પરકમ્મા/શાળવીનું કામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શાળવીનું કામ

સરનામું છે માત્ર- ‘ઠાકુરમાર ઝૂલી : શ્રી, આશુતોષ ઘર, આશુતોષ લાયબ્રેરી ૭૩૯/૧ કોલેજ સ્ટ્રીટ કલકત્તા.’ એ સરનામું સૂચવે છે કે છેક ૧૯૨૬ ની સાલથી આપણા લોકસાહિત્યનો પરપ્રાંતના લોકસાહિત્યની સાથે તુલનાલક્ષી અભ્યાસ ચાલતો હતો. પરપ્રાંતના જ નહિ, પરદેશોના પણ લોકસાહિત્યનું પરિશીલન ચાલતું હતું તે વળી આ ટચૂકડું ટાંચણ બતાવે છે. સરખાવો Fair annie 61–117 ‘સાયબાના લગ્ન’ તે પછી પાછું ટૂંકું ટાંચણ— શાકુંતલ : અંક ૫ અગર ૬ : ભરતને જોઈને દુષ્યંત– धन्यास्तदं गरजसा मलिनीभवन्ति સરખાવો - ધોયો ધફોયો મારો સાડલો ખોળાનો ખુંદનાર દ્યોને રન્નાદે! કાલિદાસના શાકુંતલમાંની એક વાત્સલ્યોક્તિની સાથે આપણા અઘરણી – ગીતની એક ઉકિત જોડે આ સરખામણી કોણે સુઝાડી? એ સ્મરણ સ્પષ્ટ છે. ભાઈ છેલશંકર વ્યાસે. મુંબઈના આજના સફળ વકીલ, તે પૂર્વેના અખબારનવેશ, સોવિએટપૂજક સામ્યવાદી અને તેની પૂર્વે ’ર૫-’૨૬ વાળા સૌરાષ્ટ્ર સાપ્તાહિક પરના બંધુ-સહતંત્રી શ્રી છેલશંકર પ્રથમ વાર મારા ભાવનગરની શામળદાસ કોલેજમાંના સમારંભમાં ‘લીપ્યું ને ગુપ્યું મારું આંગણું’ એ લોકગીત સાંભળીને આવ્યા અને શાંકુતલનો શ્લોક મારી પાસે ધરી દીધો, પ્રસંગ કંઈ દેખાય છે તેવો નાનો નહોતો. એક કાળના એ સમભાવી સમસંવેદનશીલ સ્નેહીએ આ નાના શા પ્રસંગને મારા મનમાં લોકસાહિત્ય તથા લોકોત્તર સાહિત્યની વચ્ચે સુવર્ણની કડી જોડી આપી. રેડિયમની કણિકા જેવી આવી કોઈ કોઈ સુચન–કણીઓ અણુઓલવાઈ ઝગ્યા કરે છે, પ્રકાશ આપ્યા જ કરે છે, ભમતા માણસને ચોકસ એક સૌંદર્યપંથ પર ચડાવી આપે છે. નાનું શું તાપણું છો ને ગાઉ બે ગાઉ છેટે ઝગતું હોય છતાં કાળામાં કાળી રાતના પથિકને ય સાચી દિશામાં રાખે છે. દિશા ખોવાઈ જાત જો લોકસાહિત્યના એકાદ કોઈ પ્રદેશને નિરાળો રાખીને ભમ્યા કર્યું હોત તો. એક શાખાને પહેલાં પતાવી દઈએ પછી જ બીજીને પકડશું, એવું વલણ સાહિત્યના સેવનમાં સલામત નથી. સાહિત્યની શાખાપ્રશાખાઓ એ તો માળાની સેર્યો છે, ચોટલાની લટો છે, પટકુળના વાણા ને તાણા છે. એ તો છે શાળવીના જેવું, કબીરિયાના જેવું કામ. માનસ-પટનો વણાટ એ સર્વ ધાગાઓની સામટી ચાલ ઉપર જ અવલંબે છે એટલે જ મારાં ટાંચણ-પાનાંમાં ઘડીક બહારવટિયાનો કિસ્સો, ઘડીક ભજન, ઘડી વળી ચારણ પાલરવના ‘શામળાના દુહા’, તો પાછી ઘડીક વ્રતકથાઓ ડોકાય છે.