પરિભ્રમણ ખંડ 1/વીરપસલી (વાત બીજી)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વીરપસલી

(વાત બીજી)


કણબીને સાત દીકરા હતા. સાતેય ભાઈ વચાળે એક બેન હતી.

બેનને તો પરણાવેલી છે, પણ સાસરેથી કોઈ એને તેડતું નથી. જમાઈ તો દીકરીની સામુંય જોતો નથી. સાત ભાઈમાં છ પૈસાદાર, ને સાતમો ગરીબ. બેનને તો ભાઈઓ સંઘરતા નથી. બેન તો માવતર ભેગી રહે છે અને રોજ ઊઠીને ભાઈઓના વાછડા ચારવા વગડામાં ચાલી જાય છે. શ્રાવણ માસ આવ્યો છે. અંજવાળિયો આતવાર આવ્યો છે. નદીને કાંટે તેવતેવડી છોડીઓ બેઠીબેઠી વીરપસલીના દોરા લે છે, નાય છે ને ધોવે છે. કણબીની દીકરી વાછડા ચારવા જાય છે ત્યાં એણે નદીકાંઠે સૌ છોડીઓને દોરા લેતી દીઠી છે. એણે તો પૂછ્યું છે, કે — “બાઈયું, બેન્યું, આ તમે શું કરો છો?” “અમે તો વીરપસલીના દોરા લઈએ છીએ. આજ તો વરસ દીનું ભાઈનું વ્રત છે. આજ તો ભાઈ જે આપે તે જ ખવાય.” “વીરપસલીના દોરા લીધે શું થાય?” “વીરપસલી મા ભાઈને સુખી રાખે; બેનનેય સૌ સારાં વાનાં થાય.” બાઈ તો નિસાસો નાખીને ઊભી રહી છે. એ તો બોલી છે કે “અરેરે! કોઈને એક ભાઈ હોય, કોઈને બે ભાઈ હોય; મારે તો ઘણાયે સાત ભાઈ છે! પણ મને તો વ્રતનું ઊજવણું કોણ કરાવે? નાનો ભાઈ ગરીબ છે. મોટા જરા જીવવાળા છે, પણ હોંકારોય દેતા નથી.” તોય બેન તો દોરા લેવા બેઠી છે, છોડીઓમાંથી કોઈએ ચીર માયલો, કોઈએ ચૂંદડી માયલો, એમ આઠ તાંતણા કાઢ્યા છે, ને આઠ ગાંઠ વાળી છે. કહ્યું છે કે — ‘આ લે બેન, આઠ દી લગણ દેવતા પૂજજે; નાહીધોઈ સાંજે દોરાને ધૂપ દેજે, ધૂપ દઈને જમજે. આઠમે દીએ દોરો ઊજવજે. દોરો પીપળે બાંધી આવજે.’ દોરો લઈને દીકરી ઘેરે આવી છે. માને એણે વાત કરી છે. કહ્યું છે કે “માડી, આજથી ચૂલામાં દેવતા ભારી મેલું છું. કોઈ મારો દેવતા ઠારશો મા.’ ભોજાઈઓને તો ખબર પડી છે. ભોજાઈઓને તો ખેધ જ હોય ને! એક બીજી ખિખિયાટા કરવા માંડી છે કે ‘આ જો ને આ! ઉજડિયા ઘરને બાળી બોળીને તો બેઠી છે, ને વળી આંહીં આવીને કૂડલા કટુડિયા કરે છે. કોણ જાણે શું યે દોરાધાગા લાવી છે!’ મા બિચારી આંખે આંધળા જેવી, એટલે એક ઠેકાણે બેસી રહે. અને ભોજાઈઓ આવીને ચૂલામાં પાણી નાખી જાય. દીકરો તો નદીએ નાહીને ઘેર આવે ત્યાં દોરાને ધૂપ દેવા દેવતા ન મળે! “માડી, આ મારો દેવતા કોણે ઠારી નાખ્યો?” “બેટા! તારી ભોજાયુંએ! બીજા કોણે?” “સારું માડી! હું હવેથી કટુડિયામાં દેવતા લઈને સીમમાં જઈશ. વાછરુના કાનમાં દાણા મેલીશ. એ સાંભળશે ને હું વાર્તા કહીશ.” એમ કરતાં તો આઠ દી થયા છે. દીકરી તો બોલી છે કે “માડી! આજ તો મારો દોરો ઊજવવો છે. આજ તો