપણા માનવવંશશાસ્ત્રીઓ અને સમાજસેવકો વચ્ચે આદિવાસીઓ વચ્ચે કામ કરવાની પદ્ધતિ વિશે મતભેદ હતો.’ આ આપણા કયા માનવવંશશાસ્ત્રીઓ? કદાચ થોડા સમાજવિજ્ઞાનના પ્રાધ્યાપકો હોય કે કેટલાક સ્નાતક કક્ષાએ કે પીએચ.ડી. કરનારાઓએ નિબંધો કે મહાનિબંધો લખ્યા હોય. આ બધું ડેટા કલેકિટંગ – થોડી સામગ્રી એકઠી કરવા સિવાય બીજું ન બન્યું હોય. લેવિ સ્ટ્રાઉસ કહે છે કે ‘એ મોટો ભ્રમ છે કે માત્ર સૈદ્ધાન્તિક રીતે નૃવંશશાસ્ત્ર શીખવી શકાય. નૃવંશશાસ્ત્ર એક અત્યંત અંગત પ્રકારની બૌદ્ધિક શિસ્ત છે. નૃવંશશાસ્ત્રમાં ફિલ્ડવર્ક એવી માનસિક ક્રાન્તિ લાવે જે એની તાલીમમાં નિર્ણાયક આરંભબિંદુ બની જાય.. આપણે ત્યાં ઠક્કરબાપા કે શ્રીકાન્ત શાહ જેવા સમાજસેવકોએ આદિવાસીઓના ઉદ્ધાર અર્થે કામ કર્યું છે. ખ્રિસ્તી મિશનરીઓ પણ ઈશુનો સંદેશ લઈ તેમની પાસે ગયા હશે. પણ કોઈ નૃવંશશાસ્ત્રીય દૃષ્ટિ રાખી ત્યાં ખૂંપી ગયો હોય એવી માહિતી નથી. નૃવંશશાસ્ત્ર તો યુરોપ કે અમેરિકામાં પણ નવું જ વિજ્ઞાન છે, અને એ પણ લેવિ સ્ટ્રાઉસ પ્રમાણે એમની કોઈક આંતરિક જરૂરિયાતમાંથી ઊભું થયું છે. પશ્ચિમી આદિવાસી સમાજોના પણ સૌ પ્રથમ મુલાકાતીઓ મિશનરીઓ હતા. એમનો જબરદસ્ત ઉદ્દેશ આદિવાસીઓને સુસંસ્કૃત ખ્રિસ્તી બનાવવાનો હતો; સ્ત્રીઓની છાતી ઢાંકવી, પુરુષોને પેન્ટ પહેરાવવા અને એ બધાંને રવિવારની શાળાઓમાં બાઈબલ પઢાવવા વગેરેનું કામ કરતા. પછી બિનસાંપ્રદાયિક માનવતાવાદીઓ પણ ત્યાં ગયા. એ નિષ્પક્ષ, આદર ધરાવનારા અને ઘેરે આવીને બુર્ઝવા – સાક્ષરી લોકોને તર્ક, સહિષ્ણુતા, સાંસ્કૃતિક વિવિધતાની વાત કરતા. સુઝાન સોન્ટાગ લખે છે કે લેવિ સ્ટ્રાઉસને આવો કોઈ ખ્રિસ્તી, રેશનાલિસ્ટ કે ફ્રોઇડવાદી ધ્યેય સાધવાનો નહોતો. એમને તો મુખ્યત્વે એક વિલક્ષણ મહત્ત્વાકાંક્ષી બૌદ્ધિક વિરેચન (કેથાર્સિસ) દ્વારા પોતાનો આત્મા બચાવવો હતો. લેવિ સ્ટ્રાઉસે એન્થ્રોપોલોજી તરફ વળ્યા પહેલાં તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો અને એ પછી કાયદાશાસ્ત્રનો અભ્યાસ પણ હાથ ધર્યો હતો. ૧૯૩૩-૩૪ની સાલમાં એમના હાથમાં રોબર્ટ લોવીનું ‘પ્રિમિટિવ સોસાયટી’ નામનું પુસ્તક આવ્યું. લેવિ સ્ટ્રાઉસ લખે છે કે આ પુસ્તકમાં બીજા પુસ્તકિયા વિચારો વિભાવનારૂપે નહોતા ધરાયા; પણ લેખકનો પોતાનો અણસુધરેલી જાતિના સમાજનો અનુભવ-ચિતાર હતો, અને એનું મહત્ત્વ પોતાના ઇન્વોલ્વમેન્ટ દ્વારા રજૂ કર્યું હતું. લેવિ સ્ટ્રાઉસના તત્ત્વજ્ઞાનીય ચિંતનમાં કેદ થયેલા મને જાણે મુક્તિ મેળવી; પોતાના જ સમાજમાં પરાયાપણું ભોગવતા મનને રાહ મળ્યો. એમણે નૃવંશશાસ્ત્ર ઉપર અભ્યાસકીય પ્રભુત્વ મેળવ્યું, ૧૯૩૫માં સાઓ પૌલો, બ્રાઝિલમાં એ નૃવંશશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે ગયા. ૧૯૩૫થી ૧૯૩૯ સુધી