પન્ના નાયકની કવિતા/બાપાજી
Jump to navigation
Jump to search
૫૩. બાપાજી
સવારે ને સાંજે નિત દિન અમે પાય પડતા,
‘સુખી થાજો બેટા,’ દીકરી વહુ ને પુત્ર સહુને
કહી ધબ્બો મારો, પીઠ પર મીઠો, વ્હાલ કરીને.
તમારે મુખેથી નથી જ નીકળ્યો શબ્દ અવળો,
અને બોલ્યા જ્યારે કટુ વચન કો સત્ય સમજી
તમે, તો બેસીને નજીક સમજાવી વિગતથી.
હજી આંખો સામે સતત તરતો સૌમ્ય, ગરવો
તમારો ચહેરો, ને ધવલ ગલ શો શુભ્ર ડગલો,
શિરે ગાંધી ટોપી, મરક મુખ તૈયાર થઈને
સવારે ચા પીતા, હળુ હળુ પગે ઠેક દઈને
હલાવી હીંડોળો, જગ સકળની ગોષ્ઠી કરતા
તમે બા સાથે તે હજી પણ સ્મરું સ્પષ્ટ, થતું કે
હું યે એવી રીતે પરમ વર સાથે જીવનમાં
કરું વાતો ક્યારે તન, મન, ઉરે એક થઈને?