ભાઈ જે દેશે તે જ જમાશે.” મા કહે, “માડી, ભાઈયુંને ઘેર જઈને માગી આવ.” બેન તો મોટેરા ભાઈઓને ઘેર ગઈ છે. જઈને પૂછે છે, “ભાભી, ભાભી, મારો ભાઈ છે?” છયે ભોજાઈઓ તો બરો છણકો કરી કરીને બોલી છે કે “તું જાણ ને તારો ભાઈ જાણે! શું કામ છે?” “મારે વીરપસલીનો દોરો ઊજવવો છે.” “જા, રાંડ, અમારે દોરાધાગા નથી કરવા. અમારે પરમેશ્વરનું દીધેલ ઘણું છે.” એમ હબડાવી ફફડાવી, વડચકાં ભરી, રોવરાવીને તો છયે ભોજાઈઓએ નણંદને કાઢી છે. આંખો લૂછીને એ તો નાનેરા ભાઈને ઘેર ગઈ છે. ભોજાઈ તો છાશ તાણે છે. જઈને બંને તો પૂછ્યું છે કે — “ભાભી, ભાભી, મારો ભાઈ છે?” ભોજાઈએ હસીને જવાબ વાળ્યો છે કે “આવો આવો બા, તમારા ભાઈ ખેતરે ગયા છે. હજી તો માંડ સીમાડે પહોંચ્યા હશે.” સાંભળી બેને તો ભાઈની વાંસે દોટ દીધી છે. ભાઈ, પસલી! ભાઈ–પસલી! એમ બોલતી દોડી જાય છે. ભાઈ તો બેનને ભાળીને ઊભો રહ્યો છે. બેને તો જઈને ભાઈને વીરપસલીના દોરાની વાત કરી છે. સાંભળીને ભાઈ તો બોલ્યો છે કે — “અરેરે બેન! આંહીં સીમમાં શું આપું? લે આ કોદરા આપું છું એને ઘઉં કરી જાણજે. આ ધૂડનું ઢેકું આપું છું એને ગોળ કરી જાણજે. આ ખોટો ત્રાંબિયો [1] આપું છું એને સોનામહોર કરી જાણજે!” ભાઈએ તો ચારે વાનાં ઊજળે મોંએ આપ્યાં છે. રાજી થાતી થાતી બેન તો પાછી વળી છે. એ જ ટાણે જમાઈ તેડવા આવ્યો છે. સાસુએ તો હરખનાં આંસુડાં લૂતાં લૂતાં ખાટલો ઢાળી દીધો છે. પાણીનો કળશો ભરીને પાયો છે. જમાઈ તો કહે, “હું તેડવા આવ્યો છું. અબઘડી ને અબઘડી જ મારે તેડી જાવાનું છે. મારાથી ઘડીવારે રોકાવાશે નહિ.” સાસુ કહે, “અરેરે માડી! નો’તા ત્યારે નો’તા જ આવ્યા, અને આવ્યા ન્યારે એક સામટા ઉતાવળા થઈને આવ્યા!” પણ જમાઈ તો માનતા નથી. માએ તો દીકરીને સાબદી કરી છે. દીકરીના આણાનો માળીડો ભરવો છે. પણ માંહીં ભરવું શું? દીકરીને દેવા જેવું તો કંઈ ન મળે! ‘હાલો નણદીને વોળાવા જાયેં!’ એમ હસતી હસતી ભોજાઈઓ આવી છે. કોઈ સાવરણી લાવી; કોઈ સૂંથિયું લાવી, કોઈ જૂની ઈંઢોણી લાવી. કોઈ ગાભા–મસોતાં ને ચીંથરાં લાવી. જે મળ્યું તે બધું ય માએ તો ઠાંસી ઠાંસીને દીકરીની બચકીમાં ભર્યું છે. ભૂખી–તરસી દીકરીને માએ તો તે–ને તે ટાણે વળાવી દીધી છે. દીકરી કહે કે “માડી, હું તો માર્ગે ઊજવણું કરી લઈશ.” વળાવીને મા ઘરે આવી. ત્યાં તો સાંભર્યું કે દીકરી દેવતા ભૂલી ગઈ છે. અરેરે! બાપડીને દોરો ઊજવતાં વગડામાં વપત પડશે. મા તો દેવતા લઈને વાંસે દોડી છે. ‘દીકરી, દેવતા! દીકરી, દેવતા!’ કરતી શ્વાસભરી દોડી જાય છે. જમાઈએ સાસુનો સાદ સાંભળ્યો છે. ઊભાં રહ્યાં છે. વહુને વર કહે કે તારી મા જેવું કોઈક આવતું લાગે છે. આઘે ધુમાડા દેખાય છે. માએ તો આવીને દીકરીને દેવતા દીધો છે. દઈને મા તો પાછી વળી છે. સ્વામી તો માર્ગે મશ્કરી કરવા મંડ્યા છે કે તારી માને બીજું કાંઈ ન મળ્યું તે દેવતા દેવા દોડી! બાઈ કહે, “સ્વામીનાથ! મારે તો સારા પ્રતાપ એ દેવતાના, કે તમે નો’તા તેડતા ને તેડી. મારે વીરપસલીનું ઊજવણું કરવું છે. હું હજી ભૂખી છું, આંહીં આપણે વિસામો ખાઈએ.” એક વાવ છે ત્યાં તો વરવહુ ઊતર્યાં છે. બાઈ તો દોરાને ધૂપ દઈને ના’વા ગઈ છે. નાઈને નીતરતે લૂગડે વાવમાંથી નીકળીને પગથિયે ઊભી રહી છે, અને સ્વામીને સાદ કરી કહ્યું છે. “સ્વામીનાથ, ઓલ્યા બચકામાંથી એક ગાભો કાઢીને ફગાવો તો!” ધણી તો બચકી ઉઘાડે ત્યાં એક એકથી ચડિયાતાં હીર ચીર ને અંબર દીઠાં છે. એણે તો પૂછ્યું છે : “હે સતી! આમાંથી કયા રંગનું ચીર આપું?” “અરેરે! ચીર કેવાં! મારી ગરીબ માની મશ્કરી કાં કરો?” એમ બોલતાં બોલતાં બાઈની આંખમાંથી દડ! દડ! દડ! દડ! આંસુડાં પડવા મંડ્યાં છે. “ના રે ના, હું મશ્કરી નથી કરતો. આમ જુઓ!” એમ કહીને સ્વામીનાથ તો બધાં ચીર બતાવે છે. બાઈએ તો જાણ્યું કે મારી વીરપસલી મા ફળ્યાં છે. બાઈએ તો હીરચીર પહેરી લીધાં છે. એના રૂપ તો ક્યાંય માતાં નથી. બાઈ ધણીને કહે છે : “લ્યો, સ્વામીનાથ! મારા ભાઈએ ત્રાંબિયો દીધો છે. પડખેના ગામમાં જઈને એનું કાંઈક સીધું લઈ આવો!” એમ કહીને ત્રાંબિયો કાઢે ત્યાં તો સોનામહોર થઈ પડી છે! ઘણી તો ગામમાં ગયો છે. વાંસેથી બાઈ તપાસે તો નાના ભાઈના દીધેલ કોદરા સાચેસાચ કાંઠા ઘઉં થઈ પડ્યા છે. ધૂળનું ઢેફું ગોળનું દડબું થઈ ગયું છે. ને પાણીના લોટકામાં ભેંસનું ઘી થઈ ગયું છે. જોતજોતામાં તો બાઈ જ્યાં બેઠી હતી ત્યાં મહેલ મો’લાત થઈ પડી છે. અને પોતે તો વાવની પાળને બદલે ગોખમાં બેઠી છે! ગામમાંથી ધણી જ્યાં આવે ત્યાં એને તો અચરજ થયું છે કે અરે! આંહીં મોલાતું કેવી! અને મારી અસ્ત્રી ક્યાં! ક્યાં છો? ક્યાં છો? એમ સાદ પાડતો સ્વામી ગોતે છે, ત્યાં તો — “આંહીં છું! આંહીં છું!” એમ ગોખમાં બેઠેલી અસ્ત્રી જવાબ આપે છે. ધણી મેડીએ જાય છે. રાંધવા સારુ બાઈ તો ઘરમાં ચૂલો ખોદે છે. પણ જ્યાં ખોદે ત્યાં સોનાના ચરુ! જ્યાં ખોદે ત્યાં સોનાના ચરુ! ધરતી તો દેખાય જ નહિ! હાથ જોડીને બાઈ તો બોલી છે કે ‘હે વીરપસલી મા! ત્રુઠમાન થયાં તો ભલે થયાં, પણ રાંધી ખાવા જેટલી જગ્યા તો આપો! અમે ભૂખ્યાં થયાં છીએ.’ એટલું કહ્યું ત્યાં તો ધરતી હતી તેવી થઈ ગઈ છે. રાંધી ચીંધીને ખાધું છે. વરવહુ બેય જણાંએ તો ત્યાં જ વાસો કર્યો છે.

