નીરખ ને/‘શેતાનનો વાસ છે તર્કની બેઠકમાં’: ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

સાચું પૂછો તો દોસ્તોએવ્સ્કી જે પ્રશ્નો એના ‘જર્નલ ઑવ એન ઑથર’માં હાથ ધરે છે એ એને માટે સૌથી વધુ રસ ધરાવતા પ્રશ્નો નથી. નિખાલસપણે રાજકીય પ્રશ્નો એના મતે સામાજિક પ્રશ્નો કરતાં ઓછા મહત્ત્વના છે, અને વળી સામાજિક પ્રશ્નો નૈતિક અને વ્યક્તિગત પ્રશ્નો કરતાં ક્યાંય ઓછી અગત્ય ધરાવે છે. આપણે એની પાસે જે વિરલમાં વિરલ અને ગૂઢમાં ગૂઢ સત્યોની આશા રાખી શકીએ તે માનસશાસ્ત્રીય છે... ટૂંકમાં દોસ્તોએવ્સ્કી ચોક્કસ રીતે કહેવું હોય તો ચિંતક નથી, પણ નવલકથાકાર છે. એના માનીતા સિદ્ધાંતો-ઉપપત્તિઓ અને જે કંઈ નવું અને સૂક્ષ્મ એમાં હોય તે પાત્રોની વાણીમાં શોધવું જોઈએ, અને તે પણ હમેશાં મહત્ત્વનાં જ પાત્રોની વાણીમાં નહીં; ઘણીવાર એવું બન્યું છે કે એના ખૂબ મૂલ્યવાન અને સાહસિક વિચારો ગૌણ પાત્રોના મુખેથી વ્યક્ત થયા છે... એના વિચારો લગભગ ક્યારેય નિરપેક્ષ હોતા નથી; એ વિચારો હંમેશાં પાત્રોની વાણીમાં વ્યક્ત થતા પાત્રો-આધારિત સાપેક્ષ હોય છે. હું આ મુદ્દો વધુ આગળ લઈ જાઉં અને પ્રતિપાદિત કરું કે એ વિચારો માત્ર પાત્રો-આધારિત સાપેક્ષ નહીં, પણ એ પાત્રોના જીવનમાં આવતી ચોક્કસ પળ-આધારિત સાપેક્ષ હોય છે. વિચારો જાણે કે એનાં પાત્રોની વિશિષ્ટ રીતે પસાર થઈ જતી અવસ્થાની ઊપજ છે. એ સાપેક્ષ અને કોઈક હકીકત કે ક્રિયાથી દોરવાયેલા અને પ્રભાવિત થયેલા હોય છે. દોસ્તોએવ્સ્કી જેવો સિદ્ધાંતો રચવા જાય છે કે આપણને નિરાશ કરે છે. દોસ્તોએવ્સ્કીની પ્રતિભા મુખ્યત્વે નવલકથાકારની છે. કારણ કે સૈદ્ધાંતિક કે સમીક્ષાત્મક લેખોમાં મિડિયોક્રિટીથી ઉપર એ ક્યારેય જતો નથી, પણ જેવું પાત્ર દૃશ્ય ઉપર દેખા દે કે દોસ્તોએવ્સ્કી શ્રેષ્ઠ બની જાય... નિત્શે લખે છે : ‘દોસ્તોએવ્સ્કી એક જ એવો મનોવિજ્ઞાની છે કે જેની પાસેથી મારે કંઈ શીખવાનું હોય; મારા જીવનનો એ એક સૌથી વધુ સુખદ અકસ્માત-વિન્ડફોલ છે – સ્તેન્દલની શોધ કરતા પણ વધુ.’

