આત્માની માતૃભાષા/55

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સીમ, ઘર માતૃત્વ

રમેશ ર. દવે

હજીય લીલીછમ સીમ બાકી,
કેમે ન ખૂટે, ભરપેટ ખાધી.
અલોપ થાશે હમણાં નિશામાં,
ચાલ્યાં ધણો સૌ ઘરની દિશામાં.

બપોરવેળા વડલા તળે ત્યાં
વાગોળતાં, ઝોકું ય ખાઈ લેતાં,
અસીમ શી શાંતિ હસી રહી હતી,
નસે નસે સીમ ધસી રહી હતી.

ઘરે ગમાણે બમણે બગાઈઓ,
ને ભૂખની ઊઘડતી જ ખાઈઓ,
અંધારું આંખો મહીં મેંશ ઘૂંટે.—
બંધાઈ, જૈને ઘડી માંહીં ખૂંટે.

જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછડે,
સારી ય તે સીમનું હીર ત્યાં દડે.
દિલ્હી, ૧૯૭૯


રૂપમેળ કુળ અને ઉપજાતિ ગોત્રના ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, ઇન્દ્રવંશા અને વંશસ્થ — આ ચાર છંદોની, સૉનેટબદ્ધ ચૌદ પંક્તિના અતિલઘુ ચિત્રફલકમાં કવિ ઉમાશંકરે, કાવ્યશીર્ષકમાં ટાંકેલાં સીમ અને ઘર વિશેનાં ચાર દૃશ્યો અહીં રચ્યાં છે. એમાંનાં પ્રથમ બે દૃશ્યો છે — પંચમહાભૂત તત્ત્વોનાં નર્તનનાં સાર-સરવૈયારૂપ ‘સીમ’ વિશે તો ત્રીજું દૃશ્ય છે, પ્રકૃતિથી સંસ્કૃતિ પરત્વેના માનવસભ્યતાના વિકાસના એક મહત્ત્વના પડાવ એવા ‘ઘર’ વિશે. ત્રણ ચતુષ્કરૂપ રચાયેલાં આ ત્રણેય દૃશ્યો વિશે જરા મોકળા મને વાત કરું? આરંભનું આ પ્રથમ દૃશ્ય જુઓ:

હજી ય લીલીછમ સીમ બાકી,
કેમે ન ખૂટે, ભરપેટ ખાધી.
અલોપ થાશે હમણાં નિશામાં,
ચાલ્યાં ધણો સૌ ઘરની દિશામાં.

અહીં વૈપુલ્યનું, અસીમતાનું નમણું નિરૂપણ છે. એકાદા ગોધણે નહીં, ઘણાંબધાં ગોધણોએ ભરપેટ ખાધા પછી ય કેમે ય કરી ખૂટે નહીં એવી અપાર સીમ કદી નિ:શેષ થતી નથી — એ વાત અત્યંત સાદગી અને સહજતાથી કહ્યા પછી આવી સીમ ઢળતી સાંજ અને ઘેરાતી રાતમાં, આવા વિપુલ વૈભવ સમેત અલોપ થશે — એ ખ્યાલથી પેલાં, સીમથી ભરપેટ ધરાયેલાં ગોધણ ઘરની દિશાએ વળે છે. કવિ વાત કરવા તો બેઠા છે પણ જાણે એમને કશીય અધીરાઈ-ઉતાવળ નથી. સીમ, નિશામાં અરુંપરું થઈ અલોપ થાય એ પૂર્વે ચાલી નીકળેલાં ગોધણ વિશે એમણે સૉનેટનું બીજું ચતુષ્ક આમ ફાળવ્યું છે:

બપોરવેળા વડલા તળે ત્યાં
વાગોળતાં, ઝોકું ય ખાઈ લેતાં,
અસીમ શી શાંતિ હસી રહી હતી,
નસે નસે સીમ ધસી રહી હતી.

