પરકમ્મા/લુંટારો લજવાયો
ચાર ગાડાં જોડાવી મારા પિતા લધુબા ચાલ્યા જાય ત્યાં રસ્તે છુપાઈ રહેલા વાઘેરો ઊભા થયા. પહેલા ગાડાને જવા દીધું, પછી બીજા ગાડાના બળદની નાથ પકડી લૂંટવા માટે, એટલે તુરત મારા બાપે પાછલે ગાડેથી ઊતરી દોડતા આવી હાક દીધી : ‘કેર આય? અચો પાંજે ગડે.’ (કોણ છે? આવો મારે ગાડે.) જવાબમાં લૂંટારો બોલ્યો નહિ. મોંએ તો મોસરીયું વાળેલું, પણ ફક્ત આંખો તગતગે. મારા બાપે કહ્યું : ‘હાં, તોજી અખતાં મું સુઝાણ્યો આય કે તું વરજાંગ અયે.’ (તારી આંખો પરથી જ મને સૂઝી આવે છે કે તું બીજો કોઈ નહિ, વરજાંગ છે.) લુંટારો જવાબમાં શરમાઈને બોલી ઊઠ્યો : ‘મુઠો ડન્ને લધુભા! ચાર ગાઉ દોડી દોડીને અસીં મરી વિંયાસીં! હણે તો અસાંથી લૂંટાય ન.’ (પકડી પાડ્યો મને લધુભા! બહુ કરી! ચાર ગાઉ દોડી દોડીને અમે તો મરી ગયા, પણ હવે તો અમારાથી લૂંટાય નહિ ને!)
લધુભા કહેહે : ‘ઈનજી પાસે તો બસો ચારસો કોરીયેંજો માલ હુંદો, પણ મું આગર બ હજાર કોરીઉં આય. આંકે ખપે તો ગીની વીંજ.’ (એ ગાડાવાળાઓની પાસે તો બસો ચારસો કોરીઓનો માલ હશે. પણ મારી આગળ બે હજાર છે. આવને લેવા.) લુંટારો વરજાંગ : હણેં તો લધુભા, સરમાઈ ધિંયાસી. તોજે મે’તે કે લૂંટણા વા, ચોપડમેં અસાંજે ખાતેંમેં ખૂબ કલમેજા ઘોદા માયું અય. (હવે તો લધુભા, અમે શરમાઈ ગયા. અમારે તો તારા આ મહેતાને લૂંટવા હતા. ચોપડામાં અમારા ખાતામાં ખૂબ કલમના ઘોદા લગાવી લગાવી વ્યાજ ચડાવ્યાં છે.) લધુભા : હણે કુરો? (હવે તમારે શું કરવું છે?) લુંટારો : હણે હલો. આંકે રણજી હુન કંધી છડી વંજુ. નક આંકે બીઆ કોક બીઆ કોક અચીને સંતાપીતા. (હવે હાલો, રણને ઓલે (સામે) કાંઠે તમને મૂકી જાઉ, નીકર તમને કોક બીજા આવીને સંતાપશે) પણ લધુભા! ભૂખ લાગી આય. લધુભા : તો ડીયું. જોધે માણેકજો પરતાપ આય. (તો ખાવાનું દઉં. જોધા માણેકનો પ્રતાપ છે.) પાંચ છ વર્ષનો બાળક રતનશી ગાડામાં બેઠો બેઠો આ ઘટનાનો સાક્ષી હતો. એના અહેવાલમાં લુંટારાની જે શરમીંદાઈ ઝલકે છે તે મને રવિશંકર મહારાજના ખેડા જીલ્લાના પ્રસંગનું સ્મરણ કરાવે છે.*[૧] લુહાણાના ઘીના ડબા ચોરનાર પાટણવાડીઓ ગોકળ પોતે જ એકરાર કરીને કહે છે કે ‘શું કરવું મહારાજ! બધું કબૂલ કરું છું કારણ કે તમે આટલે સુધી જશો (અપવાસ કરશો) એવું નહોતું ધાર્યું.’ પાટણવાડીઓ ઘીના ડબા કાઢી આપે છે, ને અહીં સોરઠી લુંટારો શરમાઈ જઈ ઉલટાનો સૌ ભાટીઆઓને રણને સામે પહોંચાડવા જાય છે.