રજાઓ દરમ્યાન બ્રાઝિલના અંદરના ભાગમાં આવેલી ઇન્ડિયન આદિમ જાતિઓમાં એ રહ્યા. આ નૃવંશશાસ્ત્રીય અનુભવ લેવિ સ્ટ્રાઉસના શબ્દોમાં માણસને પોતે કંઈ જાણતો નથી એનું જ ભાન કરાવે છે એમ નહીં, પણ પોતાના પ્રિયતમ્ વિચારો અને ટેવો ઉપર એવા તદ્દન વિરુદ્ધના વિચારો અને ટેવોના ઘા પડે છે કે પોતે જે કંઈ જાણે છે કે પોતાના અજ્ઞાનને પણ અસ્વીકાર અને અપમાન વેઠવા પડે છે. નૃવંશશાસ્ત્રવિદ્ એક કણસતા દર્દ સાથે પોતાની અનુભવયાત્રામાંથી પસાર થતો હોય છે. પ્રાગ્ઐતિહાસિક ભૂતકાળને પોતાની સમક્ષ કકડભૂસ થતો અનુભવવાનું એને ભાગ્યે આવે છે. ૧૯૧૫ની સાલમાં ભ્રમણશીલ સોહામણા નગ્ન નામ્બિકવારા (એક બ્રાઝિલિયન આદિમ જાતિ) લગભગ વીસ હજાર હતા; લેવિ સ્ટ્રાઉસ ૧૯૩૮ની સાલમાં જ્યારે ત્યાં ગયા ત્યારે એમની સંખ્યા બે હજારથી વધારે નહોતી અને આજે એ લોકો દુઃખી, કુરૂપ, સિફિલિસ રોગવાળા નષ્ટપ્રાય છે. લેવિ સ્ટ્રાઉસનું પ્રખ્યાત વિધાન છે : ‘ચાલો, જઈએ અને અદૃશ્ય થઈ જાય એ પહેલાં આદિમ જાતિઓનો અભ્યાસ કરીએ.’ પણ લેવિ સ્ટ્રાઉસનું આ સંવેદનવિશ્વ એમના કઠોર વૈજ્ઞાનિક મત સાથે સંલગ્ન છે. એ પોતાના વિષયને સમજવા માટે આકૃતિક વિશ્લેષણ(ફોર્મલ એનાલિસિસ)થી પ્રતિબદ્ધ છે. આ ઉચ્ચ કક્ષાના આકૃતિક વિશ્લેષણને લેવિ સ્ટ્રાઉસ સંરચનાત્મક નૃવંશશાસ્ત્ર કહે છે. સુઝાન સોન્ટાગ કહે છે, ‘સંરચનાત્મક નૃવંશશાસ્ત્ર એના અંગત અનુભવના બધાં ચિહ્નો ભૂંસી નાખે છે, અને એના વિષયના – આદિમ સમાજના – માનવીય લક્ષણોને ઓગાળી નાખે છે.’ હવે આપણે લેવિ સ્ટ્રાઉસને પ્રશ્નો પુછાયા હતા એમાંથી બેએક પ્રશ્નો પરથી ઊપસતી એમની વિચારધારા – પ્રતિભાવો ખૂબ ટૂંકમાં જોઈએ. પહેલો પ્રશ્ન છે : તમારા ઘણાં વાચકો માને છે કે તમે અમને પાછા પુરાકથાકીય વિચાર તરફ લઈ જવા યત્ન કરો છો. તમે કહો છો કે આપણે કંઈક મૂલ્યવાન ગુમાવ્યું છે; આપણે એ પાછું મેળવવા યત્ન કરવો જોઈએ. આનો અર્થ એવો થાય કે આપણે આધુનિક ચિંતન અને વિજ્ઞાન ફેંકી દેવાં જોઈએ, અને આપણે ફરી પુરાકથાકીય ચિંતન તરફ વળવું જોઈએ? લેવિ સ્ટ્રાઉસ પ્રત્યુત્તરમાં કહે છે કે એક એવું માસિક છે કે જે દર મહિને હું પહેલી લીટીથી છેલ્લી લીટી સુધી વાંચી જાઉં છું – જો કે હું બધું સમજતો નથી – અને એ છે ‘સાયન્ટિફિક અમેરિકન.’ હું આધુનિક વિજ્ઞાન અને એમાં થતી રહેતી પ્રગતિઓની જાણકારી મેળવવા માટે ખૂબ ઉત્સુક હોઉં છું. આ બતાવે છે કે વિજ્ઞાન તરફ મારો અભિગમ નકારાત્મક નથી. બીજું, હું માનું છું કે કેટલીક વસ્તુઓ આપણે જરૂર ગુમાવી છે, અને આપણે કદાચ એમને પાછી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ – જો કે મને ખાતરી નથી કે જે જાતની દુનિયામાં આપણે જીવીએ છીએ અને જે જાતની વૈજ્ઞાનિક વિચારણા આપણે અનુસરવાની હોય છે એમાં આપણે આ વસ્તુઓ જાણે