આન્દ્રે જિદ


શેતાનનો વાસ છે તર્કની બેઠકમાં’ : ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’

‘સુંદર લાગણીઓ નિકૃષ્ટ સાહિત્યની સામગ્રી છે; દરેક કલાકૃતિનો સંગી શેતાન છે.’ આન્દ્રે જિદનું આ વિરોધાભાસી લાગતું વિધાન જરા વિચાર કરતા એના તથ્યની પ્રતીતિ કરાવે છે. જિદ પછી પોતાના વિધાનના સમર્થનમાં અસીસીના ફ્રાંસિસ અને ફ્રા એન્જેલિકો તરફ આપણું ધ્યાન દોરે છે : ‘કળાના આખા ઇતિહાસમાં ફ્રા એન્જેલિકો જેવી ઝળહળતી શુદ્ધ વ્યક્તિ નથી. પણ એની આ પવિત્રતા છતાં એની કલાએ શૈતાનિક સહકારને પરવાનો આપ્યો છે. એવી કોઈ ક્લાકૃતિ નથી જેમાં અસુર કો-સિગ્નેટરી (સંયુક્ત સહી કરનાર) ન હોય. સાચો સંત ફ્રા એન્જલિકો નથી, પણ અસીસીનો ફ્રાન્સિસ છે. સંતોમાં કલાકારો હોતા નથી અને કલાકારોમાં સંતો હોતા નથી.’ જિદના કહેવા પ્રમાણે કોઈ પણ કલાકાર કરતા દોસ્તોએવ્સ્કીએ પોતાની કૃતિઓમાં શૈતાનિક વૃત્તિને ખૂબ મોટું સ્થાન આપ્યું છે સિવાય કે બ્લેક. બ્લેક એનું પુસ્તક ‘ધ મેરેજ ઑવ હેવન ઍન્ડ હેલ’ નીચેના શબ્દો વડે સમાપ્ત કરે છે :‘ This Angel who is now become a Devil is my particular friend. We often read the Bible together in its infernal or diabolical sense, which the world shall have if they behave well.’ શ્રી દર્શકના વિવેચનસંગ્રહ ‘મંદારમાલા’માં એક લેખ છે, “ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’નું તાત્પર્ય” આમાંનાં કેટલાંક વિધાનો ખૂબ આશ્ચર્ય ઉપજાવે છે. જેમકે લેખની શરૂઆત કરતા વિવેચક લખે છે કે ‘જીવમાત્ર કોઈક પ્રયોજનથી પ્રેરાઈને કાર્ય કરે છે એટલે દોસ્તોએવ્સ્કી જેવો સમર્થ સર્જક કોઈ હેતુ વિના સર્જે તે શક્ય નથી. પછી ત્યાંથી કૂદકો મારીને વિવેચક સીધા ભાવકના હેતુ ઉપર આવી જાય છે અને ભાવકે કયા હેતુથી ઉપરોક્ત નવલકથા વાંચવી એવી એને સલાહ આપવામાં આવે છે. ભાઈ, ભૂલ ન કરીશ તું, કોઈ ગુનાહિત માનસના પૃથક્કરણ માટે ન વાંચીશ. એને માટે બીજાં ઘણાં સારાં પુસ્તકો છે. પછી મહેરબાની દાખલ વિવેચક કહે છે કે ‘માનસશાસ્ત્રના આ વિભાગ માટેની કેટલીયે કડીઓ દોસ્તોએવ્સ્કીએ અવશ્ય પૂરી પાડી છે,’ પણ પાછું વાચકને ચેતવે છે કે જો ભૂલ કરતો નહીં, તે આનુષંગિક ફળ છે.” યાદ રાખ – ‘નાયકનું રેઝરેક્શન – આસુરી વિચારના પંજામાંથી છૂટી નવો અવતાર આવ્યાની વાત જ દોસ્તોએવ્સ્કીને કહેવી છે.’ બિચારો વાચક દર્શકની સલાહ માનીને નવલકથા વાંચવા જાય તો દર્શકની જેમ એને નવલકથાના શરૂઆતના સવાસો-દોઢસો પાનાં મંદગતિએ ચાલતી કોઈ માનસશાસ્ત્રીય નવલકથા લાગવા માંડે તે છેક એ હાશ કરે રાસ્કોલોનિકોવ અને સોનિયાની ત્રણ મુલાકાતોમાં જ્યાં ફ્રુસિફેકેશન અને રેઝરેક્શનની વાતો દર્શકના મતે કરાઈ છે, અને એટલા માટે જ એમને એ મુલાકાતોનું મહત્ત્વ છે. કદાચ વચમાંનાં પાનાંઓ લેખકના હેતુને પહોંચવા માટે ગબડાવી પણ જાય. અને કદાચ આ કારણે જ વિવેચક નાયક અને નાયિકાની ત્રણ મુલાકાતો વિગતે અનુવાદ કરી પોતાના નાના લેખમાં આપી છે. એટલે કદાચ તમે નવલકથા ન વાંચો તો પણ ચાલે. ભાઈ, વાચક નવલકથા શા માટે હાથમાં ઉપાડે છે? એને શું જોઈએ છે? એને તો નવલકથામાંથી સર્જકે ઊભા કરેલા ધબકતા વિશ્વનો રસકીય આનંદ મેળવવો છે, પછી સર્જકનો હેતુ લખવા પાછળ ગમે તે કેમ ન હોય. શ્રી દર્શકે નવલકથામાંનું આખું સંકુલ કંપાયમાન વિશ્વ વેતરી પોતાના પ્રિય જગત ‘ઝેર પીધાં છે જાણી જાણી’ના ચોકઠામાં બેસાડવાનો યત્ન કર્યો છે. બરાબર છે એ ફ્રુસિફિકેશન અને રેઝરેક્શનની કથા છે. પણ એ ઉપરાંત એ બીજું ઘણું બધું છે. સ્ટિફન ઝ્વાઈગે સચોટ રીતે કહ્યું છે કે દોસ્તોએવ્સ્કીની પેશન ચીજોની સપાટીની ખૂબ નીચે રહેલાં સત્યોની ખોજ કરવાની હતી – એટલા ઊંડાં કે અસ્તિત્વના મર્મની લગોલગ આવી જાય.’ રાસ્કોલોનિકોવ ઉપર જે અસુર સવાર થયેલો દેખાય છે એ શ્રી દર્શકને લાગે છે એટલો આગંતુક નથી. એના બુદ્ધિના પ્રદેશમાં એ પલાંઠી વાળીને બેઠો છે. જિદે વિધાન કર્યું છે કે ‘Dostoevsky assigrs the Devil’s habitation, not to the baser elements in man, but to the very noblest - the realm of intellect, the seat of reanson. The most cunning snares laid for us by the Evil one are in Dostoevsky’s reckoning intellectual temptations and problems.’ રાસ્કોલોનિકોવ પહેલી વાર હત્યા કર્યાનો એકરાર કરે છે ત્યારે સોનિયાને ખૂન કરવાના જાતજાતનાં કારણો આપતો રહે છે – જાણે કે એ રીતે એ સ્વયં પોતા માટે પણ સ્પષ્ટ થવા મથે છે. ત્યારે એની અવસ્થા કેવી છે? – ‘His eyes shone with feverish brilliance. He was almost delirious; an uneasy smile strayed on his lips. His terrible exhaustion could be seen through his excitement. Sonia saw how he was suffering. She too was growing dizzy.’ રાસ્કોલોનિકોવ બોલવા લાગે છે : ‘નેપોલિયન જો મારી જગ્યાએ હોત, અને એને એની કારકિર્દી માટે પૈસા જોઈતા હોત, અને એ પૈસા મેળવવા માટે કોઈ મૂર્ખ વ્યાજખાઉ બુઢ્ઢી સ્ત્રીનું ખૂન કરવું પડ્યું હોત તો એણે કર્યું હોત? એને એ પ્રચંડ – મોન્યુમેન્ટલ – કાર્ય ન હોવાને લીધે કળતર ન થયું હોત? એને પાપમય ન લાગ્યું હોત? ખૂબ વિચાર કર્યો અને પછી શરમપૂર્વક મારી સમક્ષ પ્રગટી ગયું કે એ કાર્ય ભવ્ય નથી એવો એને ખ્યાલ જ ન આવ્યો હોત – એની એને કળતર જ ન હોત. એ વિચાર કરવા થોભ્યો જ ન હોત. જો બીજો કોઈ માર્ગ ન હોત તો એણે એક મિનિટમાં એને ગળે ટૂંપો દઈ દીધો હોત. મેં પણ વિચાર કરવાનું છોડી દીધું – એના દૃષ્ટાંતને અનુસરી હત્યા કરી’ ....