પન્ના નાયકની કવિતા/?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૮. ?

દિવાળીની રજાઓ માણવા હું દેશ ગઈ હતી.
મારાં માને, મારા બાપુને, મારાં કુટુંબીઓને,
સ્વજનોને, પરમ મિત્રોને–સૌને મળી. અરે,
મારા બાળપણના ઘરને અને હજીય ફૂલડાં
વેરતાં મારાં વૃક્ષોને મળી. અવર્ણનીય મઝા
આવી ગઈ! હૈયું તરબતર થઈ ગયું.
અને આ બધાંમાં મારી પરદેશી નોકરી
સાવ ભુલાઈ ગઈ.

થોડા સમય પછી હું નોકરીએ પાછી આવી છું.
કમાલ એવી છે કે અહીં કોઈ મને
ઓળખતું જ નથી!

મારી boss એની એ જ. એનું મન
પુરુષનું છે ને તન સ્ત્રીનું. અતિશય મહત્ત્વાકાંક્ષી,
સૌની જેમ મનેય એ મહોરાવાળું સ્મિત
ક્યારેક આપે છે. એને ને મને ઠીક ઠીક
બને છે.

અમારા બન્નેના ઉપરી પણ હજી એ જ છે.
એક હાથે મૂછને વળ દેતા અને બીજે
હાથે પાટલૂનના ખીસાનું પરચૂરણ ખખડાવતા
આખા મકાનમાં આંટા મારી સૌને સૌની
‘duty’નો અર્થ સમજાવે છે.

મારી સાથે કામ કરતાં મીડોરી વિલ્મા, નેન્સી,
ઇલિઝાબેથ, કેની, જ્હોન, બિલ–સૌ સૌના ડેસ્ક
પર છે.

મને કોઈ ઓળખતું નથી. તદ્દન નવી,
અપરિચિત વ્યક્તિ લાગું છું. ક્યારેક કોઈક
મને સ્મિત આપે છે ત્યારે ઘડીભર... ના, ના,
એ તો સહજ formality.
હું પૈડાંવાળી ખુરશી ઘસડી મારા ડેસ્ક પાસે બેસું છું.
ડેસ્ક પરનાં મારી સામે મીટ માંડતાં પુસ્તકો, બારે માસ
તાજગી આપતો મની-પ્લાન્ટ, ડેસ્કના ડાબા ખાનામાં
સચવાયેલા પત્રો, જમણી બાજુનું ટાઇપરાઇટર અને ડેસ્ક
પર લટકતું (ગઈ એ દિવસની તારીખ બતાવતું) કૅલેન્ડર–
સૌ મને પરિચિત આવકાર આપે છે અને બોલી ઊઠે છેઃ
‘Oh, we missed you very much.’