કેવાં છે આ ગોધણ? બપોર થતાં થતાંમાં, કેમે ય ન ખૂટતી આ સીમને ભરપેટ ચરીને, વડલા તળે એને વાગોળતાં અને વાગોળતાં-વાગોળતાં જરાક ઝોકે ચડી જતાં આ ગોધણોની મઝા તો જુઓ પાછી, એમની આસપાસ અને ઉપર છવાયેલી અસીમ શાંતિ હસી રહી છે — પૂછો કેમ? તો કહે: આ ગોધણની નસેનસે પેલી સીમ સંચરે છે! અત્યંત મનોરમ આ બે દૃશ્યો પછી, એમાં નિરૂપિત પેલી સીમ સામે વિરોધાય છે — આપણે સૌ સંસ્કૃત લોકો જેને ધરતીનો છેડો માની બેઠા છીએ તે આપણું રઢિયાળું ઘર!

ઘરે ગમાણે બમણે બગાઈઓ,
ને ભૂખની ઊઘડતી જ ખાઈઓ,
અંધારું આંખો મહીં મેંશ ઘૂંટે.
બંધાઈ, જૈને ઘડી માંહી ખૂંટે.

ઘર વિશે કશી ઇતરાજી નથી, વહાલું છે એ મને ય. પણ ક્યાં પેલી લીલીછમ, ખાધી ન ખૂટતી ને ગોધણની નસેનસે વહેતી સીમ ને ઉપરિયામણમાં વડલાનો છાંયો ને અસીમ મરકતી પેલી શાંત વેળા ને ક્યાં આ, ગમાણે બણબણતી બગાઈઓ, ભૂખની ઊઘડતી ખાઈઓ અને અંધારે આંખો મહીં કાળી મેંશ ઘૂંટતું ઘર! પણ આ એ જ ઘર છે જ્યાં આપણે તો બંધાયાં-ખોડાયાં ને વળી, આપણાં પાલિત પશુઓને પણ ગમાણે નાખ્યાં ને ભોંય-ખીલે સાંકળ થકી બાંધ્યાં! પણ સીમ અને ઘરના આ ઘોર વ્યત્યય-વિપર્યયને કવિએ પાંપણ પલકાવતાંમાં આમ નિ:શેષ કરી દીધો છે — 

જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછડે,
સારી ય તે સીમનું હીર ત્યાં દડે.

આમ તો આ પંક્તિયુગ્મ પોતે જ એવું પ્રગટ છે કે તે મિશે કશું ય કહેવું ન ઘટે પણ હું ય કહેવા બેઠો છું ને તે કહીશ આટલું: મજા તો અહીં બીજી પંક્તિમાં છે પણ એ મઝા નીપજી આવી છે પ્રથમ પંક્તિ થકી. ત્રણ જ શબ્દો તારવું છું એમાંથી: આંચળ, વાછડો અને મુખ — આ ત્રિપદીથી મુખરતું માતૃત્વ શું કરે છે? આ બગાઈથી બણબણતા ઘરને દૂગ્ધોજ્વલ હીરથી ભીંજવી દે છે! કવિએ કાવ્યબાની પણ સીમ-શોભતી પ્રયોજી છે. એના બે વિશેષો અહીં અલગથી નોંધવા છે: પ્રથમ બે ચતુષ્કમાં રેલાતો ‘ઇ'કાર અખૂટ સીમ અને અસીમ શાંતિના વૈપુલ્યને એના નાદથી અનુભવરાવે છે. આનાથી ઊલટું, ત્રીજા ચતુષ્કમાં પ્રયુક્ત મૂર્ધન્ય વર્ણો, કવિએ સીમની તુલનામાં ઘરનું જે હીણું દૃશ્ય રચવું છે તેમાં સહાયભૂત થાય છે. પેલો ‘ઇ'કાર અહીં પણ ખપ લાગ્યો છે. ‘સીમ’ હોય તોય અને ‘ઘર’ હોય તોપણ, તેની સઘળી મહત્તા-મર્યાદાની ઉપરવટ તો રેલાય છે પેલું આંચલ, વત્સ અને ઓષ્ઠ થકી છલકાતું-ઊભરાતું માતૃત્વ જ.