‘મારી મા પાસે કંઈ નહોતું અને મારી બેનને સારુ ભણતર હોવા છતાં કોઈને ઘેર ગવર્નેસ તરીકે વેઠ કરવી પડતી હતી. પૈસાના અભાવે થોડા વખત માટે મારે યુનિવર્સિટી છોડી દેવી પડી હતી. એટલે મેં એ વ્યાજખાઉં બુઢ્ઢીનું ખૂન કરી એના પૈસા મેળવી કારકિર્દી શરૂ કરવાનું નક્કી કર્યું...’ ‘પણ આ વાત સાચી નથી. રાઝુમુહિનની જેમ હું પણ લેસનો આપી પૈસા મેળવી શક્યો હોત. પણ મેં એ ન કર્યું, હું રિસાઈને બેસી રહ્યો. કરોળિયાની જેમ મારી ખોલકીમાં બેસી રહ્યો. એ નીચી છતવાળી ખોલકી કોઈના પણ આત્મા અને મનને ગૂંગળાવે. એ ખોલકીને હું ધિક્કારતો. છતાં, દિવસો સુધી એમાંથી બ્હાર ન નીકળતો’ ...‘ના, પણ એ કારણ નહોતું, ફરી તને ખોટું કહું છું. મેં જોયું કે સત્તા એને જ મળે છે જેનામાં એને આંચકી લેવાની હિમ્મત હોય છે. માત્ર સાહસ કરવું. મારે સાહસ કરવું હતું’ ...મેં એ બધા દિવસો એ જ ચિંતા કર્યા કરી કે નેપોલિયને ખૂન કર્યું હોત કે નહીં. એ જ બતાવે છે કે હું નેપોલિયન નહોતો. આ બધી તીવ્ર પીડા અને વિચારના જુદ્ધે મને થકવી નાખ્યો હતો, અને મારે એ બોજો ફેંકી દેવો હતો. ભારે કોઈ કારણ વગર ખૂન કરવું હતું. ફક્ત મારે માટે, મેં મારી મા માટે કે પૈસા માટે કે સંપત્તિ કે સત્તા મેળવી માનવજાતને મદદ કરવા માટે ખૂન નહોતું કર્યું. મારે તત્કાળ શોધી કાઢવું હતું કે હું બધાની જેમ જંતુ છું કે માણસ છું.” દોસ્તોએવ્સ્કી આ પળે ખૂબ અછડતી રીતે, જલ્દી ધ્યાન પણ ન દોરવાય એવા સાદા વાક્ય વડે ખૂનના મુખ્ય કારણના રહસ્ય લગી જાય છે : ‘સોનિયાને લાગ્યું કે એનો ગ્લાનિમય સિદ્ધાંત એની શ્રદ્ધા અને આચારસંહિતા બની ગયો હતો.’ બીજી જગ્યાએ જાંચતપાસ વિભાગના વિચક્ષણ વડા પોરફ્રાય સાથે વાત કરતા રાસ્કોલોનિકોવ કહે છે કે ‘માનવજાતના આગેવાનો, કાયદા ઘડનારાઓ, નેપોલિયન કે મહમ્મદ જેવા કોઈ પણ અપવાદ સિવાય ગુનેગારો જ હોય છે. જૂના કાયદાઓની જગ્યાએ નવા કાયદાઓ લાવવા માટે જરૂર પડે તો લોહી રેડવાની – નિર્દોષોનું પણ – એમની તૈયારી હોય છે. મોટા ભાગના માનવજાતના હિતેચ્છુ – આગેવાનો ભયાનક સંહારના અપરાધી હોય છે... કોઈક અસાધારણ વ્યક્તિને જો પોતાના વિચાર ખાતર કોઈ મૃતદેહને વટી જવું પડે, લોહીમાંથી પસાર થવું પડે તો હું ભારપૂર્વક કહું છું કે એને એના અંતરાત્માનું અનુમોદન મળી રહે – અલબત્ત એનો આધાર એના વિચાર ઉપર અને એનાં પરિમાણો ઉપર રહે.’ દોસ્તોએવ્સ્કી ફરી ખૂબ મોટી વાત રાસ્કોલોનિકોવના મિત્ર રાઝુમુહિનના મુખમાં મૂકે છે : ‘લોહી રેડવાને અંતરાત્માનું અનુમોદન મળે એ મારા મતે એને મળતા અધિકૃત કાનૂની અનુમોદન કરતા ઘણું વધારે ભયાનક છે.’ દોસ્તોએવ્સ્કીને ઈશ્વરના અસ્તિત્વનો પ્રશ્ન હમેશાં સતાવતો રહ્યો છે. જો ભગવાન છે તો બધી એની ઇચ્છા છે. એ ઇચ્છામાંથી છટકી ન શકાય. પણ ભગવાન જો મિથ હોય તો ગમે તે કરો, બધું કાયદેસર છે. જિદ લખે છે કે દોસ્તોએવ્સ્કીનું કોઈ પણ પાત્ર જ્યારે આ પ્રશ્ન પૂછવા લાગે છે ત્યારે એની પડતી નિશ્ચિત હોય છે. ઝ્વાઈગે દોસ્તોએવ્સ્કીની ફ્રેન્ચ વાસ્તવવાદીઓ સાથે વેધક સરખામણી કરી છે, ‘ફ્લોબેર વાતાવરણ ઊભું કરવા માટે, સ્થાનિક રંગ લાવવા માટે પુસ્તકો ઉથલાવે છે. પ્રકૃતિવાદી ઝોલા નવલકથાની શરૂઆત કરતા પહેલા હાથમાં નોટબુક લઈ, નિરીક્ષણો ટપકાવતો, બારણે કાન દઈ સાંભળતો, કારખાનાંઓમાં – વર્કશોપોમાં નમૂનાઓ અને સામગ્રી ભેગી કરવા ઘૂમતો હતો. જે વાસ્તવ ચિતરાતું એ શુષ્ક, સ્પષ્ટ અને અપેક્ષિત રહેતું. આ લેખકો સ્થૂળ આંખે ચીજો જોતા હોય છે; તસવીરકારની સહેતુક અને ગણતરીપૂર્વકની નિગાહ એમની હોય છે. જીવનનાં વિવેકભર્યાં તત્ત્વોને એકઠા કરે છે, ક્રમવાર ગોઠવે છે, એમનું મિશ્રણ કરે છે, એનો અર્ક કાઢે છે – એ લોકો કલાના ઠાવકા વિજ્ઞાનીઓ છે. ઝોલા અને ફ્લોબેર માટે કલા વિજ્ઞાન છે જ્યારે દોસ્તોએવ્સ્કીના હાથમાં એ બ્લેક આર્ટ બની જાય છે. આ ફ્રેન્ચ લેખકો પંડિત છે તો આ રશિયન જાદુગર છે. એનો વ્યવસાય પ્રયોગશીલ કેમિસ્ટનો નહીં, આલ્કેમિસ્ટનો છે. એ જાંચતપાસ કરનારો નથી, એ સ્વપ્નદૃષ્ટા છે... he gazes hallucinated into the immensity of life, his condition bordering upon the anguish of a nightmare... His cursory observations are far more complete than the systematic studies of those others. His seer’s insight guides him to diagnosis... his art is woven on a magic loom... The master gift of imaginative insight excel all other realists in the truthfulness of his reality...a fleeting glance and he has mustered every detail of the picture.’ આ લેખના શરૂઆતના ફકરામાં જિદનું વાક્ય મૂક્યું છે : ‘સંતોમાં કલાકારો હોતા નથી, અને કલાકારોમાં સંતો હોતા નથી.’ આ વાત શું એટલી સાચી છે? નરસિંહ મહેતા, મીરાં, અખો અને શંકરાચાર્યનાં અદ્ભુત સ્તોત્રો કેમ ભૂલાય? સમર્થ સર્જક નવલકથાના પરંપરિત સ્વરૂપનો પણ કેવો ક્યાસ કાઢી શકે છે એનો દોસ્તોએવ્સ્કી દ્યોતક છે.

[ફેબ્રુ. ૧૯૮૮