પરિભ્રમણ ખંડ 1/મોળાકત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મોળાકત


આષાઢ મહિનાનાં અજવાળિયાં નીતરે છે. કુમારિકાઓ જવેરા વાવે છે. કેવી રીતે વાવે? બરાબર આષાઢની અજવાળી પાંચમે —

મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો
મારે કિયા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો
મારે…ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો
મારે…વહુએ સીંચ્યા રે જવ છે ડોલરિયો

એમ ગાતી ગાતી તેવતેવડી કુમારિકાઓ ભેળી મળીને કાળી ધૂળ અને છાણ લેવા નીકળે છે. લાવીને રામપાતરમાં ભરે છે. એમાં જવ, ઘઉં, તલ ને મગ : એમ ચાર જાતના દાણા વાવે છે. ત્રીજે દિવસે તો જવેરા ઊગી જાય છે. લીલા લીલા રૂપાળા કોંટા ફૂટે છે. પાંચમે દિવસે જવેરા પૂજાય છે. કેવી રીતે પૂજે? રૂનો એક નાગલિયો કરીને ચડાવે અને કંકુના છાંટા નાખે. દસમને દા’ડે કુમારિકા ડાટો કરે છે. ડાટો કરે એટલે શું? લાપસી કરે, કાં ચૂરમું કરે. પરોઢિયો પેટ ભરીને ખાઈ લે. દસમથી પૂનમ સુધી રોજ સવારે ઘેરો વળીને કુમારિકાઓ નદીએ નાહવા જાય. જાય ત્યારે ય ગાતી જાય :

મગ મગ જેવડા મોગરા રે
તલ તલ જેવડાં ફૂલ, મોરી સૈયર! આંબો મોર્યો.
ગામનો ગરાસિયો કૃષ્ણકુમાર[1] રે
પાઘડીમાં રાખે ફૂલ મોરી સૈયર! આંબો મોર્યો.
ગામની ગરાસણી…બા [2] રે
ફરતાં ઝીલે ફૂલ મોરી સૈયર! આંબો મોર્યો.

નદીકાંઠે ગારાની ગોર્ય (ગૌરી) કરી હોય તેને નાહ્યા પછી કુમારિકાઓ પૂજે. પૂજતાં પૂજતાં ગાતી જાય :

ગોર્યમા ગોર્યમા રે
સસરો દેજો સવાદિયા
ગોર્યમા ગોર્યમા રે
સસરો દેજો સવાદિયા
તમે મારી ગોર્યમા છો!
ગોર્યમા ગોર્યમા રે
સાસુ દેજો ભુખાળવાં. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
કંથ દેજો કહ્યાગરો. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
નણંદ દેજો સાહેલડી. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
તમે મારી ગોર્યમા છો!
ગોર્યમા ગોર્યમા રે
સાસુ દેજો ભુખાળવાં. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
કંથ દેજો કહ્યાગરો. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
નણંદ દેજો સાહેલડી. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
દેરાણી જેઠાણીનાં જોડલાં. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
દેર ને જેઠ બે ઘોડલે. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
ભગર ભેંસનાં દૂઝણાં. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
કાઠા તે ઘઉંની રોટલી. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
મહીં રે માળવિયો ગોળ રે. — તમે મારી.

રોજ પથારીએ બેસીને બપોરે એક ટાણું જમે. મોળાં અન્ન ખાય. એક વાર ખાઈને ચતેચતાં પથારીમાં સૂઈ પણ લે. ઊઠીને વળી થોડું ખાય. પણ પડખું ફરી જવાય તો ફરી વાર ખાવું ખપે નહિ. જમી કરી, પથારીએથી ઊઠી, સાંજે કન્યાઓ કાન ઊઘાડવા જાય. જઈને માગે :

ગોર્ય ગોર્ય માડી!
ઉઘાડો કમાડી!
હું આવું છું પૂજણહારી.
પૂજણહારી શું માગે?
ઢીંગલિયાળી ધેડી માગે
પાઘડિયાળો પૂતર માગે
દેરિયાં જેઠિયાંનાં જોડલાં માગે
દૂઝણિયું ઝોટડિયું માગે

એમ ત્રણ દિવસ ગોર્યને પૂજે; ચોથે દી સૂરજ સામા જવેરા રાખીને સૂરજ પૂજે અને પૂનમને દી ગાયનો ખીલો પૂજે. પૂનમને દિવસે જવેરાને પાણીમાં બુડાડવા નદીએ જાય. નદી ન હોય તો તળાવે જાય. તે ટાણે ગાય કે —

રિયો રિયો ગોર્યમા આજનો દા’ડો, કાલ્યનો દા’ડો
ઝાંઝરિયા ઘડાવું રે!
તમારા ઝાંઝરિયાને શું કરું.
મારે નદીએ ના’વા જાવું રે!
નદીનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી,
સરવર ના’વા જાવું રે!
સરવરનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી!
કૂવે ના’વા જાવું રે!
ડબ દઈને ડબકી ખાધી
ગોર્યમા વે’લા આવજો રે!
તમને ચીરના ચંદરવા
તમને અટલસનાં ઓશીકાં
તમને પાંભરિયુંના પડદા
વે’લા આવજો રે. — રિયો રિયો.




  1. પોતાના ગામનાં જે રાજા–રાણી હોય તેનાં નામ લેવાય છે.
  2. સસરાજી અને સાસુજી ખાવાનાં શોખીન હોય તો પોતાને એ લાભ મળે ખરો ને!