થોડાંક વરસ વીત્યાં ત્યાં તો બાઈના પિયરમાં દુકાળ પડ્યો છે, સાતેય ભાઈઓનું બળીને બુંદ બેસી ગયું છે. સાતેયને ખાવા ધાન નથી રહ્યું. સાત ભાઈ, સાત ભોજાઈ, મા ને બાપ; એમ સૌ દાડી ગોતવા હાલી નીકળ્યાં છે. હાલતાં હાલતાં ઊડતા વાવડ મળ્યા છે કે ફલાણે ઠેકાણે કામ હાલે છે ત્યાં કોઈ શેઠિયો દાડિયાં દપાડિયાં રાખે છે. વગડામાં જ્યાં બાઈની મેડીઓ હતી ત્યાં સૌ આવી પહોંચ્યાં છે. બાઈએ તો પોતાનાં ભાંડરડાંને, ભોજાઈઓને અને માવતરને ઓળખી કાઢ્યાં છે, પણ પોતે બોલતી નથી. “બાઈ, બેન દાડીએ રાખશો?” “ભલે, બહુ સારું!” એમ કહીને બાઈ છ ભાઈને કહે, “તમે કોદાળી–પાવડા લો.” છ ભોજાયુંને કહે, “તમે સૂંડલા–તગારાં લો.” નાનેરા ભાઈને કહે, “તમે દુકાન ચલવો.” નાનેરી ભોજાઈને કહે, “ચૂલા આગળ રહો.” ડોસીને કહે, “ઘોડિયાની દોરી તાણો.” ડોસાને કહે, “ડેલીએ બેસીને સૌને કણક આપો.” સૌ સૌને કામે લાગી પડ્યાં છે. છયે ભાઈને અચરજ થાય છે કે શેઠાણી નાનેરાને કેમ સૌથી સારી રીતે રાખતાં હશે! પણ સમસ્યા તો સમજાતી નથી. એમ કરતાં તો ભાઈબીજ આવી છે. જમનાજીએ પોતાના ભાઈ જમરાજાને જે દી જમવા નોતર્યા’તા ને સામસામાં ભાઈ–બેને પાટલે બેસીને પૂજા કરી’તી તે કારતક શુદ બીજ આવી છે. બેને તો સાતેય ભાઈઓને કહ્યું છે : “તમે મારા જીભના માનેલ ભાઈ છો. તમે આજે કામે જાશો મા. આજ અણોજો પાળજો. આખું કુટુંબ મારે ઘેર જમવા આવજો.” સાતેય ભાઈને જમવા બેસાર્યા છે. છ મોટેરાઓની થાળીમાં અક્કેક સોનાનો ઘડાવેલ દેડકો અને કડવા લીંબડાની ભાજી પીરસી છે અને નાનેરાના ભાણામાં લાપસી મેલી છે. નાનેરો તો ખાવા મંડ્યો છે, પણ મોટેરા શું ખાય? સોનું કાંઈ ખવાતું નથી, અને લીંબડાની ભાજી તો કડવી ઝેર લાગે છે. છયે ભાઈઓ સામસામાં મોઢાં વકાસીને જુએ છે. બેન પૂછે છે, ‘કાં ભાઈ, કેમ ખાતા નથી?’ ‘બેન બેન, ભાજી બહુ કડવી લાગે છે.’ ‘હુંયે તમને છયેને એ ભાજી જેવી જ કડવી લાગતી’તી, કેમકે તે દી તમારે ઘેર સોનું હતું.’ એટલું કહ્યું છે, ત્યાં તો છયે ભાઈ ચમકે છે. એને પોતાની બેન સાંભરે છે. બેનની અણસાર ઓળખાય છે. છયેને મોઢે તો મશ ઢળે છે. વળી પાછી બેન બોલી છે કે ‘આ નાનેરા ભાઈના ઘરમાં તો કાંઈ નો’તું. એણે મને ધૂળનું ઢેફું, પાણીનો લોટકો અને ખોબો કોદરા આપ્યા, પણ ઊજળે મોઢે આપ્યા. આજ સારા પ્રતાપ મારે એના, કે વ્રતનું ઊજવણું થયું ને વીરપસલી માએ મારો દી વાળ્યો.’ છયે ભાઈ અને છયે ભોજાઈની આંખે શ્રાવણ–ભાદરવો છૂટ્યા છે, એને તો પસ્તાવાનો પાર રહ્યો નથી. બેનને પગે પડીને ભાઈ–ભોજાઈ વીનવે છે કે બેન અમારા અપરાધ માફ કર! સાતેય ભાઈઓને સાથે રાખીને બેન તો સુખી થઈ. વીરપસલી મા એને ફળ્યાં એવાં સૌને ફળજો.

વરસ રે વાદળી
વીરના ખેતરમાં!
બંટીનું ઢેબરું
બેનના પેટમાં!

[ચાતુર્માસમાં વીરપહલી વ્રત રહેતી બહેન વાદળીને જોઈ કહે છે કે ‘હે વાદળી! મારા ભાઈના ખેતરમાં વરસજે’ કે જેથી મને — બહેનને — ભાઈ બંટીનું ઢેબરું પણ ખવરાવીને પોષશે.]

  1. જૂના સમયમાં પૈસાનો સિક્કો તાંબાનો હતો : ત્રાંબિયો.