કે ગુમાવી જ ન હોય એમ પાછી મેળવી શકીએ. પણ આપણે એમના અસ્તિત્વ અને મહત્ત્વ પ્રત્યે સજાગ થવાનો તો યત્ન કરી શકીએ. ત્રીજું, મને લાગે છે કે આધુનિક વિજ્ઞાન આ ગુમાવેલી ચીજોથી વિમુખ નથી થઈ રહ્યું, પણ વધારે ને વધારે એમને વૈજ્ઞાનિક સમજૂતીના ક્ષેત્રમાં સમાવવાનો યત્ન કરે છે. વિજ્ઞાન અને જેને પુરાકથાકીય વિચાર કહેવાય છે એ બન્ને વચ્ચે વાસ્તવિક અંતર ૧૭મી અને ૧૮મી સદીમાં પડ્યું. એ વખતે બેકન, દેકાર્ત, ન્યૂટન અને બીજા માટે જૂની પેઢીના પુરાકથાકીય અને રહસ્યવાદી ચિંતન સામે વિજ્ઞાનને ઊભું કરવાની જરૂર હતી. ત્યારે એ માન્યતા હતી કે વિજ્ઞાન પોતાની પૂંઠ ઇન્દ્રિયોની દુનિયાથી – આપણે જોઈએ છીએ, સૂંઘીએ છીએ, સ્વાદ લઈએ છીએ એ દુનિયાથી ફેરવી લે તો જ ટકી શકે. ઐન્દ્રિય દુનિયા એમને માટે ભ્રામક હતી જ્યારે ખરી દુનિયા તો ગાણિતિક ગુણોવાળી બુદ્ધિગ્રાહ્ય હતી. એમને માટે કદાચ આવી અભિગમ જરૂરી હતો કારણ કે આવા દ્વૈતને કારણે વૈજ્ઞાનિક વિચાર સ્થાપી શકાયો. હવે મારી છાપ એવી છે કે સમકાલીન વિજ્ઞાન વધુ ને વધુ દ્વૈત ઓળંગવાનો પ્રયત્ન કરી રહ્યું છે, અને વધુ ને વધુ ઇન્દ્રિયને લગતી સામગ્રીને – સેન્સ ડેટાને વૈજ્ઞાનિક સમજૂતીમાં સમાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે; આની પાછળ એ માન્યતા છે કે સેન્સ ડેટા અર્થ ધરાવે છે, અને એને સમજાવી શકાય છે. સંરચનાવાદ ઉપર પ્રશ્ન પુછાતા એક એમને રસપ્રદ વાત કરી કે ન્યૂરોફિઝિયોલોજીના હમણાંના સંશોધકો આપણને જણાવે છે કે રેટિનામાંના મજ્જાતંતુઓવાળા કોષો (નર્વસ સેલ્સ) અને રેટિના પાછળનું સાધન (એપરેટસ) વૈશિષ્ટ્ય ધરાવે છે. કેટલાક કોષો માત્ર ઊભી લીટીના સેન્સિટિવ – સંવેદનશીલ છે; કેટલાક આડી લીટીને તો કેટલાક ત્રાંસી લીટીને સેન્સિટિવ છે; કેટલાક કોષો પશ્ચાદ્ભૂ અને મધ્યમાં આવેલી આકૃતિઓ વચ્ચેના સંબંધથી સેન્સિટિવ છે. એમ લાગે છે કે અનુભવ વિરુદ્ધ મનના પ્રશ્નનો ઉકેલ નર્વસ સિસ્ટમની સંરચનામાં છે; મનની સંરચના કે અનુભવમાં નહીં. ક્યાંક મન અને અનુભવની વચ્ચે આપણી નર્વસ સિસ્ટમ જે રીતે રચાઈ છે અને જે રીતે એ મન અને અનુભવની વચ્ચે કાર્યરત છે ત્યાં આ ઉકેલ રહ્યો છે. આ પછી લેવિ સ્ટ્રાઉસનું સૂચક વિધાન આવે છે. કદાચ મારા મનની અંદર જ ઊંડું એવું કંઈક છે કે આજે મને સંરચનાવાદી કહેવામાં આવે છે તે હમેશાં પહેલેથી જ હતો. લેવિ સ્ટ્રાઉસને ફિનોમિનોલોજીનું તત્ત્વજ્ઞાન વાંધાજનક લાગ્યું છે અને સાર્ત્રના અસ્તિત્વવાદનો પણ જોરશોરથી વિરોધ કર્યો છે. આને ધ્યાનમાં લઈ અભ્યાસી લેખ મેળવવા હું યત્નશીલ રહીશ. લેવિ સ્ટ્રાઉસની ઊંડી સંવેદનશીલ નિષ્ઠા અને ઠોસ વૈજ્ઞાનિક અભિગમ આપણામાં નૃવંશશાસ્ત્ર પ્રત્યે તીવ્ર સત્યશોધકની લાગણી જગાડે છે એ એમનું આપણા ઉપર ઓછું ઋણ નથી.

[નવે. ૧૯૮૮